Khovayelo boot kya gayo books and stories free download online pdf in Gujarati

ખોવાયેલો બૂટ ક્યાં ગયો

(કેટેગરીઃ- શોર્ટ સ્ટોરી) વાર્તા

શીર્ષકઃ- ખોવાયેલો બૂટ ક્યાં ગયો?

જયશ્રી ભટ્ટ દેસાઈ

મારા લઘુશોધનિબંધનો વિષય હતો, “નવગુજરાતની ચળવળના નેતાઓનું પ્રદાન.” વિષય ધારીએ એટલો સહેલો તો નહોતો જ. જો કે વિષય મેં જ પસંદ કર્યો હોવાથી એમાં મને કશું અઘરું પણ લાગતું નહોતું. નિબંધલેખનની પૂરક સામગ્રી અને કેટલાક ફોટોગ્રાફ્સ મેળવવા માટે મારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, મહેસાણા સહિત ઘણા બધા શહેરોની મુલાકાત લેવી પડી હતી.

કેટકેટલા અનુભવો... માણસે માણસે જુદી વાત અને જુદો અનુભવ. હકુમતરાયના પ્રદાનની વિગતો મેળવવા માટે એમના ઘર સુધી પહોંચ્યો, પણ એ પછીની સફર આસાન તો નહોતી જ.

“ના, ભાઈ ના. અમારે અમારા નાનાજી વિશે કોઈ વિગતો છપાવવી નથી. મહેરબાની કરીને તમે અહીંથી સિઘાવો.” હકુમતરાયના દોહિત્ર તો એવી રીતે વાત કરતા હતા કે જાણે એમના દ્વાર ઉપર કોઈ ભિક્ષા લેવા આવ્યા હોઈએ.

રેશમકાન્ત દિવેટીયા નામના નેતાનું પણ અલગ ગુજરાતની ચળવળમાં નોંધનીય પ્રદાન હોવાનું મારા ગાઈડે મને કહેલું. આથી એમની વિગતો મેળવવા પણ પ્રયાસ કર્યો. તેઓ તો જો કે દેવ થઈ ગયા હતા પણ એમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. એમના બેન્કર દીકરાએ તો તરેહતરેહના સવાલો કરીને મને ગૂંચવી જ દીધો હતો.

“તમે આ નિબંધ અને પુસ્તક તૈયાર કરીને શું સિદ્ધ કરવા માગો છો? તમે મારા પિતાની વિગતો અને ફોટો છાપીને એમના નામને વટાવી ખાવા માગો છો? રૂપિયા કમાવવાના જાતજાતના નુસખાઓ તમે યુવાનો શોધી કાઢો છો? મારા પિતાને મર્યા પછી તો જંપવા દો? શું જોઈને તમે લોકો નીકળી પડો છો...”

આવા સવાલો કોઈ પણ અભ્યાસનિષ્ઠ વ્યક્તિને એનો અભ્યાસ પડતો મૂકવા માટે મજબૂર કરવા માટે પુરતા હતા, પણ મારા મિત્ર નંદભાઈ મને સધિયારો આપતા.

મારા ગાઈડ ડો.નૌતમલાલને હું કહેતો પણ પણ ખરો કે “સાહેબ, આ નેતાઓએ ગુજરાતની સ્થાપના માટે જેમ જાત ઘસી નાખી હતી એમ મેં એમના વિશે લખવા માટે મારા બૂટ ઘસી નાખ્યા છે.”

બૂટ... પગરખા માટે મને હંમેશા એક પ્રકારનું ઓબ્સેશન રહ્યું છે. કોફી-બ્રાઉન રંગનાં વાદળી દોરીવાળાં મેટ્રો શૂઝ મેં હમણા જ ચાર હજાર રૂપિયામાં લીધા. પ્રવાસમાં જવાનું હોય ત્યારે આ શૂઝ કમ્ફર્ટ રહે. અગાઉ પાંચ હજાર રૂપિયામાં ખરીદેલાં બ્લેક પાર્ટી શૂઝ તો ખરા જ. જે મોટે ભાગે પાર્ટીમાં પહેરવા કામ લાગતા. મોર્નિંગ વોક માટે એડિદાસના વ્હાઈટ સ્પોર્ટ્સ શૂઝ પણ ખરા. હા, હોલ શૂઝનો શોખ પણ એવો કે ચેઈનવાળા શૂઝ તો હું દર દિવાળીએ બનાવડાવું.

જૂતાંકામના એક કુશળ કારીગરનું માપ અને ફિટિંગ મને ફાવી ગયેલાં. ચારેક હજાર રૂપિયામાં એ કારીગર અસ્સલ ચામડાના હોલ શૂઝ બનાવી આપે. કારના બદલે મોટર-બાઈક ચલાવવાની હોય ત્યારે આ હોલ શૂઝ ઠીક રહે. યુનિવર્સિટી યા નોકરીના સ્થળે હું હંમેશા સાદા અને લેશવાળા બ્લેક ઓફિસવેર-શૂઝ પહેરવાનું પસંદ કરું. કેમ કે કામકાજના સ્થળોએ જતી વખતે સવારે દોરી બાંધી તે બાંધી. આખો દિવસ પછી દોરી છોડવા કે ફરી બાંધવાની કોઈ કડાકૂટ નહીં. છેક સાંજે ઘરે પહોંચીને જ દોરી છોડવાની આવે.

મારે બૂટ કોઈ પણ પહેરવાના હોય છતા હું દરેક બૂટની રોજ બરાબરની કાળજી લઉં. દરેક જોડી સાફસૂથરી અને ચકચકિત રાખવાની. લેધર શૂઝની પોલિશ પણ હું જાતે જ કરું. બહાર નીકળ્યા પછી મોકો મળી જાય તો બહાર પણ પોલિશ કરાવી લેવાની. અઠવાડિયામાં બે-ત્રણ વાર સ્પોર્ટ્સ–શૂઝ પણ હું જાતે જ ધોઈને સજાવી રાખું. ઘરનાં નોકર-ચાકર પાસે હું આ કામ કરાવવાનો વિરોધી છું. હું માનું છું કે જૂતાં આપણાં છે અને આપણે પહેરીએ છીએ તો આપણે જાતે જ તેની સાફ-સફાઈ કરવી જોઈએ.

મારે જ્યારે કોઈ પણ સામાજિક કે અન્ય કારણસર કોઈના ઘરે જવાનો પ્રસંગ બને ત્યારે હું ખાસ દોરી વગરનાં બૂટ પહેરવાનું જ પસંદ કરું. ખાસ કરીને પાર્ટી શૂઝ અથવા તો કદીક વળી હોલ શૂઝ. લેશ વિનાનાં બૂટ પહેર્યા હોય એટલે લેશ છોડવી કે બાંધવાની કોઈ કડાકૂટ નહીં. મારા વોર્ડરોબ પાસેના શૂઝ એરિયામાં નહીં નહીં તોય એક ડઝનથી વધુ શૂઝનો ખજાનો તો ખરો જ.

મારી લેખન-સંશોધનપ્રક્રિયામાં લોકો તરફથી અસહકાર મળે ત્યારે હું નાસીપાસ થઈને કહું કે “આ કામમાં માત્ર રૂપિયાનું પાણી જ થાય છે એવું નથી, મારા તો બૂટ ઘસાઈ ગયાં.”

આ સાંભળીને મારા વડીલમિત્ર પ્રદીપભાઈ મને કહે કે “કેમ વળી, તારે ક્યાં બૂટની કમી છે, તારી પાસે તો ખજાનો છે ને...”

