Spektno khajano 12 books and stories free download online pdf in Gujarati

સ્પેક્ટર્નનો ખજાનો - ૧૨

પ્રકરણ:૧૨ હુમલો...

વહેલી સવારે સાતેક વાગ્યે અમે તૈયાર થઈ ગયા. ગઈ કાલનો બનાવ ભલે થોડો વિચિત્ર હતો પણ એક રીતે અમારા માટે સુખદ હતો. આગળની સફર માટે અમને એક નવો સાથી એડગર મળી ગયો હતો. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક ચાંચિયો અમને મદદ કરશે ! ધાર્યા કરતાં બધું જ ઊલટું થઈ રહ્યું હતું.

અમે વહાણના તૂતક પર ઊભા હતા ત્યાં જ એડગર એના ચાર-પાંચ સાથીઓને લઈને આવી પહોંચ્યો. એનો પહેરવેશ એને વધુ વિશાળ બનાવતો હતો. એણે બ્લ્યુ પેન્ટની ઉપર સફેદ શર્ટ બે-ત્રણ બટન ખુલ્લાં રહે એ રીતે પહેર્યો હતો અને શર્ટની ઉપર કોફી રંગની બંડી ચડાવી હતી. બંડીનાં બધાં બટનો ખુલ્લાં હતાં. હવે એણે ચાંચિયાનો વેશ બદલી નાખીને આ જાતનો કરી નાખ્યો હતો.

‘તૈયાર છો ?’ એણે હાથમાં રિવોલ્વર પકડતાં અમને બધાને ઉદ્દેશીને પૂછ્યું. અત્યારે એનો ચહેરા પર જરા પણ ભય નહોતો.

પ્રોફેસર બેને અમારા બધા સામે એક નજર કરી લીધી ને પછી અમારા વતી એડગર સામે હકારમાં માથું હલાવ્યું. એડગરના ચહેરા પર આછું સ્મિત ફરકી ગયું. ત્યાં જ એક રૂમમાંથી એડગરની દીકરી લારા આવતી દેખાઈ. અત્યારે એનો દેખાવ એને જોઈ હતી એનાં કરતાં જુદો જ હતો. એ પણ એનાં પિતાની જેમ પેન્ટ અને ચામડાના ટોપમાં સજ્જ હતી. તો શું લારા પણ અમારી સફરમાં જોડાવાની હતી ?

લારાએ નજીક આવીને એડગરને હેટ આપી. પછી અમારા બધાની સામે એક નજર કરી લઈને એણે મારી આંખોમાં તીખી નજરે જોયું. જાણે એ કહેવા માગતી હોય કે – કેમ ? તમને ફસાવી જ દીધા ને ? મારી આંખો એનાં ગોરા ચહેરામાં ખેંચાતી જતી હતી, પણ એને અટકાવવા હું બીજી તરફ જોઈ ગયો.

એડગરે હેટ માથા પર બેસાડી અને અમારી આગળની સફર શરૂ થઈ. મેં જોયું તો લારા પણ અમને સાથ આપવા આવી રહી હતી. એ હાથમાં છરો લઈને એડગરની બાજુમાં ચાલતી હતી. એડગર સૌથી આગળ ચાલતો હતો. પાછળ અમે સાત જણા એનાં લગભગ દસેક સાથીઓ સાથે ચાલતા હતા.

વહાણવાળો કિનારો છોડીને અમે ઉત્તર તરફના ગાઢ જંગલમાં પ્રવેશી ચૂક્યા હતા. એન્ડરસન સાહેબે નક્શામાં પૂર્વ દિશા તરફ દર્શાવેલા વહાણનું રહસ્ય હવે છતું થઈ ગયું હતું. એમણે એડગર સુધી અમને પહોચાડવા માટે એ વહાણ ચીતર્યું હતું.

જંગલનો આ તરફનો ભાગ થોડો વધુ ઠંડો હતો. જોકે અમે કપડાં ઉપર જાકીટ ચડાવી રાખ્યા હતા એટલે ઠંડીનો બહુ ખ્યાલ નહોતો આવતો. આગળ ચાલતા એડગર અને લારા છરાથી રસ્તામાં નડતાં ગીચ ઝાડી-ઝાંખરાં કાપતાં રસ્તો કરતાં જતાં હતા. વાતાવરણમાં ફરી પાછો પગ નીચે સૂકાં પાંદડાં કચડાવાનો અવાજ ફેલાઈ ગયો હતો.

