The Play - 1 books and stories free download online pdf in Gujarati

The Play - 1

The Play

Hiren Kavad

પ્રસ્તાવના

ભાઇબીજીનો એ દિવસ હતો, નવા વર્ષની ઉજવણી હજુ પૂરી નહોતી થઇ. મારા સગા મામાના છોકરાના એક્સપાયર્ડ થઇ જવાના સમાચાર આવે છે. અમારૂ આખુ ફેમીલી ભાવનગરથી સુરત બસમાં જવા નીકળે છે. જીવન કેટલુ ક્ષણભંગુર છે એ હું અનૂભવી શકતો હતો. મનમાં સતત વિચારો ઉભરી રહ્યા હતા અને એમાં એક ઝબકારો થયો. બસ એ જબકારો એટલે આ નોવેલ. ધ પ્લે.

જો ધર્મ અને દેવતાઓ પ્રત્યે કોઇ સહેંજ પણ વાંકુ બોલે અને તમારી કહેવાતી લાગણી દૂભાઇ જતી હોય તો આ પહેલા પાનેથી આગળ વાંચ્યા વિના જ પ્રેમથી ચાલ્યા જવુ. જો તમે એવુ વિચારતા હોવ કે અમારા માતાજી વિશે આવુ થોડુ લખાય કે અમારા ઇશ્વર વિશે તમારાથી આવુ થોડુ બોલાય, માતાજીને ખોટુ લાગી જાય. તો પ્લીઝ આગળ ના વાંચતા, આ નોવેલ સમજદાર વાંચકો માટે જ છે. કારણ કે આ એક નિર્દોષ નજરથી લખાયેલી નવલકથા છે. એના લેખક માટે આ વિશ્વ એક ફિક્શન, કહાની કે વાર્તાથી વિશેષ કંઇ નથી. ઇશ્વર એક સામાન્ય વ્યક્તિ છે જેની પાસે અસામન્ય ઉર્જાઓ છે બસ. અને માણસમાં ભૂલો હોવાની. જો એ સ્વિકારવાની ત્રેવડ હોય, ઇશ્વરને માણસ તરીકે સ્વિકારવાની ત્રેવડ હોય તો જ આગળ વાંચવુ. અને જો એ ત્રેવડ હશે, આ વાર્તાને એક વાર્તા તરીકે લેવાની ત્રેવડ હશે તો હું તમને ખાતરી આપુ છું. તમે મોજ કરી લેશો.

આ વાર્તા કરોડો વર્ષોથી ચાલી રહેલા એક નાટકની છે, ખરેખર આપડા હાથમાં કંઇ છે જ નહિં, અહિં ક્ષણ રાજ કરે છે અને આપણે એ ક્ષણ પર ક્યારેય કાબુ મેળવી નથી શકતા. બધુ ઓલરેડી ઘટી ચુકેલુ જ છે. એ ભૂતકાળ હોય, વર્તમાન કે ભવિષ્ય. બધુ છે જ. કશુ થઇ ગયુ કે થશે એવુ છે જ નહિં. માત્ર ક્ષણ છે ઘટનાઓ નહિં. પરંતુ મેં આ બધી ન સમજાય એવી વાતોને ફિક્શનમાં ઢાળવાની કોશીષ કરી છે. મારો એકમાત્ર હેતુ તમને મનોરંજન આપવાનો છે, એ મનોરંજમાં કોને ખબર કોઇકને ક્યાંક જબકારો થઇ જાય. તો બસ આ વાર્તાને વાર્તા તરીકે લેજો. એ જ વિનંતી છે. પર્સનલી ના લઇ લેતા. કારણ કે આ વાર્તા જે સ્થિતીમાં લખાઈ છે એ બ્રહ્માંડની ઉર્જાનો પ્રતાપ છે, કેટલોય સાક્ષીભાવ આ વાર્તામાં સમાયેલો છે.