આ લઘુશોધનિબંધ તૈયાર કરવા પાછળ મેં કેટલા દંડ-બેઠક કર્યા છે, એ તો મારું મન જાણે છે. પત્રવ્યવહાર કરવામાં ટપાલ અને કુરિઅરનો ખર્ચ, ફોન-મોબાઈલનો ખર્ચ, લોકસંપર્ક-પ્રવાસમાં વળી પેટ્રોલનો ધુમાડો. બહારગામ પ્રવાસ કરતી વખતે રહેવા માટે હોટલના ખર્ચા અને જમવાના ખર્ચા તો ખરા જ.

આ સંશોધનયાત્રા દરમિયાન અલગ ગુજરાતની ચળવળના એક દીવંગત નેતાના પુત્રએ તો મને મ્હોં ઉપર ચોપડાવી પણ દીધી હતી કે “તમે તો પુસ્તક લખીને રૂપિયા કમાઈ લેશો, પણ અમને તો કોઈ જ ફાયદો નહીં થાય ને...”

હવે એને કોણ સમજાવે કે આ સંશોધન જ્યારે પણ પુસ્તક તરીકે છપાશે ત્યારે મને કોઈ કરોડો રૂપિયા આપવાનું નથી. એમને કોણ સમજાવે કે હું મારા વાચન-લેખનના શોખને પોષવા માટે જ આ સંશોધનનું કાર્ય કરી રહ્યો છું, કશુંક કમાઈ લેવા માટે નહીં. જે રીતે મને શૂઝનું ઓબ્સેશન છે, એ જ રીતે મને વાચન-લેખનનું વળગણ પણ ખરું જ. પરંતુ આ વાત હું કેમ કરીને કોઈને સમજાવું કે વાચન-લેખન એ મારો શોખ છે, બ્રેડ-બટર નથી. ધિસ ઈઝ નોટ માય કપ ઓફ ટી.

મારા લઘુશોધનિબંધ માટે હવે મારે માત્ર રામપ્રતાપ પટેલની જ વિગતો લેવાની બાકી હતી અને તેમના ફોટોગ્રાફ મેળવવાના બાકી હતા. મારા ગાઈડ ડો.નૌતમલાલના કહેવા પ્રમાણે મહેસાણાના આ સપૂતનું પ્રદાન આમ તો ઓછું પણ ધ્યાનાર્હ હોવાથી એમની વિગતો લીધા વિના આ સંશોધન અધુરું જ ગણાય. મારા ગાઈડે કહ્યું એ પ્રમાણે એમના અને મારા વચ્ચે બૂટની સામ્યતા હતી. તેઓ પણ શૂઝ-પગરખાંનાં ભારે શોખીન હતા.

કહે છે કે અમદાવાદની માંડવીની પોળમાં તેઓ રહેતા ત્યારે નવગુજરાતની ચળવળ વખતે પોલીસ ઉપર પથ્થરમારો કરવા માટે પથ્થરો ખુટી ગયા ત્યારે તોફાની યુવાનો માટે તેઓએ પોતાનાં જૂતાંનો ભંડાર ખુલ્લો મૂકી દીધો હતો. બસ, એમનો સંપર્ક યા સરનામું શોધવામાં મને નવ નેજાં પાણી ઉતરી ગયા.

કોઈ કહે કે રામપ્રતાપ તો મહેસાણા રહે છે, તો કોઈ કહે કે એ તો અમદાવાદમાં જ રહે છે. કોઈએ વળી એવી માહિતી આપી કે તેઓ તો પોતાની દીકરી સાથે રહેવા માટે અમેરિકા જતા રહ્યા છે. કોઈ વળી એવી વાત કરતું કે તેઓ તો ક્યારનાય સ્વર્ગે સિધાવી ગયા છે. મને તો કશું જ સૂઝતું નહોતું. કોઈ દિશા મળતી નહોતી. એમના એકને ખાતર મારું કામ અધુરું રહેતું હતું.

એવામાં પ્રદીપભાઈ મારા માટે આશાનું કિરણ લઈને આવ્યા.

