Darna Mana Hai - 8 books and stories free download online pdf in Gujarati

Darna Mana Hai-8 ભૂતાવળનો સાક્ષાત્કાર કરાવતું હાઈગેટ કબ્રસ્તાન

ડરના મના હૈ

Article 7

ભૂતાવળનો સાક્ષાત્કાર કરાવતું હાઈગેટ કબ્રસ્તાન

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

કબ્રસ્તાન. આ શબ્દ સાંભળતા જ કોઈના પણ ચહેરા પર અણગમો આવી જતો હોય છે. કબ્રસ્તાન એક એવી જગ્યા છે જ્યાં જવાનું કોઈ પણ વ્યક્તિ કારણ વગર પસંદ કરતી નથી, પછી એ કોઈ પણ ધર્મ, જાતિ અને દેશની વ્યક્તિ કેમ ન હોય. કબ્રસ્તાન એટલે મોત. કબ્રસ્તાન એટલે માતમ. કબ્રસ્તાન એટલે ભૂત-પ્રેત.

દુનિયાભરમાં લાખો કબ્રસ્તાન આવેલાં છે, પરંતુ કોઈ કબ્રસ્તાન પ્રવાસીઓમાં લોકપ્રિય થયું હોય એવું ભાગ્યે જ બનતું હોય છે, કેમ કે કબ્રસ્તાન એ કોઈ ગમાડવાનું સ્થળ નથી જ. છતાં પણ અપવાદો બધે જ હોય છે એ નાતે દુનિયામાં એક એવું કબ્રસ્તાન પણ છે જેણે દુનિયાભરમાં ભારે કુતૂહલ સર્જ્યું છે અને આકર્ષણ પણ જમાવ્યું છે. એ કબ્રસ્તાન એટલે ઈંગ્લેન્ડનાં જગવિખ્યાત શહેર લંડનની ઉત્તરે આવેલું ‘હાઈગેટ કબ્રસ્તાન’.

હાઈગેટ કબ્રસ્તાનની રોયલ છાપ:

ઓગણીસમી સદીની મધ્યમાં લંડનમાં મૃતકોને દફનાવવા માટે તત્કાલીન કબ્રસ્તાનોની સંખ્યા ઓછી પડવા લાગી ત્યારે એક નવું અને વિશાળ કબ્રસ્તાન બનાવવાની જરૂરત ઊભી થઈ હતી. પરિણામે ઈંગ્લેન્ડનાં રજવાડાઓ દ્વારા હાઈગેટ કબ્રસ્તાનનું સર્જન કરવામાં આવ્યું હતું. કબ્રસ્તાનની વ્યવસ્થિતપણે ડિઝાઈન કરવામાં આવી હતી અને ડિઝાઈનર હતો જાણીતો આર્કિટેક્ટ સ્ટીફન ગિયરી. ઈ.સ. ૧૮૩૯માં ખુલ્લું મુકાયેલું અને આજે ૧૭૭ વર્ષો પછીય વપરાશમાં લેવાતું આ કબ્રસ્તાન લગભગ ૨૦ એકરમાં ફેલાયેલું છે. આકર્ષક ગોથિક શૈલીમાં બંધાયેલું કબ્રસ્તાન લીલીછમ વનરાજીથી ઘેરાયેલું છે. ઘેઘૂર વૃક્ષો, નાના-મોટા છોડવા અને જંગલી પુષ્પો કબ્રસ્તાનનું વાતાવરણ મનોહર બનાવે છે. વૃક્ષો અને છોડવાને આયોજનપૂર્વક રોપવામાં આવ્યા હતા, પરંતુ પાછળથી તેમને સ્વાભાવિકપણે જ વિકસવા દેવામાં આવ્યા હતા, કે જેથી કબ્રસ્તાનનું સમગ્ર વાતાવરણ નેચરલ લાગે. સસલા અને શિયાળ જેવા નાના પ્રાણીઓ તથા અનેક પ્રકારના પક્ષીઓ અહીં જોવા મળે છે. હકીકતમાં તો હાઈગેટ કબ્રસ્તાન સાત અલગ અલગ કબ્રસ્તાનોનો સમૂહ છે અને એ સાતેય કબ્રસ્તાન ‘ધ મેગ્નિફિસન્ટ સેવન’ નામે ઓળખાય છે. મૃતકની સામાજિક પ્રતિષ્ઠા અનુસાર તેને કોઈ ચોક્કસ કબ્રસ્તાનમાં દફનાવાય છે. કોને ક્યાં દફનાવવો એનો નિર્ણય કબ્રસ્તાનનો વહીવટ ચલાવનાર ટ્રસ્ટી મંડળ લે છે. બ્રિટનનાં શાહી પરિવાર, ઉચ્ચ ઉમરાવો અને વિશ્વવિખ્યાત સેલિબ્રિટીઓ માટે કબ્રસ્તાનનો એક વિસ્તાર અનામત રાખવામાં આવ્યો છે. મહાન તત્વચિંતક અને સમાજવાદી નેતા કાર્લ માર્ક્સ, સુપ્રસિદ્ધ નવલકથાકાર જ્યોર્જ ઈલિયટ અને નાટ્યકાર-લેખક ડગ્લાસ એડમ્સ જેવી જગમશહૂર હસ્તીઓને અહીં દફનાવવામાં આવી છે. દેશ માટે શહીદ થનારા અનેક સૈનિકોને પણ અહીં પૂરા રાજકીય સન્માન સાથે દફનાવવામાં આવ્યા છે. હાઈગેટ કબ્રસ્તાન રાજવી પરંપરા સાથે સંકળાયેલું હોવાથી અહીં દફન થવું એ ખૂબ જ સન્માનજનક ગણાતું આવ્યું છે. આમ પણ જેવા તેવા લોકોને દફનાવવાની પરવાનગી અહીં નથી મળતી. આજની તારીખે સમગ્ર કબ્રસ્તાન સંકુલમાં ૫૦,૦૦૦ કરતાં વધુ કબરો આવેલી છે.

કબ્રસ્તાનમાં ભૂતોનાં પરચા:

કબ્રસ્તાનની જમીનમાં દફન થયેલા મોટા મોટા માણસોને લીધે ‘હાઈગેટ કબ્રસ્તાન’ જેટલી ખ્યાતિ પામ્યું એનાથી વધારે નામના એને ત્યાં થતી ભૂતાવળને લીધે મળી છે. આમ તો વર્ષોથી આ કબ્રસ્તાનમાં ભૂતિયા બનાવો બનતા આવ્યા હતા, પરંતુ ૧૯૬૦ના દાયકામાં કબ્રસ્તાનમાં ભૂતો દેખાવાના કિસ્સાઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. ઈ.સ. ૧૯૬૩ના વર્ષની એક સાંજે બે કિશોરીઓ પોતાની એક મિત્રને મળવા નજીકના ગામે ગઈ હતી. તેમને પાછા ફરતા રાત પડી ગઈ હતી. હાઈગેટ કબ્રસ્તાનને અડીને આવેલા ‘સ્વેન્સ લેન’ નામના રસ્તા પરથી તે બંને પસાર થઈ રહી હતી ત્યારે તેમણે કબ્રસ્તાનની અંદર ભયંકર ચીસો સાંભળી. ગભરાયેલી બંને બાળાઓ ત્યાંથી જીવ લઈને ભાગી. ઘરે પહોંચીને તેમણે તેમના પરિજનો અને પડોશીઓને એ ચીસો વિશે વાત કરી અને ત્યારથી હાઈગેટ કબ્રસ્તાનમાં ભૂતાવળ થતી હોવાની વાતો વહેવા લાગી. થોડા દિવસો બાદ એક નવપરિણીત યુગલ એ જ રસ્તેથી સાંજના સમયે પસાર થઈ રહ્યું હતું. અહીં-તહીંની વાતો કરતું દંપતી કબ્રસ્તાનનાં મુખ્ય ગેટની નજીક પહોંચ્યું ત્યારે તેમની નજરે કંઈક એવું પડ્યું કે જેને જોઈ બંને ડરથી ધ્રૂજી ઊઠ્યાં. તેમણે જોયું કે, એક બિહામણો, કાળો આકાર લોખંડના ગેટની પાછળ કબ્રસ્તાનની અંદર તરફ ઊભો હતો અને દંપતીને ઘૂરી ઘૂરીને તાકી રહ્યો હતો. આ ઘટનાએ પણ હાઈગેટ કબ્રસ્તાનમાં ભૂત થતું હોવાની વાતને પુષ્ટિ આપી.

ધીમે ધીમે કબ્રસ્તાનમાં નાના જંગલી પ્રાણીઓના મૃતદેહ મળવા લાગ્યા. એ પ્રાણીઓનાં શરીરમાંથી લોહી ચૂસી લેવામાં આવ્યું હતું અને એક પણ અપવાદ વિના તમામ મૃતદેહની ગરદન પર દાંતનાં નિશાન મળી આવ્યા હતા. સ્થાનિક અખબારોમાં કબ્રસ્તાનમાં બનતી રહસ્યમય ઘટનાઓ વિશે છપાવા લાગ્યું. લોહી ચૂસતા એ શેતાનને લોકોએ વેમ્પાયર ધારી લીધો અને મીડિયાએ તેને નામ આપ્યું- ‘જેક- ધ હાઈગેટ વેમ્પાયર’.

જેક- ધ હાઈગેટ વેમ્પાયરઃ

મીડિયામાં જેકનું નામ ઉછળ્યા બાદ તો કેટલાય લોકોને જેક દેખાયાના બનાવો બન્યા. એક યુવતી એક વહેલી સવારે હાઈગેટ કબ્રસ્તાનની નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે કબ્રસ્તાનના કમ્પાઉન્ડની દીવાલમાંથી કૂદીને બહાર આવેલા એક કાળા પડછાયાએ તેના પર હુમલો કર્યો. એ કાળા પડછાયાની આંખો ચળકતા લાલ રંગની હતી, કાન અણિયાળા હતા અને ચામડી તદ્દન સફેદ હતી. તેની ઊંચાઈ સાત ફીટ કરતા વધુ હતી અને આગલા દાંત મોંની બહાર ડોકાતા હતા. એ વેમ્પાયર જેક હતો.

જેકના હુમલાથી એ યુવતી એટલી બધી ડરી ગઈ હતી કે મદદ માટે ચીસ પણ પાડી નહોતી શકી. તેના સદનસીબે એ વેમ્પાયર તેનો જીવ લઈ લે એ પહેલા જ એક કાર ત્યાં આવી પહોંચી અને કારની હેડલાઈટનાં અજવાળાથી અંજાઈ ગયેલો વેમ્પાયર ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. યુવતીને દિગ્મૂઢ અવસ્થામાં પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી ત્યારે તે આઘાતની મારી કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતી. પોલીસે ઘટનાસ્થળે અને કબ્રસ્તાનની અંદર તપાસ ચલાવી, પરંતુ તેમને વેમ્પાયર જેકના કોઈ સગડ મળ્યા નહિ.

ત્યાર બાદ તો અનેક લોકોએ રાતના સમયે એ રસ્તા પર જેકને જોયો હોવાનો દાવો કર્યો. કબ્રસ્તાનનાં કમ્પાઉન્ડની દીવાલમાં છુપાઈ રહેતો જેક હવામાં ઊડીને રસ્તા પરથી પસાર થનારા લોકો પર હુમલો કરતો. કેટલાક કમભાગી લોકોએ તો વેમ્પાયરનો ભોગ બનીને જીવ પણ ગુમાવ્યો. જે બચી ગયા એ બડભાગી લોકોએ વેમ્પાયરના દેખાવનું જે વર્ણન કર્યું એમાં ઘણી સમાનતા હતી. સાત ફીટ ઊંચો દેહ, કાળાં વસ્ત્રો, અણિયાળા કાન, તીક્ષ્ણ દાંત, સફેદ ચામડી અને લાલ ભયાવહ આંખો- એ વેમ્પાયર જેકની ઓળખ બની ગઈ.

બીજા એક કિસ્સામાં એક વૃદ્ધ એક દિવસ પોતાના મૃત મિત્રની કબર પર ફૂલ ચઢાવવા ગયા હતા. જોસેફ નામના એ વડીલ પાછા ફરતી વખતે બહાર નીકળવાનો રસ્તો ભૂલી ગયા. આમ પણ હાઈગેટ કબ્રસ્તાન એટલું બધું વિશાળ છે કે કોઈ પણ એકલો આદમી એમાં ભૂલો પડી જાય. બહાર નીકળવા માટે ઘણી વાર ફાંફા મારવા છતાં જોસેફને કોઈ રસ્તો જડ્યો નહિ. બહાર નીકળવા માટે તેઓ આમતેમ ભટકી રહ્યા હતા ત્યારે અચાનક એમને લાગ્યું કે એમની પાછળ કોઈક ચાલી રહ્યું છે. ચાલતા અટકીને એમણે પાછળ ફરીને જોયું તો ડરને લીધે એમનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એમની પાછળ જેક ઊભો હતો. જેક એમને ઘૂરી રહ્યો હતો. જેકની ભયાનક આંખોમાં જોતા જ જાણે કે હિપ્નોટાઈઝ્ડ થઈ ગયા હોય એમ જોસેફ પોતાની જગ્યા પર જ સ્થિર થઈ ગયા. બંનેની આંખો મળેલી રહી અને જાણે કે સમય થંભી ગયો. મિનિટો બાદ જેક હવામાં ઊડીને નજીકની દીવાલમાં ઘૂસી ગયો પણ એની નજરથી જકડાયેલા જોસેફ પોતાની જગ્યા પર જેમના તેમ સ્થિર ઊભા હતા. જાણે કે એમના પગ એક જ જગ્યાએ ખોડાઈ ગયા હતા. લાંબા સમય બાદ એમને ત્યારે જ હોશ આવ્યા કે જ્યારે કબ્રસ્તાનમાં આવેલી બીજી કોઈ વ્યક્તિએ એમને સ્પર્શ કરીને એમની તંદ્રા તોડી.

‘જેક- ધ હાઈગેટ વેમ્પાયર’ને લગતા આવા તો અનેક કિસ્સા છે, પરંતુ હાઈગેટ કબ્રસ્તાનમાં દેખા દેતો તે એકમાત્ર શેતાન નથી. તેના સિવાય પણ બીજા અનેક ભૂત-પ્રેત-પલિત હાઈગેટ કબ્રસ્તાનમાં દેખાતા રહ્યા છે.

હાઇગેટ કબ્રસ્તાનમાં દેખા દેતા અન્ય ભૂતોઃ

એક પ્રેત એક ઘરડી પાગલ સ્ત્રીનું હતું, જે પોતાના બાળકને શોધવા માટે કબ્રસ્તાનમાં આમથી તેમ દોડાદોડી કરતી રહેતી. દોડતી વખતે તેના સૂકા-લાંબા-સફેદ વાળ હવામાં લહેરાતા જે તેના દેખાવને વધુ ભયંકર બનાવતા. તેના પાગલપણાની હદ એ હતી કે જીવિત હતી ત્યારે ખુદ તેણે જ પોતાના બાળકની હત્યા કરી દીધી હતી.

બીજું એક પ્રેત ધુમ્મસિયા સ્વરૂપે પ્રગટ થતું. ભૂખરા રંગનું એ પ્રેત ધ્યાનમગ્ન અવસ્થામાં એક જગ્યાએ સ્થિર ઊભું રહેતું. આસપાસમાં કોઈ માણસની હાજરી હોય તો પણ એને કોઈ ફરક પડતો નહિ. જો તેની ખૂબ નજીક જવામાં આવે તો તે અદૃશ્ય થઈ જતું અને થોડાક ફર્લાંગ છેટે ફરી પ્રગટ થતું. કબ્રસ્તાનમાં પ્રિયજનોની દફનવિધિ માટે આવતા હજારો લોકોને એ ધુમ્મસિયા પ્રેતે દર્શન દીધા છે.

હાઇગેટ કબ્રસ્તાનને મળેલી લોકપ્રિયતાઃ

જે લોકોએ હાઈગેટ કબ્રસ્તાનમાં ભૂતપ્રેત કે વેમ્પાયરને પ્રત્યક્ષરૂપે નથી જોયા એમણે પણ અહીં અદૃશ્યરૂપે પિશાચી શક્તિનો અનુભવ કર્યો છે. કબ્રસ્તાનનું વાતાવરણ તદ્દન સામાન્ય હોય, હવામાન ખુશનુમા હોય, પણ લોકોને એકાએક જ તાપમાનમાં ઘટાડો અનુભવાય એવા અનેક કિસ્સા બન્યા છે. સેંકડો લોકોએ તેમની સાજીસમી કાંડાઘડિયાળ કબ્રસ્તાનની અંદર અચાનક જ ચાલતી બંધ થઈ જવાની ફરિયાદો કરી હતી. બંધ પડેલી ઘડિયાળો કબ્રસ્તાનમાંથી બહાર નીકળતા જ થોડી વારમાં પૂર્વવત્ કામ કરતી થઈ જતી એ પાછી નવાઈની વાત હતી!

