The Play - 15 books and stories free download online pdf in Gujarati

The Play - 15

The Play

Hiren Kavad

આગળ આપણે જોયુ.

મેઘ પોતાની શોધમાં આગળ વધે છે. એનું શરીર હવે થાકી ચુક્યુ છે. એને એના જન્મનાં સ્થળે જ એની સ્મૃતિઓ મળે છે. એનું શરીર શાંત થાય છે. હવે આગળ.

15. નાટક

મહાનાદ પાછો આવી ગયો હતો. ચારેતરફ આ સમાચાર ફેલાઈ ચુક્યા હતા. એને સીધો જ શિવ ભવન લઇ જવામાં આવ્યો હતો. મહાનાદ આઘાતમાં હતો. મંચ પરથી ઉતર્યા બાદ દરેક પાત્રએ પોતાનાં પાત્રની મનઃસ્થિતીમાંથી બહાર આવવાનું હોય છે. મહાનાદ હજુ પૂરેપૂરો પાછો નહોતો આવી શક્યો. એનાંમાં એક ગ્લાનિ ભરાઈ ચુકી હતી. એ પોતાનું પાત્ર બરાબર નીભાવી નથી શક્યો. એને વારંવાર પૃથ્વિ પરનાં પાત્રોનાં સ્મરણ આવી રહ્યા હતા. જેવો મહાનાદ શિવભવનમાં દાખલ થયો અને શિવે બોલવાનું શરૂ કર્યુ.

‘સત્ય જ એક ઔષધી છે. યાદ રાખજે સાધુ. આપડે બધાય એક મહાનાટ્યનાં પાત્રો છીએ. આજ સત્ય છે. અહિં કોઇ જ કશું કરી નથી શકતુ. બધુ જ થાય છે. પરંતુ આ માત્ર સાંભળવાથી નહિં સમજાય, આ અનૂભવથી જ સમજાશે. મહાન રંગમંચ જ્યાં બધુ જ ઉચિત અને સંભવ છે.’, શિવનો અવાજ પહાડી હતો.

મહાનાદનેં તરત જ યાદ આવ્યુ આ ક્યારે કહેવાયું હતુ. મહાનાદનાં બધા સંશયો શમી ગયા. એ સીધો જ શિવ તરફ આવ્યો અને એમનાં પગમાં પડ્યો. શિવે એને ઉઠાવીને ગળે લગાડ્યો. એજ ક્ષણે મહાનાદ સ્વસ્થ થઇ ગયો.

‘શિવ. શિવ. શિવ.’, મહાનાદનાં મોંમાં બીજા કોઇ શબ્દો નહોતા. પોતે આનંદ રૂપનોં જ એક અંશ છે એ જાણીને જ એ આનંદમાં હતો.

‘બધી જ ઘટનાઓનેં ગૌણ ગણ. અચ્છા બવ ઇમ્પોર્ટન્સ ના આપ.’, શિવે હસીને કહ્યુ. ‘એ તુ નહોતો. એ મેઘ હતો. મેઘ ત્યારે જ નિર્વાણ પામી ગયુ હતુ જ્યારે તારા મોંમાંથી મિનાક્ષીનું નામ નીકળ્યુ હતુ. ’

‘તમે મારા માટે…’, મેઘ બોલવા ગયો.

‘શ્શ… બહુ શબ્દનોં ઉપયોગ ના કર. અત્યારે મિટિંગ ગોઠવાયેલી છે આપણે ત્યાં જવાનું છે.’, શિવે મહાનાદને ચુપ કરાવતા કહ્યુ. મહાનાદની નજરો આમતેમ ફરી. એને કોઇ દેખાયુ નહિં.

‘ધૈર્ય મહાનાદ ધૈર્ય.’, શિવે થોડા સ્મિત સાથે કહ્યુ.

‘એ પણ તારા જેટલી જ આતૂર છે.’, શિવ વાક્ય પૂરૂ કરતા બોલ્યા.

‘ચલો દેખતે હૈ ક્યા કહતે હૈ બુઢે બાબા.’, મહાનાદે મસ્તીમાં આવીને કહ્યુ.

‘યે હુઈના શિવ વાલી બાત.’, શિવે પોતાના કંટે નાગ ચડાવ્યો અને કપાળે ભસ્મ ભૂંસી.

