Dikarine Bachavo books and stories free download online pdf in Gujarati

દીકરી ને બચાવો

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

દિકરીને બચાઓ

વિષય: નારી

મનુષ્યજીવન એ કુદરતની એક અમુલ્ય ભેટ છે.માટે આપણે આપણા આ જીવન દરમિયાન એ તકેદારી રાખવી જરૂરી છે કે જાણ્યે-અજાણ્યે આપણાથી પાપ કર્મ કે હીનકૃત્ય ન થાય.

આવા કરેલા દરેક કર્મના બદલા આપણે જરૂરથી ચુકવવા જ પડશે.કયાંક એવુ ન બને કે હસતા હસતા કરેલા કાર્યોના બદલા આપણે રડતા રડતા ચુકવવા પડે.તમને એવુ લાગે છે કે તમે તો તમારું જીવન કુદરતના નિયમ પ્રમાણે જ જીવો છો અને સામાન્ય અપરાધ સિવાય કોઇ મોટું પાપ કરતા જ નથી ખરેખર આવુ જ છે??? ના......ના..... બિલકુલ નહી.

આપણે આ દેશમાં ઘણાં બધા લોકો પોતાના સામાન્ય સ્વાર્થ કે ખોટી વિચારસરણીને કારણે એક મોટુ હીન કૃત્ય કરીએ છીએ.જેનુ ખરાબમાં ખરાબ પરિણામ આપણે જ ભોગવવું પડે છે અને તે કૃત્ય છે સ્ત્રી-ભ્રણ હત્યા. માતાનાં કુખમાં રહેલી માસુમ,નિર્દોષ બાળકી જેણે પોતે તો હજુ તો આ દુનિયા જોઇ પણ નથી. પિંડમાંથી ધીરે ધીરે આકાર પામતી કન્યાને સ્વાર્થી તેના જ મા-બાપ ડોકટરના સહારે કટકા કરી ચુંથીને શ્વાનનાં હવાલે કરી દે છે. જન્મ લીધા બાદ પણ અમુક સ્ત્રીબાળાને એક દિકરી રૂપે જન્મવા માટેની મોતરૂપી સજા તાત્કાલીક આપી દે છે.અત્યંત ક્રુરતાપુર્વક એ ફુલને રહેંસી નાખવામાં આવે છે. જે મા-બાપને દીકરીને મોત આપવાનો જીવ ના ચાલતો હોય તેઓ તેને તરછોડી મુકે છે. “એક મા-બાપે નવજાત બાળકીને બીજા માળેથી ફેંકી દીધી” “કચરાંના ઢગલામાંથી નવજાત બાળકીનો મૃતદેહ સાંપડયો” “ગટરમાં પડેલી બાળકીની ચીસો સાંભળીને આસપાસનાં લોકો દોડી આવ્યા”

“હોસ્પિટલના પાછળના ભાગેથી બાળકીના અંગોના કટકા મળી આવ્યા”

આવા તો અનેક સમાચાર અવારનવાર આપણે અખબારોમાં વાંચીએ છીએ અને આપણું હ્રદય દ્રવી ઉઠે છે.આપણે જયારે કોઇ મારી નાખવા આવે ત્યારે આપણે તેનો કેટલો પ્રતિકાર કરીએ છીએ ખુબ જ બુમાબુમ કરીએ છીએ. તો જરા વિચારો............ કુખમાં રહેલી કે નવજાત બાળાને જયારે તેના જ મા-બાપ મોતને ઘાટ ઉતારી દે છે ત્યારે એ માસુમ બાળાને તો પ્રતિકાર કરવાની શકિત પણ હોતી નથી.બિચારુ એ માસુમ ફૂલ કેટલો વલોપાત કરતું હશે.તેના હ્રદયમાં કેવો વ્રજઘાત પડતો હશે. તેનું આ રૂદન ઉપર રહેલા પરમક્રુપાળુ પરમાત્મા નહી સાંભળતા હોય!!!!! બાળકીનાં જન્મ બાદ તેને કચરાના ઢગલામાં, રસ્તામાં કે ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે ત્યારે અસંખ્ય કીડીઓ તથા જીવ-જંતુઓ તેને ચટકા ભરીને ખાય છે અને એ ફુલ સમાન બાળા જયારે રડી રડીને પોતાનો જીવ ત્યાગે છે ત્યારે એ વેદના કેવી અસહ્ય છે. તે આપણે કદી વિચાર્યુ છે ખરી??કદાચ એ બાળા જીવી પણ જાય તો પછી સારાને વ્યવસ્થિત ઘરમાં પહોંચશે તેની કોઇ ગેંરટી છે ??? જેમ આપણે જીવવાનો અધિકાર છે એમ દુનિયાનાં પ્રત્યેક જીવને એટલો જ અધિકાર છે અને આપણા ઘરે જન્મ લેતા સંતાનને પણ એટલો જ અધિકાર છે.ભલે ને પછી એ દિકરો હોય કે દિકરી.... સજીવ સ્રુષ્ટિમાં મનુષ્ય સિવાય કયાંય ભૃણ હત્યા જેવુ કાર્ય થતું નહીં છતાંય બધાય સુખેથી જીવે જ છે.કોઇને પણ મોટા પહાડ જેવા દુ:ખ પડતા નથી . ફકત મનુષ્યો જ ઇશ્વરની લીલામાં ખલેલ પહોચાડીને સુખની લાલસામાં દુખનાં દરિયામાં પડે છે. હમેંશા એક વાત યાદ રાખવી જોઇએ કે ભવિષ્ય કયારેય કોઇ જાણી શકતું.કોઇ પણ સુખ કે દુ:ખ આપણા મનની માત્ર કલ્પના જ છે.જે ઘટના એક વ્યકિત માટે સુખદાયી છે તે જ ઘટના બીજા વ્યકિત માટે દુ:ખદાયી પણ બની શકે છે.માટે કયારેય આપણે ખોટા વિચારોમાં ફસાયને સ્ત્રી ભૃણ હત્યા જેવુ હીન ક્રુત્ય ન કરવુ જોઇએ. માણસ જયારે સ્ત્રી ભૃણ હત્યા જેવુ હીન ક્રુત્ય કરે છે ત્યારે તેઓ સ્ત્રી-હત્યા,બાળ હત્યા અને જીવ હત્યા એમ ત્રણ ગણું પાપ માથે લે છે.હત્યા જેવુ અક્ષમ્ય પાપ કરીને પોતાનો પાપનો પોટલો વધારી દે છે.આજ-કાલના જમાનામાં દિકરાઓ જયારે માતા પિતાને દુ:ખી કરે છે,તરછોડે છે ત્યારે તેઓ સમાજમાં ટીકારૂપ બને છે.પરંતુ અમુક મા-બાપ તો તેને લાયક જ હોઇ છે. નહીંતર ઇશ્વર કયારેય કોઇને પણ ખોટી રીતે અન્યાય કરતો નથી. શા માટે આપણે એક દીકરીને ઇચ્છતા નથી ? શા માટે આપણે ઇશ્વરના ગુનેગાર બનીએ છીએ? આ ભૂતલ પર આપણો જન્મ શા માટે થયો છે તે મુળભૂત હેતુ આપણે વિસરી ગયા છીએ અને આવા હીન ક્રુત્યો કરીને આપણે આ અમુલ્ય માનવદેહને વેડફી નાખીએ છીએ.

