Grahan - Chapter 2 in Gujarati Short Stories by Asha Ashish Shah books and stories PDF | ગ્રહણ (પ્રકરણ ૨ )

Featured Books
Categories
Share

ગ્રહણ (પ્રકરણ ૨ )

“ગ્રહણ.....”

(પ્રકરણ=૨)

“કહે જોઉં કોણ હશે??” ધરતીની આંખો પર પાછળથી હથેળી અને ખુલ્લી પીઠ ઉપર હોઠ મુક્તાં ચિત્ત-પરિચિત અવાજ સંભળાયો.

“આકાશ... પ્લીઝ!! આજે નહીં, આજે મારે તારી સાથે એક ગંભીર વાત કરવી છે.” ધરતીના ચહેરા પર અકળામણના ભાવ ઉપસી આવ્યા.

“ઓ... મારી મનમોહિની, શું થયું છે આપને આજે?? આપનો સદાય ખીલેલો રહેતો ગુલાબના ગોટા જેવો ચહેરો સાવ આમ મુરઝાયેલો કેમ દેખાય છે?? ઓહ... યસ.. યસ.. આપનો આજનો ડોઝ બાકી છે એટલે ને બૅબી...??? લ્યો હમણાં આપી દઉં....” પોતાના હોઠને ધરતીના હોઠની નજીક લઈ જતાં તોફાની સ્મિત સાથે આકાશ બોલ્યો.

“આકાશ..... પ્લીઝ!!!” ધરતીએ ત્રાડ પાડી. “ક્યારેક તો તારા સ્વભાવમાં ગંભીરતા લાવ. તને ખબર પણ છે મારી હાલત....???”

પોતાની બાહુપાશમાં ધરતીને ખેંચતાં આકાશ બેફિકરાઈથી બોલ્યો, “ક્યા હુઆ?? ઝમીન ફટ ગઈ યા આસમાન ટૂટ પડા??? હા... હા...”

“એનાથી પણ વધારે... મારો પિ.. પિ..રિ..ય..ડ મિ..સ... મિસ થઈ....” ધરતીએ શ્રાવણ ભાદરવો વરસાવતી આંખે આકાશની હેઝલ બ્રાઉન આંખોમાં આંખ પરોવીને પૂછ્યું, “એનો મતલબ સમજાય છે ને તને.....???”

આ સાંભળતાં જ અચાનક આકાશની પકડ ઢીલી પડી ગઈ. થોડીવાર પહેલાં ધરતી માટે ડોકાતો અને રોમેરોમમાં છલકાતો પ્રેમ જાણે ક્યાંક અદ્રશ્ય થઈ ગયો. થોડીવાર પોતાની જાત સાથે દ્વંદ્વ કર્યા બાદ આકાશ નિર્લેપ ભાવે ધરતી તરફ જોતાં બોલ્યો, “ઈટ’સ સો સિમ્પલ!! અબૉર્ટ કરાવી દેજે. મારા ખાનદાનમાં લગ્ન પહેલા બાળક??? નો નો ઈટ ઈમ્પોસિબલ...”

“બસ...!! આ જ તમારો પ્રેમ છે મિ. આકાશકુમાર?? આ બાળક જેટલું મારું છે એટલું જ તારું પણ છે ને?? તો પછી.. તો પછી..??” ધરતી ડૂસકાં ભરતાં બોલી.

આકાશે પોતાની બંને હથેળીમાં ધરતીના ચહેરાને સમાવતા ગળગળા સ્વરે કહ્યું, “જો ધરતી હું કબુલ કરુંછું કે, ભૂલ આપણાં બંનેની છે. પણ તું મારી મજબૂરીને તો સમજ. એક તો મારા ખાનદાનનું સ્થાન તારા ખાનદાન કરતાં સમાજમાં મૂઠ્ઠી ઊંચેરું સ્થાન ધરાવે છે એટલે જ તો મારી હજુ સુધી આપણાં સંબંધ વિષે મારા ઘરમાં ખુલાસો કરવાની હિંમત પણ થઈ નથી ત્યાં લગ્ન પહેલાંનું આ બાળક...?? નો.. નેવર.. મારા ઘરનાં આ ક્યારેય નહીં સ્વીકારે. હે ભગવાન!! આ શું થઈ ગયું?? હવે અમારું શું થશે?? અમારા સંબંધનું.....”

“હા.. હા... હા.... એપ્રિલફૂલ બનાયા તો ઉનકો રોના આયા... ઓ.. મારા રોતડુંકુમાર એવું કાંઈ જ નથી. આ તો જસ્ટ તારી ટીખળ કરવાનું મન થયું એટલે... હા.. હા.. હા..”ધરતીએ આકાશના માથા પર ટપલી મારતાં ખુલાસો કર્યો.

“હેં... શું કહ્યું??? ટીખળ....?? ધરતી…. યુ... તે તો મારો શ્વાસ અધ્ધર કરી નાખ્યો. હાં.....” થોડીવાર પહેલા ઉપસેલી ચિંતાની રેખાઓ તોફાની સ્મિતમાં પલટાઈ ગઈ. ધરતીનો હાથ એની પીઠ પાછળ મરડતાં આકાશ બોલ્યો, “શું કેતી’તી બાળક... ટીખળ... અચ્છા... એમ...!! હવે તને આ ટીખળની સજા મળશે, જરૂર મળશે.” આકાશે પકડને વધુ મજબૂત બનાવી પોતાના હોઠને ધરતીના ગળા ઉપર મૂક્યા.

પણ.... ધરતી અંગુઠો બતાવીને આકાશની પકડમાંથી સરકીને દોડવા લાગી.

“ઊભી રે’જે જાયછે ક્યાં... આજે તો તારી ટીખળને સાચી ન પાડી દઉં તો હું મરદ મૂછાળો નહીં...???” બોલતાં બોલતાં આકાશ તેની પાછળ ભાગ્યો.

બંને એકબીજાથી લપાતાં છૂપાતાં સુમસામ રસ્તે આગળ નીકળી ગયા. ધીરે-ધીરે અંધકારનું સામ્રાજય અડીંગો જમાવી રહ્યું હતું. વાતાવરણમાં ગજબની ઠંડક પ્રસરી રહી હતી, પરંતુ એ બંનેના શરીરમાં ઉત્તેજનાની ગરમી પ્રસરવા લાગી હતી અને શ્વાસ ધમણની જેમ ફૂલવા લાગ્યા હતા. એવુંય નહોતું કે, તેમણે પહેલા કયારેય એકાંત નહોતું માણ્યું. પણ... આજની વાત તો કંઈ ઓર જ ભાસતી હતી. બંને એકબીજાની ખૂબજ નજીક આવી ગયા. બંનેના શ્વાસ એકબીજાના ચહેરા પર અફળાવા લાગ્યા અને તેઓ એકબીજામાં સંપૂર્ણપણે ઓગળી ગયા. આ મધૂરી પળોને માણ્યા બાદ કેટલીએ વાર સુધી બંને જણ આંખો મીંચીને એજ અવસ્થામાં જ એકબીજાને વળગી રહ્યા.

“ધડામ્......” કંઈ સમજી શકાયકે કંઈ વિચારી શકાય એ પહેલાં જ કોણ જાણે ક્યાંથી આ સુમસામ જગ્યાએ આવી ચડેલાં એક બુકાનીધારીએ આકાશના માથામાં લોખંડનો પાઈપ ઝીંકીને તેને ઘાયલ કર્યા બાદ ઝાડ સાથે મુશ્કેટાટ બાંધી દીધો.

પરિસ્થિતિની ગંભીરતા સમજાતાં ધરતીએ પોતાના શરીરમાં હતું એટલું બળ ભેગું કરીને દોટ લગાવી. એક તો અંધારું ને ઉપરથી અજાણ્યો ડર... ધરતીનું મનોબળ ભાંગી પડ્યું. દોડતાં-દોડતાં તે ગડથોલિયું ખાઈ ગઈ. બમણાં વેગથી પાછળ આવી રહેલાં બુકાનીધારીએ એને પોતાની મજબૂત બાહુપાશમાં જકડી લીધી અને ઢીંગલીની માફક ઊંચકીને ખભ્ભે લાદીને ચાલતી પકડી. ધરતીએ પોતાને છોડાવવાની ઘણી કોશિશો કરી પણ બધી જ વ્યર્થ.....

