Jamo, Kamo ne Jetho - 12 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(બીજી વાર ક્રિષ્નાનો કૉલ આવ્યો – શરમને તોડતી વાત થઇ – તેની સિસ્ટરના સેલમાં ફોન કર્યો – એકબીજાને કેટલા સમયથી જાણીએ છીએ એ વાત થઇ – ફાઈનલી, ‘આઈ લવ યુ’ કહેવાયું – ગાંગાણીનું બાજુમાં જ સૂવું)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૧૨ : રોમેન્ટિક રાઉન્ડ્સ :-

ટ્યૂશન ક્લાસમાં કનુભાઈએ ‘ટોપર્સ બેચ’ને ‘સ્ટાર બેચ’ એવું નામ આપેલું. જયારે-જયારે એકઝામ્સ નજીક આવતી ત્યારે ભાષાના પેપર માટે કનુભાઈ અમને ‘એક્સ્ટ્રા કલાસિસ’ના નામ પર પ્રાઈવેટમાં બોલાવતા. આવતી કાલે શું-શું પૂછાશે? સમાસ – છંદ – વ્યાકરણ – નિબંધ – સંક્ષિપ્ત – શ્લોક – વિચાર વિસ્તાર. આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન પેપરમાં શું પૂછાવાની શક્યતાઓ છે – તેના આધારે તેઓ સમગ્ર પુસ્તકમાં તેઓ ટીકમાર્ક કરાવતા. પેરેગ્રાફથી માંડીને શ્લોક અને વિચાર વિસ્તારથી માંડીને સુવિચાર – સુધીની દરેક બાબતો તેઓ સમજાવતા.

એક મહત્વની વાત એ હતી કે, તેઓ સ્કૂલમાં સંસ્કૃત વિષય લેતા. સાથે-સાથે ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન આ બંને વિષયો ટયૂશનમાં લેતા. તેઓ જયારે આઈ.એમ.પી આપવા બોલાવે તે પેપરમાં કદી પણ પૂછાયું નથી, આ બેન્ચમાર્ક તેમણે ફેંકમ-ફેક કરવાની બહુ મોટી કુટેવ પછી મેળવ્યો હતો. હવે બોર્ડની એકઝામ્સ નજીક આવતી હતી. છતાં, બોર્ડની એકઝામ્સમાં શું આવી શકે? તેની ફેંકોલોજી કરવા માટે અમને બોલાવ્યા કરતાં.

જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો સમગ્ર સુરતમાં જોવા મળતો હતો. એ વર્ષે શિયાળો થોડો વધુ લંબાયો હતો. આવા સમયમાં હોર્મોન્સ દોડાદોડી કરતા હોય ! આંતરિક લાગણીઓ રસ્તે દેખાય તેવું બની શકે ! હિતેષની સિસ્ટર એ સમયે સ્કૂલમાં પોપ્યુલર હતી. એ ૧૨ કોમર્સમાં હતી. દેખાવની કોઈ કલ્પના જ ન થઇ શકે ! બોલિવુડની કોઈ પણ હિરોઈનને હેરાન કરી મૂકે તેટલી રૂપજીવિની ! સંગીત, સૌંદર્ય, સ્પર્શ અને સુગંધની સમજૂતી ન હોય તેવી રીતે તેની પણ કોઈ કલ્પના ન થઇ શકે. તેનું ‘બર્થ સર્ટીફીકેટ’ ધરાવતું નામ ખ્યાલ નહોતો, પરંતુ તેને ‘રાનો’ કહીને બોલાવતા. વાસંતી રૂપથી છલકાતી રસવંતી સ્ત્રીઓને કુદરત ફૂલોની જેમ જ કોમલ પાંદડીઓ અને વચ્ચે મધુરસ રાખીને ખુશબુ ફેલાવતી કલાકૃતિ નિર્માણ કરે છે, તેમ જ આ ‘રાનો’નું બંધારણ હતું.

