Ratorat books and stories free download online pdf in Gujarati

રાતોરાત

રાતોરાત

સાગર ઠાકર

મો. ૯૮૯૮૯૪ર૦૦૪ (લેખક પોરબંદરમાં એબીપી ન્યુઝ ચેનલનાં કોરસપોન્ડન્ટ તરીકે કાર્યરત છે)

(સત્યઘટના, માત્ર અખબારનું નામ બદલ્યું છે. અંગત કારણોસર માત્ર બેજ પાત્રોનાં નામો લખ્યાં છે.  જે બંને અસલી છે. મુખ્યપાત્ર એ જ અખબારમાં છેલ્લા ૧ર વર્ષથી ફરજ બજાવે છે. હાલ તે ડેપ્યુટી ન્યુઝ એડીટર તરીકે કાર્યરત છે.)

નિમીષે રીઝ્‌યુમ ટાઈપ કરી તેનો પ્રિન્ટઆઉટ કાઢ્યો અને પછી એક એન્વેલોપમાં મૂકી તેના પર રોજાના સમાચારનું એડ્રેસ લખ્યું. એપ્લીકેશન તૈયાર થઈ ગઈ એટલે તેને પોતાની બેગમાં સાચવીને મૂક્યું અને પછી તે ફરી પોતાનાં કામે વળગી ગયો. 

નિમીષ છેલ્લા સાડાચાર વર્ષથી જૂનાગઢનાં સાંજે પ્રકાશિત થતા અખબારમાં સિટી રીપોર્ટર તરીકે કામ કરતો હતો. ૩ર વર્ષની વયે સામાન્ય રીતે કેરીયરની લાઈનનાં આઠથી  દસ વર્ષનો અનુભવ હોય. પણ નિમીષ તેમાં છ વર્ષ પાછળ હતો. બચપણથીજ એરફોર્સમાં જોડાઈને ફાઈટર પાયલટ બનવાનાં સ્વપ્ન સેવતો નિમીષ પોતાનાં સ્વપ્ન એટલી તીવ્રતાથી જોતો કે, તેને સાકાર કરવા એનડીએની પરીક્ષામાં બેસવા અને તેમાં સારું મેરિટ મેળવવા પણ ધો. ૧રમાં સાયન્સ સારી રીતે ક્લિયર કરવું પડે એ વાત પ્રત્યે તે ગંભીરજ ન બન્યો. માતા-પિતાએ તેને કોઈપણ કેરીયર અપનાવવાની છૂટ આપી હતી. તેને ટ્યુશન, સ્ટડી મટીરીયલ્સમાં સ્હેજે ઓછું ન આવે તેનો પિતાએ બરાબર ખ્યાલ પણ રાખ્યો હતો. નિમીષ સ્કુલ-ટ્યુશનમાં નિયમીત જતો. પણ પછી જ્યારે એ બધું ઘેર બેસીને તૈયાર કરવાનું હોય ત્યારે તે યુદ્ધકથા વાંચવા બેસી જતો. પોતે એક દિવસ સુખોઈ વિમાનનો પાયલટ બનશે અને પાકિસ્તાન પર બોંબમારો કરશે એવાં દિવાસ્વપ્નો તે હંમેશાં નિહાળતો. ફીઝીક્સમાં સદિશની થિયરી લખીને સમજવાને બદલે યુદ્ધકથામાં તે વધુ ખોવાઈ જતો. અંતે પરિણામ એ આવ્યું જે આવવું જોઈતું હતું. બહુ ખરાબ રીતે તે ફેઈલ થયો. 