તો રજુ કરૂ છું, એક નાટક જેના આપણે બધા પાત્રો છીએ. જેમાં મારી કલ્પનાઓ તમને કહેશે કે આ નાટક કઇ રીતે રચાય છે. હાજીર છે. ધ પ્લે. (એક નાટક)

  • Acting
  • ‘નાટક બનાવવુ એ મજુરી છે. એમાં અદાકારી કરવી એ કાળી મજુરી છે. બટ હું એક વાત કહીશ. જે પરમ સુખનો આનંદ આવશે એ અનૂભવ અવર્ણનીય છે. તમે ક્યારે એક નવી દૂનિયામાં ખોવાઇ જશો એ તમને ખબર પણ નહિં પડે. જાણે તમારો નવો જ જન્મ થયો છે એવુ તમે જગતના સ્ટેજ પર અનૂભવશો. સાચો એક્ટર એ જ છે કે જે મંચ પર જઇને પોતે એક્ટર છે એ ભૂલી જાય. પરંતુ જ્યારે એ મંચ પરથી પાછો આવે ત્યારે એ યાદ પણ રાખે કે આ એક નાટક જ હતુ. બસ મારે વધારે કંઇ કહેવાનું નથી. મંચ પર એવી ઘણી વસ્તુઓ બનશે જે સ્ક્રિપ્ટમાં નહિં હોય. જે તમને કહેવાયેલી નહિં હોય. અને તમે જે મંચ પર જઇ રહ્યા છો એ મંચ પર તો તમે કોણ છો એ જ તમને યાદ નહિં હોય. તમારી સાથે શું થવાનું છે એ પણ તમને યાદ નહિં હોય. છેલ્લે મારે એક જ વસ્તુ કહેવી છે. જે પણ થાય, પૂર્ણ આનંદમાં ડૂબી જજો. બસ મૌજ કરજો. આની જેમ.’, શિવે પોતાના ફુંફાડા મારતા સાપ તરફ નજર નાંખતા હસીને કહ્યુ. સામે બેસેલા શ્રોતાવર્ગે શિવને તાળીઓ સાથે વિદાય આપી. વૃદ્ધ બ્રહ્મા એની સામે જોઇ રહ્યા. બાજુમાં જ બેસેલા વિષ્નુની કોઇ પ્રતિક્રીયા નહોતી. એ પોતાની નોંધપોથીમાં કલમ વડે કંઇક નોંધી રહ્યા હતા.

    ‘અને હવે હું તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું. ત્રીદેવમાંના એક, જેમણે પોતે અવનવા વેશો ધરીને અનેક નાટકો કર્યા છે, અનેક રૂપો લઇને આપણુ અને દૂનિયાનું મનોરંજન કર્યુ છે. જેમના હજારો નામ છે, રામ, ક્રિષ્ન, હરી. ગણ્યા ગણાય નહિં અને વિણ્યા વિણાય નહિં. એવા વિષ્નુ.’, ચિત્રગુપ્તે કહ્યુ અને એ પોતાના આસન તરફ આગળ વધ્યો. વિષ્નુએ પોતાની બાજુના મેજ પર મુકેલા પોતાના શસ્ત્રો ચાર હાથમાં લીધા અને ઉભા થયા.

    ‘વર્ષોથી આપણે આ ચાલી રહેલા નાટકને આગળ વધારી રહ્યા છીએ. જ્યારે જ્યારે હું મારા ભજવેલા એક પાત્રને સ્મરૂ છું ત્યારે એણે કહેલો એક શ્લોજ યાદ આવે છે.’

    યદા યદા હી ધર્મસ્યગ્લાનીર્ભવતી ભારત,
    અભ્યુથાનમ અધર્મસ્ય તદાત્માનમશૃજામ્યહં
    પરીત્રાણાય સાધુનામ વિનાશાય :દુસ્કૃતામ
    ધર્મ સંસ્થાપનાર્થાય સમભવામી યુગે યુગે

    ‘અત્યાર સુધીનું મારૂ આ સૌથી મનગમતુ પાત્ર છે. હા મને આ પાત્ર ભજવવા ઘણી છુટછાટ મળેલ છે અને એના ઉપર જે કોન્ટ્રોવર્સીઓ થઇ છે એ હું જાણુ છું. પરંતુ આ શ્લોકમાં એ પાત્ર કહે છે કે જ્યારે જ્યારે ધર્મને હાની પહોંચે છે ત્યારે ત્યારે હું આવુ છું. ધર્મને હાની એટલે આપડા માટે મનોરંજનની ખુંટ. આપણે અહિં હંમેશા રિવાજ રહ્યો છે અમુક વર્ષો થાય એટલે એક બીગ બજેટ નાટક કરવામાં આવે છે. એમાંનું એક નાટક આ હતુ. જે આપણા પરમ પૂજ્ય આદિ ત્રીદેવોએ લખ્યુ હતુ. આ પ્રસંગે હું એમને યાદ કરીશ. કારણ કે એમણે લખેલી કૃતિઓ આજે ઓનસ્ટેજ ઉદાહરણ તરીકે ઉપયોગમાં લેવાય છે. આપણે જે નાટક કરવા જઇ રહ્યા છીએ, એ આ કરોડો વર્ષોથી ચાલી રહેલી નાટ્ય શૃંખલાને એક ધક્કો આપનારૂ રહેશે. ખરેખર તો આપણે કોઇ નાટક શરૂ નથી કરી રહ્યા, પરંતુ જે ચાલી રહ્યુ છે એમાં અમુક વળાંકો, રોમાંચો, સંઘર્ષો ઉભા કરવા કરવા જઇ રહ્યા છીએ. પરંતુ આ નાટકની ઘટનાઓ, એના પાત્રો આવતા સો વર્ષો સુધીની ઘટનાઓ પર અસર કરશે. જેમ તમે જાણો છો, તેમ બીજા બધાજ ફોરેન ડિરેક્ટર્સ પણ આપણી સાજે જ વર્ષોથી કામ કરી રહ્યા છે. Mr. Jesusji, Mr. Mohmad Saheb, Mr Zeus અને બીજા મહાન અદાકારાઓ અને દિગદર્શકોનો સહકાર આપડી સાથે છે, એમની નીચેના કામ કરી રહેલા અદાકારો આપણી સાથે છે. એઝ અ પ્રોડ્યુસર કુબેર છે જેમનો અખુટ ધન ભંડાર મનોરંજનના કાર્ય માટે સતત ખુલ્લો હોય છે એના માટે હું એમનો આભારી છું. બ્રહ્મા દાદા જેમના વિના આ કાર્ય અશક્ય છે, એમના નેજા હેઠળ આ નાટ્યની રૂપરેખા ઘડાશે, નાટક લખાશે, હું એ અનૂભવવા આતૂર છુ. હું પણ એજ કહીશ જે મારા ખુબ સારા મિત્ર શીવે કહ્યુ,’, વિષ્નુએ શિવ સામે જોયુ. શિવે સાપને અચાનક વિષ્નુ તરફ ફેંક્યો. વિષ્નુ ડરી ગયા. અને પછી હસી પડ્યા.

    ‘બસ મૌજ કરી લેજો, ડૂબી જજો. જેમ મેં ક્રિષ્ન બનીને મૌજ કરી. સમય આવે ત્યારે પીડાજો, જેમ મેં ભજવેલુ, એક પાત્ર કોઇના પ્રેમમાં પીડાયુ અને આજ સુધી એ પાત્ર મંચ પર રાધા ક્રિષ્નના નામથી હજી સુધી પુજાય છે, જેટલા તમે ડૂબશો અને જીવશો એટલા જ તમે નીખરશો. પાત્રમય બની જજો. કારણ કે એ મંચ પર જે જાણી જાય છે કે આ નાટક છે એનુ વધારે વખત ત્યાં રહેવુ મુશ્કેલ બની જાય છે. ધન્યવાદ’, શ્રોતાઓએ સ્ટેન્ડીંગ અવેશન આપ્યુ. મિનિટો સુધી તાળીઓ વાગતી રહી. વિષ્નુએ વિનમ્રતાથી પોતાનું આસન લીધુ.

