Ane off the Record - Part-26 books and stories free download online pdf in Gujarati

અને... ઓફ ધી રેકોર્ડ - ૨૬

પ્રકરણ ૨૬

‘...અને’

ઑફ ધી રેકર્ડ

...અને થોડે દૂર જઈ સત્યાએ જોરદાર બ્રેક મારી કાર ઊભી રાખી દીધી. તેણે મનોમન વિચાર્યું કે, વિબોધે ઑફ ધી રેકર્ડ મિશનની ફાઈલ મહમદને આપી દીધી હતી તો પછી દાઉદના માણસ કઈ ફાઈલ લઈ આવ્યા? અને વળી દાઉદે ફાઇલ ચકાસીને ખરાઈ પણ કરી લીધી. નક્કી હજુ કઈક દાળમાં કાળુ છે. સેલ્ફ સ્ટાર્ટ કરી સત્યાએ ઝાટકા સાથે ગિયર બદલ્યું, કાર રિવર્સ લીધી. ‘આપણે વિબોધને આમ એકલો દાઉદને હવાલે ના મૂકી ભાગી શકીએ.’

‘હા. સત્યા. દાઉદ ખાનને હું બરાબર ઓળખું છું. આજથી દસ વર્ષ પહેલા એણે મારી જિંદગી નર્ક કરી નાંખી હતી અને હવે આજ ફરી..’ બોલતા-બોલતા કૌશરની આંખમાંથી આંસુ સરી પડ્યા. ‘એ બહુ ખતરનાક છે. જો એ હેવાન વિબોધને કઈ હાનિ પહોચડશે તો?’

સત્યાએ દૃઢતાપૂર્વક કહ્યું, ‘હું એ નહીં થવા દઉં.’

‘મારા જેટલો જ ચાહે છે ને વિબોધને?’

સત્યાએ કૌશરનાં સવાલ પર બેધ્યાનપણું દાખવી કારનું ગિયર બદલી બંગલાની દિશામાં જવાની ઝડપ વધારી.

વિબોધના બંગલા પાસે રફ્તારથી પહોંચી સત્યાએ જોરદાર બ્રેક મારી. ચીરર અવાજ કરતી કાર થંભી ગઈ. દરવાજો ઉઘાડયોને ફટ્ટ કરતો વસાઈ ગયો. કૌશર અને સત્યા ઝડપથી કારમાંથી ઉતરીને બંગલામાં પ્રવેશવા ગયા ત્યાં જ...

‘ધૂમ....’

ધડાકાભેર પ્રચડ બોંબ વિસ્ફોટ થયો. થોડા સમય માટે આસપાસ વાતાવરણમાં અંધાધૂંધી સર્જાઈ ગઈ. ધૂળની ડમરીઓ ઊડી.

બંગલામાં આગ લાગી કાળા ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા આકાશ તરફ ઊડ્યાં.

કૌશર ઊછળીને, કૂદીને આગની કેસરી-સોનેરી ભભૂકતી લપેટમાં આવી ચૂકેલા આલિશાન મહેલસમા સળગતા બંગલા તરફ જવા ઈચ્છે છે. ‘વિબોધ... નહીં.. વિ..બોધ.. આ..હા..હા.. વિબોધ..’ સત્યાએ પોતાની જાતને મજબૂત બનાવતા મહામહેનતે કૌશરને બંને હાથથી પકડીને બંગલાની અંદર જતાં અટકાવી લીધી. ‘સંભાળ કૌશર ખુદને.. હોશમાં આવ..’

‘વિબોધ.. અલ્લાહ... નહીં.. વિબોધ.’ કૌશર પોતાના હોશ ગુમાવી જમીન પર ઢળી પડી. સત્યાએ કૌશરને ભાનમાં લાવવા માટેનાં લાખ પ્રયત્નો કર્યા, પરંતુ કૌશરની બંધ આંખો ના ખૂલી. એ મનોમન વિબોધનું નામ લેતી વિસ્મયના પ્રાંતમાં બેહોશ થઈ ચૂકી હતી. બોંબ વિસ્ફોટ થયાની થોડીવારમાં ઘટનાસ્થળેથી કૌશરને બેહોશીની હાલતમાં એમ્બ્યુલન્સમાં તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

ધમાકાના પ્રચંડ અવાજ અને આગની મહાકાય જ્વાળાઓને કારણે આજુબાજુના વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં જમા થવા લાગ્યા. થોડીવારમાં પોલીસ, ડૉક્ટર, ફાયર ફાઈટર, મીડિયાની ટૂકડીઓ ઘટનાસ્થળે દોડી આવી.

સત્યાને જીવંત જોઈને સૌ અચંબિત થઈ પડ્યા. જાતભાતનાં સવાલો ઉઠવા લાગ્યા.

થોડીવારમા ઈલાક્ષી આવી ગઈ. સત્યા અને ઈલાક્ષી એકબીજાને જોતાંની સાથે જ દોડીને ચોંટી ગયા.