નક્શામાં દર્શાવેલી ‘ક્રોસ’(X)ની નિશાની સુધી પહોંચવા માટે હવે ઉત્તર તરફ ત્રાંસી દિશામાં પ્રયાણ કરવાનું હતું. એની બદલે લગભગ બપોરના એકાદ વાગ્યે એડગર એ તરફ જવાને બદલે ઉત્તર તરફ સીધેસીધો જવા લાગ્યો. પ્રોફેસર બેન પણ હવે હાથમાં નક્શો પકડીને એની સાથે જ ચાલતા હતા. એ સફાળા બોલી ઉઠ્યા, ‘એડગર, આપણે સીધા નથી જવાનું. આપણે આ તરફ...’ એમણે ‘ક્રોસ’વાળી દિશા તરફ આંગળી ચીંધી.

‘નહીં પ્રોફેસર. આપણે બરાબર જ જઈએ છીએ. આપણે એક જગ્યાએ પહોંચવાનું બહુ જરૂરી છે. એટલે ત્યાં પહોંચીએ એટલે તમને ખબર પડી જશે.’ એડગરે કહ્યું. એ આ જંગલનો ભોમિયો હતો એટલે એની વાત માન્યા સિવાય અમારે છૂટકો નહોતો.

***

બપોરે ત્રણ વાગ્યે જંગલ ધીમે-ધીમે ઓછું થવા લાગ્યું. ઊંચા-ઊંચા ઘટાટોપ વૃક્ષોને બદલે હવે કમર સરસાં નાના-નાના ઝાડી-ઝાંખરાં શરૂ થયા હતા. સૂર્ય હવે પૂર્ણરૂપે પ્રકશિત થતો વાદળોના ઝુંડમાંથી બહાર આવ્યો હતો એટલે ઠંડી ઓછી થઈ હતી.

અડધા કલાક પછી ઝીણાં-ઝીણાં ઘાસ સાથે રેતાળ વિસ્તાર શરૂ થયો. આખો વિસ્તાર એકદમ ખુલ્લો થઈ ગયો હતો. ચાલતાં ચાલતાં મેં ડાબી તરફ નજર કરી તો થોડે દૂર પેલો વિશાળ પર્વત આછા જંગલની વચ્ચે ખડો હતો ને એની ઊંચી ટોચ ફરતે વાદળો છવાઈ ગયા હતા. ખૂબ જ નયનરમ્ય નજારો હતો.

થોડી વારે એડગરની એ જગ્યા આવી પહોંચી. એ માપસરનું લાકડાનું ઘર હતું. એને રેતાળ જમીન પર કેટલાય લાકડાઓનાં ટેકે બનાવવામાં આવ્યું હતું. જમીનથી એ થોડું ઊંચું હતું. આજુ-બાજુ બધે રણ જેવી રેતી હતી. ઘરની પાછળ થોડે દૂર નક્શામાં બતાવી છે એ નદી ખળખળ અવાજે વહી રહી હતી ને એ પછી દૂર સુધી આવું જ રેતીનું રણ ફેલાયેલું હતું. ટાપુના બીજા ભાગો કરતાં આ ભાગ જુદો હતો.

એડગરની પાછળ બધા લાકડાનાં મોટા ત્રણ પગથિયાં ચડીને ઉપર ઘરમાં પહોંચ્યા. ઘરમાં પ્રવેશતાં જ મારી આંખો ફાટી પડી. અહીં દરેક દીવાલ પર જુદી-જુદી જાતનાં હથિયારો લટકતાં હતાં. મોટા ભાગે એક કારતૂસવાળી શોર્ટ ગનો હતી. એ સિવાય થોડી તલવારો અને રિવોલ્વરો હતી. એક ટેબલ પર મોટી સંખ્યામાં હાથ બોમ્બ પડ્યા હતા.

‘હવે ખબર પડી એ જરૂરી વસ્તુઓની...?’ એડગરે પ્રોફેસર બેનને કહ્યું, ‘તમારી પાસેનાં હથિયારો પૂરતાં નથી. ઉપરાંત ટાપુ પર દુશ્મનોની હાજરી મેં ઘણી વાર નોંધી છે. એ લોકોની સંખ્યા કેટલી હશે એ જાણી શકાય એમ નથી એટલે હથિયારો રાખવા જરૂરી છે.’ કહીને એ અંદરના રૂમમાં ગયો. આખું ઘર એડગરના દસ સાથીઓથી ભરાઈ ગયું હતું. લારા પણ એડગરની સાથે જ હતી. અમે પણ અંદરના રૂમમાં પહોંચ્યા. અહીં એક બારીમાં મોટું ટેલિસ્કોપ પડ્યું હતું. એના વિશે પૂછતાં એડગરે જણાવ્યું કે એ દૂરથી દુશ્મનોની હાજરી અંગેની તપાસ કરવા માટે હતું.