    ‘એમનો પરિચય આપવો એ આ નાટ્યસૃષ્ટીનું અપમાન છે. એટલે માત્ર એમનું નામ જ બોલીશ. આપની સમક્ષ બ્રહ્મા’, ચિત્રગુપ્તે પોતાનું સ્થાન લીધુ.

    વૃધ્ધ પણ તેજ ચહેરો, ધોળી દાઢી પરંતુ અનૂભવથી ભરેલી, ચારે દિશામાં પોતાની સમજણો ફેલાવતા ચાર ચહેરા, કમલાસન સાથે એ ઉપરની તરફ બીરાજીત થયા. એમણે થોડી ક્ષણ માટે આંખો બંધ કરી અને પછી ધીમેંથી ખોલી.

    ‘નાટ્ય એટલે માત્ર મંચ પર જઇને પાત્રોમાં ઘુસી જવુ? નાટ્ય એટલે માત્ર અહિંથી બનાવાતી પરિસ્થીતીઓ અને એને સહન કરવાની ક્ષમતા? શું નાટ્ય એટલે માત્ર ત્યાં મળેલા શરીર સાથેની રમતો? ના. જ્યારે એ મંચ પરથી તમે અહિં આવશો ત્યારે તમને બધુ યાદ આવશે, તમે પોતાની જાતને જ કોસશો કે મેં પેલી ભૂલ ના કરી હોત તો હું વધારે સારૂ કરી શક્યો હોત. હું એ પરિસ્થીતીમાં આમ વર્ત્યો હોત તો કેટલુ સારૂ થાત. આ પીડા એ દરેક અદાકારની રહી છે. સાચો અદાકાર નહિં, અદાકાર જ એ છે જે અદા કરે, ભટકે નહિં. એ ત્યાં જઇને ડૂબે. બાકી જ્યારે અહિં આવશે તો એનામાં ગ્લાની જ ભરાશે. કાંતો એ અદાકાર હોય છે અથવા નથી હોતો, સાચો કે ખોટો અદાકાર નથી હોતો. તમે ખુબ સૌભાગી છો, એ તમારી મહેનત પણ છે કે તમે આ એક મહાનાટ્યનો ભાગ બનવા જઇ રહ્યા છો. બહુ ઓછાને આવી પરિસ્થીતિઓનો ભાગ બનવા મોકો મળે છે. શિવ અને વિષ્નુ તો તમારી સાથે છે જ.’, બ્રહ્મા શિવ અને વિષ્નુ સામે જોઇને હસ્યા. શિવે હસીને પોતાનું ડમરૂ વગાડ્યુ. બધા લોકો હસ્યા.

    ‘તો આવો નટ દેવતાની સ્તુતી કરીએ અને એક વિશાળ મંચ પર પોતાની લાગણીઓ, પોતાની બુદ્ધી, પોતાનું શરીર રમતુ મુકીએ.’, બધાના ચહેરા પર પ્રસન્નતા સાથે એક સમર્પણની ભાવનાની ગંભીરતા આવી. બધા જ ઉભા થયા.

    બ્રહ્મા, વિષ્નુ અને મહેશે આંખો બંધ કરી. સમગ્ર જગતને પ્રસન્ન અને શાંત કરી દેતા શાંતસૂરમાં નટ દેવતાની પ્રાર્થના શરૂ થઇ.

    ‘આંગીકમ ભૂવનમ્ યસ્ય,

    વાંચીકમ સર્વવાંગમયમ્,

    આહાર્યમ્ ચંદ્ર તારાદી,

    ત્વમ્ નમઃ સાત્વિકમ્ શિવમ્’

    ***

    નંદિનીએ પોતાની ભીની આંખો જંગલી પહાડી રસ્તાઓ પર પૂર જડપે સરકી રહેલી બસની બારીમાંથી બહાર કાઢી. કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરાઇ ગયા હતા. વહેલી સવારના પાંચ વાગ્યે વિજળી પોતાની ગર્જના કરીને ગભરાવી રહી હતી. વરસાદે વરસવાનું શરૂ કર્યુ, નંદિનીએ બસની બારી બંધ કરી અને સુતા સુતા જ પોતાના ગર્ભાધાનિત પેટ પર હાથ ફેરવ્યો.

