પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૧
વિચારશીલ મુદ્રામાં રંભક બેઠો હતો. યુવાનીના લયમાં આવેલો, સુડોળ કાયાવાળો અને તેજવંત આંખો ધરાવતો. ધનિક હોવા છતાં પોતે સરળ અને નિષ્કલંક સ્વભાવનો હતો. તેનું ધ્યાન સામે પડેલી શતરંજ પર હતું. ક્યા પ્યાદાને કઈ બાજુ ચલાવવું એનો તે વિચાર કરી રહ્યો હતો. તેની સામે સુતન બેઠેલો હતો, જેણે પોતાની ચાલ ચાલી લીધી હતી. સુતન મૂછમાં હરખાઈ રહ્યો હતો. પોતાની ચાલ ચાલીને તેણે રંભકને વિચારતો કરી દીધો હતો.
સુતન, એ કંડેશ્વરના પંચકૂળ સોમચંદ્રનો પુત્ર હતો. એટલે પોતે શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખેલો હતો. તે એક યુવાન, ખડતલ અને વિરલ પુરુષ હતો. કણસાયેલું તેનું શરીર અને શ્વેત વાન, કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરી લે એવા હતા. પંજાદાર કાયા અને એથી વિશેષ તેની બોલવાની કલા હતી. તેનું વાક્ચાતુર્ય અને મધુરપ કોઈને પણ ભ્રમણામાં નાંખી દેતા. ઉપરથી પંચકૂળનો પુત્ર, એટલે તેની સામે બોલનાર કોઈ નહોતું. પ્રજાજનો તેને માનભેર બોલાવતાં. એટલે જ કંડેશ્વરની અનેક કન્યાઓ તેને પોતાના પતિ સ્વરૂપે સ્વીકારવાની અભિલાષી હતી.
રંભક તેનો મિત્ર હતો. કંડેશ્વરમાં ધનાઢ્ય પરિવારો સાથે વહીવટ કરવો, એવી જવાબદારી સોમચંદ્રએ પોતાના દીકરાને હસ્તગત કરી હતી. પોતે જે કાર્ય કરતા એ તમામ પોતાનો દીકરો પણ કરે એવી તેની ઈચ્છા હતી. જેથી એના પંચકૂળ પદ પરથી નિવૃત્ત થયા પછી, સામંત તેના દીકરાની પસંદગી કરે. આથી અમુક નાના-મોટા કામ એ પોતાના દીકરા પાસે કરાવવા લાગ્યો હતો.
આવા કામોમાં, રાજકીય આદેશોને લઈ જવા અને લઈ આવવા, તેમજ કંડેશ્વરના ધનાઢ્યો પાસેથી કર વસૂલી કરવી અને ખેડૂતો પાસેથી રાજ ભાગનું અન્ન એકત્રિત કરીને રાજ દ્વાર સુધી પહોંચાડવાની જવાબદારી તેને માથે સોંપવામાં આવી હતી. આજે પોતે એવા જ એક કામથી કંડેશ્વરના ગણાતા ધનાઢ્ય રંભકને ઘેર આવ્યો હતો.
રંભક પણ તેનો સમોવડીયો જ હતો. તેના પિતા ભાસ્કર મોટા વ્યાપારી હતા. સમગ્ર સૌરાષ્ટ્ર અને લાટ તેમજ આનર્ત પ્રદેશ સુધી તે કપડાનો વ્યાપાર કરતા હતા. કંડેશ્વર નગર અને આસપાસના ઘણા ખરાં ગામોમાંથી કપાસની ખરીદી કરી, તેમજ વણાયેલા કાપડને અન્ય પ્રદેશોમાં વેચવું એ તેનું મુખ્ય કામ હતું. પોતે વ્યાપારના હેતુથી મોટાભાગનો સમય કંડેશ્વરની બહાર જ રહેતા. જ્યારે હવે રંભક મોટો થઈ ગયો હોવાથી સૌરાષ્ટ્રનો ઘણો ખરો વ્યાપાર એ સંભાળી લેતો. રંભક અને સુતન બંને નાનપણથી જ સાથે રહેલા મિત્રો હતા.
સુતન હરખાઈને કહેવા લાગ્યો, "જોજે મિત્ર. સંભાળીને પ્યાદું ચલાવજે. એક ખોટી ચાલ તને હરાવી શકે છે."
