Management funda ke fanda books and stories free download online pdf in Gujarati

મેનેજમેન્ટ ફંડા કે ફંદા

સમય સંચાલન (ટાઇમ મેનેજમેન્ટ) : જીવનમાં સફળતાની સીડી ચડવા માટેનું પહેલું પગથીયુ

“ તમારા નાણાંનો વેડફાટ કરો અને તમે માત્ર નાણાં ગુમાવશો, પણ સમય વ્યર્થ જવા દેવાથી તમે જીવનનો એક ભાગ ગુમાવ્યો છે" - માઇકલ લે બોફ

માઇકલ બોફનું આ વાક્ય અર્થપૂર્ણ રીતે વ્યક્તિને સમયનું મહત્વ સમજાવી જાય છે. સમય અેવી વસ્તુ છે જે એક વાર હાથમાંથી સરકી ગયા બાદ ફરીથી નથી મેળવી શકાતી. સમયના સફળતાપૂર્વક સંચાલનથી દરેક કાર્યોને વધુ સારી અને અસરકારક રીતે પાર પાડી શકાય છે. સમયનું જો યોગ્ય અાયોજન કરવામાં આવે તો જીવનના દરેક ક્ષેત્રોમાં સફળતાની સીડી ઝડપી રીતે ચડી શકાય છે. ચાલો સમય સંચાલન વિશે વધુ જાણીએ..!

સમય સંચાલનનો અર્થ શું થાય છે?

સમય સંચાલનનો ખરો અર્થ જાણીને વ્યક્તિ ચોકક્સપણે પ્રગતિ કરી શકે છે. સમય સંચાલન અેટલે દરેક પ્રવૃત્તિઅો પાછળ ફાળવાતા સમયનું ચોક્કસપણે સુવ્યવસ્થિત અાયોજન કરવું. સમયના યોગ્ય રીતે સંચાલનથી અાપ અોછી મહેનતે કુશળતાપૂર્વક કામ કરી શકો છો. અોછા અને દબાણની સ્થિતિ હેઠળ પણ નોંધપાત્ર પરફોર્મન્સ અાપી શકો છો. જો કે સમયના વેડફાટથી અાપની કામના પરફોર્મન્સની અસરકારક્તા પણ પ્રતિકૂળ અસર પડે છે. કલાકોની વહેંચણીમાં ગડબડથી પણ અેક યોગ્ય અાયોજન નિષ્ફળતામાં પરિણમતા વાર નથી લાગતી.

સામાન્યપણે, લોકોમાં અેક દલીલ અે જોવા મળે છે કે તેઅો માટે 24 કલાક અોછા પડે છે, પણ વિશ્વભરના સફળ લોકો પાસે પણ 24 કલાક જ હોય છે, તેમ છતાં તેઅોની યોગ્ય અાવડત અને સમયના કૂનેહપૂર્વક ઉપયોગથી તેઅો દરેક ક્ષેત્રમાં સફળતાના શીખરો સર કરી શક્યા છે.

સમય સંચાલનથી નીચેના ફાયદાઅો મળે છે:

- વધુ ઉત્પાદક્તા અને કાર્યક્ષમતા

- સમય અને શક્તિની બચત

- પ્રોફેશનલ ક્ષેત્રમાં પ્રતિષ્ઠા

- સફળતા

- જીવનના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વધુ તકો

- કારકિર્દીમાં ઝડપી વૃદ્વિ અને બઢતી

- અસરકારક કાર્યદક્ષતા

- કૌશલ્ય અને સામર્થ્યમાં વધારો

સમયના અસરકારક સંચાલન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ અનિવાર્ય છે:

- અસરકારક અાયોજન

- ડેડલાઇન નક્કી કરવી

- તમારી પ્રાથમિક્તા નક્કી કરવી

- જવાબદારીની સોંપણી

- લક્ષ્યાંકો નિર્ધારિત કરવા

અસરકારક આયોજન: સમય સંચાલનમાં સૌથી અગત્યની બાબત છે અસરકારક અાયોજન. સમય હોવા છતાં અસરકારક આયોજન ના હોય તો દરેક કામ અધુરા રહી જાય છે. દિવસ દરમિયાન અાપના દરેક અગત્યના કામનું એક લિસ્ટ બનાવો. તેમાં સૌથી વધુ પ્રાથમિક્તા ધરાવતા કામોને યાદીમાં ટોચ પર રાખો અને ત્યારબાદ અોછા મહત્વના કામોને બાદમાં રાખો. દરેક કામ અેક પછી અેક પૂર્ણ કરો. જ્યાં સુધી જૂનું કામ પૂરુ ના થાય ત્યાં સુધી નવું કામ હાથમાં લેવું નહીં. તે રીતે અાપ કારકિર્દી કે કોઇપણ ક્ષેત્રમાં સફળ થઇ શકો છો.

