Even if one love comes in Gujarati Short Stories by ધબકાર... books and stories PDF | એક પ્રેમ આવો પણ

Featured Books
Categories
Share

એક પ્રેમ આવો પણ

એક પ્રેમ આવો પણ...


"શાંતિ ઝંખતી જિંદગીમાં, ગમતો પણ એક ઘોંઘાટ છે,

બકબક કરતી રહેતી, તોય લાગણીઓ એની ગાઢ છે." 


આવા જ કંઈક મનને ગમતા વિચારો વચ્ચે ક્ષિતિજ પોતાનુ કામ કરી રહ્યો હતો. ક્ષિતિજ માટે આ હંમેશાંનું હતું કે ભલે એ કામ કરતો હોય પણ વિચારોમાં તો એનું મન એક ખાસ વ્યક્તિત્વ તરફ એને દોરી જતું. 

હા, કૃષ્વી... એ ખાસ વ્યક્તિ જેના વગર જેને યાદ કર્યા વગર ક્ષિતિજનો દિવસ પણ અધૂરો રહેતો.

ક્યારેક જ મુલાકાત થતી ને હમણાં તો વાત પણ ઓછી થતી પણ તોય ક્ષિતિજ માટે એના વિચારોમાં રહેવું. વિચારો સાથે દિવસ દરમિયાન જીવવુ એક અલગ દુનિયા જ બનાવી બેઠો હતો. 

પ્રગાઢ લાગણીઓ, અઢળક પ્રેમ અને એક અલગ અહેસાસ બસ આ જ કદાચ આ સંબંધની ઓળખ હતી.

સાંજના લગભગ ચાર વાગ્યા હશે અને ક્ષિતિજના મોબાઇલમાં એક રણકાર થયો. કૃષ્વીનો મેસેજ... આજે મળીએ? 

ક્ષિતિજ આજે પણ હંમેશાંની જેમ કામમાં વ્યસ્ત હતો તોય જવાબ તો એ જ આપ્યો હંમેશાંની જેમ. કૃષ્વી માટે તો એ Always available હતો. 

"હા, મળીએને... બોલ ક્યાં, ક્યારે?" આજથી પાંચ વર્ષ પહેલા હતી એવીજ તત્પરતા અને તીવ્રતા સાથે જવાબ આપ્યો.

કૃષ્વીએ કહ્યું, "લોકેશન મોકલું છું ત્યાં સાંજે સાત વાગે. ફાવશે ને?" ક્ષિતિજ એટલું જ બોલ્યો, "હું પહોંચી જઈશ." 

આ વખતે તો કેટલાય મહિનાઓ પછી કૃષ્વીએ ક્ષિતિજને મળવા બોલાવ્યો હતો. મેસેજ વાંચ્યો તો એડ્રેસ કૃષ્વીની ખાસ ફ્રેન્ડ બંસરીના ફ્લેટનું હતું. 

બંસરી... માત્ર વાતો સાંભળી હતી એની પણ મળ્યો નહોતો. કૃષ્વી સિવાય એ કોઈને પણ એના ઓળખીતામાં મળ્યો નહોતો તોય કૃષ્વીની વાતોમાં એ બધાને મળી ગયો હતો ને એમાંય આ બંસરીનું તો નામ લેતા કૃષ્વી થાકતી નહોતી. તો આ બંસરીને આમ એ જાણતો હતો.

હજુ તો છ વાગ્યા હતા ને ક્ષિતિજ પોતાનું કામ પતાવવામાં પડ્યો હતો ત્યાંજ કૃષ્વીનો ફરી મેસેજ આવ્યો કે એ પહોંચી ગઈ છે. સીધા એને બંસરીના ફ્લેટ પર પહોચવા કહેવામાં આવ્યું હતું. 

ક્ષિતિજ આ વાંચતા જ ચોંકી ઉઠ્યો. ક્યારેક જ સમયસર પહોંચતી કૃષ્વી આજે અત્યારથી પહોંચી ગઈ! આજે જાણે કંઈક અજુગતું થઈ રહ્યું હોય એવો એને ભાસ થવા લાગ્યો. મન બેચેન થઈ ઉઠ્યું. કામમાં મન ના લાગતા એ પણ કૃષ્વીને મળવા નીકળી પડ્યો.

