Dhavan nu Karaj books and stories free download online pdf in Gujarati

ધાવણનું કરજ

ધાવણનું કરજ

ખાનાબદોશ લોકોની વસ્તીના પચાસેક ઝૂંપડા હશે ત્યાં, આમતો કાયમ આ સમયે ત્યાં ભીડ જમા થયેલી જોવા મળે, મજૂરી કરી રોજે રોજનું પેટિયું રળી લેતા એ લોકોના ઘરનો પુરુષ રોટલો બાંધી કામ પર જવાની તૈયારી કરતો હોય. તો વળી કોઈ માલેતુજાર દાનધરમ કરવા આવ્યો હોય તેની સામે થાળી વાડકાં લઈને ટાબરીયાંઓ અટવાતા હોય. ઘરની સ્ત્રીઓ ગઈકાલના ચીંથરા ધોવા અને ગઈ રાતના ગંદા વાસણો ધોઈ નાખવાની તૈયારીમાં બાજુની નદી પર જવાની તૈયારીઓ આરંભી રહી હોય. તો વળી ઘરડાં અને બિમાર લોકો પોતાની અવસ્થાને કોસતાં બાહર કાથાના ખાટલાં પર સૂતા હોય. ટૂંકમાં સતત શોરબકોરવાળી જગ્યા હતી એ. પણ આજે કોણ જાણે કેમ એવું કાંઈજ નહોતું. આજે વહેલી સવારેજ મમ્મીના શ્રાધ્ધની પૂજા પતાવી માલવ દાનમાં આપવાના સામાનનું પોટલું લઈ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે રોજ કરતા પ્રમાણમાં ત્યાં શાંતિ છવાયેલી હતી. કદાચ માલવ વહેલો આવી ગયો હતો. મમ્મીના શ્રાધ્ધની પૂજા પતાવીને આવ્યો હતો એટલે, કે પછી આ જગ્યાના બોઝલ વાતાવરણને લીધે તે તો ખબર નહી પણ માલવની માનસિક હાલત કંઈક સ્વસ્થ નહોતી. મનમાં ચાલી રહેલી ગડમથલ એ તેનાં ચહેરા પર વર્તાવા નહોતો દઈ રહ્યો. પણ તે અંદરથી સ્વસ્થ તો નહોતો જ.

કાકાએ બે થી ત્રણવાર કહ્યું 'માલવ બસ અહીંજ બોલાવી લઈએને બધાને ? ઝૂંપડે ઝૂંપડે આપણે જવાની શું જરૂર છે ?' પણ માલવે ન સાંભળ્યુ, કદાચ એ કોઈ બીજા જ વિચારમાં હતો. કાકાની વાત જાણે એના કાને પડી જ નહોતી રહી. એ તો ચાલ્યે જતો હતો. એક ઝૂંપડેથી બીજા ઝૂંપડે. સામાનનું ભારે પોટલું પકડીને ચાલતા ચાલતા કાકા રીતસર હવે થાક્યા હતા, મમ્મીના જૂનાં કપડાં અને થોડાં નવા લીધેલા સાડલાં ભરેલું એક પોટલું માલવના હાથમાં પણ હતું, પણ માલવને જાણે આજે ભાર જેવું કંઈ વર્તાતું જ નહોતું યા કદાચ એના મન-મગજ પર જે એક વાતનો ભાર હતો તેની સામે હાથમાં પકડાયેલાં પોટલાનો ભાર કંઈજ નહોતો. એ જાણે એક જ દિશા તરફ અજાણ પણે કોઈ નાનું બાળક પોતાની મા ના પાલવને અનુસરતા ચાલતું હોય તેમ ચાલ્યે જતો હતો. 'માલવ હજુ કેટલું આગળ ચલાવશે તું મને, થાક લાગે છે ભાઈ. એના કરતા આપણે દરવાજે જ બધાને બોલાવી લીધા હોત તો?' કાકા ફરી બોલ્યા, પણ માલવ એકધારૂ મૌન ઓઢી ચાલ્યે જતો હતો. કાકાને પણ માલવનાં આવા વર્તનથી નવાઈ તો લાગી પણ એ ચૂપ રહ્યાં કાયમ ખૂશખુશાલ અને સતત વાતો કર્યા કરતો માલવ આજે જાણે એક જૂદી જ વ્યક્તિ હતો.

