Darna Mana Hai - 2 books and stories free download online pdf in Gujarati

Darna Mana Hai-2 એક થી ડાયન

ડરના મના હૈ

Article 2

એક થી ડાયન: એની પાલ્મર ‘ધી વ્હાઇટ વિચ ઓફ જમૈકા’

લેખકઃ મયૂર પટેલ, વલસાડ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

મધ્ય અમેરિકી દેશ જમૈકાનાં ‘મોન્ટૅગો બૅ’ ખાતે આવેલું ‘રોઝ હોલ’ નામનું મકાન. ચોપાસ હરિયાળીથી ઘેરાયેલું, પહેલી નજરે જોતાં જ ગમી જાય એવું આ મકાન ખરેખર તો મહેલાત કહેવાય એવું વિશાળ અને ભવ્ય છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, આવું આ અત્યંત આકર્ષક મકાન ભૂતિયા હોવાનું કહેવાય છે. ઈ. સ. ૧૭૭૦માં જ્યોર્જીયન સ્ટાઇલમાં બંધાયેલા આ આલિશાન મકાનમાં એક સમયની કુખ્યાત માલિકણ એની પાલ્મરનું ભૂત થતું હોવાની વાયકા છે. એની પાલ્મરની કહાની એટલી બધી જાણીતી થઈ હતી કે, જ્હોની કૅશ નામના અમેરીકન ગાયક-સંગીતકારે એનીનાં જીવન પરથી ‘ધી બૅલડ ઓફ એની પાલ્મર’ નામના ગીતની રચના કરી દીધી હતી. કોણ હતી એ એની પાલ્મર અને કેવું હતું એનું જીવન એની હેરતઅંગેઝ અને ખોફનાક કહાની જાણવા માટે ઈતિહાસના આઈનામાં ડોકિયું કરવું પડશે.

એની પાલ્મરને લાગ્યો મેલી વિદ્યાનો ચસ્કો:

ઈતિહાસનાં પાનામાં જેનું નામ એક ક્રૂર અને શેતાની સ્ત્રી તરીકે લેવામાં આવે છે એવી એની પાલ્મરનો જન્મ ઇંગ્લેંડમાં થયો હતો, જોકે તેના જન્મની ચોક્કસ તારીખ ઉપલબ્ધ નથી. તેની માતા અંગ્રેજ અને પિતા આઇરીશ હતા. કમળાનાં રોગે તેના માતા-પિતાનો ભોગ લીધો ત્યારે કિશોરાવસ્થામાં પહોંચેલી એનીને એક વૃધ્ધ મહિલાએ દત્તક લઈ લીધી હતી. આ મહિલાએ જ ખતરનાક કહી શકાય એવી મેલી વિદ્યા ‘વુડુ’ એનીને શીખવાડી હતી. એનીના ટીનએજના વર્ષો મેલી વિદ્યા શીખવામાં જ વિત્યા હતા અને શરૂઆતથી જ તેને એ શીખવામાં ભારે રસ પડ્યો હતો, કેમ કે એ જાણતી હતી કે એ વિદ્યા થકી એ ભવિષ્યમાં અન્ય લોકોને પોતાના વશમાં કરી શકવાની હતી.

દેખાવમાં પાતળી અને આકર્ષક એવી એનીનાં લગ્ન યુવા વયે જમૈકાના જાગીરદાર જ્હોન પાલ્મર સાથે થયા હતા અને લગ્ન બાદ તે જમૈકા આવી ગઈ હતી. યુરોપનાં ભદ્ર સમાજમાં ઉછરેલી એનીએ યુરોપની સરખામણીમાં ખાસ્સા ગ્રામિણ કહી શકાય એવા જમૈકામાં લગ્ન કરવાનું પસંદ કર્યું એનું એક જ કારણ હતું, અને તે એ કે તેના પતિ પાસે ચિક્કાર પૈસો હતો.

‘રોઝ હોલ’ની જાહોજલાલી:

જ્હોન પાલ્મરની માલિકીનાં ‘રોઝ હોલ’ એસ્ટેટમાં જાહોજલાલીનો પાર નહોતો. એસ્ટેટના કેન્દ્રમાં એક મહેલસમું મકાન હતું અને તેની આસપાસ શેરડીનાં લીલાછમ ખેતરો હતા જે હજારો એકરમાં ફેલાયેલા હતા. મકાનને મોંઘા તૈલચિત્રો, ઝાકઝમાળભર્યા ઝુમરો, સિલ્કનાં વૉલપેપરો અને એન્ટીક યુરોપિયન ફર્નિચરથી સજાવવામાં આવ્યું હતું. એ જમાનામાં ‘રોઝ હોલ’ આખા જમૈકા દેશનું સૌથી ભવ્ય મકાન ગણાતું હતું. જ્હોન પાલ્મરની મુખ્ય આવક શેરડીનાં પાકની ઉપજમાંથી આવતી હતી. તેમના શેરડીનાં ખેતરોમાં મજૂરી માટે સેંકડો હબસી માણસોને રાખવામાં આવ્યા હતા. એ જમાનામાં વિશ્વભરમાં હબસી ગુલામોને ખેતમજૂરી અને ઘરકામ માટે ખરીદવા-વેચવાની પ્રથા હતી. ગોરા માલિક પાસે જેટલા ગુલામો વધુ હોય એટલી એની સામાજીક પ્રતિષ્ઠા વધારે ગણાતી.

