Avdhav Part - 4 books and stories free download online pdf in Gujarati

અવઢવ : ભાગ : ૪

અવઢવ ભાગ-૪

નીવારોઝીન રાજકુમાર


ત્વરા …..!!!

નૈતિકે ફેસબુક પર નામ ટાઈપ કર્યું … મોટેભાગે ઘણા લોકો આજકાલ જુના મિત્રોને મળવા માટે આ સરનામે આવતા હોય છે …કદાચ ત્વરા પણ અહીં જૂના દિવસોને ફંફોસતી આવી ચડી હોય એવું ન બને ? સાત આઠ ત્વરાઓ એની નજર સામે આવી પડી . દરેકના ભૂત અને વર્તમાન કાળના શહેરોના નામ તપાસતા એ બે જગ્યા એ અટક્યો …સ્વાભાવિક છે નામ તો કદાચ એ જ હોય પણ લગ્ન પછી અટક જરૂર બદલાઈ હશે ..એ વખતે બે અટક રાખવાની ફેશન પણ ન હતી એટલે નવી અટક સાથેની ત્વરાને જ શોધવાની હતી . લગ્ન કર્યા હશે ..એને પણ જુવાન બાળકો હશે … પતિ સાથે ખુશ હશે …એમાં મારી રીક્વેસ્ટ કે મેસેજ ઠીક રહેશે ? એવું વિચારતા એણે એ બે ત્વરાના ફોટો આલ્બમ ધ્યાનથી જોવા માંડ્યા ..

yes …આ તો એ જ ત્વરા છે ..આંખે ચશ્માં ચડી ગયા પણ એ ચશ્માની આરપાર દેખાતી એ પાણીદાર , મોટીમોટી , અત્યંત ભાવવાહી આંખો એમની એમ હતી . સમયે એનું કામ ત્વરાના શરીર પર કર્યું હતું ..બહુ તો નહિ પણ થોડુંક ભરાવદાર શરીર એના નમણા ચહેરાને જાજરમાન બનાવતું હતું …નૈતિક એકધારું એ ચહેરા તરફ ત્રાટક કરતો હોય તેમ ક્યાંય સુધી જોઈ રહ્યો. એક આસક્તિ એની આંખોમાં ક્યારે આવીને બેસી ગઈ એને સમજાયું નહી …!!!

એક પરણેલો પુરુષ આવી રીતે એની જૂની મિત્રને રીક્વેસ્ટ મોકલે એ આજના જમાનામાં કાંઈ બહુ મોટી વાત ન હતી પણ એના સંજોગો અલગ હતા . પ્રેરણાની જાણ બહાર ત્વરાના સંપર્કમાં આવવું ઠીક નહી …પણ સામાન્ય મિત્રતા રાખવામાં કશું ખોટું પણ નહી એવી અવઢવમાં … બુદ્ધિ અને લાગણીના વિવાદમાં અંતે એની લાગણી જીતી ગઈ… ત્વરાને ઓળખીને નૈતિકે એને રીક્વેસ્ટ મોકલી દીધી . એના હાલના શહેર કે એવી કોઈ માહિતી ન મળી .. મિત્ર બન્યા પછી જ જાણવા મળશે એવું વિચારી એણે લેપટોપ બંધ કર્યું ….ને જાણ્યેઅજાણ્યે એનું ચેન એણે લેપટોપને સોંપી દીધું . એ પથારીમાં ફેંકાયો.

ત્વરા ….વર્ષો સુધી મનનાં એક લીલાછમ ખૂણામાં સુષુપ્ત અવસ્થામાં પડેલો વણકહ્યો સંબંધ ….!!! લગભગ ૨૫ વર્ષો પછી જોયેલો એ ચહેરો જે સમયના એક ખાસ ખંડમાં એના દિલોદિમાગ પર છવાયેલો રહેતો. ત્વરા …. એક શરુ થતા સાથે સ્થગિત થયેલો સંબંધ …. એક આરપાર જોઈ શકાય તેવો પારદર્શક સંબંધ ..!!!