    ‘આજે નહિં’, એ પેટ પર હાથ ફેરવતા બબડી.

    ‘આહ્હ.’, અંદરનો જીવ જાણે પેટ ફાડીને બહાર આવવા ઇચ્છતો હોય એમ પગ મારી રહ્યો હતો અને એક એક લાતે નંદિનીની આંખો ભરાઈ જતી હતી.

    ‘એટલી બધી તો તને શીં ઉતાવળ છે? થોડો ટાઇમ ખમી જા બેટા, ત્યાં જેવી શાંતી ક્યાંય નથી.’, ફરી અંદરથી એક લાત આવી.

    ‘મારી લે બેટા, હું એકે એક લાતનો બદલો લેવાની છું.’, નંદિની થોડુ હસી. નંદિનીએ પોતાનો હાથ ખુબ જ કોમળતાથી પેટ ફેરવ્યો. જાણે એના બાળકના હાથનો સ્પર્શ કરી રહી હોય.

    ‘જેમ અત્યારે મને લાતો મારે છે એમ જો મોટુ થઇને જીવીશ તો જ તુ જીવી શકીશ. કારણ કે બહાર તારા માથા પર હાથ મુકવા વાળો તારો બાપ છે નહિં.’, ફરી નંદિની બબડી.

    ઇન્દ્ર ? હેવી રેઇન નાવ.’, બ્રહ્માએ બુમ મારીને કહ્યુ.

    મુશળધાર વરસાદ પડવાનો શરૂ થયો. વરસાદના જાડા ટીપા બસની છતને ખખડાવી રહ્યા હોય. આ તરફ બાળકે નંદિનીને લાતો મારવાનું શરૂ કર્યુ.

    ‘તને આજનો દિવસ જ મળ્યો છે? આ ગાઢ જંગલ અને આ કાળો વરસાદ? કોઇ ડોક્ટર નથી અહિં, થોડી રાહ જોઇ જા બેટા. મારે તને જીવાડવો છે.’, પરંતુ બાળકની લાતો બંધ નહોતી થઇ રહી.

    હી ઇઝ નોટ કમીંગ આઉટ, જર્કની જરૂર છે.’, વિષ્નુ બોલ્યા.

    નંદીને મોકલુ ?’, શિવે હસીને કહ્યુ.

    આર યુ સ્યોર? બહુ ગાળો પડશે.’, વિષ્નુએ હસીને કહ્યુ.

    કોને ફરક પડે છે?’, શિવે હસીને કહ્યુ.

    નંદિ વી નીડ યુ.શિવે ફોન લગાવીને કહ્યુ.

    અચાનક બસની બ્રેક લાગી. બસમાં બેસેલા બધા જ માણસોના મોંમાંથી ચીસ નીકળી ગઇ. જટકાના લીધે નંદિનીનો દુખાવો વધી ગયો. એની અત્યંત પિડાદાયક પ્રસવ પિડા શરૂ થઇ ચુકી હતી. એણે ચીસો પાડીને લોકોનું ધ્યાન દોર્યુ. બસ રસ્તાની સાઇડમાં ઉભી રહી ગઇ હતી. ડ્રાઇવરના કહેવા પ્રમાણે ગાય જેવુ કંઇક આડુ ઉતર્યુ અને સીધુ જ જંગલમાં જતુ રહ્યુ હતુ. વરસાદ એની પુરી તાકાતથી વરસી રહ્યો હતો. બસ ગાઢ જંગલની વચ્ચે ઉભી રહી ગઇ હતી.

    ‘કોઇ ડોક્ટર છે બસમાં?’, કોઇ સ્ત્રીએ ચીસ પાડી. લોકોનું ધ્યાન એ તરફ ગયુ.

