Vyaktisuchakata - 4 in Gujarati Short Stories by Bhargav Patel books and stories PDF | વ્યક્તિસૂચકતા-૪ (નામ બદલેલ છે)

Featured Books
Categories
Share

વ્યક્તિસૂચકતા-૪ (નામ બદલેલ છે)

વ્યક્તિસૂચકતા-૪

(પ્રકરણ ૪ – નામ બદલેલ છે)

ભાર્ગવ પટેલ

લેખકનો પરિચય

આમ તો અત્યાર સુધીના મારા બધા લખાણોમાં મારો પરિચય આપવા માટે શબ્દો લખ્યા નથી, પણ આ વખતે મન થઇ ગયું. હું ભાર્ગવ પટેલ, વ્યવસાયે એક MNCમાં એન્જીનીયર. મીકેનીકલ એન્જીનીયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી છેલ્લા પેપર અને સર્વિસ જોઈનીંગ વચ્ચેના પંદરેક દિવસમાં હું માતૃભારતીના પરિચયમાં આવ્યો અને મહેન્દ્રભાઈએ મને લખવા માટે પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું. ગુજરાતીમાં લખવાની શરૂઆત મેં ક્યારથી કરી એ વિષે મને પણ થોડી અસમંજસ છે પણ હા! કદાચ માતાનો પ્રેમ ક્યારથી મળવાનો શરુ થયો એ વિષે હું કઈ ન જ વિચારું તો સારું રહેશે. પરંતુ ઓફિસીયલી લખવાનું મારું પ્રથમ પગથીયું માતૃભારતી છે. મારું લખાણ આપ બુદ્ધિશાળી વાચકો સમક્ષ રજુ કરતા અનોખી મોજ આવે છે. તમારા કીમતી રીવ્યુ અને સૂચનો આવકાર્ય.

ફોન (કમ વોટ્સએપ) :- ૯૮૭૯૬૯૯૭૪૬

ઈ-મેઈલ :-

...અનંત ઈશિતાના ઘરમાં પ્રવેશ્યો અને જુએ છે કે ઈશિતા એના ઘરના માર્બલના ફર્શ પર ઢળેલી છે. માર્બલનો સફેદ રંગ, એના માથામાંથી નીકળતી રક્તધારાથી લાલ રંગનો થઇ રહ્યો છે. લોહીની ધીમી ગતિથી લાલ રંગનો શેરડો પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. અનંત થોડા સમય માટે વિચારશૂન્ય બને છે પણ પછીથી સ્વસ્થ થઈને મોબાઈલથી ૧૦૮ ડાયલ કરે છે.

“હેલ્લો ૧૦૮,અમે આપની શું મદદ કરી શકીએ?”

“હેલ્લો સર, અહીં કારેલીબાગ સોસાયટીમાં ઈશિતા ઉપર કોઈક હુમલો કરીને ભાગી ગયું છે, એ બેભાન થઇ પડી છે, પ્લીઝ જલ્દીથી એમ્બ્યુલન્સ લઈને આવો, શી નીડ્સ અરજન્ટ કેર એટ હોસ્પિટલ પ્લીઝ સર”

“ઓકે તમે ચિંતા ના કરશો, અમે અંદાજે દસ જ મિનીટમાં સ્થળ પર પહોચીએ છીએ”

“થેન્ક યુ સો મચ ડોક્ટર,તમે આવો ત્યાં સુધીમાં કોઈ પ્રાથમિક સારવાર હોય તો હું ટ્રાય કરું?”