એ સાંજે રેલ્વે સ્ટેશન પર બધાથી વિખુટા પડતી વખતે અનુભવાયેલી ટીસ આજે પણ એ અનુભવી રહ્યો હતો …આ સમય કેમ આટલો જલ્દી ભાગતો હશે ….!!! ઘણું કહેવાનું હતું , સાંભળવાનું હતું , સાથે સમય પસાર કરવાનો હતો …હવે એ દિવસો, એ સાથ, એ સંગાથ કેવી રીતે મળશે …!!! સાવ ખાલી મન સાથે એ ઘરે તો પહોંચી ગયો . ..’કાગળ લખું કે ન લખું …આટલું જલ્દી કાગળ લખીશ તો કેવું લાગશે , એ મારા કાગળનો જવાબ આપશે ?’ એવી અવઢવમાં એ બેત્રણ દિવસ રહ્યો .એના ખોવાયેલા વર્તનથી નવાઈ પામેલા એના મમ્મી સુધાબેને બેચાર વાર ‘બધું ઠીક છે ને ..?’ એવું પૂછી પણ લીધું હતું . નૈતિકે ‘કશું નવું નથી’ એવું કહી ત્યારે તો વાતને ટાળી હતી પણ સમજદાર સુધાબેનને એમના લાડલામાં બહુ ફેરફાર દેખાયો હતો …સામા પક્ષે નૈતિકને હવે સમય સાવ ધીમો ચાલતો હોય તેવું લાગવા માંડ્યું હતું .

આટલું વિચારતા વિચારતા નૈતિકની આંખ લાગી ગઈ અને સવારે સીધા સાડા આઠે એ જાગ્યો . ઓફિસે નવ વાગે પહોચવાનું હતું …’આજે તો બહુ મોડું થયું વિચારતા’ એ ફટાફટ તૈયાર થતો ગયો અને કાલની રાતે એણે એક આખો સમયગાળો જીવી લીધો હોય તેવું એને લાગ્યું. ત્વરાએ એની રીક્વેસ્ટ સ્વીકારી હશે ? સ્વીકારશે ? એવા વિચારોમાં એ ઓફિસે પહોંચી ગયો . રોજબરોજના કામમાં ..ઢગલાબંધ ફાઈલો અને કેટલીક મીટીંગોમાં એ વ્યસ્ત થઇ ગયો અને ત્વરાના વિચારો પર થોડી વાર વાદળો છવાઈ ગયા . લંચ બ્રેકમાં બધા સાથી મિત્રો સાથે જમતી વખતે પણ થોડો સમય ચોરી ફોન પર ચેક કરી લેવાની લાલચ વારે વારે થઇ આવી .પણ એવો મોકો ન મળ્યો ..સામાન્ય રીતે મળતાવડા નૈતિકને આજે થોડો શાંત જોઈ એકાદ મિત્રે કહ્યું પણ ખરું કે ‘આજે તો બહુ વિચારોમાં ખોવાયેલા છો’ . નૈતિક તરત હસીને મસ્તીના મુડમાં આવી ગયો એટલે વાત ત્યાં જ દબાઈ ગઈ.