અનાયાસે, એક દિવસ હું અને ‘રાનો’ સ્કૂલ જતી વખતે સાથે થઇ ગયા. સ્કૂલની પાછળની સોસાયટીમાં જ તે રહેતી. મહત્વની વાત એ હતી કે, તે મને જાણતી જ નહોતી. હું તેના માટે રસ્તા પર આંખોના જામ છલકાવનાર અનેક વ્યક્તિઓમાંથી એક હતો. સ્કૂલના દરવાજા નજીક જ તેને જોઈ. તે સમયે ક્રિષ્ના ત્યાં નહોતી, એ દુનિયાનું સુખ ! હું ઉભો રહી ગયો. સતત કોઈની તરફ જોયા કરવું અને જે-તે વ્યક્તિને પોઈન્ટ આઉટ કરવી એ મારી કુટેવ હતી. આ કુટેવો માટે મેં બહુ બધું સાંભળેલું, પરંતુ એ દૂર થઇ જ નહિ. જ્યાં સુધી તે મને ક્રોસ કરીને આગળ ન ગઈ ત્યાં સુધી મેં જોયા કર્યું. તેટલામાં જ કનુભાઈ ત્યાં તેનું લીલા રંગનું બોક્સર લઈને આવ્યા. અચાનક જ બોક્સર બંધ થઇ ગયું. બોક્સર ઉભું રાખીને તેઓ પણ ‘રાનો’ તરફ જોવા લાગ્યા. એમને ખ્યાલ નહોતો કે ‘રાનો’ની આ તરફ હું પણ ઉભો હતો. એ જતી રહી પછી સરનું બોક્સર શરુ થયું.

“ચ્યમ લ્યા? શ્યૂં કરે હવાર-હવાર માં?” મારા તરફ હસીને બોલવા લાગ્યા.

“અરે સર ! આ તો ઉંમર હવે !” હું અને કનુભાઈ એકદમ નજીક હતા. અમારી બંને વચ્ચે દરેક વાતો થતી. તેથી હું ફરીથી સરની મજાક કરતા બોલ્યો.

“સર, મારું તો સમજ્યા ! તમારૂ બોક્સર અહી જ કેમ ઉભું રહી ગયું?”

“એ તો ! શિયાળાનું, ઠંડી પડે છે ને !” એટલું બોલ્યા, ત્યાં જ હું અજીબ પ્રકારે હસવા લાગ્યો. તેથી તેઓ સમજી ગયા.

“તું સાલા ! મને હેરાન કરે છે.” એમ કહીને અમે બંને હસવા લાગ્યા. કનુભાઈને ક્રિષ્ના અને મારી ખબર હતી.

તે દિવસે ટયૂશનમાં અમારો ‘સ્પેશિયલ ક્લાસ’ હતો. જેમાં કનુભાઈ અમને ‘સમાસ’ ઓળખતા શીખવવાના હતા. કનુભાઈ હમેશા એક વાત શીખવે. જે દરેક વખતે ખોટી જ પડે. જયારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને તેને ‘સમાસ’ કહેવાય.

‘મ’ અને ‘મહા’થી શરૂઆત શબ્દની શરૂઆત થાય તે હંમેશા ‘કર્મધારાય સમાસ’ હોય. આંખ બંધ કરીને તેના જવાબમાં ‘કર્મધારાય સમાસ’ લખી જ દેવાનું.

મહાસર્જક, મહાબાહુ, મર્મવચન, માનવકૃતિ, મનોહર, માર્ગદર્શક, મતભેદ, માધવ – આ દરેક શબ્દો ‘મા’ અને ‘મહા’ થી શરુ થતાં હોવા છતાં તેમાંથી કોઈ શબ્દ ‘કર્મધારાય સમાસ’ નથી. અમે હંમેશા આ વાતનો ખ્યાલ હોવા છતાં, ‘કર્મધારાય સમાસ’ લખીને આવતા. કારણ કે, જવાબ ખોટો પડે ત્યારે કનુભાઈ જ સ્કૂલના પેપર ચેક કરવાના હોય ! તેથી તેમની સાથે મન ભરીને દલીલબાજી કરી શકીએ. આ સમાસ શીખવવાની સાથે તેઓ અમુક પ્રકારના ફાયદાઓ લેતા. વ્યાકરણના નિયમોમાં તો તેઓ પોતાને મન ફાવે ત્યારે છૂટછાટ લઇ લેતા હતા. પરંતુ, શરીરના અંગ-ઉપાંગોમાં પણ તેઓ બહુ છૂટ લેતા હતા.

સૌથી વધુ છૂટ કનુભાઈએ લીધેલી, એ હતી પૂજા લાલીવાલા. વન્ડરફૂલ. રિઅલ બ્યૂટી. વધુ પડતી ઇટાલિયન પણ ન લાગે, જસ્ટ લાઈક અ સ્ટાન્ડર્ડ ગર્લ ! ગાર્લિક ગર્લ ! ક્રિષ્ના, શ્રુતિ, બિનાકા અને પૂજા. આ દરેક ગર્લ્સનું એક મસ્ત મજાનું ગ્રુપ હતું. ઈર્ષ્યા તો હતી જ ! પરંતુ, સાથે રહેતા હતા. તેમાં પૂજા અને શ્રુતિ બંને એકબીજાની નજીક હતી. હોશિયાર છોકરી ! સ્કૂલ કે ટ્યૂશનના ‘ટોપ ટેન’માં રેન્ક લઇ આવતી. પૂજાને હું ક્રિષ્ના પહેલાનો જાણતો હતો. બાલમંદિર - નર્સરી / કે.જી.માં તે મારી સાથે હતી. અમે બંને ક્લાસના મોનિટર હતા. હું બોય્ઝમાં હોમવર્ક ચેક કરતો. પૂજા અને હું બંને એક જ પાથરણાં પર બેસતા. તે સમયે અમારી સ્કૂલમાં બેંચ નહોતી. રોજ સવારે આવીને પાથરણાં પાથરીને બેવાનું. તેમાં હું અને પૂજા બંને બાજુ-બાજુમાં બેસતા. હું પહેલેથી થોડો અવળચંડો અને તોફાની હતો. અટકચાળા કર્યા વિના મને ચાલતું જ નહિ.

એક દિવસ હું અને પૂજા ઝઘડ્યા. મેં તેની નોટબૂકમાં પેન્સિલથી ચોકડી કરી. તેની નાની ચોટલીને પકડીને અમે ઢીશુમ-ઢીશુમ રમ્યા. આ વાત પૂજા એ ઘરે જઈને તેની મમ્મી ને કહી. બીજે દિવસે પૂજાના મમ્મી આવ્યા. તેણે ટીચરને ફરિયાદ કરી. એ સમયે હું બીજાનું હોમવર્ક ચેક કરતો હતો. ટીચરે મને બોલાવ્યો.

“કંદર્પ, ગઈકાલે તે પૂજાની નોટબૂકમાં છેક-છાક કરેલી?”

“અરે ના ! ટીચર, તેણે હોમવર્ક ખોટું કર્યું હતું. ઉપરથી, તે મને તેની નોટ ચેક કરવા નહોતી આપતી. મેં બે-ત્રણ વાર કહ્યું, છતાં ન આપી. અંતે, તેણે મને માર્યું.”

“પરંતુ, પૂજાના મમ્મી તો એમ કહે છે કે – તે પૂજાને માર્યું?”

“ના હોય ! ટીચર, શરૂઆત જ તેણે કરેલી.”

ત્યાં જ પૂજાના મમ્મી બોલ્યા, “ક્લાસમાં પહેલો નંબર કોનો આવે છે?”

“આ અહી, તમારી સામે ઉભો તે જ ! કંદર્પ !”

“અરે, આ જ કંદર્પ છે. પૂજા ઘણીવાર કહેતી હોય છે કે – અમારા ક્લાસમાં કંદર્પ પહેલો છે.”

મામલો ત્યાં જ રફેદફે ! છેવટે, પૂજાના મમ્મી એવું કહીને ગયા કે – “ઝઘડો નહિ કરવાનો બેટા ! એકબીજા સાથે મળીને રહેવાનું.”

બસ, મોટા થઈને આ વાત પર જ અમલ કરવાનો હતો. મળીને જ રહેવાનું હતું. પરંતુ, સંજોગો બદલાઈ ગયા. એ વાતો પર અન્ય ઘણી વાતોના સ્તર ચડી ચૂક્યા હતા.

આ જ પૂજા નો કનુભાઈએ ફાયદો ઉઠાવેલો. પૂજા સાઈકલ લઈને આવતી. તેની સાથે તેની ખાસ ફ્રેન્ડ ભૂમિતા રામાણી પણ સાઈકલ લઈને આવતી. પૂજા અને ભૂમિતા બંને સાથે જ સ્કૂલ – ટયૂશનમાં આવતા ! પૂજા જયારે ચપોચપ રેડ સ્લિવલેસ ટોપ પહેરીને આવતી ત્યારે અદભુત લાગતી ! તેની સાથે તે હંમેશા બ્લુ ‘બોયફ્રેન્ડ જીન્સ’ પહેરીને આવતી. ટાઈટ ફીટ, સ્લાઈટ લૂઝ ફ્રોમ બટ & બેગિ કટ ! લાલ છડી, મૈદાન ખડી ! આ જ ફીલિંગ આવે ! તેની સામે ‘લાઈન’ આપનારાં મહાનુભાવોની સંખ્યા પણ ઘણી હતી. તે દિવસે કનુભાઈ સમાસ શીખવાની સાથે-સાથે પૂજાના ખભા પર હાથ મૂકી-મૂકીને શીખવી રહ્યા હતા. ક્યારેક છેક તેના ચહેરા પાસે પોતાનો પરસેવાવાળો ચમકતી ટાલ સાથેનો ચહેરો તેના ચહેરા પાસે લઇ જાય અને પ્રશ્નો કરે ! મોઢામાંથી અત્યંત અ-સહનેબલ ૧૩૫ના મસાલાની દુર્ગંધ મારતી હોય. બાંયો ચડાવેલી અને એક હાથમાં લીમડાની મજબૂત ડાળખીમાંથી બનાવેલ દંડો ! આવા ભયાનક સ્વરૂપ સાથે એ ‘બિચારી’ ગુલાબની પાંખડી જેવી છોકરી પાસે જાય તો તે કેટલો બરછટ બુઠ્ઠો લાગતો હશે ! પરંતુ, હશે ! આવા સમયે પણ હું અને ક્રિષ્ના એકબીજા સામે જોઇને રાહત અનુભવતા હતા.

કનુભાઈ સામાજિક વિજ્ઞાનનું ક્વેશ્ચન પેપર પોતાના હાથેથી લખીને આપતા. ૧૦૦ માર્કસના પાંચ પ્રશ્ન પેપરો માત્ર એક જ A4 સાઈઝના પેપરમાં લખીને આપતા. એટલી હદે ચીકણાઈ કરતાં કે કોઈ વિદ્યાર્થીના પેરેન્ટ્સ ૧૩૫નો મસાલો ખાતા હોય તો તેમની પાસેથી માંગતા પણ જરાયે શરમાય નહિ. ધીરે-ધીરે હવે એકઝામ્સના રાઉન્ડ્સ શરુ થવાના હતા. વિષયવાર એકઝામ્સનું ટાઈમ-ટેબલ આવી ગયું હતું. મોટીવેશનલ સ્પીચની શરૂઆત થઇ ચૂકી હતી. તેવામાં એક દિવસ સ્કૂલ તરફથી એક મોટીવેટર મૃણાલ શુક્લાનું સેશન સરદાર સ્મૃતિ ભવનના ઓડિટોરીયમમાં ગોઠવવામાં આવ્યું હતું. રામકૃષ્ણ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી સેશન હતું. બપોરના ૨ વાગ્યે સેશન શરુ થવાનું હતું. અમે દરેક ૧ વાગ્યે જ ત્યાં આવી પહોંચ્યા. લગભગ ૧ કલાક સુધી અમે એકબીજા સામે જોયું અને અંદર જઈને આજુબાજુમાં બેસવા મળે તેવી ઇશારાથી માહિતી આપી. વિદ્યાર્થીઓના ધાડાં ઉમટી પડ્યા. દરેક લોકો આગળ બેસવા માટે અને જગ્યા રોકવા માટે ઘુસણખોરી કરવા લાગ્યા. અમે પણ તેવું જ કંઇક કર્યું.

મૃણાલ શુક્લા બોલ્યા ત્યાં સુધી - બોર્ડમાં નંબર લાવવો છે, તેવી સ્ટ્રોંગ ફીલિંગ આવી. જેવું લેકચર પૂરું થયું એટલે લગભગ સાડા પાંચ વાગ્યે અમે ઓડિટોરીયમમાંથી બહાર નીકળ્યા. જેવા બહાર નીકળ્યા એટલે સામે સાતેક છોકરીઓ ઉભી હતી. તેમાંથી હું દરેકને ઓળખતો હતો. ક્રિષ્ના, શ્રુતિ અને પૂજા સાથે બીજી ચાર ભેરુડીઓ !

“ચાલો, બહાર જઈએ.”

“ક્યાં?” હું ખિસ્સામાં હાથ નાખીને સહજ બોલ્યો. કારણ કે, મારા ખિસ્સામાં પચાસ રૂપિયા જ હતા. એ પણ, ખોટું બોલીને મમ્મી પાસેથી પડાવ્યા હતા. મમ્મીને એવું કહેલું કે, સેશનની ફી ત્રીસ રૂપિયા છે. બાકીના વીસ રૂપિયા સેફટી માટે !

“સામે ૨૪ કેરેટમાં પાણીપુરી ખાઈએ.” મને હાશ થઇ. પાણીપુરી તો સસ્તી જ મળે ! એમાં કઈ ખર્ચો ન થાય. પાંચ રૂપિયામાં સાત પૂરી તો બહાર મળે જ છે ને ! આવું વિચારીને મેં હા કહી.

“૨૪ કેરેટમાં જઈને ખ્યાલ આવ્યો કે અહી તો ૨૦ રૂપિયાની સાત પૂરી આવે છે !” મારી પાછી ફાટી ગઈ. મારી સાથે બીજા બે છોકરાઓ હતા. મારી જેમ એમના પણ સેટિંગ હતા. ત્રણ છોકરાઓ અને સાત છોકરીઓ ! તકલીફ બાકીની ચાર ગર્લ્સની હતી. કોમ્પ્લીમેન્ટરી ડ્રિંકની જેમ તેઓ સાથે જ હતી.

“પાણીપુરી રોડ પર બધા સાથે બેસીને ખાઈશું, તો કોઈક જાણીતું જોઈ જશે ! અને, પાણીપુરીમાં શું ખાય?” ગર્લ્સના રાષ્ટ્રિય ખોરાકને બહુ ખરાબ રીતે વખોડ્યો. છેવટે, બરોડા પ્રિસ્ટેજ પાસે અનુરાધા સોસાયટીના કોર્નર પર આવેલી ‘લીંબુડી’ નામના ફાસ્ટફૂડમાં ગયા. મારી સૌથી મોટી તફલીફ એ હતી કે, બીજું કોઈ સાથે હોય ત્યારે હું ક્રિષ્ના તરફ જોવામાં બહુ કોન્સિયસ થઇ જતો.

ગ્રિલ સેન્ડવિચનો ઓર્ડર અપાયો. મેં તો પહેલી વખત જ, આટલી જાડી સેન્ડવિચ જોઈ હતી. ત્રણ-ત્રણ લેયર ઉપર ચિઝના થથેડા કરેલી સેન્ડવિચને મોં માં કઈ રીતે નાંખવી? એ વિચારી રહ્યો હતો. ઉપરાંત, ગર્લ્સ સાથે હોય ત્યારે જરા શિષ્ટ રીતે ખાવું જોઈએ – આ બુદ્ધિ મને નહોતી. મને તો કકડીને ભૂખ લાગી હતી. તેથી મેં તો ગ્રિલને પેટના ડ્રિલમાં પૂરી દીધી. મને જંગલીની જેમ ખાતો જોઇને આજુબાજુ બધા જોઈ રહ્યા.

“કેવી છે? સારી છે?” આવો પ્રશ્ન કોઈકે પૂછ્યો. મેં તો આ પ્રકારનું ભોજન જ પહેલી વાર જોયેલું. તેથી મને તો મજા જ આવી રહી હતી. ત્યાં સાતમાંથી કોઈ ચકલી બોલી,

“ગઈ વખતે અમે ફેમિલીમાં આવેલા ત્યારે બનાવેલી એ મસ્ત હતી. આજે બહુ નથી સારી !”

અરે યાર ! આટલું જોરદાર વસ્તુ છે ! અને, તેના વખાણ કરવાને બદલે વખોડે છે ! પરંતુ, તે પછી સમયની નાજુકતા જોઇને મેં ગ્રિલ સાઈડમાં મૂકી અને વધેલી રાખી મૂકી. કોઈએ ખાધું નહિ. મને લાગેલી ભૂખ ! આ લોકો શું વિચારતા હશે એ જોઇને મને તો ગુસ્સો આવી રહ્યો હતો. ઉપરથી, પૈસાનું ટેન્શન આવ્યું. ખિસ્સામાં પૈસા જ ન હોય તો તમે કઈ રીતે ગ્રિલ ખાધ્યે જ કરો? પરંતુ, મારી જોડે જે અન્ય છોકરો હતો તેણે પૈસા આપ્યા.

પછી પણ તેઓ ધરાયા નહિ. કોઈકે બીજો આઈડિયા આપ્યો.

“ચલો ને ! આપણે ગેલેક્સીમાં જઈએ.”

“ઓહ, યસ ! માય ફેવરિટ ! કમ ઓન ! ત્યાં જ જઈએ.”

હું તો મૂક પ્રેક્ષક હતો. ગેલેક્સી પણ જીવનમાં પ્રથમ વખત હતું ! અને, અનાયાસે કોકો પણ ! આજ સુધી કદી ‘કોકો’ નામની વસ્તુ મેં ચાખી નહોતી. મને તો મગજમાં એવું હતું કે, જે કોકો-કોલા આવે છે તેની વાત થતી હશે.