કલાકોની કવાયત પછી આગ કાબૂમાં આવીને હોલવાઈ. ત્યાં સુધી આખા સ્થળને પોલીસ અને સુરક્ષાકર્મીઓની એજન્સીઓએ પોતાના કબજામાં લઈ લીધું હતું. આસપાસની જગ્યાને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી ખાલી કરાવવામાં આવ્યો અને આખા શહેર, જિલ્લા અને રાજ્યમાં ઠેર-ઠેર નાકાબંધી જાહેર કરી દેવામાં આવી.

સત્યાને કેટલાક પોલીસ અધિકારીઓ અને બોંબ નિરોધક ટીમ સાથે બંગલામાં પ્રવેશવાની છૂટ મળી. બંગલાની અંદર બધે જ ભયંકર કાલિકતા છવાઈ ગઈ હતી. બધું જ સળગીને રાખ થઈ ગયું હતું. છ-સાત તૂટેલા-ફૂટેલા અંગોવાળા છૂટાછવાયા મડદાં દેખાયા. સત્યાને સમજાયું નહીં એ આડાઅવળા પડેલા બળી ગયેલા ગંધાતા મડદામાંથી કોણ વિબોધ છે? ક્યાં મડદાને પકડી રડવું? ક્યાં મડદાને અગ્નિદાહ આપી અસ્થિઓ કળશમાં સાચવી વિબોધની અંતિમ નિશાની સમજવી?

સત્યાના શરીરનો વજન હલકો અને આત્માનો ભાર વધી ગયો. એ હારેલી હતાશ ગૂમસૂમ સ્થિર સુકાયેલી આંખો અને ખાલી હાથે બહાર આવી. તેની ફરતે પોલીસનાં જવાનો અને મીડિયાનાં માણસો ઘેરાઈ ગયા. એ કશું સાંભળી કે જણાવી શકવાની અવસ્થામાં રહી ન હતી.

સત્યાએ આકાશ તરફ જોઈ ગળું ફાડીને ચીસ પાડી. ‘વિબોધ...’ અને જમીન પર ઘૂંટણિયે બેસી ગઈ.

* * *

‘અને બ્રેક બાદ હું અમી લાઈવ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. હમણાં જ અમારા સંવાદદાતા ભાવિક પાસેથી મળેલી માહિતી મુજબ...

વિબોધ જોષી મર્ડર કેસમાં ફરી એક નવો વળાંક આવ્યો છે. સત્યા શર્મા છે જીવિત. જી હા. વિબોધ જોષી મર્ડર કેસમાં એક નવો ખુલાસો. મેન્ટલ હૉસ્પિટલ પાસેના રેલવે ટ્રેક પરથી જે લાશ મળી એ સત્યા શર્માની નહીં પરંતુ નેહા અરોરાની હતી. એ વાત પ્રકાશમાં આવી છે. આપ સત્યા શર્માનું એક્સલુઝિવ લાઈવ દૃશ્ય તમારી ટી.વી સ્ક્રીન પર જોઈ શકો છો.

બીજા એક દૃશ્યમાં વિબોધ જોષી અને તેમની સાથીદાર કૌશર ખાનનાં બંગલા પર બોંબ વિસ્ફોટ થયો છે. તેના પણ દૃશ્યો જોઈ શકશો. બોંબ વિસ્ફોટ સમયે બંગલામાં હાજર છ વ્યક્તિઓનું મૌત નીપજ્યું છે. એ છ વ્યક્તિઓ કોણ છે અને શું કામ તેમની બોંબ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી છે એ હજુ જાણમાં આવ્યું નથી. ફોન લાઇન પર ઘટનાસ્થળેથી અમારા સંવાદદાતા ભાવિક જોડાઈ ગયા છે. તો આવો જાણીએ તેમની પાસેથી વધુ વિગતો.

તો જણાવશો ભાવિક આખરે શાંતિપ્રિય રાજકોટ શહેરમાં છેલ્લા એક મહિનાથી આ બધુ શું થવા બેઠું છે? અને સમાજની શાંતિ ખોરવવા પાછળ કોણ, કેવી અને કેટલી વ્યક્તિઓનો હાથ છે? તંત્ર અને ત્યાં ઉપસ્થિત લોકોનું શું કહેવું છે?’

