Saraswatichandra books and stories free download online pdf in Gujarati

સરસ્વતીચંદ્ર - ભાગ-4.3 - પ્રકરણ - 6

સરસ્વતીચંદ્ર

ભાગ : ૪ - ૩

સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૬ : પિતામહપુરમાં આર્યસંસારનાં પ્રતિબિંબ

અને

પ્રીતિની મણિમય સામગ્રીના સંપ્રસાદ

And on her lover’s arm she leant,

And round her waist she felt it fold,

And far across the hill they went,

In that new world which is the old,

- Tennyson’s ‘Day-Dream’

I sate beside a sage’s bed

Andthe lamp was barning red

Near the book where he had fed;

When a Dream with plumes of flame

To his pillow hovering came

And I knew it was the same

Which had kindled long ago

Pity, eloquence, and woe;

And the world a while below

Wore the shade the lustre made.

It has borne me here as fleet;

As Desir’s lightning feet

I must ride it back ere morrow.

Or the sage will wake in sorrow,

‘A spirit of the mind’

- Shelley’s “Prometheus Unbound.”

‘વ્હાલા ચંદ્ર ! આ શું છે ?’ ‘પિતામહપુરનો આ કોટ છે.’

‘તમારું મારું દ્વૈત છૂટ્યે કેટલો કાળ થયો ?’

‘જાગૃતમાંથી સ્વપ્નમાં જતાં થાય તેટલો. તેને કોઈક પળ કહે છે, કોઈક યુગ કહે છે.’

‘આજ તમારા સર્વ શરીરનો ગાઢ સંસર્ગ કરી ઊભી છું છતાં શાંતિ ભોગવું છું ને કાલ ચરણસ્પર્શથી જ મદનજ્વાળામાં હું બળતી હતી તેનું કારણ શું ?’

‘એ જ્વાળા તારા સ્થૂળ શરીરમાં જન્મી હતી. આજનો સમાગમ સૂક્ષ્મ શરીરથી જ છે, અને એ શરીર પણ સિદ્ધલોકના પ્રદેશમાં તેમના ઘ્રાણગ્રાહી શુદ્ધ પવનથી પોષિત છે.’

‘તમને એવી જ્વાળાનો અનુભવ છે ?’

‘તારા મંગલસૂત્રને એ પૂછજે. એ જ્વાળાનો અને એની શાન્તિ માટેના આપણા કષ્ટ તમનો સાક્ષી આપણા હૃદયને સાંધનાર અને સૌભાગયદેવીએ પ્રત્યક્ષ કરાવેલો આ પટ છે એની આપણી વાસનાનો ઇતિહાસ એ પટને લીધે તું દેખે છે.’

‘હા.’

‘અને આ મંગલસૂત્રમાં બે મંથનનું માખણ તું દેખે છે.’

‘હા.’

આટલું બે જણ બોલે છે ત્યાં પાસેના કોટના ગોપુરમાં પચાસેક કૂતરાઓનું ભસવું સંભળાયું. થોડી વારમાં મોટામોટા કૂતરાઓ પગના નખવડે પૃથ્વીનાં પડ ખણતા ખણતા અને નાક વડે તેના અંતર્ભાગને સૂંઘતા સૂંઘતા આ બે જણની આસપાસ ફરી વળ્યા. તોપણ બે જણે ચાલ્યા કર્યું. અને મોટામાં મોટો કૂતરો સરસ્વતીચંદ્રની સામે આવી મનુષ્યની વાણીથી બોલવા લાગ્યો.

‘મૃત્યુલોકનાં માનવી ! તમે અહીં શા કારણથી આવો છો ને કોણ છો ?’

બે જણ ઊભાં રહ્યાં ને સરસ્વતીચંદ્ર બોલ્યો.

‘અમર સિદ્ધાંગનાઓએ અમારા ચરણને આણીપાસ પ્રેર્યા છે ને અમે તેમનાં બાળક છીએ. પણ તમે કોણ છો અને આ સ્થાને આ અધિકારમાં છો ?’

શ્વાન - ‘પાંડવોએ સ્વર્ગને માટે મહાપ્રસ્થાન કર્યું ત્યારે અમારા પૂર્વજ ધર્મરાજાની સાથે સ્વર્ગમાં સ્વદેહથી ગયા હતા. તે પછી સિદ્ધલોકનાં ઘણાંય ગોપુરમાં અમે દ્વારપાળનું કામ કરીએ છીએ. ધર્મરાજાના કાળથી અમે તેમના ધર્મસંગ્રહનું અધર્મીઓથી રક્ષણ કરીએ છીએ.’

સરસ્વતીચંદ્ર - ‘કેવી રીતે રક્ષણ કરો છો ?’

શ્વાન - ‘સિદ્ધજનો તો આ પુરમાં પોતાની સ્વગતિથી આવે છે પણ કોઈ કોઈ કાળે તમારી પેઠે મનુષ્યો પણ આવે છે. મનુષ્ય પૃથ્વી ઉપરથી અહીં જેમ જેમ પાસે આવે તેમ તેમ અમને તેમની ગંધ નીચેથી આવે છે. એ મનુષ્યમાં કેવા ગુણ છે તે તેને સૂંઘીને અને જોઈને અમે જાણી જઈએ છીએ. જો તેની દૃષ્ટિ સાત્ત્વિક હોય છે તો અમે તેને ગોપુરમાં અક્ષત જવા દઈએ છીએ. જો તેની દૃષ્ટિ રાજસી હોય તો અમે તેના શરીરને ન્યૂનાધિક બચકાં ભરી પછી જવા દઈએ છીએ. જો તેની દૃષ્ટિ તામસી હોય તો તેના સર્વ શરીરનું ભક્ષણ કરીએ છીએ ને તેનાં હાડકાં ગોપુરની પાસેના કુંડમાં નાંખીએ છીએ. આટલો અમારે માટે આહાર નિર્મેલો છે ને આટલો અમારો ધર્મ અને અધિકાર નિર્મેલો છે.’

સરસ્વતીચંદ્ર - ‘આ વ્યવસ્થાનું પ્રયોજન શું ને ફળ શું ?’