શહેરની વસ્તીથી ઠીક ઠીક દૂર આ ખાનાબદોશ લોકોના ઝૂંપડા લગભગ છેલ્લાં બાવીસ-પચ્ચીસ વર્ષથી અહીં વસ્યા હતાં. સારા નરસાં પ્રસંગે લોકો અહીં આવતા અને પોતાની ઈચ્છા અનુસાર કે પ્રસંગના અંતે વધેલું ઘટેલું ખાવાનું, કપડાં, રમકડાં વગેરે અહીંના લોકોને આપી પુણ્યનું ભાથું બાંધ્યાનું આશ્વાસન લઈ પાછા જતાં. માલવ પણ આજે એની મમ્મીના પહેલાં શ્રાધ્ધની પૂજા પતાવી બ્રાહ્મણને જમાડવા પહેલાં અહીં દાન આપવા આવ્યો હતો. પણ ગાડીમાંથી નીચે ઉતરતાની સાથેજ કોણ જાણે એને શું થઈ ગયું તે તદ્દન મૌન થઈ એકધારૂં કાકાની એક્પણ વાતનો જવાબ આપ્યા વગર ચાલ્યે જતો હતો.

'મમ્મી કાયમ તું મને શું કામ અહીં લઈ આવે છે ? કેટલી ગંદી જગ્યા છે આ ! છી, મને જરા પણ ગમતું નથી. હજુ મારી બેટીંગ પણ બાકી હતી, છતાં તું મને લઈ આવી, હવે આપણે પાછા જશું ત્યાં સુધીમાં તો બધા જતાં પણ રહ્યા હશે. મારી બેટ પણ ત્યાંજ છે, કોઈ લઈ ગયું તો?' નાનકડાં માલવને લઈ ને મમ્મી દર વર્ષે અહીં આવતી અને દર વર્ષે મા દિકરા વચ્ચે આ સંવાદ એક નહીં તો બીજા શબ્દોમાં થતો રહેતો મમ્મીની પાછળ પાછળ જબરદસ્તી ખેંચાતો માલવ દર વખતે એનો કંટાળો આ રીતે બતાવવાની કોશિશ કરતો. પણ મમ્મી હસતા હસતા એને સાંભળી લેતી. છેલ્લા કેટલાંય વખતથી એ લોકો અહીં આવતા, પણ આજ સુધી માલવને એની મમ્મીએ અહીં આવવાનું સાચું કારણ જણાવ્યું નહોતું. દર વખતે માલવ જોતો કે મમ્મી જ્યારે જ્યારે અહીં આવે ત્યારે જાણે લક્ષ્મી માતા એનું દયાળુ રૂપ લઈ અવતર્યા હોય તેમ નવી નવી વસ્તુઓ અને રૂપિયાની થોકડી એના થેલામાં ભરી લાવતી અને એક ઝૂંપડામાં જઈએ બધું જ લૂંટાવી નાખતી. નાનકડા માલવની કૂતુહલભરી આંખો આ બધું સમજવા મથતી પણ કેમેય કરીને તેને આ દાખલાનો તાળો જ નહોતો મળતો. તે બહાર ઉભો ઉભો નાક દબાવી ત્યાંની ગંદી વાસથી છૂટકારો મેળવવા માંગતો હોય તેમ એની મમ્મીના બહાર આવવાની રાહ જોયા કરતો.

