Sambandh nu purnaviram books and stories free download online pdf in Gujarati

સંબંધનું પૂર્ણવિરામ

નવલિકા

સંબંધનું પૂર્ણવિરામ

સોનલ ગોસલીયા


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


“સંબંધનું પૂર્ણવિરામ”

સંબંધનું પૂર્ણવિરામ ક્યાંક ને કયાંક યાદો તો મૂકતું જ જાય છે. મનની વેદનાના ફેંસલા કોણ કરશે ? નક્કી કરવાથી ને છૂટ્ટા પડવાથી જો સંબંધ પૂર્ણ થતા હોત તો હ્ય્દય દર્દભર્યા મૌનની ભાષા ના સમજી શક્યુું હોત. એક નાની ગેરસમજ જીવનના મોટા ફેંસલા લેવા મજબૂર કરે છે. કયાંક ને કયાંક હ્ય્દયમાં ઘા વાગે છે. મન રોવે છે. આંખો ભીની રહે છે. હોઠ હસે છે પણ મન રોવે છે. ભૂલ શું થઇ મારી એ વિચારોના વમળ ચાલ્યા કરે છે. શું કોઇને નંબર આપવાથી કે વાત કરવાથી, એને પાસે આવવાની અનુમતિ આપી? એક સ્ત્રીએ આ પ્રશ્ન પૂછયો. મને એનો પ્રશ્ન ખૂબ જ ગંભીર લાગ્યો. આ મેલ ડોમીનેટીંગ સમાજમાં સ્ત્રીને ખોટી જ કેમ ઠરાવાય? એના મનમાં પણ લાગણી, પ્રેમ, હૂંફ જેવી ફીલીંગ્સ હોય છે. આટલી મોટી દુનિયામાં સ્ત્રીને જ ચારિત્ર્યહીન ગણવામાં આવે. શું સ્ત્રીને પોતાની જાત પર ભરોસો ના હોય ? પુરુષને કોઇજ નાનમ નહીં આવું વિચારતા? વિશ્વાસ જ પરસ્પર એકબીજાને નિકટ રાખે છે. પરંતુ જ્યારે વિશ્વાસ જ ડગી જાય તો એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જ રહ્યું. મીઠી યાદોને ફ્રેમમાં મઢી આખી જિંદગી માણતાં માણતાં તેમની સાથે જ છું અને એ મારા જ છે માનીને એ ખૂબસૂરત સંબંધને જીવીત રાખવા પ્રયત્ન તો કરવાજ પડે ને ? સંબંધ પર તો પૂર્ણવિરામ મૂકી દેવાય છે પણ હ્ય્દયમાંથી એ ખૂબસૂરત યાદોને નથી કાઢી શકાતી. આજ તો સેતુ છે સંબંધનો. આનંદના અણસારની, આશાના અનુગુંજનની, પ્રેમના પરિતોષની શોધ આ સંબંધોમાં જ તો કરવાની હોય છે. પૂર્ણવિરામ શબ્દથી બધું જ અપરિચિત થઇ જાય છે. બેમાંથી એક થયેલા હૈયાં, હવે ફરી જુદાં થાય છે. ઘણું વૈરાગ્ય લાવી દે છે આવી પરિસ્થિતિ જીવનમાં, પણ સમય માત્ર બળવાન જેને દુઃખ આવ્યું એને હિમ્મત પણ કુદરતી મળી જ રહે છે. આ પરિસ્થિતિને સંબોધતી ચાર લાઇન મેં લખી છે.

“ ચાલો આજે એકબીજા માટે અજનબી બની જઇએ.

જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દઇએ.

યાદોની ભેટ મૂકતા જઇએ માણવા જિંદગીને.

અવિશ્વાસભર્યા સંબંધને આજે અહીંજ દફનાવી દઇએ.”

દિલના દર્દની જરા પણ તમને કલ્પના આવે.

કસમથી આપના મુખેથી લાખ લાખ દુઆ આવે .

ઘુંઘટ ઊઠાવીને હું જોઇ લઉ નજરું ઝૂકાવીને.

તોય જાલીમ તમારી નજરો ન આવી મારી સામે

જુદાઇ પણ સહી લઉ તમારા કાજે પ્રિયતમ

પણ એક ક્ષણ તો આપો,

જયાં તમને મારી યાદ ન આવે.

વાયદા કરી ના આવવાનાં, નીતનવાં બહાનાં શોધ્યાં.

પણ સમજો, તમારા પગલાં થાય ને જાણે આંગણે

રૂડા અવસર આવ્યા.

શિકાયત શું કરૂં ? આ દિલ તોડવાનું છે તમારૂં ગજું ?

સાચી હોય પ્રીતિ તો શમણાને પણ પાંખો જરૂર આવે....

બધું કુશળ થઇ જશે પહેલાંની જેમ

અહીં સૌ એકબીજાનાં સહીયારાં છે.

ફક્ત સારૂં જોવાનું, વિચારવાનું નક્કી કર્યુ છે.

વિશ્વાસ અંતરમાં ભીતર ભરેલો છે.

શક્ય બને આવું ? પ્રશ્ન જરૂર થાય

ત્યારે શ્રદ્ધાનો સધિયારો દિપક પ્રગટાવી દે છે.

રહેવા માટે ધરા સમાન મા ને ગગન સમા પિતા હોય

એવા કુદરતના બિછાનામાં બધી અડચણ પાછી પાની કરી દે છે.

લ્યો આવી જાઓ ભેરૂ બનવા મુજ સંગે

નવા સમયનો પ્રારંભ હેતભેર આવકારી ચૈતન્યમય કરી દે છે.

ધરતી સૂની, ગગન સૂનું

સમય પણ સૂનો થઇ જશે

છેવટે હોય અંતમાં તો મૃત્યુ

પણ જીવનનું મૂલ્ય સમજાઇ જશે.

ઊગ્યા સૂરજને આથમવું જરૂર પડશે.

ખીલેલા ફૂલોને કરમાવું જરૂર પડશે

કનકવો (પંતગ) ઉડે ગર્વથી આકાશમાં

સંબંધોની દોરીઓના પેચથી કપાઇ જવું જરૂર પડશે.

આટલી કાપી મજલને આટલું સમજી શક્યા.

છેવટે તો જીવને થાક લાગશે

ત્યારે વિસામો ખાવા અટકવું જરૂર પડશે.

જીવો તો એવું જીવો,

મન ભરીને જીવો,

કે દરેક ક્ષણ આપણી હોય

ને દરેક યાદમાં “આપણા” હોય.