શ્વાન - ‘ભિષ્મપિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને જ પોતાની પાસેથી ઉપદેશ લેવા યોગ્ય ગણ્યા હતા અને યુધિષ્ઠિર મહારાજ જેવા સાત્ત્વિક દૃષ્ટિવાળાઓને જ પિતામહપુરનું રહસ્ય દેખાડવાનું છે. રાજસી દૃષ્ટિવાળા જનો રાગદ્વેષની અને મમતા તથા અહીંકારની દૃષ્ટિએ જ જુએ છે. પિતામહપુરનાં રહસ્ય તેમને દેખાય છે પણ રાગદ્વેષને લીધે તેમને માત્ર એકદેશીય અથવા વક્રીભૂત દર્શન જ થાય છે. અહીંથી આવા જંતુ પાછા જઈ જગતને છેતરે નહીં અને તેમના રાગદ્વેષ જગતમાં ઉઘાડા પડે એવું કરવાને અમે તેમને કરડીએ છીએ એટલે આ પુરમાં તેમ જગતમાં એ લોક જ્યાં ફરે છે ત્યાં તેમને હડકવા હાલે છે ને તેમની દૃષ્ટિથી અને તેમના સ્પર્શથી જડ મનુષ્યોને એવો ને એવો હડકવા હાલે છે; પણ એ દૃષ્ટિવાળાઓને જોઈ પ્રાજ્ઞ મનુષ્યો તેમને વર્જ્ય ગણે છે અને આ પુરવિષયે તેમણે કરેલી કથાઓને સત્ય ગણતા નથી. તામસી દૃષ્ટિવાળાનો તો નાશ જ ઘટે છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમારું નગર જોવામાં રાગદ્વેષ શાના થાય ?’

શ્વાન - ‘હૃદયના રાગદ્વેષ વ્યવહારમાં હોય છે તેમ દૃષ્ટિના રાગદ્વેષ આવે સ્થાને આવિર્ભૂત થાય છે. અમારો શ્વાનવર્ગ તમારા સંસારીઓમાં અપવિત્ર ગણાય છે ને યુરોપના સંસારીઓમાં ગુહ્ય ગણાય છે ત્યારે ધર્મરાજે તેને પોતાની સાથે સ્વર્ગમાં જીવતો લીધો તે સાત્ત્વિક દૃષ્ટિ. વ્યાસ મુનિએ નિયોગ સ્વીકાર્યો, પિતામહે કૌમારવ્રત પાળ્યું. રામચંદ્રે શબરીનાં કરડેલાં બદરી ફલ ખાધાં, ભીમસેને રાક્ષસી જોડે વિવાહ કર્યો, ઇત્યાદિ પ્રવૃત્તિઓ સાત્ત્વિક દૃષ્ટિમાંથી થઈ હતી. તમારા સંસારીઓમાં મનુષ્યની એક જાત બીજીનાં સુખદુઃખ ન ગણતાં પોતાની જાતનો પક્ષપાત કરે છે; વિવાહમાં, ભોજનમાં, આચારમાં ને વિચારમાં અમુક વસ્તુ પોતાની જાતની કે પોતાની ગણે છે ને અન્યને પારકી ગણે છે; પોતાની ક્રિયાને મિથ્યા દંભથી શિષ્ટ ગણે છે ને અન્ય ક્રિયાઓને અધર્મ ગણે છે, અમુક વાણી સત્ય હોવા છતાં ન બોલવા જેવી ગણે છે અને ગમે તે બોલવાને કાળે લજ્જાદિ નિમિત્તોથી બોલતા નથી ને સત્યને સંતાડે છે અથવા અસત્ય બોલે છે અથવા જાતે જ પોતાના સંપ્રત્યયોનાં સત્યાસત્ય વિચારવામાં ઉપેક્ષા રાખે છે ને તે છતાં સંપ્રત્યયોને વળગી રહે છે

- ઇત્યાદિ અનેક પ્રકારોથી રાગદ્વેષની દૃષ્ટિની સૃષ્ટિ પ્રત્યક્ષ થાય છે. રાગદ્વેષ વિના, મમતા વિના, અધ્યાત્મ દૃષ્ટિથી જે દર્શન થાય તે જ સાત્ત્વિક.’ સરસ્વતીચંદ્ર - ‘દેશવત્સલતામાં મમતા આવે.’ શ્વાન - ‘ધર્મબુદ્ધિથી દેશપ્રીતિ થાય તે સાત્ત્વિક ને મમતાદિથી થાય તે રાજસી પ્રીતિ સ્વદેશની કે પરદેશની પ્રજાઓની પ્રલયકારિણી થાય છે.’ સરસ્વતીચંદ્ર - ‘સર્વ પોતાના ધર્મની બુદ્ધિથી જ દેશ ઉપર પ્રીતિ રચે છે.’

શ્વાન - ‘પણ જે ધર્મ સાત્ત્વિક દૃષ્ટિથી દૃષ્ટ નથી તે રાજસ છે સૂર્યના પ્રકાશની પેઠે સનાતન મનુષ્યધર્મનો ત્યાગ કરી પોતાની ભૂમિના ધર્મનો હઠગ્રાહ કરનાર પુરુષ રાગદ્વેષી છે ને સત્ય અને ઋત ઉભયથી દૂર જાય છે. સનાતન ધર્મને પાળી, જન્મભૂમિના ધર્મને સત્યપૂત કરી, પછી તે બે ઉપર દૃષ્ટિ કરનારની દૃષ્ટિ સાત્ત્વિક છે. મનુષ્યોને માટે આટલી ભેદબુદ્ધિની ક્ષમા છે; બાકી સિદ્ધજનોને તો ભેદબુદ્ધિ વિનાના સાત્ત્વિક સનાતન ર્મ જ સર્વદા રહે છે. પોતાની અપરમાતા માદ્રીને જોઈ પોતાને થયેલી અને ધર્મવિચારથી અટકાવેલી વિષયવાસનાને ધર્મરાજા બળિરાજા પાસે સ્વીકારતાં લજવાયા નહીં કે ડર્યા નહીં કે અટક્યા નહીં ત્યારે જ એમની દૃષ્ટિ સાત્ત્વિક ગણાઈ ને બળિરાજાએ તેમને દર્શન આપ્યું. તમે બે જણ તો પૃથ્વી ઉપર જઈ તમારો આ સંબંધ સ્વીકારતાં શરમાશો - એ દૃષ્ટિ સાત્ત્વિક નહીં.’

સરસ્વતીચંદ્ર - ‘જો એમ હોય તો તમે અમને કેમ તરત બચકાં ભરતા નથી ? અમે યોગ્ય શિક્ષા લેવા તત્પર છીએ.’

શ્વાન - ‘આવો પ્રશ્ન પૂછીને તમે અમારો તેમ કરવાનો અધિકાર બંધ કર્યો.’

સરસ્વતીચંદ્ર - ‘શી રીતે ?’

શ્વાન - ‘મનુષ્ય આમ શિક્ષા જાતે માગી શકે છે તે સાત્ત્વિક દૃષ્ટિને બળે જ. અમારે તો બીજું કારણ પણ હતું ને તે એ કે જે ચિંતામણિ ને સ્પર્શમણિ તમે મુદ્રામાં ને મંગળસૂત્રમાં ધારો છો તે તમને આ ધામમાં સાત્ત્વિક દૃષ્ટિ જ આપશે એવું તમારું ભવિષ્ય મેં સૂંઘી કાઢ્યું હતું, અને તે ભવિષ્યકાળનો તમારા પ્રશ્ને વર્તમાન આરંભ કર્યો. હવે તમાીર યાત્રામાં તમે શીઘ્ર પ્રવૃત્ત થાવ અને આ ગોપુરમાં થઈ ચાલ્યા જાવ.’