રંભક કહે, "તારા જેવી ચાલ ચાલતા તો કંડેશ્વરમાં કોઈને આવડતું જ નથી. મને તો સૌરાષ્ટ્રમાં તને હરાવનાર કોઈ હશે કે નહીં એની પણ શંકા છે."
સુતન હસ્યો અને કહ્યું, "તું મને મસ્કા લગાવીને જીતવાનો પ્રયત્ન કરી રહ્યો છે? કે પછી મારા મનમાં અભિમાન ભરીને રમત પલટાવવાની કોશિશ છે?"
"એવી રમત પલટાવવાની કોશિશ હું તે શું કરું?" કહીને રંભકે પોતાની ચાલ ચાલી. તેણે ચલાવેલા પ્યાદાને સુતને ધ્યાનથી જોયું. પોતાના હાથમાં રહેલ મદિરાના પ્યાલામાંથી તેણે અંતિમ ઘૂંટ ભર્યો અને પ્યાલો ખાલી થઈ ગયો. પ્યાલાને એકબાજુ રહેલા મેજ પર રાખી એ શતરંજ તરફ આગળ ઝૂક્યો. પોતાની ચાલ ચાલ્યા પછી રંભક બેઠક પર ટેકવીને બેસી ગયો હતો અને તે પોતાની ચાલ અંગે વિચારવા લાગ્યો.
તે ફરી હસ્યો અને રંભકે ચલાવેલા ઊંટને જોતા એ બોલ્યો, "વિચાર તો તે ઘણો કર્યો. ઊંટને આગળ ચલાવવાની તારી ચાલ ઉત્તમ છે મિત્ર. મેં વિચાર્યું નહોતું કે તું તારા આ પ્યાદાને આગળ ચલાવીશ. પણ મારું નામ સુતન છે. હું ચાલ હંમેશા એવી જ ચાલુ છું, કે સામેની વ્યક્તિને છટકવાનો કે વિચારવાનો મોકો જ ના મળે. તારા ઊંટ માટે, મારો ઘોડો કાફી છે." તેણે આગળ રહેલા ઘોડાને અઢી ડગલાં પાછળ ચાલીને રંભકના ઊંટને માર્યું.
"વાહ મિત્ર. અદભુત. આનંદ થયો તારી સાથે રમીને." બંને મિત્રો હસ્યાં. રંભક આગળ બોલ્યો, "લે મિત્ર. આ બીજી પોટલી. મેં તને શતરંજમાં હરાવી કરમાંથી અડધા કરની મુક્તિ માંગી હતી. પણ લાગે છે કે તું પૂર્ણ કર લઈને જ જવાનો છે. લે આ બાકીનું દ્રવ્ય."
"રમત હજુ પૂરી નથી થઈ. તું તો પહેલેથી જ પાણીમાં બેસી ગયો."
"આ અડધી રમતમાં જ મને સમજાય ગયું છે કે આખી રાત આપણે રમીશું, છતાં અંતે જીતવાનો તો તું જ છે." બંને ફરી હસ્યાં. સુતને તેના હાથમાંથી પોટલી લીધી અને પોતાની બાજુમાં પડેલા મેજ પરની અન્ય બે પોટલી સાથે રાખી દીધી. રંભકે પોતાની દાસીને સાદ કર્યો, "ગુલ્ફામ..."
થોડીવારમાં તેની દાસી ગુલ્ફામ ત્યાં આવી. તેને આવતા સુતન એકીટશે જોઈ રહ્યો. ગુલ્ફામ સુંદર હતી. સુતનની નજર તેની સુંદરતા પર પડી. તેની લટકંતી ચાલ એક દાસી કરતાં વિશેષ હોદ્દા પર તેને શોભાવે તેવી હતી. તેની ચાલને, તેના જમીન પર પડતા પગને અને તેની આંગળીથી લઈને ખભા સુધીના હાથને સુતન નીરખી રહ્યો. અડધી રાતના દીપકના અજવાળામાં પણ તેનું રૂપ મોહિત કરનારું દેખાઈ રહ્યું હતું.
"હુકમ શેઠ." તેણે મસ્તક નમાવી, બંને હાથ જોડતા કહ્યું.
