દીકરી મારી દોસ્ત (પ્રકરણ - 12)

દીકરી મારી દોસ્ત

12 ..

એ.બી.સી.ડી......આડીઅવળી.. છલકે ખુશી...તારા ભીના અસ્તિત્વે....મહેકે મન લાડલી ઝિલ, આજે...આજે પરમ આશ્ર્વર્ય.. આનંદ ...આનંદ..

” આજે તારો કાગળ મળ્યો, ગોળ ખાઇ ને સૂરજ ઉગે એવો દિવસ ગળ્યો. ”

આજે તેં હોસ્ટેલમાંથી ઘણાં સમય બાદ મને કાગળ લખ્યો. લાંબો મજાનો.. તારા અંતરની ઉર્મિઓ વ્યકત કરતો.. એ કાગળ એક મા માટે અમૂલ્ય સંભારણુ સ્વાભાવિક રીતે જ બની રહે. અને સાચું કહું તો મને તો આ ફોન કયારેય ગમતા નથી. ફોનથી તો સમાચાર પૂછી શકાય કે સમાચાર મળી શકે. ભાવની ભીનાશ એમાં કયાં ? કાગળ તો મન થાય એટલી વાર...ગમે ત્યારે વાંચી શકાય..માણી શકાય. અને એક જ લાગણી મનફાવે ત્યારે, તેટલીવાર અનુભવી શકાય. કોઇ ઉદાસ પળનો એ સથવારો બની રહે.

એટલે ટપાલીએ લેટર હાથમાં મૂકયો..અને તારા અક્ષર જોયા ત્યારે આ લાઇન મનમાં રમી રહી. “એક ટપાલી મૂકે હાથમાં, વહાલભરેલો અવસર

થાય કે બોણી આપું ? કે પહેલાં છાંટુ અત્તર ?” કેવી સરસ પંક્તિ છે નહીં ? કોની લખેલી છે.. એ તો આજે યાદ નથી. પણ લખનારને સલામ કર્યા સિવાય કેમ રહેવાય ? કાગળમાં તેં પણ કેટલીયે યાદો લખી હતી. તું ત્યાં બરોડામાં છલકતી હતી..અને હું અહીં..દૂર રહી ને. આપણું ભાવવિશ્વ અલગ અલગ જગ્યાએ એકસાથે ઉજાગર થયુ હતું. તારી પરીક્ષાઓ પાસે આવતી હતી.એવું પણ તેં લખેલ.

પરીક્ષાની સાથે..મારા મનમાં તારી સ્કૂલની પહેલી પરીક્ષા ...એલ.કે.જી.ની પરીક્ષાની યાદ આવી ચડી. ત્યારે તારે મૌખિક પરીક્ષામાં ફૂલના અને ફળના પાંચ નામ બોલવાના હતા. અને તને પાંચ તો શું દસ આવડતા હતા. પણ ઘેર આવી ને મેં પૂછયું..ત્યારે આરામથી કહી દીધું ‘ મારે થ્રી જ બોલવા હતા.! ’ મારે તો શું કહેવું તને એ યે સમજ ન પડી. ખીજાવાનો કોઇ અર્થ કયાં હતો ? ત્રણ વરસની બાળકી ને શું પરીક્ષા ને શું પરિણામ ? નંબરની અમને મા બાપ ને પડી હોય..તમે તો ત્યારે એ બધાથી પર હતા. હજુ સંસારનો પવન સ્પર્શ્યો નહોતો. અને બીજે દિવસે મેથ્સની પરીક્ષા આપવા જતી વખતે તેં કેવી યે નિર્દોષતાથી પૂછેલ, ’ હેં મમ્મી,મેથ્સ એટલે શું ? ’ અને મારી પાસે જવાબ કયાં હતો ? તારા ટીચરે તમને કોર્ષ લખેલ કાગળ આપેલ અને સાચવવા કહેલ હશે એટલે ઘેર આવી ને, ‘ મમ્મી, આને કબાટની અંદર મૂકી દે. સાચવવાનો છે. ‘ હું એમાં જોતી હતી.કે કોર્ષમાં શું છે...ત્યાં તો તેં જોવાની ચોખ્ખી ના પાડી દીધી. ‘ મારા ટીચરે સાચવવાનું કહ્યું છે.. કંઇ બધું જોઇ લેવાનું નથી. ‘ અને તને કેટલો યે વાંધો પડી ગયો હતો. અંતે મારે “ સાચવીને ” કબાટમાં મૂકી દેવો પડયો હતો. અને પછી તું સૂઇ ગઇ ત્યારે કોર્ષ જોવો પડયો હતો. પ્રસંગોની વણઝાર આજે વણથંભી આગળ ચાલે છે. અને આંખો સામે ઉલેચાય છે આખો યે અતીત.

“ કોઇએ ગીત છેડયું ને....જાગી ગયું આખું યે તળાવ.”

એલ.કે.જી.નું વરસ પૂરુ થયું ત્યારે તો તું કેવી યે ખુશખુશાલ થઇ ઉઠી હતી અને મને કહ્યું હતું, ‘ મમ્મી,હવે ભણવાનું પૂરુ ને. ? હવે મને આખી એ.બી.સી.ડી.અને વન ટુ હંડ્રેડ ( 1 થી 100 ) આવડી ગયા છે ને ? ‘ શૈશવના એ બધા પ્રશ્નોના જવાબ કોઇ પણ મા બાપ માટે આસાન થોડા જ હોય છે ? અને બેટા,એક એક રીતે કહું તો આમે ય આજે પણ તું એ વન ટુ હંડેર્ડ અને એ.બી.સી.ડી. માં જ રમે છે ને ? અમે તને સીધી શીખવાડી હતી. હવે તું એને આડી અવળી કરીને લખે છે.. બસ આટલો જ ફરક છે ને ? નવો એકે ય અક્ષર તેં કયાં શીખ્યો છે ? !

શૈશવ માટે દુનિયા કેટકેટલા વિસ્મયથી ભરેલી હોય છે ? આ તો જોકે વીસ થી બાવીસ વરસ પહેલાની વાતો છે. પણ મને લાગે છે..આ આટલા વરસોમાં યે દુનિયા ઘણી આગળ વધી ગઇ છે.! આજે એકવીસમી સદીનું બાળક ટી.વી..મોબાઇલ..કોમ્પ્યુટર..વિગેરેથી એટલું બધું પરિચિત થઇ ચૂકયું છે..કે તેની વિસ્મયની દુનિયા સાંકડી થતી જાય છે. એની આંખોનું અચરજ ઓછું થતું જાય છે. મને તો એ જરાયે નથી ગમતું...પણ મારા ગમા, અણગમા પર દુનિયા થોડી ચાલે છે ? અમે ચાર પાંચ વરસના હતા ત્યારે,...તું ચાર પાંચ વરસની હતી ત્યારે,...અને આજનું એ ઉંમરનું બાળક....અને કાલે તમારા છોકરા એ ઉંમરના થશે ત્યારે કેટલો વિશાળ તફાવત પડી ગયો લાગે છે. આજે તો પાંચ વરસના બાળકનું જ્ઞાન..માહિતી જોઇ ને આશ્ર્વર્યચકિત થઇ જવાય છે.અમે તો કેવા ઘોઘા જેવા હતા. મારા વર્ગમાં ભણતા રાહુલની એક વાત યાદ આવે છે. રાહુલ ભણવામાં હોંશિયાર હતો. હમેશા પહેલો નંબર લાવતો..નવમા ધોરણની વાર્ષિક પરીક્ષામાં તેનો બીજો નંબર આવ્યો. ફકત એક જ માર્કનો ફરક પડેલ. હું તેને શાબાશી અને અભિનંદન આપતી હતી. તે તો ખુશ અથવાને બદલે રડતો હતો. મને ખૂબ આશ્ર્વર્ય થયું. મેં તેને કારણ પૂછયું. શરૂઆતમાં તો તે કંઇ બોલ્યો નહીં. પછી વધારે પૂછતાં તેણે રડતા રડતા જવાબ આપ્યો.”મારો આ વખતે બીજો નંબર આવ્યો છે તો પપ્પા આજે મને મારશે.! નવમા ધોરણમાં ભણતા કિશોરને તેના પપ્પા મારે..એ જ મારા ગળે તો ન ઉતર્યું. પણ...

મેં પૂછયું ,’ મારે શા માટે ? એ તો કયારેક એવું થાય. એકાદ બે માર્ક તો આઘાપાછા થયા કરે. બીજો નંબર આવ્યો એ કંઇ ખરાબ થોડું છે ? બીજો નંબર આવ્યો એટલે તું કંઇ હોંશિયાર મટી નથી જતો.’ તો રાહુલ કહે ,’ પણ પપ્પા તો એમ જ કહેશે કે તું છે જ ડોબા જેવો. રખડતો હતો એટલે જ આવું થયું. પપ્પાને તો બસ પહેલો નંબર જ આવવો જોઇએ. અને એમાં યે હિમાંશુ પહેલો આવ્યો છે, એ અમારી બાજુમાં જ રહે છે. એટલે એની મમ્મી મારા મમ્મી ઝગડશે. મને અને હિમાંશુને બોલવા પણ નહીં દે.. હું ને હિમાંશુ તો મિત્રો છીએ. પણ અમારા મમ્મી પપ્પા ......કહેતાં રાહુલ રડી પડયો..મિત્રને રડતો જોઇ હિમાંશુ મારી પાસે આવી ને મને કહે, ‘ ટીચર, મારે પહેલો નંબર નથી જોતો. તમે રાહુલને એક માર્ક વધારી આપોને.! ‘ મેં કહ્યું, ‘ મારાથી એવું ન થાય. રાહુલના પપ્પાએ સમજવું જ જોઇએ. હમેશા કંઇ કોઇ બાળક પ્રથમ ન જ રહી શકે. હું તેની સાથે વાત કરીશ.’

મને થયું માતા પિતા પુત્રને હરિફાઇ..સ્પર્ધા..રેસનો ઘોડો બનાવવા માગે છે કે શું ? આજે કોઇ માતા પિતાને પહેલા નંબરથી ઓછું સ્વીકાર્ય જ નથી. બીજો નંબર આવે ને કિશોર વયના બાળકને માર પડે...અને બાળક ફફડી ઉઠે એ પરિસ્થિતિ સ્વીકાર્ય કેવી રીતે હોઇ શકે ? સતત સ્પર્ધાના આ યુગમાં માતા પિતા પોતાના સંતાનનું શૈશવ છીનવી લે છે. એને સતત દોડતો રાખે છે. એની ઉંચી આંકાક્ષાઓનો ભોગ બને છે બાળક. આંકાક્ષાઓના પિંજરમાં કેદ માતા પિતા અને બાળક બંને એક તાણ અનુભવી રહે છે. અને માતા પિતાની અપેક્ષાઓ પૂરી ન કરી શકતું બાળક ઘણી વાર જીવનથી હાથ ધોઇ બેસે છે. કે પછી બીજા ઉપાયો અજમાવે છે. જે કોઇ રીતે ઇચ્છનીય નથી. સમાજમાં રાહુલ જેવા છોકરાઓની સંખ્યા નાની સૂની નથી જ. બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવે છે ત્યારે નાપાસ થયેલ બાળકના આત્મહત્યા કરવાના કિસ્સા આપણે વાંચીએ જ છીએ ને ? શા માટે ?મારા મતે તો એ બાળકની નિષ્ફળતા નથી. માતા પિતાની નિષ્ફળતા છે.. જે દીકરાના માનસમાં વિશ્વાસ ન ઉપજાવી શકયા.

બાળક કંઇ પટારો નથી કે તેને માહિતી થી ભરી શકાય. એ તો એક મશાલ છે.એને ધીમે ધીમે પ્રગટાવવાની છે. જેથી એ પ્રકાશ ફેલાવી શકે. બાળકની શક્તિ, રસ અને રુચિ ઓળખી..એને એ પ્રમાણે ફકત રસ્તો બતાવવો..કે એ માટેની સગવડ કરી દેવી...એટલું જ કરીએ તો બાકીનો રસ્તો બાળક એની જાતે કરી લેશે. તમારા વિચારો... તમારા સ્વપ્નો એના પર લાદવાની જરૂર નથી. એને ભૂલો કરવા દો..અને ભૂલોમાંથી શીખવા દો. પડવા દો...અને પડીને જાતે ઉભા થવા દો. તરત મદદ માટે દોડી ન જાવ. હા, દૂર રહી ને એની પ્રગતિ પર નજર જરૂર રાખી રહો. એના માર્ગદર્શક બનવાની જરૂર લાગે ત્યારે રસ્તો જરૂર બતાવો. પણ નિર્ણય તો એને જાતે જ કરવા દો..એને જાતે જ ચાલવા દો. અને એક દિવસ એ મંઝિલ જરૂર આંબી રહેશે.

આજે શિશુ જ્લદી મોટુ થઇ જાય છે. પાંચ વરસનું બાળક ટી.વી.માં કેમેરાનો સામનો જે નિર્ભયતાથી કરે છે.. જે પ્રોગ્રામો આપે છે.તે જોઇને હું તો છ્ક્ક થઇ જાઉં છું. આજે સાંપ્રત સમયમાં ટકી રહેવાની કે આગળ આવવાની અગણિત મથામણો ચાલતી રહે છે. ડાર્વિનના “ સર્વાઇવલ ઓફ ફીટેસ્ટ ” ના સિધ્ધાંત નો બધાને ડર લાગ્યો છે કે શું ? શૈશવનો ગાળો આજે બહું ટૂંકો થઇ ગયો લાગે છે. ખેર..! જરા આડી વાતે ચડી ગઇ. પણ શિશુની વાત આવે ત્યારે હમેશા....હું.. જો કે અહીં કોઇ ટીકા કે નારાજગી નથી..જે હકીકત છે..એની વાત છે. સાચા ખોટાની ચર્ચા નથી. દરેક વાતના જમા અને ઉધાર પાસા હોય જ છે ને ? સમય સમયની બલિહારી છે.

આજે લેકચર કરી નાખ્યું તેવું લાગે છે ને ? કયારેક બેટા, એ પણ ચલાવવું પડે હોં.! મમ્મીને તો જે મનમાં આવે એ ડાયરીમાં લખ્યે જાય છે. વિચાર્યા સિવાય..તને ગમે એ તારું ને બાકીનું ન ગમે એ મારું...

ચાલ.આજે અહી જ અટકી જવું જોઇએ મારે..એવું તને લાગે છે ને ? મને યે લાગે છે. બેટા,કાલે મળીશું ? ફરી એકવાર આ સફરે સાથે નીકળીશું ?

“કોણ આવી ટાંગી ગયું અહીં....સૂરજનું ઝળહળતું ઝુમ્મર?”

હા, તારી સાથે વાત કરતી હોઉં ત્યારે અંતરમાં સૂરજનો ઉજાસ આપમેળે પ્રગટી જાય છે . જાણે સૂરજનું ઝૂમ્મર કોઇ ટાંગી ગયું. ને હું ઝળહળ....!

બસ...અને હવે બોલકા આ મૌન સાથે.....

“ બેટા, તું જાણે છે..સમજે છે. લગ્નથી બે વ્યકિત નહીં ..બે કુટુંબ જોડાય છે. અને આ બે કુટુંબને જોડાયેલ રાખવાની જવાબદારી જો સ્ત્રી સમજી શકે, નિભાવી શકે તો સોનામાં સુગંધ ભળી રહે. તું રોજ રાત્રે એકાદ કલાક કુટુંબમાં જેટલા સભ્યો હોય તે બધા સાથે બેસી વાતો, ચર્ચા, વિચારણા કરવાનો નિયમ જરૂર બનાવજે. કુટુંબના સભ્યો વચ્ચે સંવાદ હમેશા જળવાઇ રહેવો જોઇએ. ઘણીવાર communication ..સંવાદ ના અભાવે ઘણાં પ્રશ્નો સર્જાતા હોય છે. મૌનમાંથી ગેરસમજણના વાદળો ઘેરાતા હોય છે. વાતચીત ને અભાવે પરિવારના સભ્યો વચ્ચે એક ખાઇ સર્જાય છે....જેને પૂરવામાં ન આવે તો દિવસે દિવસે મોટી થતી રહે છે. પતિ પત્ની એ પણ રોજ રાત્રે નિખાલસ રીતે ઘરની બધી વાતો....પોતાના ગમા, અણગમા ની વાત એકબીજાને શાંતિથી કરતા રહેવું જોઇએ. કયારેક એવું પણ બને છે..કે બંને પોતપોતાની રીતે સાચા હોય. પરંતુ બંનેની દ્રષ્ટિ અલગ હોય..તેને લીધે ગેરસમજણ થતી હોય..એવું ન બને માટે હમેશા પરિવારમાં વાતચીતનો વ્યવહાર જળવાવો જ જોઇએ. મોટે ભાગે નાની નાની સમશ્યાઓ આવી વાતચીતથી જ દૂર થઇ જતી હોય છે. સંવાદિતાની સમજણ તારા અને દરેક દીકરીના જીવનઆકાશમાં હમેશા છવાઇ રહે.... “

Rate & Review

nihi honey

nihi honey 1 year ago

Bharat

Bharat 2 years ago

Dëvanshi Âńď Hardik
Divya

Divya 5 years ago

Ashok Jani Anand

Ashok Jani Anand 5 years ago