સરસ્વતીચંદ્ર - ‘શ્વરાજ ! આ ધામમાં છેલ્લું મનુષ્ય ક્યારે કોણ ગતિ પામી શક્યું હતું ?’

શ્વાન - ‘રત્નનગરીના મહારાજ મલ્લરાજ હાલ સિદ્ધ છે તે એક કાળે તમારી પેઠે આવ્યા હતા. તેમણે પૃથ્વીમાં ભીષ્મભવન આ ધામ જોઈને જ કરેલું છે.’

સરસ્વતીચંદ્ર - ‘શ્વરાજ ! મેં તે જોયું છે. અમને કંઈ સૂચના કે ઉપદેશ આપના ભણીથી દેશો ?’

શ્વાન - ‘અમે શ્લોક વસ્ત્રાદિ દંભને ધારતા નથી પણ મનુષ્યો તો વાણીમાં, વિચારમાં, વૃત્તિઓમાં ને આચારમાં અનેક રીતે ગોપ્યાગોપ્ય ભેદ રાખી અસત્ય-પ્રપંચના ખેલની સૃષ્ટિ ઊભી કરે છે. એવા ભેદને માટેના સર્વ દંભનો ત્યાગ તમને પ્રાપ્ત થાવ એટલો હું તમને ઉપદેશ અને આશીર્વાદ આપુ છું. એટલી સિદ્ધિ પ્રાપ્ત થયેથી તમારા સંસારીઓનાં સુખદુઃખનું શુદ્ધ દર્શન કરી શકશો ને તેમ થશે ત્યારે તમે તેમનું કલ્યાણ કરવાની તમારી સૂક્ષ્મ વાસનાને તૃપ્ત કરી શકશો. આ સિદ્ધલોકના દ્વીપ સમસ્ત પૃથ્વી ઉપર તરે છે, ને તમે હાલ આર્યદેશ ઉપર છો તેનાં પ્રતિબિંબ પિતામહના કુંડમાં આ દ્વીપો ઉપરથી જો જો પિતામહના ઉપર બંધાયેલા રાફડાઓને સાત્ત્વિક દૃષ્ટિથી જોજો, ને પછી ગંગામૈયાના ખોળામાં સૂતેલા પિતામહનાં દર્શન કરી એ માતા પાસેથી તે પુત્ર પાસેથી તમારા દેશના કલ્યાણમાર્ગનો ઉપદેશ લેજો. મલ્લરાજની યોજનાના પાંડુ કુરુભવનો જોનારને આ ઉપદેશ સુગમ પડશે.’

આટલું બોલી કુતરાઓ વેરાઈ ગયા ને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી હિમ ઉપર સરવાની ચક્રવાળી પાદુકાઓ પહેરી સરતાં હોય તેમ, ગોપુરની તળે સરી ગયાં ને ત્યાંથી વેગભર્યાં સર્યાં તે અંદર પિતામહકુંડના આરા ઉપરના સોનારૂપાના સળિયાના કઠેરા આગળ અટક્યાં.

આ કુંડ એકાદ ગાઉ લાંબો-પહોળો હશે અને તેમાં ચારે પાસ પાણીના જેવું તેજ ચળકતું ભરેલું હતું અને એ તેજમાં મોટા મોટા બેટ હતા. પોતાને મળેલી મુદ્રા જોતો જોતો સરસ્વતીચંદ્ર બોલવા લાગ્યો :

‘કુમુદ ! આ મહાકુંડમાં આપણા દેશનું પ્રાચીન તેજ ભરેલું છે તે પૃથ્વી ઉપરથી દેખાતું નથી. એની વચ્ચે આ મોટા મોટા બેટ છે તેમાં જવાને આ તેજમાં તરવું પડે છે. જે લોકોને આ કૂતરાંઓ બચકાં ભરે છે તે આ તેજ ઉપર પડતું મૂકે છે, ને પારદર્શક પવન જેવા તેજમાં થઈ એ લોક નીચે પૃથ્વી પર પડે છે. આ તેજનો જરીક ચમકારો તેમને થતાં તેમનું વધારે ભાન બંધ થાય છે ને એ ચમકારાથી લાગેલો હડકવા લઈને આ લોક આપણા દેશમાં ફરે છે, પણ તેમનો અનુભવ એ ચમકારાથી વધારે વાતનો નથી અને એ દગ્ધજ્ઞાનવાળાં પૃથ્વી પર પડેલાં માણસ ભયંકર થાય છે - તેનું પ્રતિબિંબ પણે જો !’

તેજમાં જોતી જોતી કુમુદ બોલી : ‘આહા ! શાં યુદ્ધ ! એક હાથીને અનેક સ્થાને વળગેલા આંધળાઓ પોતપોતાની વાત પ્રતિવાદન કરવા લડી મરે તે અંધહસ્તિન્યાયનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત ! - પણ ઉદાત્ત સ્વામી ! આ લોક પણ ઉપકારક છે. જુઓ ! આ તેજની નીચે આખા દેશમાં અંધકારનો મહાસાગર ભરેલો છે તે પણ દેશની વ્રતમાન દશાનું પ્રતિબિંબ જ છે ને તેમાં દીવાઓ પેઠે આ શ્વરાજના કરડેલા જીવો તરે છે. દીવાસળી સળગાવી ન હોય પણ જરીક ઘસી હોય તો તેથી પણ પ્રકાશનો તારા જેવો ચમકાર જણાય છે એવો આ લોકનો પ્રકાશ અંધકારમાં ઉપયોગી થાય છે. પ્રાણનાથ ! તેમનો તિરસ્કાર ન કરશો. તેઓ પણ પ્રીતિપાત્ર છે.’

સરસ્વતીચંદ્ર એના મંગળસૂત્ર આગળ આલિંગન દઈ બોલ્યો : ‘સત્ય કહ્યું - સુંદર કહ્યું ! એ સુંદરતાના મૂળને જ હું આલિંગન દઉં છુું.’

કુમુદ આ ક્રિયાનો સત્કાર કરતી કરતી બોલી : ‘એ તેજ પેલા રાફડાઓ નીચેથી ફુવારા પેઠે નીકળતું દેખાય છે.’

સરસ્વતીચંદ્ર એનો આ સંસર્ગ મૂકી એ ફુવારા જોવા લાગ્યો.

‘ભારતયુદ્ધ પછી પિતામહ શરશય્યામાં પોઢ્યા હતા ને ધર્મરાજ સ્વર્ગમાં ગયા તેવામાં જ આ દેશના એ પિતામહે ચિરંજીવ ગંગામાં પ્રવેશ કર્યો છે. તેમનો દેહ જડ વસ્તુમાં ભળી નષ્ટ થયો નથી. કુમુદ, આ રાફડાઓવાળા બેટોમાં રાફડાઓ બાઝ્‌યા છે તે પિતામહના ગંગાને ખોળે સમાધિસ્થ થયેલા શરીર ઉપર બાઝ્‌યા છે ને આ તેજના ફુવારા એમના એ શરીરમાંથી ફૂટે છે.’

કુમુદસુંદરી - ‘આપણે તે જોવા ત્યાં જઈશું ?’

સરસ્વતીચંદ્ર - ‘આપણું દ્વૈત એવું છે કે તારી બુદ્ધિ તે મારી, મારી તે મારી. મારી વાસના તે તારી ને તારી તે મારી. જો ! જો ! આ વાસના થતાં જ આપણી પાંખો આપણને ઉપાડે છે ને આપણે આ પવિત્ર તેજોરાશિ ઉપર ઊડીએ છીએ !’

કુમુદસુંદરી - ‘શા ગંભીર અને કલ્યાણ તેજનો મહાસાગર ! આર્યોના પુરાણ વિસ્તીર્ણ મહાસાગર ! તને અમારા પ્રણામ છે. તું તારી નીચેના અંધકારને નષ્ટ કરી અમારા દેશને પ્રકાશિત કર.’

સરસ્વતીચંદ્ર - ‘મારી પણ એ જ વાસના છે. એ, કાળે કરીને તૃપ્ત થશે, પણ તે કાળ, આપણે આ સિદ્ધલોકમાં સિદ્ધરૂપ થઈશું ત્યારે પરિપાક પામી પ્રત્યક્ષ થશે. યોગ્ય કાળની વાટ જોવી એ પણ ધર્મ છે. કુમુદ ! આ સાગર ઉપર કેવો મધુર દિવ્ય પવન વાય છે ? પૃથ્વી ઉપર તેનો પવન સ્વપ્નમાં પણ દેખાતો નથી.’

કુમુદસુંદરી - ‘એ પવનમાં તરાવી આ પાંખોએ આપણને ક્યાં આણ્યાં ?’

સરસ્વતીચંદ્ર - ‘આપણે આ પ્રથમ રાફડાના શિખરભાગ ઉપર આવી પહોંચ્યાં, અને તેમાં થઈ એને તળિયે ઊતરીશું ત્યારે પિતામહનાં અને ગંગામૈયાનાં દર્શન થશે.’

બેટ ઉપર એક મોટો ટેકરો હતો તેના ઉપર કંઈ સ્થિર ભૂમિ હતી ત્યાં આમને એમની પાંખોએ ઊભાં રાખ્યાં.

સરસ્વતીચંદ્ર - ‘આ ટેકરીનો આટલો ભાગ નક્કર છે ને બાકીનો ઘણોખરો ભાગ પોલો છે. તેમાં પગ પડશે તો નીચે માટીનાં કળી જવાય એમ છે.’

કુમુદસુંદરી - ‘આ ટેકરી શાથી થઈ હશે ?’

સરસ્વતીચંદ્ર - ‘પિતામહે ગંગાવાસ કર્યો તે પછી એમની બુદ્ધિના આશ્રય વિનાના દેશમાં મનુષ્યોની બુદ્ધિનો ક્ષય પામી તે ક્ષીણ બુદ્ધિથી આ સર્વ માટીના પોલા ઢગ રચાયા છે.’

કુમુદસુંદરી - ‘આ માટી એકલી નથી. માટીમાં વચ્ચેવચ્ચે પોપડા દેખાય છે ત્યાં અનેક કીડીઓ - ઓ ચાલ ! - વચ્ચેવચ્ચે કશાકના પ્રકાશ પણ દેખાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘હા. આ કીડીઓ જેવું દેખાય છે તે આપણા દેશની અર્વાચીન મનુષ્યસૃષ્ટિનાં પ્રતિબિંબ છે - આશરે વીસથી ત્રીસ કોટિ જંતુ આ સર્વ રાફડાઓમાં થઈને જીવે છે. આ રાફડાઓ તેમની ઘણા યુગની પ્રવૃત્તિનું પરિણામ છે. આના ઉપર પણ કીડાઓથી નવા બેટ બંધાતા જાય છે તે તમને દેખાતું હશે.’

કુમુદસુંદરી - ‘વચ્ચે પ્રકાશ શાના છે ?’

સરસ્વતીચંદ્ર - ‘આમાં કેટલેક સ્થાને શાંત શ્વેત પ્રકાશ છે ને કેટલેક સ્થાને રંગીન પ્રકાશ છે. શાંત સાત્ત્વિક જ્ઞાની મહાત્માઓએ આ જંતુઓને માટે જે માર્ગ રચેલા છે તેમાં શ્વેત પ્રકાશ છે, રજોગુણી અથવા અર્ધજ્ઞાની પણ તીવ્ર બુદ્ધિવાળાએ એવા જ હેતુથી જે માર્ગ રચેલા છે તેમાં રંગીન પ્રકાશ છે. બાકીની રાફડાની માટી તમોબુદ્ધિવાળા જંતુઓએ પાડેલાં દશથી, નળીઓથી, ને ઊઘઈ તથા કરોળિયા જેવી જાળોથી ભરાયેલી છે.’

કુમુદસુંદરી - ‘આપણે એના અંતર્ભાગમાં શી રીતે જઈ શકીશું ?’

સરસ્વતીચંદ્ર ઉત્તર દેવાને સાટે પાંખ ઉપર ઊડ્યો, પાછળ કુમુદ ઊડી, ને એક શ્વેત પ્રકાશવાળા કોતરમાં જઈ અધ્ધર લટક્યાં. ત્યાં નિસરણી એમનાં પગ આગળ આવી ઊભી રહી તે ઉપર બે જણ ઊતરવા લાગ્યાં. જેમ જેમ નીચે ઊતર્યાં તેમતેમ નિસરણી નીચે આવતી ગઈ. ચારે પાસે ચંદ્રના જેવો શ્વેત પ્રકાશ, તેની આસપાસ નદીઓના પુલનાં ભૂંગળાં જેવી ભીંતો અને દૂર ઉપર આકાશ ને નીચે તેનું પ્રતિબિંબ - એ સૃષ્ટિની વચ્ચે નિસરણી આમને ઉતારવા લાગી.

સરસ્વતીચંદ્ર - ‘આ ભીંતો પારદર્શક કાચ જેવી છે તેમાંથી બહારની સૃષ્ટિ જુઓ. હવે આ જંતુઓ કદમાં નાનાં પણ મનુષ્યોને આકારે દેખાય છે.