મને કહે, “આ લ્યો, રામપ્રતાપ પટેલનું સરનામું. અમદાવાદમાં પાલડી-વાસણા રોડ ઉપર સાબરમતી રીવરફ્રન્ટ તરફની સોસાયટીમાં તેઓ રહે છે. નિવૃત્ત અને વળી ઉંમર લાયક હોવાથી તેઓ ઘરની બહાર કશે નીકળતા જ નથી. બસ આટલી જ વિગતો ક્યાંકથી મળી છે. તમતમારે પહોંચી જાવ.”

મેં તો બીજા જ દિવસે સાંજે કચેરી સમય પછી રામપ્રતાપભાઈના ઘરે તેમને મળવા જવાનું મનોમન નક્કી કરી નાખ્યું. જો કે ધાર્યું તો ઉપરવાળાનું જ થાય. બીજા દિવસે મોડી સાંજે ઓફિસથી ઘરે અને વળી ઘરેથી નીકળતા જ મોડું થયું. રાતના લગભગ નવ વાગી ગયા હતા, પરંતુ નસીબ એકાદ-બે ડગલાં આગળ-પાછળ હોય એમ કારમાં પંકચર. રામપ્રતાપ પટેલના ઘરે પહોંચતા સુધીમાં તો રાતના દસ ઉપર વાગી ગયા.

આટલા મોડા કોઈના ઘરે પૂર્વસૂચના આપ્યા સિવાય ન જ જવાય. પરંતુ મારો સ્વભાવ એવો ખરો કે ડગલું ભર્યું કે ન હટવું. ચોતરફ શિયાળાની રાતનો સન્નાટો. બોર્ડ લાગેલાં હોય એટલે સોસાયટી તો માંડ માંડ શોધી કાઢી. પરંતુ આંતરિક રસ્તા ઉપર મારી કાર સિવાય કોઈ અવરજવર નહીં. રામપ્રતાપભાઈના ઘર વિશે પુછવું તો કોને પુછવું. એમના ઘરનો ફોન નંબર પણ નહોતો કે જેથી એમના ઘરે ફોન કરીને એમને ખુદને પણ પુછી શકાય. મળેલી માહિતી પ્રમાણે તો તેઓ એકલા જ રહે છે, એટલી જ જાણ હતી.

રામપ્રતાપભાઈની સોસાયટીના નાકા ઉપર એક ધોબીની કેબિન હતી. એનો દરવાજો તો બંધ હતો પરંતુ અંદર લાઈટ ચાલુ હતી. આથી મેં દરવાજો ખટખટાવ્યો. કોઈક આઘેડ માણસે ફક્ત ડોકું જ બહાર કાઢ્યું.

મેં પુછ્યું કે “બંગલા નંબર નવ, રામપ્રતાપભાઈ...”

પેલાએ ઘડીભર મારી સામે જોયું ન જોયું અને હાથથી ઈશારો કરીને સામેના ભાગે એક બંગલો બતાવ્યો. એ કશુંક બોલતો રહ્યો કે “પણ, એ તો...”

જો કે હું ઉતાવળમાં જ એની કોઈ વાત કાને ધર્યા વિના એણે બતાવેલા બંગલાની દિશામાં ચાલ્યો ગયો. છેક છેવાડાનો બંગલો હતો. રાતનો અંધકાર હોવા છતા બીજા બંગલાઓમાંથી ક્યાંક ઝાંખો પ્રકાશ પથરાતો હતો. પરંતુ બંગલા નંબર નવમાં તો જાણે ઘોર અંધારું. એક ઘડી તો મને એમ થઈ ગયું કે આ રામપ્રતાપભાઈ આટલી બધી કંજુસાઈ કેમ કરતા હશે કે લાઈટ પણ ચાલુ રાખતા નથી.

સર્વત્ર અંધકાર હતો એમ તેમના બંગલા ઉપર પણ અંધકારનો કબજો હતો. બંગલાના પ્રાંગણમાં જામી ગયેલા ઘટાદાર વૃક્ષોમાં થઈને વહી આવતા પવનની સરસરાહટ શાંત માહોલમાં જાણે કાંકરીચાળો કરી લેતી હતી. પવનના કારણે ઊડતા પાંદડાનો અવાજ પણ વિચિત્ર લાગતો હતો.

મેં બંગલાનો ઝાંપો ખોલવા પ્રયાસ કર્યો. જાણે વણવપરાયેલો પડ્યો હોય એવો અને વળી કાટ ખાધેલો, હવડ ઝાંપો. ક...ડ...ડ...ડ. ઝાંપાના કિચુડાટથી સન્નાટામાં વિક્ષેપ પણ પડ્યો. ઝાંપો ખોલીને બંગલાના વિશાળ કમ્પાઉન્ડમાં મેં પ્રવેશ કર્યો ત્યાં તો બંગલામાં અચાનક ઝાંખો પ્રકાશ રેલાયો અને બંગલાની ભીતરથી એક સફેદ ઓળો મારી તરફ આગળ વધ્યો.

મને આવકાર આપતા કહ્યું કે “આવો, આવો... મનીષભાઈ, કેમ છો...”

રાતના લગભગ સાડા દસ વાગી ગયા હતા. રાતના સન્નાટાને ચીરતો અવાજ. એમાંય આગંતુકનું મારા નામજોગ સંબોધન. મારા શરીરમાંથી તો એક લખલખું પસાર થઈ ગયું. રોમરોમમાં કશુંક થઈ ગયું. એમને મારા નામની કે આગમનની કેવી રીતે ખબર પડી હોય એવા વિચારોમાં હું ચકરાઈ ગયો.

તેઓ બોલ્યા કે “આવો, આવો. અંદર આવો. મારું જ નામ રામપ્રતાપ પટેલ. અહીં હું એકલો જ રહું છું. તમે મને જ મળવા આવ્યા છો ને...”

મારું આશ્ચર્ય હજુ તો શમ્યું પણ નહોતું ત્યાં તો શ્વેત કેશ અને સફેદ લેંઘા-ઝભ્ભાવાળા આ તંદુરસ્ત વૃદ્ધે મારો હાથ પકડી લીધો ને શેક-હેન્ડ કર્યું.

હું આંગણ વટાવીને ઉંબરા સુધી તો પહોંચી જ ગયો હતો. મેં ઘરના ઉંબરા બહાર મારા બૂટ કાઢ્યા. એ વખતે ઠંડીના માહોલાં હું ખાખી-મિલિટરી કલરના હોલ-શૂઝ પહેરીને ગયો હતો.

મારા હોલ-શૂઝ જોઈને એ વૃદ્ધની આંખોમાં ચમક આવી ગઈ. મને કહે કે “તમારા બૂટ સરસ છે. મને પણ બૂટનો ભારે શોખ હતો, પણ હવે તો-” આટલું બોલીને તેઓ રોકાઈ ગયા.

હવે હું એ વૃદ્ધની પાછળ પાછળ દોરવાતો દોરવાતો બંગલાના મુખ્ય બેઠકખંડમાં પ્રવેશ્યો. ઘરમાં રાચરચીલું ખરું પણ ઘર જાણે વર્ષોથી બંધ હોય એ રીતે આખું ઘર હવડ હોય એવું લાગતું હતું. ડ્રોઈંગરુમમાંથી બીજા ત્રણ જુદા જુદા રુમમાં જવા માટેના બારણા જોઈ શકાતા હતા.

મારું આશ્ચર્ય વધારતા હોય એમ તેઓ બોલ્યા કે “પણ, તમે તો મારા ઘરે સાંજે આવવાના હતા ને. જો કે સાંજે આવ્યા હોત તો હું તમને ના મળ્યો હોત. અત્યારે રાતના આવ્યા એ જ ઠીક કર્યું.”

હવે મારા માટે નવાઈની વાત એ હતી કે આમને ક્યાંથી ખબર પડી કે હું સાંજે એમના ઘરે આવવાનો હતો. જો કે જેમ તેમ કરીને મારા વિચારો ઉપર કાબુ મેળવ્યો.