ઘણા બધા બુધ્ધિજીવીઓ!!! પાસે સ્ત્રી ભૃણ હત્યા માટે ઘણા તર્ક બધ્ધ કારણો હશે કે માત્ર સ્ત્રી સંતાનો જ હોય તો ઘડપણમાં કોઇ સહારો રહેતો નથી !!!! એકલવાયુ જીવન વ્યતીત કરવુ પડે છે.આજના આ ઘોર કળિયુગમાં દીકરીની કોઇ સલામતી નથી એટલે તે જન્મતા જ મૃત્યુ પામે એ ઠીક છે !!!! દીકરીને ભણાવવા પાછળ કરવામાં આવતા લાખો રૂપિયાનું કોઇ વળતર નથી !!!! આખરે તો એ પારકી થાપણ જ કહેવાય ને.દીકરીને કારણે આપણો વંશ આગળ વધતો નથી એક દિકરો તો જોઇએ જ !!!! મૃત્યુ બાદની લોકિક ક્રિયાઓ દિકરો હોઇ તો જ કરી શકે અને સ્વર્ગની સીડી ચડવા મળે !!!! વળી અધુરામાં પુરૂ લગ્ન-પ્રસંગ વખતે પણ દીકરીના બાપે તો નીચા નમીને રહેવુ પડે છે. ઓ,બાપ રે !!!! હેલો, વેઇટ અ મિનિટ પ્લીઝ, આજના ઘોર કળિયુગમાં આપણા જીવનની પણ કોઇ સલામતી નથી તો ચાલો ને મરી જઇએ. આખી જીદંગી ઘર પરિવાર માટે કમાવવું,ઢસરડા કરવા તેના કરતા ચાલોને આપણે પણ મૃત્યુને ભેટીએ.ઓહ કેવુ અઘરુ લાગ્યું ??? મૃત્યુનું નામ પડતા જ શરીરના રૂંવાડા ઉભા થઇ ગયા ને??? તો જરા વિચારો એ કોમળ ફૂલ પર શું વિતતી હશે જયારે એના સગા મા-બાપ જ તેને મારવા તૈયાર થાય છે???

અરે જે ઘરમાં દીકરીનો મીઠો રણકાર નથી તે ઘરમાં મધ જેવી મિઠાસ નથી.દીકરી સાસરે જતી રહે છે ત્યારબાદ પણ તે સતત તેના માતા પિતા વિશે વિચારે છે અને તેની દરકાર રાખે છે. દિકરાના કાંધે સ્મશાને જવા કરતા દીકરી ના દિલમાં રહેવાની જે મિઠાશ છે તે આ સ્વાર્થીઓ કયાંથી સમજી શકે. ચાર દિકરાનાં મા-બાપ વૃધ્ધાશ્રમમાં જે ખાલીપો અનુભવે છે તેવો ખાલીપો ચાર દીકરીનાં મા-બાપ કયારેય અનુભવતા નથી.સતત તેને દીકરીની પ્રેમ રૂપી મિઠાશ મળતી રહે છે. જેના ઘરમાં દીકરીરૂપી તુલસી કયારો વસે છે તેના ઘરમાં મચ્છરરૂપી રાક્ષસો એટલે કે ચિંતા, વ્યાધિ, ઉપાધિ જેવી સમસ્યાઓ કયારેય આવતી નથી.દીકરીએ કુદરતના આશીર્વાદ જ છે. ....... તો, મિત્રો લિંગભેદ મુકી માનવપ્રેમી બનો “ જીવન રક્ષકના બનો તો કાંઇ નહી પરંતુ જીવન ભક્ષક તો ના બનો.........ના બનો...............ના જ બનો”