“હા! તમે એમને બેડ કે સોફામાં લેટાવી દો અને લોહી જ્યાંથી નીકળે છે એ ભાગને ડેટોલ કે કોઈ એન્ટીસેપ્ટિક લગાવી કવર કરો ત્યાં સુધીમાં અમે આવી જઈશું”

“સ્યોર સર”

ફોન કટ થયો. અનંત ઈશિતાને ગોદમાં ઉઠાવીને સોફા પાસે લઇ ગયો અને બાથરૂમ પાસેના ફર્સ્ટ એઇડ બોક્સમાંથી ડેટોલ, થોડુક રૂ અને પાટો લઇ આવ્યો. દસેક મિનીટમાં એમ્બ્યુલન્સનું સાયરન વાગ્યું. અનંતના કાન સતેજ થયા. ફટાફટ દરવાજો ખોલીને એ બહાર ગયો અને એમ્બ્યુલન્સને હાથ હલાવીને એ ઘર તરફ આવવા માટે ઈશારો કર્યો. એમ્બ્યુલન્સના પૈડા ઈશિતાના ઘર પાસે આવીને થંભ્યા. ડ્યુટી પર રહેલા ડોક્ટર શાહ અને બે વોર્ડ બોય એમાંથી ઉતાવળા પગે ઉતર્યા અને અનંત સાથે ઘરમાં ગયા.

“કેટલો સમય થયો આ બધું થયે?”

“લગભગ લગભગ એક કલાક પહેલા, હું ઈશુ સાથે ફોન પર વાત કરતો હતો અને એ વખતે જ કોઈ એના ઘરમાં આવીને એના પર હુમલો કરી ગયું”

“અચ્છા! હમણાં તરત જ આમને ઈમરજન્સીમાં એસ.એસ.જી. લઇ જવા પડશે. સમીર!”, ડૉ. શાહે વોર્ડ બોયને ઉદ્દેશીને કહ્યું, “બેનને કેરફુલી ઉઠાવીને સ્ટ્રેચરમાં સુવાડીને એમ્બ્યુલન્સમાં લઇ જાઓ.”

“જી સર”, સમીરે કહ્યું.

“સાથે તમે જ આવવાના છો?”

“હા સર”

“ઓકે ચાલો આપણે નીકળીએ” કહીને બધા એમ્બ્યુલન્સ તરફ ગયા, નિશાને ગ્લુકોઝની બોટલ ચઢવાની ચાલુ થઇ અને એમ્બ્યુલન્સ એસ.એસ.જી. હોસ્પિટલ તરફ ગતિમાન થઇ.

દિવસે તો કારેલીબાગથી હોસ્પિટલ જવામાં ટ્રાફિક નડે પણ આટલી રાત્રે જયારે સડક પડખું ફેરવીને સુવાની તૈયારીમાં હોય ત્યારે પહોચતા વાર ન લાગી. ઈમરજન્સી વોર્ડમાં ઈશિતાને દાખલ કરવામાં આવી અને ડૉ. શાહે અનંતને આઈ.સી.યુ.ની બહાર રહેવાનું સુચન કર્યું. અનંત બહાર બેઠો અને એના મનમાં વિચારોનું ઘમાસાણ શરુ થયું.

‘ફોન તૂટ્યા પછી એકઝેટલી શું થયું હશે ઈશિતા સાથે?’ ‘કોણ હશે એવું વ્યક્તિ કે જેની ઈશિતા અને નિશા બંને સાથે દુશ્મની હશે?’ ‘દુશ્મની તો ઠીક પણ એનું કારણ શું હશે?’ વગેરે જેવા સ્વાભાવિક વિચારોએ અનંતના મગજને વ્યસ્ત કર્યું. કલાક નીકળી ગયો. પછી અનંતને ઈશિતાના મમ્મી પપ્પાને કહેવાનું યાદ આવ્યું. એણે નિશાના પપ્પાને ફોન કર્યો.

“હેલ્લો અંકલ!”

“કોણ?”, નવો નંબર જોઇને એમણે પૂછ્યું.