‘જી અમી. સૌ પ્રથમ હું એ જણાવીશ કે, અત્યારે જે કઈ પણ થયું કે બની રહ્યું છે તેનો અંદાજો મેળવવો કે કશું પણ સમજીને જણાવી શકવું અત્યંત મુશ્કેલ છે. એક પછી એક હત્યાઓ અને હવે વિબોધ જોષી અને કૌશર ખાનના નિવાસસ્થાને બોંબ વિસ્ફોટ તથા સત્યા શર્માનું જીવિત નીકળવું. આ સમગ્ર બનાવો વિશે હવે સત્યા શર્મા અને કૌશર ખાન જ જણાવી શકશે. કેમ કે જ્યારે બોંબ વિસ્ફોટ થયો ત્યારે તેઓ અહી હાજર હતા. અને આપ સૌ મારી પાછળ બંગલા પાસે ઉભેલી વિબોધની આલિશાન કાર પણ જોઈ શકશો. છેલ્લી માહિતી અનુસાર સત્યાને પોલીસ કસ્ટડીમાં લઈ...’

‘હું અહિયાં ભાવિક તમને રોકીશ. દર્શકો માટે બીજા એક બિગ બ્રેકિંગ. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાપ્ત વિગતો અનુસાર દેશની તમામ નાની-મોટી સરકારી, અર્ધ સરકારી કચેરી, ખાનગી સંસ્થા, અને ઓફિસોને વિબોધ જોષીના નામથી ફેક્સથી મોકલવામાં આવ્યો છે. ફેક્સની કૉપી આપ ટી.વી સ્ક્રીન પર જોઈ શકશો. જેમની અંદર એવા તમામ નામી-અનામી લોકોનાં નામ છે જેમના કાળા નાણાં સ્વિસ બેંકમાં જમા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરેક નામની સાથે તેમના સ્વિસ બેંક એકાઉન્ટ નંબર અને બીજી કેટલીક કાળા કામોની વિગતો પણ દર્શાવી છે.

આ અંગે વધુ વિગત આપશે અમારા ચેનલહેડ સિનિયર એડિટર મિલન.’

‘અમી. લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી સૌથી પહેલા તો હું એ જણાવીશ કે આ સમગ્ર મામલો હવે ધીમે-ધીમે ઉકેલાતો જાય છે તેવું હું અભ્યાસ અને અનુભવોના આધારે જણાવી શકું છું. વિબોધ પર હુમલો અને હત્યા, સત્યાને ગેરરીતિથી ફસાવવી. સુદર્શન અખબારની જગ્યાને અમાનવીય રીતે સળગાવી, વિબોધ અને કૌશરના નિવાસસ્થાને હદયકંપી જાય તેવો બોંબ વિસ્ફોટ એટલે નક્કી આ બધુ જ પુરાવાઓને નાશ કરવાના કાવતરા હતા. અને આ ષડયંત્ર પાછળ તમામ મોટા ગજાના સરકારી-અર્ધ સરકારી અધિકારીઓ દ્વારા ઘટના પર આંખ આડા કાન કરવાના કારસ્તાન થયા છતાં પણ સત્ય તો છાપરે ચડી પોકારે જ છે. એ આજે આપણે જોઈ શકીએ છીએ.

હવે બધુ સાફપણે સમજી શકાય છે કે, વિબોધ પાસે બ્લેક મનીમેન્સનું લિસ્ટ આવ્યું હશે. અને એ લિસ્ટમાં તમે પણ સ્ક્રીન જોઈ શકશો જેમાં કેટલાક નામચીન હોદ્દેદારોનાં નામ છે, જેમણે સત્તાના દૂરપયોગ અને મની તથા મસલ્સ પાવરથી આ આખા ષડયંત્રને અંજામ આપ્યો. આખરે તે નાકામ નીવડ્યા અને આપની સમક્ષ એ બધા નામ ખુલ્લા પડ્યા.

આ તબ્બકે વિબોધ અને તેમના સાથીદારોની પ્રસંશા કરવી પડે, જે કામ દેશની ભૂતપૂર્વ કે વર્તમાન સરકાર કોઈ કાળે ના કરી શકી એ કામ જીવના જોખમે અભૂતપૂર્વ રીતે વિબોધે પાર પાડ્યું અને હવે કદાચ આ બધા ગુનેગારો અને હત્યારાને સજા થશે ત્યારે જ વિબોધને સાચી શ્રદ્ધાંજલિ મળશે. હવે પછી સરકાર અને પોલીસ ખાતાની શું કાર્યવાહી રહેશે એ પણ જોવું રહ્યું.

ખેર, પોતાના ચૂંટેલા પ્રતિનિધિ નેતાઓ અને જેમના પર સમાજની સુરક્ષા કરવાની જવાબદારી છે એવા પોલીસ કર્મચારી અને કાનૂનના સેવકો જ જ્યારે આખા મામલામાં દોષી હોય ત્યારે કોની પાસેથી ન્યાયની અપેક્ષા રાખવી. અને સત્યા? એણે સહેલા અત્યાચારો અને ગુમાવેલા નામ, કામ કોણ પાછા અપાવી શકશે? કૌશરનું પણ શું?

કોઈ પત્રકાર પોતાનો ધર્મ નિભાવતા ખુંવાર થઈ જાય તો સમાજનું પ્રતિબિંબ કોણ દર્શાવશે? અને..’

ક્રમશ: