Ek patangiyane pankho aavi - 12 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી-12

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 12

વ્રજેશ દવે “વેદ”

તડકો હવે બારીને વીંધીને અંદર આવવા લાગ્યો. સીટ પર આવીને બેસી ગયો, નીરજાના ખોળામાં, તો વ્યોમાના પાલવ પર. તડકાને થોડી વાર રમાડયા બાદ, બારી બંધ કરી દીધી. જિદ્દી તડકો કાચને વીંધીને પણ અંદર આવવા લાગ્યો. થોડો મૃદૂ અને રોમાંટિક થઈને બેસી ગયો.

સૌ મુસાફરો પોતપોતાની દુનિયામાં ખોવાઈ ગયા.

સીટ નંબર 17 નો મુસાફિર હજુ પણ પોતાના પુસ્તકમાં અને બારી બહારની દુનિયામાં રહેતો હોય તેમ લાગ્યું. પણ કોઈને ખબર ન હતી કે તે પોતાની દુનિયામાંથી, વચ્ચે વચ્ચે નીરજા અને વ્યોમાની વાતો પર કાન માંડી લેતો હતો. તેઓની વાતોને ધ્યાનથી સાંભળી લેતો હતો. તેના પર નજર રાખી રહ્યો હતો.

નીરજા, વ્યોમા અને બાકી સૌ પણ, આ વાતથી અજાણ હતા.

ટ્રેન ચાલતી રહી. રસ્તો કપાતો રહ્યો. સૌ બપોરની નીંદરમાં સરકી ગયા. સૌ સાથે એક અજીબ શાંતિ પણ યાત્રા કરવા લાગી. વ્યોમા થાકી ગઈ હતી. સૂઈ ગઈ.

ઉપરની બર્થ પર નીરજા જાગતી રહી. વિચારોનો પ્રવાહ ટ્રેનની ગતિથી પણ તેજ દોડવા લાગ્યો. ટ્રેનની યાત્રાનો રોમાંચ ઓસરવા લાગ્યો.

ઘર, મિત્રો, માતા પિતા, ગામ, સ્કૂલ… એક પછી એક બધા યાદ આવવા લાગ્યા. એ બધાને છોડીને બસ એમ જ નિકળી પડી હતી, અજાણ ભૂમિને જોવા-જાણવા-માણવા-પામવા.

અનેક વિરોધ અને અણગમા વચ્ચે પણ મક્કમ બનીને, મંઝિલ પામવા ચાલી નીકળી હતી. હવે તો પંથ પણ કપાવા લાગ્યો હતો.

એક માત્ર વ્યોમા સાથે આવવા તૈયાર થઈ હતી. તેને રસ્તાની, યાત્રાની વિકટતાની કાંઇ ખાસ ચિંતા ન હતી. તે તો ચાલી નીકળી હતી, માત્ર નીરજાના ભરોસે. હંમેશની જેમ. તેને મન કોઈ ચિંતા ન હતી. બસ એક જ ભરોસો.. નીરજા પર. અને તે પણ નીકળી પડી હતી નીરજા સાથે. દૂર.. દૂર.. કોઈ અજાણી ભૂમિ પર, જંગલોની વચ્ચે, પહાડ પરથી ... ઊંચેથી પડતાં પાણીના ધોધને... જોવા માટે, મળવા માટે.

મારી સાથે વ્યોમા, મારી ખાસ સખી.

એક ધોધ નીરજાની અંદર પણ વહી રહ્યો હતો. પ્રચંડ ધોધ. નવું જોવાની, અનુભવવાની અને સમજવાની ઇચ્છાનો ધોધ. એ ધોધની સામે આખરે સૌ હારી ગયા. બંનેને એકલા જ જવા દેવા સૌ સમ્મત થયા હતા.

સૌ? કેટલા વિરોધમાં હતા સૌ ! કેટકેટલા પ્રયાસો કર્યા હતા, બંનેને રોકવાના. પણ જેમ જેમ તેઓ વિરોધ કરતાં ગયા, તેમ તેમ નીરજાની અંદરનો ધોધ વધુને વધુ પ્રચંડ બનતો ગયો. સૌના વિરોધોને શાંત પાડતો ગયો.

એ બધા... એ બધા એટલે.. મમ્મી, ડેડી, ભરત અંકલ, દીપા આંટી, નેહા મેડમ, મિશ્રા સાહેબ, પેલા બે પુસ્તકો... મિત્રો, કરાટે ટ્રેનર, સંગીત ટીચર... કેટકેટલા લોકો.

એ બધાની વચ્ચે એક માત્ર વ્યોમા ! પડછાયાની જેમ સદાય સાથ આપ્યો છે તેણે, મક્કમ બનીને. નીરજાની ખરી શક્તિ એટલે, વ્યોમા.

ક્યારેક આ બધાની સામે લડી-લડીને થાકી જતી, હારી જતી, નીરજા. પણ, ત્યારે જ વ્યોમા તેને ફરી ઉત્સાહિત કરતી, મોટિવેટ કરતી, રિચાર્જ કરતી. અને તેથી તેનામાં નવી ઉર્જા આવતી. ફરી લડતી આ બધા સામે. ખૂબ લાંબી લડાઈ લડીને અંતે તે આ યાત્રા પર નીકળી શકી. કેવી કેવી લડાઇઓ....

********

નેટ પર મિત્રો જોડે ચેટિંગ ચાલી રહી હતી. નીરજા અને વ્યોમા, પોતપોતાના મોબાઈલ પર અલગ અલગ ચેટિંગ કરતાં, એક જ રૂમમાં સાવ બાજુ બાજુમાં બેઠા હતા.

વ્યોમા હસતી રહેતી હતી, તો નીરજા ગીત ગાતી રહેતી હતી. સ્ક્રીન પર જાતજાતના મેસેજ આવતા હતા. ઘ્યાન, ધર્મ, મોટીવેશન, ફિલોસોફી, જોક્સ, વિડિયોસ, ઓડિયોસ, ના જાણે કેટકેટલું તે માધ્યમ દ્વારા નેટવર્ક પર વહેતું હતું. કેટલાય મેસેજ તો અનેક વખત રિપીટ પણ થતાં હતા. કેટલાક રસપ્રદ, તો કેટલાક સાવ બોરિંગ. પણ છતાંય તેના વિના કોઈને પણ ચાલતું ન હતું.

તે શનિવારની સાંજ હતી. બંને ખાસી વાર ચેટિંગમાં વ્યસ્ત રહી. કેટલાય વિડિયોસ જોઈ લીધા, કેટલાય શેર કરી લીધા. કેટલીય વાતો કરી લીધી. કેટલુંય ડિલીટ કરી નાંખ્યું. તેમાંથી ભાગ્યે જ કોઈ કામનું હતું.

પણ... એક વિડીયો નીરજાને ગમી ગયો.

ખૂબ જ ગાઢ, લીલું જંગલ. ચારે તરફ પહાડી પ્રદેશ, કેટલીક સાંકડી ટ્રેક પર થઈને, કેમેરો એક ધોધ પાસે અટકે છે. ખૂબ જ ઉપરથી કેમેરો ધોધના ઉદગમ સ્થાનને ફોકસ કરીને, ધીરે ધીરે પાણીની પડતી ધાર સાથે નીચે તરફ સરકતો જાય છે. નીચે... નીચે... તરફ જતી ધાર અને તે ધારની સાથે તાલ મિલાવી નીચે સરકતો જતો કેમેરાનો લેન્સ. કેટલીય ક્ષણો બાદ કેમેરો સ્થિર થઈ જાય છે. તે જગ્યાએ ધોધ જમીન પર પટકાય છે, પ્રચંડ તાકાત સાથે !

પાણી જ્યાં જમીન પર પડે છે ત્યાં, અસંખ્ય મેઘધનુષયો રચાતાં જાય છે. ત્યાંથી ઝરણું બનીને આગળ વહેવા લાગે છે, પાણી. ધોધનું રૂપાંતર થઈ જાય છે, ઝરણાંમા. સમગ્ર દ્રશ્ય અદભૂત લાગે છે.

ખૂબ ઊંચેથી પડતું પાણી, પ્રચંડ તાકાતથી પછડાતું પાણી. ઝરણાંમાં બદલાઈને ધસી જતું પાણી, પાણીની ધારમાં સર્જાતા અદભૂત દ્રશ્યો, સૂરજના કિરણોનું પાણીની ધાર સાથેનું મિલન, ખુલ્લું આકાશ, પહાડ, લીલ્લુછમ્મ જંગલ, માનવ વિનાનું સ્થળ. . . કુદરતે સર્જેલું અપ્રતિમ સૌંદર્ય !

કેમેરો આગળ વધે છે, જંગલ તરફ. ધોધમાર વરસતો વરસાદ. જંગલના તસુએ તસુ તરફ આક્રમક બનીને વરસતો વરસાદ. કેમેરાના દરેક એંગલ સાથે ઉદભવતો કુદરતી અવાજ... પાણીનો અવાજ... વાદળાઓમાંથી ધરતી પર પછડાતા વરસાદનો અવાજ. ઝાડ પર અથડાતાં વરસાદનો અવાજ. ડાળ પર, પાંદડા પર પડતાં વરસાદનો અવાજ. દ્રશ્ય એકદમ ઓરિજનલ, તો અવાજ પણ તદ્દન અસલી. બેમાંથી એકેયમાં કોઈ જ મિલાવટ નહીં.

ધોધનો અવાજ, વરસાદનો અવાજ. પાણીનો પ્રચંડ અવાજ.

4 મિનિટ 20 સેકંડનો વિડીયો પૂરો થયો. અવાજ શમી ગયો. દ્રશ્યો અદ્રશ્ય થઈ ગયા. એકદમ શાંતિ વ્યાપી ગઈ. નીરજા અવાચક થઈ ગઈ. હજુ પણ તે વિડિયોના પ્રભાવમાં જ હતી. સ્તબ્ધ. મૌન. સ્થિર !

એક એક દ્રશ્ય, તેની સાથેનો અવાજ.

પેલા દ્રશ્યો તેની આંખને કેદ કરી બેઠા હતા, દ્રશ્યોના આવજોએ તેના હોઠોને મૌન બનાવી દીધા હતા. એક પૂતળું, જોયેલા દ્રશ્યોમાં અને સાંભળેલા આવજોમાં લીન થઈ ગયું.

વ્યોમા હજુ પણ પોતાની ચેટિંગમાં વ્યસ્ત હતી. નીરજાની સ્થિતિ વિશે તેને કાંઇ જ ખબર ન હતી.

કેટલોય સમય વિતી ગયો તેની, નીરજાને ખબર ન રહી. તેની મમ્મીના અવાજે પૂતળાને સજીવન કર્યું. વ્યોમા અને નીરજા છૂટા પડ્યા. પેલા દ્રશ્યો, પેલા આવજો હજુ પણ નીરજાથી છૂટા નહોતા પડી શક્યા. તેઓને નીરજાનો સાથ ગમતો હતો.

નીરજા તેને સાથે લઈને ચાલવા લાગી, જમવું, વાતો કરવી, ઊંઘવું, જાગવું...આવજો અને દ્રશ્યો સાથે જ.

પથારીમાં પડ્યા પડ્યા તેણે પેલો વિડીયો ફરી ફરીને જોયો. તેના દ્રશ્યો અને આવજોમાં કશુંક ચુંબકીય તત્વ હતું, જે નીરજાને તેના તરફ આકર્ષતું હતું. નિંદ્રાનું આકર્ષણ આજે ફિક્કું પડી ગયું હતું. એટલે તો આંખમાં જંગલ, ધોધ અને વરસાદ અડિંગો જમાવીને બેઠા હતા, તો મનમાં કેટલાય પ્રશ્નો...

કયાઁ હશે આ જગ્યા? આવી કોઈ જગ્યા હશે ખરી? જો હોય તો એવું જંગલ, પાણી, ધોધ અને વરસાદ, તેના અવાજો હશે? શું આ બધું ખરેખર છે? કે પછી કોઈ ટેકનૉલોજી ની કરામત છે?

તેના મનમાં સવાલ જાગ્યો કે શંકા? કદાચ તેવું ખરેખર ન પણ હોય. જો ન હોય તો? તો કાંઇ નહીં. બે-ચાર દિવસમાં આ વિડિયોને ભૂલી જવાનું અને નવી વાતોમાં વ્યસ્ત થઈ જવાનું.

પણ.. પણ કદાચ આ સાચું હોય તો? આવી કોઈ જગ્યા હોય, આવી જ રીતે વરસાદ પડતો હોય, આમ જ ધોધ બનીને પાણી વહેતું હોય, પછડાતું હોય, ... આવી કોઈ જગ્યા ખરેખર હોય તો?

તો? તો તે જગ્યા જોવી જ પડે. ત્યાં જવું જ પડે. એ સ્થળને, એ ઘટનાને રૂબરૂ અનુભવવી જ પડે. ત્યાં જવું જ પડે... ત્યાં જવું જ પડે... ત્યાં જવું જ પડે...ત્યાં..ત્યાં... પણ ક્યાં ?

ક્યાં? આ ક્યાં નો જવાબ, તેની પાસે ન હતો. હાલ કોઈ જ સવાલોના જવાબો તેની પાસે ન હતા. તેની પાસે હતા માત્ર સવાલો. પણ તે જવાબો શોધીને જ રહેશે. કોઈ પણ રીતે. ભલે તે માટે ગમે તે કરવું પડે.

પણ, શું કરવું પડે? તેને તેની ખબર ન હતી. છતાં તે બધું જ કરી છૂટવા માંગતી હતી. પાણીના ધોધની સાથે સાથે, સવાલોના ધોધમાં વહેતી વહેતી તે ઊંઘી ગઈ.

સવારના કિનારે આવીને જાગી, ત્યારે સૂરજના કિરણોનો ધોધ ક્યારનો ય ધરતી પર વહેવા લાગ્યો હતો.

ત્રણ ત્રણ ધોધ તેને ભીંજવી રહ્યા હતા, સૂર્યના કિરણોનો ધોધ, સવાલોનો ધોધ અને તે બધા માટે જવાબદાર પેલો, પાણીનો ધોધ.

થોડી વારે વ્યોમા આવી ગઈ. આમ રવિવારે મળવું અને સાથે રહેવું એ બંને માટે સહજ હતું. પણ નીરજા આજે સહજ રીતે નહોતી વર્તી રહી. તે કયાઁક ખોવાયેલી લાગતી હતી. તેના ચહેરા પરના નવા ભાવોને ઓળખવામાં વ્યોમાને વાર ન લાગી,

”એ ય નીરજા, આજે કયા મૂડમાં છે? ક્યાં ખોવાઈ ગઈ છે?”

નીરજાએ વ્યોમા સામે જોયું. મનમાં ઝબકાર થયો. આંખમાં ચમક આવી ગઈ અને હોઠ પર હળવું સ્મિત.

વ્યોમાએ આ બધું જ નિહાળ્યું, અનુભવ્યું. આ પણ એક નવો ભાવ જ હતો, નીરજાના ચહેરા પરનો. તેણે નીરજાને જવાબી સ્મિત આપ્યું.

નનીરજા મુક્ત મને હસવા લાગી, હસતી રહી. વ્યોમાએ તેને હસવા દીધી. નીરજાએ પેટ ભરીને હસી લીધું. હવે તે શાંત થઈ ગઈ.

“શું વાત છે નીરજા?”

“હું ય મૂર્ખ છું. બસ, એકલી એકલી મૂંઝાયા કરું છું. તું છે, તે ય ભૂલી જાઉં છું. પણ કોઈ વાંધો નહીં. તું છે એટલે મને નિરાંત છે. અને એટલેજ મુક્ત મને હસી પડી. મારા મનનો ભાર હળવો થઈ ગયો.”

“પણ, પણ.. વાત શું છે એ તો કહે.”

“કહું છું. પણ પહેલાં તું આ વિડીયો જોઈ લે.” નીરજાએ પેલો વીડિયો ચાલુ કરી દીધો. બંને તેને જોવા લાગ્યા. નીરજા તે ફરી અનુભવવા લાગી. એ જ - જંગલ, વરસાદ, ધોધ, પાણી અને અવાજ.

વીડિયો પૂરો થયો. નીરજાએ વ્યોમા તરફ નજર કરી. તેના ચહેરા પરના ભાવ ખાસ બદલાયા નજરે ન ચડ્યા. વ્યોમાને હજુ પણ સમજાયું ન હતું, કે નીરજા શું કહેવા માંગે છે.

તે મુંઝાયેલી લાગી. ‘પેલા વીડિયો દ્વારા શું કહેવા માંગે છે? કે પછી કોઈ ટીખળ કરી રહી છે.’

નીરજા તેની મૂંઝવણ પામી ગઈ. તે મૂળ વાત પર આવી ગઈ.

“વ્યોમા, આ વીડિયો કાલે કોઈએ મોકલેલ છે. મેં આ વીડિયો અનેક વાર જોયો. મને..”

“કેટલી વાર જોયો હશે?”

“લગભગ 10 થી 12 વખત.”

“તો?”

“મને આ વિડિયો આકર્ષક લાગે છે. તે મને પોતાની તરફ ખેંચી રહ્યો છે.”

“મેડમ, તો આ વીડિયો જ કારણ છે...”

“હા, આ વિડીયો જ કારણ છે મારી...”

“ઓહ, નો. હાઉ બોરિંગ યુ આર, નીરજા.”

“વ્હાય? ઇટ્સ નોટ બોરિંગ એટ ઓલ, એન્ડ મી ટુ.”

“મેડમ નીરજા, હવે આપણે teenage માંથી youth તરફ જઇ રહ્યાં છીએ. આ ઉંમર તો છે કોઈ રાજકુમારના સપનાઓ જોવાની, યૌવનના દરવાજે દસ્તક દઈને, તેના તરંગોને અનુભવવાની, રોમાંટીક થવાની, પ્રેમની પાંખો લઈને ઊડવાની. અને તું આ બોરિંગ વિડિયોની વાત લઈને બેઠી છે. તું હજુ...”

“વ્યોમા...”

“હા, યાર. બાગમાં ઉડતા પતંગિયા જોયા છે ને? આપણે પણ એ પતંગિયા જેવા છીએ. પતંગિયાને પાંખો આવે એટલે એ શું કરે? ઉડવા લાગે ને? આપણને પણ હવે પાંખો આવી રહી છે... યૌવનની પાંખો. આ પાંખોને લઈને ચાલ, આપણે પણ પતંગિયાની જેમ ઉડવા લાગીએ. પછી ભલેને દુનિયા કહેતી રહે, કે ‘એક પતંગિયાને પાંખો આવી’…”

“હા, વ્યોમા. હું પણ પાંખોની જ વાત કરવા માંગુ છું. પણ જરા જુદી રીતે.”

“એ કેવી રીતે? પ્રેમ સિવાય બીજી કોઈ પાંખો ક્યાંથી હોઇ શકે?”

“પાંખો માત્ર પ્રેમમાં જ આવે, એવું કોણે કીધું? બીજા પણ કેટકેટલા બાગો છે, જ્યાં પતંગીયું બનીને આપણે ઊડી શકીએ છીએ. અને હા, તે જોઈને પણ દુનિયા એ જ શબ્દો બોલી ઉઠશે, ‘એક પતંગિયાને પાંખો આવી’…” અને ફરી તે હસવા લાગી.

“એવો તે કેવો છે તારો એ બાગ?”

“તારે જોવો છે?”

“હા.”

“તો બસ એક પ્રોમિસ કર કે પ્રેમ સિવાયના બાગમાં તું પણ મારી સાથે જ ઉડશે... પતંગિયુ બનીને. બોલ મંજૂર છે?”

“પ્રોમિસ. નીરજા હું તારી સાથે જ છું.”

“વાહ. વ્યોમા. એ માટેની પાંખો આપણે ઉગાડવી પડશે. પ્રેમની પાંખોની જેમ સહજ ઊગી નહીં નીકળે તે, આપણી અંદર. બોલ તું તૈયાર છે? કે હું એકલી જ ઊડું?” નીરજાના આ શબ્દઓમાં વ્યોમા માટે આમંત્રણ પણ હતું અને પડકાર પણ.

આ ઉંમરે, teenage માં પ્રેમની સહજ ઊગી જતી પાંખોને સંકોરીને, નવી પાંખોને ઉગાડવી, તે પાંખો વડે નવા જ બાગમાં ઉડવું.... ખરેખર પડકાર જ હતો.

આ ઉંમરની મજા પણ એ જ છે ને? નવા પડકારો આમંત્રે અને તેને પામવા પાંખો ફફડાટ પણ કરે... ને કેટલાક પતંગિયાઓ તે બાગમાં ઉડવા પણ લાગે !

નીરજાને, વ્યોમાની આંખમાં એક વિશ્વાસ દેખાયો. તેણે નક્કી કરી લીધું, કે તે વ્યોમાને બધી જ વાત કરશે. વ્યોમા, બેસ્ટ ફ્રેન્ડ. એવી ફ્રેન્ડ કે જેને બધું જ કહી શકાય, હોઠોથી શબ્દો બોલ્યા વિના પણ વાત કરી શકાય, જેની પાસે અનાવૃત થઈ શકાય, દિલ ખોલીને વાત કરી શકાય, હસી શકાય, જેના ખભા પર આંસુ ટપકાવી શકાય, તેની આંખોમાંથી ટપકતા ભાવો નવી ઉર્જા આપે, એવી મિત્ર, એવી ફ્રેન્ડ.

“નીરજા, બોલ ને. શું છે આ વિડિયોમાં? શું છે તારી પાંખોમાં? કેવો છે તારો નવો બાગ? આમ...”વ્યોમા અધિરી થઈ ઉઠી.

“ઓ. કે. ચાલ, તને કહી જ દઉં. તારી આંખમાં મને દેખાય છે સાચી ઉત્કંઠા. નવી પાંખોનો ફફડાટ. તો સાંભળ,” નીરજા ફરી એકવાર વ્યોમાની આંખમાંના વિશ્વાસને તપાસવા અટકી, ખાત્રી કરી લીધી અને કહેવા લાગી,”આ વિડીયો તું ફરીથી ધ્યાનથી જોઈ લે. સાંભળી લે. અને હા, આ માત્ર સામાન્ય વિડીયો તરીકે જ નથી જોવાનો, પણ તારે તેને અનુભવવાનો છે, ફિલ કરવાનો છે.“

“મતલબ?”

“એ જ કે તું એ સ્થળે રૂબરૂ હજાર છે, અને આ ઘટના તારી આંખ સામે જ બને છે. જંગલ, પાણી, વરસાદ, અવાજ. આ બધું જ. તું ત્યાં છે અને...”

“ઓહ, સમજી ગઈ. ચાલ શરૂ કર એ વિડીયો.” વ્યોમાની દ્રષ્ટિ હવે બદલાઈ ગઈ હતી. તે જોવા લાગી, અનુભવવા લાગી. તેની આસપાસનું વાતાવરણ બદલાઈ ગયું. એક ઠંડી હવાની લહેર તેને સ્પર્શી ગઈ. અડપલું કરતી ગઈ. પ્રચંડ અવાજો તેને હચમચાવી ગયા. કશુંક ટપકવા લાગ્યું, જે તેને ભીંજવી ગયું. અંદર કોઈ ધોધ વહેવા લાગ્યો. વ્યોમા તો હતી હવે, પાણીમય, જંગલમય, વરસાદમય, ધોધમય, પ્રચંડ અવાજમય !

