મોહિત એના મમ્મી અને મામી સાથે મામાના ઘરે પહોંચવા આવ્યા, એમણે ડેલી ખોલી. નાની બારી પાસે રહેલ સેટી પર બેઠા હતા, એમની નજર ડેલી ખડકવાના અવાજ તરફ ફરી, એમને આવતા જોઈ નાનીના મનમાં પણ અનેક વિચારો આવવા લાગ્યા. ચિંતાને દૂર રાખી વિનયપૂર્વક નાનીએ આવકાર આપ્યો. ચેતના ઘરમાં આવી અને ક્રોધિત ચહેરે એક ખુરશીમાં બેઠી, ભાભીએ બન્નેને પાણી આપ્યું. મોહિતની હાલત જોઈ તરત નાસ્તો આપી અને ચા મૂકી.
મોહિતે નાસ્તાને જોયો પણ એટલો ગભરાયેલ હતો કે એણે નાસ્તો લીધો નહી અને એના મમ્મી તરફ જોયું. ચેતના એકદમ સહજરીતે બોલી, "લે ને બેટા! તને ભૂખ લાગી હશે ને!"
મોહિતે નાસ્તો લીધો અને ખૂબ ઝડપે ખાવા લાગ્યો. સવારની સાંજ પડી એણે કઈ ખાધું નહોતું આથી એ રીતસર નાસ્તા પર તૂટી જ પડ્યો. એની ભૂખ તૃપ્ત થઈ એ નાની અનુભવી શક્યા. નાની મોહિતની હાલત જોઈ મનોમન ખૂબ દુઃખી હતા. મામી થોડીવારમાં ચા લઈને આવ્યા. બધાએ ચા પીધી. હવે નાનીએ હળવેકથી પૂછ્યું, "શું થયું ચેતના? કેમ અચાનક અહીં આવી હાલતમાં આવી?"
ચેતનાએ પોતાને જે યોગ્ય લાગે એ જ જવાબ આપતા કહ્યું, "મમ્મી મારો હંમેશની જેમ કોઈ વાંક નહોતો છતાં અશોક મને ધમકી આપવા લાગ્યા કે, તું એકલી જ રે.. હું પણ થાક્યો છું તારાથી, જાવ છું મોહિતને લઈને કાયમ માટે!" ચેતના આટલું બોલી અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. મમ્મીથી એનું દુઃખ ન જોવાયું, એ બોલ્યા તું ચિંતા ન કર, "એમ કઈ થોડી મોહિતને તારાથી દૂર કરશે. તારા પપ્પા આવે એટલે એને ફોન કરવા કહું છું. તું જરાય દુઃખી ન થજે દીકરા."
મોહિત મમ્મીની અને નાનીની વાતને સાંભળીને એમની તરફ જોઈ રહ્યો, એને થયું મમ્મીએ કેમ અધૂરી વાત નાનીને કહી? ઝઘડો થયાનું મુખ્ય કારણ તો મમ્મીએ દરવાજો ન ખોલ્યો એ હતું. સ્વગત જ વિચાર્યું અને પછી પપ્પા આવે ત્યારે બોલવું એમ વિચારી એ ચૂપ રહ્યો.
ભાભી ખૂબ ચપળ અને હોશિયાર એ સમજી જ ગયા કે જરૂર વાત અધૂરી છે, કુમાર એમ ક્યારેય ચેતનાને મોહિતથી દૂર કરે એવા નથી પણ ચેતનાનો સ્વભાવ જાણતા હોવાથી એ પણ ચૂપ રહ્યા.
નાની અને મમ્મીની ચર્ચા ચાલુ હતી ત્યાં નાના અને મામા બન્ને બહારથી આવ્યા. મામાનું ધ્યાન ચેતના પર પડ્યું, મોઢા પર અને ગળા પર રહેલ નખના ઉઝરડા અને અસ્તવ્યસ્ત કપડાં જોયા. પગ મેલા અને વાળ પણ વેરવિખેર જોઈ મામા સમજી ગયા કે ફરી કંઈક ઝઘડો થયો લાગે છે. એમને થયું કે ચેતનાને કહે, "શું ઘડી ઘડી ઝઘડો કરી પિયર દોડી આવે છે. લગ્નજીવન કઈ રમત છે કે આ ગુસ્સો આવ્યો અને હાલતી પકડી. પણ હંમેશની જેમ પોતાની વાત માન્ય નહી ગણાય એમ સમજી એમણે પોતાના સળગતા શબ્દોને મનમાં જ ઓલવી નાખ્યા."
નાના ચેતનાની બાજુમાં જઈને બેઠા, એના માથા પર હાથ ફેરવી પ્રેમથી બોલ્યા, "શું થયું બેટા?"
ચેતના કઈ બોલે એ પહેલા નાની એ જ કહ્યું, " હંમેશા કુમાર આપણી દીકરીને કોઈને કોઈ રીતે પરેશાન કરે છે. હવે બહુ થયું હો! આપણે હંમેશા ચૂપ રહીએ છીએ એટલે એમને પોતાની મનમાની જ ચાલુ રાખી, આ વખતે મા દીકરાને નોખા થવાની વાત કરી. હવે તમે કઈ નહી કહો તો હું કુમારને કહેવાની જ છું. આમ કરે એ હું જરાય ચલાવીશ નહી. મારી દીકરીની હાલત તો જોવ, અને આ મોહિત એનો શું વાંક? એમને કરો ફોન અને આપો મને ફોન આ વખતે હવે હું વાત કરીશ."
