Avdhav Part - 12 books and stories free download online pdf in Gujarati

અવઢવ : ભાગ : ૧૨

અવઢવ : ભાગ : 12

આવી શરૂઆત થતા જ ત્વરા વધુ ગંભીર થઇ ગઈ. પણ જે હોય તે બધું આજે સાંભળી જ લેવું છે એમ એણે મન મક્કમ કરી લીધું અને હંમેશ મુજબ એનું મન આંખ અને સમજ કાન પર આવીને બેસી ગયા.

‘લાંબી વાત છે ત્વરા ,
પપ્પામમ્મીના આગ્રહથી તને જોવા આવ્યો એ પહેલા જ મને કોલેજમાં નોકરી મળી હતી . મારી સાથે કામ કરતી એક સરસ., હોંશિયાર અને ચંચળ યુવતી શલાકા સાથે ઘણી સારી દોસ્તી થઇ રહી હતી . ક્યારેક સાથે આવવા જવાનું પણ બનતું …લીફ્ટ આપી દેતો. એક સાથે નોકરીમાં જોડાયા હોવાથી નવું કામ અને વિદ્યાર્થીઓના માનસ અને એવા પડકારોની ચર્ચા કરવાથી ઘણું શીખી રહ્યા હતા . સતત સાથ હતો …મને એ ધીરે ધીરે ગમવા લાગી હતી …કશુંક પ્રેમ જેવું થઇ પણ જાત .એ પહેલા જ એક વાર એની કોઈ મિત્રે અમને સાથે જોયા પછી કોઈ ફોનમાં પૂછપરછનાં જવાબમાં એણે મારી સામે આંખ મારતા ‘કશું નથી યાર , જસ્ટ ટાઈમપાસ છે’ એવું કહેતા હું સડક થઇ ગયો હતો. જે છોકરી મારી મિત્ર છે એ મારા માટે આવું વિચારે છે એ વાતે મને હેરાન પરેશાન કરી નાખ્યો … કોલેજમાં ભણાવતા એક જવાબદાર માણસનું નામ આમ ખરડાઈ જાય તો મારે કામ કેવી રીતે કરવું ? બધા અમને ખુબ નજીક માનતા હતા આવી મજાક બન્યા પછી નજરોનો સામનો કેવી રીતે કરવો ? વાત વધે એ પહેલા મેં ધીમેથી એ દોરીને ખેંચી લઇ સંકેલી લીધી..વીંટી લીધી .એ વાત ત્યાં જ ખતમ થઇ.

જો કે એ દિવસ પછી હું એક વાતે સ્પષ્ટ થયો કે સંબંધો બહુ ગંભીર જવાબદારી છે… એ તકલાદી કે તકવાદી હોઈ જ ન શકે .… જીવન વિતાવી શકાય તેવી ન લાગે ત્યાં સુધી તનમનથી કોઈની નજીક ન જ આવવું .ત્વરા , લાગણી બહુ અમુલ્ય વસ્તુ છે …એને વેડફવી એટલે આખી એક વ્યક્તિ વેડફવી …એક આખો સંબંધ વેડફવો . એટલે મારી વાતો અને ભણાવવાની રીતથી પ્રભાવિત થતી કોઈ છોકરીમાં મને મારી સંગીની દેખાઈ જ નહી .’ટાઈમ પાસ’ શબ્દ જાણે મનમાં જડાઈ ગયો હતો .મનના દરવાજા મેં સજ્જડ બંધ કરી દીધા હતા.એ આપમેળે જ ખુલે તેમ હતા… કોના ધક્કાથી નહિ . શલાકાના લગ્ન થતા એ તો લંડન જતી રહી.