સ્ત્રી જ્યારે શેતાન બની:

લગ્નની શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું. ઠંડા યુરોપિયન વાતાવરણને બદલે જમૈકાની હુંફાળી, ખુશનુમા આબોહવા એનીને માફક આવી ગઈ. પતિની અધધધ સંપત્તિનો ખુમાર એનીની આંખોમાં થોડો સમય રહ્યો, પણ પછી તે ઇંગ્લેંડની ઝાકઝમાળભરી જિંદગી ‘મિસ’ કરવા લાગી. ઇંગ્લેંડ જ્યાં પ્રવૃતિઓથી ધમધમતું હતું ત્યાં જમૈકામાં કરવા જેવું ખાસ કંઈ નહોતું. કંટાળેલી એની સમય પસાર કરવા માટે ખેતરોનાં કામકાજમાં ધ્યાન આપવા લાગી. ધીમેધીમે તે ગુલામો પર જોહુકમી ચલાવવા લાગી અને એ કામમાં તેને મઝા આવવા લાગી. દરરોજ સવારે પોતાના રૂમની બાલ્કનીમાં આવીને તે નીચે ઉભેલા ગુલામોને દિવસ દરમ્યાન કરવાના કામો વિશે આદેશ આપતી. મોંઘા વસ્ત્રો ધારણ કરીને, અત્તરમાં તરબતર થઈને તે ખેતરોમાં ચક્કર કાપવા જતી અને એ વખતે તે પોતાના હાથમાં એક ચાબુક રાખતી. નાનકડી ભૂલ માટે પણ તે ગુલામોને જાહેરમાં ચાબૂક વડે ક્રૂરતાપૂર્વક ફટકારતી. લાચાર ગુલામોને કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં અને શરીર પરનાં સોળમાંથી લોહી વહેવા લાગે ત્યાં સુધી તેમને ચાબૂક વડે ફટકારવામાં તેને પાશવી આનંદ મળતો.