બેઠક પર અઢેલીને બેઠેલા રંભકે ટેકો છોડી દીધો. તેણે સુતનને માન આપતા કહ્યું, "મારો મિત્ર ઘણા સમય પછી મારે નિવાસે આવ્યો છે. કોઈ કસર ના રહે તેની જવાબદારી મારી છે. આજે એ પ્રસન્ન થઈ જાય એટલું મદિરાપાન કરાવ. તેના પ્યાલામાં મદિરા નાખ."
"જેવો હુકમ આપનો." કહીને તેણે ખાલી પડેલા સુતનના પ્યાલામાં મદિરા ઠલવી. તે સમયે એ સુતનની ઘણી નજીક આવી ગઈ હતી. તેના શરીરની સુવાસ સુતન અનુભવી રહ્યો હતો. પ્યાલો લેતા તેણે ગુલ્ફામની આંગળીઓનો સ્પર્શ કર્યો. તેનું મસ્તિષ્ક અનેક ગતિથી દોડી ગયું અને કોઈ ચાલ તૈયાર કરી હોય એમ એ બોલવા લાગ્યો, "ગુલ્ફામ, હું એકલો પીઉં એ સારું ના લાગે. ભલે મારો મિત્ર મને મહેમાન કહે, પણ શરમ મારા મિત્રને પણ ના રહેવી જોઈએ. મારાથી પહેલા તેને પીરસ. ને ધ્યાન રહે, જ્યાં સુધી અમે સંતોષ ના અનુભવીએ ત્યાં સુધી અહીં રહીને એક એક પ્યાલો આપ્યા કરજે."
સુતનની આવી વાત સાંભળી રંભક હસ્યો. સરળ સ્વભાવનો તે સુતનની વાતનો મર્મ ના સમજી શક્યો. પણ ગુલ્ફામ વ્હેમાઈ ગઈ હતી. તેને તેના શબ્દોમાં કોઈ ગડબડ લાગી. તે રંભકને બોલી, "માલિક માફ કરજો. નાનું મોઢું ને મોટી વાત કરું છું. પણ આટલી મદિરા એક સાથે સારી નથી હોતી."
રંભક બેફિકરાઈથી બોલ્યો, "અરે છોડને. સુતન ક્યાં મારે નિવાસે રોજ પધારે છે! આજ મોકો છે. થવા દે. તું છે પછી મને શેની ચિંતા છે?" રંભકને ગુલ્ફામ પર વિશ્વાસ હતો અને તે પણ રંભકના આદરને માનતી હતી.
ગુલ્ફામે કુંજો લીધો અને એક પ્યાલામાં ઠાલવી સુતન તરફ ધર્યો. સુતન પોતાના હાથમાં રહેલા પ્યાલાને ઉઠાવી બોલ્યો, "મારો પ્યાલો હજુ ભરેલો છે. મેં તને કહ્યું એ તે સાંભળ્યું નહીં દાસી. ભલે હું આજ મહેમાન રહ્યો, પણ પહેલા મારો મિત્ર. પહેલા એને સંતોષ. હું તો પછી મારો સંતોષ મેળવી જ લઈશ." ગુલ્ફામે હાથમાં રહેલો પ્યાલો રંભક તરફ કર્યો. તે બોલ્યો, "અડધી રાત્રે પણ તું મને મહત્ત્વ આપી રહ્યો છે. તું ખરેખર એક સારો મિત્ર છે સુતન."
તેણે પ્યાલો લીધો અને એકસાથે જ ખાલી કરી નાખ્યો. "આપ મારા મિત્રને." રંભક બોલ્યો. સુતન કહેવા લાગ્યો, "મારો પ્યાલો તો હજુ ભરેલો છે. પરંતુ મારા મિત્રને કોઈ શરમ ના રહે. તેને આપ." સુતન પોતાનાથી ત્રણ ગણી મદિરા રંભકને પીવરાવી રહ્યો હતો. ગુલ્ફામ તેના પ્યાલા પર કુંજો આડો કરી ગ્લાસ ભરી રહી હતી.
પાછળ બેઠેલો સુતન ઘૂંટ લેતા તેને તાકી રહ્યો હતો. રંભક ધીરે ધીરે નશાની કેદમાં આવી રહ્યો હતો. તેની આંખો ધીરે ધીરે બંધ થઈ રહી હતી. પરંતુ પોતાને એક નજરે તાકતા સુતનને જોઈ ગુલ્ફામને એ સમજતા વાર ના લાગી કે તેની દૃષ્ટિ બદલાઈ ગઈ છે.