ખોટું નહિ કહું … તને જોવા આવ્યો ત્યારે એકદમ પહેલી નજરે સાવ શાંત ત્વરા મને બહુ વધુ ગમી નહોતી …હું પોતે વાતોડિયો એટલે મને એવી જીવનસાથી જોઈતી હતી કે જે મારી સાથે અનેક વિષયો પર ચર્ચા કરે , ખુબ વાતો કરે . પણ થોડીક વાર તારી સાથે વાત કરી તો લાગ્યું કે તું ઓછું બોલે છે ….પણ ઓછું જાણે છે એવું નથી . તું ગમી . પણ તારી ચુપ્પી મને સદા પરેશાન કરતી રહેતી હતી . સાવ ખપ પૂરતું બોલતી ત્વરાના મનમાં શું ચાલી રહ્યું છે એ વિષે હું ખુબ વિચારતો .મમ્મીપપ્પા તો આપણા લગ્ન પછી તરત મોટાભાઈ પાસે અમેરિકા જતા રહેવાના હતા અને મારે ક્યારેય જવું ન હતું એટલે મારી સાથે રહેનાર વ્યક્તિને જાણવી ખુબ આવશ્યક તો લાગતું હતું પણ પૂછવું કોને અને શી રીતે એ સમજાતું ન હતું .મને ચિંતા ફક્ત એ હતી કે જો તું પરાણે એટલે કે તારી નામરજીથી લગ્ન કરવાની હોય તો એવા ખોખલા સંબંધને વેંઢારવાની મને કોઈ ઈચ્છા ન હતી. કોમર્સનો વિદ્યાર્થી અને શિક્ષક હોવા છતાં હું સાહિત્ય ખુબ વાંચતો અને એવું માનતો કે મનમાં ઉઠતી એક સળ કે સળવળ પણ એકબીજાથી ન છૂપાવે તે સાચા સાથી. તારી નજીક આવતો ગયો તને સમજતો ગયો .. પણ કબૂલ કરું છું કે મનમાં એક સવાલ ઉઠતો જ હતો .

દરેક વ્યક્તિને પોતાના જીવનસાથીના જીવનમાં એના અગાઉ કોઈ હતું કે નહી એ જાણવાની કાતિલ ઈચ્છા હોય છે .અને કોઈ ન જ હોય તેવી … સાથીની દિલની પાટી સાવ કોરી હોય તેવી એષણા પણ …જે ઘણી વાર ઘાતક નીવડતી હોય છે . એ જાણવા છતાં તારા જીવનની એ હકીકત મારે પણ જાણવી હતી પણ હું પૂછી શકતો ન હતો .મનમાં સવાલો ખડકાતા હતા અને પુસ્તકોના શબ્દો એમ કહેતા હતા કેલગ્ન એની સાથે જ કરાય જે તમને પ્રેમ કરે ..એની સાથે નહિ કે જેને તમે પ્રેમ કરો .આપણા અરેંજ મેરેજમાં પ્રેમ તો લગ્ન પછી આપણે સમજદારી અને સ્નેહથી પેદા કરવાનો હતો . સગાઈ પછી બીજા જ દિવસે પુરુષને વેલની જેમ વીંટળાઈ બાઈક પર બેસતી છોકરીઓ મને જરાય ન સમજાતી .એકાએક તેટલો પ્રેમ કે નિકટતા કેવી રીતે ઉભી થાય ? જોતાવેંત થાય એ આકર્ષણ જ હોય.. પ્રેમ એટલે તો સમજદારી અને સમર્પણની ધરી પર પાંગરતી લાગણી.થેંક ગોડ …. તારામાં મેં એ આછકલાઈ ક્યારેય ન જોઈ . અને મને લાગ્યું કે મારે તારી સાથે જીવન વિતાવવું જ જોઈએ .હું તારા પ્રેમમાં પડતો જતો હતો અને પેલો કાતિલ સવાલ બુઠ્ઠો થતો જતો હતો.

દરેક નવો રચાઈ રહેલો સંબંધ એક નવી ચણાતી ઈમારત જેવો હોય છે ….એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવતા જ સંબંધોનો પાયો રચાઈ જાય છે. કેટલાક માત્ર નકશા પૂરતા રહી જાય છે, કેટલાક પાયા ખોદાઈને રહી જાય છે જ્યારે કેટલાક મોટી ઈમારત બની જાય છે. આપણા સંબંધના નકશા રંગીન સપનાઓથી ચીતરી , પાયા સમજણથી મજબુત કરી લગ્ન જીવનની મજબુત ઈમારત મારે ચણવી હતી . પણ કંકોત્રી લખતી વખતે નૈતિકના નામની સરવાળા બાદબાકી થતી જોઈ મારા મનમાં એક ગણિત ગોઠવાતું ગયું અને એ સવાલ પાછો ધારદાર થતો ગયો….તળેટી સુધી પહોચતા સુધી કેવા જવાબ સામે કેવું વર્તન કરવું એ નક્કી કરતો રહ્યો હતો. તું એટલી નાજૂક અને સીધી હતી કે હું તારી મને દુઃખી કરી મુકે એવી કોઈ વાતના કેવા પ્રતિભાવ આપીશ એ મને પણ ખબર ન હતી .પણ હું કબૂલ કરું છું કે મારે કડવું હોય તો કડવું પણ એ સત્ય જાણવું જ હતું .ફફડતા જીવે હિંમત કરી પૂછેલા સવાલનો તારો અત્યંત નિખાલસ જવાબ મને ખુબ પ્રભાવિત તો કરી ચુક્યો હતો .’