ઉનાળામાં ખારની જમીન જેમ તરડાઈ જાય છે ને કટકાકટકા થઈ જાય છે તેમ આ ચારે પાસની માટીમાં થયું છે - એ માટી જીવતી છે. જીવતાં જંતુઓ આમ છૂટા પડ્યાથી, ક્ષુદ્ર ગણિવાળાં થઈ જવાથી, માટી જેવાં થઈ ગયાં છે ને પોતપોતાના કટકામાં, દરમાં, જાળમાં, ને નેળોમાં સર્વ વ્યવહાર રચે છે તે જોવા જેવો છે.’

કુમુદસુંદરી - ‘જ્યારે એક કટકો બીજા સાથે એકઠો રહી શકતો નથી ને એકબીજાના ઉપર પડી બે કટકા સાથે અથડાવા જેવા થાય છે ને ચારે પાસની માટીના ઢગ થવાના થાય છે ત્યારે કોઈ પરસ્પર સામાન્ય જ્ઞાતિસત્ત્વને બળે અનેક જંતુઓ જ્ઞાતિના અકેક થાંભલાને રૂપે ઊભા રહેલા છે, ને સર્વ થાંભલાઓ છેક નીચેથી સંધાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘જો, આ દેશબહારથી પવનના ઝપાટા આવે છે એટલે આ સર્વ થાંભલાઓ કંપે છે ને એકબીજા સાથે અથડાઈ ભાંગી જવા માંડે છે. સર્વ એકરૂપ થશે ત્યારે પવનનું બળ નહીં ચાલે.’

કુમુદસુંદરી - ‘તે તો કોણ જાણે - આ છેટે બીજા દેશના રાફડાઓ છે તેમાં તમે કહો છો તેમ છે. છતાં માટી ગરે છે ને ઢગલા થાય છે ને પશ્ચિમના પવન તે સર્વને કંપાવે છે - કોઈ મોડા - કોઈ વહેલા- એટલો જ ફેર છે.’

સરસ્વતીચંદ્ર - ‘આ થાંભલાઓમાં જંતુઓનો શો કચ્ચરઘાણ વળે છે ? કુમુદ, જો તો ખરી !’

કુમુદસુંદરી - ‘એણી પાસ જ મારી દૃષ્ટિ છે.’

સરસ્વતીચંદ્ર - ‘કીડીઓના જેવા કણસંગ્રહ તેવા ધનસંગ્રહ આ થાંભલાઓમાં ઠેકાણે ઠેકાણે, ચોમાસાની માટીમાંથી ઉત્પન્ન થતા જીવ પેઠે, સજીવ થઈ દોડે છે ને એક પાસથી પવન તેમને ઉરાડી લઈ જાય છે તો બીજી પાસથી આ જંતુઓ જ તે સંગ્રહને માટી ભેગા ભેળવી પોતાની લાળથી બાળી નાખે છે, ને કણ લાવનાર જંતુઓ તો અભોક્તા રહી શ્રમજીવન જ ગાળે છે ને શ્રમજીવી જન ક્ષીણ થતાં એ તારનાર તેમ ડૂબનાર એમ બન્ને વર્ગ ડૂબે છે.’

કુમુદસુંદરી - ‘એ તો જ્ઞાતિયજ્ઞ થાય છે ને આ કણની ને લાળની ચીકાશથી થાંભલાઓના પણ કટકા થઈ જતા નથી. બાકી પવન તો બધેથી વાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘આ જ્ઞાતિયજ્ઞનો અધર્મ તો જો ! અતિથિ જાતે જ યજમાન પાસે યજ્ઞ કરાવે છે ! આ ભડાકાઓમાં કેટલાં જંતુ જાતે ઘસડાઈ આવી ભસ્મ થાય છે ? દ્રવ્ય અને બુદ્ધિ ઉભયના નાશનું આ જાતે વસાવેલું સાધન !’

કુમુદસુંદરી - ‘બુદ્ધિનાશનો પ્રતિકાર તો ઘટે, પણ દ્રવ્ય તો યોગ્ય હસ્તમાંન હોય તો ગયું જ સારું.’

સરસ્વતીચંદ્ર - ‘અહા ! કુમુદ ! તારા મંગલસૂત્રને ભયંકર પણ સુંદર સત્ય કહ્યું. આ દેશ બુદ્ધિના નાશથી અત્યંત દરિદ્ર થશે તો તે ઈશ્વરની ઇચ્છાથી જ ! આ દેશને દરિદ્ર થવાના માર્ગ આ જંતુઓ જાણે જ ચરે છે તે તેના ચીલા ઊધઈના દર જેવા જોતો ખરી - કેટલા બધા ચારે પાસ ઘાડા જંગલ જેવા દેખાય છે ! પિતાઓ પુત્રપુત્રીની તૃપ્તિ માટે યજ્ઞ ન આરંભતાં, પોતાની તૃપ્તિ માટે તેમને જ એ યજ્ઞોમાં હોમે છે. હરિ ! હરિ ! આ કન્યાવિક્રય કરનાર અને પોતાના લોભને માટે વર્તનાર પિતાઓ પશુપક્ષીનું માસ ખાવામાં અધર્મ ગણે છે પણ પુત્રીનું જીવતું માંસ ખાતાં ડરતા નથી. આ શું ? માતાઓ પુત્ર-વધૂની વચ્ચે ઘૂસી જઈ તેમને છૂટાં પાડે છે ! ને પ્રીતિયજ્ઞના કાળ પહેલાં તો તેની સ્થૂળ વેદીઓ માટે ખાડાઓ ખોદી માબાપ તેમાં બાળકોને ફેંકી દે છે ! જો ! જો ! પેલાં જંતુઓ સ્ત્રીઓને માબાપના મુખમાં હોય છે તો પેલાં જંતુ માબાપને સ્ત્રીના મુખમાં હોમે છે ! ને પેલાં દુષ્ટો તો જો ! એમની સ્ત્રીઓ એમના પોતાના ચરણ તળે ચંપાય છે ને તેના શરીર ઉપર બેસી એ જંતુઓ નિરાંતે એકલપેટાં પેટ ભરે છે ને કેવળ સ્વાર્થી વ્યવહાર ચલાવે છે. શા અધર્મ!

કુમુદસુંદરી - ‘જેવી સ્ત્રીઓ છે તેવા પુરુષો છે. પુરુષને સુંદર શુદ્ધ કરવો એ સ્ત્રીની ચતુરતાનું કામ.’

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ જેવી ચતુર ઉદાર સ્ત્રીઓ બધાંને ક્યાંથી મળે ? કુમુદ ! આ દર્શન જેવું ભયંકર છે તેવું જ દયાપાત્ર છે. તેઓ જાતે શરીરને, સંતતિને, ધનને, ને ધર્મને નષ્ટ કરે છે, જાતે વ્યાધિઓ વહોરી લે છે, જાતે આધિથી બળે છે, ને જાતે ઉપાધિઓ તળે ચગદાય છે. આમાંથી તેમને શી રીતે મુક્ત કરીએ ?’

કુમુદસુંદરી - ‘તેમને દૃષ્ટિ જ નથી તે આપો.’

આટલો પ્રસંગ થતાં થતાંમાં તો બે જણ બહુ જ નીચે ઊતરી પડ્યાં હતાં. પોતાના ભૂંગળાને તળિયું આવ્યું લાગ્યું. ચારે પાસ હવે ચોગાન હતું અનેચાર માર્ગ નીકળતા હતા. એ ચારે માર્ગના મધ્ય ભાગમાં બે જણ ઊભાં. પોતાના ભૂંગળાવાળો શ્વેત પ્રકાશ આ ચોગાનમાંના ને માર્ગો ઉપરના પ્રકાશ સાથે ભળી જતો હતો. માથા ઉપર આકાશને ઠેકાણે ખોટી કાળી શિલાઓની છત હતી અને તેમાં સ્થાને સ્થાને મોટાંમોટાં છિદ્રો હતાં તેમાંથી પોતે પ્રથમ જોયેલી રંગીન પ્રકાશવાળી નળીઓનાં મૂળ વડવાઈઓ પેઠે લટકતાં હતાં અને વડવાઈએ અનેક નાનામોટા નાગ અને અજગરો બાઝી હીંચકા ખાતા હતા.

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ ! વર્તમાન કાળના રાફડાઓમાંથી ઊતરી આપણે હવે અશોક મહારાજના પ્રાચીન આકાશમાર્ગમાં આવ્યાં છીએ. આપણા દેશનો દેશી, મોટામાં મોટો, સમર્થમાં સમર્થ અને સાધુમાં સાધુ મહારાજ એ અશોક હતો. આ દેશનો ઉગ્ર મધ્યાહ્નકાળ આ મહારાજના રાજ્યમાં હતો. ભગવાન ગૌતમ બુદ્ધના અવતારે પ્રકટેલો દયાધર્મ સંસારમાં ચાલ્યો ત્યારથી હજાર બારસો વર્ષ પર્યંત એ ધર્મ આ દેશમાં વધ્યો, રહ્યો, ઘટ્યો, અને ક્ષીણ થઈ પરદેશમાં રેલાતો ચાલ્યો ગયો. બૌદ્ધ યુગના મધ્યાહ્નકાળમાં ચંદ્રગુપ્ત મહારાજના પૌત્ર અને બિંદુસાર મહારાજના પુત્ર પ્રતાપી ચક્રવર્તી આ મહારાજ પ્રિયદર્શી અશોકે રાજ્ય કર્યું. જાતે બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ અને બ્રાહ્મણ ઉભય ધર્મોનું પ્રતિપાલન તેમણે કર્યું. આ સાત્ત્વિક દૃષ્ટિવાળા મહારાજના રાજ્યના સાત્ત્વિક પ્રકાશનાં પ્રતિબિંબના પુણ્ય પ્રવાહ વચ્ચે આપણે ઊભાં છીએ.’

કુમુદસુંદરી - ‘વડવાઈઓ શી ? આ સર્પ શા ?’

સરસ્વતીચંદ્ર - ‘આ ચારે પાસનો શ્વેત પ્રકાશ ઘણા વિસ્તારવાળા દેશકાળમાં અનેક મહાત્માઓની સાત્ત્વિક દૃષ્ટિએ પ્રસારેલો છે, ત્યારે આ બલિષ્ઠ નાગલોકે ઉપરના સર્વ રાફડાઓના રંગીન પ્રકાશની સૃષ્ટિને રચી છે અને વડવાઈઓ લટકી રહી એ સૃષ્ટિને અનેક યુગથી ધરી રાખી છે. કુમુદ ! પોતાનું નામ સાંભળતાં જ આ તૈજસ નાગલોક ફણા માંડવા મંડી ગયા છે તે જો ! થોડી વારમાં તેમની વિષજ્વાળાઓની શક્તિને આપણે જોઈશું.’

થોડી વારમાં મોટા મોટા રાતા, પીળા, લીલા, કાળ, ને ધોળા નાગ એ બે જણની આસપાસ વેગથી ફૂંફાળાં રચી ફરી વળવા લાગ્યા. પણ પાસે જઈ જઈને તેમના દિવ્ય લેપની શક્તિથી પાછા ફરી પોતાની સભા ભરી કંઈ અવ્યક્ત ચર્ચા કરવા લાગ્યા. અંતે એક સૌથી મોટો જાડો વૃદ્ધ નાગ પોતાનું પેટ કષ્ટથી પણ વેગથી ઘસડતો ઘસડતો આમની સામે વિષની જ્વાળા ફૂંકવા લાગ્યો. બીજા નાગનાં પણ વિષ ચારે પાસ ઊડવા લાગ્યાં અને ચારેપાસના પ્રકાશમાં ભયંકર કાળાશ વ્યાપી ગઈ. નાનાં બાળક સર્પની શક્તિ ન સમજતાં ગમે તો તેને ઝાલવા જાય ને ગમે તો તેની સાથે રમવા જાય તેમ આ બે જણ આ વિષવૃષ્ટિને શાંતિથી અને કૌતુકથી ઝીલવા લાગ્યાં. અંતે ધીમે ધીમે તે વૃષ્ટિ શાંત થઈ, તેજ અને પવન શુદ્ધ થયાં, અને સામો ઊભેલો વૃદ્ધ નાગ દિવ્ય વાણી વડે બોલવા લાગ્યો :

‘પૃથ્વી ઉપરનાં કોમળ બાળક ! અમારી ભયંકર સૃષ્ટિમાં તમે કેવી વાસનાથી આવ્યાં છો ને અમારી વિષજ્વાળાઓને કઈ શક્તિથી સહી જાવ છો ?’

સરસ્વતીચંદ્ર - ‘શુદ્ધ સિદ્ધાંગનાઓએ કરેલી પ્રેરણાથી અને તેમણે જ આપેલી શક્તિથી અમારાં ગમન અને સહન બને છે. અમને અમારી કોઈ પણ વાસનાને બળે અહીં આવ્યાનું ભાન નથી.’

નાગ - ‘તમે સાત્ત્વિક સત્ત્વોની શક્તિથી સુરક્ષિત હો નહીં તો અમારા વિષશ્વાસને બળે ઉપરના રાફડાઓમાં પહોંચી ગયાં હોત. તમને વાસના હોત તો અમારા વિષદંશ તમને લાગી ગયા હોત. તેમ થયું નથી માટે તમારા વાક્યમાં સત્ય હોવું જોઈએ.’

સરસ્વતીચંદ્ર - ‘અમને વાસનાઓ નથી એમ નથી પણ તે વાસનાઓએ અમને આ સ્થાનમાં પ્રેર્યાં નથી.’

