From the Earth to the Moon - 11 books and stories free download online pdf in Gujarati

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 11

ફ્લોરીડા અને ટેક્સાસ

પ્રકરણ ૧૧

એક મહત્ત્વના સવાલ પર ધ્યાન આપવાનું હજીપણ બાકી હતું; આ સવાલ હતો કે પ્રયોગ માટેનું ઉત્તમ સ્થળ કયું હોઈ શકે? કેમ્બ્રિજની વેધશાળાની સલાહ મુજબ ગોળો એવા સ્થળેથી છોડવો જોઈએ કે જે ચંદ્રની ધરીથી સૌથી નજીક હોય. હવે ચંદ્ર તો પૃથ્વી પરથી પસાર નથી થતો. એ તો એની આસપાસ ફરે છે? એટલે ૦ થી ૨૮ અંશ અક્ષાંશની વચ્ચે કોઈ એવી જગ્યાએ તોપ ગોઠવવી જોઈએ જેનાથી ગોળો તેના નિશ્ચિત લક્ષ્ય પર મોકલી શકાય.

૨૦મી ઓક્ટોબરે ગન ક્લબની સામાન્ય સભા ભરાઈ જેમાં બાર્બીકેને યુનાઈટેડ સ્ટેટ્સનો ભવ્ય નકશો રજૂ કર્યો અને પોતાનું ભાષણ શરુ કર્યું, “સજ્જનો, આપણે એક બાબતે એકમત છીએ કે આપણે આપણો પ્રયોગ અન્ય કોઈ જગ્યાએ ન કરતાં આપણા દેશની હદની અંદર રહીને જ કરવાનો છે. સદભાગ્યે આપણા દેશમાં એવી અનેક જગ્યાઓ છે જે ૨૮માં અક્ષાંશની લગોલગ જાય છે. જો તમે આ નકશાને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે ટેક્સાસ અને ફ્લોરીડાનો મોટો હિસ્સો આ અક્ષાંશની સૌથી નજીક આવેલો છે.”

ત્યારબાદ સભામાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે તોપને ટેક્સાસ અથવા ફ્લોરીડામાં જ ગોઠવવામાં આવે. પરંતુ આ નિર્ણય અમેરિકાના બે જુદાજુદા રાજ્યો વચ્ચે હરીફાઈ પેદા કરવાનો હતો.

૨૮મો અક્ષાંશનો એક છેડો અમેરિકાના દરિયા કિનારે ફ્લોરીડાના દ્વીપકલ્પને બે હિસ્સામાં છેદીને પસાર થાય છે અને ત્યારબાદ તે મેક્સિકોના અખાતમાં ડૂબકી લગાવે છે અને તે બીજી તરફ તે અલાબામા, મીસીસીપી અને લુઈઝીયાના ના અર્ધવર્તુળને પણ જોડે છે અને બાદમાં તે ટેક્સાસમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ તે મેક્સિકો, સોનોરા, ઓલ્ડ કેલીફોર્નીયામાં થઈને પેસિફિક મહાસાગરમાં અદ્રશ્ય થઇ જાય છે. આથી ટેક્સાસ અને ફ્લોરીડાના એ હિસ્સાઓ જે આ અક્ષાંશની નીચે સ્થિત છે ત્યાં જ આ તોપ ગોઠવી શકાય એ શક્ય બન્યું હતું.

ફ્લોરીડાનો દક્ષિણી હિસ્સો જે અહીં સ્થિત હતો તેમાં કોઈજ એવું મહત્ત્વનું શહેર ન હતું જે કોઈ દાવો પેશ કરી શકે કારણકે અહીં મોટે ભાગે એ કિલ્લાઓ હતા જે રેડ ઇન્ડિયન્સને રોકવા માટે બનાવવામાં આવ્યા હતા. હા એક માત્ર ટેમ્પા નામનું નાનકડું શહેર કદાચ પોતાનો દાવો મૂકી શકવાની સ્થિતિમાં હતું.

તેનાથી વિરુદ્ધ ટેક્સાસમાં એવા ઢગલો શહેરો હતા જે મહત્ત્વના હતા જેમાં ન્યુસીસ કાઉન્ટીમાં આવેલું કોર્પસ ક્રિસ્ટી, રિયો બ્રાવો, લરેડો, કોમાલીટીઝ, સાન ઇગ્નેસીયો, રિયો ગ્રાન્ડે, એડીનબર્ગ, સાંટા રીટા, એલ્પાંડા, બ્રૌન્સવીલ વગેરે. આ તમામ મોટા અને મહત્ત્વના શહેરોએ ફ્લોરીડાના નબળા દાવાને વધારે નબળો કરી દીધો હતો. પરંતુ તેમ છતાં ટેક્સાસના પ્રતિનિધિ સાથે ફ્લોરીડાના ડેપ્યુટીઝ પણ બાલ્ટીમોર આવ્યા હતા અને તેમણે પોતાનો દાવો મજબૂત રીતે પેશ કર્યો હતો. હવે આ નિર્ણય બાર્બીકેન અને ગન ક્લબના કેટલાક મહત્ત્વના સભ્યોએ લેવાનો હતો. આ બંને દવાઓ ઉપર દિવસ રાત ચર્ચા ચાલી. જો હોમરના જન્મ માટે ગ્રીસના સાત શહેરોએ દાવો માંડ્યો હતો તો અહીં તો અમેરિકાના બે મજબૂત રાજ્યોએ પોતાના રાજ્યમાં જ ગન મુકવાના પોતાના દાવાની સફળતા માટે જીવ આપી દેવાની તૈયારી કરી લીધી હતી.

બંને પક્ષોના લોકો બાલ્ટીમોરના રસ્તાઓ પર શસ્ત્રો સહીત ફરતા જોવા મળી રહ્યા હતા. દરેક મીટીંગ વખતે આ બંને પક્ષોના ડેપ્યુટીઝ વચ્ચેની ચર્ચા ઉગ્ર થઇ જતી હતી અને કાયમ હાથોહાથની મારામારી ન થાય તેનું ધ્યાન રાખવું પડતું હતું. નસીબજોગે બાર્બીકેને દરેક વખતે આ ઘટનાને ટાળી શકવામાં સફળતા હાંસલ કરી હતી. અમેરિકાના અખબારોએ પણ પોતપોતાના પક્ષોની પસંદગી કરી લીધી હતી. ધ ન્યુયોર્ક હેરાલ્ડ અને ધ ટ્રીબ્યુન ટેક્સાસને ટેકો આપી રહ્યા હતા, જ્યારે ધ ટાઈમ્સ અને ધ અમેરિકન રીવ્યુએ ફ્લોરીડાનો પક્ષ લીધો હતો. પરંતુ ગન ક્લબના સભ્યો હજીસુધી એ નિર્ણય નહોતા લઇ શક્યા કે આ બંનેમાંથી કોના પક્ષે ઢળવું.

ટેક્સાસે પોતાની છવ્વીસ કાઉન્ટી હોવાથી પોતે વધારે મજબૂત છે એમ કહ્યું તો ફ્લોરીડાએ જવાબમાં કહ્યું કે જે હિસ્સો આખા દેશનો માત્ર છઠ્ઠો ભાગ ધરાવતો હોય તો તેને આટલી બધી કાઉન્ટીઓ હોવાનો ફાયદો ન મળવો જોઈએ, તેની જગ્યાએ માત્ર બાર કાઉન્ટીવાળું રાજ્ય એટલેકે ફ્લોરીડા ઘણે અંશે વધારે મહત્ત્વનું છે.

ટેક્સાસે પોતાની ૩૩૦,૦૦૦ની વસ્તી હોવાનું કહ્યું તો ફ્લોરીડાએ જણાવ્યું કે ભલે તેની વસ્તી ૫૬,૦૦૦ની જ હોય પરંતુ તે ટેક્સાસ કરતાં વધારે ગીચતા ધરાવે છે.

ધ હેરલ્ડ દ્વારા ટેક્સાસે દાવો કર્યો કે તેના રાજ્યમાં અમેરિકાનો સૌથી શ્રેષ્ઠ કપાસ ઉગે છે એટલું જ નહીં પરંતુ તે શ્રેષ્ઠ ઓકનું લાકડું પણ બનાવે છે જે અમેરિકાની નેવીને કામમાં આવે છે અને તેની સાથેસાથે તેની ખાણો અમેરિકાનું પચાસ ટકા શુદ્ધ ધાતુ ઉત્પન્ન કરે છે.

આના જવાબમાં અમેરિકન રીવ્યુએ જણાવ્યું કે ફ્લોરીડા ભલે ટેક્સાસ જેટલું પૈસાદાર ન હોય પરંતુ ત્યાંની રેતીવાળી જમીન કોલમ્બિયાડના કાસ્ટિંગ માટે અત્યંત અનુરૂપ છે.

“એ બધું તો બરોબર છે,” ટેક્સાસે જવાબ આપ્યો, “પરંતુ તમારે હવે અમારા રાજ્યમાં પણ આવવું જોઈએ કારણકે હવે ફ્લોરીડા સાથે કોઇપણ સંપર્ક કરવો અશક્ય બની ગયો છે. અહીં અમારા ગેલ્વેસ્ટનની ખાડીનો ચકરાવો એવો જબરદસ્ત છે કે તે દુનિયાભરના નૌકાદળોને એકસાથે સંભાળી શકે છે.”

આના જવાબમાં ફ્લોરીડાનો પક્ષ લઇ રહેલા એક સમાચારપત્રે લખ્યું કે, “આ એક કલ્પનાતીત જવાબ હતો. તમારી ગેલ્વેસ્ટનની ખાડી તો ૨૯માં અક્ષાંશની લગોલગ છે જ્યારે અમારી ઇસ્પીરીટુ સેન્ટોની ખાડી એ બરોબર ૨૮માં અક્ષાંશ પર જ ખુલે છે અને ત્યાં ટેમ્પા ટાઉન સુધી જહાજો સીધા પહોંચી શકે છે.”

“ખાડી તો સારી છે પણ રેતથી અડધો ગુંગળાઈ ગઈ છે.” ટેક્સાસનો જવાબ આવ્યો.

“તો તમે પૂરેપૂરા ગુંગળાઈ મરો.” ફ્લોરીડાએ સામો જવાબ વાળ્યો.

આ પ્રમાણે આ શાબ્દિક યુદ્ધ ઘણા દિવસો સુધી ચાલ્યું ત્યાંજ ફ્લોરીડાએ એ નવું તીર છોડ્યું. ધ ટાઈમ્સમાં છપાયેલા એક લેખમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આવું મહત્ત્વનું અને દેશહિતનું કાર્ય માત્ર અમેરિકાની ભૂમિ પરથી જ પાર પાડવું જોઈએ.

આ શબ્દો પર ટેક્સાસના લોકોએ તરતજ જવાબ આપ્યો કે, “અમેરિકાની ભૂમિ થી તમારો શું મતલબ છે? શું અમે તમારા જેટલાજ અમેરિકન નથી? શું આપણા બંને રાજ્યોનો જન્મ એકસાથે ૧૮૪૫માં જ નહોતો થયો?

તેના જવાબમાં ધ ટાઈમ્સે લખ્યું, “એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ અમે તો અમેરિકા સાથે ૧૮૨૦થી જ જોડાઈ ગયા હતા.”

“હા! સ્પેનીશ અને અંગ્રેજો બનીને બસો વર્ષ સુધી રહ્યા બાદ તમને યુનાઇટેડ સ્ટેટ્સને પાંચ મિલિયન ડોલર્સમાં વેંચી નાખવામાં આવ્યા હતા.” ધ ટ્રીબ્યુને વળતો જવાબ આપ્યો.

“હા તો એ માનવામાં શરમ શેની? શું લુઈઝીયાનાને પણ નેપોલિયન પાસેથી ૧૮૦૩માં સોળ મિલિયન ડોલર્સ ચૂકવીને ખરીદવામાં નહોતું આવ્યું?”

“આ તો અમારી બદનક્ષી છે. એક નાનકડી પટ્ટી જેટલું તૂટેલું ફૂટેલું ફ્લોરીડા ટેક્સાસ જેવા રાજ્ય સાથે પોતાની સરખામણી કરી રહ્યું છે? ટેક્સાસે પોતાની જાતને વેંચી નાખવાને બદલે પોતાની આઝાદી માટે લડત લડી હતી અને માર્ચ ૨, ૧૮૪૬ના દિવસે મેક્સિકનોને ખદેડીને પોતાને એક અલગ અને આઝાદ રાજ્ય ઘોષિત કર્યું હતું. આ વિજય સાન જેસીંટોના કિનારે સેમ્યુઅલ હ્યુસ્ટને સાન્ટા એન્નાને હરાવીને મેળવ્યો હતો અને બાદમાં રાજીખુશીથી પોતાની જાતને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં ભેળવી દીધું હતું.” ટેક્સાસે લાંબો જવાબ આપ્યો.

“હા કારણકે તમને પછી મેક્સિકનોના બદલાની બીક લાગી રહી હતી.” ફ્લોરીડાનો જવાબ આવ્યો.

જ્યારે ‘ડર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે આ યુદ્ધ કાબૂ બહાર જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું અને બાલ્ટીમોરની સડકો પર આ બંને પક્ષો વચ્ચે ગમે ત્યારે લોહિયાળ યુદ્ધ છેડાઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી હતી. આથી હવે આ બંને રાજ્યોના ડેપ્યુટીઓ પર નજર રાખવાનો સમય આવી ગયો હતો.

પ્રમુખ બાર્બીકેનને ખબર નહોતી પડતી કે તે ક્યા રાજ્યના પક્ષે પોતાનો નિર્ણય સંભળાવે. નોંધો, દસ્તાવેજો, પત્રો આ તમામ વસ્તુઓનો ઢગલો બાર્બીકેનના ઘરમાં થવા લાગ્યો. ક્યા રાજ્યનો તે પક્ષ લેવો જોઈએ એમ બાર્બીકેન સતત વિચારી રહ્યા હતા. જમીનની બાંધણી, સંપર્કની સુવિધા, ઝડપી પરિવહન આ તમામ બાબતોએ બંને રાજ્યો એક સરખા મજબૂત હતા. હા જો રાજકીય રીતે વિચારવામાં આવે તો તે બંને રાજ્યોને આ અંગે કશુંજ વિચારવા જેવું લાગતું ન હતું.

મડાગાંઠ થોડો સમય આમને આમ ચાલુ રહી. પરંતુ જ્યારે બાર્બીકેને આ અંગે કોઈ નિર્ણય લઇ જ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે એમના સાથીઓની એક મીટીંગ બોલાવી અને તેમની સામે એક ગંભીર દરખાસ્ત મૂકી જે તદ્દન વિચક્ષણ હતી.

“જે રીતે આજકાલ ફ્લોરીડા અને ટેક્સાસ વચ્ચે ચાલી રહ્યું છે મને ખાતરી છે કે જે રાજ્યને પસંદ કરવામાં આવશે તેના શહેરો વચ્ચે પણ પછી આવીજ હરીફાઈ ચાલશે અને તે પછી વિસ્તાર સુધી પણ નીચે જઈ શકે છે. ટેક્સાસમાં આપણી જરૂરિયાતો પૂરી કરતાં અગિયાર શહેરો છે આથી જો ટેક્સાસને પસંદ કરવામાં આવશે તો તેમની વચ્ચે પણ હરીફાઈ સર્જાશે. આથી હું ફ્લોરીડાના ટેમ્પા ટાઉન પર મારી પસંદગી ઢોળું છું.” બાર્બીકેને પોતાનો પ્રસ્તાવ મૂક્યો.

જ્યારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણે ટેક્સાસના ડેપ્યુટીઝને અત્યંત ગુસ્સે કરી દીધા. આમાંથી કેટલાકે તો ગન ક્લબના સભ્યોને નામજોગ ધમકીભર્યા પત્રો લખી દીધા. હવે વ્યવસ્થાની તમામ જવાબદારી મેજિસ્ટ્રેટની હતી અને તેમણે એ બખૂબી નિભાવી પણ ખરી. બાલ્ટીમોરમાં જેટલા પણ ટેક્સાસના વતનીઓ હતા એ તમામને તેમણે શોધી શોધીને એ લોકોની ઈચ્છા હોય કે ન હોય એક ખાસ ટ્રેઈનમાં ભર્યા અને પછી તેમને ત્રીસ માઈલ પ્રતિ કલાકની ઝડપે બાલ્ટીમોરની સરહદની બહાર મોકલી દીધા.

જ્યારે તેમને આટલી ઝડપથી બહાર મોકલી રહ્યા હતા ત્યારે પણ તેમની પાસે તેમના વિરોધીઓ તરફે એક છેલ્લો પરંતુ કડવો કટાક્ષ કરવાનો સમય હતો જે તેમણે બરોબર વાપર્યો પણ ખરો.

ફ્લોરીડાના કદને ધ્યાનમાં રાખી જે બે સમુદ્રો વચ્ચે આવેલો એક દ્વીપકલ્પ માત્ર હતો, તેના વિષે ટેક્સાસના લોકોએ જણાવ્યું કે તે ગોળાના પહેલાજ ઝટકાને સહન નહીં કરી શકે અને તે ઘણાબધા ભાગોમાં તૂટી જશે.

“તો ભલે અમે તૂટી પડીએ, અમને કોઈજ વાંધો નથી.” ફ્લોરીડાવાસીઓએ પણ જવાબમાં પ્રાચીન સ્પાર્ટાની બહાદુરી બતાવી.