ડેડલાઇન નક્કી કરો: કોઇપણ કામ પૂર્ણ કરવાની અેક નિશ્વિત સમયમર્યાદા અેટલે કે ડેડલાઇન નક્કી કરવી પણ ખૂબ જ અનિવાર્ય છે. પ્રત્યેક કામ માટે અેક નિશ્વિત સમયમર્યાદા નક્કી કરો. તેના માટે તમે પ્લાનરનો ઉપયોગ કરી શકો છો. જેમાં તારીખની સામે તે કામની નોંધ રાખી શકાય છે.

પ્રાથમિક્તા નક્કી કરો: દિવસ દરમિયાન અાપ જે કામ કરવાના છો, તેની યાદી બનાવ્યા બાદ તેને પ્રાથમિક્તા અાપો. પ્રાથમિક્તાને બે વિભાગમાં વહેંચી શકાય. (1) તાકીદનું કામ અને (2) મહત્વનું કામ. તાકીદનું કાર્ય સંપન્ન કર્યા બાદ જ મહત્વનું કામ હાથમાં લેશો. તેનાથી સમય અને ઉર્જાની બચતની સાથોસાથ સફળતા પણ મળશે.

જવાબદારીની સોંપણી: નોકરીમાં કોઇ કર્મચારીને તેના કૌશલ્ય અને જ્ઞાન વગર તેને કાર્યની સોંપણી કરવામાં અાવે છે જે તદ્દન અયોગ્ય છે. કોઇપણ કર્મચારીને તેની અાવડત અને સામર્થ્ય ધ્યાનમાં રાખીને કાર્યસોંપણી કરવામાં અાવે તો નિશ્વિતપણે તે સમયમર્યાદામાં વધુ અસરકારક ઉત્પાદક્તા સાથે કામ પૂર્ણ કરી શકે છે. બને ત્યાં સુધી ઓફિસમાં એક સાથે અનેક કાર્યો કરવાનું ટાળવું જોઇઅે અને માત્ર એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમાં આગળ વધવુ જોઇએ.

લક્ષ્યાંકો નિર્ધારિત કરવા: સંસ્થામાં કે કોઇપણ જગ્યાએ કામનો એક ચોક્કસ હેતુ અને લક્ષ્યાંક હોવો જરૂરી છે. લક્ષ્યાંક વગરના કામથી વ્યક્તિના સમયના વેડફાટની સાથે સાથે નિષ્ફળતા જ સાંપડે છે. તેથી હંમેશા દરેક કામનો અેક લક્ષ્યાંક અને હેતુ નક્કી કરો. બીજી એક ખાસ વાત એ ધ્યાનમાં રાખજો કે આપના લક્ષ્યાંકો વાસ્તવિક હોય અને હાંસલ કરી શકાય તેવા હોય.

આ રીતે આ દરેક ટિપ્સનો ઉપયોગ કરીને તમે દરેક કાર્યને ચોક્કસ સમયે સંપન્ન કરી શકો છો. તેનાથી તમારી ઉત્પાદક્તા અને પરફોર્મન્સમાં પણ વધારો થશે તેમજ ઓફિસ અને ઘર વચ્ચે સમયનું સંતુલન જાળવી તમારાં સ્નેહીજનો અને સ્વજનો સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકો છો. સમય સંચાલન શીખીને કારકિર્દીમાં સફળતાની સાથોસાથ અાત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે.

તો હવે શેની રાહ જુવો છો, આજે જ સમય સંચાલનથી સફળતાના શીખરો સર કરો.