અત્યાર સુધીમાં સંશોધન નિમિત્તે મને સૌથી વધુ સહકાર અથવા તો પ્રેમભર્યો આવકાર આપ્યો હોય તો આ વૃદ્ધે જ આપ્યો હતો. આવો પોઝિટીવ અનુભવ પહેલીવાર થઈ રહ્યો હતો. તેઓ તો ઈતિહાસનાં પાનાં ફેરવતાં હોય એમ એક પછી એક સંસ્મરણો કહેતા ગયા.

તેઓ બીજા રુમમાં ગયા અને હું એકલો પડ્યો ત્યારે ફરી એકવાર ડ્રોઈંગરુમમાં ભયનું એક લખલખું મારા શરીરમાંથી પસાર થઈ ગયું. હું ધ્રુજી ઊઠ્યો હતો. ખુબ ઓછો પ્રકાશ હતો. મને વિચાર આવ્યો કે આ મહાશય ટ્યુબલાઈટના બદલે નાનકડો બલ્બ શા માટે વાપરતા હશે અને અંધારા જેવા વાતાવરણમાં કેમ રહેતા હશે.

થોડી મિનિટોમાં જ તેઓ બીજા રુમમાંથી ડ્રોઈંગરુમમાં પાછા ફર્યા. કેટલાક પેપર-કટિંગ્સ, થોડા ફોટોગ્રાફ્સ અને પોતાની વિગતોવાળા થોડા કાગળિયા લઈને આવ્યા.

આ બધું તેમણે મારા હાથમાં મૂકતા કહ્યું કે“અહીં જીવડાં-જીવાત બહુ ન થાય એ માટે હું ટ્યુબલાઈટના બદલે નાનકડો લેમ્પ જ પસંદ કરું છું.”

મને નવાઈ લાગી કે મારા મનના વિચારો આ વડીલ કઈ રીતે વાંચી લેતા હશે. મારી આગતાસ્વાગતા માટે ફક્ત એક ગ્લાસ પીવાનું પાણી તેમણે મને આપ્યું.

પાણીનો ગ્લાસ આપતા તેઓ બોલ્યા કે “માફ કરજો, મનીષભાઈ, પરંતુ હું તો અહીં એકલો જ રહેતો હોવાથી તમારો કોઈ આતિથ્યસત્કાર હું કરી શકતો નથી.”

મેં સૌજન્ય-વિવેક બતાવીને કહ્યું પણ ખરું કે “કશો વાંધો નહીં, તમે મને આટલી મદદ કરી, એ જ મારા માટે બહુ મોટી વાત છે. આમેય રાતના બાર-સાડા બાર વાગવા આવ્યા છે. હું નીકળું.”

આટલું કહીને હું ઉભો થયો અને તેઓએ હકારમાં ડોકું હલાવ્યું તથા મારી સાથે શેક-હેન્ડ પણ કર્યા. હું ડ્રોઈંગરુમમાંથી બહાર આવ્યો અને જોયું તો ઉંબરા પાસે મેં જે હોલ શૂઝ કાઢ્યા હતા, એમાંથી ડાબા પગ માટેનો બૂટ ગાયબ હતો. ઉંબરા પાસે જમણા પગમાં પહેરવા માટેનો એક જ શૂઝ પડ્યો હતો. મારી પાછળ પાછળ મને વળાવવા માટે બહાર આવેલા રામપ્રતાપભાઈ તરફ મેં પ્રશ્નસૂચક નજર કરી.

તેઓ એટલું જ બોલ્યા કે “અરે, તમારો બીજો બૂટ ક્યાં જતો રહ્યો... એમ લાગે છે કે કોઈ કૂતરું ખેંચી ગયું હશે.”

હું હજુ તો મનમાં એવું વિચારતો હતો કે આ વૃદ્ધને સુણાવી દઉં કે “તમને ખબર હતી કે અહીં કૂતરાનો ત્રાસ છે, તો મારા બૂટ ઉંબરામાં કાઢવાના બદલે ઘરની અંદર કાઢવા માટે તમારે સૂચન કરવું જોઈએ ને.”

આ વૃદ્ધને મારા મનની વાત કઈ રીતે સંભળાઈ ગઈ, એની તો મને ખબર નથી પણ તેઓએ માફીના સ્વરમાં મને કહ્યું કે “માફ કરજો, પણ હું તમને કહેવાનું ભુલી ગયો કે બૂટ બહાર ના કાઢશો. બૂટ પહેરી રાખ્યા હોત તો પણ ચાલત.”

એ જોઈ શક્યા કે હું થોડો ખિન્ન થઈ ગયો હતો. બંગલાના આંગણામાં ચોતરફ અંધારું હતું. ડ્રોઈંગરુમના બલ્બનો ઝાંખો પ્રકાશ પણ ક્યાં સુધી પહોંચી શકે. હું હજુ વિચારતો જ હતો કે મારો બીજો બૂટ શોધવો તો ક્યાં શોધવો.

એવામાં વૃદ્ધ રામપ્રતાપભાઈએ મને કહ્યું કે “તમે અહીં જ ઉભા રહો. હું હમણા જ ઘરમાં જઈને ફાનસ લઈ આવું. પછી આપણે તમારો બૂટ શોધી કાઢીએ.” આટલું કહીને તેઓ તો બંગલાની ભીતર ઝાંખા પ્રકાશમાં ચાલ્યા ગયા. ખાસ્સી વાર લાગી પણ તેઓ તો અંદર ગયા તે ગયા. પાછા બહાર આવ્યા જ નહીં. આમને આમ દસ-પંદર મિનિટ વીતી ગઈ. પવનની એક થપાટે ઘરનું બારણું ધડામ્મ... એવા અવાજ સાથે બંધ થઈ ગયું. જો કે એ અવાજ એટલો જોરદાર હતો કે સોસાયટીમાં પથરાયેલા અંધકારને ચીરી નાખ્યો. અવાજની દિશા પારખીને દંડો પછાડતો સોસાયટીનો ચોકીદાર આવી પહોંચ્યો. મોંઢે અને માથે મફલર અને વાંદરા-ટોપી પહેરી હોવાથી ચહેરો જોઈ શકાતો નહોતો, પણ એ ચોકીદાર જ લાગતો હતો.

બંગલાની બહારના ભાગે ખખડધજ ઝાંપા પાસે ઉભા રહીને ચોકીદારે રીતસર બૂમ જ પાડી કે “કૌન હૈ વહાં, કૌન હૈ...” ઝાંખા પ્રકાશમાં એ જાણે મને તાકી રહ્યો હતો. તેણે પોતાના હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ મારા તરફ ફેંક્યો અને મારી નજીક આવ્યો.

મારા જમણા પગનો એક બૂટ હાથમાં લઈને હું પણ એની નજીક ગયો અને મેં કહ્યું કે “મેં રામપ્રતાપભાઈકા ગેસ્ટ હું. વો ભીતર ગયે હૈ ઔર ઉન કા દરવાજા હવા કે જોર સે બંધ હો ગયા. મેં ઉન કે બહાર આને કી રાહ દેખ રહા હું.”

ચોકીદાર તો મારી વાત સાંભળીને ચમકી ગયો અને બોલ્યો કે “કિસ કી બાત કર રહે હો, બાબુજી... રામપ્રતાપજી કો ગુજરે હુએ તો કરીબ તીન સાલ હો ગયે. તબ સે યહાં તો કોઈ નહીં રહેતા. પતા નહીં, ઉન સે મિલને કે લિયે લોગ ચલે આતે હૈ, ઔર આપ જૈસે કો રામપ્રતાપજી મિલતે ભી હૈ. મેરી તો કુછ સમજ મેં નહીં આતા. બાબુજી આપ કા એક પાંવ કા જુતા ભી ગુમ હો ગયા હોગા...”

---------------------------------------------------------------------------------