વખત જતાં હાઇગેટ કબ્રસ્તાન વિશે જનસમુદાયમાં એટલા બધા કિસ્સા ચર્ચાવા લાગ્યા કે એને આધાર બનાવી લોકો રોકડી કરવા લાગ્યા. લેખક ડેવિડ ફેરન્ટે તો હાઈગેટ કબ્રસ્તાનમાં થતા વેમ્પાયરને મુખ્ય પાત્ર બનાવી ‘હાઈગેટ વેમ્પાયર’ નામની નવલકથા પણ લખી નાખી હતી. કોઈ જ આશ્ચર્યની વાત નથી કે વાચકોએ નવલકથાને હાથોહાથ વધાવી લીધી હતી અને નવલકથા બેસ્ટ સેલર નીવડી હતી. હાઈગેટ કબ્રસ્તાનને જ કેન્દ્રસ્થાને રાખી સિત્તેરના દાયકામાં અન્ય એક લેખિકા ઓડ્રી નિફેન્જરે જોડિયાં બહેનોની કહાની કહેતી નવલકથા ‘હર ફિયરફુલ સેમેટ્રી’ લખી હતી. એને પણ ભારે લોકપ્રિયતા મળી હતી.

ભૂતોના પરચાનો પ્રત્યક્ષ કે પરોક્ષ સાક્ષાત્કાર થાય એ માટે આખા ઇંગ્લેન્ડ અને વિદેશો સુદ્ધાંમાંથી સાહસિક પ્રવાસીઓ હાઇગેટ કબ્રસ્તાનની મુલાકાતે આવવા લાગ્યા. અત્યંત લોકપ્રિય થવા છતાં ૧૯૭૦નાં દાયકામાં હાઈગેટ કબ્રસ્તાનનો દેખાવ કથળવા લાગ્યો. દેખરેખને અભાવે કબરો પર શેવાળ બાઝી ગઈ અને ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં, જેને લીધે કબ્રસ્તાનનો દેખાવ વધુ ડરામણો લાગવા લાગ્યો. ઈ.સ. ૧૯૭૯માં કેટલાક ઉત્સાહી લોકોએ કબ્રસ્તાનની કાયમી દેખરેખ રાખવા માટે ‘ફ્રેન્ડ્સ ઓફ હાઈગેટ સેમેટ્રી’ નામના ગ્રુપની રચના કરી. કબ્રસ્તાનની સાફસફાઈ કરી તેની જૂની ભવ્યતા પાછી આપવા માટે ભારે ખર્ચો કરી રિસ્ટોરેશન કરવામાં આવ્યું, જે ઘણું અસરકારક રહ્યું. હાઈગેટ કબ્રસ્તાનની રોનક પાછી ફરી. પાછલા દાયકાઓમાં કબ્રસ્તાનની દેખરેખ બાબતમાં થયેલી બેદરકારી ફરી વાર ન થાય એ જોવાનું કામ આ ગ્રુપે ત્યારથી આજ સુધી જાળવી રાખ્યું છે. રિસ્ટોરેશન બાદ કબ્રસ્તાનમાં થતી ભૂતિયા પ્રવૃત્તિઓનું પ્રમાણ ખાસ્સું ઓછું થઈ ગયું. કેટલાક લોકોનું માનવું છે કે ફ્રેન્ડસ ગ્રુપે સમગ્ર કબ્રસ્તાનમાં કોઈક વિશેષ તાંત્રિક વિધિ કરાવડાવી હતી જેને લીધે ત્યાં થતી ભૂતાવળી ઘટનાઓમાં કમી આવી હતી.

હાઇગેટ કબ્રસ્તાનની આજઃ

હાલમાં કબ્રસ્તાનનાં કેટલાક ભાગોમાં પ્રવાસીઓને બિલકુલ પ્રવેશ અપાતો નથી. તો કેટલાક ભાગોમાં સમૂહમાં જ મુલાકાતીઓને એન્ટ્રી આપવામાં આવે છે. વર્ષો અગાઉ જોસેફ નામના વૃદ્ધ ઈન્સાન સાથે બન્યું એમ કોઈ મુલાકાતી કબ્રસ્તાનના વિશાળ સંકુલમાં ભટકી ન જાય એટલા માટે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. હાઈગેટ કબ્રસ્તાનનું આકર્ષણ આજે પણ ટકી રહ્યું છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે અને ઘણાને આજે પણ કબ્રસ્તાનમાં ભૂત-પ્રેત-વેમ્પાયરનાં દર્શન થતા રહે છે.