“અનંત બોલું છું, ઈશિતાનો બ...”, અનંત અટક્યો, અને સુધારીને ફરી બોલ્યો, “ઈશિતાનો ફ્રેન્ડ”

“હા બોલ બેટા! કેમ આટલી સવારે ફોન કર્યો?, બધું બરાબર તો છે ને?”“ના અંકલ! એક્ચ્યુઅલી, ઈશિતા પર કોઈકે તમારા ઘરે હુમલો કર્યો છે અને હું એને ૧૦૮માં લઈને અહી એસ.એસ.જી.માં આવ્યો છું!”

“શું? ક્યારે થયું આ બધું? હજી હમણાં જ તો નિશા સાથે આવું થયું અને ઈશિતા પર હુમલો? કેવી છે તબિયત હમણાં ઈશિતાની?”

“માથા પર ફ્લાવર વાઝનો ઘા થયો હતો એટલા માટે એ બેભાન છે હમણાં! તમે ક્યાં છો?”

“અમે ગઈ કાલે જ નિશાના ઘરે ગયા હતા અને આજે સવારે બરોડા આવવાના હતા, અમે હમણાં જ નીકળીએ છીએ ત્યાં આવવા માટે.”

“સારું અંકલ, તમે આવો. હું અહી જ છું”

“હા”, કહીને એમણે ફોન મુક્યો અને ઈશિતાની મમ્મીને બધો સામાન ફટાફટ પેક કરવાનું કહ્યું. પંદરેક મિનીટમાં જ એ લોકોએ ગાડી બરોડા તરફ દીશિત કરી.

“તમારે કદાચ ઈશિતાના ઘરે જવું પડશે”, ડૉ. શાહ આઈ.સી.યુ.માંથી આવીને તરત અનંતને કહ્યું.

“એ બધી વાત પછી કરીએ સાહેબ, હમણાં ઈશિતા પહેલી પ્રાયોરીટી છે મારા માટે! કેવું છે એને અત્યારે એ કહો”

“ઈશિતા હજી સુધી ભાનમાં નથી આવી રહી! કદાચ ઘા જોરથી થયો છે અને વધારામાં માથાના પાછળના ભાગે થયો છે એટલે અત્યારે એમના ભાનમાં આવવા વિષે હું કાંઈ પણ કહી શકું એમ નથી”

“તો પછી મારે એના ઘરે કેમ જવું પડશે?”

“આ એક અકસ્માતનો ગુનો છે એટલે પોલિસ ઇન્ક્વાયરી થશે અને તમે ક્રાઈમ સીન જોનારા પહેલ વિટનેસ હતા એટલા માટે પોલિસની મદદ માટે તમારે ત્યાં જવું પડશે”

“ઓકે! હું જઈશ પણ ઈશિતાના મમ્મી પપ્પા અહી પહોચે પછી જ હું જઈશ”

“સારું! ત્યાં સુધી હું ત્યાં જે ઇન્સ્પેક્ટર જવાના છે એમને ઇન્ફોર્મ કરી દઉં છું”

“સારું”

વાતચીત પૂરી થયા પછી ડૉ. શાહ ઈશિતા પાસે ગયા અને અનંત પાછો એ જ જગ્યાએ બેઠો. આમ તો અનંત મનથી મજબૂત હતો પણ અચાનક એના જીવનમાં આ બધું બનવાના લીધે નાસીપાસ હતો. આંખોમાંથી એક અશ્રુબિંદુ નીકળી એના ગાલ પર સરકી રહ્યું હતું. ઈશિતા અને નિશા સાથેના પોતાના સંબંધોને યાદ કરીને એ વ્યાકુળ બન્યો હતો. નિશાના ખૂન અને ઈશિતા પર ખૂનના પ્રયાસ વચ્ચે કંઈક સંબંધ જરૂર હોવો જોઈએ એવા વિચારો કરતો હતો એટલામાં ઈશિતાના મમ્મી-પપ્પા ત્યાં આવી પહોંચ્યા. એમના પગની ઝડપમાં દીકરીને જોવાની ઉત્કંઠા વર્તાતી હતી.