પાંચ વર્ષનો હતો ત્યારથી એણે જોયું હતું કે એની મમ્મી કોઈપણ ભૂલચૂક વગર રાબેતા મુજબ આ શિરસ્તો નિભાવ્યે જતી હતી. પણ એ કોલેજમાં આવ્યો ત્યાં લગી મમ્મીની આ વર્તણૂક પાછળનું સાચું કારણ એને સમજાયું નહોતું. પછી તો ધીમે ધીમે એણે મમ્મીને પૂછવાનું પણ બંધ કરી નાખ્યું. બસ એક વાત તેણે મનમાં ઠસાવી લીધી કે મમ્મી જ્યારે કહે ત્યારે એની સાથે અહીં આવવાનું અને દર વખતની જેમ થેલો ખાલી કરી પાછા વળી જવાનું. છેલ્લાં ૧૮-૧૯ વર્ષોથી આજ ક્રમ ચાલ્યે આવતો હતો. હવે તો માલવને એ પણ યાદ નથી કે એ પહેલીવાર અહીં ક્યારે આવ્યો હતો, કદાચ ત્યારે એને પૂરી સમજ પણ નહોતી.

નંદિનીબહેન, માલવની મમ્મી એક ખૂબ ભલી બાઈ, દીકરાને ખૂબ ચાહે, સાલસ અને પ્રેમાળ. મહોલ્લામાં પણ દરેકની સાથે મૈત્રીભાવથી વર્તે અને સુખે દુઃખે દરેકના ઘરે જઈને ઉભા રહે. માલવ સમજણો થયો ત્યારથી એમણે આજ બધા સંસ્કારો માલવના બાળમાનસ પર પણ રોપવા માંડેલા. માલવ પણ એની મમ્મીને એટલોજ પ્રેમ કરે. એને જોનારા અને ઓળખનારા દરેક જણ નંદિનીબહેનને કહેતા કે 'આ માલવ અદ્દલ તમારૂં જ રૂપ છે નંદિનીબહેન.' અને નંદિનીબહેન આ સાંભળી હસી પડતાં અને માલવના ગાલ પર પ્રેમથી ટપલી મારી કે બચી ભરી વ્હાલ કરી લેતાં. માલવને મમ્મીનું આ વ્હાલ ખુબ ગમતું. એક વર્ષ પહેલા જ્યારે ટૂંકી બીમારી પછી નંદિનીબહેને ચિરવિદાય લીધી ત્યારે માલવ માટે એ પરિસ્થિતિનો સામનો કરવો દુષ્કર થઈ ગયું હતું. મા વગરનું જીવન તેણે ક્યારેય કલ્પ્યું જ નહોતું. તેની દુનિયા મા સુધી વિસ્તરીને સિમિત થઈ જતી હતી. કેટલાંય દિવસો લગી માલવને લાગ્યા કર્યું જાણે એનું આખુંય વિશ્વ લૂંટાઈ ગયું હોય. પપ્પાનો ચહેરો તો એને યાદ પણ નથી. એ ત્રણ વર્ષનો હતો જ્યારે ઉભા ધાનના ખેતરે પપ્પા રાત્રે સૂવા ગયેલા અને ત્યાં કોઈ વિઘ્ન સંતોષીએ આખાય ખેતરમાં આગ ચાંપી દીધી. આગલી સાંજે લણીને ઢગલો કરેલા ઘઉં પપ્પા બચાવવા ગયા અને આગ એમના આખાય શરીરને દઝાડી ગઈ. હોસ્પિટલ લઈ જવા જેટલો પણ સમય નહોતો બચ્યો. તે દિવસથી માલવનું એક માત્ર વિશ્વ હતું નંદિનીબહેન અને નંદિનીબહેન માટે પણ માલવનું ભરણ પોષણ અને ઘરની વારસાઈ સાચવવાની આવી પડેલી જવાબદારી, આ બે ફરજ એજ જીવન થઈ ગયું. પણ ગામના મોટા જમીનદારને ત્યાંની વિધવા વહુ તરીકે જવાબદારીઓ અદા કરવાની હોવા છતાં માલવ પ્રત્યેનું માતૃત્વ કદી ભૂલાયું નહોતું.

'માલવ હજું કેટલું ચલાવશે ભાઈ ? એક કામ કર તું રખડ્યા કર હું અહીં બેસું છું. આ ગંદી ગોબરી જગ્યાએ મારાથી શ્વાસ પણ નથી લેવાતો અને ત્યાં તું ક્યારનો ચલાવ્યે જાય છે.' ભૂતકાળની યાદની કોઈક ગલીમાં અટવાયેલા માલવને કાકાએ ફરી બૂમો પાડતા કહ્યું. હવે તેમની ઉંમર અને ધીરજ બંને જવાબ આપી રહ્યાં હતાં. માલવે ચૂપચાપ તેના કાકાના હાથમાંથી થેલો લઈ લીધો અને અહીં જ રાહ જોવાનું કહી તે આગળ ચાલવા માંડ્યો. એક એક પગલે તેને મમ્મી સાથે થયેલા તે સંવાદોના એક એક શબ્દો યાદ આવી રહ્યા હતા.

'મમ્મી તેં દવા લીધી ?' માલવે હિંચકે બેઠેલી હાંફતી બીમાર મા ને પૂછ્યું. 'દવા તો હૌ પછી લેવાશે દિકરા, પણ મારે આજે તને એક વાત કરવી છે જરા બેસ અહીંયા મારી બાજુમાં' નંદિની બહેને વ્હાલથી પોતાના દિકરાને નજીક તેડતાં કહ્યું. 'ના બધી વાત પછી પહેલાં તું દવા લઈ લે, આટલી મોટી થઈ તો પણ દવા લેવામાં નાના બાળક જેવા ધાંધાં કરે છે. ચાલ પકડ જોંઉ, હું પાણી લઈ ને આવું છું.' મમ્મીને મીઠા ઠપકા સાથે દવા હાથમાં આપી એ હિંચકા પર ગોઠવાયો. આ હિંચકો એ માલવ અને તેની મમ્મી બંને માટે જાણે સુખ દુઃખનો સાથીદાર હતો. નાનપણમાં માલવ ઘણી વાર અહીંથી પડી જતો ત્યારે રડતાં માલવને દવા લગાડતા મમ્મી પણ રડી પડતી.

'હું અને તારા પપ્પા પહેલીવાર એક મેળામાં મળેલા, તારા પપ્પાએ જ્યારે પહેલીવાર જોઈ મને હતી ત્યારે એના હાથમાં આઈસ્ક્રીમનો કૉન હતો અને તને ખબર છે મને જોવામાં એ આખોય કૉન પીગળીને એમના હાથમાં રેલાવા માંડેલો. પછી તો એમણે ઘરવાળા સામે જીદ્દ પકડી કે મારે નંદિની સાથેજ સગાઈ કરવી છે. અમારાં લગ્ન થઈ ગયા. તારા પપ્પા મને ખૂબ પ્રેમ કરતાં, એ રોજ ખેતરે જાય ત્યારે આપણાં ખેતરના સિમાડે બેસતી પેલી જીવલીને ત્યાંથી મારે માટે વેણી લઈ આવતા. અને જ્યારે પણ ઉઘરાણી કે બીજા કામથી શહેર જતા ત્યારે બસ ડેપો પાસેના ખમણ અને ચટણી બંધાવી લાવે. પણ અમારા દામ્પત્યમાં ખબર નહી ક્યાં ખોટ હતી તે કેટલાંય વખત સુધી લાખ પ્રયત્નો, દોરા ધાગા અને માનતા રાખવા છતાં મારો ખોળો ભરાતો નહોતો. હું તારા પપ્પા સામે કેટલીય વાર રડી પડતી તું નહોતો આવ્યો ત્યાં લગી મને જાણે એમ લાગ્યા કરતું કે કુદરતે મને મા બનાવવીજ નથી કે શું? પણ તારા પપ્પાને મહાદેવ પર અતૂટ વિશ્વાસ એ કાયમ કહેતા, 'જો જે નંદિની તારા પેટે પણ કાર્તિક જેવો બહાદુર દીકરો જન્મ લેશે, તું આમ હિંમત હારી જાય તે ન ચાલે, મહાદેવ સૌ સારા વાન કરશે. જ્યારે એણે આપવાનું લખ્યું હશે ત્યારે જ આવશે ને? બાળક કંઈ આમ આપણી ઉતાવળથી થોડુંજ આવી જાય ?' અને મહાદેવે ખરેખર મોડી મોડી પણ અમારા પર મહેર કરી અને લગ્નના તેર તેર વર્ષ પછી મારા ખોળે તું જનમ્યો. તારા પપ્પા એટલા ખુશ હતા કે એમણે આખાય ગામને તારા જન્મના દિવસે જમાડેલું.' મમ્મી બોલતી જતી હતી અને માલવ એની મા ના મોઢા પર પથરાયેલા નિર્મળ ભાવને એકીટશે જોઈ રહ્યો હતો. પણ મમ્મીના મોઢાના હાવભાવ આટલી વાત પછી અચાનક બદલાઈ ગયા, એ થોડોવાર માટે અટકી. માલવને લાગ્યું કે કદાચ બીમારીને કારણે એ બોલતા બોલતા થાકી ગઈ હશે. પણ નંદિની બહેન જાણે કોઈ વાત કહેવા માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યા હતા.