એનીની વિકૃતીએ ત્યારે માઝા મૂકી જ્યારે પોતાની શારીરિક ભૂખ સંતોષવા તે ગુલામો સાથે સહશયન કરવા લાગી. પતિની ગેરહાજરીમાં તે બળજબરીપૂર્વક યુવાન ગુલામોનો ઉપભોગ કરવા લાગી. શરૂઆતમાં ક્યારેક જ ખેલાતો વાસનાનો ખેલ પછી તો રોજિંદો ઘટનાક્રમ બની ગયો. એનીને એની આદત પડી ગઈ, બલકે રીતસરનું વ્યસન થઈ ગયું. પોતાના વ્યભિચારની પતિને વહેલી-મોડી ખબર પડી જ જવાની છે એનું ભાન થતા તેણે પોતાના પતિથી છુટકારો મેળવવાનું નક્કી કરી લીધું. લાગ જોઈને એક રાતે તેણે પોતાના પતિના ભોજનમાં ઝેર ભેળવી દીધું અને તેને મારી નાખ્યો! એ જમાનામાં જમૈકામાં કાયદા-વ્યવસ્થા જેવું ખાસ કંઈ હતું નહિ અને જે હતું એ ધનવાનો પોતાના ગજવામાં લઈને ફરતા એટલે એનીનો વાળ પણ વાંકો ના થયો. પતિના મોત બાદ તેની કરોડોની સંપત્તિની તે એકલી માલિકણ બની. પૈસાનાં મદમાં તે બેફામ બની કેમ કે, હવે ‘રોઝ હોલ’ની એકમાત્ર માલિકણ તરીકે તેની પાસે એટલી સત્તા હતી કે કોઈ તેનો વિરોધ કરવાની હિંમત કરતું નહિ. પૈસા અને પાવર ઉપરાંત તેની પાસે કાળા જાદુની શક્તિ પણ હતી જેના લીધે તેની આસપાસનાં લોકો તેનાથી ડરતા. વિધવા બન્યા બાદ તેની શારીરિક ભૂખ અમર્યાદીત બની ગઈ અને તે એક પછી એક કરી યુવાન, હબસી ગુલામોને પોતાની વાસનાનો શિકાર બનાવવા લાગી. કોઈ પણ યુવાન પર કાળા જાદુનો પ્રયોગ કરી તે તેને પોતાના વશમાં કરી લેતી અને પછી તેની પાસે પોતાનું ધારેલું કામ કરાવતી. એક વાર તેના ઘરમાં દાખલ થયેલો યુવાન ફરી કદી બહાર આવતો નહિ. તે પોતાના શિકારને ઘરની નીચે બનેલા અંધારીયા ભોંયરામાં બંધ કરી દેતી અને પછી તેનો ઉપભોગ કરતી. તેને બેરહમીપૂર્વક ફટકારવામાં, તેને ભૂખ્યો અને તરસ્યો રાખી તડપાવવામાં એનીને વિકૃત આનંદ મળતો. મેડિકલ ટર્મ્સમાં જેને ‘સાયકો’ કહેવાય એવી પિશાચી એની બની ગઈ હતી. આઠ-દસ દિવસ શિકારનો ઉપભોગ કર્યા બાદ જ્યારે તે ધરાઈ જતી ત્યારે તે શિકારની હત્યા કરી દેતી. રાતનાં અંધારામાં તે લાશને ‘રોઝ હોલ’ના વિશાળ એસ્ટેટના કોઈ ખૂણે દાટી દેવડાવતી. આ કામમાં તેના ઘરનોકરો તેની મદદ કરતા. તેના ઘરનોકરોમાં કેટલાક વુડુ અને એવી બીજી મેલી વિદ્યાનાં જાણકાર હતા. એનીનાં કોપમાંથી બચવા અને તેની સાથે સારાસારી રાખવા એ લોકો તેને એવી બધી વિદ્યા શીખવાડતા. કાળા જાદુમાં નરબલિની વિધિ પણ આવતી અને તે માટે એની પોતાના મળતિયાઓ દ્વારા હબસી બાળકોની ચોરી કરાવી ક્યારેક એમની બલિ પણ ચઢાવતી!

વર્ષો સુધી એની પાલ્મર આ રીતે હત્યાઓ કરતી રહી અને વખત જતાં ‘ધી વ્હાઇટ વિચ ઑફ જમૈકા’ (જમૈકાની ધોળી ડાકણ) તરીકે કુખ્યાત થઈ ગઈ. દરમ્યાન તેણે બીજા બે પુરુષો સાથે લગ્ન કર્યા અને તેમની સંપત્તિ મેળવવા તેમની પણ હત્યા કરી દીધી. લગ્ન માટે તે હંમેશા એવા વિદેશી માલેતુજાર પુરુષને પસંદ કરતી જે તેના લોહીયાળ ભૂતકાળથી અજાણ હોય. નવા પતિને તેની અસલીયતની જાણ થાય એ પહેલા જ તે એને ભોજનમાં ઝેર આપીને મોતને ઘાટ ઉતારી દેતી.

ધોળી ડાકણનો અંત:

‘રોઝ હોલ’ એસ્ટેટમાં વર્ષો સુધી એની પાલ્મરની હકૂમત ચાલતી રહી, પણ કહેવાય છે ને કે, પાપનો ઘડો ક્યારેક તો ફૂટે જ છે. એનીના પાપનો ઘડો પણ ફૂટ્યો અને ઘણો જ ડ્રામેટિક અંદાજમાં ફૂટ્યો.

એનીના ગુલામોમાં ટાકો નામનો એક આધેડ વયનો માણસ હતો જે પોતે પણ કાળા જાદુની વિદ્યાનો જાણકાર હતો, પરંતુ તેણે એ વાત બીજાઓથી છુપાવી રાખી હતી. ટાકોની યુવાન દીકરીનાં લગ્ન બીજા એક હબસી યુવાન સાથે નક્કી થયા હતા. એનીએ પોતાની વાસના સંતોષવા એ યુવાનને પોતાનો શિકાર બનાવવાની ભૂલ કરી. બદલાની આગમાં સળગતા ટાકોએ દીકરીનાં ભવિષ્ય સાથે ખેલ ખેલનારી હત્યારણનો ખેલ હંમેશ માટે ખતમ કરી દેવાનું નક્કી કરી લીધું. આ કામ પાર પાડવા માટે તેણે કેટલાક ગુલામોને પોતાના પક્ષમાં કરી લીધા. એનીનાં ત્રાસથી કાયમ માટે છુટકારો મેળવવા માટે એ યુવાનો ટાકોની મદદ કરવા તૈયાર થઈ ગયા. બધાએ મળીને ‘રોઝ હોલ’ની નજીકનાં જંગલમાં એક ઊંડી કબર ખોદી રાખી કે, જેથી એનીની હત્યા કર્યા બાદ તેની લાશને ઝડપથી દફનાવી શકાય.