“અનંત!”, ઈશિતાના પપ્પાએ કહ્યું અને અનંત વિચારોની ગૂંથણીમાંથી ઉકેલાયો.

“હા! અંકલ”

“કયા વોર્ડમાં છે ઈશિતા?”

“આઈ.સી.યુ.માં છે”, કહ્યા બાદ અનંતને ઈશિતાના ઘરે જવાનું યાદ આવ્યું એટલે બોલ્યો, “અને હા આંટી, મારે તમારા ઘરે જવું પડશે, ત્યાં પોલિસ મારી રાહ જોતી હશે, અકસ્માતનો ગુનો દાખલ થયો છે અને હું પહેલો વિટનેસ હોવાથી મારે ત્યાં જવું પડશે”

“તો તું અહી ઈશિતા પાસે જ રહેજે હું પણ જાઉં છું અનંત સાથે”, ઈશિતાના પપ્પાએ એની મમ્મીને કહ્યું.

અનંત અને ઈશિતાના પપ્પા હોસ્પિટલથી એમના ઘરે જવા રવાના થયા. ત્યાં પહોચે છે ત્યાં સુધી શહેર અને સોસાયટી બંને જીવિત થઇ ગયા હતા. બધા ઈશિતાના ઘરની આસપાસ ઘેરી વળ્યા હતા. પોલિસને પૂછવાનું રહેવા દઈને બધા અંદરોઅંદર તર્ક કરતા હતા. બંને જણ ગાડીમાંથી ઉતર્યા અને તરત પોલિસ પાસે પહોચ્યા. કારેલીબાગ પોલિસ સ્ટેશન પર ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર સોલંકી ત્યાં હાજર હતા. એમણે અનંતને ઓળખીને પૂછ્યું,

“તમે રાત્રે અહી આવ્યા ત્યારે શું જોયું હતું?”

અનંતે ઈશિતાના ફોનથી લઈને હોસ્પિટલ સુધી લઇ જવાની તમામ હકીકત એઝ ઈટ ઈઝ કહી.

સોલંકીએ એક સહજ સવાલ પૂછ્યો, “ખૂની બારણાની સ્ટોપર ખોલીને બારીએથી કેમ ભાગી ગયો હશે? જો એને ભાગવું જ હોત તો સ્ટોપર ખોલીને તમને અંદર આવવાનું સહેલું કરી આપવાનું શું કારણ હોઈ શકે?”

“એ જ તો મને ખબર નથી પડતી સર!”

“આ કેસ અને રતનમહાલમાં તમારી ફ્રેન્ડ નિશાનું ખૂન થયું એ કેસમાં મને કંઈક કનેક્શન હોય એવું મને અને વી.સી.પટેલ સાહેબ બંનેને લાગી રહ્યું છે એટલા માટે અમે બંને આ કેસને ભેગો સોલ્વ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તમારી મદદની જરૂર હોય ત્યારે હાજર રહેજો”

‘સ્યોર સર, મારે પણ જાણવું જ છે કે આ બધા પાછળ કોણ છે!”, અનંત ગુસ્સામાં બોલ્યો.

“હા! મિસ્ટર અનંત, ક્રાઈમ સીન તપાસવા માટે ઘર ખોલવું પડશે.. ચાવી ક્યાં છે?”

અનંતે ચાવી આપી અને ઘરનું મેઈન ડોર ખોલવામાં આવ્યું. હવાલદારોએ આજુબાજુ શોધખોળ કરી. દરેક વસ્તુની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. બારી પાસે તપાસ કરતા હવાલદારને કંઈક મળ્યું અને એણે સોલંકી સાહેબને અવાજ આપ્યો.

“સાહેબ! જરા અહી આવો તો!”