    ‘આ છોકરીને પ્રસવની પીડા ઉપડી છે?’, લોકોના ડોળા ફાટી ગ્યા. આ વરસાદ અને આ જંગલ વચ્ચે બાળક કઇ રીતે જન્માવવુ. કોઇ જ દવા દારૂ નહિં. કોઇનો હાંકારો ના સંભળાયો. નંદિની સતત કણસી રહી હતી.

    એક ડોશી ઉભી થઇને ડ્રાઇવર પાસે ગઇ.

    ‘એલા જો તો આમ ક્યાંય જંગલમાં ઝુપડુ હોય તો આ સોડીને લઇ ઝાવી પડે એમ સે. નકર મરી ઝાહેં.’, ડ્રાઇવરે કાચ બહાર નજર કરી. દસ ફુટ દૂરનું કંઇ જ નહોતુ દેખાઇ રહ્યુ એટલો વરસાદ પડી રહ્યો હતો.

    ‘માડી આમાં ક્યાં શોધુ. રસ્તોય નથી દેખાતો.’, ડ્રાઇવર બોલ્યો.

    ‘ગોતવા વાળી, આમ બત્તી લઇને નીસે ઉતર અને થોડુક આગળ ઝઇને ઝો. આયાં એક ઝગદંબા પીડાય સે.’, ડોશીએ મોફાડીને કહ્યુ.

    જીયો જીયો વાલી ડોશી.’, સાંભળીને શિવના મોંમાંથી ખુશીના શબ્દો નીકળી પડ્યા.

    ડ્રાઇવરે રેઇનકોટ પહેર્યો, મોટી ટોર્ચ ઉપર પ્લાસ્ટીકની કોથળી વીંટી. બે માણસોને એણે સાથે લીધા અને બસ નીચે ત્રણેય ઉતર્યા.

    ‘હામ રાય્ખ બટા, એને આ ટાણુ એમનેમ કાંય નય હુય્ઝુ હોય.’, વાલી ડોશીએ નંદિનીના માથા પર હાથ ફેરવીને કહ્યુ.

    ‘બા, સહન નથી થતુ.’, નંદિની પીડામાં બોલી.

    ‘બે માણાહને મોકલ્યા સે નીસે ઝોવા. બટા ઘડીક ખમી ઝા. એક નવા ઝીવ ને ઝનમ આપ્ય સો, પીડા તો થાહે. આખો માણાહ તારા માંથી બાર્ય નીકળેસ.’, વાલી ડોશીએ ખુબ ધીમેંથી સમજાવીને કહ્યુ. નંદિનીએ વાલી ડોશીનો હાથ પકડી રાખ્યો. બસની બીજી સ્ત્રીઓએ પોતાના કપડા લાવીને નંદિનીના નીચે પ્રસવ પાણી શોષવા મુક્યા. નંદિની જીવ પ્રાગટ્ય પીડાથી શરીર બહારનું પીડાઇ રહી હતી, બાળક પોતાનું માથુ પણ યોનીમાર્ગમાં બતાવી નહોતુ રહ્યુ. પણ એને બહાર તો આજે જ આવવુ હતુ. ત્યાંજ ડ્રાઇવર દોડતો દોડતો અંદર આવ્યો.

    ‘આગળ રોડ કાંઠેથી અંદર સાત આંઠ નેહડા છે. મેં બયરાઓને પૂછ્યુ, એણે કીધુ લઇ આવો.’, ડ્રાઇવર જડપથી બોલ્યો.

