Dharm books and stories free download online pdf in Gujarati

ધર્મ

મેનેજમેન્ટ માટે બેસ્ટ છે રામાયણના આ પાઠો જેને અપનાવીને તમે પણ થશો સફળ

આજે બિઝનેસ હોય કે પછી કોઇ પણ માનવ પ્રવૃત્તિમાં તેમાં લોકોને સાથે મળીને કરતા પ્રયાસો એટલે કે સફળ મેનેજમેન્ટ એટલું જ અનિવાર્ય બની રહે છે. તેમાં મુખ્યત્વે પાંચ કામગીરીનો સમાવેશ થાય છે. સફળ મેનેજમેન્ટથી જ કોઇપણ કંપની કે સંસ્થાનો હેતુ કે લક્ષ્યાંક પાર પડી શકે છે. તેમાં યોગ્ય આયોજન, વ્યવસ્થાપન, ટીમવર્ક, કાર્યસોંપણી જેવા પાસાઓને આવરીને જ મેનેજમેન્ટનું નિમાર્ણ થાય છે.

આજે મેનેજમેન્ટ પણ અનેક પુસ્તકો, લેખો કે પત્રિકાઓ ઉપલબ્ધ છે ત્યારે પ્રાચીન સમયમાં તુલસીદાસ અને વાલ્મીકી જેવા મહાન લેખકોએ રામાયણ મારફતે આ મેનેજમેન્ટના પાસાઓને ખૂબ સારી રીતે દર્શાવ્યા છે.

ચાલો આપણે પણ આ પાસાઓને ધ્યાનમાં રાખીને સફળ મેનેજમેન્ટના હકદાર બનીએ

અનિચ્છનીય વિચારો કે ડરને દૂર કરો:

આપણે કોઇપણ કામની શરૂઆત કરીએ તે પહેલા જો આવું થશે તો તેવી માનસિક્તા ના બનાવી જોઇએ. કોઇપણ કાર્ય કરવાનું શરૂ કર્યા બાદ અનિચ્છનીય નકારાત્મક વિચારો કે ખોટા ડરને મનથી દૂર રાખવા જોઇએ. આ રીતે જ એકાગ્રતા સાથે કામ પૂર્ણ કરી શકાય છે. ડર, પસ્તાવો, નસીબને દોષ દેવો જેવી નકારાત્મકતાને દૂર કરીને જ કામ કરવું જોઇએ.

દરેક લોકો સાથે સમાન વ્યવહાર:

રામાયણમાં જે રીતે પ્રભુ શ્રી રામ કોઇપણ જાતની ઉચ્ચ નીચના ભેદ વગર દરેક લોકો સાથે ભળી ગયા હતા અને તેઓની સાથે સુમેળભર્યો વ્યવહાર કરતા હતા તે જ રીતે કંપનીમાં માલિકે તેના દરેક કર્મચારીને સમાન રીતે જોવા જોઇએ અને એ રીતે જ વ્યવહાર કરવો જોઇએ. એક ખરા નેતા કે નેતૃત્વ કરનારની આ જ સૌથી સારી આવડત છે.

પ્રતિકૂળતાના સમયમાં પણ બહાદુરી રાખો:

માર્કેટમાં જોવા મળતી કોઇપણ કંપનીએ કોઇને કોઇ વાર તો ખોટ સહન કરવી જ પડે છે અથવા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમયમાં માલિકે કે સંસ્થાએ જરાય પણ હિંમત હાર્યા વગર નીડર અને બહાદુર બનીને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ. આ રીતે તેનો સામનો કરીને લક્ષ્યાંકો સુધી પહોંચવામાં ચોક્કસપણે સફળતા મળે છે. જે રીતે સીતાના અપહ્યત થયા બાદ રામે કોઇપણ કાળે હિંમત ગુમાવ્યા વગર એક ટીમ બનાવીને શત્રુને હરાવીને સીતાને પાછા લાવાની નેમ લીધી હતી તે જ રીતે તમારા હેતુ કે લક્ષ્યાંકને છોડી દેવા કરતા તેના હાંસલ કરવા વધુ જુસ્સો રાખો.