નક્કી કરેલી રાતે ટાકોએ તેના સાથીઓ સાથે એનીના ઘર પર ઓચિંતો હલ્લો બોલાવ્યો. સૌથી પહેલા તેમણે ઘરનોકરોનો એક પછી એક કરી ખાતમો બોલાવ્યો અને ત્યારબાદ એનીનો વારો આવ્યો. એકલી પડી ગયેલી એની જીવ બચાવવા ભોંયરામાં છુપાઈ ગઈ, પણ ટાકો અને એના સાથીઓએ એને શોધી કાઢી. શારીરિક બળમાં એની એકલે હાથે આટલા બધા પુરુષોનો મુકાબલો કરી શકે એમ નહોતી, એટલે તેણે મેલી વિદ્યા અજમાવી. ટાકોએ પ્રતિકાર કર્યો અને પોતાના કાળો જાદુ એની પર ચલાવી જબરી લડત આપી. એ ગોંઝારી રાતે ‘રોઝ હોલ’ના ભોંયરામાં મેલી વિદ્યાઓનો ભયાવહ દોર એવો તો ચાલ્યો કે, અંતે બન્ને માર્યા ગયા. ટાકોનાં સાથીઓએ રાતોરાત એનીની લાશને અગાઉથી તૈયાર રખાયેલી કબરમાં દફનાવી દીધી અને કંઈક વિશેષ તાંત્રિક વિધિ કરી કે જેથી તે કદી પાછી ફરી ન શકે. પરંતુ એનીની દુષ્ટતા ત્યાં ખતમ નહોતી થઈ. પ્રેત સ્વરૂપે તે પાછી ફરી અને તેણે પોતાના ઘર પર ફરીથી કબજો જમાવી દીધો.

એનીના હત્યારાઓ તો ‘રોઝ હોલ’ એસ્ટેટ છોડીને ક્યાંય દૂર ભાગી ગયા હતા એટલે બદલો લેવા એનીનું પ્રેત નિર્દોષ લોકોને સતાવવા લાગ્યું. ‘રોઝ હોલ’માં જે કોઈ નવા માલિક રહેવા આવતા તેને એનીનું ભૂત ડરાવતું અને એટલી હદે ડરાવતું કે તેઓ વહેલા-મોડા મકાન ખાલી કરીને ભાગી જતાં. એની ઉપરાંત તેના મળતિયા ઘરનોકરો અને એનીનો શિકાર બનેલા અનેક ગુલામો પણ પ્રેત સ્વરૂપે ‘રોઝ હોલ’માં વર્ષો સુધી ભટકતા રહ્યા હતા, એવું કહેવાય છે.

‘રોઝ હોલ’ની આજ:

વર્ષો સુધી ખખડધજ હાલતમાં રહ્યા બાદ ઈ. સ. ૧૯૭૭માં ભૂતપૂર્વ મિસ અમેરિકા મિશેલ રોલિન્સ અને તેના પતિ જ્હોન રોલિન્સે ‘રોઝ હોલ’ને ખરીદી લીધું હતું. ભારે ખર્ચો કરીને તેમણે એ મકાનને મ્યુઝિયમમાં ફેરવી દીધું. એ પછી એની પાલ્મરની જિંદગી અને ‘રોઝ હોલ’ના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવતી ગાઇડ ટુરની શરૂઆત કરવામાં આવી જે ખૂબ જ લોકપ્રિય થઈ. મકાનનાં ભોંયરાને ‘એનીઝ પબ’ નામ આપવામાં આવ્યું છે. અહીં મુલાકાતીઓને ‘વિચીઝ બ્રુ’ નામનું ‘રમ કોકટેલ’ પીરસવામાં આવે છે. જમૈકા જનારા મોટેભાગના પ્રવાસીઓ એ સ્થળની મુલાકાત લે છે જ્યાં દાયકાઓ અગાઉ એક શેતાની સ્ત્રીનું રાજ ચાલતું હતું. કહેવાય છે કે એની પાલ્મરનો આત્મા આજની તારીખે પણ ‘રોઝ હોલ’ એસ્ટેટમાં ભટકી રહ્યો છે. ઘણાં પ્રવાસીઓએ એનું ભૂત જોયાનો દાવો કર્યો છે, ફરક એટલો જ છે કે હવે તે કોઈને હેરાન કરતી નથી. કદાચ તેની બદલો લેવાની ભાવના વર્ષો વિતતા હવે શાંત થઈ ગઈ છે.