mammi Vs pappa books and stories free download online pdf in Gujarati

મમ્મી Vs પપ્પા

મમ્મી Vs પપ્પા

હું સુકેતુ. મારુ નામ સુકેતુ ઉર્ફે સાકેત. તમને થશે કે મેં આ બંને નામ કેમ લખ્યા. પણ વાત એમ છે કે મારા બે નામ છે. સુકેતુ અને સાકેત. આ બે નામ એટલા માટે છે કે સુકેતુ નામ મમ્મીને ગમ્યું અને સાકેત પપ્પાને. એટલે મમ્મી મને સુકેતુ કહે અને પપ્પા સાકેત. મારા નામ બાબત બંનેના ક્યારેય એક મત ના થયા. અને બીજી પણ ઘણી બાબતોમાં મમ્મી પપ્પાના એકમત નથી થતા. અને એમાં ભોગ લેવાય છે મારો. પણ હું કહું તો પણ કોને કહું? મમ્મીને કહું કે પપ્પાને? મમ્મીને કહું છું તો પપ્પા નારાઝ થાય છે અને પપ્પાને કહું છું તો મમ્મી નારાઝ થાય છે.

જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે મારા મમ્મી પપ્પા ખૂબ ખુશ હતા. હું જ્યારે મારી મા ના ગર્ભમાં હતો ત્યારે હું મારા મમ્મી પપ્પાની વાતો સાંભળતો. બંને વાતો કરી રહ્યા હતા.

" અર્ચના તને ખબર છે આપણે દીકરો આવશે કે દીકરી?"

"હા, નયન."

"તો બોલ જોઈએ પુત્ર કે પુત્રી?

"હા, મને લાગે છે નયન કે આપણે દીકરો જ આવશે."

"હા. અર્ચના. મને પણ એવું જ લાગે છે."

આવા સંવાદ એમની વચ્ચે ઘણીવાર થતા. અને હું તે સાંભળતો. પુત્રને પામવાની મારા મમ્મી પપ્પાની ઈચ્છા આખરે ફળીભૂત થઈ અને મારો જન્મ થયો. જન્મતાની સાથે જ મેં આ દુનિયા જોઈ. મારા જન્મ પછી મારી છઠ્ઠી ના દિવસે મારુ નામકરણ કરવાનું હતું. ત્યારે મમ્મીએ કહ્યું, મને સુકેતુ નામ ગમે છે પરંતુ પપ્પાને એ નામ પસંદ ન પડ્યું અને એમને સાકેત ગમ્યું. એટલે કાયદેસર મારુ નામ સાકેત રાખવામાં આવ્યું અને ઘરમાં મમ્મી મને સુકેતુ કહે.

પછી ધીમે ધીમે હું મોટો થવા લાગ્યો. મારે શાળા એ જવાનો સમય આવ્યો. ફરી મમ્મી પપ્પા વચ્ચે મતભેદ થયાં. પપ્પા મને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા ઇચ્છતા હતા અને મમ્મી ગુજરાતી માધ્યમમાં. અને અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો કે શાળા મારે અંગ્રેજી માં જ કરવી પરંતુ ગુજરાતીના ખાસ વર્ગો કરવા જેથી હું મારી માતૃભાષા ને ભૂલું નહીં. મેં તેમનો આ નિર્ણય પણ માન્ય રાખ્યો. આ મમ્મી પપ્પાની વચ્ચે હું પીસાવ છું પણ હું એમને કાઈ કહી શકતો નથી. હજુ મારી ઉમર નાની પડે છે. ક્યારેક વિચાર આવે છે કે હું ક્યારે મોટો થઈશ? જલ્દી મોટો થઈ જાઉં તો સારું. અને મોટો થઈ જઈશ પછી હું કોઈને પૂછવા પણ નહીં રહું. અને એક દિવસ આ ઘર છોડીને ભાગી જઈશ.

આ મમ્મી પપ્પા એટલું બધું કેમ ઝગડતા હશે? શુ મારા જ મમ્મી પપ્પા આટલું બધું ઝગડે છે કે પછી બધાના મમ્મી પપ્પા આટલું બધું ઝગડતા હશે? જેમ જેમ હું મોટો થતો જાવ છું તેમ તેમ તેમના ઝગડા પણ વધતા જાય છે. ક્યારેક તો એવું લાગે છે કે આ બંને પતિ પત્ની નહીં પણ જન્મો જન્મના દુશ્મન હોય. આ મમ્મી Vs પપ્પા નો મેચ કોણ જાણે ક્યારે પૂરો થશે?

હવે હું દસમા ધોરણની પરીક્ષા આપી રહ્યો છું. આવતા વર્ષે મારે મારા જીવનનો મોટો નિર્ણય કરવાનો છે. એક દિવસ હું શાળાએથી છૂટીને ઘરે આવ્યો ત્યારે મેં મમ્મી પપ્પાને વાતો કરતા સાંભળ્યા.

"અર્ચના, તને શું લાગે છે, સાકેત સાયન્સમાં ભણી શકશે? શું એ એટલા માર્ક લાવી શકશે?"

"નયન, તમે શા માટે એની જિંદગીના નિર્ણય લેવા ઈચ્છો છો? એના નિર્ણય તો એને જાતે લેવા દો. તમે તમારા નિર્ણય એના પર થોપો નહીં. આ એની જિંદગી છે. એને શું કરવું છે એ એ નક્કી કરશે."

"બસ, અર્ચના હવે તને એમાં કાઈ ખબર ના પડે. મારો દીકરો તો મોટો થઈ ને ડૉક્ટર બનશે. ને મારુ અધૂરું સપનું પૂરું કરશે."

"એ તમે એને પૂછ્યું? એને શું કરવું છે?"

"એમાં વળી પૂછવાનું શુ? એ ના થોડી પાડશે? મારો દીકરો છે મારી વાત જરૂર માનશે."

"એક દિવસ તમને ખૂબ પસ્તાવાનો વારો આવશે. મારી આ વાત યાદ રાખજો."

હંમેશની જેમ મેં આજે ફરી મમ્મી Vs પપ્પાનો મેચ જોયો. આજે પણ ફરી મેં આ બંનેને મારા માટે ઝગડતા જોયા. ક્યારેક તો એવું લાગે છે કે હું જ આ પતિ પત્નીની વચ્ચે આવી ગયો છું. હંમેશા બંને મારા કારણે જ ઝગડે છે. શું એમની વચ્ચેના સંઘર્ષનું કારણ હું છું?

આમ જ મમ્મી પપ્પાના ઝગડા જોતો જોતો હું મોટો થયો અને નોકરી મેળવવા લાયક થયો. હવે મમ્મી પપ્પાના ઝગડાએ ખૂબ જ આક્રંદ સ્વરૂપ લઈ લીધું હતું. મેં વિચાર્યું કે, હવે એમના હિત માટે મારે આ પગલું ભરવું જ પડશે અને અંતે ઘણાં મનો મંથનને અંતે મેં એક નિર્ણય લીધો.

મેં લીધેલા નિર્ણય પર હવે અમલ કરવાનો મારો વારો હતો. મેં એક કાગળ અને પેન હાથમાં લીધા અને મારા મમ્મી પપ્પાને સંબોધીને એક પત્ર લખ્યો.

ડીઅર મમ્મી અને પપ્પા,

સૌ પ્રથમ તો હું આપ બંનેની માફી માંગુ છું. માફી હું એટલા માટે માંગું છું કે, હું જે પણ પગલું અત્યારે ભરવા જઈ રહ્યો છું તે કદાચ આપ બંનેની દ્રષ્ટિએ કદાચ અયોગ્ય હોઈ શકે પરંતુ મારી દ્રષ્ટિએ યોગ્ય છે. હું માનું છું કે, આપ બંનેને મારુ આ પગલું યોગ્ય નહીં જ લાગે પરંતુ મેં આ પગલું ખૂબ વિચારીને લાંબા મનોમંથનને અંતે લીધું છે. લાંબા ગાળે આ પગલું તમને અને મને બંનેને સુખી જ કરશે. અને આપણા બંનેના તેમજ તમારા બંનેના સંબંધના હિત માં જ છે.

હું આ ઘરનો ત્યાગ કરીને જઈ રહ્યો છું. હું નાનપણથી જોતો આવ્યો છું કે, તમે અને મમ્મી બંને મારા માટે અથવા મારા કારણે ઝઘડતા રહો છો. મારી પરવરીશ બાબતમાં તમે બંને કયારેય એક મત થતા જ નથી અને પછી તમારા બંને વચ્ચે સંઘર્ષ થાય છે જે મને બિલકુલ પસન્દ પડતું નથી. આ મમ્મી Vs પપ્પા ના મેચમાં હું અંતરાયરૂપ બનું છું. તમારા બંનેનું આવું વર્તન જોઈને મને અત્યન્ત પીડા થાય છે.

તમારા બંને વચ્ચે જે પણ થાય છે એના માટે જવાબદાર તો હું જ ઠરૂ છું. કારણ કે, તમારા બંનેના ઝગડાનું કેન્દ્ર તો હંમેશા હું જ રહું છું.

હું અંદરથી ખૂબ પીડાઉ છું. મને મારો અંતરાત્મા ડંખે છે. એવું લાગે છે કે, હું જ પતિ પત્ની વચ્ચેના સંવાદનું કારણ બનું છું. એટલે મેં નક્કી કર્યું છે કે, હું આ ઘર છોડીને જતો રહીશ જેથી તમે બંને પણ તમારા જીવનને મુક્ત રીતે માણી શકો. હું જ્યાં પણ જઈશ ઉત્તમ કાર્ય માટે જ જઈશ. માટે મારી ચિંતા ના કરતા. હું હવે સક્ષમ છું. મારા પેટ પૂરતું તો રળી જ લઈશ. હું ઈચ્છું છું કે મનમાં કોઈ પણ ક્ષોભ રાખ્યા વગર તમે બંને તમારી જિંદગી શાંતિથી જીવશો તો મને અત્યન્ત આનંદ થશે.

તમને મારા આ પગલાંથી દુઃખ જરૂર થશે પરંતુ લાબું વિચારશો તો સમજી શકશો કે, મેં લીધેલું આ પગલું ઉત્તમ જ છે. હું તમને બંને ને ખૂબ જ ચાહું છું માટે તમને બંનેને મારી જવાબદારીમાંથી મુક્ત કરું છું. હું ઈચ્છું છું કે, તમે બંને હંમેશા એકબીજાને ચાહતા રહો. મને શોધવાની ક્યારેય કોશિશ ના કરશો.

બસ એ જ.

લિ. આપનો પુત્ર

સુકેતુ ઉર્ફે સાકેત