રસ્તો પણ જાણે આજે ધીરજની પરીક્ષા લઈ રહ્યો હતો. આટલા વર્ષમાં હંમેશા બંને ક્યાંક રેસ્ટોરન્ટ, ગાર્ડન કે પબ્લિક પ્લેસમાં મળતાં. પણ, આજે કેમ કૃષ્વીએ એકાંતમાં બોલાવ્યો છે એ વિચારો મનમાં દોડી રહ્યા હતા. ઉતાવળમાં એ સાત વાગ્યા પહેલાજ બંસરીના ફ્લેટમાં આવી ચડ્યો.

ડોરબેલ વગાડતા જ કૃષ્વીએ દરવાજો ખોલ્યો. દરવાજો બંધ કરીને જાણે કેટલાય સમયથી ક્ષિતિજને મળી ન હોય એમ કૃષ્વી એને ભેટી પડી અને વહાલ કરવા લાગી. 

ક્ષિતિજ માટે આજે જાણે આ બધુજ અલગ અને અકલ્પનીય હતું. ઊંડે ઊંડે મનમાં કશુંક અણધાર્યું બનવાનું હોય એવા ભણકારા વાગી રહ્યા હતા. પણ તોય એણે કૃષ્વીનો સાથ આપ્યો અને એના આલિંગનમાં કૃષ્વીના માથે હાથ ફેરવતા સમાઈ રહ્યો. 

વહાલ કરતાં કૃષ્વીએ ક્ષિતિજના ગાલ પર હાથ ફેરવ્યો અને કૃષ્વી ક્ષિતિજને બેડરૂમ તરફ દોરી ગઇ. જાણે આજનો દિવસ આજના આ પળ એકદમ ખાસ છે.

કૃષ્વીએ ક્ષિતિજને બેડ પર બેસવાનું કહ્યું અને ફરી એ જ બકબક ચાલુ કરી દીધી. ક્ષિતિજ પણ હંમેશની જેમ એની એ વાતોમાં ખોવાઈ ગયો. એની એ વાત કરવાની અદા, એના અહેસાસ, એની લાગણીઓ ને ખાસ કરી એના હોઠ અને આંખોનો સમન્વય ને સાથે ચાલતા હાથ.

કૃષ્વી એક અલગ અહેસાસમાં જીવતી હતી. જીવ એનો અહીંયા ક્યારેય હતો જ નહીં. ક્ષિતિજ માત્ર એની બકબક સાંભળવાનું સરનામું હતું. એના અહેસાસ, એના પ્રેમ, એની લાગણીઓમાં માત્ર પ્રયાણ જ હતો.! એના જીવનનું એવું વ્યક્તિત્વ જે ક્યારેય એનું થયું નહીં પરંતુ ક્યારેય કૃષ્વીને એની રહેવા પણ ના દીધી.!

"અહેસાસમાં જીવંત બની રહી હતી કૃષ્વી,
પ્રયાસમાં અનંત પણ તોય ના મળ્યો પ્રયાણ." 

છેલ્લા પાંચ વર્ષથી કૃષ્વી અને ક્ષિતિજ એકબીજાને જાણતા હતા.. સમજતાં હતા.. અને આ પ્રયાણ જ એક એવું કારણ હતું કે જેના માટે કૃષ્વી જીવતી હતી અને એની સાથે વિતાવેલા કેટલાક પળ એ ક્ષિતિજને કહેતી હતી. એના દરેક અહેસાસ ક્ષિતિજ સાથે શેર કરતી હતી. ક્ષિતિજ પણ ધ્યાનથી આ વાતો સાંભળતો હતો.

આજે ફરી કૃષ્વીએ એ જ દોર ચાલુ કર્યો અને ક્ષિતિજ પણ એ વાતોમાં ખોવાતો ગયો. એક-એક વાત, એક-એક અહેસાસ એક-એક લાગણીઓ કૃષ્વી ફરી ક્ષિતિજને કહેવા લાગી અને પ્રયાણને ફરી એ પળમાં જીવંત કરી નાખ્યો. અદ્દલ કૃષ્વીને ગમે એવો પ્રયાણ.! એના રોમ-રોમને રોમાંચિત કરતો પ્રયાણ.

આમને આમ નવ વાગી ગયા અને વાતોનો દોર પ્રયાણ પરથી નોર્મલ વાતો તરફ વળી ગયો. કદાચ આજે કૃષ્વીની આજ ઈચ્છા હતી.

કૃષ્વી ક્ષિતિજ સામે જોઈ રહી અને કહ્યું, "એય વહાલા.! આવ.! ચાલ તને થોડું વહાલ કરી લઉં.!" એમ કહી ક્ષિતિજને આજે પહેલી વાર ખોળામાં આવી માથું મૂકવા કહ્યું. 

ક્ષિતિજ પણ જાણે એ પળની રાહ જોતો હોય એમ કૃષ્વીના ખોળામાં માથું નાખી પડ્યો રહ્યો.! કૃષ્વી ક્ષિતિજના ગાલ પર, આંખો પર, માથે હાથ ફેરવતા વહાલ કરવા લાગી. ક્યારેય ન કર્યું હોય એવું વહાલ.

આ પળમાં કોઈ શબ્દો નહોતા.! માત્ર લાગણીઓ સમયના વહેણને આગળ વધાવી રહી હતી. ક્ષિતિજ પણ આ પળ અહીંજ રોકાઇ જાય એ વિચારી આંખ બંધ કરી એ અહેસાસ માણી રહ્યો હતો.! સ્વપ્ન જેવા હતા આ પળ.!

અચાનક ક્ષિતિજને એના હોઠ પર હોઠનો અહેસાસ થયો. પણ કદાચ ક્ષિતિજ આવાજ એક પળની રાહ જોઈ રહ્યો હોય એમ આંખ બંધ કરી એ અહેસાસને માણતો રહ્યો અને એ પળમાં બીજું બધું ભૂલી ઓગળી ગયો. ક્યારે એ વહાલમાં એકમેકના આલિંગનમાં આવી ગયા એ ખબર જ ન રહી.!

બંને એકમેકની આગોશમાં હતા અને આ પળ જાણે રોકાવાનું નામ લેતો નહોતો. કદાચ કૃષ્વી અને ક્ષિતિજ પણ એવુંજ ઇચ્છતા હોય એમ એકમેકને સાથ આપી રહ્યા હતા.! આ પળને માણી રહ્યા હતા.! યાદગાર બનાવી રહ્યા હતા.!

ક્ષિતિજ કૃષ્વીની આંખ, ગાલ, હોઠ બધેજ કિસ કરી રહ્યો હતો અને જાણે ભાન ભૂલી ગયો હોય એમ વર્તી રહ્યો હતો. કદાચ એ પોતાના વશમાં જ નહોતો એમ વર્તી રહ્યો હતો.!

'સુધબુધ ભૂલી એકમેકમાં ખોવાયા,
પળની લાગણીમાં ખોવાઈ અંજાયા,
સાચું શું ખોટું શું નિયતિ દોરી રહી,
સંબંધો આજે એવા અહીં બંધાયા.' 

કૃષ્વી કોણ જાણે કેમ આજે પ્રયાણને ભૂલાવી ચૂકી હોય એમ વર્તી રહી હતી. ક્ષિતિજને પહેલા અસહજ લાગ્યું પણ એય એક પુરુષની જેમ વર્તી રહ્યો હતો. જેટલો મળે એટલો વહાલ પ્રેમ એને પણ બસ મેળવી જ લેવો હતો.

કેટલાય પળો સુધી કૃષ્વી અને ક્ષિતિજ એકબીજાને વહાલ કરતા એકબીજાના આલિંગનમાં પડ્યા રહ્યા અને સમય પણ જાણે ક્યાંય સરી ગયો ખબર ન રહી. જાણે આ વહાલ ભર્યા પ્રેમમાં એને સર્વસ્વ મળી ગયું હતું.