બીએ વીથ ઈકોનોમિક્સ થઈને પછી તેણે એમએ જોઈન કર્યું. હવે નિમીષની કેરીયરનો રસ્તો બદલાયો હતો. તેણે એમએની સાથેજ પ્રોફેસર બનવાનાં સ્વપ્નો સેવવા લાગ્યો. આથીજ એમએની સાથે તે નવી જ ખુલેલી બીબીએ કોલેજોમાં ઈકોનોમિક્સનાં લેક્ચર લેવા  જતો. બચપણમાં કોન્વેન્ટ સ્કુલમાં ભણેલો એટલે વળી ઈંગ્લીશ સારું હતુંં. વળી વાંચનનો શોખ કેળવેલો એટલે જનરલ નોલેજ અને કોઈપણ ટોપીકનું વિશ્લેષણ તેને સારું ફાવતું. તેની ભણાવવાની શૈલી પણ કોલેજનાં વિદ્યાર્થીઓને માફક આવી ગયેલી. હવે વાટ હતી ફક્ત એમએમાં પપ ટકા સાથે પાસ થવાની. પણ સૌરાષ્ટ્ર યુનિ.માં બીપ્લસ થવું ખુબ અઘરું છે. એમ તેના એચઓડીએ કહેલું. તે લખવામાં ખુજબ ધીમો હતો. અને પીજીનાં પેપરમાં એક પ્રશ્નમાં કમસેકમ ૧પ થી ર૦ પેઈજ જેટલું લખાણ હોય તોજ પપ ટકાની અપેક્ષા રાખવાની એમ તે પીજી ટ્યુટરનાં મોઢે કાયમ સાંભળતો. આથી તેણે ૪૯ ટકાથીજ સંતોષ માની લેવો પડ્યો. આખરે તેણે એજ્યુકેશન લાઈન છોડી દીધી. ફરી તેનું સ્વપ્ન રોળાઈ ગયું. હવે બીબીએમાં લેક્ચર લેવા જવાનો પણ કોઈ અર્થ નહોતો. કારણકે, કોલેજનું મેનેજમેન્ટ ધારે તોય તેને કાયમી નોકરી આપી શકે એમ  નહોતા. એ દરમ્યાન તેની સગાઈ પણ થઈ ગયેલી. નવરા બેસવું પોષાય એમ નહોતું. આથી તેણે પ્રાઈવેટ કંપનીમાં સેલ્સમેનની નોકરી સ્વીકારી. બેએક વર્ષ કામ કર્યું. પણ નિમીષની મહત્વાકાંક્ષા અને કેરીયર માટે તેનાં સ્વપ્નો તેને અહીં ઠરીઠામ થવા દે એમ નહોતા. 

એવામાં જૂનાગઢથીજ સાંજે પ્રસિદ્ધ થતા અખબાર દ્વારા ન્યુઝ ચેનલ શરુ થયાનું તેણે જાણ્યું અને તેમાં જોડાઈ ગયો. અહીં નિમીષ ખંતથી કામ કરતો. સવારે તેનો મોબાઈલ રણકી ઉઠે. ઘણુંખરું કોઈ બનાવનું કવરેજ કરવાનું હોય તેની સાથેજ તેના દિવસની શરુઆત થતી. ક્યારેક તો ઉઠીને બ્રશ કરવાનો પણ ટાઈમ ન રહેતો. સમાચારનું કવરેજ કરીને ઘેર આવે ત્યાં બીજું કામ તૈયારજ હોય. માંડ નાહીને તે ઓફિસે જતો. જ્યાં તેણે ચેનલમાં ન્યુઝ રીડરને વાંચવા માટેની સ્ક્રીપ્ટ તૈયાર કરવાની રહેતી. સાંજનું છાપું પ્રસિદ્ધ કરવાની ડેડલાઈન બપોરે ૧રઃ૩૦ ની રહેતી. એટલે તેનાં સમાચારો પણ લખવાનાં, ત્યારપછી પ્રેસનોટ અને ટ્રાન્સલેશન તો ખરુંજ. એવામાં કોઈ ઘટના બને તો  કેમેરો લઈને ત્યાં દોડવાનું. સાથોસાથ માલિકે આપેલા ટોપીક પર સ્ટોરી તો બનાવવાનીજ. બપોરે ચારેક વાગ્યે તે ઘેર જમવા જતો. જમીને તુરત તેણે તૈયાર થઈ ક્યારેક ન્યુઝ પણ વાંચવાનાં હોયજ. ન્યુઝ વાંચ્યા પછી તેને કોમ્પ્યુટર સીસ્ટમમાં ટ્રાન્સફર કરી એડીટીંગ માટે બેસવાનું. અને ત્યારપછી તેની સીડી તૈયાર થાય એટલે શહેરનાં તમામ કેબલ નેટવર્કનાં કન્ટ્રોલરુમે જઈ સીડી પહોંચાડવાની. ઘેર પહોંચતામાં સ્હેજે સાડાનવથી દસ વાગી જતા. થાકીને લોથપોથ થઈ જતો નિમીષ ક્યારેક પથારીમાં લંબાવે કે તુરત બોસનો ફોન આવતો. શહેરમાં મહત્વનાં કાર્યક્રમોનું કવરેજ પણ ઘણીવાર તેના ભાગે આવતું. ચાર વર્ષમાં તેના ભાગે ફક્ત સમાચારો માટે દોડવાનુંજ આવ્યું હતું. ભાષા અને મેટર ડ્રાફ્ટીંમાં સારી એવી પક્કડ આવી ગઈ હતી. પરંતુ હજુ સુધી એકપણ પ્રેસ કોન્ફરન્સમાં જવાનો મોકો નહોતો મળ્યો. સિનીયર રીપોર્ટરો જ તેમાં જતા. આથી પોતાનો તેમાં વારો ન આવતો. પરિણામે પોતાનાં અખબાર સિવાય ફક્ત ગણીગાંઠી ન્યુઝ ચેનલનાં રીપોર્ટરોનેજ તે ઓળખતો. પોતે કામ કરતો એ સાંધ્ય દૈનિક જ તેની દુનિયા હતી. એવામાં ગુજરાતમાં નવાજ શરુ થઈ રહેલા રોજાના સમાચારની જાહેરાતે તેનામાં આશા જગાવી હતી. જો આ બેનરમાં નોકરી મળે તો ઠીક, નહીંતર બીજી કોઈ નવી લાઈન વિચારવી એવું તેણે મનોમન નક્કી પણ કરી નાંખેલુું. આખો દિવસની દોડધામ પછી મળતો પગાર મામુલી કહી શકાય એવો હતો. બીજી તરફ પપ્પાની ધીરજ પણ ખૂટી ગયેલી. તેમણે બેએક વખત ટકોર પણ કરી, હવે ક્યાં સુધી આમ કોઈની સેવા કર્યે રાખીશ. કંઈક ઘર ચાલે એટલો પગાર તો હોવો જોઈએને ? એવી પપ્પાની દલીલ સામે તે લાચાર હતો. 

નિમીષે સ્ક્રીપ્ટ ટાઈપ કરી લીધી. તે ચેનલ રુમમાંથી ન્યુઝ રુમમાં આવ્યો. 

નિમીષ ઝડપથી સિવીલ હોસ્પિટલે જા. ત્યાં કોઈ ફેટલનો કેસ આવ્યો છે. ઝટ કવર કરી આવ. ન્યુઝ એડીટર પ્રતાપ ગોસાઈએ તેને સુચના આપી. અને તે પોતાનો કેમેરો લઈ ઉપડ્યો. ન્યુઝનું કવરેજ કર્યા ત્યાં બે વાગી ગયા. જો અત્યારેજ કુરિયર રવાના નહીં કરું તો સાંજે વારો નહીંજ આવે. ભગવાનનું નામ લઈ તેણે કુરિયર રવાના કરી દીધું.

એજ દિવસે ન્યુઝ રુમમાં બેઠો હતો ત્યારે માલિકે એક સિનીયર રીપોર્ટરને કહ્યું પણ ખરું. આપણાં કોઈને આમાં ઘૂસાડી દો. બહુ મોટું ગ્રુપ છે. પેલાએ કહ્યું, ઈન્ટરવ્યુ લેવા બેસવાનાં છે એ લોકો સાથેજ મેં વર્ષો સુધી  કામ કર્યું છે.