    ‘લે ત્યારે તારો ઝીવ ઝંગલનો ધણી કે ધણીયાણી થાવાની, આ હાંબેલાધારની સાક્ષિએ.’, વાલી ડોશી બોલ્યા. ડ્રાઇવરે એક મોટુ પ્લાસ્ટીકનું તરફાળીયું આપ્યુ. અને એક જુનુ ગાડલુ પણ કાઢી આપ્યુ. નંદિનીને ગાદલામાં ટીંગા ટોળી કરીને લઇ જવાની હતી. ચાર સ્ત્રીઓએ તરફાળીયુ ઓઢાડી રાખ્યુ, ચાર પૂરૂષોએ ગાદલાને કોરેથી પકડીને ધોધમાર વરસાદમાં જંગલ તરફ ચાલવાનું શરૂ કર્યુ. આગળ ડ્રાઇવર ટોર્ચ લાઇટ લઇને રસ્તો બતાવી રહ્યો હતો. ખીણો પરથી નીતરતુ પાણી પગને તાણી રહ્યુ હતુ. આજે મેઘરાજાએ જંગલ વચ્ચે તાંડવ મચાવ્યુ હતુ.

    ‘બોવ કરી આઝ તો’, ગાદલાનો એક છેડો પકડેલ પૂરૂષ બોલ્યો.

    ‘એને હખણુ બેહતા થોડુ આવડે. ન્યા બેઠો બેઠો હળીયુ કર્યા ઝ કરે. નતનવુ કરે’, વાલી ડોશી બોલી.

    ‘ઇ ઠાકર કરે ઇ ઠીક.’, પેલો પૂરૂષ બોલ્યો.

    લ્યો મીસ્ટર ઠાકરભાઇ, ઉર્ફ વિષ્નુભાઇ, તમને બોલાવ્યા.’, શિવે વિષ્નુની પીઠ પાછળ ધબ્બો મારીને કહ્યુ.

    લાવો વિજળીના ભડાકા કરો થોડાક.’, વિષ્નુ પણ હસ્યા.

    વરસાદની ઝાડા પડમાં જંગલમાં દૂર ક્યાંક ધડામ દઇને વિજળી પડી. નંદિની હેબતાઈ ગઇ. એ આજે પૂરેપુરી ડરી ગઇ હતી. એણે આંખો બંધ કરીને પોતાની સાથે બનેલી બધી જ ઘટનાઓ યાદ કરવાનું શરૂ કરી દીધુ હતુ.

    ‘હિમ્મત રાખજે સોડી આઝ, એણે એના ખેલ માંડ્યા સ.’, વાલીના ભવા ચડ્યા. એની આંખો પહોળી થઇ. વાલી ડોશીના ચહેરા પર પણ કુદરત સામેનો કોપ હતો. નંદિનીના મોંમાંથી સતત ચીસ નીકળી રહી હતી. વિજળી, વરસાદ અને આ ગાઢ જંગલ, આજે કંઇક અદ્રશ્યના જાણે મંડાણ થવાના હતા. દસેય માણસ જંગલના નેસડે પહોંચ્યા. તરત જ બધી સ્ત્રીઓ નંદિનીને અંદર લઇ ગઇ. પૂરૂષો બહાર રોકાયા.

    એક તરફ પીડા હતી અને એક તરફ આનંદ હતો. નંદિનીના શરીર પર વરસાદના વાંછટ સાથે શરીરનો સ્વેદ પણ હતો. એક જીવને જન્મ આપવા માતા સિવાય આટલુ રક્ત કોઇ ન વહાવી શકે. નંદિની પોતાની બંધી જ તાકાત લગાવી રહી હતી. જો એ થાકશે તો આજ કોઇક વિદાય લેશે એને ખબર હતી. એ ચીસો પાડતી પાડતી તાકાત લગાવી રહી હતી અને વરસાદને વિજળી જાણે હસતા હસતા એ સાંભળી રહ્યા હતા અને એ ચીસોને પોતાના અવાજમાં ક્યાંય ફંગોળી દેતા હતા.

    ‘સોડી ઢીલી પય્ડમાં, મુખ ખુય્લુ નથ હજુ.’, વાલી ડોશી બોલી. નંદિનીએ ફરી પોતાનું જોર લગાવ્યુ.