ચારેક વાગે ફોનમાં ફેસબુક ખોલીને જોઈ જ લીધું ….ત્વરાએ એની રીક્વેસ્ટ સ્વીકારી ન હતી ..એ જોઈ નૈતિક સાવ મૂડલેસ થઇ ગયો. …તોય હિંમત કરી એણે એક મેસેજ કરી નાખ્યો … ‘hi , હું નૈતિક …યાદ આવ્યો ? ‘ રોજ ઓનલાઈન નહિ આવતી હોય …ફેસબુકનો ઉપયોગ નહીવત કરતી હશે …એવા વિચારો કરી પોતાની જાતને આશ્વાસન આપ્યા કર્યું તો એના પતિને નહી ગમતું હોય …એનો પરિવાર રૂઢીચુસ્ત હશે …એ પોતે હંમેશની જેમ જાતને સંકોરીને બેઠી હશે …એને મારું આમ મેસેજ કરવું નહી ગમે તો …તો હવે હું એની સાથે સંપર્ક કેવી રીતે કરીશ એવા વિચારો આવતા એ નિરાશાથી ઘેરાતો ગયો…એવું ક્યાં હતું કે ત્વરા વગર રહી શકાતું ન હતું? આટલા વર્ષ જીવાયું જ હતું ને …!! પણ હવે જ્યારે એની યાદ ભીતર ચીરી બહાર આવી ગઈ ત્યારે એના વિષે જાણવાની એની સાથે વાત કરવાની અદમ્ય ઈચ્છા જાગી ઉઠી હતી . આવા વિચારોમાં અટવાતો નૈતિક રોજના ક્રમ પ્રમાણે બહાર થોડું ચાલી આવ્યો ..પ્રેરણા અને બાળકો સાથે વાતો કરી લીધી . જેમતેમ જમી રૂમમાં આવી ગયો ..નાહીને પાછો લેપટોપ ખોલી બેસી ગયો . કોઈ જવાબ ન જોઈ ઉદાસ થઇ ગયો ..

કશું ન સુઝતા એને આ આખા ભૂતકાળના ખંડને વર્તમાન સાથે જોડનાર રેડિયો યાદ આવી ગયો . મોબાઈલમાં રેડિયો ઓન કર્યો… જૂના દર્દીલા ગીતો રેલાઈ રહ્યા હતા. એની ઉદાસી વધુ ઘેરી બની .એણે રેડિયો બંધ કરી દીધો.

ત્રણ ચાર દિવસ પછી એક રાતે એણે હર્ષા અને પૂનમને કાગળો લખ્યા અને અંતે ત્વરાને કાગળ લખવાની હિંમત કરી. પહેલા તો સંબોધનમાં જ એ અટવાઈ ગયો . પ્રિય , વ્હાલી કે ફક્ત ત્વરા ? …બે ચાર કાગળના ડૂચા ઉડાડી અંતે પ્રિય ત્વરા …લખી કાગળ આગળ વધાર્યો …. ‘તું ઠીક હશે …હું તને યાદ કરું છું’ …જેવી વાતો લખી ફરી પાછો અટકી ગયો. ખબર નહી કેમ મનમાં રહેલી વાત મોં સુધી તો ન આવી પણ લખી પણ ન શકાય એ કેવી મોટી મૂંઝવણ કહેવાય …!! એ મારા વિષે શું વિચારતી હશે ? શું ધારતી હશે ? તોય ‘કેમ્પમાં ખુબ મજા પડી ..આપણે સારા મિત્રો બની ગયા ..સમય ઓછો પડ્યો ..તારી મિત્રતા મને ગમી’ .. જેવી અને થોડી આડીઅવળી ..રોજબરોજની વાતો લખી કાગળ પૂરો કરી દીધો . અનેકવાર વાંચી પણ લીધો . એક કવરમાં નાખી બીજા દિવસે પોસ્ટ પણ કરી દીધો . કોલેજમાં વેકેશન હોવાથી લગભગ રોજ ૧૧ વાગ્યા સુધી મિત્રો સાથે ક્રિકેટ રમતો નૈતિક ૧૦ વાગે ટપાલીના આવવાના સમયે બીજા જ દિવસથી ઘરે હાજર રહેવા લાગ્યો હતો …અને ચોથા જ દિવસે એના નામની એક ટપાલ આવી હતી . પીળા કલરના કવરમાંથી એક પત્ર નીકળી આવ્યો અને જાણે નૈતિકનું હ્રદય એના હાથમાં હોય તેમ ધ્રુજતા હાથે એણે કાગળ ખોલ્યો . નૈતિક જેવા મરોડદાર તો નહી પણ સરસ કહેવાય તેવા અક્ષરોમાં લખાયેલો કાગળ ….’પ્રિય નૈતિક’ …….આહ, સંબોધન ..દિલમાં ઠંડક પ્રસરી ગઈ . સામાન્ય ઔપચારિકતા પછી ‘હું પણ તમને યાદ કરું છું .. કેમ્પની વાતો ..તમારી વાતો ઘરે કહ્યા કરું છું’ ..એવું બધું વાંચ્યું …પણ છેલ્લે ત્વરાએ એનું નામ લખ્યું ન હતું એ વાતનું કુતુહલ નૈતિકના મનમાં જાગી આવ્યું .