'માલવ તું કાયમ પૂછ્યા કરતો હતો ને કે આપણે પેલી ગંદી ગોબરી વસ્તીમાં કાયમ કંઈને કંઈ આપવા માટે શું કામ જઈએ છીએ અને હું તને ત્યાં શું કામ દરવખતે લઈ જાઉં છું ?' વાતના અચાનક બદલાયેલા પ્રવાહથી માલવને નવાઈ લાગી, એણે મમ્મીના ચહેરા તરફ ફરી પ્રશ્નાર્થ નજરે જોયું પણ નંદિની બહેન જાણે પોતાનીજ કોઈ ગડમથલમાં અટવાયેલા હતા. એક ઉંડો શ્વાસ લેતા એમણે ફરી વાતનો છેડો પકડ્યો. વર્ષોથી મનની સપાટી પર ઘૂમરાયા કરતા એ સવાલનો જવાબ આજે આમ અચાનક જડી જશે તેની તો માલવને કલ્પનાય નહોતી.

'જ્યારે તું મારા પેટે જનમ્યો ત્યારે હું અને તારા પપ્પા તારા આવવાની રાહ જોતાં જોતાં ચાલીસી વટાવી ચૂક્યા હતા. અને દીકરા પછી જ્યારે સમય આવ્યો અમારી એ વર્ષોની કોશિશનું ફળ હાથમાં લેવાનો ત્યારે મારી ઉંમર અને આટલા વર્ષ પછીના માતૃત્વને કારણે મારૂં ધાવણ પુરતા પ્રમાણમાં આવતું નહોતું. ડોક્ટરે કહ્યું કે ઉંમર અને વર્ષો પછી બાળક જન્મવાને કારણે ઘણીવાર એવું થતું હોય છે કે મા ને પૂરતા પ્રમાણમાં ધાવણ ન આવે. અમે બધાં જ પ્રયત્નો કરી ચૂક્યા હતા કે મારા સાત ખોટનાં દિકરાનું પેટાઆઆઆઆઅ ધાવણનાં અભાવે ખાલી ન રહે. પણ વૈદ્યો અને ડૉક્ટરોનાં મારૂં ધાવણ વધારવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. અને તું, તું તો જમીનદારનો દીકરો હતો બેટા, અડધી ભૂખ અને અડધું ખાવાનું તને કેવી રીતે ખપે ? આથી તું આખી આખી રાત રડ્યા કરતો, તે વખતે હોસ્પિટલમાં આપણાં રૂમની બાજુનાં જનરલ વોર્ડમાં સાવિત્રી પણ એની સુવાવડ માટે દાખલ થયેલી, એ બે રાતથી તારા રડવાનો અવાજ સાંભળી રહી હતી, ત્રીજે દિવસે મારા ખાટલા પાસે આવીને કહે, 'બુન આ સોકરૂં ભૂખથી રડે સે તમે એને ધવરાવતાં કેમ નથી ?' અને હું રડી પડી. એ અભણ બાઈ મારા કંઈ પણ બોલ્યા વગર પરિસ્થિતિ સમજી ગઈ અને તરત તને ઉઠાવી બાજૂના ખાટલા પર બેસી તને ખવરાવવા માંડી. તું પેટમાં પથરાઈ રહેલી શાતાથી શાંત ન થયો ત્યાં સુધી એણે હસતાં મોઢે તને એનું