    ત્રિદેવની નજર સતત પ્રસુતિ માટે તાકાત લગાવી રહેલી નંદિની પર હતી. ત્રણેયના ચહેરા પર એક ગંભિરતા હતી. શું નંદિનીનો છેલ્લો દિવસ હતો, શું એનું શરીર થાકી જશે? જો એનું શરીર થાકશે અને બાળક નહિં જન્મે તો એમને ખબર હતી કેટલાય દિવસની મહેનત એળે જવાની હતી. નાટ્ય મંડળના આખા કાફલાની નજર ઘટના પર હતી. ત્રણેય એક શબ્દ પણ બોલ્યા વિના સૃષ્ટિના કરતૃત્વ સામે નજર માંડીને બેસી રહ્યા.

    નંદિનીએ આ વખતે પોતાના જેટલી તાકાત હતી એ બધી જ લગાવી. યોનીમાર્ગ થોડોક વધારે ખુલ્યો. આદિવાસી સ્ત્રીએ નંદિનીના યોનીમાર્ગ પર અસ્ત્રથી કાંપો મુક્યો. કેટલુક રક્ત વહ્યુ. કાળુ ભંમર માથુ દેખાણુ. નંદિનીએ થોડુ વધારે બળ કર્યુ. માથુ યોનીમાર્ગમાંથી બહાર આવી ગયુ હતુ.

    ‘કાળો મેઘ અને કાળા વાદળ આવ્યા સ’, એક આદિવાસી સ્ત્રી થોડુ હસીને એની બોલીમાં બોલી. મૃદુ હાથે એ સ્ત્રીએ એ બાળકને બહાર ખેંચ્યુ.

    શ્યામ વર્ણ, મોટી આંખો, ડુંટી પાસે લાખુ, બાવડા ઉપર એક તલ, કાળા ભંમર વાળ અને પુરૂષનું શરીર. આદિવાસી સ્ત્રીએ બાળકને ઉંધુ કરીને ધીમેંથી થપાટુ મારી.

    બાળક રડી પડ્યુ, અને નંદિની ભીની આંખે હસી પડી.

    ‘મેઘો આવ્યો સે.’, એક આદિવાસી સ્ત્રી બોલી.

    ‘મેઘ.’, નંદિનીએ માતૃ સ્મિત સાથે બાળકનું નામ કરણ કરી દીધુ. એના ચહેરા પર સંપુર્ણ સ્ત્રી અને માતા બન્યાની સંતૃપ્તતા હતી. વરસાદ ધીમો પડવા લાગ્યો અને વિજળી પણ શમી ગઇ.

    ***

    શું હશે નંદિની અને મેઘનું ભવિષ્ય? શું હશે મેઘનું અલગતાપણુ? જાણવા માટે ફરી મળીશું આવતા શુક્રવારે. આપના રેટીંગ અને રીવ્યુઝ આપવાનું ભૂલતા નહિં.

    લેખક વિશે

    હિરેન કવાડ એક ગુજરાતી અંગ્રેજી ફિક્શન-નોન ફિક્શન લેખક છે. એમનું ધ લાસ્ટ યર અને નેકલેસ માતૃભારતી પર બેસ્ટ રેટેડ અને મોસ્ટ ડાઉનલોડેડ પુસ્તકો રહી ચુક્યા છે. હાલ એ ગુજરાતી ફિલ્મો અને કેટલાક બીજા પુસ્તકો પર કામ કરી રહ્યા છે. એ મલ્ટી ટેલેન્ટેડ વ્યક્તિ છે, એકસાથે એ ઘણા પાત્રો ભજવી રહ્યા છે, લેખક, સોફ્ટવેર એન્જીનીયર, કન્સલ્ટન્ટ, એનીમેટરનો રોલ એ ખુબ સારી રીતે ભજવી જાણે છે. એમના બધા જ પુસ્તકો તમે માતૃભારતી પર વાંચી શકો છો. તમે એમનો કોન્ટેક્ટ નીચેના માધ્યમો પર કરી શકો છો.

    Social Media

    Facebook.com/iHirenKavad

    Twitter.com/@HirenKavad

    Instagram.com/HirenKavad

    Mobile and Email

    8000501652

    HirenKavad@ymail.com