એના અવાજમાં અલગ ચમક જોઇને સોલંકી ઉતાવળા પગે એની પાસે પહોચ્યા અને જે મળ્યું હતું એનું નિરિક્ષણ કરવા લાગ્યા,

“આ નાનું લોકેટ કદાચ ખૂનીની જલ્દબાજીમાં અહી છૂટી ગયું હોય એમ લાગે છે! તમે ઓળખો છો આ લોકેટને?”, સોલંકી સાહેબે લોકેટ અનંતને બતાવતા પૂછ્યું.

“ના સર. મને આ લોકેટ કોઈના ગળામાં જોયાનું યાદ નથી”, અનંત વિચાર કરીને બોલ્યો.

“ઈશિતાનું તો નથી ને?”, એમણે પાકું કરવા પૂછ્યું.

“ના સર! ઈશિતાને આવા લોકેટ ગમતા જ નથી, જનરલી એ આવા લોકેટ પહેરતી જ નથી એક્ચ્યુલી!”

“ઓહ! અચ્છા. તો તો પછી જરૂરથી આ લોકેટ ખૂનીનું જ હોવું જોઈએ”

“હોઈ શકે! એના પર કાંઈ લખેલું છે સર? જેનાથી કોઈ ઓળખ થઇ શકે?”, અનંતે આશાસ્પદ બનીને પૂછ્યું.

“કંઈક લખેલું તો છે”

“શું?”

“અંગ્રેજીમાં ઇન્ફીનિટી લખેલું છે”

“અચ્છા”

“સારું તો મિસ્ટર અનંત, ઈશિતા ભાનમાં આવે ત્યારે મને પ્લીઝ એક કોલ કરજો જેથી એમનુ સ્ટેટમેન્ટ લઇ શકાય, અને નિશાના કેસની સુનાવણી પણ કદાચ આવતા અઠવાડિયે થશે એટલા માટે એમને જલ્દીથી સ્વસ્થ થાય એવી સારવાર અપાવવાનો પ્રયત્ન કરાવજો અને સાક્ષી તરીકે તમારા આઈડેન્ટીટી પ્રૂફ પોલીસ સ્ટેશન આવો ત્યારે લેતા આવજો”

“જી સર”

સોલંકી સાહેબ અને હવાલદારો જીપમાં બેસીને પોલિસ સ્ટેશન જવા રવાના થયા. અનંત અને ઈશિતાના પપ્પા પણ હોસ્પિટલ જવા માટે નીકળ્યા.

રસ્તામાં ઈશિતાની મમ્મીનો ફોન આવ્યો.

“હેલ્લો હા! બોલો આંટી!”, ઈશિતાના પપ્પા ડ્રાઈવ કરતા હતા એટલે અનંતે ફોન ઉપાડ્યો.

“ક્યાં છે ઈશિતાના પપ્પા?”, એમના અવાજમાં ગભરાહટ હતી.

“એ ડ્રાઈવ કરે છે, બોલોને શું વાત છે આંટી?”, એમની ગભરાહટ અનંતને બેચેન કરી રહી હતી.

“ડૉ. શાહ સાથે મારી વાત થઇ હમણાં ઈશિતા વિષે”

“હા તો શું કહ્યું એમણે?”

“એ એમ કહે છે કે ઈશિતા શોર્ટ ટર્મ માટે કોમામાં સારી પડી છે, ઘા જરા ઊંડો હતો એટલે નાના મગજની મુખ્ય નસ પર અસર થઇ છે, બાકી બધી રીતે બરાબર છે પણ એની રીકવરી આવતા વાર લાગશે”

“અમે હમણાં પહોચીએ જ છીએ ત્યાં! તમે ચિંતા ના કરશો”

“હા”

થોડી વારમાં એ લોકો ત્યાં પહોચ્યા અને સીધા ડૉ. શાહ પાસે પહોચ્યા. અનંતે સવાલોનો મારો ચલાવ્યો,

“ઈશિતા કોમામાં છે? કેટલા સમય સુધી? કોઈ વધારે ચિંતાની વાત તો નથી ને સર? એ સરખી તો થઇ જશે ને થોડા સમયમાં?”

“કામ ડાઉન અનંત! ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. નાના મગજની મુખ્ય નસ પર માઈનોર સોજો હોવાના લીધે કોમામાં છે બાકી ગભરાવા જેવું કાંઈ નથી, હા પણ કોમામાંથી બહાર આવતા થોડો સમય જરૂર લાગશે કારણ કે ફ્લાવર વાઝનું મટીરીયલ હાર્ડ હતું અને ઘા પણ ઉતાવળમાં પુરા જોરથી થયો છે”

“પણ ઈશુ સહી સલામત તો છે ને સાહેબ?”, ઈશિતાના પપ્પાએ ચિંતિત સ્વરે પૂછ્યું.

“બિલકુલ! ચિંતા કરવા જેવી કોઈ વાત નથી”, ડૉ. શાહે સાંત્વના આપી.

“ખબર નઈ આ બધું શું થવા બેઠું છે? પહેલા નિશાનું ખૂન અને ઉપરથી હવે ઈશિતા પર આવો હુમલો!”, ઈશિતાની મમ્મીએ નિસાસો નાખ્યો.

“આંટી તમે ચિંતા ના કરશો! હું આ બધાની પાછળ જે કોઈ પણ હશે એનો પર્દાફાશ કરીને જ રહીશ, મેં મારી જાતને અને ઈશિતાને વચન આપ્યું છે”, અનંત નિર્ણયાત્મક થયો.

“હવે તું ઘરે જા અને ફ્રેશ થઇ આવ! રાતનો અહી જ છે તું! થેંક યુ સો મચ, સમયસર ઈશિતાને અહી પહોચાડવા માટે!”,ઈશિતાના પપ્પાએ અનંતને કહ્યું.

“એમાં થેંક યુની કોઈ જરૂર નથી અંકલ, આ તો મારી ફરજ છે”

“ઠીક છે! હવે તું ઘરે જા! તારા મમ્મી પપ્પા પણ તારી રાહ જોતા હશે”

“ઓકે”, કહીને અનંત ઘરે જવા માટે રવાના થયો.

ઘરે પહોચ્યો ત્યારે સુરેશભાઈ પોતાનું કામ કરતા હતા અને અનંતને આવતો જોઈને કહ્યું,

“કેવું છે હવે ઈશિતાને?”

“તમને ક્યાંથી ખબર પપ્પા? મેં તો તમને ફોન પણ નથી કર્યો”, અનંતે પૂછ્યું.

“સોલંકી સાહેબનો ફોન આવ્યો હતો મને, વી.સી.પટેલ સાથે પણ વાત થઇ મારી”, સુરેશભાઈ બધું જાણતા હતા.

“હમ્મ્મ! સારી છે તબિયત પણ કોમામાં રહેશે થોડા સમય માટે”

“બરાબર!”, એકદમ શાંત સ્વરમાં સુરેશભાઈ બોલ્યા, “જાઓ ચાલો હવે, ફ્રેશ થઈને ચા નાસ્તો કરી લો”, એમનો વાત કરવાનો લહેકો બિલકુલ ચિંતારહિત હતો.

“હા પપ્પા!”,અનંતને થોડી નવાઈ લાગી.

“મમ્મી ક્યાં છે?”

“એ કદાચ શોપિંગ માટે ગઈ છે”

આ સાંભળીને અનંત જરા સમસમ્યો. એને થયું કે ‘મારી બેસ્ટ ફ્રેન્ડ કોમામાં છે, મારી એક્સ ગર્લફ્રેન્ડનું ખૂન થયું છે અને મમ્મીને શોપિંગ કરવાનું સુઝે છે?’, પણ એ કાંઈ બોલ્યો નઈ અને ફટાફટ પોતાનું કામ કરવા લાગ્યો.

નહાતા નહાતા અનંતને યાદ આવ્યું કે સોલંકી સાહેબે એના આઈડેન્ટીટી પ્રૂફ માગ્યા હતા. કપડા પહેરી તૈયાર થઈને એણે સુરેશભાઈને પૂછ્યું,

“પપ્પા મારા ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફાઈલ ક્યાં મૂકી છે? પોલિસને આઈડી પ્રૂફ આપવાના છે મારે”

“મારી તિજોરીમાં જો તો! ના મળે તો મને કહેજે, મારી કોઈ ફાઈલને પૂછ્યા વગર અડકતો નહી”, છેલ્લા વાક્ય પર સુરેશભાઈએ ભાર મુક્યો.

“હા”, કહીને અનંતે તિજોરી ખોલી.

જનરલી અનંત જાતે ક્યારેય પપ્પાની તિજોરી ખોલતો નહતો પણ આજે નસીબ કંઈક અલગ જ ધારીને બેઠું હતું. ફાઈલોની તો જાણે કે લાઈબ્રેરી હતી એમાં દરેક ફાઈલ પર એમાં રહેલા ડોક્યુમેન્ટ વિષેનું સ્ટીકર ચોટાડેલું હતું. ‘ઓરીજીનલ ડોક્યુમેન્ટ’નામની બે ફાઈલો હતી. અનંત ગુંચવાયો અને બંનેમાંથી રેન્ડમલી એક ફાઈલ નીચે ઉતારી.

ફાઈલ ખોલી અને એમનું પહેલું ડોક્યુમેન્ટ જોયું તો એક એફિડેવિટ પર ‘નામ બદલેલ છે’ નું ટાઇટલ હતું.

‘નામ બદલેલ છે? આપણા ઘરમાં કોણે નામ બદલ્યું છે તો આવું એફિડેવિટ આ ફાઈલમાં આવ્યું?’, અનંતે પોતાની જ જાતને પૂછ્યું. જવાબ મળ્યો નહી અને એટલે એણે આખું એફિડેવિટ વાંચવાનું શરુ કર્યું. જેના અમુક અંશો કંઈક આવા હતા.

“આથી નીચે સહી કરનાર હું અનંત જીતેન્દ્ર સોની ઉંમર વર્ષ ૧૦ ભારતીય નાગરિક રહે. વડોદરા, તમામ કાયદાકીય વિધિ પૂર્ણ કાર્ય બાદ મારું નામ બદલીને અનંત સુરેશભાઈ દોશી તરીકે જાહેર કરું છું”

અનંતના પગ તળેથી જમીન સરકી ગઈ! પોતે જન્મજાત સોની હતો એમાંથી દોશી કેમ થયો? મારી સહી આ એફિડેવિટમાં કોણે કરી?મારા પપ્પા જીતેન્દ્ર સોની છે તો સુરેશભાઈ દોશી કોણ છે? જીવનના સૌથી મોટા રહસ્ય પરથી આજે પડદો હટવા પર હતો. અનંતના મનમાં સુરેશભાઈના વર્તન અંગે જે મિસિંગ કડીઓ હતી એ બધી આ એફિડેવિટ સાથે મેચ થતી હતી. અનંત વિચારશૂન્ય હતો. પોતાના અસ્તિત્વ વિષે એના મનમાં શંકા-કુશંકાઓ જન્મ લઇ રહી હતી અને એવામાં સુરેશભાઈની બૂમે એને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢ્યો,

“અનંત! મળ્યા તારા ડોક્યુમેન્ટ?”

“હ? હા પપ્પા! મળી ફાઈલ”, કહીને એણે સરખા નામવાળી બીજી ફાઈલમાંથી પોતાના ડોક્યુમેન્ટ લીધા અને પોલીસ સ્ટેશન જવા માટે રવાના થયો...............

(ટુ બી કંટીન્યુ...)

વ્યક્તિસૂચકતા-૪

(પ્રકરણ ૪ – નામ બદલેલ છે)

ભાર્ગવ પટેલ