રોકાણ: આર્થિક ભવિષ્યને સલામત અને સ્થિર બનાવવા માટેનો માર્ગ

"જો આપણે ક્યારેય નાણાંની બચત કે રોકાણ નથી કરતા તો ગમે તેટલી કમાણી છતાં આપણે ગરીબ જ રહીશું" - અનામી

આ વાક્ય કોણે લખ્યું છે તે ખબર નથી, હા પણ તે વર્તમાન સમયની સ્થિતિને ધ્યાનમાં રાખતા ખૂબ જ યર્થાથ નિવડી રહ્યું છે તે ચોક્કસ કહી શકાય. જીવનની સૌથી મુખ્ય જરૂરિયાતોમાં હવે નાણાં પણ સામેલ થઇ ચૂક્યા છે. અજે જીવનની દરેક પળો જાણે કે નાણાં વગર અધુરી હોય તેવું જણાઇ રહ્યું છે. આજની આ મોંઘવારીના જમાનમાં નાણાંની કમાણી કરવાની સાથોસાથ આર્થિક ભવિષ્યને સુરક્ષિત અને સલામત બનાવવું પણ તેટલું જ અાવશ્યક છે. તેથી જ કમાણીની સાથોસાથ યોગ્ય જગ્યાએ રોકાણ કરીને નિશ્વિત વળતર મેળવી શકાય છે. આ જ રોકાણ આપણા આર્થિક ભવિષ્યમાં વધુ સ્થિરતા લાવે છે.

જીવનભર તમને નાણાંની જરૂરિયાત રહેવાની છે પણ નિવૃત્તિ કે ઘડપણના દિવસોમાં લાકડીના ટેકે ચાલતા ચાલતા નાણાં કમાવવું લગભગ અશક્ય બની જાય છે. અા સમયમાં આપે ભૂતકાળમાં કૂનેહથી અને આયોજનપૂર્વક કરેલું રોકાણ જ જીવનની નૈયાને તરતી રાખે છે.

જો કે અેક વાત જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે માત્ર કમાણી કરેલી આવકની બચત પર્યાપ્ત નથી પણ તમારે તેનું રોકાણ કરીને જ મહત્તમ ફાયદો મેળવવાનો છે.

ચાલો રોકાણ શું છે તે જાણીએ..!

અર્થતંત્રની દૃષ્ટિએ રોકાણ એટલે કોઇ વસ્તુની ખરીદી કે જેનો વર્તમાન સમયમાં વપરાશ કરવાને બદલે ભવિષ્યમાં સંપત્તિ સર્જન કરવામાં તે વસ્તુનો ઉપયોગ કરવો. કોઇપણ રોકાણ એ એસેટ્સની ખરીદી અથવા તેના સર્જનની એક પ્રક્રિયા છે જેનો મુખ્ય હેતુ તે એસેટ્સમાં કરેલા પ્રારભિંક રોકાણની સામે ભવિષ્યમાં વ્યાજ, મૂડી વૃદ્વિ, ડિવિડન્ડના રૂપમાં વધુ ફાયદાકારક વળતર મળે તેવો હોય છે.

રોકાણ શા માટે મહત્વનું છે?

- રોકાણ મારફતે પ્રાપ્ત થયેલુ વળતર ત્વરિત ખર્ચાઅોને પહોંચી વળવામાં ઉપયોગી બને છે.

- તમે વિવિધ રોકાણના સાધનોમાં રોકાણ કરીને કરમાં ઘટાડો કરી શકો છો.

- લાંબા ગાળાના રોકાણથી ભવિષ્યની આર્થિક સ્થિતિને વધુ સલામત કરી શકાય.

- અાર્થિક દૃષ્ટિએ સ્વનિર્ભર અને મોંઘવારીમાં પગભર બનાવે

- પારિવારિક જરૂરિયાતો પૂરી કરવા તેમજ સંતાનોના શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા અાવશ્યક.

- વિવિધ આર્થિક ક્ષેત્રોમાં રોકાણથી માત્ર બેન્કમાં પડી રહેલા નાણાંની સામે તમને ચોક્કસ અને ફાયદાકારક વળતરની પ્રાપ્તિ થાય છે.

- તમે હોશિયારીપૂર્વક અને સુસંગત રોકાણથી લાંબા તેમજ ટૂંકા ગાળાના અાર્થિક લક્ષ્યાંકોનું અાયોજન કરી શકો છો અને તેને પરિપૂર્ણ પણ કરી શકો છો.