ત્વરા એક શ્વાસે આ નવા પ્રેરકને સાંભળી રહી હતી . આટલો હસમુખો ..દરેક સમસ્યાને ધુમાડાની જેમ ઉડાડી દેતો પ્રેરક આટલા બધા વિચારો કરતો હશે એ તો માની શકાય તેવું હતું પણ છતાં સાવ કશું થયું ન હોય તેમ વર્તી શકતો હતો એ એના માટે બહુ નવી વાત હતી … એને હંમેશા એવું જ લાગતું કે પ્રેરક જેવો છે એવો જ દેખાય છે . એક પણ શબ્દ બોલ્યા વગર એણે ખુલી રહેલા પ્રેરકને સાંભળ્યા કર્યો. પહેલી વાર એ પ્રેરકને કોઈ વિષય પર આટલી લાંબી અને ગંભીર વાત કરી રહ્યો હતો ….ઠલવાઈ રહેલા શબ્દોમાંથી ત્વરાએ અર્થો અને લાગણી સમજવાના હતા કારણ…. મનમાંથી તો શબ્દો નીકળે છે ..અર્થો કે અનર્થો મગજ પેદા કરે છે .પાણીની બોટલ ઉઠાવી બે ઘૂંટ મારી પ્રેરકે આગળ બોલવાનું શરુ કર્યું ,

‘ તે દિવસે ખુલ્લા દિલે વાત કરતી તને સાંભળતો તો હતો પણ મારી પોતાની સાથે હું સંવાદ પણ કરી રહ્યો હતો …મન બહુ અગમ જગ્યા છે … કેટકેટલા વિચારો , યાદો અને અનભવો કાયમ માટે ત્યાં ખૂણેખાંચરે પડ્યા પાથર્યા રહે છે . કોઈ વ્યક્તિ ન કહે ત્યાં સુધી કોઈ વાત સમજી શકાતી નથી ….તેં તો કહી જ દીધું … મનમાં એક વિચાર ઝબુક્યો …તારી જગ્યાએ બીજી છોકરીએ છૂપાવ્યું હોત કે સાચે જ કોઈ ગંભીર સંબંધમાંથી છૂટી પડીને મારાથી છૂપાવ્યું હોત તો હું તો ભ્રમમાં જ જીવ્યા કરત ને !! મને તો એક આડંબર વગરનો સાફ સંબંધ જોઈ તો હતો …એટલે તારી નિર્દોષતા જોઈ મેં મનોમન જાતને પડકાર આપ્યો હતો કે મારા પ્રેમથી તારા મન પર આછું લખાયેલું નૈતિકનું નામ હું ભૂંસીને રહીશ…તારી એક કબૂલાતે આપણા સંબંધને અતૂટ મૈત્રી બનાવી દીધો.

ત્વરા , સંવેદનાઓને એકમેક સુધી પહોચાડવા શબ્દો બહુ અસરકારક માધ્યમ છે …મને ખબર નથી મેં તને ક્યારેય કીધું હશે કે નહી ..પણ લગ્ન પછી જે સમર્પણથી તું મને અને આખા કુટુંબને સંભાળતી ગઈ એ મેં બહુ ધ્યાનથી જોયું છે ..અનુભવ્યું છે .સંબંધમાં જ્યારે વ્યક્તિઓ અસ્તિત્વહીન બની જાય છે ત્યારે એ સંબંધનું અસ્તિત્વ ચિરકાળ થઇ જાય છે . તું ઓગળતી ગઈ એટલે ભળતી ગઈ કે ભળતી ગઈ એટલે ઓગળતી ગઈ ….ગમે તે હોય પણ એકબીજાને સમજતા ગયા અને બંધાતા ગયા .પ્રેમ અને સુંદરતા બંને આંતરિક બાબતો મોટેભાગે બાહ્ય બાબતો પરથી મુલવાયા કરે છે .પણ મને તું અને તારો આત્મા બધુ જ પવિત્ર લાગ્યું .સંબંધો શરતી હોઈ શકે પ્રેમ નહી .તારા બિનશરતી પ્રેમને કારણે આટલા વર્ષો કોઈ પણ ઝંઝાવત વગર સરળતાથી પસાર થઇ ગયા …. મારો વિશ્વાસ સાચો હતો….પ્રેમ પણ ….!!