આગળ વધી રહેલા એમના પત્ર વ્યવહાર દરમ્યાન નૈતિક રીતસર ધીમી પણ મક્કમ ગતિએ ત્વરાના પ્રેમમાં પડતો ગયો . સાવ સામાન્ય પત્રોમાં પણ નીચે પોતાનું નામ લખવા નથી માંગતી એવું ત્વરાએ સ્પષ્ટ કરી દીધું ..પણ ત્વરા પત્રોમાં પણ કોઈ આછકલાઈ નહી પણ એકદમ સંયમિત વાતો જોઈ એ ત્વરા વિષે વધુને વધુ વિચારતો થઇ ગયો . અનેકવિધ વિષયો પર ખુલીને ચર્ચા કરતી ત્વરા એને બહુ પોતાની લાગવા લાગી ..કોઈ કોઈને ગમે તો શું ખોટું વગેરે વાતો કરી પોતાના સંદેશા ત્વરા સુધી પહોચાડવામાં નૈતિક જાણે સાવ નિષ્ફળ ગયો હોય તેવું એને લાગવા માંડ્યું …સામે પક્ષે તર્કબદ્ધ વાતો કરી ત્વરા હમેશા નૈતિકને વિચારે ચડાવતી ગઈ …જામનગર અને જુનાગઢ ખાસ દુર ન કહેવાય પણ મળવાની શક્યતાઓ કેવી રીતે ઉભી કરવી એ નૈતિકને સમજાતું ન હતું . આ બાજુ ત્વરા પણ સામાન્ય વાતથી આગળ વધતી ન હતી અને એટલે નૈતિક પણ વધી શકતો ન હતો. અંતે આ મૂંઝારો એણે અનીલ નામનાં એના મિત્ર આગળ ઠાલવી દીધો . અનીલને પણ વાતમાં રસ પડ્યો અને એણે ધીરજથી કામ લેવા સલાહ આપી .

પરિણામ આવતા જ નૈતિકને સરસ નોકરી મળી ગઈ. એના આત્મવિશ્વાસમાં વધારો થયો અને એણે ગમે તે રીતે ત્વરા સાથે વાત કરવાનું નક્કી કર્યું … એ સમયે ફોનની સુવિધા બંનેના ઘરે ન હતી એટલે રૂબરૂ મળવું હવે ખુબ જરૂરી બની ગયું … અને એક દિવસ અચાનક અહીં ‘એક નોકરીના કામે આવ્યો છું’ કહી એણે ત્વરાના ઘરે જઈ પહોંચ્યો …એને આવેલો જોઈ ત્વરા ખુબ ખુશ તો લાગી અને એના ઘરના લોકોએ પણ ત્વરાના મિત્ર તરીકે બહુ ભાવભર્યું સ્વાગત કર્યું . નૈતિકને આ લોકો બહુ વ્યવસ્થિત લાગ્યા . પણ વાત થઇ શકે એવી કોઈ મોકળાશ ન જ મળી …અને ‘મારે તારી સાથે ખાસ વાત કરવી છે’ એવા શબ્દો વારેવારે એના હોઠેથી પાછા વળી ગયા ..મનની વાત મનમાં રાખી એ પાછો ફર્યો … !!

