Jamo, Kamo ne Jetho - 14 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ

છેલ્લે એ મોજ કરી કે,

(એકઝામ્સ નજીક આવતી જતી હતી – પેરેન્ટ્સ હવે વધુ ધ્યાન રાખતા હતા – હું અને ક્રિશ્ના સમય મળ્યે ફોન પર વાતો કરી લેતા હતા – રિસિપ્ટ લઈને એકઝામના આગળના દિવસે સ્કૂલો જોવા નીકળી પડ્યા – વડીલો અને કુટુંબીજનો દ્વારા મળતી શિખામણો – ક્રિશ્નાનું તેની સિસ્ટર વિષે જણાવવું – તેની સિસ્ટર અને તેના બોયફ્રેન્ડ વચ્ચે લગ્નની દરખાસ્ત ઘરે મૂકવાની વાત કરવી - ક્રિશ્નાનો ‘બેસ્ટ ઓફ લક’ કહેવા કૉલ કરવો અને તે મારી મમ્મી દ્વારા રિસિવ કરવો – એક્ઝામના દિવસે કનિષ્ઠાનું મારી પાછળ બેસવું – સાથે મળીને સમગ્ર પેપર લખવા – એક્ઝામ પછી ક્રિશ્નાનું મુંબઈ જવું – ક્રિશ્ના સાથે કોન્ટેક્ટ ન રહેતા આકર્ષણ ઓછું થવું)

આગળ મોજ કરીએ ચાલો,

-: મોજ – ૧૪ : વેકેશન : દાદા દાદી કૉલિંગ ! :-

હવે ધીરજ ખૂટી રહી હતી. વેકેશનમાં ગામડે જવાની ઉતાવળ દર વર્ષે હોય તેના કરતા વધુ હતી. તાલાવેલી હતી. કારણ કે, ૧૦ મું ધોરણ બોર્ડનું વર્ષ હોવાથી દિવાળીનું વેકેશન પણ સુરત જ પસાર કર્યું હતું. દાદા-દાદીને મળ્યો તેને લગભગ વર્ષ થઇ ચૂક્યું હતું. ઉપરાંત, બોર્ડની એકઝામ્સ એપ્રિલમાં પૂરી થઇ જતી હોવાથી ત્રણેક મહિનાનું લાંબુ વેકેશન મળે. એ સમયે એક્ઝામ પૂરી થવાની જ રાહ જોવાતી હોય. ટાઈમ-ટેબલ આવે એટલે તરત જ પપ્પા ગામડે જવાની ટિકિટ લખાવી આવે ! છેલ્લા બે અઠવાડિયા ગામડે જવાના ઉત્સાહમાં જ નીકળી જતા.

એક્ઝામ પૂરી થાય એટલે પપ્પા રોજ સાંજે નવી-નવી વાતો કરે ! મમ્મીના ખોળામાં માથું રાખીને પપ્પાને સાંભળવાની અનુભૂતિ છે, તે સદેહે સ્વર્ગ છે. મમ્મી પપ્પાના ચહેરા સામે જોયા કરે અને મારા માથામાં હાથ ફેરવતી જાય ! મમ્મી અને પપ્પા વચ્ચે આમ જ સદાય પ્રેમ કાયમ રહેતો. તે પ્રેમને કાયમ રાખવા માટેનું કારણ હંમેશા હું જ બનતો ! એક દિવસ પપ્પાએ બા-દાદાની વાતો કરવાનું શરુ કર્યું.

“દીકરા, સુઈ ગયો?”

“ના, પપ્પા ! CID જોઉં છું. એ પૂરું થાય પછી TV બંધ કરી દઈશ.”

એ સમયે ‘સબ કી લાડલી બેબો’, ‘સચ કા સામના’, ‘શૌર્ય ઔર સુહાની’, ‘અગલે જનમ મોહે બિટિયા હિ કીજો’, નવું-નવું શરુ થયેલ ‘બિગ બોસ’, ‘કિતની મોહબ્બત હૈ’, ‘લાપતાગંજ’, ‘ઈમોશનલ અત્યાચાર’, ‘પવિત્ર રિશ્તા’, ‘સા રે ગા મા પા’ – આ બધી સિરિયલ્સનો દબદબો હતો. દિવસભર એ જ ચાલુ હોય. રાત્રે મમ્મી જોડે સિરિયલ્સ જોવાની ! પપ્પા આવે એટલે ‘બિગ બોસ’ ચાલુ હોય તો ચેનલ ચેન્જ કરી દેવાની અથવા TV બંધ કરી દેવાનું ! આ નિયમ બની ચૂક્યો હતો.

“ના, બેટા ! અહી આવ તો ! આખો દિવસ તો TV જોયું ! હવે પપ્પા - મમ્મી જોડે બેસવાનું ને થોડી વાર?”

પપ્પાની વાત ક્યારેય નહિ ટાળવાની !

“હા, બ્રેક પડે એટલે આવું !”

“સારું ! ટેરેસ પર આવી જા ! ફાસ્ટ ફાસ્ટ...અને સાંભળ, ફ્રીજમાંથી પાણીની બોટલ લેતો આવજે ! લાઈટ બંધ કરી દેજે. નીચે ગ્રિલને લોક કરતો આવજે. રસોડાનું બારણું બંધ કરજે. નીચેના લોકની ચાવી પણ ઉપર આવે ત્યારે લેતો આવજે.” આ રોજનું કામ હતું. જે હંમેશા મગજમાં જ હોય.

એ સમયે મમ્મી-પપ્પા સમગ્ર દિવસ દરમિયાન થયેલ વાતોને એકબીજા સમક્ષ છૂટી મૂકે. એપ્રિલથી ગરમી શરુ થાય એટલે ટેરેસ પર ઠંડા પવન સાથે સૂવાની મોજ માણવાની ! એમ પણ, બે દિવસ પછી આનાથી વધુ મીઠી ઊંઘ લેવા બા-દાદા પાસે ગામડે જવાનું હતું.

હું થોડીવાર પછી TV બંધ કરી અને ફ્રેશ થઈને ટેરેસ પર ગયો. સીધો જઈને મમ્મીના ખોળામાં માથું નાખીને સૂતો. મમ્મીએ માથામાં હાથ ફેરવવાનું શરુ કર્યું. હજુ ગઈ કાલે જ એક્ઝામ પૂરી થઇ હતી.

પપ્પા એ પૂછ્યું, “કેવી રહી એક્ઝામ બેટા? તારા મિત્રોને કેવવા પેપર ગયા?”

“અરે મસ્ત ! બધું સહેલું જ હતું. વિજ્ઞાનનું પેપર જરા લાંબુ હતું. પણ, છેલ્લી ૧૦ મિનિટ બાકી હતી ત્યાં જ લખાઈ ગયું હતું.”

“સરસ ! તારા માટે એક સરપ્રાઈઝ છે !” પહેલીવાર પપ્પાએ સરપ્રાઈઝ શબ્દને પોતાની જીભ પર સ્થાન આપ્યું હતું.

“સરપ્રાઈઝ ?”

“તારે પેપર સારા ગયા તેથી તારા માટે એક કપડાંની જોડ લાવ્યો છું !”

હું તો તરત જ મોજમાં આવી ગયો. તરત જ મમ્મીને પૂછ્યું, “મમ્મી, ક્યાં છે? પપ્પા ગપ્પાબાજી તો નથી કરી રહ્યા ને ? રિઝલ્ટ આવે ત્યારે ગિફ્ટ આપવાની હોય ! અત્યારે થોડી હોઈ ?”

“કેમ વળી ? હું તારા માટે કઈ ન લાવી શકું ? દર વખતે મમ્મી જ લાવે ?” એમ કહીને પપ્પા મારી તરફ હસ્યા અને ઓશિકાં નીચેથી એ સરપ્રાઈઝ જોડી મને આપી.

“મમ્મી, હું ટ્રાય કરતો આવું?”

“અરે, એ તો હું ના કહીશ છતાં તું જવાનો જ છે !” મમ્મી બોલી રહે એ પહેલા જ હું દોડ્યો.

ફટાફટ હું નીચે ઉતરીને રૂમમાં ગયો અને ચેન્જ કરીને ફરી ટેરેસ પર બતાવવા આવ્યો.

“મમ્મી, કેવો લાગુ છું?” એકદમ ઉત્સાહ સાથે મમ્મીને પૂછ્યું.

“એકદમ હિરો !” આંગળીઓ વડે ‘મસ્ત’નો સિમ્બોલ બનાવીને કહ્યું.

પપ્પા તરત જ બોલ્યા, “બેટા ! નીચે બેસી જો ! થોડું ચાલી જો ! પેન્ટ ફિટ નથી પડતું ને ? શર્ટ બરાબર થાય છે ને ? ભિંસાતો નથી ને ?”

“ના પપ્પા ! જરાયે નહિ !” ગમે તેટલું ફિટ હોય, પણ ગમે એ શર્ટ કે પેન્ટ પહેરવું જ ! આ નિયમ હતો. માંડ ક્યારેક સામે ચાલીને પપ્પા લઇ આપતા હોય, ત્યારે વળી આમ-તેમ કરીએ તો ફરી બે દિવસ બીજા બગડે !

“હવે એ પહેરીને જ સૂઈ જઈશ ? જા, કેપ્રી અને ટી-શર્ટ પહેરતો આવ !” મમ્મી એ કહ્યું.

*****

અંતે, હું - મમ્મી અને પપ્પા સાથે બેઠા.

પપ્પા એ કહ્યું, “દાદા ને કૉલ કરી દીધો છે. એમને કહ્યું છે કે, લાલો સોમવારે સાંજે અહીંથી બેસશે અને સવારે પહોંચી જશે.”

“તારા આવવાની બા-દાદાને એટલી બધી ખુશી હોય કે દર વખતે કઈ ને કઈ મીઠાઈ બનાવીને જ રાખી હોય ! ખાસ કરીને પેંડા ! કેટલાયે દિવસથી દૂધ બચાવીને કણીવાળા પેંડા બનાવવાની તૈયારીઓ ચાલતી હશે ! અને, મોહનથાળનો ડબ્બો ભરીને સુરત મોકલાવશે એ અલગથી !” મમ્મી બોલી.

“આ વખતે બા ને ફોન કરીને કહેવું છે કે, આ બધી ફાજલ ધમાલ ન કરે ! એક તો હવે ઉંમર થઇ છે અને તેમાં આવું બધું શા માટે કરવાનું? હવે શહેરમાં બધું મળી રહે છે !” પપ્પા બોલ્યા.

ત્યારબાદ પપ્પા એ ટોપિક કાઢ્યો.

“અત્યારે તારા બા-દાદા શું વિચારતા હશે, ખબર ?”

“મને શું ખબર હોય પપ્પા ! હું કઈ થોડો શક્તિમાન છું ?”

પપ્પા અને મમ્મી હસી પડ્યા.

“એક કામ કરીએ ! તને ફ્રી માં ફિલ્મ બતાવીએ. છે તૈયાર ?” પપ્પા એ મારા તરફ જોઇને પૂછ્યું.

“મજા જ આવે ને પપ્પા ! એમ પણ તમે કદી થિયેટરમાં ક્યાં લઇ જાઓ છો ?”

“થિયેટર તને અહી જ લાવી આપું ! જો, હું અને તારી મમ્મી બંને એક નાટક જેવું ભજવીએ. હું દાદાનું પાત્ર ભજવીશ અને મમ્મી એ બા ના સંવાદ બોલશે !” પપ્પા એ પૂછ્યું.

“પરંતુ, પપ્પા ! તમને કઈ રીતે ખબર પડશે કે, અત્યારે બા-દાદા આવું જ વિચારી રહ્યા હશે ?”

“હું જયારે નડિયાદ આયુર્વેદ કરતો હતો ત્યારે દાદાની ચિઠ્ઠી આવતી. હું પણ તેમને ચિઠ્ઠી લખતો. પૈસાની જરૂર હોય ત્યારે પણ અમારો પત્ર વ્યવહાર થકી જ સંપર્ક થતો. દર મહિનાની દસમી તારીખે ૩૦૦ રૂપિયાનું કવર આવી જતું. એટલે, હું બા-દાદાને બહુ સારી રીતે ઓળખું છું. એમની સાથે મારો સંબંધ અતુલ્ય છે.” ખોંખારો ખાઈને પપ્પા એ વાત અટકાવી.

મમ્મી અને પપ્પા એ નાટક શરુ કર્યું. પપ્પા બેકગ્રાઉન્ડ વિષે માહિતી આપતા જાય છે. અને, મમ્મી બોલતી જાય છે.

“કહું છું, ક્યાં જઈ આવ્યા? સવાર-સવારમાં તમને જોયા નહિ, એટલે ધાર્યું કે વાડી એ ગયા હશો !” બોઘડીમાંથી માખણ તારીને બા એ દાદાને પૂછ્યું.

“હા, વાડી એ ગયો હતો. તમે શિરામણ કરી લીધું? બાકી હોય તો આવો, સાથે કરી લઈએ.” દાદા એ પોતાની લાકડી બારસાંખ પર લટકાવી. હાથ-મોઢું ધોઈને જમના બા ને પૂછ્યું.

બંને સવારે જમવા બેઠા. માખણનો પિંડો ભાખરી પર લગાવીને દેવરાજ દાદાને આપ્યો. સાથે છાલિયામાં ચોંટે તેવું દૂધ આપ્યું. દેશી ગોળનો દડબો આપ્યો. દાદા એ દસેક વર્ષ પહેલા બાયપાસ સર્જરી કરાવ્યા પછી ડોકટરે આજીવન દવા સૂચવી હતી. તે રેગ્યુલર દવા લીધી અને હિંચકે બેઠા.

“જરા, આ ઘડિયાળને ચાવી આપી દેજો ને ! કાલ સાંજની બંધ થઇ ગઈ છે. મને ઘડિયાળ બંધ થાય એટલે અપશકુન થશે તેવા ખોટા વિચારો આવ્યા કરે છે.” દાદી એ જરા અકળાઈને કહ્યું.

“તમે ખોટા વિચારો બહુ કરો પાછા ! એવું કઈ ના હોય.” દાદા એ ઉભા થઈને ઘડિયાળ ઉતારી અને તેને ચાવી આપી. એટલી વારમાં દાદી એ કેલેન્ડરનું પાનું ફાડયું.

દાદા ફળિયામાં ઉગેલા તૂરિયાં-દૂધીના વેલાઓને સરખા કરીને રીંગણી પાસે ગયા.

“કહું છું, સાંભળ્યું કે ! ઉનાળામાં રીંગણી નથી કરવી. છોકરાઓ આવે શે’રમાંથી ત્યારે તેઓ નથી ખાતાં. અત્યારે કડચું લાગે ! તમે હમણાં આ કાઢી નાખો. થોડી જગ્યા થઇ જાય અને છોકરાઓ ફળિયામાં રમી શકે.”

“આ ઉનાળાનું તો વાડી એ પણ બળી ગયું હશે બધું ! તડકો થાય એ પહેલા ભાતું લઈને પહોંચી જઈએ. બપોરે લીમડા નીચે ઢોલિયો ઢાળીને આરામ કરીશું. ઘરે તો, ખાલી મેડી નીચેના રૂમમાં ઠંડક રે’ય ! થોડુંક પાણી ફળિયામાં નાખી દઈએ. સાંજે ઘરે આવીએ તો ઘર ઠંડુ રહે.” દાદીએ છાસની બરણી ભરી. રોટલાની અંદર કાંદા સમારીને મૂક્યા. દૂધીનું શાક ભર્યું. ગોળ, મરચું-લસણની ચટણી અને રૂમાલ લઈને બંને ચાલતા થયા.

બપોરના સમયે એક કંતાન પાથરીને બંને બેઠા. દાદી એ ભાતું ખોલ્યું. ટિફિનના એક ડબ્બામાંથી ગોળ-કાંદા કાઢ્યા. લીમડે ખીંટીએ લટકાવેલી બરણી ઉતારી. માટલા ઉપર રહેલો ગ્લાસ કાઢ્યો અને તેમાં છાસ ભરી.

“તમે ગ્લાસ ભૂલી ગયા કે શું?”

“હા. આજે ઉતાવળમાં ભૂલી ગઈ.”

“તેઓ મતલબ, આજે ફરીથી મને તમારા જોડે છાસ પીવા મળશે એમ ને?” દાદા એ મજાક કરી.

“હજુ એવું જ લાગે છે, કે આપણે હજુ પરણીને આવ્યા છીએ. તમે જરાયે મોટા જ નથી થયા.”

“હા, તું પણ ક્યાં મોટી થઇ છે? બસ, આ ચહેરા પર થોડી કરચલીઓ વધી ગઈ છે.”

“ભવ પૂરો થયો. હમણાં આયખું વીતી જશે. દુનિયામાં બધું જોવાઈ ગયું.” દાદી સંતોષના શ્વાસ સાથે બોલ્યે જતા હતા.

“હા. સાચી વાત કહી તમે ! છોકરાઓ મોટા થઇ ગયા. ધીરે-ધીરે બધા શહેરમાં ગોઠવાઈ ગયા છે. છોકરા ના છોકરાઓ પણ હવે મોટા થવા લાગ્યા છે.”

“અરે હા, હું તમને કહેવાનું ભૂલી ગઈ કે – ગઈ કાલે સુરતથી ફોન આવ્યો હતો. મોટો કહેતો હતો કે, છોકરાઓને અહી આવવું છે. બાજુમાંથી ટેણિયાઓ પણ અવાજ કરતા હતા કે, દાદા-દાદી પાસે જવું છે.”

“અરે હા ! હું તો ભૂલી જ ગયો કે, એપ્રિલ પૂરો થવા આવ્યો. છોકરાઓ આવશે. હું આવતી કાલે જ રવજી પાસે જઈને પાટિયું ઘડાવી આવું. પેલા લાલુ ની દુકાને દડી લઇ આવું. છોકરાઓ રમવાનું સાધન મળી જશે. આપણી બાજુમાં લક્ષ્મણના છોકરાઓને કહી આવું કે, શે’ર માંથી છોકરાઓ આવે છે. એટલે તેમને કંપની મળી રહે.” દાદા જાણે આજે જ બાળકો આવવાના હોય તેવા ઉત્સાહથી એકી શ્વાસે બધું બોલી ગયા.

“અને, સાંભળો ! આપણે રોજ લિટર દૂધ લાવીએ છીએ એના બદલે સવા લિટર લાવીશું. રોજ થોડું-થોડું માખણ બચાવીને ઘી જમા કરીશું. એ બધા આવે એટલે મીઠાઈ બનાવવી હોય તો આપણે તરત વ્યવસ્થા ન કરવી પડે ને ! અને હા, તમે પાછા એમની માટે બાજુવાળા ભૂપત ‘ને ત્યાંથી પંખો લઇ આવજો. નહિંતર, છોકરા બિચારા ગરમીના હેરાન થઇ જશે ! માંડ એમને વર્ષે મોટું વેકેશન મળતું હોય.”

દાદી એ પણ પોતાની વ્યવસ્થા કરી રાખી.

“રોજ સવારે હું બધાને વાડી એ લઇ જઈશ. ત્યાં જઈને એમને ઘાસના પૂળા પર બેસાડીને વાર્તાઓ કહીશ. ખેતીવાડી વિષે સમજાવીશ. ગાયો-ભેંસોના હવાડે લઇ જઈશ. આપણી ગામની મોટી સ્કૂલમાં ક્રિકેટ રમવા જઈશું.” દાદા સપનાઓ જોવા લાગ્યા હતા.

“બિચારા, છોકરાઓ આખું વર્ષ ભણે જ છે ને ! માંડ મહિનો રમવા મળ્યો હોય. પછી વાંચવા-લખવાનું જ છે ને !”

બપોરે ખાટલા પર બેસીને દાદા એ દાદીને કહ્યું, “હજુ આપણો મોટો પાંચ વર્ષનો હતો હમણાં ! રોજ તમારી આંગળી પકડીને વાડીએ આવતો અને લીમડે રમત રમતો. એ ય મોટો થઇ ગયો, ઘર બંધાઈ ગયું અને એને ત્યાં છોકરાઓ થઇ ગયા.”

બંને એકબીજા તરફ સામે જોઈ રહ્યા.

“છોકરાઓને મોટા કરવામાં આ સમય ક્યાં જતો રહ્યો એ જ ન સમજાયું. મારા માટે તો મોજ-શોખ એ છોકરાઓને ઉછેરવામાં જ હતો. અને, તમારે માટે શોખ એટલે કામ કરીને સાંજ પડ્યે અમુક કાવડિયા લાવીને ઘર ચલાવવામાં !”

“બહુ, સંતોષપૂર્ણ જીંદગી પસાર થઇ ગઈ. હવે, કોઈ માંગણી નથી. છોકરાઓ તેની રીતે ઘર ચલાવે. એમને ખુશ જોઇને જ આપણા હૈયાને ટાઢક મળે છે.”

"તમે સાથે હતા, એટલે બધું સમું-સૂતરું પાર પડ્યું." દાદી એ દાદાને જોઇને કહ્યું.

"એ તો તમે જ હતા, ઉષા ! વાડીના ખેતીકામથી ઘરે આવ્યા પછીના સમયમાં પણ છોકરાઓને સારા સંસ્કારો આપ્યા ! જેને લીધે છોકરાના છોકરાઓ આજે શે'ર મૂકીને ગામડે આવે છે."

બંને એકબીજા સામે નિર્દોષતાથી જોઈ રહ્યા. તેમના ચહેરા પર સંતોષનો થાક હતો. ચાવી ભરતાં-ભરતાં અને કેલેન્ડરના પન્ના ફાડતાં-ફાડતાં જીવન વીતી ગયું. છતાં, આજે પણ સવારની પૂજા તો પોતાના સંતાનોના સુખ માટેની જ થાય છે.

*****

બસ, આટલું બોલીને પપ્પાએ મમ્મી તરફ જોયું. પછી મને પૂછ્યું, “મજા આવી ને નાટક જોવાની ?”

“અરે, પપ્પા ! જોરદાર ! તમે પિક્ચરમાં ચાલો એમ જ છો ! તમે ‘હિતેન કુમાર’ બની જજો અને મમ્મી ‘રોમાં માણેક’ ! જોડી જામશે.” હું બોલ્યો.

પપ્પા એ હસીને મમ્મી તરફ જોયું અને બોલ્યા,

“આપણા છોકરાઓ પણ મોટા થઇ ગયા.”

“જવું છે ને બા ના હાથના પેંડા ખાવા ? રોજ તડકામાં રમવા નહિ નીકળી પડતો. ત્યાં જો કઈ થાય તો દાદા તને ક્યાં લઈને ફરશે ? બહુ હેરાન નહિ કરતો. અને, સાંભળ ! ખારામાં મેચો રમવા જાવ તો ધ્યાન રાખવું. ઓછી કુલ્ફીઓ ખાજે ! ગામમાં જ ફેક્ટરી હોય તો તેનો મતલબ એવો નથી કે પેટમાં પધરાવ્યા જ કરવાની !” પપ્પા સલાહ આપી રહ્યા હતા. બે દિવસ પછી ગામડે જવાની તૈયારીઓ થઇ ચૂકી હતી. ગામડું મારા માટે ‘દેશ’ હતું. હું હંમેશા એમ કહે તો કે, ‘દેશમાં જાઉં છું’.

ઉત્સાહ ઉફાન પર હતો. ખ્યાલ નહોતો કે, ગામડે જઈશ ત્યાં પ્રોવિઝન સ્ટોર ધરાવતા વેલજીકાકાની છોકરી મને ગમશે !

(ક્રમશ :)

*****

E-mail: Patel.kandarp555@gmail.com

Phone: +91 9687515557