***

બ્રહ્માં પજ્ઞાસનમાં બેઠા હતા. એમની બાજુમાં વિષ્નું હતા. શિવ અને મહાનાદે આવીને બ્રહ્માંને પ્રણામ કર્યા. બ્રહ્માંએ બેસવા ઇશારો કર્યો. બે ઘડી બધા મૌન રહ્યા.

‘ઓમ…’, કહીને બ્રહ્માંએ મૌન તોડ્યુ.

‘મહાનાદ, શિવ, વિષ્નુ, હું એક ભૂલને સ્વિકારૂ છું.’, બ્રહ્માંએ ખુબ જ વિનમ્ર અને શાંત ભાવથી કહ્યુ. બધાએ કોઇજ ખલેલ વિના ધ્યાનથી સાંભળવાનું શરૂ રાખ્યુ.

‘ક્રોધે કોઇને નથી ત્યજ્યા. એ ક્ષણ વખતે મારામાં પણ ક્રોધ હતો. આપણે જો ચાહ્યુ હોત તો તો આ નાટ્યનેં એના નિર્ધારીત અંત સુધી લઇ જઇ શક્યા હોત. પરંતુ એ ન થઇ શક્યુ. પરંતુ આપણે બધા પોતપોતાનું પાત્ર નીભાવવાનું હોય છે. એ પણ તમે જાણો છો.’, બ્રહ્માં હસ્યા.

‘પરંતુ શિવ તમે જ્યારે જ્યારે નૃત્ય કર્યુ છે ત્યારે ઇતિહાસમાં મહત્વની ઘટનાઓ ઘટી છે. આ તાંડવ ભલે વિનાશનું તાંડવ હતુ. પરંતુ એણે આપડા નિર્ધારીત ભવિષ્યનાં બીજ રોપ્યા છે. હું ખુશ છું કે અંતે આપડે એક પથ તૈયાર કર્યો. મહાનાદ હું પ્રસન્ન છું તારા પર. તું ભટક્યો પરંતુ છેલ્લે સુધી તારા લક્ષ્ય પર ટકી રહ્યો. તમને કોઇને ખબર નહિં હોય પરંતુ વિષ્નુએ પણ કોઇની જાણ બહાર મદદ કરી છે.’, બ્રહ્માંએ વિષ્નુ તરફ જોયુ.

‘દ્રશ્યપાન.’, વિષ્નુ બોલ્યા. શિવ હસ્યા જાણે એને બધી ખબર જ હોય.

‘શિવ તમારો પ્રેમ અલૌકિક છે. તમે જે પણ કર્યુ છે એની સાથે હું સહમત છું. મહાનાદ તમારૂ સ્વાગત છે. ઓમ.’, બ્રહ્માંએ કહ્યુ અને એમણે એમના શબ્દોનેં વિરામ આપ્યો.

‘પ્રણામ.’, શિવે બ્રહ્માંનાં ચરણોનેં સ્પર્શ કર્યો. શિવને બીજા કોઇજ શબ્દોની આપલે કરવાની જરૂર નાં પડી. બ્રહ્માં વિષ્નુ મહેશ ત્રણેય એકબીજાને સામે જોઇને મુસ્કાયા અને વિદાય લીધી.

***

‘હવે?’, મહાનાદે પૂછ્યુ.

‘હવે મૂલાકાત.’, શિવે મૌજથી કહ્યુ.

***

મહાનાદ અને મિનાક્ષીને એકબીજાનાં હાથનોં સ્પર્શ થયો અને મહાનાદને વર્ષો જુની સ્મૃતિનું સ્મરણ થયુ.

***

‘મહાનાદ હું તમને પ્રેમ કરૂ છું.’, મિનાક્ષી અને મહાનાદ એકબીજાનીં બાહોંપાશમાં ડૂબેલા હતા.

‘હું પણ.’, મહાનાદે મિનાક્ષીને ચુંબન કર્યુ.

‘ખબર નહિં કેટલા વર્ષો સુધી અલગ રહેવું પડશે.’, મિનાક્ષીનીં આંખોમાં થોડી ઉદાસી હતી.

‘વિરહ મને પણ સતાવશે. પરંતુ મને વિશ્વાસ છે તુ મને સંભાળી લઇશ.’, મહાનાદ મિનાક્ષીની એક એક વાત પર એને ચુંબન કરી રહ્યો હતો.

‘એમ થોડી હું તમને છોડીશ.’, મિનાક્ષીએ મહાનાદનાં શરીર પર દાંત ખુંચાડ્યા.

‘ભૂલથી પણ હું ભૂલી ગયો તો?’, ફરી એક અલૌકિક સ્પર્શ.

‘એક ક્ષણ એવી નહિં આવવા દવ, જ્યારે મારી સ્મૃતિ ના હોય.’, એણે હળવેથી મહાનાદની ગરદન પર પોતાના હોંઠ સ્પર્શ કરાવ્યા.

‘હજુ ક્ષણનું અંતર છે.’, મહાનાદનું પણ એક ચુંબન.

‘હું સ્મૃતિ બની જઇશ.’, મિનાક્ષી અને મહાનાદ બન્નેએ એકબીજાનીં આંખોમાં જોયુ. હવે કોઇ શબ્દો નહોતા. કોઇ આવરણો નહોતા. બન્નેની આંખો બંધ થઇ.

***

‘કહ્યુ હતુ હું સ્મૃતિ બની જઇશ.’, મહાનાદ અને મિનાક્ષીને એકબીજાનાં હાથનોં સ્પર્શ થયો. સાંજ ઢળી ગઇ હતી, મહાનાદ અને મિનાક્ષી શિવ ભવનમાં આવેલા એના મનપસંદ બાગમાં થઇને પોતાના ભવન તરફ જઇ રહ્યા હતા.

‘મૃત્યુ પહેલાની એક ક્ષણ માટે મારો આનંદ અનંત હતો. એ તારા પ્રેમ વિના શક્ય બન્યુ ન હોત.’, બન્ને થોડી ક્ષણો સુધી એકબીજાના સાથમાં મૌન ચાલતા રહ્યા.

‘એટલો બધો મેં પ્રેમ કર્યો છે?’, મિનાક્ષી થોડી લાગણીશીલ થઇને બોલી.

‘એ તો તમને ખબર.’, મહાનાદે હસીને જવાબ આપ્યો.

‘મેં મહેસુસ કર્યુ છે, તુ ત્યાંજ હતી.’, બન્ને પોતાના ભવનમાં પહોંચ્યા.

મહાનાદે મિનાક્ષીના વાળને સ્પર્શ કર્યો. મિનાક્ષીના સુગંધિત કોમળ શરીરનો મહાનાદે શ્વાસ લીધો. મિનાક્ષીએ મહાનાદનાં બદનને ભીંસ આપી. મહાનાદે મિનાક્ષીના કપાળમાં ચુંબન કર્યુ. મિનાક્ષીનો ચહેરો મહાનાદની વજ્ર સમાન છાતી પર ઢળ્યો. મૌન છવાયુ, વસ્ત્રો ઢળ્યા, આનંદ પ્રગટ્યો.

‘મિનાક્ષી.’, મેઘ આનંદની પરાકાષ્ઠામાં બોલ્યો.

‘મહાનાદ.’, આનંદમાં તરબતર મિનાક્ષીથી બોલાયુ.

‘નવ્યા.’, એની સામે નવ્યા હતી.

‘મેઘ.’, નવ્યાએ કહ્યુ.

***

શિવ ધ્યાનમાંથી બહાર આવ્યા. એ મીઠું હસ્યા. એમના હોઠ હલ્યા અને શબ્દો સર્યા. ‘એક નાટક.’

***

આ નવલકથા મારા માટે એક અલગ જ પ્રકારની સફર રહી છે. માત્ર ટીપીકલ લવ સ્ટોરી જોનરમાંથી બહાર નીકળીને મારે થોડુંક અલગ લખવાનું હતુ. જો વાંચકો અને મિત્રો ના હોત તો આ શક્ય બન્યુ હોત કે નહિં એના પર મને શંકા છે. અહિં સુધી સાથ આપવા બદલ તમને ઘણો બધો પ્રેમ. ફરી એક રસ્તાનાં વળાંક પર મળીશું. તમારા રિવ્યુ અને વિચારો મને આપવાનું ભૂલતા નહિં.

લેખક વિશે

હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.