ધાવણ આપ્યું અને પછી બાકીના ત્રણ દિવસ હું ત્યાં રહી ત્યાં લગી એણે એનાં એક સ્તન પર પોતાનું બાળક અને બીજા પર તને વળગાડી ખવરાવ્યાં કર્યું. કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર એ ગરીબ બાઈએ એનું માતૃત્વ તારા અને એના બાળક વચ્ચે વહેંચી દીધું. કાયમ હસતી હસતી આવતી અને અલક મલકની વાતો કરતાં કરતાં તને ખવરાવી પાછી જનરલ વોર્ડના એના ખાટલા પર એના નાનકાને રમાડવા ચાલી જતી. તે દિવસથી મેં અને તારા બાપે નક્કી કર્યું હતું દીકરા કે મહાદેવ ભવિષ્યમાં આપણને ભલે ગમે-તે પરિસ્થિતિમાં લાવીને મૂકી દે પણ સાવિત્રીના ઘરનું, એના બાળકનું ભરણ પોષણ ક્યારેય રખડી ન જાય તેનું અમે લોકો ધ્યાન રાખશું. એણે કોઈ દિવસ આપણી પાસે કશુંય માગ્યું નથી પણ દીકરા આપણે કદી એનું ઋણ ચૂકી ન જઈએ એની મેં અને તારા બાપે હંમેશા કોશિશ કરી છે. બસ મારા ગયા પછી પણ એક વાતનું ધ્યાન રાખજે કે તું તારા જીવનમાં કોકવાર ભલે મને કે તારા બાપને ભૂલી જાય પણ, સાવિત્રી પ્રત્યેની મારી અને તારા બાપની ફરજને ન ભૂલતો. ત્રણ દિવસના એના દૂધનો ભાર છે તારા માથે.' દિકરા દૂધ એ એવું ઋણ છે કે જેનો બદલો માણસ સાત જન્મેય ચૂકવી ના શકે. આપણે તો એ ઋણનો નતમસ્તકે સ્વીકાર જ કરવો રહ્યો. મમ્મીનું આ છેલ્લું વાક્ય યાદ આવતા માલવની આંખમાં ક્યાંકથી થોડો ભેજ આવી ગયો અને ઝૂંપડામાં સામે ઉભેલી એ બાઈ વારંવાર 'કોનું કામ સે, કોનું કામ સે ?' પૂછતી હતી, એ બિચારી આ શેઠ જેવા માણસને આંખોમાં આંસુ ભરીને પોતાનાં બારણે ઊભેલો જોઈ ને સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના પગમાં એનાથી માથું મૂકાઈ ગયું. આંખમાં આવેલી ભીનાશની થોડી બૂંદો પેલી ફાટેલા સાડલા પહેરેલી બાઈના પગ પર પડવા માંડી ત્યારે માલવથી અચાનક બોલાઈ ગયું. ‘એક મા ખોયાના એક જ વર્ષમાં મને બીજી મા મળી ગઈ.’

કૌશલ્યા તું, દેવકી તું, તું જ મા કુંતી ને પાર્વતી પણ તું,

જશોદાય થાશે તું મારી પણ, કિશન ક્યારેય થઈશ હું ?