પણ વર્ષો પછી જે દિવસે તે નૈતિકની રીક્વેસ્ટ આવી છે અને તે સ્વીકારી છે એ કહ્યું ત્યારે હું નવેસરથી થોડો હલબલી ગયો હતો . એ દિવસે તારી ખુશી તારા આખા અસ્તિત્વમાં દોડતી હું અનુભવી રહ્યો હતો … એ રાતે હું સુઈ ગયો છું એમ ધારી તું ઉભી થઈને સ્ટડી રૂમમાં ગઈ ત્યારે કબૂલ કરું છું કે એક ખાલીપણું મારા દિલમાં વિસ્તરવા માંડ્યું હતું .એ પછી પણ રોજ રાતે ઊંઘમાં પડખું ફરી તારી તરફ હાથ લંબાવતો ત્યારે તારી એ ખાલી જગ્યા મારા મનમાં એક ન સમજાવી શકું એવી લાગણી ભરી દેતી . નૈતિક તારા માટે એક પ્રિય પાત્ર રહ્યું છે એ વર્ષો પહેલા જાણ્યા પછી હવે રહી રહીને હું મિત્ર મટી ફક્ત પતિ બની જતો હતો .અલબત તારી પર શંકા કરું એટલી હલકી માનસિકતા મારી નથી .પણ એક અધિકારભાવ હળવેથી માથું ઊંચકતો હતો .

હું માનું છું કે એક અદૃશ્ય દોરીથી આપણે બધા બંધાયેલા છીએ. સમય …સ્થાન અને સંજોગો આપણને અનાયાસે જોડ્યા કે છોડ્યા કરે છે પણ ક્યારેય તોડતા નથી .એ ન છૂટેલો ..ન તૂટેલો સંબંધ ફરી પાછો જોડાઈ ગયો હતો …નૈતિકનું પૂનરાગમન દેખીતી રીતે આપણી વચ્ચે કોઈ ચિંતા ઉભી કરે એવું હતું જ નહી .પણ મનમાં ઉગતા વિચારોનું ખેતરમાં પાક સાથે ઉગી નીકળતા ઘાસ જેવું છે …. ઘણું બિનજરૂરી ઉગી નીકળે …સમયે સમયે નિંદામણ ન થાય તો મનને ..સારા વિચારોને ..સંબંધને નુકશાન થાય જ .અને કેટલાક ખુલાસોઓ સમયસર થવા ખુબ જરૂરી હોય છે . એટલે મેં તને ટપારી હતી …નૈતિક ભલે એક મિત્રની હેસિયતથી આવ્યો હોય પણ જીવન વિષેનું તારું કુતુહલ મને બહુ ઠીક ન લાગ્યું પણ એ બહુ સ્વાભાવિક હતું એ પણ મને ખબર હતી .એટલે હું તને ભાર દઈને ટોકી કે રોકી ન શક્યો. ‘

‘ઓહ , પ્રેરક ..મારી સમજણમાં એટલી ખોટ પડી કે હું તમારા મનમાં ચાલતી વાત સમજી ન શકી … !!”

ત્વરા તરત જ અફસોસભર્યા નિરાશ સૂરે બોલી ઉઠી .

‘ના ના ત્વરા , વર્ષો પહેલા મેં ઇચ્છેલો પારદર્શક સંબંધ તું આજ સુધી નિભાવી રહી છે .પણ રોકટોક કરીને બનાવેલો સંબંધ કાપીકૂપી ઉછેરેલા બોન્સાઈ જેવો બની જાય છે .એના સંદર્ભો બહુ સીમિત બની જાય છે .બહુ બહુ તો શોભા આપે . બાકી નિયંત્રણમાં ઉછરેલી લાગણીઓ શી રીતે ખૂલી કે ખીલી શકે ….!! એના કરતા સમજણથી આજુબાજુ વિસ્તરીને પણ પ્રેમથી પોતાના મૂળ સાથે જોડાઈ રહે એવો વડલા જેવો ઘેધુર સબંધ વધુ જરૂરી છે .આમ પણ દરેક વ્યક્તિ એક જીવનમાં ઘણા સંબંધો જીવે છે પણ પોતાનો મૂળ સંબંધ ….પરિવારને ભૂલ્યા વગર ….!!!