ધરતીના પ્રતિકાર, બૂમબરાડા કે આજીજી.... કોઈનીએ પરવા કર્યા વગર એ બુકાનીધારીએ આકાશને જ્યાં બાંધ્યો હતો એની બરાબર સામે જ ધરતીને માવજતથી જમીન પર સૂવડાવી. આકાશને ઓચિંતાના થયેલા પ્રહારથી કળ વળતાં અને સ્થિતિનો ચિત્તાર આવતાં પોતાની જાતને છોડાવવા ઘણાં ધમ-પછાડાં કર્યા પણ.... પરિણામ શૂન્ય.... અંતે... આકાશના ઘાયલ તન અને છોભીલા મનની સમક્ષ ધરતીની અનેક વિનવણી અને કાકલૂદીને કોરાણે મૂકીને બુકાનીધારીએ પોતાની જ મંછા મુજબ ધારેલું કામ પાર પાડ્યું. અને આકાશની લાચાર અને ઝૂકી ગયેલી આંખો સામે જ ધરતીની આબરૂના લીરે-લીરાં કરી તેના આત્મા ઉપર કદીયે મોક્ષ પ્રાપ્ત ન કરી શકે એવું ગ્રહણ લગાવી એને એ જ કણસતી હાલતમાં મૂકીને ભાગી છૂટ્યો.

****************************

“મોમ, ગરમા-ગરમ ખાના તૈયાર હૈ.” નીશાના શબ્દોએ ધરતીની તંદ્રા તોડી અને તે પોતાના કણસતાં ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી તો ફરી પણ તે દિવસની પીડા આજે પણ એના વદન પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ.. નીશા કંઈક ગડમથલમાં હતી એટલે ધરતીની પીડા એનાથી અજાણ રહી ગઈ.

“મોમ, મારે તને એક વા..ત કહેવી છે...” રોટલીનું બટકું ધરતીનાં મોંમાં મૂક્તાં નીશા બોલી.

“કઈ વાત..?? કેવી વાત..???” ધરતીના હાથમાં રહેલો કોળિયો નીશાના મોં સુધી જતાં અટકી ગયો.

“ખરેખર તો આ વાત મારે ડેડની હાજરીમાં કહેવી હતી પણ હું હિંમત જ ન કરી શકી અને જ્યારે મેં હિંમત કરી ત્યારે મારી કિસ્મતે મારો મોકો મારા ડેડને છીનવીને મારી પાસેથી છીનવી લીધો. પણ... બહુ મોડું થઈ જાય તે પહેલાં આજે ડેડની આ છબિ રૂપી અપ્રત્યક્ષ હાજરીમાં તને કહુંછું કે.... હું મારી કૉલેજમાં મા...રી સા..થે જ ભણતાં પ્ર..ભા..ત...ને ખૂબ આઈમીન અમે બં..ને.. એકબીજાને બહુ લા... લાઈક કરીએ છીએ. આગળની જિંદગી એક સાથે જીવવા માંગીએ છીએ પણ... પ્રભાત એના પરિવાર સામે અમારા સંબંધનો હજુ સુધી એકરાર કરી નથી શક્યો.” નીશા એકી શ્વાસે બોલી રહી હતી અને ધરતી ધડકતે હૈયે સાંભળી રહી હતી.

“અને હાં... આજે જ્યારે હું તને તમામ હકીકત કહી રહી છું ત્યારે તને એ પણ જણાવવાની મારી ફરજ છે કે, યુવાનીના નશામાં અમે એક્થી વધુ વખત એકબીજાની નિકટ આવી ચૂક્યા છીએ.....”

“ની....શા......” ધરતીએ ચિત્કાર કર્યો. એને લાગ્યું કે જાણે એની જિંદગી ૩૬૦ ડીગ્રીએ કરવટ લઈ રહી છે. પોતાના જીવનમાં બનેલી દુર્ઘટનાઓનું જાણે પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું એને લાગ્યું. એ ત્રાડ પાડીને બોલી, “નીશા આ તું શું બોલેછે.... એનું કાંઈ ભાન-બાન છે કે નહીં તને???

“મોમ પ્લીઝ!! પે’લા મારી પૂરી વાત સાંભળ તો ખરી... મારો આત્મા તારા અને ડેડના સંસ્કારોથી તરબત્તર છે અને મારી મર્યાદાઓનું સુપેરે ભાન છે એટલે હું એવી કોઈ ભૂલ કરી જ ન શકું. તું ધરપત રાખ, મેં મારી સીમારેખાને કયારેય ઓળંગી નથી ને ભવિષ્યમાં કયારેય ઓળંગીશ પણ નહીં. પરંતુ... પ્રભાત પોતાની જાત ઉપર કાબુ રાખી શક્શે કે નહીં એની મને ખબર નથી અને એટલે જ, મોમ.. મેં એક નિર્ણય લીધો છે....”

*********************************************

(ક્રમશ:)