મામા મનમાં જ વિચારી રહ્યા કે, કુમાર કઈ સાવ આમ કરે એવા નથી એકતરફી વાત સાંભળીને આમ કરવું ઠીક નથી. વાત વિચારવા મોકો મળે એટલે એમણે વાત શાંત કરવાના અંદાજે કહ્યું, "સાંભળ મમ્મી! આપણે કાલ સવારે એવું હોય તો એમને અહીં રૂબરૂ આવવા જ કહીએ. એક રાત ચેતના અને દિકરા વગર વિતાવવા દે.. એટલે અક્કલ થોડી એમની પણ ઠેકાણે આવે. અત્યારે ભલે એ પણ ચિંતા કરે કે કેમ કોઈનો ફોન નથી. ઉતાવળે આંબા ન પાકે!"
નાનાના ગળે મામાની વાત બરાબર ઊતરી એમણે પણ મામાની વાત આવકારતા કહ્યું, "સાચીવાત.. ભલે થોડી ચિંતા કરે. બહુ પાવર છે એને. એને તો રૂબરૂ જ બોલાવવો છે."
મામી આખી વાત શાનમાં સમજી ગયા હોય એમ એણે મામા સામે નજર કરી. મામાએ પણ રાહતનો શ્વાસ લીધો અને સ્વગત વિચાર્યું, ચાલો આ બહાને ગરમ માહોલ થોડો હળવો થશે. એમણે ચેતના અને મોહિતને હાથપગ ધોઈને ફ્રેશ થવા કહ્યું. મામીને ભલામણ કરી, તારા કપડાં આપ ચેતનાને અને હું મોહિત માટે બે જોડી કપડાં લઈને હમણાં આવું." મોહિતની સામે જોઈ હસતા સ્વરે મામા બોલ્યા.
મોહિત આ બનાવ બન્યો ત્યારનો સાવ ઉદાસ હતો એના ચહેરા પર નવા કપડાં આવશે એ શબ્દોથી સહેજ હાસ્ય ફેલાયું. અને આ હાસ્યમાં વધુ ઉમેરો વિભાને જોઈને થયો, વિભા મામાની દીકરી કે જે ગાર્ડન પડોશના બાળકો સાથે ગઈ હતી એ આવી ગઈ. વિભા પણ મોહિત જેવડી જ અને એ બન્ને ને ખૂબ બનતું આથી મોહિતને જોઈ એ ખુશીથી દોડી એને વળગી જ પડી. મોહિતના ચહેરા પર અત્યંત ખુશી છવાઈ ગઈ .
મામા કપડા લેવા ગયા અને મોહિત ફ્રેશ થઈ વિભા સાથે રમવા લાગ્યો. દિવસ આખો ભલે ખરાબ ગયો પણ અત્યારે એ અત્યંત ખુશ હતો એનું બાળ મન બધુજ ભૂલીને રમવામાં મશગુલ થઈ ગયું.
ચેતના ફ્રેશ થઈ પણ એના મગજમાં હજુ ઘણી ગડમથલ ચાલુ હતી. એને કોઈ પણ કારણે હવે ફરી સાસરે જવું નહોતું જ. શું કરે કે જેથી બધા એની વાતનો સ્વીકાર કરે અને એને ત્યાં ન જવું પડે એટલે કેવું કાવતરું કરવું એવું સતત એના મનમાં ચાલતું હતું. મામી ચેતનાને થોડી થોડી વારે એનું ધ્યાન ફરે એ આશયથી બોલાવી નતનવીન વાતો કર્યા કરતા હતા. રસોઈ પણ એકલા મામીએ જ હંમેશની જેમ બનાવી. એમણે જમવાની તૈયારી કરી ત્યાં મામા પણ મોહિતના કપડાં લઈને આવી ગયા. મોહિત નવા કપડાં જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો. એ તરત અંદર જઈ નવા કપડાં પહેરીને આવી ગયો. મામા એને જોઈને હરખાઈ ગયા, એણે પોતે મોહિતને તેડીને ખૂબ વહાલ એના પર વરસાવ્યું. મોહિતને મામા આમ પ્રેમથી વર્ત્યા એટલે પપ્પાની તેને અચાનક ખૂબ યાદ આવી ગઈ. એને પપ્પા શું કરતા હશે એ ચિંતા થવા લાગી. મોહિતના ચહેરે ઉપજેલ ઉદાસીના ભાવ મામા સમજી જ ગયા. મોહિત એના પપ્પાને ખૂબ ચાહતો હતો એ વાત તેઓ બખૂબી જાણતા હતા. આથી જ એમનો પ્રયાસ એવો રહેતો કે તેઓ ચેતનાના પરિવારને એક કરીને રાખે! મોહિત એના માતા અને પિતા બન્નેનો પ્રેમ ઇચ્છતો હતો પણ એને હંમેશા બન્નેનાં પ્રેમ માટે તરફડવું પડતું. અત્યારે તેની માસૂમ આંખોમાં રહેલ પિતા માટેની ચિંતા સાફ વર્તાઈ રહી હતી. મામાએ મોહિતના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, "દીકરા તું ખૂબ હિંમતવાળો છે અને તારે બિલકુલ કોઈ જ વાતની ચિંતા કરવાની નથી. અને આ એક જ જોડી પહેરી ,જા બીજી જોડી પણ પહેરીને બતાવ!"
મોહિત અંદર ગયો અને મામાની આંખમાં આંસુ છવાઈ ગયાં. એમણે નક્કી કર્યું કે, કોઈ બહાનું કાઢી બહાર જાઉં અને કુમાર સાથે વાત કરું પછી જ આખા પરિવારની સામે કુમારને સવારે ફરી ફોન કરીશ.
નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ.