Chira-Vichitra books and stories free download online pdf in Gujarati

ચિત્ર-વિચિત્ર

ચિત્ર – વિચિત્ર

.....લવ, ___ઓર ધોખા

પ્રશાંત સેતા

[૧]

કાવ્યાનો ચહેરો કોઇને પણ કેમેરામાં કેદ કરવો ‌ગમે એવો રોમાંચક હતો. તેની જાદુઇ ઘાટ્ટી કાળી આંખો કે જેમાં એકદમ પાતળું આંજણ આંજેલુ હોય એ કોઇ પણ પુરુષનો શિકાર કરી શકે એટલી સક્ષમ હતી. ડાબા નાકમાં પહેરેલી નાનકડી નથડી તેનાં ચહેરાની સુંદરતામાં અત્તિરેક વધારો કરતી. તેનાં અંબોળામાં બાંધેલા કમર સુધીનાં વાળ અને અંબોળામાંથી છટકી ગયેલા વાળને કાનની પાછળ ધકેલવાની તેની બેપરવા અદા કેટલાંઓને મુર્છિત કરી શકતી. તે એક સુંદરતાની દેવી સમાન હતી. ઇન્દ્રની અપ્સરાને પણ એકવાર શરમાવી દે એવી હતી કાવ્યા..!!

કોલેજમાં અઢળક આકર્ષક છોકરીઓ હતી, પણ એ બધામાં કાવ્યાની સાદગી તેને ઉચ્ચ ક્રમાંકે રાખતી. બીજી છોકરીઓથી વિરૂધ્ધ સામાન્ય રીતે કાવ્યા સાદા કપડામાં જ જોવા મળતી – સલવાર કમીઝ અને કુર્તી…ભાગ્યે જ જિન્સ અને ટી-શર્ટમાં જોવા મળતી…અને તેને મિની સ્કર્ટમાં જોવાનું તો તેની કોલેજનાં વિધ્યાર્થીઓ માટે દૂર-દૂરનું સપનું હતું કે જે પુરા થવાનાં કોઇ ચાન્સ જ ન હતા...!!

મુંબઇની નેશનલ કોલેજમાં કાવ્યાનો ફર્સ્ટ યરનો એ પહેલો જ દિવસ હતો અને દેવ તેનાં રૂપ અને સાદગીથી અંજાઇ ગયો. દેવ નંદા...ખાનદાની, નમ્ર, શાંત અને સંસ્કારી, લાડકોડથી ઊછરેલ અમીર છોકરો..!! માયાળુ, ઉદાર અને બધાને મદદરૂપ થતો દેવ કોલેજમાં તેનાં નમ્ર વ્યવહાર માટે બહુ જાણીતો હતો. ખુબ જ પૈસાવાળો હોવા છતાંય તેનાં એકદમ સામાન્ય વર્તન માટે વિધ્યાર્થીઓ તેમજ કોલેજનાં પ્રોફેસરોમાં ખુબ માન ધરાવતો. દેખાવમાં એકદમ સાધારણ લાગતો હતો, છતાંય કોલજની સારામાં સારી છોકરી તેની ગર્લફ્રેન્ડ બનવા માંગતી હતી. પરંતુ, દેવની આંખોએ કાવ્યાને જોઇ ત્યારથી ઠાની લીધું હતું કે એની આંખો જે છોકરીને શોધી રહી હતી એ છોકરી કાવ્યા જ હતી. બીજા છોકરાઓની જેમ દેવની આંખોમાં વાસના ન હતી. દેવને કોઇ છોકરી સ્પેશિયલ લાગતી ન હતી, જ્યાં સુધી કાવ્યા પર નજર પડી ન હતી...!!

અક્ષત રાય ઉર્ફે અક્ષ, દેવથી તદન અલગ હતો. કોઇને પણ પોતાની પ્રતિભાથી આંજી દેનાર અને પુષ્કળ ફ્લર્ટ કરવાની કળા ધરાવનાર અક્ષનાં જીવનનો મુખ્ય ઉદેશ્ય બને એટલી વધુ છોકરીઓ સાથે સહવાસનો હતો. છોકરીઓને જોતા એની સાથે પહેલો વિચાર પથારી ગરમ કરવાનો જ ધરાવતો એવો અક્ષ છોકરીઓને મોહિત કરી દેતો, અને પોતાની જાળમાં ફસાવી તેને બેડ સુધી દોરી જવા માટે બહુ કુશળ અને જાણીતો હતો. દેવની જેમ અમીર ન હતો, પણ તેનો પ્રભાવ નોંધનીય હતો.

કાવ્યા એ કોલેજમાં આવી એ પહેલાથી અક્ષ અને દેવ એકબીજાને ઓળખતા હતા. જ્યારે એ લોકો જુનિયર કોલેજમાં (મુંબઇમાં ૧૧ અને ૧૨ ધોરણને જુનિયર કોલેજ કહેવામાં આવે છે, હાઇસ્કૂલ નહી!) હતા ત્યારે અક્ષે એકવાર દેવની જિંદગી બચાવી હતી. દેવનું બાઇક એક્સિડેન્ડ થયું હતું અને તે બેભાન અવસ્થામાં રોડ પર લોહીનાં ખાબોચિયામાં પડેલો હતો. જોઇને લાગતું હતું કે તેની બાઇક લપસી ગઇ હતી. લોકો તેની ફરતે એકઠાં થઇ ગયાં હતાં પરંતુ મદદ માટે કોઇ આગળ ન આવ્યું. જોગાનુંજોગ અક્ષ ત્યાંથી પસાર થતો હતો અને શું થયું હતું એ જોવા જતા દેવને ઓળખ્યો, અને તાબડતોડ હોસ્પિટલમાં ખસેડવાની જહેમત લીધી હતી.

દેવ જ્યારે ભાનમાં આવ્યો ત્યારે તેને ખબર પડી કે તે અક્ષ હતો કે જેણે તેની જિંદગી બચાવી હતી. એ દિવસથી દેવ અક્ષનો કરજદાર હતો અને તેને ખાસ મિત્રનો દરજ્જો આપ્યો હતો. અક્ષને ખબર હતી કે દેવ અમીર બાપની ઓલાદ હતો અને તે બાબતનો એક દિવસ જરૂર ફાયદો ઊઠાવશે..!

દેવ એવો માણસ હતો કે જે તમામ પ્રકારનાં લોકો સાથે મિત્રતા રાખતો – સારા કે ખરાબ..!! તેને અક્ષનાં ચરિત્રથી કોઇ આપત્તિ ન હતી. એક્સિડેન્ડ પછી દેવ માનતો કે એ તેનો બીજો જન્મ હતો. જો અક્ષે મદદ ન કરી હોત તો એક્સિડેન્ડ જીવલેણ સાબિત થયો હોત. માથાંમાંથી ખુબ જ લોહી વહી ગયું હતું અને તેને ખાસ્સો સમય હોસ્પિટલનાં આઇસીયુ વોર્ડમાં રાખવો પડ્યો હતો. હિન્દી ફિલ્મનાં ડોક્ટરોની જેમ દેવનાં ડોક્ટરે પણ દેવનાં પપ્પા રાજકુમાર નંદાને કહ્યું હતું કે જો હજું પાંચ મિનિટ મોડું થઇ ગયું હોત તો કદાચ દેવને ગુમાવી ચુક્યા હોત..!! એ અક્ષ હતો કે જેણે રાજકુમાર નંદાનાં એકનાં એક છોકરાને નવું જીવન આપ્યું હતું. આખા નંદા પરિવારને અક્ષ માટે ખુબ આદર થયો હતો અને કહેલું પણ ખરું કે અક્ષને તેની લાઇફમાં કોઇ પણ પ્રકારની જરૂરીયાત હોય ત્યારે એ લોકોને મદદ કરવાની તક આપે.

કોલેજનાં પહેલા દિવસ પર પાછા ફરતાં - જેવી રીતે દેવ એક જ નજરે કાવ્યા પર વારી ગયો હતો, તેવી જ રીતે અહીંયા કાવ્યા અક્ષ પર વારી ગઇ હતી, હજુ અક્ષને બરાબર ઓળખતી ન હતી. કદાચ, પહેલી નજરનું આકર્ષણ હતું કે શું એ ત્યારે ખબર ન હતી, પરંતુ તેનાં દિલમાં પ્રેમ માટેનાં બંધ રહેતા દરવાજા અક્ષને જોતા ખુલી ગયાં હતા. અક્ષને જોતાં તેનાં મનમાં પ્રેમનું નાનકડું બીજ ફુટ્યું હતું કે જે સમય જતા છોડનાં રૂપમાં પરાવર્તિત થવાનું હતું અને એ છોડ એક દિવસ ઘટાદાર વ્રુક્ષ બનવાનું હતું.

[૨]

ખેર, સમય જતાં કાવ્યા, દેવ અને અક્ષ એકબીજાનાં મિત્રો બન્યા. કોલજ લાઇફની તમામ ક્ષણોને જીવવાની શરૂઆત કરી. દેવ કાવ્યાને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ કહી શકતો ન હતો. કાવ્યાને દેવ ગમતો હતો પણ તેને પ્રેમ અક્ષ માટે હતો, પરંતુ કહી શકતી ન હતી. દેવ ખાસ મિત્રનાં રોલમાં ફિટ થતો હતો પણ જીવનસાથી તરીકે અક્ષ જ મગજમાં બેસતો હતો. આ બાજુ અક્ષ પણ કાવ્યાને પસંદ કરવા લાગ્યો હતો, હજુ ચોક્કસ ન હતું. પોતાની જાતને કાવ્યા જેવી છોકરી માટે લાયક નથી એવું માનતો હતો. કાવ્યાની સાથે બેંચ પર ક્યારેક અક્ષ બેસતો, તો ક્યારેક દેવ બેસતો..!!

કોલેજમાં મજા કરતાં-કરતાં કેમ કોલેજનાં દિવસો (ત્રણ વર્ષ) પસાર થઇ ગયા એ કોઇને ખબર જ ન પડી. દેવ – કાવ્યા અને કાવ્યા - અક્ષની જોડી જામતી હતી. દેવની પાછળ કોલેજની અવ્વલ નંબરની છોકરીઓ પડતી જ્યારે દેવ કાવ્યા પાછળ પડ્યો હતો, આ બાજુ કાવ્યા પાછળ કોલેજનો દરેક છોકરો ફિદા હતો જ્યારે કાવ્યા અક્ષની પાછળ ગાંડી હતી કે જે બાબતથી દેવ અને અક્ષ બન્ને અજાણ હતા.

કોલેજનાં છેલ્લા દિવસે દેવ કાવ્યાને પ્રોપોઝ કરવાનો હતો. દેવને ખાતરી હતી કે છેલ્લા ત્રણ વર્ષથી એ લોકો જે રીતે રહેતાં હતાં એ જોઇને લાગતું ન હતું કે પ્રોપોઝ કરવાની જરૂરત પણ લાગશે...અને કાવ્યા અક્ષને પસંદ કરતી હશે એવું તો સપનામાં પણ ન હતું.

કોલેજનાં છેલ્લા દિવસે દેવ સવારમાં વહેલો તૈયાર થઇ ગયો. પ્રોપોઝ કરવાનું પહેલી વખત હોવાથી તેનાં રૂમમાં અરીસાની સામે ઊભા રહી બે- ત્રણવાર રિહર્સલ કરી હતી. તે જે સાહસ કરવા જઇ રહ્યો હતો એનાં પરિણામની કલ્પનાં કરીને સમયાંતરે અંદરથી શરમાતો રહેતો હતો. તે એવા ભ્રમમાં હતો કે કાવ્યાને પ્રોપોઝ કરવાનું માત્ર ઔપચારિકતા પુરી કરવા પુરતું જ હતું, એ અંધારામાં હતો કે કાવ્યા તેને પ્રેમ કરતી હતી. હકીકતથી તદન અજાણ દેવ પાછલી રાતે માત્ર બે કલાક જ ઊંઘ્યો હોવા છયાંય ચહેરો એકદમ તાજગીવાળો દેખાતો હતો. આખી રાત પથારીમાં સવાર થવાની રાહમાં આમ થી આમ પડખાં ફેરવતો રહ્યો હતો.

તેણે તેની મનપસંદ જોડી પહેરી – મોંઘુ ડેનિમ અને ઉપર મોંઘો એવો ચેક્ષવાળો શોર્ટ શર્ટ અને એની ઉપર બ્લેક લેધર જેકેટ પહેર્યું. વાળ જેલથી સેટ કર્યા અને આખા શરીરે ડિયોડ્રન્ડનાં ફુવારા માર્યા. એ દિવસે દેવ સાતમાં આસમાને હતો.

બેગમાં લાલ ગુલાબ સાથે દેવ તેની સ્કોડા કાર લઇને કોલેજ પહોંચ્યો. પહોંચતાની સાથે જ કાવ્યાને શોધી રહ્યો હતો. કાવ્યાની મિત્રો પાસે કાવ્યા ક્યાં હશે એની તપાસ કરી. આખરે, કાવ્યાને શોધતો-શોધતો તે કેન્ટીનમાં પહોંચ્યો કે જ્યાં કાવ્યા અને અક્ષ ટેબલની સામ – સામે બેઠા હતા. ટેબલ પર રહેલા કાવ્યાનાં હાથને અક્ષનાં હાથો પંપાળી રહ્યા હતા. બંને બહુ ખુશ જણાતા હતા. એવું ઘણીવાર થતું હોય છે કે કાવ્યાનાં હાથ પર અક્ષ કે દેવનો હાથ હોય છે પણ એ દિવસે કાંઇક અજુગતું લાગતું હતું કારણ કે દેવને સમાચાર મળી ગયા હતા કે.....

ખેર, એ લોકોને જોઇને દેવ ભાંગી પડ્યો અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અચાનક ગાયબ થઇ ગયેલો થાક તેના પર સવાર થઇ ગયો અને તે પડી જવાની સ્થિતીમાં આવી ગયો. બધી તાજગીનું એક જ સેકંડમાં બાષ્પિભવન થઇ ગયું. ગુસ્સો, વેદનાં અને ઇર્ષ્યાથી દેવ નહાઇ રહ્યો હતો. તે કાવ્યાને મેળવવાની પ્રબળ ઇચ્છા ધરાવતો હતો. અત્યાર સુધી કાવ્યા જેવી છોકરી મળે તેની રાહ જોઇ હતી અને હવે જ્યારે મળી ત્યારે અગાઊથી જ તેને ગુમાવી ચુક્યો હોય એવો ભાસ થતો હતો. પોતાની જિંદગીનો એક નો એક પ્રેમ ગુમાવી દિધો હતો. દેવ ચુપચાપ પાછો જવા માટે વળ્યો એટલીવારમાં કાવ્યાની નજર તેના પર પડી અને તેને બોલાવવા માટે બુમ મારી. દેવે પોતાની જાતને વ્યવસ્થિત કરી, કાંઇ થયું નથી એવા હાવભાવ સાથે એ લોકોનાં ટેબલ પર ગયો. હસતાં – હસતાં કાવ્યાએ દેવનો હાથ તેની બાજુંમાં બેસવા માટે ખેંચ્યો.

દેવ કાવ્યાની બાજુંમાં બેઠો અને હજી તેનો હાથ કાવ્યાનાં હાથમાં જ હતો. દેવ માટે એ એકદમ ઉત્તેજક લાગણી હતી. પોતાની જાત સાથે પોતાની ભાવનાઓને કાબુમાં રાખવાની તેમજ પોતાની આંખમાં આસું દબાવી રાખવાનાં પુરા પ્રયત્નો દેવ કરી રહ્યો હતો. દેવનું સપનું કાવ્યા પુરી જિંદગી તેનો હાથ પકડી રાખે એવું હતું પરંતુ તેનું એ સપનું તાશનાં પત્તાનાં ઘરની જેમ ધરાશય થતું દેખાતું હતું.

પછી, કાવ્યાએ ઘટસ્ફોટ કર્યો કે તે અક્ષને પ્રેમ કરતી હતી અને થોડી મિનિટો પહેલા જ અક્ષને પ્રોપોઝ કર્યુ કે જે સમાચાર દેવને કાવ્યાને શોધતો હતો એ પ્રક્રિયા દરમિયાન સાંભળવા મળ્યા હતા પણ દેવે ગંભિરતાથી લીધા ન હતા. દેવને મજાક લાગતી હતી, પણ એ હકીકત હતી.

દેવે તેના દેવદૂત સમાન માણસ અક્ષ સામે જોયું અને સ્માઇલ આપી કે જે ચરિત્રહિન હોવા છતાંય કાવ્યાને જીતવામાં સફળ રહ્યો હતો, જ્યારે પોતે એકદમ પારસમણીની માફક ચોખ્ખો હોવા છયાંય કાવ્યાને હારી ગયો હતો.

તરત જ કાવ્યાએ ખુલાસો કર્યો, ‘હું અક્ષનાં ભૂતકાળથી પરીચિત છું, હું આશા રાખું છું કે મારો પ્રેમ અક્ષને સાચા માર્ગે દોરશે. મને અક્ષ પહેલી નજરે જ ગમી ગયો હતો. શા માટે ખબર નહી, પરંતુ અક્ષને જોતા જ મારા દિલમાં પ્રેમનાં ડેમનાં દરવાજા ખુલી ગયા હતા અને મારૂ દિલ એમાં સંપુર્ણપણે તણાઇ ગયું હતું.

પછી, તેણે ઉમેર્યુ કે, ‘મને હમેશાં અક્ષની આંખમાં મારા માટે પ્રેમ દેખાતો હતો...’

કાવ્યાની એ વાત દેવને સૌથી વધુ પિડાદાયક લાગી. પસાર થતી દરેક ક્ષણ દેવ માટે ત્યાં બેઠા રહેવા માટે અઘરી થતી જતી હતી; દુ:ખ તો એ બાબતનું હતું કે કાવ્યાને દેવની આંખમાં તેનાં માટે ક્યારેય પ્રેમ જ ન દેખાયો..!! કાવ્યાનાં માંગવાથી તો એ પોતાની જાન પણ આપી દેવા તૈયાર હતો.

પછી, દેવે ભારી હ્રદયે બંનેને ભવિષ્ય માટે ‘ઓલ ધ બેસ્ટ’ કહ્યું અને જતો રહ્યો.

કોલેજ પતાવ્યા પછી અક્ષને દેવનાં પપ્પાએ દેવની જિંદગી બચાવવા બદલ ત્રણ વર્ષ પહેલા આપેલા વચનને વટાવવાનો નિર્ણય કર્યો. તેણે નંદાની કંપની – નંદા રિયલ્ટીમાં નોકરી માંગી અને રાજકુમાર નંદાએ હસી – ખુશી અક્ષને આપી.

અક્ષની જિંદગીમાં કાવ્યાનાં આવ્યા પછી ઘણા નોંધપાત્ર સુધારાઓ દેખાયા હતા. હવે તે જુનો અક્ષ ન હતો. કાવ્યાએ તેનું સંપુર્ણપણે પરિવર્તન કરી નાખ્યું હતું. કોલજ પત્યાનાં બે વર્ષ પછી વધુ સમય વેડ્ફ્યા વગર કાવ્યા અને અક્ષ લગ્નગ્રંથીથી જોડાઇ ગયા હતા અને બહુ ખુશ હતા.

આ બાજું કોલેજ પતાવ્યા પછી દેવ અમેરીકા ‘પેસ યુનિવર્સિટી’ માં એમબીએ કરવા જતો રહ્યો.

[3]

પાંચ વર્ષ પછી

પાંચ વર્ષમાં અક્ષ, નંદા રિયલ્ટીનો સ્ટાર સાબિત થયો હતો. તેની સખત મહેનત અને કામ પ્રત્યેનાં સમર્પણથી રાજકુમાર નંદાનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો હતો. ૨૬ વર્ષની ઊંમરે અક્ષે રાજકુમાર નંદાની કંપનીમાં પોતાની સ્પેશિયલ જગ્યા બનાવી લીધી હતી. આ બધું કાવ્યાને આભારી હતું, કદાચ લેડી લક..!!

આ બાજું દેવ નંદા રિયલ્ટીની લગામ સંભાળવા ભારત પરત ફર્યો હતો. દેવ અક્ષની સફળતાથી ખુશ હતો, આખરે તો એ જ તેનો મુખ્ય બોસ બનવાનો હતો. પોતે પણ એટલો જ કુશળ હતો અને વિદેશ માર્કેટમાં પણ નંદા કંપનીને ઊંચાઇ પર લઇ ગયો હતો.

ચાર મહિનાં પહેલા દેવની ફરીથી એન્ટ્રી થઇ એ પહેલા અક્ષ અને કાવ્યાની જિંદગીમાં છેલ્લા પાંચ વર્ષથી બધુ બરાબર ચાલી રહ્યું હતું. અક્ષની કારકિર્દીનો ગ્રાફ ઉપર ચડી રહ્યો હતો અને કાવ્યા તેની સફળતાનાં એક પાયા સમાન સાબિત થતી હતી. પરંતુ, છેલ્લા ચાર મહિનાથી બધું બદલાઇ ગયું હતું. નિશા પ્રધાન નામની હાઇ પ્રોફાઇલ પ્રોફેશનલ વ્યક્તિને નંદા કંપનીનાં સિનિયર મેનેજમેન્ટ પર લઇ આવવી અને અક્ષથી મેનેજમેન્ટમાં એક સ્ટેપ ઉપર મુકી દેતા અક્ષનો કેસ થોડો મસાલેદાર થઇ ગયો હતો. છેલ્લા ચાર મહિનાથી અક્ષ અને કાવ્યાની વચ્ચે તણાવો વધી રહ્યા હતા. કાવ્યાને લાગી રહ્યું હતું કે અક્ષને નિશા સાથે લફરૂં થઇ ગયું હતું. અક્ષ કાવ્યાને પુરતો સમય આપી શકતો ન હતો અને નિશા સાથે વધતી જતી અક્ષની મુલાકાતો કાવ્યાને અસ્વસ્થ કરી રહી હતી.

નિશા પ્રધાન, ઓહ લોર્ડ! નરમ શરીર અને લાંબા પગ સાથે નિશા સુપર સેક્સી દેખાતી. સફેદ ચામડીવાળી નિશાનાં ભરાવદાર સ્તનો અને સુડોળ નિતંબો કોઇપણ પુરુષને ઉત્તેજિત કરી શકે તેવા હતા. તેના ખભ્ભા સુધીનાં વાળ અને વાળમાં સનગ્લાસ ભરાવવાની અદા કોઇ પણ પુરુષને – વિવાહિત કે અવિવાહિતને - વશમાં કરી શકે એમ હતી.

કાવ્યાને અક્ષ તેની પકડમાંથી છટકી રહ્યો હતો એવું લાગતા વાત એ સુધી પહોંચી ગઇ હતી કે છેલ્લા એક મહિનાથી કાવ્યા અક્ષ સાથે વાત કરતી ન હતી. એક – એક દિવસ પસાર થતા બંન્ને એકબીજાથી અલગ થઇ રહ્યા હતા. બંનેનાં જીવનમાં એક બીજા માટે પ્રેમ નથી રહ્યો એવી હકીકત લાગતા કાવ્યા અક્ષનું ઘર છોડીને જતી રહી હતી.

[૪]

પછી, અચાનક એક દિવસ કાવ્યા અક્ષની ઓફિસ પર ગઇ. ખરેખર તો તે દેવને મળવા ગઇ હતી... દેવ અમેરીકાથી આવ્યો પછી મળી જ ન હતી.

કાવ્યા દેવની કેબિનમાં બેઠી હતી કે જયાંથી નિશાની કેબિનમાં જોઇ શકતી હતી. નિશા અક્ષ સાથે વાતો કરતી હતી અને બંન્ને વારંવાર હસતા હતા, બહુ ખુશ જણાતાં હતા. અક્ષ નિશાની સામે ટેબલની પેલી બાજુ બેઠો હતો. નિશા તેની ચેર પરથી ઊભી થઇ અને અક્ષની પાછળ ઊભી રહી, તેના હાથ અક્ષનાં ગળામાં વિંટાળ્યા. નિશાએ લાલ કલરનું સ્કિન ટાઇટ શર્ટ પહેર્યું હતું અને નીચે ગોઠણ સુધીનું સ્કર્ટ પહેર્યું હતું. સુપર હોટ નિશા સામે પોતે ઝાંખી પડતી હોય એવી લઘુતાગ્રંથી કાવ્યા મનમાં બાંધી રહી હતી. ઇર્ષ્યાની આગમાં બળી રહી હતી. અક્ષ પ્રત્યે રહેલી પોતાનાંપણાની ભાવનાની આગ તેને ધીરે-ધીરે ઓગાળી રહી હતી.

‘મારા પતિ અને આ નિશા પ્રધાન નામની રંડી વચ્ચે શું રંધાઇ રહ્યું છે?’, કાવ્યાની ધીરજ ખુટવાની ચરમસીમા પર હતી. તેણે દેવને પુછ્યું

દેવે જોયું કે કાવ્યા એકદમ ગંભિર જણાતી હતી, ‘જો કાવ્યા, એ બન્ને વચ્ચે કાંઇ રંધાઇ રહ્યું નથી. કામને લગતી જ વાતો કરે છે, બસ થોડું ઘણું તંદુરસ્ત ફ્લર્ટ થઇ જતું હોય છે’

‘ફ્લર્ટ? તંદુરસ્ત ફ્લર્ટ? ખરેખર દેવ...’ એક અરૂચિ સાથે કાવ્યાએ આંખો ગોળ ફેરવી. ‘…એ તમે પુરૂષો કહો છો? કાંઇ તંદુરસ્ત ફ્લર્ટ જેવું નથી હોતું, દેવ, પરિણીત પુરૂષો માટે તો નથી જ હોતુ’

દેવ કાવ્યાની આંખો સામે જોઇ રહ્યો કે જે નિશાની કેબિન પરથી હટતી જ ન હતી.

કાવ્યા દેવ તરફ ફરી અને બોલી, ‘તંદુરસ્ત ફ્લર્ટ એક એવો શબ્દ છે જે વિક્રુત પુરુષોએ જન્માવેલો છે, કે જે પોતાનાં વૈવાહિક જીવન સિવાયનાં સંબંધને નામ આપવા માટે વપરાય છે. આમ જોવા જઇએ તો ફ્લર્ટ સેક્સને આવકારતો જ શબ્દ છે..’

કાવ્યાનાં મોઢે દેવે ક્યારેય આવી વાત સાંભળી ન હતી.

કાવ્યા તેની જગ્યા પરથી ઊભી થઇ અને દેવની એકદમ મોટી અને ભવ્ય કેબિનમાં ચક્કર મારવા લાગી અને વધારે પોતાની જાત સાથે વાતો કરવા લાગી. અચાનક ચાલતા-ચાલતા ઊભી રહી ગઇ, દેવ તરફ વળી અને પુછ્યું ‘મારો પતિ નિશા સાથે સુવે છે? તું તો એનો ખાસ મિત્ર છે. એણે તને આ વિષે કાંઇક કહ્યું હશે..’

દેવ આશ્ચર્યથી કાવ્યા સામે જોતો જ રહ્યો. કાવ્યાનું મગજ ચસકી રહ્યું હતું. અક્ષની દૂરીનો હેંગઓવર ઊતરતો ન હતો.

‘હું તારી ચુપકિદીને શું સમજું, દેવ?’, કાવ્યાએ જવાબની ઊઘરાણી કરી

‘હું અક્ષની એક - એક મિનિટનું ધ્યાન રાખવા માટે નથી, કાવ્યા. હોઇ શકે નિશા સાથે સુતો પણ હોય’, દેવે આસાનીથી કહી દિધું

કાવ્યાની આંખનાં ડોળા બહાર આવી ગયા. અક્ષને જેટલો પ્રેમ કરતી હતી એટલી જ નફરત કરવા માંડી હતી.

‘હી ઇઝ અ રીયલ બાસ્ટર્ડ એન્ડ નિશા ઇઝ સચ અ બિચ આઇંગ ઓન અ મેરીડ મેન. (અક્ષ એક નંબરનો હરામી છે અને નિશા એક નંબરની રંડી છે કે જે પરિણીત પુરુષ પર પણ નઝર બગાડે છે)’, કાવ્યા એ કહ્યું

‘અક્ષનાં ભૂતકાળથી તો તું વાકેફ જ છે, કાવ્યા. નિશા જેવી અફલાતુનને તો એ ક્યારેય ન જ છોડે’, દેવે બળતામાં ઘી હોમ્યું

‘નિશા પરિણીત છે?’, કાવ્યાએ પુછ્યું

‘નહી. ડિવોર્સી છે’, દેવે જવાબ આપ્યો

‘નાગીને મારા અક્ષને ફસાવ્યો છે’

‘સ્ટોપ ઇટ, કાવ્યા’ દેવને કાવ્યા જ્યારે ‘મારો અક્ષ’ બોલી ત્યારે બહુ મરચું લાગતું હોય એમ ગુસ્સાથી ચુપ થવા કહ્યું

કાવ્યા દેવ સામે તાકી રહી.

‘આઇ એમ સોરી, કાવ્યા’, દેવે તરત જ કાવ્યાની માફી માંગી અને ઉમેર્યુ, ‘ખબર નહી શા માટે પણ મને એવું લાગે છે કે તારે અક્ષને છોડી દેવો જોઇએ અને તારી જિંદગીની નવેસરથી શરૂઆત કરવી જોઇએ’

‘અક્ષને છોડીને શું કરવાનું?’, કાવ્યાએ દેવ સામે જોયું.

‘અક્ષ તારા લાયક નથી, કાવ્યા’, દેવે કહ્યું અને ઉમેર્યુ, ‘હું એક હકીકત જાણું છું કે અક્ષ કોઇ એક સ્ત્રી પર ચોટી રહે એવો તો નથી જ....’

‘તો મારે શું કરવું જોઇએ’, કાવ્યાએ પુછ્યું

‘ડિવોર્સ’, દેવે ફટાકથી જવાબ આપ્યો

કાવ્યા સ્થગિત થઇ ગઇ.

‘ડિવોર્સ પછી?’, કાવ્યાએ માસુમિયતથી પુછ્યું

‘હું તને મારી કંપનીમાં સારી નોકરી આપીશ...નવી શરૂઆત કર’

કાવ્યાએ કાંઇ જવાબ ન આપ્યો

‘હું તારી સાથે છું’, દેવે ઉમેર્યુ

‘તું મારી સાથે લગ્ન કરીશ, દેવ?’, કાવ્યાએ પુછ્યું કે જેનો જવાબ દેવે ન આપ્યો, અને કાવ્યાને ઉપરથી નીચે સુધી તાક્યા કર્યો. આ એ જ કાવ્યા હતી જેના માટે દેવ પાંચ વર્ષ પહેલા મરી જવા પણ તૈયાર હતો

‘એ પછી નક્કી કરીશું, અત્યારે તો તારે અક્ષને ડિવોર્સ આપી દેવો જોઇએ. આવા માણસ સાથે રહીને સમય ન બગાડવો જોઇએ’, દેવે ભાર મુકતાં કહ્યું

લાચાર, નિ:સહાય કાવ્યાએ સહમતીથી માથું હલાવ્યું. નિરાશાની ટોચ પર પહોંચેલી કાવ્યાએ એક મિનિટમાં અક્ષને છોડવાનો નિર્ણય કરી લીધો.

‘વેરી ગુડ’, દેવે કહ્યું અને તેના એક વકીલ મિત્રને ફોન કર્યો, અને બંને તેને મળવા જતા રહ્યા.

[૫]

ત્રણ દિવસ પછી

ત્રણ દિવસ પછી ડિવોર્સની નોટીસ મળતા અક્ષ કાવ્યાની મિત્રનાં અપાર્ટમેન્ટ પર દોડી ગયો કે જ્યાં કાવ્યા કામચલાઉ રહેતી હતી. કાવ્યાને પોતાનાં નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરતો હતો. અક્ષ કાવ્યાને ખુબ પ્રેમ કરતો હતો અને તેના વગર જીવી શકે તેમ ન હતો. તેણે જ અક્ષને એક વિક્રુત માણસમાંથી આ લેવલ સુધી પહોંચાડ્યો હતો. જે દિવસથી કાવ્યા ઘર છોડીને જતી રહી હતી તે દિવસથી અક્ષ કાવ્યાને સતત ફોન કરતો હતો અને પાછા આવી જવા આજીજી કરતો હતો પણ કાવ્યા એકની બે ના થઇ અને ઘર છોડવાનાં પોતાનાં નિર્ણય પર અડગ રહી અલગ રહેવાનો નિર્ણય કરી લીધો હતો. એકવાર તો અક્ષને એમ પણ કહી દિધું હતું કે “તે તારી ઓકાત બતાવી જ દીધી”. અક્ષ બધી બાજુથી ઘેરાયેલો હતો, દેવ નિશા મારફત અક્ષ પર કામનું દબાણ વધારી રહ્યો હતો, તેની સાથે જોબમાં ગેરવ્યાજબી વર્તન અને હેરાનગતિ થઇ રહી હતી. અક્ષ પોતાની જોબ જાળવી રાખવા સંઘર્ષ કરી રહ્યો હતો.

‘કાવ્યા, યુ આર નોટ અન્ડરસ્ટેન્ડીન્ગ. દેવ ઇઝ પ્લેયિંગ અ ગેમ વિથ અસ (તું સમજતી નથી કે દેવ આપણી સાથે રમત રમી રહ્યો છે’, અક્ષે કાવ્યા ને કહ્યું

કાવ્યાએ અક્ષની આંખોમાં જોયું કે જે એકદમ પારદર્શક હતી અને તેમાં ૨૪ કેરેટનાં સોના જેટલી સુધ્ધતા દેખાતી હતી.

‘નિશા પ્રધાનને મારી ઉપર મુકવાનો નિર્ણય આપણો સંબંધ ભાંગવાની દેવની પહેલી ચાલ હતી. નિશાનો ઊપયોગ થઇ રહ્યો છે’

‘પણ દેવ આવું શા માટે કરે છે? એ તો આપણો ખાસ મિત્ર છે, અક્ષ’, કાવ્યાએ એક મુંઝવણથી પુછ્યું

અક્ષે ઊંડ્યો શ્વાસ લેતા કહ્યું, ‘જો કાવ્યા, આપણા કોલેજ દિવસોમાં દેવ તને પ્રેમ કરતો હતો. જ્યારે તે મને પ્રોપોઝ કર્યો ત્યારે એ દાઝ્યો હતો. અજાણતા તે આપેલા જખમની મરમ્મત કરાવવા માટે એ વિદેશ જતો રહ્યો હતો. પણ, પાછાં ફરતાં જ આપણા સંબંધમાં તિરાડો પાડવાનો નિર્ણય કરી બેઠેલો છે. નિશા સાથે દેવનાં આવા ઇરાદાઓની મેં ચર્ચા કરેલી છે’

કાવ્યા અક્ષને તાકી રહી.

અક્ષે વાત આગળ વધારતા કહ્યું કે, ‘મેં એક વાત અત્યાર સુધી તને નથી કિધી, કાવ્યા. સાંભળ, દેવ અમેરીકા જતાં પહેલા મને મળવા આવ્યો હતો. મને તારી લાઇફમાંથી જતા રહેવા માટે લાખો રૂપિયાની ઓફર કરી હતી. પણ, મેં ના પાડી હતી. ઘેરી નિરાશા સાથે એ જતો રહ્યો હતો, પણ જતા પહેલા મને કહ્યું હતું કે એક દિવસ એ તારી સાથે સુઇને બતાવશે. તારા “શરીરને લોચી ખાશે” એવો શબ્દ પ્રયોગ કર્યો હતો. મને ખુબ જ ગુસ્સો આવ્યો હતો અને મેં તેને એક તમાચો ચોળી દીધો હતો..’, અક્ષ બોલતા અટક્યો અને કહ્યું, ‘કાવ્યા, આઇ લવ યુ, એન્ડ આઇ કાન્ટ ટોલરેટ એની નોન સેન્સ અબાઉટ યુ (હું તને પ્રેમ કરું છું અને તારા વિષે કોઇ અપશબ્દ સહન ન કરી શકું)... કાવ્યા, હું તારા વગર નહી જીવી શકું. મને ડિવોર્સ નહી આપ, પ્લીઝ’

કાવ્યા ચુપ રહી.

‘..આજે હું જોબ છોડીને આવી ગયો છું, કાવ્યા. આપણે અહીંથી જતા રહેશું અને નવી શરૂઆત કરશું’ અક્ષે કહ્યું અને ઉમેર્યુ, ‘નિશાનાં મત મુજબ દેવ રાક્ષસ બની ગયો છે. તને મેળવવાની પ્રબળ ઇચ્છા હતી અને એ મેળવવા માટે એકદમ છેલ્લી કક્ષા પર ઊતરી ગયો છે’

કાવ્યા શાંત પડી ગઇ. બરફની જેમ થિજી ગઇ. તેની આંખોમાંથી આસું તેનાં લિસા ગાલ પરથી પસાર થઇ તેનાં નાજુક હોઠો પર રોકાવા માંડ્યા. આખરે, અક્ષે કાવ્યાનાં ગળે ઘુંટડો ઉતાર્યો. ‘આઇ એમ સોરી અક્ષ, હું તને સમજી ન શકી. મને માફ કરજે…’, કાવ્યા વાક્ય પુરું ન કરી શકી.

તેણે જે કાંઇ કર્યું એના માટે અફસોસ હતો અને તેની માફી માંગી.

અક્ષે કાવ્યાને સાંત્વનાં આપી અને તરત જ માફ કરી દીધી. અક્ષ કાવ્યાની નજીક ગયો અને એને ગળે લગાડી લીધી.

કાવ્યા રડી રહી હતી અને એણે કરેલા પાપ માટે માફી માંગી રહી હતી. ‘મારૂ પાપ બહુ શરમજનક છે, કે જેની માફી તું ન આપ તો પણ માન્ય છે’

‘ઇટ્સ ઓકે, કાવ્યા’, અક્ષતે કાવ્યાનો ખભ્ભો પંપાળતા કહ્યું

‘નો, ઇટ્સ નોટ ઓકે’, કાવ્યાએ કહ્યું

અક્ષને કાવ્યાની વાત કાંઇ સમજાઇ નહી

‘શું થયું છે, કાવ્યા? હજી કાંઇ બગડ્યું નથી’, અક્ષતે કહ્યુ, ‘નવા શહેરમાં નવી શરૂઆત કરશું’

‘બધું બગડી ગયું છે. દેવ એના ઇરાદામાં કામિયાબ થઇ ગયો છે’, કાવ્યાએ અક્ષની આખોમાં જોયા વગર કહ્યું

‘એટલે?’, અક્ષે અધિરાઇથી પુછ્યું

‘આઇ સ્લેપ્ટ વિથ દેવ (હું દેવ સાથે સુઇ આવી)’, કાવ્યાએ ઘટષ્ફોટ કર્યો

હવે, અક્ષ બરફ જેવો ઠંડો થઇ ગયો અને કાવ્યાને ગળે લગાડેલી હતી એમાં પકડ ઢીલી થઇ ગઇ. માથું ચક્કર ખાવા લાગ્યું, પગ નીચેથી જમીન સરકી ગઇ.

‘…. જ્યારે હું તારી ઓફિસ આવી હતી, પછી અમે એક વકીલને ડિવોર્સની પ્રક્રિયા ચાલુ કરવા માટે મળવા ગયા હતા….’

[વકીલ ને મળ્યા પછી શું થયું હતું ? વકીલને મળ્યા પછી દેવ કાવ્યાનો મૂડ ઠીક કરવા માટે કોફી શોપમાં લઇ ગયો હતો. કોફી શોપ પર જ સાંજ થઇ ગઇ હતી. પછી દેવ તેની કારમાં કાવ્યાને તેનાં ફ્લેટ સુધી મુકવા ગયો હતો કે જ્યાં કાવ્યાએ દેવને અંદર આવવાનો આગ્રહ કર્યો હતો. આ બધી પ્રક્રિયા દરમિયાન દેવ કાવ્યાનાં દુ:ખનો ભાગીદાર હોય એવો વ્યવહાર કરતો હતો. કાવ્યાનાં ફ્લેટમાં જતાં અચાનક દેવ અને કાવ્યા વચ્ચે અંતર ઘટ્યું હતું. કોઇ ગુરુત્વાકર્ષણ બળ કાવ્યાને દેવ તરફ ખેંચી રહ્યું હતું. દેવને પણ ખબર પડી ગઇ હતી કે કાવ્યાનો ફાયદો આરામથી ઊઠાવી શકાય એમ હતો. તે કાવ્યાની નજીક ગયો અને ગળે લગાડી, પછી તેણે કાવ્યાને પોતાની જકડમાં લઇ લીધી. કાવ્યાએ પણ સહકાર આપ્યો હતો. કાવ્યાની શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી ગઇ, તેની શ્વાસ લેવાની પ્રક્રિયાને લીધે તેના અંદર – બહાર થતા વક્ષસ્થળોને દેવ અનુભવી રહ્યો હતો. દેવે કાવ્યાની દાઢીથી કાવ્યાનો ચહેરો તેની તરફ જોવા ઊંચો કર્યો. બંનેના હોઠો વચ્ચે ત્રણથી પણ ઓછી ઇંચનું અંતર હતું. કાવ્યાની આંખો બંધ થઇ ગઇ અને દેવે પોતાનાં હોઠ કાવ્યાનાં હોઠો સાથે ચોંટાડી દીધા. કાવ્યા પણ દુનિયા અને મર્યાદાને ઓટલે રાખી દેવનાં રંગમાં રંગાઇ દેવને ચુંબનમાં સહકાર આપ્યો. એટલામાં દેવનાં હાથ દિવાલ પર ચાલતી ગરોળીની જેમ કાવ્યાનાં શરીર પર ફરવા લાગ્યા. કાવ્યાનાં નિતંબોથી તેની પીઠ અને પછી વક્ષસ્થળો પર દેવનાં હાથ સ્થાયી થયા. એકબીજાનાં હોંઠ તો હજી જોડાયેલા જ હતા અને બંનેની શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને હ્રદયનાં ધબકારા વધી ગયા હતા. બંને વચ્ચે કામવાસનાંનું પ્રમાણ વધી રહ્યું હતું અને સંજોગો આગળ વધવા તરફ દોરી રહ્યા હતા. દેવે કાવ્યાને તેડી લિવીંગ રૂમમાં સોફા પર મુકી, અને થોડી વારમાં કાવ્યાનાં કપડા સોફા નીચે અસ્ત – વ્યસ્ત પડ્યા હતા. કાવ્યા દેવની નીચે હતી અને દેવ કાવ્યાનાં શરીરને રહ્યો હતો.]

અક્ષ કાંઇ બોલી ન શક્યો. દેવને રોડ એક્સિડેન્ટમાં બચાવીને મોટી ભૂલ કરી હોય એવું અનુભવી રહ્યો હતો. અક્ષની આંખોમાંથી લોહીનાં આસું નીકળવાની કોશીષ કરી રહ્યા હતા કે જે અટકાવવાનાં પુરા પ્રયત્નો કરી રહ્યો હતો.

‘અક્ષ, મને માફ કરજે. દેવ મારી સાથે ખુબ જ નમ્ર હતો અને મને એવી રીતે સપોર્ટ કરતો હતો કે પથારી સુધી લઇ જવા સફળ થઇ ગયો...’

કાવ્યા વાત કરતી ધ્રુસકા ભરતી રહી અને અક્ષ શુન્યમન્યસ્ક અવસ્થામાં સરી પડ્યો.

(ચિત્ર – વિચિત્ર

...લવ, ‌સેક્સ ઓર ધોખા)

*** સમાપ્ત ***