દરેક કર્મચારીઓને લક્ષ્યાંકથી વાકેફ કરો:

દરેક નિયોક્તા માટે એક ચોક્કસ હેતુ કે લક્ષ્યાંક નક્કી કર્યા બાદ તેને કંપનીના દરેક કર્મચારીઓ સાથે આ લક્ષ્યાંકથી અવગત કરવા જરૂરી બને છે. કંપનીનો દરેક કર્મચારી આ લક્ષ્યાંક કે કંપનીના સ્વપનથી પરિચિત હોય તે જરૂરી છે. તેનાથી તેઓને વધુ સારું પરફોર્મન્સ કરવાનું પ્રોત્સાહન મળી રહેશે. રામનું સ્વપન કે લક્ષ્યાંક સિતાને લંકાથી પાછુ લાવવાનું હતું અને તેથી દરેકને તે પ્રમાણે જવાબદારી સોંપી હતી ત્યારે સફળતા મળી હતી તે જ રીતે સોંપાયેલી જવાબદારી પ્રમાણે પ્રત્યેક કર્મચારી જ્યારે લક્ષ્ય જાણતો હોય છે ત્યારે તે વધુ સારી રીતે પરફોર્મન્સ કરી શકે છે અને કંપનીના ગ્રોથમાં તેનો અગત્યનો ફાળો આપી શકે છે.

દરેક મંતવ્યને મહત્વ આપો:

કંપનીના કોઇપણ મહત્વ નિર્ણયમાં કે નિર્ણય લેતા પહેલા ટીમના દરેક સભ્યને તેના વિચારો કે મંતવ્યો વ્યક્ત કરવાની તક આપવામાં આવે તે જરૂરી છે. તેનાથી જ એક સારો વિચાર કે ખ્યાલ જન્મે છે જે કંપનીને ટોચ પર લઇ જાય છે. તેથી કંપનીના દરેક કર્મચારીઓનું મંતવ્ય કંપનીના હિત માટે હરહંમેશ આવશ્યક બની રહે છે.

સિદ્વાંતો:

કોઇપણ કામમાં નૈતિક મૂલ્યો અને સિંદ્વાતોને ધ્યાનમાં રાખીને જ કામગીરીની પ્રક્રિયાને અનુસરવામાં આવે તે જરૂરી છે. કોઇપણ ગેરકાયદેસર કાર્ય જેને કર્મ પણ કહી શકાય તે અંતે તો વ્યક્તિ કે કંપનીને નુકસાન જ પહોંચાડે છે.

ટીમવર્ક: દરેક કંપની કે સંસ્થામાં ટીમ બનાવીને દરેક લોકોને તેની આવડત અને કૌશલ્ય પણ કાર્યસોંપણી થવી જોઇએ. ટીમમાં એકબીજાનો વાંક કાઢવો, ઇર્ષા જેવા ગુણોથી વ્યક્તિગત નુકસાનની સાથે કંપનીના લક્ષ્ય કે સ્વપને હાંસલ કરવું પણ લગભગ અશક્ય બની જાય છે. તેથી જ હંમેશા ટીમમાં દરેક સભ્યોએ એકજૂટ થઇને કામ કરવું જોઇએ.

રામાયણમાં આપેલા આ પાઠોનું જો પઠન કરવામાં આવે અને આ સ્પર્ધાત્મક યુગમાં તેના સિદ્વાંતો અપનાવાય તો તે મેનેજમેન્ટ દરેક માટે આદર્શ બની રહે છે.

સફળ મેનેજમેન્ટ માટે ગીતામાં આપેલા આ મંત્રો અચૂક અપનાવજો

જ્યારે કોઇ પણ સંસ્થામાં વિવિધ પ્રકારની ક્ષમતાઓ અને કાબેલિયત ધરાવતા લોકોનું ગ્રૂપ કોઇ ચોક્કસ હેતુ કે લક્ષ્યાંકને પાર પાડવા માટે એક સાથે ટીમમાં કામ કરતા હોય છે. તેથી લોકોના પ્રયાસોનું સંકલન કરીને જે ચોક્કસ પરિણામ મેળવવામાં આવે તેને મેનેજમેન્ટ કહેવાય.

કેટલીક સ્થિતિ અને વાતાવરણ પ્રમાણે કામદારોનું સમૂહ, નાણાં અને સાધનોનો શ્રેષ્ઠત્તમ રીતે ઉપયોગ કરીને જે નિર્ધારિત લક્ષ્યાંક કે હેતુ પાર પાડવામાં આવે ત્યારે જ તેને સફળ મેનેજમેન્ટ કહેવાય છે. સફળ મેનેજમેન્ટ માટે સ્ત્રોતોનું આયોજન, નાણાં અને પ્લાનિંગ, પ્રાથમિક્તાઓ, નીતિઓનું સફળતાપૂર્વક અમલીકરણ, બજેટ, પ્રેક્ટિસ વગેરે જેવા પાસાઓને ખાસ ધ્યાનમાં રાખવામાં આવે તે ખૂબ અગત્યનું છે.

ગીતામાં દર્શાવ્યું છે કે જ્યારે અર્જૂન યુદ્વમાં એક લડવૈયા તરીકે લડવાની ના પાડે છે ત્યારે કૃષ્ણજી તેને ગીતાનો ઉપદેશ આપે છે. આ ગીતાના ઉપદેશમાં મેનેજમેન્ટના કેટલાંક અતિ મહત્વના પાઠો શીખવા મળે છે જેને અપનાવીને કોઇપણ સંસ્થા વૃદ્વિ કરી શકે છે.

ગીતામાં કહેલી મેનેજમેન્ટની બાબતો:

  • મેનેજમેન્ટમાં અસરકારક્તા અને કાર્યક્ષમતા વચ્ચે તફાવત છે.
  • એક વિઝન નક્કી કરવું.
  • તમારી નબળાઇઓને શક્તિમાં પરિવર્તિત કરો.
  • જવાબદારીની વહેંચણી કરવી.
  • તમારા દુશ્મનો અને પડકારોને ઓળખો
  • વાસ્તવિક્તાઓ ઓળખ.
  • ચાલો ગીતામાંથી મેનેજમેન્ટ શીખીએ.

    નેતૃત્વ: કોઇપણ સફળ મેનેજમેન્ટ માટે તેનું સારી રીતે નેતૃત્વ થાય તે પણ એટલું જ મહત્વનું બની રહે છે. કોઇપણ સંસ્થામાં તેનો નેતા કે માલિક એક ચોક્કસ હેતુ સાથે સ્વપ્નદષ્ટા હોય તે અતિ આવશ્યક છે. હેતુ કે લક્ષ્યાંકને સફળતાપૂર્વક પાર પાડવા માટે દૂરની દૃષ્ટિ ધરાવતો હોય તે જરૂરી છે.

    કર્મ:

    કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન!

    મા કર્મફલહેતુર્ભૂર્મા તે સડ્ગોડસ્ત્વકર્મણિ..!!

    દરેક સંસ્થાના માલિકે અથવા ઉદ્યોગ સાહસિકે પરિણામની પરવા કર્યા વગર માત્ર તેના કામ પર ધ્યાન આપવું જોઇએ. તમારે ફાઇનલ પ્રોડક્ટ પર ધ્યાન આપવું ના જોઇએ, પણ માત્ર ત્યાં સુધી પહોંચવાનો આનંદ ઉઠાવવો જોઇએ. આપણે ઘણીવાર લક્ષ્યાંકોથી હટી જઇએ છીએ અને માત્ર ઝડપી સફળતા હાંસલ કરવાની ઘેલછા રાખીએ છીએ. યાદ રાખો કે આશાવાદી બનવું ચોક્કસપણે સારું છે પણ સાથોસાથ જો તેને લગતી કામગીરી ના કરવામાં આવે તો તે વ્યર્થ છે. તેથી કામ પર ધ્યાન આપશો તો લાંબા ગાળે પણ સફળતા તો ચોક્કસ મળશે.