નાગ - ‘તો તમારી વાસનાઓને દર્શાવી દો.’

સરસ્વતીચંદ્ર - ‘અમારી વાસના આ પ્રદેશમાં જે જે જાણવા યોગ્ય હોય તે જાણવા-જોવા-ની છે અને તેમાં તમારી અવસ્થા, તમારી શક્તિ, ને તમારાં કારણકાર્ય જાણવાની વાસના છે.’

નાગલોક ખળભળી ઊઠ્યો.

‘શા માટે ? શા માટે ?’ એમ સર્વત્ર ધ્વનિ સંભળાયો.

સરસ્વતીચંદ્ર - ‘ઉપરથી અહીં નીચે સુધી શુદ્ધ તેજના ભૂંગળોમાં થઈને આવતાં આ મહાન દ્વીપમાં અનેક ચીરાઓ ને ફાટો પડેલી અમે જોઈ, એ દ્વીપના હજારો કટકા થઈ બંધાયેલા ઊંચા સ્તંભ જોયા, અને તેમાંનાં જંતુઓના અધર્મ પણ જોયા. આ સર્વ તમારે શિર દેખીએ છીએ અને એ અધર્મનાં મૂળને તમે બાઝી રહ્યા છો તો તમને ઓળખવા એ મારો ધર્મ છે.’

આટલું વચન નીકળતાં ફરી સર્પમાત્રના મુખમાંથી સુસવાટ અને ઝેરી ફૂંકો નીકળવા લાગ્યાં અને આખા ભોંયરામાં ચારે પાસ ઊભરાતા દોડતા સર્પો સળવળવા લાગ્યા. સામો ઊભેલો નાગ તો ઊભો હતો તેમ જ રહ્યો - માત્ર તેની બે જીભો મુખ બહાર નીકળી પોતાના ઓઠ ચાટવા લાગી, મૂછના વાળ ઊંભા ઊભા થયા, ને તેમાંથી અગ્નિના તણખા ઝરવા લાગ્યા. ચારે પાસ લીલાંપીળાં ઝેર વરસી રહ્યાં તેની મધ્યે ઊભેલાં આ પ્રાણીને મહાનાગ કહેવા લાગ્યો :

નાગ - ‘અમ નાગલોકના દોષ જાણવાની છાતી ચલાવનાર માનવી ! અમે તારા દેશના શાસ્ત્રકારો, સ્મૃતિકારો ને પુરાણકારોનાં પ્રતિબિંબ છીએ. લોકચર્ચાના પંડિતો, ત્રિકાળના વિચારથી લોકવ્યવસાયની રૂઢિઓની ઉત્પત્તિસ્થિતિ અને પ્રસંગ પડ્યે નિઋતિ પણ રચે છે; તે સમર્થ પંડિતોનાં અને વ્યવસ્થાકારોનં પ્રતિબિંબ અમે છીએ ને આ સર્વ સંસારભારમાં વ્યવસ્થાનો જે અનન્ત અશ્વત્થ ચારે પાસ અસંખ્ય શાખાઓ પ્રસરી ઊભો છે ને પૃથ્વીના મૃત્યુલોકને વિસ્મય પમાડે છે તે વૃક્ષરાજનાં આ સર્વ મૂળનું જે કારણથી અમે ઉત્પાદન કર્યું તે જ કારણથી હજી તેનું રક્ષણ અને વર્ધન કરીએ છીએ અને કરીશું. સાત્ત્વિક દૃષ્ટિએ પ્રત્યક્ષ થતા ધર્માધર્મ નામના દંભનું અમે પવનાશક લોક ભક્ષણ કરતા નથી.’

ચારે પાસના પ્રકાશથી શ્યામતા વધવા લાગી.

સરસ્વતીચંદ્ર - ‘તમે સાત્ત્વિક ધર્મને વર્જ્ય ગણો છો તો શાને ભક્ષ્ય ગણો છો ? ક્યા પવનનું ભક્ષણ કરો છો !’

નાગ - ‘સાંભળ, રે મુગ્ધ માનવી ! અમારો આહાર સત્ય વિના બીજો નથી અને એ આહાર મળે તો અમે અધર્મને પણ ઇચ્છતા નથી; કારણ ધર્મ સત્યની પાછળ દોડે છે, સત્ય ધર્મ પાછળ દોડતું નથી. ત્રિગુણાત્મક દૃષ્ટિ કેવળ સાત્ત્વિક દૃષ્ટિએ જોવી એ સત્યના મોટા અંશને ઢાંકી નાના અંશને જોવા જેવું છે. તમારા સંસારમાં કે મનુષ્યલોકમાં રાજસી અને તામસી વૃત્તિ સંસારના ગળા સુધી ભરેલી છે ને સાત્ત્વિક વૃત્તિ તો માત્ર ત્વરા જેવા મુગ્ધ જનના મનોરાજ્યની જ સૃષ્ટિ છે. જેમ ક્ષાર સમુદ્રમાં કોઈ સ્થાને મિષ્ટ જળનું ઝરણું નીકળે તો તેના ઉપર ક્ષાર સમુદ્રના તરંગ ફરી વળે તેમ તમ લોકના સંસારમાં સાત્ત્વિક ગુણના વિરલ ઝરાઓ ક્ષાર જળનાં વહન નીચે ચંપાઈ ગયેલાં જ રહે છે. જેમ તામસી દૃષ્ટિ તે સર્વત્ર અદૃષ્ટિ જ છે તેમ સાત્ત્વિક દૃષ્ટિમાં રજોગુણ અને તમોગુણનાં જે જે કાર્ય ભણી ક્ષમાદૃષ્ટિ રહે છે તે તે દિશા ભણીની તેની અદૃષ્ટિ જ છે.