‘આ ઘર અમે ખૂબ જ મહેનતથી બનાવ્યું છે. એક રીતે આ અમારું શસ્ત્રાગાર પણ છે. આટલા વખતમાં આનો ઉપયોગ જ નથી થયો. પણ કદાચ હવે આ બધાનો ઉપયોગ કરવાનો સમય આવી પહોંચ્યો છે.’ એડગરે ટુંકાણમાં પતાવ્યું. હું સમજી ગયો હતો કે એડગરે આ બધી જ વસ્તુઓ એ જ્યારે ચાંચિયાગીરી કરતો હશે એ વખતે ભેગી કરી હશે.

બપોરનું જમણ અમે આ ઘરમાં જ પતાવ્યું. એડગર અને એના સાથીઓ પણ લિજ્જતથી જમ્યા. અમારી પાસેના ખોરાક ઉપરાંત અહીં પણ અમુક ખોરાકનો જથ્થો હતો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જમીને અમે વાતો કરતાં બેઠા અને થોડી વારે નિદ્રામાં સરી પડ્યા.

***

  હજુ તો માંડ કલાક થયો હશે ત્યાં જ અર્ધનિદ્રામાં મને અમુક માણસોના દૂર-દૂરથી આવતા હોય એવા અસ્પષ્ટ અવાજો સંભળાવા લાગ્યા. અવાજો વધ્યા એટલે અમે જાગૃત થઈ ગયા.

‘અંદર જે કોઈ હોય એ બહાર નીકળી જાય, નહીં તો અમે આખા ઘરને ફૂંકી મારશું.’ અચાનક કોઈકનો ઘોઘરો અવાજ ધમકીના સૂરમાં આવ્યો. મને ફાળ પડી. આવો અજાણ્યો અવાજ આ પહેલાં મેં કદી સાંભળ્યો નહોતો. તો શું દુશ્મનો તો નથી આવી પહોંચ્યા ને ? મને અજીબ ગભરાહટ થવા લાગી. મેં આજુ-બાજુ જોયું તો એડગરનો ક્યાંય પત્તો નહોતો. એ એના ત્રણ સાથીઓ સાથે ગાયબ હતો. લારા જાગી ગઈ હતી. એડગરના બાકીના સાથીઓમાંથી એક જણે છુપાઈને બારીમાંથી બહાર નજર કરી. બીજી જ પળે એ બારીથી હટીને બે-ત્રણ ડગલાં પાછળ ખસી ગયો, ‘દુશ્મનો આવી પહોંચ્યા છે. બધા જ શાંત રહેજો.’ એનું આ વાક્ય બોમ્બ ધડાકા જેવું હતું. અમે ધ્રુજી ઉઠ્યા.

‘આખરી વખત ચેતવણી આપું છું. અંદર જે કોઈ પણ હોય એ મારા પાંચ ગણતાં સુધીમાં બહાર નીકળી જાય... ગણતરી પૂરી થતાં જ અમે ઘરને ઉડાવી મૂકીશું. એક...’ બહાર પેલો ઘોઘરા અવાજે ફરી ધમકીનું રૂપ ધારણ કરતાં ગણતરી શરૂ કરી દીધી. હવે શું કરવું ? એડગર પણ મોકાના સમયે ગાયબ હતો. મેં લારાને ઈશારાથી જ પૂછ્યું કે – એડગર ક્યાં છે – પણ એને કંઈ જ ખબર નહોતી.

‘બે...’ વળી બહારથી અવાજ આવ્યો. હવે બધા ખરેખરના દ્વિધામાં મુકાયા હતા.

‘એક કામ કરો. અમારી પાસે રિવોલ્વરો તો છે જ, એટલે તમે લોકો દીવાલ પરનાં બધા હથિયારો એક ચાદરમાં ભરીને બહાર તરફ દોડજો...’ ત્યાં જ એડગરના એક ફિલિપ નામના સાથીએ સુજાવ આપ્યો, ‘પણ યાદ રહે... પાંચની ગણતરી પૂરી થાય કે પછી જ.’

એની સૂચના અમારે માનવી પડે એમ જ હતી. કામ ઘણું અધરું હતું. થઈ શકશે કે નહીં એની જ ચિંતા હતી, જોકે રિવોલ્વરો તો અમારી પાસે પણ હતી. થેલામાંથી અમે રિવોલ્વરો કાઢી અને એક-એક જણાએ લઈ લીધી. પ્રોફેસર માટે એમની રાયફલ હતી એ હાલપૂરતી લારા એ પકડી.

