Patan ni Prabhuta books and stories free download online pdf in Gujarati

Patan ni Prabhuta

પાટણની પ્રભુતા

પ્રેમ અને યુદ્ધની રમ્ય કથા

-ઃ લેખક :-

ડા. યોગેન્દ્ગ વ્યાસ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પાટણની પ્રભુતા-પ્રેમ અને યુદ્ધની રમ્ય કથા

‘યુદ્ધ અને પ્રેમની કથા રમ્ય હોય છે’. એટલે જ સામાન્ય વાચકને એ વાંચવી ગમે છે. ઈ. સ. ૧૯૧૬માં પ્રખર દેશપ્રેમી સ્વ. ક.મા.મુનશીને ગુજરાતના ગૌરવનો, દેશભક્તિનો, વતનપરસ્તીનો સંદેશો પ્રજાને આપવો હતો અને તેમણે સોલંકીયુગના સુવર્ણકાળની ઐતિહાસિક કથાને નવલકથામાં ઢાળી, જયદેવ, મીનળ, મુંજાલ, દેવપ્રસાદ, ત્રિભુવનપાળ એ બધાં એ સમયનાં ઐતિહાસિક પાત્રો, એમની સાથે અનેક બીજાં પાત્રો જીવતાં તો હશે પણ ઈતિહાસે એમનો નામોલ્લેખ કર્યો નથી-લેખકે એમની કલ્પના કરી લીધી અને એમનો આ પાત્રો સાથેનો પ્રેમસંબંધ પણ સહજ રીતે કલ્પી લીધો. ઈતિહાસના વાસ્તવને કલ્પનાના રંગોમાં ગૂંથીને એક રંગીન નવલ-સૃષ્ટિ એમણે રચી.

"રાજખટપટોનો ભોગ બનેલો દેવપ્રસાદ અને તેના પ્રેમમાં પાગલ થઈને ભાઈ મુંજાલને પણ છોડી જનારી હંસાનો પ્રેમ જાનેફેસાની, મર્દાનગી અને બલિદાનની મિસાલ બની રહે છે."

મુંજાલ કર્ણદેવનો અમાત્ય, મીનળ એને મનોમન પ્રેમ કરે છે. બંને વચ્ચેનો પ્લેટોનિક-અશરીર પ્રેમ કયાંય બોલકો થયા વિના વાત્સલ્યનું રૂપ લઈ પ્રજા પર ઢોળાયા કરે છે. મુંજાલનો મંત્ર છે, ‘પ્રજાને સબળ બનાવવી, એનો ઉત્સાહ વધારવો અને ગુજરાતનો ડંકો વગાડવો,’ તો રાણીને શાણપણ, સત્તા કે વિજય કરતાં એની પ્રજા વધુ વહાલી છે એ પુરવાર થતાં, એના જેઠ અને સતત સામે પક્ષે રહેલાં દેવપ્રસાદનો દીકરો ત્રિભુવન એનો દંડનાયક થઈ, મુંજાલમામાની મુત્સદ્દીગીરી અને પિતાની મર્દાનગીનો સમન્વય સાધી એને સાથ આપે છે.

આ ત્રિભુવન તે સમયે સત્તર વરસનો. મીનળની ઉછેરેલી તેની પંદર વરસની ભત્રીજી પ્રસન્ન તેના પ્રેમમાં પડે છે અને ત્રિભુવનને મારવા તૈયાર થયેલા પોતાના નાનાભાઈ જયદેવના હાથમાં તીર મારે છે, મોરારપાળને મ્હાત કરે છે અને ‘ફોઈબા કરતાં હું ત્રિભુવનથી વધારે છું.’ એ પુરવાર કરે છે. પ્રસન્ન-ત્રિભુવનનો પ્રેમ જુઈની આછી મહેકની જેમ નવલકથામાં પ્રસરી રહે છે. પ્રેમની મુગ્ધતાને વાચકો માણતા રહે છે.

રાજખટપટોનો ભોગ બનેલો દેવપ્રસાદ અને તેના પ્રેમમાં પાગલ થઈને ભાઈ મુંજાલને પણ છોડી જનારી હંસાનો પ્રેમ જાનેફેસાની, મર્દાનગી અને બલિદાનની મિસાલ બની રહે છે. પંદર વરસ સુધી તીવ્ર વિરહમાં તડપેલું આ યુગલ જે રીતે એકબીજાની બાહુઓમાં મર્દાનગીથી કાળના પ્રવાહમાં ડૂબી જાય છે એ કરૂણ-પ્રેમની તીવ્રતા વાચકોનાં હૈયાને જકડી રાખે છે.

"‘જય સોમનાથ’ના મંત્રથી એક થયેલી પાટણની પ્રજાનું સર્વશ્રેષ્ઠપણું, એનું ગૌરવ, એની પ્રભુતા એની વતનપરસ્તીને કારણે છે. એના રાજકર્તાઓ એ એકતાના મશાલચી અને પુરસ્કર્તા છે તેથી પ્રજાનો વિકાસ સહજ રીતે થયો છે."

આ ત્રણેય પ્રણયી-યુગલોના પ્રેમપ્રસંગોની સાથે સાથે રાજખટપટના, યુદ્ધના, સંઘર્ષોના અનેક પ્રસંગોને લેખક બખૂબી રજૂ કરતાં જાય છે. એમાં તીરવેગે સંવાદો અને વર્ણનો આવે છે. એમાં મુંજાલ-દેવપ્રસાદ, મુંજાલ-જતિ, મુંજાલ-મીનળ, મુંજાલ-ત્રિભુવનના તો ખરા જ પણ પ્રસન્ન-મોરારપાળ કે ઉદા-ત્રિભુવન કે ડુંગરનાયક-ત્રિભુવન જેવાના સંવાદો પણ જીવંત બન્યા છે. નવલકથાનો આરંભ અત્યંત નાટયાત્મક રીતે થયો છે તો અંત વાચકને કયાંય સુધી અતીતના પ્રવાહમાં ખેંચી જનારો બન્યો છે. ચાંપાનેરી દરવાજેથી દેવપ્રસાદનું કિલ્લો કુદાવી ઘોડા સાથે ભાગવાનું વર્ણન હોય કે મોરારપાળને મૂર્ખ બનાવતી પ્રસન્નનું વર્ણન હોય-જાણે વાચકની આંખ સામે પ્રસંગો ભજવાતા હોય એવી ચિત્રાત્મક-ગતિશીલ ભાષાશૈલી લેખક પોતાની પહેલી જ નવલકથામાં પ્રયોજી શકયા છે.

‘જય સોમનાથ’ના મંત્રથી એક થયેલી પાટણની પ્રજાનું સર્વશ્રેષ્ઠપણું, એનું ગૌરવ, એની પ્રભુતા એની વતનપરસ્તીને કારણે છે. એના રાજકર્તાઓ એ એકતાના મશાલચી અને પુરસ્કર્તા છે તેથી પ્રજાનો વિકાસ સહજ રીતે થયો છે અને એથી પ્રજા સુખી છે એ વાત લેખક આ કથા દ્વારા વાચક સુધી બરાબર પહોંચાડી શકયા છે. એ એકતાને જતિની ધર્માંધતા કે ધર્મઝનૂન છેદી શકતું નથી, મીનળની સત્તાલાલસા ભેદી શકતી નથી એ લેખક સરસ રીતે બતાવી શકયા છે અને એટલે આ કથા આજે પણ વાંચકો હોંશે હોંશે વાંચે છે.