Jamo, Kamo ne Jetho - 13 books and stories free download online pdf in Gujarati

જામો,કામો ને જેઠો

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(ભાષાના વિષયોમાં કનુભાઈનું ‘એક્સ્ટ્રા કલાસિસ’ના નામ પર ટ્યૂશન બોલાવવું – એકદમ ખોટું ભણાવવું – વ્યાકરણને કબજિયાત કરી મૂકે તેવા નિયમો લાવવા – બાલમંદિરથી પૂજા સાથેની મારી દોસ્તી - પૂજાને વ્યાકરણ શીખવવાની સાથે થોડો ફાયદો લેવો – સ્કૂલ તરફથી મૃણાલ શાહનો મોટીવેશનલ સેમિનાર – સેમિનાર પત્યા પછી ‘લીંબુડી’ ફાસ્ટફૂડમાં જવું – ગેલેક્સીમાં ‘કોકો’ પીવા માટે જવું)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૧૩ : ઇલુ-ઇલુ એકઝામ્સ :-

ટ્યૂશનમાં એકઝામ્સના રાઉન્ડ બહુ સારી રીતે પસાર થઇ રહ્યા હતા. વાંચવાની રજાઓ પડવાની હતી. ટ્યૂશન અને સ્કૂલમાંથી પંદર દિવસની છુટ્ટી મળવાની હતી. તકલીફ એ હતી કે, આવનારા પંદર દિવસો સુધી એક્ઝામ ક્લાસમાં ક્રિષ્નાનો ચહેરો સામેની બેંચમાં જોવા નહિ મળે. જો કે, તેના લીધે એક્ઝામના રિઝલ્ટમાં કોઈ ફેરફાર નહોતો થવાનો. હું મારી રીતે મહેનત કરી લેતો હતો. આ પંદર દિવસોમાં શરીરના ધ્યાનથી માંડીને અવાજના ઘોંઘાટ સુધીની ચોકીદારી દરેકની મમ્મીઓ કરી લેતી હતી. અમે બધા મિત્રો પ્રતિકના ઘરે વાંચવા માટે મળતાં ન હતા. ગાંગાણી સમગ્ર દિવસ દરમિયાન જે. ડી. ગાબાણી લાઈબ્રેરીમાં પડ્યો રહેતો હતો. દરેક પોતપોતાના ઘરે બેસીને વાંચતા હતા. આ દિવસોમાં રોજ રાત્રે થતી પાર્ટીની મજા બહુ યાદ આવતી હતી.

રાત્રે ૧૨-૧ વાગ્યે, એવા મૃગજળ ઉપડતાં – કે જાણે હિરો અથવા કમલો ગરમાગરમ સમોસા લેવા જઈ રહ્યા હોય. સાથે-સાથે અમીધારા એપાર્ટમેન્ટની નીચે એક કોલ્ડ-ડ્રિન્ક્સની દુકાન રાત્રે સાડા બાર સુધી ખુલ્લી રહેતી. ત્યાંથી મસાલા સોડા લઈને આવવાની હોય ! વાંચવાનું ઓછું અને મસ્તી વધુ ! હિરાને નિર્મલ અથવા પ્રતિક મેથ્સ શીખવતા હોય. કલ્પેશને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં વધુ મજા આવતી. જેમાં ગોખવાનું હોય તે વિષય અમને બંનેને વધુ પસંદ હતા. મગજ ચલાવવાના વિષયો પ્રતિક અને નિર્મલ સંભાળી લેતા. બધા એકબીજાને શીખવે અને પોતે પણ શીખે. મોજ કરતા જવાની અને વાંચતા જવાનું. આ બધું યાદ આવતું હતું. રાત-દિવસ અમે વાંચ્યે જતા હતા. એમાં પણ એક મજા હતી. વેકેશનમાં શું-શું કરવાનું છે એ નક્કી થતું. ‘સાયન્સ’ જ બધા લેવાના છે – એ ક્લિયર વાત હતી. હિરાનું નક્કી હતું કે, તેનાથી સાયન્સ નહિ થાય. તેથી એ ડિપ્લોમા જ કરવાનો છે – તે ફાઈનલ હતું. અમે બધા પોતપોતાના ક્લાસના ટોપર્સ – તેથી અમારાથી ભૂલથી પણ અન્ય કોર્સ અથવા સ્ટ્રીમમાં એડમિશન ન લેવાય તેવું ઘરમાં વાતાવરણ જ ઉભું થઈ ચુક્યું હતું. ઉપરાંત, અમને પણ એમ જ હતું કે એન્જીનીયરીંગમાં જ જવું છે, જેથી ખર્ચ ઓછો થાય. મેડિકલમાં લઈએ અને પેમેન્ટ સીટ પર એડમિશન લેવાનું થાય તો એ ફી ચૂકવી શકે તેવી જાહોજલાલી તો કોઈના ઘરની નહોતી જ ! આ બધા વિચારો ત્યારથી જ ચાલુ થઇ ચૂક્યા હતા.

લોકોના કૉલ્સ, મેસેજ, વિશિઝ – આ દરેક શરુ થઇ ચૂક્યું હતું. કોઈ પેન લઈને આવતું તો કોઈ કાર્ડ ! જે લોકો એ એકઝામ્સ આપી હતી, તેઓ સલાહો આપવામાંથી ઊંચા નહોતા આવતા.

  • અલગ-અલગ પ્રકારના રંગની સપ્લીમેન્ટરી આવશે. મોટું ક્વેશ્ચન પેપર આવશે.
  • ગણતરીઓ કરવા માટે અલગથી પૂરવણી અથવા છેલું એક પેજ હશે.
  • એનરોલ્મેન્ટ નંબરની સ્લિપ લેવાનું ભૂલાય નહિ / ખોવાય નહિ / ફાટે નહિ – તેનું ધ્યાન રાખજો.
  • આગળના દિવસે સાંજે જ પેન્સિલની શાર્પનરથી છોલીને રાખવાની. બે પેન લઇ જવાની.
  • તરસ જેવું ઉનાળામાં લાગે તો શરબતની બોટલ લઇ જવી.
  • વગેરે, વગેરે ...

    આ બધી વાતોમાં જયારે ગીફ્ટ લઈને કોઈક આવતું, માત્ર ત્યારે જ મજા આવતી. છતાં, આ એકઝામ્સમાં હું અને ક્રિષ્ના રેગ્યુલર વાતો કરતા હતા. રોજ રાત્રે અમુક સમય વાતો થતી. વાંચતા-વાંચતા માઈન્ડ ફ્રેશ કરવા માટેની ફ્રેશનેસ એ મોબાઈલના સ્પીકરમાંથી આવતી હતી. એક દિવસ બહુ ગંભીર ચર્ચા એ સ્થાન લીધું.

    “હેય, કંદર્પ ! મારી સિસ્ટર તેના બોયફ્રેન્ડને ઘરે ઇન્ટ્રોડયુસ કરવાની ટ્રાઈ કરે છે. પરંતુ, એવું લાગે છે કે તેમનું સેટિંગ નહિ થાય. પપ્પા નહિ માને એ નક્કી છે.” બહુ ગંભીર અવાજે ક્રિષ્ના બોલી.

    “અને, હમણાં ઘરે વાત નહિ થઇ શકે. હું જયારે શ્રુતિ કે બીજી કોઈ ફ્રેન્ડના ઘરે જઈશ ત્યારે કૉલ કરીશ. કારણ કે, હમણાં ઘરે બહુ વિચિત્ર પરિસ્થિતિ ચાલે છે. તેના લીધે સિસ્ટર ફોન પણ નથી આપતી. જેથી વાત થઇ શકે તેમ નથી. ઉપરાંત, રિલાયન્સનો ફોન મમ્મી હવે તેની પાસે રાખે છે. BSNL લેન્ડલાઇન મેઈન હોલમાં હોવાથી ત્યાં વાત ન થઇ શકે.”

    “સારું. પરંતુ, કેમ નથી માનતા તારા મમ્મી-પપ્પા?” મેં ભયંકર પ્રશ્ન પૂછ્યો. જેનાથી આવનારા સમયમાં ભીષણ આગ લાગે તેવી શક્યતાઓ હતી.

    “આ જમાનામાં હજુ આવું ચાલે છે? બહુ કહેવાય ! સાથે ભણતા હોય અને સારો છોકરો હોય તો શું પ્રોબ્લેમ હોઈ શકે?” મેં બોલવાનું ચાલુ જ રાખ્યું.

    “તને ખબર નથી હજુ ! આપણી વાત પણ નહિ માને એવું મને લાગે છે.” પોઈન્ટ હવે જઈને પકડાયો. તેના મગજમાં આ જ વાત ફર્યા કરતી હતી. એક્ઝામ નજીક આવી રહી હતી. આ બધી પળોજણમાં કોણ પડે?

    “સારું. જે હોય તે ! તો પછી તે શું વિચાર્યું છે?” બોમ્બ વિસ્ફોટ થયો.

    “તે શું વિચાર્યું છે એટલે? અલગ થવાની વાત કરે છે તું? વિચારતો પણ નહિ ! એટ લિસ્ટ, ગમે તે કરીને રસ્તો થશે. મારી સિસ્ટરનું થઇ જાય એટલે આપણું પાક્કું જ છે. મને મારી સિસ્ટર પર વિશ્વાસ છે. એ ગમે તેમ પાટિયું ફીટ કરી જ દેશે.” વધારે બોલે તેના કરતા આજે કૉલ કટ કરવામાં જ મજા હતી.

    તે દિવસે એ ટોપિક પડતો મૂક્યો અને એક્ઝામ પછી વાત કરવાનું નક્કી કર્યું. પરંતુ, કૉલ પૂરો થયા પછી મગજમાં એક વાતે ઘૂમરીઓ લેવાનું શરુ કર્યું. એક પ્રકારનો ડર એ પણ હતો કે, ‘કદાચ, નહિ થાય તો?’

    એકદમ ઈનોસેન્ટ વાત અને બાળબુદ્ધિ. પંદર વર્ષની ઉંમરે પચીસ વર્ષે થનારી ઘટનાની ભાળ મેળવવાના ત્રાગા કરી રહ્યા હતા. શારીરિક આકર્ષણ. એકબીજાને ચૂમવાની, ઝૂરવાની અને બેફિકરાઈથી હવામાં ઉડવાની ઇચ્છાઓ હતી. પ્રથમ ચુંબનની ઇચ્છાઓ હતી. મળવાની બેબુનિયાદ વાતો હતી. કોઈ ઠોસ સબૂત નહોતું, જે પ્રેમ તરીકેની સાબિતી આપી શકે. સમજાઈ નહિ તેવી પરિસ્થિતિ. મેન્ટલી સિક માણસની પરિસ્થિતિ અને મેન્ટલી રિઝર્વ્ડ વ્યક્તિની સ્થિતિ લગભગ સમાન જ ! કોઈ કહે, કોઈ સમજાવે કે પછી કોઈ સલાહ આપે – ચંચળ મન તેને જે કરવું હશે તે બુદ્ધિને હરાવીને પણ કરાવે જ. તેમાં મુખ્ય હતું, શારીરિક આકર્ષણ. ગજબના હોર્મોન્સ અને અપ્રતિમ ઈચ્છાઓ ! તરુણાઈનો ઉંબરો ઓળંગીને આલિંગનની ઇચ્છાઓનો વજન કરવાની ઘટના હતી. સમી સાંજની બેચેની, ડાયરીમાં સચવાઈને પડેલા ચોકલેટના રેપર્સ, કોઈક પુસ્તકની વચ્ચે ચીમળાઈને પડેલું વિદ્યાનું પાંદડું – આ દરેક વાતો થોડી અલગ હતી. જે સમય સાથે ટકી નહિ રહે એ સમજ નહોતી. સ્કૂલ કોઈના ચહેરાના નૂરને વખાણવા જ જવાતું હતું. ઢળતી પાંપણમાં કેટલાયે અરમાનોની લિજ્જત હતી. એક ઘટના જે થઇ નહોતી, તે થશે ત્યારે કેવી હશે? એ અનુભવ કેવો હશે? એ વિચારીને જ ઝૂમવાની વાત બનતી. એ ‘ના’ કહીને પલભરમાં છૂટી જતી, ત્યારે સવાલ કરવામાં થોડી ઉતાવળ થઇ તેવું લાગતું. જીંદગી ત્યારે લીલોતરી લાગતી, વાત બધી સીધી લાગતી.

    આ વિચારો એક્ઝામના આગળના અઠવાડિયે આવતા હતા. છતાં, ક્રિષ્ના એ કૉલ કરવાની સીધા શબ્દોમાં ‘ના’ કહેલી – એ તરત મગજે ચડતું. ફરીથી ચોપડું ખોલીને શબ્દો સાથે રમવા માંડતો. એક દિવસ આ જ વિચાર મગજમાં ફરતો હતો. મનમાં થતું હતું કે, એક વાર ટ્રાય કરું? કૉલ કરીને ‘બેસ્ટ ઓફ લક’ કહી દઉં? પરંતુ, એ ઘરે નહિ હોય તો? બીજું કોઈ કૉલ રિસિવ કરશે તો? એ જ ક્ષણે, મમ્મીના સેલમાં રિંગ વાગી.

    હું પહોંચું એ પહેલા મમ્મીએ કૉલ રિસિવ કર્યો.

    “કોનો ફોન હતો?” મેં પૂછ્યું.

    “તારે શું છે? જેનો હોય તેનો ! કાલે એક્ઝામ છે, વાંચવાનું કરો !”

    “એ જ કરતો હતો, મમ્મી ! થોડો સમય ટી.વી. જોઈ લઉં, પછી વાંચીશ. આજે શું બનાવવાની સાંજે?” મેં વાત ફેરવી.

    “ખીચડી – કઢી. મોઢું જરાયે ન બગાડતો. પપ્પા એ જ આ બનાવવાનું કહ્યું છે. બાકી, હું તો સેન્ડવિચ બનાવવાની હતી.”

    “કેમ? પપ્પા ને શું પ્રોબ્લેમ છે?”

    “પ્રોબ્લેમ તને થશે, પપ્પાને નહિ ! એક્ઝામ તારે છે, એમણે એ એક્ઝામ વીસ વર્ષ પહેલા પૂરી કરી લીધી છે.” મમ્મીને હજુ થોડો સમય વાતમાં રાખીને તેની પાસેથી ફોન લેવાનો હતો. મને પાક્કી ખાતરી હતી કે તે કૉલ ક્રિષ્નાનો જ હોવો જોઈએ.

    “મમ્મી, અત્યારે મેગી તો બનાવી આપ. સાંજે હું ખીચડી ખાઈ લઈશ.”

    “મેગી માં શું આવે ખ્યાલ છે ને? મેંદો ! એ અત્યારે ન ખવાય. એક્ઝામ પછી તું જે કહીશ એ બધું બનાવી આપીશ.”

    “સારું, સારું. મમ્મી ફોન આપ તો ! ગાંગાણીને કૉલ કરી જોઉં ! એ આજે સાંજે વાંચવા આવવાનો છે કે નહિ, એ પૂછી જોઉં.” બહાનું બનાવ્યું અને સીધું લાગી ગયું.

    “હા, લે ! હમણાં-હમણાં બેલેન્સ બહુ કપાય છે. રાત્રે ફોનમાં શું કરો છો એ ખબર નથી પડતી. હવે રાત્રે ફોન લઈને સૂવાનું બંધ ! એક્ઝામ સુધી ફોન અડવાનો પણ નથી. મને એવું લાગે છે કે, રાત્રે છોકરીઓના રોજ ફોન આવતા હશે.” મમ્મી એ તો સીધો જ આક્ષેપ મૂક્યો. જે સાચો જ હતો. તેમાં શંકાને કોઈ સ્થાન નહોતું.

    “શું મમ્મી, તું પણ? મને કઈ છોકરી કૉલ કરે અને મારી જોડે વાતો કરે? મોઢું તો જો મારું !” એમ કહીને મમ્મી શાક સુધારતી હતી એ થાળીમાં ઘુસી ગયો અને ચહેરો બતાવ્યો.

    “મારો છોકરો છો, એટલે મને ખબર હોય ! આ ચહેરા પર કોઈ લાઈન મારે કે નહિ, એ મને ખ્યાલ પડે છે.” મમ્મી એ કોન્ફિડન્સથી કહ્યું.

    “કોઈના ફોન નથી આવતા મમ્મી ! એ તો રાત્રે અમુક દાખલાઓ સોલ્વ ન થાય એટલે પ્રતિકને ફોન કર્યો હોય. ત્યાં બધા વાંચવા સાથે ભેગા થાય, એટલે કોઈકની પાસે તો સોલ્યુશન તો મળી જ રહે.” માંડ મેં છોકરીના ફોન કૉલ્સની વાતોથી મમ્મીને છોડાવી.

    હું ફોન લઈને ગેલેરીમાં ગયો. રિસેન્ટ કોલ લિસ્ટમાં પહેલો જ નંબર ક્રિષ્નાનો હતો. મેં મિસકૉલ કર્યો. કારણ કે, જો તેની પાસે ફોન ન હોય અને બીજું કોઈ ઉઠાવે તો દાવ થઇ જાય ! તરત જ તેનો કૉલબેક આવ્યો. મેં રિંગ મમ્મીને સંભળાય તે પહેલા જ રિસિવ કર્યો. એકદમ ધીરે-ધીરે બોલી રહ્યો હતો.

    “હેય, બોલ ! કેમ અત્યારે કૉલ કર્યો?”
    “હું ઘરે હતી. ફ્રી હતી.”

    “ક્યાં ગયા બીજા બધા?”

    “બહાર ગયા છે. કોઈ ફંકશનમાં ! એક્ઝામનું બહાનું કાઢીને હું ઘરે જ રહી. મમ્મી એ કૉલ રિસિવ કર્યો હતો પહેલા?”

    “હા, મમ્મીએ રિસિવ કરેલો ! તું કેમ કઈ બોલી નહિ? આવું કરે તો તરત જ શક પડે જ ને યાર !”

    “શું બોલું? હું તો ડરી ગઈ. મારા મગજમાં કઈ જ ના આવ્યું.” આઈડિયા આપવામાં હું પહેલેથી માસ્ટર જ હતો. મેં ફરી એક આઈડિયા આપ્યો.

    “અરે પણ, તારે એમ કહેવાય – હેલ્લો, શ્રુતિ છે? હું રિદ્ધિ બોલું. ફોન જરા શ્રુતિને આપો ને ! આવું બોલે, તો મમ્મી સામેથી જ કહે – રોંગ નંબર. એ બહાને શક પણ ન પડે. બીજી વાર કૉલ કરીએ ત્યારે એમ કહેવાનું – મમ્મી, પપ્પાને ફોન આપ ને ! ટયૂશનની ફી બાબતે સર જોડે વાત કરવાની છે. આવું બધું બોલીને દરેક ફોન ‘રોંગ નંબર’ બનાવી દેવાનો !” ‘રોંગ નંબર’ બનાવવાનો આઈડિયા જોરદાર તો હતો જ ! છતાં, ક્રિષ્ના ને એ માફક આવે તેમ નહોતું. તે ગભરાઈ જ જતી.

    ત્યાં જ પાછળથી મમ્મીનો અવાજ આવ્યો, “શું ‘રોંગ નંબર’ની વાત થાય છે?”

    ક્રિષ્ના સાથે વાત ચાલુ હતી અને મેં ફોનમાં ‘એન્ડ કૉલ’નું બટન પ્રેસ કર્યું જ નહિ.

    “ગાંગાણી આવવાનો છે, રાત્રે?” મને અચાનક યાદ આવ્યું કે, મમ્મીના મન પ્રમાણે - ગાંગાણીને કૉલ કરવા માટે જ હું ફોન બહાર લાવ્યો હતો.

    “હા, મમ્મી ! એ જ પૂછું છું. પરંતુ, એના ઘરનો નંબર આ ફોનમાં સેવ નથી. તેની પાસે જે ફોન છે, તે બંધ આવે છે. તેથી મેં બીજા નંબર પર કૉલ કર્યો, જે ‘રોંગ નંબર’ થઇ ગયો.” એ દિવસથી નક્કી થઇ ગયું કે, કોઈ પણ વ્યક્તિને ભવિષ્યમાં ઈન્સ્ટન્ટ જવાબો આપી શકીશ તેવું ભાષાનું ઈંસ્ટોલેશન મારામાં ઓલરેડી થઇ ચૂક્યું છે.

    “સારું, સારું ! અડધી કલાક થઇ ગઈ છે. હવે વાંચવા બેસો. આવતી કાલે એકઝામ્સ છે.” એમ કહીને મમ્મી કિચન તરફ ગઈ.

    મેં ફરીથી ફોન પર ક્રિષ્ના જોડે વાત કરવાની શરૂઆત કરી. હજુ કાન પાસે રિસિવર લઇ ગયો ત્યાં જ, મને હસવાનો અવાજ સંભળાયો. એ ખડખડાટ હસી રહી હતી. એ હસતી-હસતી બોલી,

    “તું બહુ ચાલુ આઈટમ છે, બાકી !” આ સાંભળીને હું હસ્યો. ત્યાં પાછળથી મમ્મી એ આવીને ટોન્ટ માર્યો.

    “રાત્રે ગાંગાણી આવવાનો છે કે નહિ, એ પૂછવામાં આટલી બધી વાર લાગે? એકલા-એકલા ભાઈ હવે હસવા માંડ્યા છે, કઈ આડું-અવળું તો નથી ને?” ફરીથી શંકાની સોઈ મને વગાડી.

    ક્રિષ્ના મમ્મીની આ વાત સાંભળી રહી હતી. અમે બને ફરીથી હસ્યા. ‘એકઝામ્સ માટે ‘બેસ્ટ ઓફ લક’ કહીને શુભેચ્છાઓ પાઠવી. એક્ઝામ સેન્ટર અમારે બંનેને અલગ-અલગ હતા. મારો નંબર ‘આઈ. પી. સવાણી સ્કૂલ’માં હતો. જે ‘આઈ. સી. ગાંધી’ના નામથી ફેમસ હતી. તેનો નંબર અમારી જ સ્કૂલ ‘રામકૃષ્ણ વિદ્યાભવન’માં હતો. ફોન મૂકીને આવનારી એકઝામ્સ માટેની તૈયારીઓ શરુ કરી દીધી.

    અંતે, એકઝામના આગળના દિવસે સ્કૂલમાં જઈને ક્લાસ જોઈ આવ્યા.

    બીજે દિવસે સવારે એકઝામ આવીને ઉભી રહી. અમારું પેપર સવારે સાડા દસ વાગ્યાનું હતું. મારા કરતા મમ્મી-પપ્પાને વધુ ખુશી હતી. ‘ખૂબ આગળ વધો’ના આશીર્વાદ લઈને હું સ્કૂલ ગયો. મારા ઘરની સામે જ સ્કૂલ હતી. બોર્ડની એક્ઝામ પહેલી જ વાર હોઈ પોલિસ બંદોબસ્ત જોઇને અચરજ લાગ્યું. લગભગ એકાદ કલાક પહેલા જ બધા આવી પહોંચ્યા હતા. અમુક સ્કૂલના જાણીતા મિત્રો પણ હતા. અંતે, અમને તિલક કરીને સ્કૂલમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો. ક્લાસની બહાર ઠંડા પાણીની વ્યવસ્થા હતી. મહત્વની વાત એ હતી કે, મારી પાછળ એક છોકરી હતી. અને, તે બીજું કોઈ નહિ પરંતુ – કનિષ્ઠા હતી. જે અમારી સ્કૂલમાં જ હતી. અમે બંને એક જ ક્લાસમાં વર્ષોથી હતા.

    કનિષ્ઠા ચેમ્પિયન હતી. જીમ્નેશિયમમાં ઢગલાબંધ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવી ચૂકી હતી. દેખાવમાં અદ્દલ ચાઇનીઝ લાગે. પરંતુ, કોઈપણનો પોટેન્શિયો હલબલાવી મૂકે તેવી હતી. અમે બંને સ્કૂલમાં બહુ ફ્રેંક હતા. શી ઈઝ ટુ હોટ ! બ્લેક શર્ટ અને ચપોચપ જીન્સ પહેરીને મારી પાછળ જ બેઠી. પહેલું જ પેપર ગુજરાતીનું હતું. શર્ટનું પહેલું બટન ખુલ્લું હતું.

    “હેય, કંદર્પ ! તું તો યાર ક્રિષ્ના જોડે જોરદાર જમાવીને બેઠો છે, એવી વાતો મળે છે.”

    “અહા ! તો કદાચ સાચી હશે.” આવું કહીને અમે બંને હસ્યા. સુપરવાઈઝરે અમને પોતાની બેંચ પર વ્યવસ્થિત બેસવા કહ્યું. શરૂઆતની વીસ મિનિટ માટે ક્વેશ્ચન પેપર વાંચવા અપાયું. મેં અને કનિષ્ઠા એ નક્કી કર્યું કે, છેલ્લી અડધી કલાકમાં બંને એ એકબીજાને જે ન આવડતું હોય એ પૂછવું. હું લખ્યે જ જતો હતો. વ્યાકરણ મારું સારું હતું. કનિષ્ઠા એ છેલ્લે મને વ્યાકરણ પૂછ્યું અને મેં તેને જે-તે પાઠના લેખકો / કવિઓના નામ તેને પૂછ્યા.

    કનિષ્ઠા એ મારી પીઠમાં પાછળથી પેન્સિલની અણી મારી.

    “એય, કંદર્પ ! મને વ્યાકરણમાં બધું કહેતો જા.” મેં બધું લખાવ્યું અને મારે જે પૂછવાનું હતું એ તેને પૂછ્યું.

    પેપર પૂરું થયું ત્યારે મેં પાછળ ફરીને જોયું. બ્લેક શર્ટ અને વ્હાઈટ બ્યૂટી. આટલા નજીકથી મેં કદી ક્રિષ્ના ને પણ નહોતી જોઈ. તેણે મને હાથ મિલાવ્યો. તેના માટે એ સહજ હતું. કારણ કે, તે સ્પોર્ટ્સ પર્સન હતી. તેને માટે એઝ યુઝઅલ હતું. મજા આવી. તે દિવસે એક દોસ્ત મળી. પહેલી જ વાર લાઈફમાં કોઈ છોકરી દોસ્ત બની શકે તેવું લાગ્યું હતું. આવી રીતે અમે બધી એકઝામ્સ પૂરી કરી.

    છેલ્લા પેપર વખતે અલગ પ્રકારની અનુભૂતિ જ થતી હતી. છૂટા પડી જશે. અલગ-અલગ ફિલ્ડમાં બધા ડિવાઈડ થઇ જશે. એ પણ અંદાજ હતો. તેના પરથી મને એવું પણ લાગ્યું કે, કદાચ ક્રિષ્ના જો ’બી’ ગ્રુપ લેશે તો નક્કી અલગ થવાનું આવશે જ ! છતાં, ૧૦ બોર્ડની ખૂબ સારી રીતે પસાર થયેલી એક્ઝામની મજા લેવા ઈચ્છતો હતો. છેલ્લા સમગ્ર વર્ષ દરમિયાન ગામડે નહોતું જવાયું. હવે, ૩ મહિનાના વેકેશનમાં ગામડે જવાની ઈચ્છા હતી. તેના માટે એક્ઝામ પહેલા જ ટિકિટ લેવાઈ ચૂકી હતી. ક્રિષ્ના પણ તેના રિલેટીવને ત્યાં મુંબઈ જઈ રહી હતી. એક્ઝામ પછી માત્ર એક જ વખત તેની સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. એ દિવસે નક્કી કર્યું હતું કે, હવે સીધા સ્કૂલ ખૂલશે ત્યારે જ મળીશું. ત્યાં સુધી અલવિદા કહેવાઈ ચૂક્યું હતું. એ મેં પછી કદી ફોન કરવાનો પ્રયત્ન પણ નહોતો કર્યો. હવે, ધીર-ધીરે આકર્ષણ પણ ઓછું થઇ રહ્યું હતું.

    (ક્રમશ:)

    *****