ગેલેક્સીમાં ઉપર અંદરખાને પ્રાઈવેસી જેવું બનાવેલું છે. ત્યાં જઈને અમે બેઠા. કોકો નો ઓર્ડર કર્યો. હવે, હું તો જઈને બેઠો. જેની સાથે જેનું સેટિંગ હોય તે વ્યક્તિએ તેની સામે બેસવાનું હોય અને એક જ કોકો માંથી બે સ્ટ્રો વડે પીવાનો હોય ! તે દિવસે જે કઈ થઇ રહ્યું હતું, તે મારા માટે પહેલી જ વખત હતું.

મારી સામે ક્રિષ્નાને બદલે કોઈ બીજું બેઠું હતું. ઉભા થઈને મને ક્રિષ્ના સામે બેસવાની ખબર જ ન પડી. તો, સામે બેઠેલી છોકરી એ ઉભા થઈને ક્રિષ્નાને જગ્યા કરી આપી. અંતે, હું અને ક્રિષ્ના સામે-સામે બેઠા. કોકો આવી ગયો. મને તો ભૂખ લાગેલી જ હતી એટલે પહેલી ઘૂંટમાં જ લગભગ અડધો ગ્લાસ આવી ગયો. પછી, માત્ર ૨ એમ.એમ ના ઘૂંટ સાથે ક્રિષ્ના એ કોકો પીવાની શરૂઆત કરી. સ્ટ્રોથી કોકો લેતી વખતે તેની આંખો મારા ચહેરા તરફ હતી. અને, હું તેને જોઈ રહ્યો હતો. સિમ્પલ આઈ-કોન્ટેક્ટ ! લગભગ મેં ત્રણ ઘૂંટ લીધા ત્યાં જ કોકો ખલાસ થઇ ગયો. ‘દુનિયા બનાવટ કરે છે’ આ વાતની પહેલી સાબિતી મને ત્યારે થઇ. ગ્લાસની ઉંચાઈ એટલી બધી હોય છે કે. ગ્લાસ દેખાય મોટો ! પરંતુ, ભરેલો થોડો જ હોય !

ઘરે જઈને મારે ઘણું બધું સાંભળવાનું હતું. એ મને ખબર નહોતી.

“આજે બહુ ઉતાવળ હતી જમવાની?”

“મારા માટે કોકો ન રખાય થોડો?”

“પાણીપુરી ખાવામાં શું વાંધો પડ્યો?”

“મારા તરફ કેમ નહોતો જોઈ રહ્યો?’”

“કેમ કઈ બોલતો નહોતો?”

આ બધા પ્રશ્નો રાત્રે ૧૨ વાગ્યે અકળાવતા હતા. મારે તેને કેમ કહેવું કે, આવી જગ્યાએ અમે કદી ગયા જ નથી. આજ સુધી સાદી સેન્ડવિચ જ ખાધેલી છે. ‘ગ્રિલ’ વિશેષણ સાથેના નામની સેન્ડવિચનું નામ જ પહેલી વાર સાંભળ્યું. કોકોની મારી માન્યતા કોકો-કોલા હતી. એ કંઇક બીજું જ પીગળેલી ડેરીમિલ્ક જેવું નીકળે તેમાં મારો શો વાંક? અને, જેણે પંદર વર્ષ સુધી પાંચમાં સાત પાણીપુરી ખાધી હોય તેને વીસની સાત કઈ રીતે ગળા નીચે ઉતરે?

બસ, આવી જ રીતે ટ્યૂશનમાં એકઝામ્સના રાઉન્ડ ચાલી રહ્યા હતા. દર અઠવાડિયે દરેક વિષયોમાં ‘ટોપ ટેન’ ના નામો ગોહિલ સર બોર્ડ પર લખતા. તેમાં ક્યારેક નામ આવતું ત્યારે ખુશી થતી. બધા જ મહેનત કરી રહ્યા હતા. એક માહોલ રચાયો હતો. તે સમયમાં પણ હું અને ક્રિષ્ના અમુક સમય કાઢીને ફોન પર વાતો કરી લેતા હતા. ટ્યૂશનમાં અમે સામ-સામેની બેન્ચમાં બેસીને જોયા કરતા અને મજા કરતા. ઈનોસેન્ટ ! અંતે, બોર્ડની એકઝામ્સ નજીક આવી પહોંચી.

(ક્રમશ:)

*****

Contact: +91 9687515557

E-mail: