Ek Strini Kimmat books and stories free download online pdf in Gujarati

એક સ્ત્રીની કિંમત...

એક સ્ત્રીની કિંમત

એક સ્ત્રીની કિંમત શું?અહી આપણે કોઈ બજારુ સ્ત્રીની કિંમત ની વાત નથી કરતાં.પણ વાત કરી રહ્યા છીએ આપણી આસપાસ જીવતી આપણી નજીકની સ્ત્રીઓની.

એક પરિણીત સ્ત્રી સવારથી રાત સુધી તેના પતિના ઘરનું દરેક કામકાજ ખુશીથી અને દિલ દઈને કરતી રહેતી હોય છે,અને બદલામાં એને શું જોઈએ છે,એ વિચાર કર્યો છે કદી કોઈ પતિએ?કદાચ ના,એ સ્ત્રીની કિંમત પતિને ત્યારે જ સમજાય છે જયારે એની ગેરહાજરી વર્તાય.એટલે કે ક્યાં તો પત્ની થોડા દિવસ માટે પિયર ગઈ હોય કે પછી બીમાર પડી હોય.અસ્તવ્યસ્ત થયેલું ઘર કે પછી અસ્વચ્છ રસોઈઘર કે પછી ભીનું બાથરૂમ...આ બધું જોઇને પતિને તેની પત્ની યાદ આવે પણ એવો તો વિચાર લગભગ કદી નાં આવે કે આ મારું ઘર કે જે મારી પત્ની દિનરાત એક કરીને સ્વચ્છ અને સુઘડ રાખવા માથે છે તેની કોઈ દિવસ સારા મનથી સરાહના કરું કે જેથી થોડું હાસ્ય પત્નીના ચહેરા પર પણ ફેલાઈ જાય ને તેને થોડા સંતોષની લાગણી થાય.પણ પુરુષ તો એ જ વિચારતો હોય છે કે ક્યારે મારી પત્ની સાજી થાય કે પાછી આવે,આ બધુ આટોપવા લાગે અને ઘરની ગાડી પાછી પાટા પર ચઢે...આ પુરુષ આમ સ્વાર્થી નથી હોતો પણ તેને સ્ત્રીની કિંમત નથી હોતી.સ્ત્રીની કિંમત ક્યારે પૈસાથી થઇ જ નથી શકતી પણ સ્ત્રીની કિંમત થાય છે લાગણીથી,બે પ્રેમભર્યા શબ્દોથી...યોગ્ય સમયે કરવામાં આવતા તેના કાર્યોની પ્રશંસાથી..આ નાની નાની વસ્તુઓ સ્ત્રીની જીંદગીમાં ખૂબ ઉત્સાહ ભરી દઈ શકે છે..અને નાની નાની વાતોમાં તેની થતી અવગણના તેના જીવનને નિરુત્સાહ કરે છે.

આપણા સમાજમાં સ્ત્રીઓએ કઈ રીતે જીવવું જોઈએ તેનું બહુ મોટું લીસ્ટ છે પણ સ્ત્રીઓ સાથે દરેક વ્યક્તિએ કઈ રીતે વર્તવું જોઈએ તેના માટે કોઈ હજી ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા નથી.સવારે જો સ્ત્રી થી જરા મોડું ઉઠાયુ અને થોડું મોડું ઘરના દરેક સભ્યને થઇ જાય તો સૌથી પહેલો વાંક તે બિચારીનો એ આવે કે તારે તો રોજ મોડું જ થતું હોય છે,કોઈ દિવસ એમ કોઈ પૂછવાનું વિચારશે કે આજે એની તબિયત કેવી છે, ક્યાંક તેના નાના બાળકે રાત્રે જગાડી તો નથી કે બીજી કોઈ તકલીફ તો તેને પોતાને રાત્રે થઇ નથી? નાં, ક્યારેય નહિ...ઉપરથી તે બિચારી ઘરના દરેક કામ નીપટાવવામાં પોતાનો ચા નાસ્તો વિસરી જશે તો તે વસ્તુને તેની ફરજ સમજવામાં આવશે..સ્ત્રીની તબિયત પુરુષ કરતાં ઘણી નાજુક હોય છે અને તેને ઊંઘ તેમજ સારસંભાળની વધારે જરૂર હોય છે પણ આપણા સમાજમાં તો ઊંધું ગણિત ચાલે છે,સ્ત્રી એ પહેલા તેના પતિ કે સાસુ સસરાની તબિયતની કાળજી લેવી જોઈએ, પછી બાળકોની અને પછી જો ઘરના કામકાજથી સમય મળે તો જરાક પોતાના વિષે વિચારી લેવું જોઈએ.સરવાળે સ્ત્રીની તબિયત યોગ્ય ખોરાક અને કાળજીના અભાવે દિનબદિન જલ્દી બગડતી જાય છે અને સમય જતાં સહન તેને પોતાને જ કરવું પડે છે..ત્યારેય મહેણા ટોણા પણ તેણે જ સાંભળવાના કે તે તારી સંભાળ સરખી લીધી નહિ...

આજકાલ તો માતા બન્યા પછી બાળકો પાછળ એટલો બધો સમય ફાળવવો પડે છે કે વાત ના પૂછો.દરેક પરિવારમાં એવી માન્યતા થઇ ગઈ છે કે અમારું બાળક સર્વશ્રેષ્ઠ જ હોવું જોઈએ.અને એ કાર્યની જવાબદારી કોની, તો કહે કે માતાની.હવે માતા સર્વશ્રેષ્ઠ હશે તો જ બાળકને સારું અને તંદુરસ્ત વિચારોવાળું બનાવી શકશે.પણ માતા જે પરિવારમાં રહે છે તે પરિવારમાં માતાનું સ્થાન શું હોવું જોઈએ તેના વિષે ક્યારેય કોઈએ દરકાર કરી નથી. પરિવાર તંદુરસ્ત અને મોભાદાર ત્યારે જ બને છે જયારે તે ઘરમાં વસતી સ્ત્રી દરેક સભ્યો પાસેથી માન અને સમ્માન પામે.

વર્ષોથી ચાલી આવતી ચીલાચાલુ માન્યતાઓને જો કોઈ સ્ત્રી તોડવા જાય તો તેને પરિવારના દરેક સભ્યોના દુર્વ્યવહારનો અને તિરસ્કારની લાગણીનો સામનો કરવો પડે છે.આવું ક્યાં સુધી ચાલશે? શું કોઈ સ્ત્રીને સમાજમાં સુધારા લાવવાનો કોઈ હક જ નથી.શું સ્ત્રીઓનું ફક્ત કામ ઘરની સ્વચ્છતા જાળવીને ચુપચાપ મોટાઓ અને વડીલો કહે તે મુજબ જીવન વિતાવવાનું?શું સમાજમાં ચાલતા દુષણો અને રૂઢીચુસ્ત રીતરીવાજો ની સામે બંડ પોકારવાનો કોઈ અધિકાર નથી આજની સ્ત્રીઓનો?જો તે આમ કરવા જાય તો કેટલાયે મોટા માથા સામે લડવાનો વારો આવે છે અને જો તે અન્યાય ને શરણે જઈને ચુપચાપ આંસુ સારતી જીવન વિતાવે તો તેનો અંતરાત્મા તેને કોરી ખાય છે કે આ બધું ક્યાં સુધી?

આ દરેક સવાલનો જવાબ એક તો નાં જ કહી શકાય પરંતુ જો આપણે આપણા ઘરની સ્ત્રીઓને માન આપીને તેના નિર્ણયોની દરકાર લેવાનું ચાલુ કરીશું તો સમાજ આપોઆપ થોડો બદલાશે.અને હા, દરેક નાની બાળકીને શિક્ષિત બનાવવાનું સ્વપ્ન જોઈશું તો જ આવનારા સમયમાં દરેક ઘર સુખશાંતિથી હર્યુભર્યુ બની શકશે.એક શિક્ષિત સ્ત્રી પોતાનું ઘર અને પોતાના પતિનું ઘર બન્નેની રોનક બદલી શકે છે જો તેને સમાન અધિકારો આપવામાં આવે તો.ઉપરાંત તે સ્ત્રીનું બાળક પણ તો જ આ સુશિક્ષિત સમાજનો ભાગ બની શકે છે જો તે બાળકની માતા સ્વસ્થ સને શિક્ષિત કુટુંબમાં રહેતી હોય.અને તો જ આ દેશનું દરેક બાળક આગળ જતા એક જવાબદાર અને સુશિક્ષિત નાગરિક બનવા સક્ષમ બનશે.

આમ આ દેશની જો રોનક બદલવી હોય તો દરેક કુટુંબમાં વસતી સ્ત્રીને શ્વસતી બનાવવી જરૂરી છે. તો જ એકદમ મજબૂત સમાજની રચના શક્ય બનશે.સ્ત્રીના આત્મસન્માન અને ગૌરવને હાનિ ના પહોંચે તે રીતે સ્ત્રીને સમાજમાં સમાન મોભો આપવો જરૂરી બને છે.દરેક સ્ત્રીને જોવા માટેની દ્રષ્ટિ ફક્ત અને ફક્ત સન્માનની જ હોવી જરૂરી છે. ક્યારેય સ્ત્રીની કિંમત તેના વસ્ત્રો,આભૂષણો કે પૈસાથી નાં થવી જોઈએ.સ્ત્રીના પહેરવેશ, શોખ કે રહેણી કરણી એ તેની અંગત બાબત હોઈ શકે છે નહિ કે તેની કિંમત આંકવા માટેનું માપદંડ.કોઈ સ્ત્રી દેખાવમાં વધુ ફેશનેબલ હોઈ શકે છે તો કોઈ સ્ત્રી થોડી વિચારો બાબતે આધુનિકા હોઈ શકે છે.તેનો એ અર્થ બિલકુલ નથી કે એક સ્ત્રી બીજી કરતાં વધુ ચડિયાતી કે વધુ ઉતરતી છે.કોઈ સ્ત્રીને પોતાના વિચારો દર્શાવવાનું પ્લેટફોર્મ મળે તો તે સારી રીતે પ્રદર્શિત કરે છે જ્યારે બીજી સ્ત્રી પોતાના કુટુંબના સભ્યો સાથે ચર્ચાઓ કરીને પોતાના વિચારોને બહારની દુનિયા સુધી પહોચતા કરી શકે છે.

એક સ્ત્રીની સરખામણી ક્યારેય બીજી સ્ત્રી સાથે નાં થવી જોઈએ. દરેક સ્ત્રીના ઉછેર, રહેણી કરણી અને માતા-પિતાનો સ્વભાવ વગેરે અલગ અલગ હોય છે,દરેક સ્ત્રીનું ભણતર અને પોતાના અંગત વિચારો પણ અલગ જ હોય છે. તેનો અર્થ એ નથી કે એક અલગ વાતાવરણમાં ઉછરેલી સ્ત્રી બીજા અલગ વાતાવરણમાં ઉછરેલી સ્ત્રી કરતા વધુ કે ઓછી લાયકાત ધરાવે છે.જો કોઈ ગામડાની સ્ત્રીને શહેરના વાતાવરણમાં રહેવાનો અનુભવ ના હોવા છતાં શહેરના રીતરીવાજો વગેરે ને સારી રીતે સમજીને ખુશીથી શહેરના કુટુંબમાં ભળી શકે છે, જ્યારે બીજી બાજુ કોઈ અત્યંત આધુનિક સ્ત્રી પોતાના મોજશોખ કે અદ્યતન લાઈફ સ્ટાઈલ છોડીને ફક્ત પતિના પ્રેમ ખાતર તેનાથી વિપરીત જીન્દગી ખુશીથી જીવતી હોય છે.

તો આમ, સ્ત્રીની કિંમત અને તેના માન મર્યાદા વિષે આટલી વિગતવાર ચર્ચા કર્યા પછી એક વાત જરૂરથી કહેવાનું મન થાય છે કે,

ચાહે હોય પ્રેમ,ચાહે હોય માતૃત્વ કે ચાહે હોય ભક્તિ,

હંમેશા અગ્રેસર રહે છે આ વિશ્વમાં સ્ત્રી શક્તિ સ્ત્રી શક્તિ...

---By Nruti Only…