નિમીષની આંખો ચમકી. કાશ પોતાનો એમાં વારો આવી જાય તો કેવું ? બીજા દિવસે તેણે મોકો શોધી એકલા હતા ત્યારે એ સિનીયર રીપોર્ટરને પૂછ્યુંયે ખરું. 

તમે રોજાના સમાચારમાં મારી ભલામણ કરી આપોને પ્લીઝ ?

જોઈએ. તું બોસને વાત કરી જો. એ કહે તો હું ભલામણ કરી આપું.

નિમીષ ગુંચવાયો. છેલ્લા બે દિવસથી પોતે જેના જુનિયર તરીકે કામ કરતો હતો તેણે બોસને પોતા માટે ખોટો રીપોર્ટ આપતાં બોસે પોતાને ઠપકો આપ્યો હતો એ વાત સાંભરી. આમ છત્તાં બોસ સારા મૂડમાં હોય તો વાત કરું એવું નક્કી કર્યું. જોકે, એવો મોકો તેને ક્યારેય ન મળ્યો.

ચાર દિવસ પછી એક ગુરુવારની રાત્રે તે ઘેર જવાની તૈયારી કરતો હતો. ત્યાં ઘેરથીજ ફોન આવ્યો. એ વખતે તે ઓફિસમાંજ જરા આઘોપાછો થયો અને પાછો ન્યુઝ રુમમાં આવ્યો ત્યાં ન્યુઝ એડીટર પ્રતાપ ગોસાઈએ તેને કહ્યું, અલ્યા તારે ઘેરથી ફોન હતો. ઝટ ઘેર જા. નિમીષને ફાળ પડી. આ ચાર વર્ષોમાં ક્યારેય ઘેરથી ફોન નહોતો આવ્યો. 

શું કાંઈ બન્યું છે ? અમંગળની આશંકાથી  તેણે પૂછ્યું.

અરે નારેના. અમદાવાદથી રોજાના સમાચારમાંથી તારે ઘેર ફોન હતો. અને તને ત્યાં ઈન્ટરવ્યુ માટે બોલાવ્યો છે. તારે ઘેર જઈને સામો ફોન કરવાનો છે.

હેં..એં..., નિમીષને પોતાનાં કાન પર વિશ્વાસ ન બેઠો. તેણે તરતજ ઘેર ફોન લગાડ્યો. અને પછી ઘેર જવા  નિકળ્યો. રસ્તામાં તેણે મનોમન ભગવાનનો આભાર માન્યો. આનંદ અને ઉચાટમાં તેના હૃદયનાં ધબકારા વધી ગયા હતા. હૃદય હમણાં છાતી ફાડીને બહાર આવી જશે એમ તેને લાગ્યું. 

કોનો ફોન હતો ? તેમણે શું કહ્યું ? ક્યારે બોલાવ્યો ? ઘેર પહોંચતાંજ નિમીષે મમ્મી તરફ સવાલોની ઝડી વરસાવી. મમ્મીએ તેને ફોન નંબર આપ્યા અને ફોન કરનારનું નામ આપ્યું. એટલુંજ નહીં આગામી રવિવારે ઈન્ટરવ્યુ માટે અમદાવાદ બોલાવ્યાનું કહ્યું. પછી તેણે અમદાવાદ ફોન લગાડ્યો. અને પોતાની વિગતો આપી. સામેથી તેને રોજાના સમાચારની ઓફિસમાં રીજ્યોનલ સેક્શનમાં મળવાની સુચના અપાઈ.