    પરિવર્તનને સ્વીકારતા શીખો: કહેવાય છે કે અનેકવિધ કાર્યપ્રવૃત્તિનું જ્ઞાન અને આવડત સફળતાની ચાવી છે પણ ઉદ્યોગ સાહસિકો માટે સૌપ્રથમ ખૂબ ઝડપી નવા પરિવર્તનોનો સ્વીકાર કરવો તે વધુ જરૂરી છે. નવા વિચારો અપનાવો, નવીનત્તમ ખ્યાલોને અમલમાં મૂકવા અને નવી તકોને ખાળવી જ સફળ મેનેજમેન્ટનાં પાસાઓ છે.

    ઉપલબ્ધ સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ: કોઇપણ સંસ્થા કે કંપની સફળ થવા માટે તેની પાસે ઉપલબ્ધ સ્ત્રોતનો આયોજનપૂર્વક સફળ રીતે ઉપયોગ કરે તો તે ચોક્કસ રીતે તેનું લક્ષ્યાંક પરિપૂર્ણ કરવામાં સપળ રહે છે.

    વિઝન અને પ્લાનિંગ: કોઇપણ કંપની જ્યારે ચોક્કસ હેતુ પાર પાડવા માટે એક વિઝન નક્કી કરે તે અનિવાર્ય બને છે. દરેક કંપની કે સંસ્થાએ નાણાંકીય વહીવટ, બજેટ, ઓડિટ, લેવડદેવડ, કામદારોની સાચવણી, પગાર, સ્ત્રોતનો ઉપયોગ, માર્કેટિંગ જેવા દરેક પાસામાં ચોક્કસપણે આયોજન કરવું પડે છે. દરેક કંપનીએ સફળ થવા માટે આ આયોજન કરવું ખૂબ અનિવાર્ય બની રહે છે.

    વર્ક કલ્ચર: કોઇપણ સંસ્થામાં કામગીરીનું વાતાવરણ પણ તેના પરફોર્મન્સ પર નિશ્વિત રીતે અસર કરે છે. તેથી કામનું વાતાવરણ ભય વગરનું, શુદ્વ, સ્વ નિયંત્રણ, ત્યાગની ભાવના, પ્રામાણિક્તા, શાંતચિત્ત, એકબીજાની ભૂલો શોધવાની કુટેવ ના હોય, લાલચ ના હોય, ઇર્ષા અને અભિમાનથી પરે હોય. જો કોઇ કંપની કે સંસ્થામાં આ પ્રકારની કામગીરી માટેનું વાતાવરણ હોય ત્યારે કામદાર વધુ અસરકારક રીતે કોઇપણ પ્રકારની ભૂલો વગર સારું પરફોર્મ કરે છે જેને કારણે કંપનીનું પરફોર્મન્સ પણ સુધરે છે.

    કાર્યસોંપણી, પ્રોત્સાહન અને કમ્યુનિકેશન: કોઇપણ સંસ્થામાં એક નિશ્વિત લક્ષ્યાંક નક્કી થયા બાદ તેને પરિપૂર્ણ કરવા માટે કામને અનુરૂપ કૌશલ્ય ધરાવતા કામદારોને તે કાર્યની સોંપણી કરવાથી કામ વધુ ઝડપી ગતિએ અને સફળતાપૂર્વક પૂરું થાય છે. તેની સાથોસાથ તેઓને કામ માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડવાથી તેઓ તેની આવડતથી વધુ સક્ષમ રીતે પરિણામ આપે છે. તે ઉપરાંત જે વ્યક્તિને કાર્યની સોંપણી કરાઇ હોય તેની સાથે દૈનિક ધોરણે કામગીરીના રિપોર્ટની ચર્ચા, રિપોર્ટ બનાવવો અને તેનું મૂલ્યાંકન કરવું પણ એટલું જ આવશ્યક બની રહે છે.

    હાલમાં મેનેજમેન્ટ શીખવા માટે અનેક સ્ત્રોતો અને વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં પણ સફળ મેનેજમેન્ટ માટે આજે પણ ગીતાના આ પાઠોને ખાસ રીતે ધ્યાનમાં રાખવામાં આવે છે. તમે પણ આ મંત્રોને અપનાવીને કંપનીને વૃદ્વિની ટોચ પર લઇ જઇ શકો છો.

    મહાભારતના આ પાઠોને અપનાવીને મેનેજમેન્ટને સફળ બનાવો

    મહાભારત એ માત્ર કુરુક્ષેત્રમાં થયેલા યુદ્વનું વર્ણન કે પછી માત્ર પુસ્તક કે મહાકાવ્ય નથી પરંતુ સાથોસાથ મેનેજમેન્ટ ક્ષેત્રે વ્યૂહરચના બનાવીને સફળતા પ્રાપ્ત કરવા માટેનું સચોટ વર્ણન છે. પ્રાચીન ભારતનાં જ્ઞાનના ભંડાર એવા મહાભારતમાં મેનેજમેન્ટના અનેક પાઠો આપેલા છે જેને વર્તમાન સમયના વ્યાપાર ક્ષેત્રે અમલમાં મૂકીને નિર્ધારિત લક્ષ્યાંક પાર પાડી શકાય છે. તો જો તમે એક સફળ ઉદ્યોગ સાહસિક, લીડર કે પછી કંપનીને સફળતાના શીખરો સર કરાવવા માંગતા હોવ તો મહાભારત ચોક્કસપણે તમારા માટે એક જ્ઞાનથી સંપન્ન માર્ગદર્શક બની રહેશે.

    અહીં મહાભારતમાં દર્શાવેલા મેનેજમેન્ટનાં આ પાઠને આત્મસાત કરીને તમે પણ સફળતા મેળવી શકો છો.

    દરેક તકને ઝડપો: તમારા કાર્યક્ષેત્રની બહારની પણ દરેક તકોને ઓળખીને તેને ઝડપતા શીખો. કંપની કે ઉદ્યોગ સાહસિકે માત્ર તેના પ્રતિસ્પર્ધીઓને હરાવવાની હોડમાં સમયનો વ્યય ના કરવો જોઇએ. તેના બદલે તમારા બિઝનેસને વધુ શક્તિશાળી અને પ્રગતિપૂર્ણ બનાવવા માટે મોટા લક્ષ્યાંકો નિર્ધારિત કરીને તેમાં તમારી શક્તિ અને કૌશલ્યને રોકવા જોઇએ. આ રીતે ઝડપેલી દરેક તક આગળ જઇને તમને વધુ સફળ બનાવે છે.

    લક્ષ્યાંકોને વળગી રહો: કોઇપણ સંસ્થા કે કંપનીમાં તમે માત્ર તમારા લક્ષ્યાંકને વળગીને જ આગળ વધો. જે રીતે અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી તે રીતે માત્ર લક્ષ્યાંકને કેન્દ્રમાં રાખીને તેને પાર પાડવા માટે અથાગ મહેનત કરવા માટે પણ તૈયાર રહો. બને ત્યાં સુધી મર્યાદિત બાબતોને ધ્યાનમાં રાખો પણ તેમાં ગુણવત્તા અને ચોક્કસાઇ સાથે કામ કરો. એક સાથે અનેક બાબતોનું એકી સાથે સંચાલન કરવાથી અંતે તો માત્ર નિષ્ફળતા જ સાંપડે છે.

    જવાબદારીઓની વહેંચણી કરો: જે રીતે પાંડવોએ એક ટીમ બનીને માત્ર એક લક્ષ્યાંકને નિશ્વિત રાખીને લડાઇ કરી હતી તે રીતે કંપની કે સંસ્થાના મેનેજરે પણ કાર્યક્ષમતા સાથે જવાબદારીની કૌશલ્ય ધરાવતા લોકોને વહેંચણી કરવી જોઇએ. સંસ્થા કે કંપનીને લગતા કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તાનાશાહીને બદલે દરેકનો મંતવ્ય લેવો જોઇએ જેથી કરીને અનેક સર્જનાત્મક વિચારોથી યોગ્ય નિર્ણય લઇ શકાય છે જે કંપનીને વૃદ્વિ અપાવે છે.