એક ધ્યાનથી સાંભળી અને સમજી રહેલી ત્વરાનો હાથ પોતાના હાથમાં લઈ પ્રેરકે કહ્યું :

‘સામાન્ય રીતે બે વાત બને ….એક .. એક ટોકે અને બીજું એની વાત માની લે પણ ટોકનારને શંકાશીલ ગણી આખી જિંદગી મનોમન હિજરાયા કરે …. મનમાં ઈજ્જત ન રહે …અને બીજું… એ છૂપાવીને પોતાના દોસ્ત સાથે સંબંધ રાખે …. મને આમાંથી એક પણ મંજૂર ન હતું .જોકે બીજી વાત થવાની શક્યતા ઓછી હતી પણ તું એટલી બધી લાગણીશીલ છે કે મારી વાત માનત પણ મનમાં એક રંજ અને મારી તરફ એક ફરિયાદ રહી જાત કે મેં તને સમજી નહી .અને થાગડ થીગડ કરેલો સંબંધ મને મંજૂર ન હતો .જે વાત ખોલવાથી હલ થતી હોય એને તોડવાની શું જરૂર ? અને સાચું કહું તો આજે તેં દિલ ખોલીને બધી વાત કરી ફરી પાછો મને હરાવી દીધો છે .’

આટલું સાંભળતા જ ત્વરાના મોં પર સંતોષનું સ્મિત ફરકી ગયું . અજાણતામાં જ એણે એક મોટી પરિક્ષા પાસ કરી લીધી હતી .શંકાના તાપ ભલભલા સંબંધોનો ભોગ લઇ લે ત્યારે આજે ફરી એક વાર એના સાફ દિલ અને નિખાલસતાએ એને સાંગોપાંગ બચાવી હતી . એ જ વખતે રીવર ફ્રન્ટ પર રહેલા થાંભલા લાઈટોથી ઝળહળી ઉઠ્યા .અને બંને પર એ લાઈટ રેળાવા લાગી. આજુબાજુના વાતાવરણ અને ચીજોનો રંગ થોડો અલગ અને અનોખો દેખાવા લાગ્યો…. કદાચ પુખ્ત પ્રેમ અને સમજનો રંગ પણ હશે …!!

‘તમારી દોસ્તીમાં મને કશું ખોટું નથી લાગતું …. ત્વરા,પ્રેમ , સ્નેહ , લાગણી , સ્પંદન આ બધું એક જ છે … વ્યક્તિ અને લાગણી એક જ હોય બસ …સમયે સમયે ફક્ત સંબંધ નામ બદલે છે …. પ્રેમી પતિ બનતા જ સંબંધ નામ બદલે છે ….અને પ્રેમી પતિ ન બની શકે તો મિત્ર ન બની શકે ? લાગણીમાં શું ફેર પડે ? એટલે તને રોકી તારી લાગણીને ઠેસ પહોચાડવાનો કોઈ અર્થ પણ ન હતો .પણ નૈતિક અને પ્રેરણાનો વિસંવાદ તારા કારણે વિખવાદ ન બને અને નૈતિક તારામાં એક સહારો ન શોધે એ જોવું પણ એટલું જ જરૂરી હતું. એક પુરુષ તરીકે બીજા પુરુષને સમજવો અઘરો નથી .

એટલે તું ઘારે છે એટલો હું નિર્દોષ કે સારો નથી રહી શક્યો …. પણ એ ખટકો એટલો તીવ્ર ન હતો કે મારે તને રોકવી પડે . ‘

ત્વરાની આંખોનો સાથે મનનો એક એક ખૂણો ભીંજાઈ ગયો ….તો આ હતી આ માણસની કબૂલાત …!!! સામાન્ય દોસ્તીમાં પણ હક કે માલિકીભાવ જાગતો હોય છે ત્યારે આ તો પોતાનો પતિ હતો …પોતાની ધૂનમાં મશગુલ ઘણું સમજવાનું ચૂકી ગઈ હોય તેવું ત્વરાને લાગવા માંડ્યું . દરેક માણસ એક પુસ્તક જેવો હોય છે .અલગ અલગ શબ્દોના અલગ અલગ અર્થો સંજોગો પ્રમાણે સમજીને વાંચીએ તો જ માણસ વંચાઈ શકે કે સમજાઈ શકે …. મનની આંખોથી આજે ત્વરા પ્રેરકને આખો વાંચી શકી….એક સીધા સાદા ભાવોથી ઘેરાયેલો સીધો સાદો પ્રેરક એને આજે હજૂ વધુ સંપૂર્ણ લાગ્યો … વધુ વ્હાલો લાગ્યો .

ક્રમશ :