બંનેની આંખો મળી. વ્યોમાની આંખોએ પ્રશ્ન કર્યો,”કયાઁ છે આ જગ્યા?”

નીરજાના મનમાં જાગેલો પ્રશ્ન, હવે વ્યોમાના હોઠ પર હતો. નીરજાને મજા પડી.

“તું પણ માને છે ને કે આવી કોઈ જગ્યા ખરેખર છે? જ્યાં આ બધું જ બન્યું હોય, હંમેશા બનતું રહેતું હોય.”

“હા, પણ મારો પ્રશ્ન છે, કે આ જગ્યા ક્યાં છે? બોલ, જલદી બોલ. આ જગ્યા કયાઁ છે ?”

“મને નથી ખબર.”

“હેં? તને નથી ખબર? તો તારી પાસે આ આવ્યું ક્યાંથી? કોણે તને મોકલ્યું છે?”

“મને નથી ખબર, કે આ કયાઁ છે. હમણાં સુધી હું તો એમ જ માનતી હતી, કે આ કેમેરાની કોઈ ટ્રીક વાળો જ વિડીયો છે, અને આવી કોઈ જગ્યા હશે જ નહીં .”

“અરે નીરજા. આવી જગ્યા ખરેખર હશે જ. આપણી ધરતી પર અનેક રહસ્યો ભરેલી જગ્યાઓ છે, જે આપણી ધારણાથી અને કલ્પનાથી પણ ખૂબ આગળ હોય છે. માટે આ જગ્યા પણ આ ધરતી પર જ છે. આપણે માત્ર એટલું જ જાણવાનું છે, કે એ કયાઁ છે? ત્યાં કેવી રીતે પહોંચી શકાય? અને એક વખત આ બધી માહિતી મળી જાય, તો હું તો પહોંચી જાઉં ત્યાં. અને આવી ઘટનાઓની સાક્ષી બની જાઉં. તારો શું વિચાર છે?” વ્યોમા એક સાથે ઘણું બોલી ગઈ.

“હા વ્યોમા, હું પણ ત્યાં રૂબરૂ જવા માંગુ છું, પણ ગડમથલમાં છું કે..”

“કે એ જગ્યા ક્યાં છે?”

“બસ, એ જ તો શોધવાનું છે. કેવી રીતે શોધીશું એ જગ્યા?”

બંને વિચારવા લાગ્યા. અનેક વિચારો આવીને ગયા. પણ ખાસ કશું નક્કર ન સૂઝયું. શાંતિ છવાયેલી રહી. ઘણી વાર સુધી.

“નીરજા, એક કામ થઈ શકે છે.” વ્યોમાએ શાંતિને તોડતા કહ્યું. તેની આંખમાં ચમક હતી. કદાચ કોઈ જવાબ હતો.

“કયું કામ? જલ્દી બોલ.” નીરજા અધિરી બની ગઈ.

“આ વીડિયો તને કોણે મોકલ્યો છે?”

“અરે, એ તો મે જોયું જ નથી.” મોબાઈલ પર નજર કરી મોકલનારનું નામ જાણી લીધું.

“તો તેને જ પૂછી જો ને? જવાબ મળી જશે. સિમ્પલ.“

“હા, ગૂડ આઇડિયા. હમણાં જ મેસેજ કરી પૂછી લઉં છું.” નીરજાએ પેલા ગ્રૂપમાં મેસેજ કરી દીધો. થોડી વારે તેના પર જવાબો અને કોમેંટ્સ આવવા લાગ્યા. વિડીયો મોકલનારે તો લખી નાંખ્યું, ’મને ખબર નથી આ વિશે. મને કોઈએ મોકળલેલો અને મને તે ગમી ગયો, એટલે મેં આ ગ્રૂપમાં ફોરવર્ડ કરી દીધો.’ અને વાત ત્યાં પૂરી થઈ ગઈ.