Sat Kalak no Sath books and stories free download online pdf in Gujarati

સાત કલાકનો સાથ

સાત કલાક નો સાથ

સવારનો 9:૩૦ નો સમય છે. ધરતી આખેઆખી ધ્રુજી રહી હતી અને તેની પરના બહુમાળી મકાનો પત્તાના મહેલની જેમ કકડભૂસ થઈને ધ્વંસ થઈ રહ્યા હતા. તે વખતે શહેરના એક પોષ વિસ્તારની દસ માળની ઈમારતના લોકો ભયથી ધ્રુજીને ઉપરથી નીચે અને નીચેથી ઉપર આમતેમ બહાવરા બનીને દોડતા હતા.

મહેક,આઠમાં માળના પેસેજમાં દિશાવિહીન થઈને ક્યાં જવું તેની મૂંઝવણમાં હતી.તેવામાં નીચે ઉતરવાની સીડી મકાનથી ઉખડીને અચાનક તૂટી ગઈ અને મહેક અચાનક ઉપરની તરફ દોડવા લાગી;સાથે ફકીરચાચાનો પણ તેને ભેટો થયો.ફકીરચાચા તેને એક ઓરડીમાં દોરી ગયા અને બોલ્યા,”બેટી, અત્યારે સૌથી સુરક્ષિત જગ્યા આ છે.બહુ મજબૂત ઓરડી છે આ.આખું મકાન પડશે તોયે ઓરડી હેમખેમ રહેશે,તું જલ્દીથી અંદર આવીજા..”

ફકીરચાચા આ ઈમારત બની પણ ના હતી તે વખતથી અહી જ રહેતા હતા.તેમને કુટુંબમાં કોઈ હતું નહી.રાત્રે આ ઈમારતની ચોકી કરતા જાગતા રહેતા અને દિવસે ઈમારતના રહીશોનું નાનું-મોટું કામ કરી આપતા.ઉદાર સ્વભાવ ધરાવતા અને અલ્લાહની બંદગીમાં મસ્ત રહેતા ફકીરચાચા પર સૌને ભરોસો અને આદર હતા.

તે બંન્નેના ઓરડીમાં પ્રવેશતા જ એક યુવાન એક અર્ધબેભાન જેવા લગતા વૃદ્ધ ને હાથમાં ઉચકીને લીફ્ટના દોરડા વડે નીચે ઉતરવાની મથામણ કરતો જણાયો..તે વિશ્વાસ હતો,આઠમાં માળે જ મહેકના સામેના ફ્લેટમાં રહેતો હતો. તે વૃદ્ધ તેના કાકા હતા. અનાથ વિશ્વાસને આ ઉદાર અને શ્રીમંત સજ્જને જ ઉછેરીને ભણાવ્યો ગણાવ્યો હતો.

ફકીરચાચાએ એક ક્ષણના પણ વિલંબ વિના વિશ્વાસને ઓરડીમાં ખેંચી લીધો અને એ સાથે જ આખી દસ માળની ઈમારત ચાર માળ નીચે ફસડાઈ. સાથે જ ઓરડીનો દરવાજો ધડામ દઈને બંધ થઇ ગયો. હવે રહ્યું માત્ર કાળું ડીબાંગ અંધારું અને ત્રણ માનવજીવો.કારણકે વિશ્વાસના કાકાના પ્રાણ તો ધરતીકંપના પહેલા આંચકામાં જ હાર્ટ એટેકથી નીકળી ગયા હતા. ધડકતા હૃદયે તે ત્રણેય જણા ભગવાનના ભરોસે તે અંધારી ઓરડીમાં દીવાલને અડીને ચપોચપ ઉભા હતા.તેમાં સૌથી વધુ ગભરાયેલી મહેક હતી.

“ઓહ માય ગોડ! અહીંથી હું બહાર કેવી રીતે નીકળીશ? મારા મમ્મી ડેડીને મારી ચિંતા થતી હશે.

શીટ! આ મોબાઈલ પણ ચાલતો નથી, નહીતર હું તેમને મેસેજ તો કરી શકત કે હું અહી ઓરડીમાં ફસાયેલી છું,મને જલ્દીથી બહાર કાઢો.” મહેક બોલી.

“બેટી, હવે તો ઈશ્વર સિવાય કોઈ આપણને આ ઓરડીમાંથી જીવતા બહાર કાઢી શકે તેમ નથી.માટે અલ્લાહને યાદ કર અને ગભરાતી નહિ...” ફકીરચાચા એ મહેકને હિમ્મત આપી.

આ બંનેના વાર્તાલાપથી નિર્લેપ વિશ્વાસ તેના કાકાને જગાડવાની નિરર્થક કોશિશ કરી રહ્યો હતો તે જોઈ ફકીરચાચા બોલ્યા,”બેટા, રહેવા દે, તે હવે આપણી વચ્ચે નથી રહ્યા.અલ્લાહને ગમ્યું તે ખરું.” અને વિશ્વાસ એક આંચકા સાથે ઉભા થતા બોલ્યો.”અહીંથી મારે જલ્દીથી જલ્દી બહાર નીકળવું પડશે.કાકાને હોસ્પીટલમાં એડમીટ કરીને બાકીના ઘાયલ લોકોને મદદ કરવા મારે જવું છે.હું અહી શાંતિથી ઉભો છું અને હજારો લોકો મકાનોના કાટમાળ નીચે દટાઈ રહ્યા રહ્યા મને જાણે કે બૂમો પાડી રહ્યા છે કે આવો અમને કોઈ બચાવો.”

મહેકે મોઢું મચકોડી જવાબ આપ્યો,”પહેલાં અમને બંનેને તો અહીંથી બહાર કાઢો મિ. વિશ્વાસ,પછી હજારો લોકોની વાત કરો.”

આમ પણ મહેકને વિશ્વાસ સાથે પહેલેથી જ બારમો ચંદ્રમાં હતો.બાવીસ વર્ષની ઉંચી,ગોરી,ધનવાન કુટુંબની મહેક અગ્નિહોત્રી 803 નંબરના ફ્લેટમાં માતાપિતા સાથે બે વર્ષ પહેલા જ રહેવા આવી હતી. જયારે સામેના જ 806 નંબરના ફ્લેટમાં પોતાના કાકા સાથે રહેતો વિશ્વાસ પચીસ વર્ષનો ઊંચો,મજબૂત બાંધાનો,નામ પ્રમાણે જ આત્મવિશ્વાસથી છલકતો એક બહાદુર યુવાન હતો.પરંતુ રંગે શ્યામ હોવાને કારણે હંમેશાથી મહેકના અણગમાનો તેને સામનો કરવો પડતો હતો.કારણ કે મહેકને કાળા લોકો અને કાળી વસ્તુઓ પ્રત્યે સખત નફરત હતી. તેથી જ આ બે વર્ષમાં ક્યારેય તેણે વિશ્વાસ સાથે સરખી રીતે વાત સુધ્ધાં કરી નહોતી.વાત તો દૂર રહી, હંમેશા તેને ધમકાવતી,છણકાવતી જ રહેતી. જયારે સામા પક્ષે વિશ્વાસ ખૂબ જ સાલસ, પરગજુ, મહેનતુ અને મિલનસાર સ્વભાવનો હતો.અનાથ હોવા છતાં તેના કાકા અમરીશ શર્મા એ ક્યારેય તેને કોઈ ખોટ સાલવા દીધી નહોતી. અને આજે તે અમરીશ શર્માના લાખોના બિઝનેસનો સર્વેસર્વા હતો.

ભૂકંપ સવારે 9:૩૦ વાગ્યે આવ્યો હતો અને અત્યારે સમય થયો હતો 10:30. પૂરા એક કલાકમાં ઓરડીની અંદરની વાતચીત પૂરેપૂરી બંધ થઇ ચૂકી હતી.કારણકે ત્રણેય હવે જાણી ચૂક્યા હતાકે, હવે તો આ લટકતી ઓરડીના સહારે જેટલું જીવાય તેટલું સાચું.તેમ છતાં વિશ્વાસ ઓરડીના ભંગારમાં પડેલો એક લોખંડનો સળીયો લઈને દરવાજામાં કાણા પાડવાની કોશિશ કરી રહ્યો હતો જેથી કામ સે કામ થોડી હવાની અવરજવર તો રહે.

ફકીરચાચા ઉર્દુમાં કેટલીક પ્રાર્થનાઓ ગાઈ રહ્યા હતા, જે સામાન્યપણે તે દરરોજ રાત્રે ગણગણતા રહેતા અને ઈમારતની ચોકી કરતા રહેતા.જયારે મહેક પોતાના મોબાઈલને નિરર્થક મચેડી રહી હતી;પણ સિગ્નલ પકડાતી જ નહોતી.તેઓને ઝીણો ઝીણો લોકોનો કોલાહલ અને ફાયરબ્રિગેડની વ્હીસલ સંભળાતી હતી;તેથી થોડો જીવમાં જીવ આવ્યો હતો કે કોઈ મદદ કરવા કદાચ આવશે,પણ દાદ દેવી પડે તો વિશ્વાસની કે જે પોતાના સર્વસ્વ એવા અમરીશ કાકાના મૃતદેહ પાસે એક આંસુ પણ સર્ય વિના મહેનતે લાગ્યો હતો.આખરે થાકીને તે નીચે બેઠો અને એક દીર્ઘશ્વાસ સાથે બોલ્યો,” આટલા ત્રણ કાણામાંથી ખાલી થોડી હવા જ આવશે પણ આપણો અવાજ નીચે સુધી પહોંચવાની કોઈ શક્યતા નથી.”

“બેટા, ભલે નીચે ના પહોંચે,અલ્લાહ સુધી તો જરૂર પહોચશે અને તે આપણને જરૂર મદદ કરશે.હિંમત રાખ, હિંમતે મર્દા તો મદદે ખુદા.”ફકીરચાચા વિશ્વાસને હિંમત બંધાવતા બોલ્યા.

મહેકને કદાચ હજી પણ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ના હતો,કારણકે તે આરામથી થોડા અજવાળા વાળા ખૂણામાં ઉભી ઉભી પર્સમાંથી મિરર કાઢી વાળ સરખા કરી રહી હતી.આમ પણ મહેકની જીંદગીમાં હરવું,ફરવું,નામ પુરતું જ ડીગ્રી લેવા માટે કોલેજ જવું અને પોતાના મમ્મી ડેડી સાથે લાડકોડ કરવા,એ સિવાય કોઈ પ્રવૃત્તિને સ્થાન ન હતું.હા, હમણા હમણા એ લગ્ન માટે તેના મમ્મી ડેડીના આગ્રહને વશ મુરતિયાઓ જોઈ રહી હતી.

હા, પણ સ્વભાવ તો તેનો પણ ઉદાર અને થોડે ઘણે અંશે માયાળુ હતો.તે ઘણીવાર ફકીરચાચા માટે જમવાનું કે નાસ્તો લઇ જતી. સાથે ઠંડીના દિવસોમાં ઘણીવાર પોતાના પોકેટમનીમાથી તેમને માટે ગરમ ટોપી અને શાલ પણ લઇ ગયેલી.પણ કોણ જાણે કેમ કાળા લોકો માટે તેને બેહદ નફરત હતી અને તેથી જ વિશ્વાસ ફક્ત એક આ કારણે જ મહેકનું એક સ્મિત પણ આજસુધી પામ્યો નહોતો.

સમય થયો હવે 12:30 નો. મહેક, વિશ્વાસ અને ફકીરચાચા---ત્રણેય ઓરડીમાં ગુમસુમ બેઠા છે. વાતાવરણ થોડું હળવું કરવા ફકીરચાચા વાતોએ વળગ્યા,”બેટી, તું જ્યારે ખૂબ મુશ્કેલીમાં હોય ત્યારે તને કોણ યાદ આવે?”

મહેક બોલી,”મને તો મારા મમ્મી ડેડી સિવાય કોઈ યાદ આવતું નથી.”

“અને મારા જેવા અનાથને તો માતાપિતા સિવાય બધા જ યાદ આવે છે,” કહીને વિશ્વાસ થોડું બેફીકરું હસ્યો.

અચાનક શું થયું કે મહેકે વિશ્વાસને પૂછ્યું,”તમને ક્યારેય તમારા મમ્મી ડેડી યાદ આવ્યા નથી, કે એમના વિષે જાણવાની ઈચ્છા પણ નથી થઇ?”

“ના, બિલકુલ નહિ.જાણીને કરું પણ શું?જો તેઓ ખરેખર મા બાપ કહેવડાવવાને લાયક હોત તો મને આમ રખડતો નાં મૂકી જાત.”

“તો તમને એ પણ ખ્યાલ નહિ હોય ને કે, તમે હિંદુ,મુસ્લિમ,ખ્રિસ્તી ---આઈ મીન કયા ધર્મના છો?”

“શું હું એક માણસ છું, એ ઓછું છે મારી ઓળખાણ માટે મિસ મહેક?”

“સોરી,મારો મતલબ તમને દુખ પહોચાડવાનો નહોતો.”

“તમને વળી ક્યારે કાળા લોકોના દુઃખનો ખ્યાલ આવવા લાગ્યો , મિસ મહેક?”

મહેક ચૂપ જ રહી. જવાબ આપ્યો ફકીરચાચાએ,”ઇન્સાન ક્યારેય એના રંગ-રૂપ,ધર્મ,જાતિ કે અમીરી-ગરીબી થી નથી ઓળખાતો.ફક્ત એના કર્મોથી જ ઓળખાય છે. અચ્છા કર્મો કરે તો અચ્છો ઇન્સાન અને બુરા કર્મો કરે તો બૂરો ઇન્સાન. મહેક બેટી,તને તો ખબર હશે ને કે તમારા કૃષ્ણ ભગવાન કહે છે કે કાળા હતા, તો પણ તેઓ મહાન થઇ ગયા.”

અચાનક જોરદાર ધડાકા સાથે ઓરડીનો ઉપરનો એક સ્લેબ તુટ્યો અને પડ્યો મહેકના જમણા પગની ઉપર.એક ચીસ નાખી મહેક ઉભી થવાની કોશિશ કરવા લાગી પણ વ્યર્થ! પચીસ કિલોનું વજન તેના નાજુક પગ પર પડતાજ કદાચ તેને પગનું હાડકું ભાંગી ગયું હશે;અને બીજો પગ સ્લેબની બીજી બાજુ ફસાયો હતો.હેબતાઈ ગયેલી મહેક દર્દને કારણે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.વિશ્વાસ પૂરા જોરથી સ્લેબ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.તેમાં તેના બંને હાથ છોલાઈ પણ ગયા,પરંતુ સ્લેબ ટસનો મસ નહોતો થતો. ફકીરચાચા મહેકને માથે હાથ ફેરવી,હિંમત આપી શાંત રાખવાની કોશિશ કરી રહ્યા હતા.

સમય થયો 2:00 વાગ્યાનો .વિશ્વાસની જોરદાર કોશિશોને કારણે સ્લેબ થોડો ખસ્યો અને મહેક પોતાનો પગ નીચેથી બહાર લાવી શકી.પરંતુ કદાચ ઘૂંટણથી નીચેના તેના પગનું એકેય હાડકું સલામત હોવાની શક્યતા નહોતી.

એક અણગમતા કાળા માણસે આજે તેને બચાવી હતી.તે સજળનેત્રે આભારવશ વિશ્વાસની સામે જોઈ રહી.પરંતુ એ અંધકારભર્યા ઉજાસમાં વિશ્વાસને તેની સામે જોવાની પણ પરવા નહોતી.કારણકે તે હવે સ્લેબ ખસવાથી ઉપર છતમાં પડેલા બાકોરામાંથી વધારે જગ્યા કરવાની મથામણમાં હતો.ખાસ્સા એક કલાકની જહેમત પછી વિશ્વાસ ઉપર છતમાં થોડી જગ્યા બનાવી શક્યો કે જેના દ્વારા તે કદાચ ઉપર ચડીને બહાર આવી શકે. તે હજી પણ પોતાના છોલાયેલા હાથોની અવગણના કરીને છતમાંથી પથ્થરો તોડી તોડીને થોડી વધુ જગ્યા કરવાની કોશિશ કરી રહ્યો હતો.

આ તરફ મહેકને હવે નવી ચિંતા પેઠી,”ફકીરચાચા,હવે તો મારે મારી જ જવું છે.જીવવાની કોઈ ઈચ્છા નથી.” “કેમ બેટી, એવું બોલે છે?”

“મારા જેવી લંગડી છોકરીને હવે કોઈ પસંદ નહિ કરે અને મમ્મી ડેડીનું ટેન્શન વધી જશે.અને હું પણ એક પગ વગર આખી જીન્દગી કેવી રીતે કાઢીશ?”

