One Door Open for Freedom in Gujarati Moral Stories by Parth Prajapati books and stories PDF | એક બંધ દરવાજાએ ખોલ્યો આઝાદીનો માર્ગ

Featured Books
Categories
Share

એક બંધ દરવાજાએ ખોલ્યો આઝાદીનો માર્ગ


સૂર્યાસ્ત પછીના ગાઢ સૂનકારમાં ગામની ધૂળવાળી અને સાંકડી ગલીઓમાં અંધકાર ઓગળી રહ્યો હતો. દીવા વગરની કાચી ઝૂંપડીઓમાંથી ગરીબીની એક તીવ્ર ઉદાસીનતા અનુભવાતી હતી. થાકેલાં-પાકેલાં બે અજાણ્યા પ્રવાસીઓ આખો દિવસ ગામના ખેતરો અને શેરીઓમાં ફરીને લોકોના પ્રશ્નો, તેમની વેદના અને હાલાકીઓ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. 
પોતાના સૂકાઈ રહેલા કંઠને ભીંજવવા અને થોડી રાહત મેળવવા માટે તેમણે એક સાધારણ ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી કોઈ ભારે અસમંજસ અને અસ્વસ્થતાભર્યો અવાજ સંભળાયો. 
બહાર ઊભેલા પ્રવાસીએ વિનંતી કરતા કહ્યું, "અમે તમારા પ્રશ્નો અને તકલીફો સમજવા અમે આખો દિવસ ગામમાં ફર્યા છીએ, અમને સખત તરસ લાગી છે. શું તમે અમને એક પ્યાલો પાણી પીવડાવશો?
થોડી ક્ષણો સુધી અંદર ગાઢ સન્નાટો છવાઈ ગયો. પછી અત્યંત સંકોચ સાથે દરવાજો જરાક જેટલો ખુલ્યો. એ અંદરોઅંદરની સાંકડી જગ્યામાંથી એક કાંપતો હાથ બહાર આવ્યો, જેની હથેળી પર પાણીનો પ્યાલો હતો. 
બહાર ઊભેલા મહેમાને એ પાણી પી લીધું, પણ પાણી પીતાની સાથે જ તેમની નજર એ સ્ત્રીના હાથની નસો અને તેની હાલાકી પર પડી. તેમનો શ્વાસ રુંધાઈ ગયો. તેમણે સ્નેહ અને હમદર્દીથી એ હાથ પકડીને કહ્યું, "પ્રિય બહેન, મેં તમારો હાથ જોયો, હથેળી પર રાખેલો પ્યાલો પણ જોયો... પણ આ હાથ જેની સાથે જોડાયેલો છે, એ બહેનને મારે મળવું છે."
એ શબ્દો સાંભળતાની સાથે જ અંદર ઊભેલી સ્ત્રી ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી. એના ડૂસકાંમાં વર્ષોની લાચારી અને વિવશતા છલકાતી હતી. તેણે ધ્રૂજતા અવાજે કહ્યું, "અમારા કુટુંબમાં અમે ત્રણ સ્ત્રીઓ છીએ... બહાર જવું હોય તો વારાફરતી એક ફાટેલો સાડલો પહેરીએ છીએ. અમારામાંથી એક બહેન એ પહેરીને બહાર ગઈ છે. હાલમાં અમે ઘરમાં એકદમ નગ્ન અવસ્થામાં છીએ... તો પછી બોલો, અમે દરવાજો કેવી રીતે ખોલી શકીએ?" 
એ હૃદયદ્રાવક સત્ય સાંભળીને બહાર ઊભેલાં કસ્તૂરબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને અસહ્ય પીડાથી હૈયું ભરાઈ આવ્યું. 
આ કોઈ સામાન્ય કાલ્પનિક વાર્તા નથી, પરંતુ ઇતિહાસનું એ પાનું છે, જેણે મહાત્મા ગાંધીની કાયા અને દિશા સદા માટે બદલી નાખી. ચંપારણની આ ગરીબ બહેનોની લાચારી અને તેમની નગ્નતાની વેદના જ્યારે ગાંધીજી સુધી પહોંચી, ત્યારે તેમનો આખો અંતરાત્મા દ્રવી ઉઠ્યો. ગાંધીજીએ ગંભીરતાથી વિચાર્યું કે, "જ્યાં સુધી આ દેશની કરોડો બહેનો પાસે શરીર ઢાંકવા પૂરતા વસ્ત્રો નથી, જ્યાં સુધી દેશનો છેવાડાનો માનવી ભૂખ્યો અને લાચાર છે, ત્યાં સુધી મને આખો પોશાક પહેરવાનો કોઈ અધિકાર નથી. 
આ ઘટના પછી ગાંધીજીએ પોતાના શરીર પરથી મોંઘા કોટ-પેન્ટ અને કુર્તાનો ત્યાગ કરી દીધો અને માત્ર એક સાદું ધોતિયું ધારણ કર્યું. આ કોઈ રાજકીય દેખાડો નહોતો, પરંતુ દેશના સૌથી છેવાડાના અને ગરીબ નાગરિક માટે સંપૂર્ણ સમર્પણ હતું. 
મહાત્મા ગાંધીના આ જ ત્યાગમાંથી ચરખાનો આવિષ્કાર થયો. ઘણા વિરોધીઓ અને આલોચકો કહેતા હોય છે કે “અંગ્રેજોની તોપ અને મશીનગન સામે ચરખાથી કઈ રીતે લડી શકાય?” પરંતુ, ઇતિહાસ સાક્ષી છે કે ચરખો એ માત્ર સૂતર કાંતવાનું સાધન નહોતું, એ ગુલામીના અંધકારમાં ડૂબેલી પ્રજાના આત્મસમાન અને સ્વાવલંબનનું પ્રતીક હતું.
બ્રિટિશ મિલોના સસ્તા કાપડે ભારતના ગામડાંઓના કુટીર ઉદ્યોગોને નષ્ટ કરી દીધા હતા. એક વખત જેના રેશમી કાપડોની દુનિયાભરમાં માંગ રહેતી હતી, એ જ ભારત દેશના લોકો એક જોડી કપડા અને બે ટંકના ભોજન માટે દરરોજ સંઘર્ષ કરતા હતા. ચરખાએ એ કરોડો બેકાર લોકોને બે ટંકની રોટી, તન ઢાંકવા કાપડ અને પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત આપી. 
વિદેશી કાપડની ગુલામી છોડીને પોતાના હાથથી બનાવેલા સૂતરે સામાન્ય પ્રજાને એ અનુભવ કરાવ્યો કે તેઓ અંગ્રેજો પર નિર્ભર નથી. ચંપારણની એ બહેનોના ફાટેલા સાડલાની લાચારીએ ગાંધીજીને ભલે અર્ધવસ્ત્રમાં મૂક્યા, પણ એ જ ચરખાએ દેશના સામાન્ય માણસને પોતાની તાકાત ઓળખતા શીખવ્યું.
ચરખાએ સાબિત કરી દીધું કે સાચી આઝાદી માત્ર સત્તા બદલવાનું નામ નથી, પણ દેશના દરેક નાગરિકના સ્વાભિમાનને પુનર્જીવિત કરવાનું નામ છે. ગાંધીજીની પોતડી અને ચરખો એ વાતની ગવાહી છે કે રાષ્ટ્રનિર્માણ માત્ર ભાષણોથી નહીં, પણ જનતાની પીડા સાથે એકરૂપ થઈને જ થઈ શકે છે.

પાર્થ પ્રજાપતિ 
(વિચારોનું વિશ્લેષણ)