એ રાતથી નિમીષ ફરી પોતાની સ્વપ્નસૃષ્ટિમાં ખોવાઈ ગયો. બે દિવસ ક્યાં વિતી ગયા તેની ખબરેય ન પડી. જોકે, આ ઈન્ટરવ્યુમાં પોતાને પહેલાં રીટર્ન ટેસ્ટ આવશે તેની સુચના મળી હતી. સમાચાર લખવાની ફાવટ  હતી. પરંતુ ક્યા પ્રકારનાં સમાચારની સાઈઝ કેવી રાખવી તેના પર તેણે ધ્યાન આપ્યું. રોજાના સમાચાર હજુ શરુ નહોતું થયું. આથી ગુજરાતનાં અન્ય અખબારોનાં પ્રાદેશિક અને લોકલ લેવલનાં ક્યા સમાચારોને કેટલું વેઈટેજ મળે છે તેનો અભ્યાસ કર્યો. જો કોઈ મુદ્દો જુદો તરી આવતો હોય તો તેનું અલગ બોક્ષ બનાવવું એ તેણે જોયું. હજુ છેલ્લા એક મહિનાથી તેણે આ પ્રયોગ પોતે કામ કરતો ત્યાં પણ કર્યો હતો. જે તેના માલિકને પસંદ પણ આવ્યો હતો. શું થશે ? ઈન્ટરવ્યુ કેવો જશે ? ત્યાં તો પોતાના કરતાં અનેક વર્ષોનો વધુ અનુભવ ધરાવતા સિનીયર પત્રકારો આવશે. તેમાં પોતાનો કેવોક ગજ વાગશે ? આવા પ્રશ્નો તેના મનમાંં ઉઠતા રહ્યા. 

કાંઈ નહીં, જો કદાચ પોતે સીલેક્ટ ન થાય તો પણ આવડા મોટા અખબારમાં ઈન્ટરવ્યુ આપવાનો અનુભવ કાંઈ નાની વાત છે ? તેમાં ઈન્ટરવ્યુ માટે જવું એ પણ મોટી સફળતાજ છે ને ? એમ તે માનતો રહ્યો.

નિમીષ અમદાવાદમાં પપ્પાનાં મામાને ઘેર ઉતર્યો હતો. તેનાં એક પાડોશી રોજાના સમાચારમાંજ સબ એડીટર હતા. તેને મળ્યો. અને બધી વિગતો મેળવી. તેણે કહ્યું, ઓફિસમાં તમે મને ઓળખતા જ નથી એવું રાખજો. અને હા, તેઓ અત્યારે ૪ થી પ હજારનો સેલેરી ઓફર કરી શકે છે ? પણ પછી બહુ ખેંચવું નહીં. જોકે, એ તબક્કો બીજા રાઉન્ડમાં આવશે. અત્યારે તો તમારે લેખિત પરીક્ષા જ આપવાની છે. 

રોજાના સમાચારનું કાર્યાલય નવાજ બનેલા બિલ્ડીંગમાં હતું. આવડી મોટી કોર્પોરેટ કલ્ચરની ઓફિસમાં તે પહેલીજ વખત આવતો હતો. તેણે જોયું તો જૂનાગઢથી પોતાનાં સહિત કુલ ૪ લોકોને ઈન્ટરવ્યુ માટે બોલાવાયા હતા. તેમાં એક તો સ્થાનિક લેવલે એક અખબારનાં માલિક પણ હતા. રીસેપ્શનીસ્ટે બે વખત તેના નામની બુમ પાડી. અને તેમને કોઈ બોલાવે છે. એમ કહ્યું. આની વગ આટલી બધી હોય પછી પોતાનો વારો કેવી રીતે આવે ? નિમીષે માની લીધું. 

લેખિત પરીક્ષા વખતે નિમીષે એડીટરને પૂછ્યું, શબ્દ મર્યાદા કેટલી રાખવાની છે. પેલા સજ્જને કહ્યું, એ તમારે જાતે નક્કી કરવાની. એક પ્રતિનિધી તરીકે તમે જે મેટર મોકલો તેમાં કોઈ કાપકૂપ કે સુધારા વધારા ન કરવા પડે એવડી મેટર તમારે લખવાની છે.

હમમમ, એટલેકે, ૩ કોલમની મેટર લખવાની. છેલ્લા ૩ દિવસનાં પોતાનાં અન્ય અખબારોનાં સમાચારનાં અભ્યાસનાં આધારે તેણે માની લીધું. ત્યારબાદ ઈન્ટરવ્યુ યોજાયો. નિમીષે બધાજ પ્રશ્નોનાં સંતોષકારક જવાબો આપ્યા. 

તમે નોકરી સિવાય બીજું કશું નહીં કરી શકો. ફૂલટાઈમ રોજાના સમાચાર માટેજ કામ કરવાનું રહેશે. રૂેડીટરે કહ્યું.

જી. મને મંજૂર છે. મારે બીજો કોઈ વ્યવસાય જ નથી. હું ફક્ત એકજ બેનર સાથે જોડાયેલો છું. નિમીષે જવાબ આપ્યો. 

તમારી બીટ કઈ ? એડીટરની સાથે બેસેલા બીજા એક સિનીયરે પૂછ્યું.

સર. અમારે ત્યાં એવું કાંઈ નથી. બધાએ બધુંંજ કામ કરવાનું. રીપોર્ટીંગ, ફોટોગ્રાફી, મેટર ડ્રાફ્ટીંગથી માંડી તમામ કામો અમારે કરવાનાં.

સારુંં. જાવ. તમને થોડા દિવસોમાં અમે જવાબ આપી દઈશું. અને તે ત્યાંથી બહાર નિકળ્યો.

નિમીષ જૂનાગઢ આવ્યો. ઓફિસે પહોંચતાંવેંત બોસે તેને બોલાવ્યો. અને તેને ઈન્ટરવ્યુમાં શું થયું એ વિશે પૂછ્યું. નિમીષે બધી વાત કરી. તે બહાર નિકળ્યો અને બધા તેને જોવા લાગ્યા. આજે પોતાનાં તરફ સહુની દૃષ્ટિ તેને જુદીજ લાગી. માત્ર ઓફિસજ નહીં ત્યારપછી તે જ્યાં પણ કવરેજમાં ગયો. બધા તેને ઈન્ટર્વ્યુ વિશેજ પૂછતા. અત્યાર સુધી તેની કોઈ નોંધ સુદ્ધાં લેતું નહોતું. નિમીષને પોતાને લાગ્યું. કદાચ સિલેક્ટ ન થવાય તો પણ કાંઈ નહીં. બધાને એટલીતો ખબર પડી કે આ નામનુંં કોઈ પ્રાણી પ્રેસમાં કામ કરે છે. તેનીજ સોસાયટીમાં રહેતા અને ફોટોગ્રાફી સાથે સંકળાયેલા એક મિત્રે તો બધી વિગત સાંભળ્યા પછી એવુંયે કહ્યું, બધાને ભલેને અત્યારે દોડવું હોય એટલું દોડી લે. અંતે તો આપણુંજ સિલેક્શન થવાનું છેને ? એ વખતે નિમીષને થોડો ડર લાગવા માંડ્યો. પોતાની હેસિયત ક્યાં ને આ લોકો તો પહોંચેલા છે. પોતાનું શું થશે ? તેે હજુયે અવઢવમાં હતો.

અંતે બે અઠવાડિયા પછી બીજા ઈન્ટરવ્યુ માટે ફોન આવ્યો. ન્યુઝ એડીટર પ્રતાપ ગોસાઈએ કહ્યુ, તારા નસીબ ઉઘડી ગયા દોસ્ત. જા તું સિલેક્ટજ છો. તારી પ્રગતિને હવે કોઈ રોકી નહીં શકે. હવે તારું લેવલ ઉંચું થઈ ગયું. નિમીષને જોકે, હજુ મનમાં અવઢવજ હતી. શું થશે ? એમાં પાછું તેને રાત્રે એવું સ્વપ્ન આવ્યું કે,  તેને રવિવારે બપોર પછી ઈન્ટરવ્યુ છે અને બપોર સુધી પોતે જૂનાગઢમાંજ છે. જોકે, સવારે ઉંઘ ઉડી ત્યારે તેને હાશ થઈ. જોકે, એ સ્વપ્ન તેના મનમાં બરાબર અંકિત થઈજ ગયુંં. ક્યારેય ન ભૂંસાય એવી મેમરીનાં રુપમાં. અંતે એ દિવસ પણ આવી પહોંચ્યો. નિમીષે આટલા દિવસોમાં જૂનાગઢમાં બનેલી મહત્વની ઘટનાઓ પૈકી બે ઘટનાનાં ન્યુઝ પણ બનાવી નાંખ્યા હતા. રોજાના સમાચારમાં આપવા માટે.

