આદમખોરનું રહસ્ય
પ્રકરણ ૧૭: કાલિંદીનો રોષ અને અરણ્યની તરફ દોટ
આકાશમાંથી વરસી રહેલા મૂસળધાર વરસાદ અને કાલિંદી નદીના ધસમસતા પૂર વચ્ચે જંગલ એક રક્તરંજિત કુરુક્ષેત્ર બની ગયું હતું. જીપના બોનેટ પરથી કાળ બનીને ત્રાટકેલા આદમખોર 'ટારઝન'નું લોહીલુહાણ જડબું ઈવાની ગરદન તરફ વધી રહ્યું હતું. ઈવાની આંખો સામે સાક્ષાત મૃત્યુ ઊભું હતું.
પરંતુ એ જ આખરી મિલિસેકન્ડે, કાદવમાં પડેલા અર્જુનસિંહે પોતાની બાકી બચેલી પૂરી તાકાત ભેગી કરીને એક વિકરાળ છલાંગ લગાવી! તેમણે જમીન પરથી ટ્રાનક્વિલાઈઝર ગનની ધાતુની ખાલી નળી તરતજ ઉપાડી અને સિંહના ખુલ્લા જડબામાં આડી ખૂંપાવી દીધી—‘ખડડડ!’
સિંહનો ભયાનક હુમલો દિશા ભૂલી ગયો. ટારઝને ક્રોધમાં આવીને પોતાના પંજા વડે અર્જુનસિંહની છાતી પર જોરદાર પ્રહાર કર્યો, પણ ઈવાને ભાગવાનો રસ્તો મળી ગયો.
"ઈવા...ઇવા... ઈ... વા ભાગ.... જલ્દી ભાગ ! ઊંડા જંગલ તરફ ભાગ!" અર્જુનસિંહે સિંહના વજન નીચે દબાતાં કણસતા અવાજે જોરથી ચીસ પાડી.
ઈવા પાસે વિચારવાનો સહેજ પણ સમય નહોતો.તે બચવા માટે જીવ ના જોખમે દોડી ગઇ.તે કાદવ અને પાણીના ખાબોચિયાંમાં લપસતી, લપસ્તી ઝાડીઓને ચીરતી ઊંડા જંગલ તરફ દોડી. મૂસળધાર વરસાદ તેના ચેહરા પર ચાબુકની જેમ વાગી રહ્યો હતો. તેની પાછળ, ઘેનની દવાથી પાગલ બનેલો અને ક્ષીણ થતી તાકાત છતાં અત્યંત હિંસક બનેલો આદમખોર 'ટારઝન' પોતાની લાલચોળ આંખો સાથે ઈવાનો પીછો કરી રહ્યો હતો.
જંગલ હવે વધુ અડાબીડ, ભયાનક અને કાળુડિબંગ બનતું જતું હતું. મોટા રાક્ષસી વૃક્ષોની ડાળીઓ પવનના કારણે એવી રીતે હાલી રહી હતી જાણે કોઈ આદિમાનવી ભૂત ઈવાને પોતાના રાક્ષસી પંજામાં ભીંસી લેવા માગતું હોય. ઈવાની પાછળ માત્ર દસ જ ફૂટ દૂર સિંહના કાદવ પર પડતા ભારે પગલાંનો ‘છપ-છપ’ અવાજ અને તેની રક્તતરસ્યી ઘુરરાટી સંભળાઈ રહી હતી.
અર્જુનસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પરથી ધીમેથી ઊભા થયા. તેમની છાતી અને ખભા પરથી લોહી વહી રહ્યું હતું. ચહેરો ભયાનક દેખાઈ રહ્યો હતો. પગ ડરથી ધ્રુજી રહ્યા હતાં. હાથમાં પડતી રાઇફલ ઉપાડીને તેઓ પોતાના લથડાતા પગે ઈવાને બચાવવા માટે ઘોર અંધારા જંગલ તરફ દોડ્યા.
ઈવા દોડતી દોડતી ગીરના સૌથી ઊંડા, સંરક્ષિત 'કોર એરિયા'ની પહાડીઓમાં પ્રવેશ કરી ચૂકી હતી. તે ક્યાં જઈ રહી હતી તેની તેને પોતાને પણ ખબર નહોતી. અચાનક, વીજળીના એક ભયાનક ચમકારામાં તેને સામે એક પ્રાચીન, પહાડની છાતી કોતરીને બનાવેલી ડરવાનારી કાળી ગુફાનું મુખ દેખાયું!
ઈવાએ વિલંબ કર્યા વગર એ અંધારી ગુફામાં ઝંપલાવ્યું. તેની પાસે આની સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેની પાછળ ને પાછળ આદમખોર સિંહ પણ ગુફાના મુખમાં ઘૂસી ગયો!
ગુફાની અંદર પ્રવેશતાં જ બહારનો ધોધમાર વરસાદ અને પવનનો અવાજ સહેજ ધીમો પડી ગયો, પણ અંદર ઘોર ગંભીર શાંતિ ફેલાયેલી હતી. ગુફામાં ભીની માટી, પ્રાચીન પથ્થરો અને વર્ષો જૂના કચરાની એક વિચિત્ર તીવ્ર ગંધ મગજ ફાટી જાય તેવી આવતી હતી.
ઈવા અંધારામાં ગુફાની ઊંડાણમાં ઉતાવળ થી આગળ વધી રહી હતી. સિંહના શ્વાસનો અવાજ તેની બિલકુલ પાછળ હતો. તે સાંભળી મનોમન માં ડરી રહી હતી. ઈવાનો પગ ભૂલથી ગુફામાં ભીના થઈ ગયેલા એક લીલવાળા પથ્થર પર લપસ્યો!
‘ધડામ!’
ઈવા ગુફાની પથરાળ જમીન પર જોરદાર પછડાઈ. તેનો પગ મચકોડાઈ ગયો. તે દર્દથી કણસી ઊઠી. આદમખોર સિંહે પોતાની ચાલ ધીમી કરી. તે ઈવાની સાવ નજીક આવી પહોંચ્યો હતો. અંધારા ગુફાના મુખ પરથી વીજળીનો આછો પ્રકાશ અંદર ફેંકાયો, જેમાં સિંહનો વિરાટ પડછાયો ઈવાના શરીર પર પથરાઈ ગયો.
ઈવાએ જમીન પરથી પાછળ હટવાનો પ્રયાસ કર્યો. સિંહે ઈવા પર તરાપ મારવા માટે પોતાના પાછલા પગ જેવા સંકોચ્યા તરતજ !
શું ઈવાનો અંત આ અંધારી ગુફામાં લખાયેલો હતો? અર્જુનસિંહ લોહીલુહાણ હાલતમાં ગુફાના પ્રવેશદ્વાર સુધી પહોંચી શકશે?