    ટીમવર્ક: મહાભારતનાં યુદ્વમાં કૌરવોનું બળ વધારે હોવા છતાં તેઓમાં એકતાનો અભાવ હતો જ્યારે પાંડવોએ એકતા સાથે નિપુણ થઇને જીત હાંસલ કરી હતી તે જ રીતે કોઇપણ લક્ષ્યાંક પરિપૂર્ણ કરવા ટીમના દરેક સભ્યોનો સરખો ફાળો અને ભૂમિકા હોવી ખૂબ અનિવાર્ય પાસું છે. ખાસ કરીને વ્યક્તિગત લક્ષ્યાંકો પૂર્ણ કરવાની સાથોસાથ એક સમાન લક્ષ્યાંક તરફ એકતા સાથે આગળ વધવાથી કોઇપણ અઘરું લક્ષ્યાંક પણ એકતાના બળે પૂરું કરી શકાય છે.

    ટીમના દરેક સભ્યોના સામર્થ્યને ઓળખો: જો તમે કોઇ સંસ્થામાં એક સંપૂર્ણ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હોવ તો એ દરેક સભ્યના સામર્થ્ય અને કાર્ય કરવાના કૌશલ્ય અને આવડતને જાણવા ખૂબ જરૂરી બની રહે છે. દરેક વ્યક્તિ માટે કઇ ભૂમિકા સૌથી શ્રેષ્ઠ રહેશે તે જાણવું આવશ્યક છે. આ રીતે ટીમના દરેક સભ્યોને તેની કાબેલિયત મુજબનું કાર્ય સોંપવાથી કામ વધુ ઝડપી અને અસરકારક રીતે થાય છે જે અંતે કંપનીની પ્રગતિ કે વૃદ્વિમાં પરિણમે છે. તેથી તમે ટીમની ક્ષમતા અને કૌશલ્યનો મહત્તમ ઉપયોગ કરી શકો તે માટે તમારે હોશિયાર બનવું જોઇએ.

    પ્રતિબદ્વતા: કોઇપણ કામ કે પડકાર હાથમાં લીધા બાદ તેને પૂર્ણ કરવાની પ્રતિબદ્વતા દાખવવી ખૂબ આવશ્યક છે. હંમેશા દરેક કામ દ્રઢતા અને પ્રતિબદ્વતા સાથે પૂરું કરવું જોઇએ. પાંડવો પણ તેના વ્યક્તિગત હેતુઓને નેવે મૂકીને સમાન લક્ષ્યાંક હાંસલ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્વ હતા. હંમેશા પ્રતિબદ્વતા જ વ્યક્તિને સફળતાની શીખરો સર કરાવે છે.

    ત્યાગની ભાવના: જ્યારે તમે કોઇપણ પ્રકારના નવા સાહસમાં ઝંપલાવો છો ત્યારે તેમાં ત્યાગની ભાવનાને આત્મસાત કરવાની તૈયારી રાખવી પડશે. જીવનમાં ક્યારેક કંશુક મેળવવા કશુક ગુમાવવું પડે છે તેને મેનેજમેન્ટ માટે યર્થાથ કહેવત કહેવાય. તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે પાંડવો જેમણે અનેક વર્ષો જંગલમાં વિતાવ્યા હોવા છતાં તેઓના જીવનના લક્ષ્યાંકોને ક્યારેય ભૂલ્યા ન હતા અને આવડત પણ ગુમાવી ન હતી.

    વર્તમાન સમયમાં જ્યારે અનેક નાની મોટી કંપનીઓ બજારમાં પ્રવેશ કરી રહી છે ત્યારે બજારમાં કડી સ્પર્ધા વચ્ચે ટકી રહેવું પણ વધારે મુશ્કેલ બને છે. આ સમયે જો મહાભારતનાં આ જ્ઞાનથી સંપન્ન અને અતિ ઉપયોગી એવા આ પાસાઓનું વાસ્તવિક દૃષ્ટિએ અમલીકરણ કરવામાં આવે તો કોઇપણ સંસ્થા સફળતા મેળવી શકે છે.