ઈન્ટરવ્યુમાં આ વખતે એક હિન્દીભાષી એડીટર હતા. જૂનાગઢથી આ વખતે પોતાનાં સહિત ર હતા. બંને એમ માનતા હતા કે, પહેલા રાઉન્ડમાં ૪ માંથી બે એલિમીનેટ થયા. હવે બેમાંથી એકજ રહેશે. 

અચ્છા જૂનાગઢ છોડકર કહાં જા સકતે હો. હિન્દીભાષીએ નિમીષને પહેલોજ સવાલ કર્યો.

જી સર. ઈન્ડિયામેં કહીં ભી. નિમીષે ટૂંકો જવાબ આપ્યો.

ઠીક હૈ. તો ફિર તુમ્હેં યહીં અમદાવાદમેં પોસ્ટીંગ દેતે હૈ. પછી તેમને બીજા એડીટરને ઉદ્દેશીને કહ્યું, ઈસ લડકે કો યહીં ટ્રેઈનીંગ દો. ઔર ફીર ગુજરાતમેં હમારે ઈતને સારે બ્યુરો ખુલ રહે હૈં તો ઉસમેં સે કહીં લગા દો. યે લડકા ઈતના યંગ હૈ, ઈંગ્લીશ ભી અચ્છા હૈ, ઔર ઈસને હમારા એડ ઈન્ડિયા કા કવરેજ ભી અપને અખબાર મેં અચ્છા લીયા હૈ. તો ઈસે હાથસે ક્યું જાને દેં ?

પછી તેમણે નિમીષ તરફ જોઈ કહ્યું, ઔર તુમ્હેં તન્ખા મેં હમ અભી ૪ હજાર દેંગે. ઠીક હૈ ?

સર. ૪ હજાર તો મુજે અભી જૂનાગઢમેં ભી મીલ હી જાતા હૈ. પાંચ કર દીજીયેના. નિમીષે જરા કસવાની કોશીષ કરી.

ઠીક હૈ. સાડે ચાર હજાર કર દેતા હૂં. ઔર પાંચ સૌ રુપયે છે મહિને બાદ બઢા દુંગા. ઔર આપ બહાર બૈઠો. તુમ્હેં યહાં ક્યા કામ કરના હૈ વો યે સાબ બતા દેંગે. હિન્દીભાષી એડીટરે બીજા સિનીયરને ઉદ્દેશીને કહ્યું.

જી સર. કહી નિમીષ બહાર નિકળ્યો. મનમાં ભારે ઉત્સાહ હતો. તે રાતોરાત દેશનાં એક મોટા અખબારી જૂથ સાથે જોડાઈ રહ્યો હતો. ત્યારપછી તો તેને અમદાવાદને બદલે પોરબંદર પોસ્ટીંગ અપાયું. તેણે ફોન કરી બોસને બધી વાત કહી. ત્યારપછીનાં દિવસોમાં તે જૂનાગઢની પ્રેસ આલમમાં ચર્ચાનાં કેન્દ્ર સ્થાને રહ્યો. 

ભહાર નિકળી તેણે મનોમન ભગવાનનો આભાર માન્યો. આખરે બત્રીસ વર્ષે પછી તેં મને સફળતા આપી ખરી. એ પણ ઝડપથી. થેંક્યુ ભગવાન.

****