દિવસો સુધી આમ જ ચાલ્યા કર્યું .. નૈતિક ધર્મો , શ્રદ્ધા-અંધશ્રદ્ધા , રીતરીવાજો વગેરે વિષે એના વિચારો કાગળમાં લખતો એમ કરતા કરતા સિફતથી જ્ઞાતિ.. જાતિ અને લગ્ન વિષેની ચર્ચા પત્રમાં ઉખેળતો થયો …સામે ત્વરા ..પણ આ બધા વિષયો વિષે પોતાના મત રજુ કરતી ..અલગ જ્ઞાતિ અને જાતિમાં કરેલા લગ્ન પછી આવતી સમસ્યાઓ …પારિવારિક સમસ્યાઓ વગેરે વિષે બહુ સ્પષ્ટ ચર્ચાઓ કરતી .અને નૈતિકને કિનારે પહોંચી ગયેલું વ્હાણ ડૂબી જતું લાગ્યું .ત્વરા પાસે સાવ ખુલીને વાત કરવી નૈતિકને બહુ અશક્ય લાગ્યું …છેલ્લા છેલ્લા બેત્રણ પત્રોમાં નૈતિક વધુને વધુ લાગણીશીલ વાતો અને વિષયો ઉખેળતો ચાલ્યો .. તો હવે ત્વરા એના સવાલોના જવાબ આપવાનું અવગણવા લાગી હતી એવું નૈતિકને લાગવા માંડ્યું . અને એણે લખી નાખ્યું ‘મારે તને એક ખાસ વાત કહેવી છે’ ….કોઈ જવાબ ન આવ્યો ….અકળાયેલા નૈતિકે ફરી પાછો કાગળ લખ્યો …અને એનો પણ જવાબ ન આવ્યો.

ઓહ …. અધવચ્ચે રોકાઈ ગયેલા નૈતિકના એ દિવસો અસહ્ય હતા ..રોજેરોજ ઝર્ઝરિત થતી ગયેલી આશા અને પત્રની રાહમાં નિરાશ આંખો …નવી નોકરી ..માનસિક હાલત ડામડોળ અને આ બધા વચ્ચે સ્થિર થઈ ગયેલી જિંદગી …..એના હૈયામાં જીવી રહેલા એક સંબંધને જતો કરવાથી લાગેલા મારની કળ વળતા ઘણી વાર લાગી . આમેય કહેલા શબ્દો કરતા ન કહેલા શબ્દોનો બોજ બહુ ભારે નથી હોતો ?

આજે લગભગ ૨૬ વર્ષો પછી ફરી પાછી એ પત્રો અને એમાંથી આવતી શબ્દોની મહેંક નૈતિકે ફરી અનુભવી …એવું તો શું થયું કે ત્વરાએ પાછુ વળી એ બે પત્રોનો જવાબ ન આપ્યો ..અરે , સ્પષ્ટ ના પાડતો જવાબ પણ લખી જ શકાયો હોત ને ….!!!! એવું તો શું થયું હશે કે ત્વરાએ જવાબ જ ન આપ્યો ? પોતે ફરી એક વાર ત્વરાના ઘર સુધી કેમ ન જઈ શક્યો એ વાતનો અફસોસ કરડવા લાગ્યો . એ નકાર સાંભળવાનો ડર હતો કે મનની વાત કહી દેવા માટે આત્મ વિશ્વાસનો અભાવ ?

અનીલ સાથે ઘણી વાર ચર્ચા થતી પણ એને સુરત પાસે કોસંબામાં નોકરી મળતા નૈતિક સાવ એકલો પડી ગયો … ત્રણેક વર્ષ આમ જ વિતાવ્યા પછી સુધાબેનના આગ્રહવશ એણે પ્રેરણા સાથે લગ્નની મંજુરી આપી …અને એણે પાછળ વીતેલી જીંદગી તરફ એક પડખું ફરી લીધું . ક્યારેક પ્રેરણાના સવાલો એને દઝાડી જતા …વગર કારણે ઉભી થતી ક્ષોભજનક સ્થિતિ એને ન ગમતી . અને દરેક વખતે ત્વરા તરફથી વીંઝાયેલા સન્નાટાનો કારમો ઘા ફરીફરીને દુઝાવા લાગતો .સમય જતા એ ત્વરાને યાદ ન કરવાના પ્રયત્નોમાં સફળ થતો ગયો …. !!!