આ સર્વસ્વ મળી જવાની ખુશીમાં ક્ષિતિજને કૃષ્વીની આગોશમાં ક્યારે ઊંઘ આવી ખબર જ ન રહી. રાતના બે વાગી ગયા હતા અને ક્ષિતિજ ઘટેલી પણ અસામાન્ય અને એને ગમેલી ઘટનાઓથી શાંત થઈ પ્રગાઢ ઊંઘમાં સરી પડ્યો હતો.

અચાનક આવી ચઢેલા વરસાદના લીધે વીજળીના કડાકો થયો અને ક્ષિતિજ એકદમ ઝબકીને જાગી ગયો.

પલંગમાં જોયું ને ત્યાંજ એના પગ નીચેથી જમીન સરકી ગઇ. 

કૃષ્વી ક્યાંય દેખાઈ રહી નહોતી. ક્ષિતિજ બેબાકળો થઈ આમ તેમ જોવા લાગ્યો અને એવામાં જ એને ટેબલ પર એક કાગળ મળ્યો...

"એય.! વ્હાલા..."

તું પણ મારો ગમતો હતો, હું કહેતી હતી ને.! તારા પર વહાલ છે, લાગણી છે, પ્રેમ છે.. એય કહેતી હતી ને.! જોયુંને તે.!?

પણ, તું સાવ પાગલ છે.! બસ દોડી આવે છે. ત્યારથી લઈ અત્યાર સુધી સાવ એવોજ રહ્યો અબૂધ.! તને તો ખબર હતી ને, કે પ્રયાણ મારા માટે શું છે.!? તોય કેમ તું પૂછતો હતો કે તારું મહત્વ શું છે મારી જિંદગીમાં, હેં.!?

સમજાયું ને.! પ્રયાણ મારી આત્મા હતો, તો તું પણ મારો જીવ.! કેમની સમજાવું તને હેં વ્હાલા.! 

Love you. 

તું તારું ધ્યાન રાખજે.! 

હવે હું થાકી ગઈ છું.! મારે આરામ કરવો છે.. એક અલગ રસ્તે ચાલવું છે.. જે રસ્તે કોઈ જૂની યાદ સામે ન ભટકાય.! તું મને બહુ સમજે છે. એટલે સમજી શકીશ કે, મેં આવું કેમ કર્યું.!" 

તારી કૃષ્વી...

એક-એક શબ્દ વાંચતો ગયો ને ક્ષિતિજ કૃષ્વીને દૂર થતી જોઈ આંસુ સારતો ગયો. હજુ થોડાક પળો પહેલાં તો એ નજીક હતી મારી. મારા જીવનમાં ક્યારેય નહોતી એટલી નજીક.! જ્યાંથી એકમેકના શ્વાસ પણ એકબીજા સાથે વાત કરી શકતા હતા.! ને આ શું થઈ ગયું.!

રડતો.. બેબાકળો થતો ક્ષિતિજ ત્યાંથી નીકળી ગયો ને હાઈવે પર બાઈક સાઈડમાં પાર્ક કરી બેસી રહ્યો. રાતે બે વાગ્યાથી સવારના છ ક્યારે વાગી ગયા ખબરજ ન રહી. 

શહેર ફરી ધબકતું થયું.. અને ક્ષિતિજ હંમેશા માટે જાણે કોઈ મોટી ભૂલ કરી હોય એમ ભાર નીચે દબાઈ ચુપ થઈ સમયના ચક્રમાં વિસરાઈ ગયો.!

'ભૂલ મારીય નહતી ભૂલ એનીય નહતી,
મેળાપ જિંદગીએ થોડો મોડો કરાવ્યો.
જાણવું હતું ફક્ત સ્થાન જિંદગીમાં એની,
શું એને જ અક્ષમ્ય અપરાધ ગણાયો?'


જય શ્રી કૃષ્ણ 🙏🏼 

©Rohit Prajapati