‘ત્રણ...’ બહારથી અવાજ આવ્યો કે તરત અમે કામે લાગી ગયા. ટેબલ પર પાથરેલી એક જૂની ચાદર ઉઠાવીને છુપાતાં છુપાતાં અમે દીવાલ પરથી એક પછી એક હથિયારો ચાદરમાં મુકતા જતાં હતા. ઘર જમીનથી એકાદ ફૂટ ઊંચું હતું એટલે નીચે ઉભેલા દુશ્મનોને ખાસખબર નહોતી પડતી કે અમે શું કરી રહ્યા છીએ. છતાં તેઓ ગણતરી કર્યે રાખતા હતા.

‘ચાર...’ ઘુરકાટભર્યો અવાજ મોટો થયો એટલે એડગરના સાત સાથીઓ જુદી-જુદી બારીઓ પાસે રિવોલ્વરો તૈયાર રાખીને લપાઈને ગોઠવાઈ ગયા.

‘પાંચ.’ કહીને પેલો અવાજ એકાએક બંધ થઈ ગયો. મારું હ્યદય જોરથી ધબકતું હતું. આવનારી પળોમાં કંઈ પણ થઈ શકે એમ હતું.

‘ભાગો જલદી...!’ અચાનક ફિલિપે રાડ પાડી અને ચારેય બાજુથી ગોળીબારી થવા લાગી. આખા ઘરમાં દેકારો મચી ગયો. કેટલીયે ગોળીઓ લાકડાની દીવાલની આરપાર નીકળી જતી હતી. લાકડાંમાં કાણા પડવાનાં ખચખચ અવાજોએ કાનને બેરા કરી મૂક્યા. એડગરના સાથીઓએ પણ દુશ્મનોની ગોળીઓથી બચતાં સામી ગોળીબારી શરૂ કરી. બસ, હું આટલું જોઈ શક્યો ને અમે મુખ્ય દરવાજા તરફ ભાગ્યા. હું સૌથી છેલ્લો હતો. એકાએક હું ભાગ્યો ત્યાં જ પાછળની બારીમાંથી એક હાથબોમ્બ ઘરની અંદર ફેંકાયો. એને જોઈને ફિલિપ તથા બાકીના સાથીઓ પણ જોર લગાવીને મારી પાછળ ભાગ્યા.

જેવું મેં છેલ્લું પગથિયું છોડીને દોટ મૂકી કે તરત જ લાકડાનું એ ઘર મોટા ગગનભેદી ધડાકા સાથે ફાટ્યું અને લાકડાનાં કટકા આમ તેમ ફંગોળાયા. ધડાકાની અસરથી મારી પીઠનો ભાગ જલદ બની ગયો. હું રેતીમાં પટકાયો. પાછળ તરફ જોયું તો ઘરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. આ બધું એટલી ઝડપથી બની ગયું હતું કે વિચારવાનો સમય જ નહોતો મળ્યો. એડગરના પાંચેક સાથીઓ તો દોડીને બહાર નીકળવામાં સફળ થયા હતા, પણ બે સાથીઓનાં શરીરો ત્યાં જ, ઘર પાસે આગમાં બળી ગયાં હતાં.

હવે ગોળીબાર શાંત થઈ ગયો હતો. મેં જોયું તો સળગતા ઘરની આજુબાજુ લગભગ દસ-પંદર બદમાશ જેવા લાગતા માણસો હાથમાં હથિયારો પકડીને ઊભા હતા. પ્રોફેસર બેન અને બાકી બધા એક મોટા પથ્થર પાછળ પહોંચી ગયા હતા. માત્ર હું જ એકલો ખુલ્લામાં હતો. મને થડકારો થયો. પણ...ત્યાં તો ‘ધાડ...ધાડ...’ કરતા બે અવાજો થયા અને બે બદમાશો ફસડાઈ પડ્યા. મેં અવાજની દિશામાં જોયું તો એડગર ત્રણ સાથીઓ સાથે આવી પહોંચ્યો હતો. ગોળીઓ એણે જ છોડી હતી. એને જોઈને મારામાં પણ હિંમત આવી ને મેં મારી રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું. ‘ધડામ...’ અવાજ સાથે ગોળી છૂટી અને થોડે દૂર ઉભેલા એક બદમાશના પેટમાં ઊતરી ગઈ. એ ફસડાઈ પડ્યો.

આ તરફ પથ્થર પાછળથી પ્રોફેસર બેન અને બીજા બધા તરફથી પણ ગોળીબાર શરૂ થઈ ગયો. વાતાવરણ યુદ્ધ જેવું બની ગયું. સામસામી ગોળીઓ છૂટવાના અવાજો ગર્જી ઉઠ્યા.

દુશ્મનોએ હુમલો કરી દીધો હતો.

***