કહેવાય છે કે સંબંધો ચાર પ્રકારના હોય છે …સુખના સંબંધો , સુખદુઃખના સંબંધો , જીવતાના સંબંધો અને મરણ પછીના સંબંધો ….પણ કેટલાક વણકહ્યા સંબંધ તો સાવ અલગ અને અનોખા હોય છે . પ્રેમ ક્યારેય નિષ્ફળ નથી હોતો … એના જવાબમાં નકાર હોઈ શકે …પણ બેમાંથી એક જણના નકાર કે મૌનથી પ્રેમ નિષ્ફળ થયો કેવી રીતે ગણાય ? સફળ થવાની જ આશા રાખે એ પ્રેમ હોય ? પ્રત્યુતર ન મળે તો પ્રેમ ખતમ થઇ જાય ? પ્રેમ કદાચ જીવંત ન રહી શકે પણ જીવતો તો રહે જ છે … કદાચ બહુ બોલકો ન રહી શકે પણ ભીતર પલોંઠી વાળીને બેઠેલો હોય છે …દરેકના જીવનમાં એક સંબંધ એવો હોઈ શકે જે અધુરો હોય છતાં મધુરો હોય ….!!!

ત્વરા સાથે જોડાયેલી યાદો એને દર્દ આપતી દુઃખ નહી …એ દગો ન હતો એટલે એનો દોષ ન હતો …એમની વચ્ચે એક સીમા હતી એટલે ક્ષોભ ન હતો …વિવેક હતો એટલે વહેમ ન હતો …એને મેળવવાની જીદ ન હતી એટલે જલન પણ ન હતી ….એ એક ઘારું હતું પણ ઘાતક ન હતું ….ત્વરાનું મૌન જો એક પલાયન હોય તો નૈતિકના મનમાં એક ફરિયાદ હતી …બસ ….વધુ કશું નહી …!!! એક ઋતુની જેમ ત્વરા એના જીવનમાં આવી અને ખસી ગઈ હતી …પણ પહેલા વરસાદના પહેલા છાંટા જેવી એ લાગણીની ભીનાશ હજુ નૈતિકના મનમાં તરોતાજા હતી … આ એક એવો સંકોચાઈ ગયેલો સંબંધ હતો જેને આજે યાદોની વાછટ લાગી ગઈ . હ્રદયના એક ખૂણામાં પડેલો સંબંધ આખા હ્રદય પર હાવી થઇ ગયો . એક પક્ષે થયેલો પ્રેમ એ પ્રેમ કહેવાય કે નહી એ પણ હવે આ વયે નૈતિક વિચારતો થયો . અત્યારે પણ એ ત્વરા વિષે આટલું વિચારતો હોય તો એ વખતે થયેલી લાગણી ઉભરો તો ન જ હતી . એ વાત પાકી હતી .

અડધી રાત સુધી ગઈકાલ વિષે વિચારતો નૈતિક ઊંઘી ગયો …સવારે ૬ વાગે ઉઠી પહેલું કામ લેપટોપ ચાલુ કરી ..ફેસબુક ખોલવાનું કર્યું .
આ ચહેરાચોપડી જાણે જીવનના ૨૬ વર્ષોનો હિસાબ આપવાની હોય એવું એને લાગ્યું …
ત્વરાએ એની રીક્વેસ્ટ સ્વીકારી હતી અને મેસેજના નોટીફીકેશનનો લાલ રંગ નૈતિકના લોહી સાથે ભળી દોડવા લાગ્યો. એનો ચહેરો ખીલી ઉઠ્યો …
એણે અત્યંત ઉતાવળે મેસેજ ખોલ્યો :

ત્વરાએ લખ્યું હતું …..” ઓહ ….hi :) ”

— ક્રમશઃ