ચતુર રોકાણકાર એ છે કે જે જરૂરિયાતો અને લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને રોકાણ પર મહત્તમ વળતર પ્રાપ્ત કરવા માટે યોગ્ય ફાઇનાન્સિયલ પ્રોડક્ટ પસંદ કરે છે.

જરૂરિયાતો અને લક્ષ્યાંકો: કોઇપણ ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં રોકાણ કરતા પહેલા તમારી જરૂરિયાતો અને લક્ષ્યાંકોને ઓળખો અને ત્યારબાદ રોકાણ કરો. જેમ કે નિવૃત્તિની જરૂરિયાતો માટેનું ભંડોળ એટલે લાંબા ગાળાનું રોકાણ જ્યારે માલ-મિલકતની ખરીદીને ટૂંકા ગાળાનું રોકાણ કહેવાય.

વહેલા તે પહેલાનો ફંડા અપનાવો: બને ત્યાં સુધી વહેલી તકે રોકાણ કરવાનો અાગ્રહ રાખો. જે પણ ઉંમરે તમે કમાણી કરવાની શરૂ કરો છો ત્યારથી બચત કે રોકાણ કરવાનું શરૂ કરો. તેનાથી લાંબા ગાળે તમને અાર્થિક રીતે અચૂક ફાયદો થશે.

ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરો: જીવનમાં જે રીતે સફળતાનો કોઇ શોર્ટકટ નથી તે રીતે સમૃદ્વિનો રસ્તો પણ ટૂંકો નથી. તેના માટે લાંબી મંજલ કાપવી પડે છે. તેથી વર્તમાન સમયમાં પદ્વતિસર સતત રોકાણથી ભવિષ્યમાં વધુ નાણાં બનાવી શકો છો.

ખર્ચાઓ પર નિયંત્રણ: દૈનિક જીવનમાં આપના ખર્ચા પર નિયંત્રણ રાખવું પણ અતિ આવશ્યક છે. આજના મોંઘવારીના જમાનામાં આપની દૈનિક ખર્ચની અેક મર્યાદા નક્કી કરો જેથી કરીને તેનાથી આપનું બજેટ પણ જળવાઇ રહેશે અને વધેલા નાણાંનું કોઇ એસેટ્સમાં યોગ્ય રોકાણ પણ કરી શકશો.

જોખમ: આપ કોઇપણ ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં રોકાણ કરો તે પહેલા અાપની જોખમ લેવાની ક્ષમતાને પારખવી ખૂબ અનિવાર્ય છે, કારણ કે માર્કેટમાં અાવેલી અસ્થિરતાથી નાણાકીય ખોટ થવાની શક્યતા વધુ રહે છે. તેથી આપની જોખમ લેવાના સામર્થ્યને ધ્યાનમાં રાખ્યા બાદ જ રોકાણ કરો.

ફાઇનાન્સિયલ પ્રોડક્ટ: આપની જરૂરિયાતો અને લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને ફાઇનાન્સિયલ પ્રોડક્ટની પસંદગી કરવી જરૂરી બને છે. અાજે માર્કેટમાં બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, બેંક એફડી, SIP, PPF જેવા અનેક ફાઇનાન્સિયલ પ્રોડક્ટ ઉપલબ્ધ છે. તમે તેમાંથી આપના હેતુ અને લક્ષ્યાંક મુજબ રોકાણ કરીને સુનિશ્વિત અને ફાયદાકારક વળતર મેળવી શકો છો.

કમાણી કરતા ઓછો ખર્ચ: આપની કમાણી કરતા ઓછો ખર્ચ કરવાથી જ આપ સંપત્તિનું સર્જન કરી શકો છો. કમાણી અને ખર્ચ વચ્ચે જેટલો વધારે તફાવત હશે તેટલી જ વધુ આર્થિક સફળતા મેળવી શકશો.

અહીં આપેલી રોકાણ અંગેની આ ટિપ્સનો ઉપયોગ કરીને તમે એક ચોક્કસ રીતે નાણાંનું વિવિધ ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં રોકાણ કરીને અાર્થિક ભવિષ્યને વધુ સલામત અને સુનિશ્વિત બનાવી શકો છો. આજે જ તમારી જરૂરિયાતોને અોળખો અને તે અનુસાર એસેટ્સ કે ફાઇનાન્સિયલ પ્રોડક્ટમાં રોકાણ કરીને જીવનને સમૃદ્વ બનાવો.