“બેટા, અલ્લાહ પર ભરોસો રાખ,એવું કઈ જ નહિ થાય.દુનિયામાં જોડીઓ તો ઉપરથી બનીને જ આવે છે. નીચે તો બસ તખલ્લૂસ જ કરવાનું બાકી હોય છે.”

વિશ્વાસના હાથ હજુ પણ પથ્થરો ખસેડીને કાટમાળ ફંફોસતા હતા,ત્યાં તેના હાથમાં એક પાણીની બોટલ આવી.અને તેની આંખોમાં ચમક આવી ગઈ;કારણકે આટલા કલાકના અવિરત શ્રમ બાદ તેનું ગળું સુકું ભઠ્ઠ થઇ ગયું હતું અને પેટમાં આગ તો હતી જ.તે જેવો બોટલ લઈને નીચે કુદ્યો કે મહેક બોલી,”વાઉ પાણી, પાણી મળી ગયું.ફકીરચાચા પાણી પીશ તો કમ સે કમ હું હજી બીજા બે કલાક જીવી જઈશ..”

વિશ્વાસે પોતાની પરવા કર્યા વિના મહેકને બધું પાણી આપી દીધું.તે પીધા પછી મહેકને ખ્યાલ આવ્યો કે વિશ્વાસની હાલત પણ પોતાના જેવી જ હતી.તેને પોતાના પર ખૂબ અફસોસ થયો.તેણે વિશ્વાસની માફી માંગી અને પોતાની જાતને કોસવા લાગી.”હું આટલી ખુદગર્ઝ કેવી રીતે બની ગઈ?”

“બેટી, મોત સામે હોય ત્યારે ભલભલા લોકો માણસ માટી શૈતાન બની જતા હોય છે.જયારે તું તો એક માસૂમ ઘાયલ બચ્ચી છો, આટલો અફસોસ ના કર.”

વિશ્વાસે ફક્ત એક પ્રેમભર્યો હાથ મહેકના માથા પર ફેરવ્યો અને ફરી કામે લાગી ગયો.

આખરે 4:00 વાગ્યે વિશ્વાસ પોતે ઉપર ઘસડાઇને બહાર નીકળી શકે એટલું બાકોરું બનાવી શક્યો.

“મહેક,ફકીરચાચા, મહેરબાની ઉપરવાળાની કે આપણે હવે બચી જઈશું.બાકોરું બની ગયું છે.હું હમણા જ બહાર જઈને લોકોને મદદ માટે બોલાવી લઉં છું.મહેક પ્લીઝ થોડી વાર હિંમત રાખ.બસ હું આ આવ્યો.”

તે ઝડપથી બહાર આવીને બૂમો પાડવા લાગ્યો અને ફાયરબ્રિગેડના જવાનો તેની બૂમો સાંભળી એ તરફ દોરડા લંબાવી કૂદીને આવી પહોચ્યા,તેને હજી ઓરડીની અંદર બે જણા ફસાયેલા હોવાની વાત કરી.જોતજોતામાં બધા જવાનો તે લોકોને બહાર કાઢવાના કામે લાગી ગયા.પહેલા મહેકને ઉચકીને કાઢીને હોસ્પિટલ પહોંચાડી.બીજી એમ્બ્યુલન્સમાં વિશ્વાસના કાકાના મૃતદેહને ખસેડ્યો.

મહેકના મમ્મી ડેડી નજીવા ઘવાયા હતા.મહેકને જીવતી જોઈ તેઓના હોશમાં હોશ આવ્યા.મહેકને પગમાં પંદર ફ્રેકચર હતા પણ સહુથી મોટો ભૂકંપ તો તેના વિચારોમાં અને વર્તાવમાં આવ્યો હતો.

હવે તે કાળા લોકો પ્રત્યે વધુ લગાવ રાખતી થઇ ગઈ હતી. અને હા, વિશ્વાસ તો તેનો જીવનસાથી બનવાનો જ હતો,તેના સાજા થયા પછી..આમ, સાત કલાકનો સાથ વિશ્વાસ અને મહેક માટે સાત ફેરાનો અને સાત જનમનો સાથ બની જવાનો હતો.......