પ્રકરણ ૩ - પ્યાદાંની ગોઠવણી - ભાગ ૨
ગુલ્ફામ અંદરથી ડરેલી હતી. કહેવાય છે ને કે એક પુરુષના બદઇરાદાની ગંધ સ્ત્રીને આવતા વાર નથી લાગતી. ગુલ્ફામ સતેજ થઈ ગઈ. તેને જાણ થઈ ગઈ હતી, કે સુતનના વિચારોમાં પરિવર્તન આવ્યું છે. તેણે જાણી જોઈને રંભકને વધારે મદિરાપાન કરાવ્યું, જેથી એની હાલત નાજુક થઈ જાય.
સંજોગો પણ એવા જ બન્યા જેવા સુતન બનાવવા માંગતો હતો. રંભક અર્ધભાન થઈ ગયો હતો. તેની આંખો મહાપ્રયત્ને ખુલતી હતી. સામેનું દ્રશ્ય તેના નેત્રોથી ઓઝલ થવા લાગ્યું હતું. જોકે, સુતનના વિચારોથી અજાણ રંભકને કોઈ ફેર નહોતો પડતો. તેને મન તો સુતન એક સારો મિત્ર હતો, એટલે અર્ધભાન અવસ્થામાં પણ તે નિશ્ચિંત હતો. છતાં, તેના પ્યાલામાં મદિરાનું અર્પણ કરતી દાસી ગભરાયેલી હતી.
આખરે તેનો ડર સાચો ઠર્યો. એકબાજુ રંભકની આંખો બંધ થઈ અને સુતને ગુલ્ફામનું વસ્ત્ર પકડ્યું. ગુલ્ફામ ઝણઝણી ઉઠી. તેના ધબકારા તેજ થઈ ગયા. "આ... આ તમે શું કરો છો?" ડરેલા અવાજમાં એ બોલી.
સુતન રાક્ષસી હાસ્ય કરતા કહેવા લાગ્યો, "એક દાસી પણ આટલી સુંદર હોઈ શકે તેની મને જાણ નહોતી. આજે જાણ થઈ. હવે હું મારી જાતને આ સુંદરતાનું પાન કરતા કઈ રીતે રોકું?"
"શેઠ... શેઠ... માલિક." તેણે રંભકને જગાડવાનો પ્રયત્ન કર્યો.
"વ્યર્થ છે..." સુતન જોરથી બોલ્યો, "તારો તારા માલિકને જગાડવાનો પ્રયત્ન વ્યર્થ છે, દાસી." તે કશું ના બોલી. આજે ઘરમાં કોઈ અન્ય નોકરની હાજરી નહોતી. રંભક સિવાય બીજું કોઈ હતું નહીં અને તે પણ બેભાન થઈ ચૂક્યો હતો. સુતને ઠંડા લોહીની ભાષા રેડી, "મારાથી ગભરાવાની કોઈ જરૂર નથી, ગુલ્ફામ. તું મને સારી રીતે ઓળખે છે. સમગ્ર કંડેશ્વરમાં અનેક કન્યાઓ મને પામવાના ઓરતા સેવી રહી છે અને તું આનાકાની કરે છે?"
ગુલ્ફામએ બંને હાથ જોડતા તેને કહ્યું, "જુઓ. હું એ કન્યાઓમાંથી નથી. રખે તમે મને સમજવામાં ભૂલ કરો છો. હું એવો કોઈ ઈરાદો નથી સેવતી."
"તું મારા વિશે જાણે છે અને એમ પણ જાણે છે કે મારી સામે તારું કશું નથી ચાલવાનું."
"માફ કરશો રાજન, પણ હું આના માટે તૈયાર નથી."
"ધનનો જોરે પણ નહીં? આ મેજ પર પડેલી ત્રણ પોટલીમાંથી એક તારી. આમાં ત્રણસો દ્રમ છે. એ ત્રણસો દ્રમનું ઈનામ ભોગવીશ. વિચાર કરી લે."
"મને દ્રમનો મોહ નથી."
સુતન થોડો ચકિત થઈ કહેવા લાગ્યો, "હૂંહ... એક નોકરિયાતને માલિક પાસેથી વધારે મેળવવાની આશા હોય છે, કારણ કે તેને જરૂર છે. હું અહીં તારી જરૂરિયાત પૂર્ણ કરવાનો તને મોકો આપું છું. ત્રણસો દ્રમ તને આ માણસ તારી ચાકરીના બદલામાં ક્યારેય નહીં આપે."
"હું મારી ઇમાનદારીનું ખાઉં છું. મારા માલિક જો ક્યારેક મને ત્રણસો તો શું, એક સો દ્રમ પણ એકસાથ ન આપી શકે, તો મને તેનો ક્યારેય રંજ નહીં રહે."
"બે... હું તને બે પોટલી આપીશ."
"નહીં રાજન."
"ત્રણ. આ... ત્રણેય ત્રણ પોટલી તારે હસ્તગત. નવસો દ્રમનો ખેલ છે. ગુલ્ફામ મને રાજી કર. તારા રૂપના માધુર્યનો મને સ્વાદ ચખાડ." સુતને પોતાનો સ્વાર્થ સાધવા તેને ધનની લાલચ આપી.
"નહીં રાજન. હું પરિણીત છું, સ્વાભિમાની સ્ત્રી છું. આવું હલકું કૃત્ય ક્યારેય નહીં કરું."
"તું સ્વાભિમાની નહીં, અભિમાની સ્ત્રી છે. તારા અભિમાનને તોડ. તારો પ્રપંચ છોડી દે." કહેતા સુતન તેની નજીક ગયો. ગુલ્ફામ ગભરાઈ. તેણે પોતાની તમામ શક્તિ એકત્ર કરી અને સુતનને ધક્કો માર્યો. તે સહેજ પાછો હડસેલાયો. તે હસવા લાગ્યો. ગુલ્ફામ સમજી ગઈ હતી કે સુતન તેને એટલી આસાન રીતે જવા નહીં દે. તે કડક શબ્દોમાં બોલી, "આ મારું પ્રપંચ નથી. મારું સ્વાભિમાન છે. એક સ્ત્રી પોતે જ પોતાનું સર્વસ્વ હોય છે અને પોતે જ પોતાની સીમા નક્કી કરે છે. આ સીમાની અંદર તેની અનુમતિ વગર કરેલો પ્રવેશ મૃત્યુને આમંત્રિત કરે છે."
સુતન હસ્યો. "મારા જેવા માણસની સીમા કોણ નક્કી કરે છે! અને મૃત્યુમાં એટલી તાકાત નથી કે એ મારી સામે મારી ઈચ્છા વિરુદ્ધ આવી શકે." કહીને તે ગુલ્ફામની નજીક ગયો અને પોતાની કેડમાં રહેલી કટાર કાઢી તેના ગળા પર રાખી તે આગળ બોલ્યો, "પણ તારું મૃત્યુ અચૂક મારા હાથમાં છે. જો દ્રમ લઈને મારું માની ગઈ હોત તો મારી આ કટાર તારા ગળા સુધી ના પહોંચેત."
"હું એમ છતાં આપની વાત નહીં માનું." ગુલ્ફામે કડક શબ્દોમાં કહી દીધું.
તેણે ગુલ્ફામના વાળ પકડી પાછળ ખેંચ્યા, જેથી તેની ડોક ઉપર થઈ અને ગળા પરની કટારને વધારે જોર આપ્યું, "તને મોતનો ભય નથી લાગતો?"
"જો મારું સ્વાભિમાન બચાવવા મારે મરવું પડે તો હું એવા મૃત્યુનો સ્વીકાર કરીશ. પણ તારા જેવા નીચ વ્યક્તિના તાબે થવાનું ક્યારેય નહીં સ્વીકારું." તેણે કટારવાળો સુતનનો હાથ પકડ્યો અને ઉમેર્યું, "ચલાવ કટાર અને મારું ગળું કાપ."
સુતન ફરી હસ્યો. ગુલ્ફામને આ અજુગતું લાગ્યું. તે બોલ્યો, "હું ક્યારેય મારા પ્યાદાને એ રીતે નથી ચલાવતો જેથી મારી હાર થાય. મને જીતવાની આદત છે. ચાલ તો હું હંમેશા એવી જ ચાલુ છું જેથી સામેનું પ્યાદું ના ચાલી શકે કે ના મને મારી શકે."
તેણે તેના વાળ છોડી દીધા. કટારની ધાર પર હાથ ફેરવતા એ તેની ફરતે ફરવા લાગ્યો અને કહેવા લાગ્યો. "શું લાગે છે તને, હું અહીં મારા મિત્ર જોડે શતરંજ રમવા માટે આવ્યો હતો? બહુ સાંભળ્યું હતું, કે રંભકની દાસી અત્યંત રૂપવાન છે. મનમાં શંકા ગઈ, એ... દાસી તો ના જ હોઈ શકે. એટલે મેં તપાસ આદરી. ગુલ્ફામ... એક વાતે તું ગમ ખાઈ ગઈ છે, દાસી. અહીં સૌરાષ્ટ્ર કે આસપાસના કોઈ વિસ્તારમાં સ્ત્રીઓના આવા નામ નથી હોતા. પણ..."
તેણે આગળ આવી એક પગ બેઠક પાસે પડેલા પાટલા પર રાખતા ગુલ્ફામ તરફ જોયું. તે લાંબા શ્વાસો લઈને તેને તાકી રહી હતી. તેણે પૂછ્યું, "પણ... પણ શું?"
સુતન થોડું હસતા બોલ્યો, "સપ્તસિંધુને પેલે પાર. જ્યાં મુઘલો પોતાનું સામ્રાજ્ય વિકસાવી રહ્યા છે. ત્યાંના રજવાડાઓમાં આવા નામો જરૂર સાંભળવા મળે છે. ખાસ કરીને રાજ પરિવારોના, રાજકુમારીઓના કે પછી રાણીઓના."
નીચે જમીન તરફ માથું ઢાળી તે બોલી, "તેની મને જાણ નથી. સિંધુને પેલે પાર શું ચાલી રહ્યું છે તે હું શું જાણું!"
"ઠીક છે. હું એક ઘટના તને કહી સંભળાવું છું. મુઘલની એક રાજકુમારીએ ત્યાંના એક નાનકડા સામંતને પોતાના પતિ સ્વરૂપે પસંદ કર્યા. રાજકુમારી પણ એટલા મોટા રાજ્યની નહોતી. એક નાનકડા ગામડાના રખેવાળની દીકરી. આ વાતની ત્યાંના લોકોને ખબર પડતા તેણે બળવો કર્યો અને એ સામંત પુત્ર ત્યાંથી નાસી ભાગ્યો. સાંભળવા મળ્યું છે કે એ પોતાનો વેશપલટો કરીને અલગ અલગ સ્થાને છુપાઈ ગયા છે. પોતાનો જીવ બચાવવા માટે. તેમાંથી એકની તો મને જાણ છે. તે અમરાવતીની હદમાં છે."
"તમે કહેવા શું માંગો છો?" ગુલ્ફામે પૂછ્યું.
તે મંદ મંદ કટુ હાસ્ય કરતા કહેવા લાગ્યો, "એ પરિવારની મને જાણ છે. અમરાવતીના સીમાડામાં એ સામંત પુત્રની સાથે તેના અમુક હિતેચ્છુઓ પણ વસ્યા છે. કોઈને જાણ ના થાય અને તેના જીવનનું રક્ષણ થાય એ માટે તેઓ અલગ અલગ થઈ ગયા છે. થોડા સમયમાં એ રાજકુમારીએ એક બાળકને પણ જન્મ આપ્યો છે."
તેની વાત સાંભળીને ગુલ્ફામ ગભરાઈ રહી હતી. તેને પરસેવો છૂટી રહ્યો હતો. સુતન ઝીણી આંખ કરતા બોલ્યો, "જો હું ખોટો નથી, તો એ રાજકુમારીનું નામ ગુલફામ છે." ગુલ્ફામ ચોંકી ગઈ. સુતન આગળ બોલ્યો, "તને તારા મોતનો ભય નથી, પણ શું તને તારા પરિવારનું જીવન પણ પસંદ નથી?"
ગુલ્ફામ લાંબા શ્વાસો લઈ રહી હતી. તેણે ગુસ્સા સાથે કહ્યું, "હું તારા ઈરાદાને અને તને, બંનેને પામી ગઈ છું. પણ યાદ રાખજે. સ્ત્રીઓને પોતાની રમતનું સાધન ગણનાર તું કોઈ સ્ત્રીના લીધે જીવ ગુમાવીશ." તેણે પોતાની આંખો બંધ કરી અને પોતાના અંગ પર રહેલું વસ્ત્ર ખેંચી લીધું. આ જોઈ સુતન હસતો રહ્યો.