સ્ત્રીપુરુષની પ્રીતિને તું શુદ્ધ સાત્ત્વિક ગણતો હોઈશ તો વધારે અનુભવથી તારી ભૂલ ભાંગશે. તમે બે જણ કોઈ પુણ્યસિદ્ધિથી સર્વદા સાત્ત્વિક રહી શકશો તો તેથી કાંઈ બાકીનું જગત સાત્ત્વિક થઈ જવાનું નથી, પ્રાણીઓ પરસ્પરનું ભક્ષણ કરતાં મટવાનાં નથી, કુટુંબોના અંતઃકોલાહલ મટવાના નથી, પાપી જનોની સંખ્યા એક ધર્મમાં પ્રવર્તશે તો એથી અધિક પાપીઓ તેની પાછળ પલટણ પેઠે ઊભા થતા અટકવાના નથી, રાજાઓના રાજ્યલોભ અને અધર્મવિગ્રહ ઘટવાના નથી, અને અન્ય પ્રાણીઓ પેઠે મનુષ્યોમાં ને રાજાઓમાં પણ મોટું નાનાને ખાય એ નિયમ લુપ્ત થવાનો નથી. આ સર્વ મલિન વસ્તુઓને દૃષ્ટિ બહાર રાખી કહેલું ધર્મના ને ન્યાયના પાયાનું ચણતર રેતીમાં થયા જેવું ગણવાનું છે, ને એ મલિન માર્ગના કોયલાની વ્યવસ્થા રાખવી ને કોયલાની કાળાં ન જ થવું એ અભિલાષ દંભનું અને મમતનું પરિણામ છે. અમે એ અભિલાષને ના નથી કહેતા પણ તેનો ત્યાગ કરવાનું આવશ્યક લાગે તો તેમ પણ કરવા તત્પર રહીએ છીએ. અમે તો માત્ર આ દેશની ત્રિગુણાત્મક સૃષ્ટિના સર્વ અંશ પર પૂર્ણ દૃષ્ટિ રાખી અમારી રચના કરી છે, તમે જુઓ છો કે જ્યારે બુદ્ધ ભગવાનની ને અશોક મહારાજની સાત્ત્વિક સૃષ્ટિ ધૂળના કોટ પેઠે બંધાઈ ઊડી ગઈ છે ત્યારે અમારી ત્રિગુણાત્મક દૃષ્ટિની સૃષ્ટિ હજી વર્તમાન છે ને પરદેશી પવનના ઝપાટા સામી હિમાચલ પેઠે સ્તંભ ધારી ઊભી રહી છે. તમારા વિહાર મઠના જેવાં લગ્નનો અમે નાશ કર્યો છે, બાળકીમાત્રને પરણાવીએ છીએ ને વિધવામાત્રને અપરિણીત રાખીએ છીએ, કુટુંબોના માળા એક જ વૃક્ષ ઉપર બાંધીએ છીએ, જ્ઞાતિઓના રોપાને ક્ષેત્ર બહાર શાખાવાન્‌ થવા દેતા નથી ને ક્ષેત્ર બહારનાં પ્રાણીને આ ક્ષેત્રમાં આવવા દેતા નથી. સ્ત્રીપુરુષની સ્વચ્છંદ પ્રીતિને માટે કુટુંબજનોની પરસ્પર એક લોહીની પ્રીતિ રચીએ છીએ. આવી અનેક વ્યવસ્થાઓના પ્રકાશના રસોને આ વડની વડવાઈઓના જ નલિકા-જાળોમાં થઈને તેના ઉપરના સ્તંભોમાં વહેવા દઈએ છીએ, અને એ સૃષ્ટિનું પોષણ પણ આ વડવાઈઓને આમ બાઝી રહીને જ કરીએ છીએ. એ વડવાઈઓથી અમને છૂટા પાડનારને માટે અમારી વિષજ્વાળાઓ છે, એ વડવાઈના વિસ્તાર ઉપર વધ્યા જાય તેને પ્રતિકૂળ થનારને માટે પણ એ જ જ્વાળાઓ છે, અને તમારા દેશને માટે ત્રિગુણાત્મક દૃષ્ટિથી રચેલી વ્યવસ્થાનો, મનના કે વાણીના કે ધર્મના રજોગુણથી કે તમોગુણથી, ભંગ કરનારને માટે અમારી જ્વાળાઓ આ નીચેથી છેક ઊંચે સુધી ચડી પહોંચી જવાને સમર્થ છે. અનેક જાતના વિકારોમાંથી, દુઃખોમાંથી અને ભયમાંથી ઉદ્ધાર કરી રાખવાને અમે તમારા દેશની વ્યવસ્થાને ધરી રાખી છે ને તેના અંતઃશત્રુઓ તેમ બાહ્ય શત્રુઓ સર્વને માટે અમારી વિષજ્વાળાઓ વરાળ પેઠે સર્વદા ઊંચે ચડ્યાં કરે છે.’

સરસ્વતીચંદ્ર - ‘તમે તે આ દેશની વ્યવસ્થાને સુધારી છે કે બગાડી છે ? તમે તે આ દેશની આશાઓમાં વિષ નાખ્યું છે કે અમૃત નાખ્યું છે ?’

વિષવૃષ્ટિ વધારે ભયંકર થઈ સામેનો નાગ ઉત્તર દીધા વિના આમની ચારે પાસ વીંટાવા લાગ્યો અને તેનું મોં કોઈ કાળા કોતર પેઠે પહોળું થઈ અંદરના ક્રૂદ દાંતને અને ઠગારી જીભને દેખાડવા લાગ્યું. એટલામાં કુમુદસુંદરી તેના સ્પર્શથી ઊછળી અને સરસ્વતીચંદ્રને બાઝી પડી બોલી ઊઠી :

‘જુઓ, પ્રાણનાથ ! આ સર્વ નાગરાજનાં મસ્તક મુકુટધર છે ને એ મુકુટોમાં શાં તેજસ્વી રત્ન છે !’

સરસ્વતીચંદ્ર - ‘પ્રિયા ! સીતાની દૃષ્ટિ સુવર્ણમૃગ ઉપર પડી હતી તેમ તો તને નથી થયું ? તું આ વિષવૃષ્ટિમાં તેજ અને રત્નો ક્યાં જુએ છે ?’

નાગ બળવાળી ચૂડ ભેરવી, આ બે જણની આસપાસ વીંટાયો અને તેઓ સામસામી આલિંગન દેતાં હોય તેમ સજડ ભીડાયાં. ભીડાયાં તેની સાથે કુમુદનું મંગળસૂત્ર સરસ્વતીચંદ્રના હૃદયમાં ચંપાયું ને તેની સાથે જ તે બોલી ઊઠ્યો,

‘કુમુદ ! કુમુદ ! તું સત્ય કહે છે ! આર્યદેશના ખરા અને સનાતન મુકુટધર રાજાઓ તો આ નાગલોક જ છે ! આપણે જેમને રાજાઓ અને ચક્રવર્તીઓ કહીએ છીએ તે તો નામના ! તેમના મુકુટમણિ ખોટા ! શુદ્ધ મણિ તો આ રાજાઓના જ મુકુટોમાં છે તે હું હવે તારી પેઠે દેખું છું ! હા ! શું સુંદર દર્શન છે !’

આ વચન નીકળતાં નાગની ચૂડ છૂટી. તેણે તેમને છોડી દીધાં, વિષવૃષ્ટિ શાંત થવા લાગી. નાગલોક વડવાઈઓ ઉપર ચડવા લાગ્યા, અને સ્વપ્નનાં દંપતી આગળ ઊભેલા નાગરાજને સ્થાને મોટો રત્નનો ઢગલો અન્નકૂટ - જેવો ઊભો થયેલો દેખાયો. એ ઢગલાના તેજ આગળ આ દંપતીનાં નયનમાં કંઈક ઝાંઝવાં વળવા લાગ્યાં, પણ પછી પળ જવા લાગી તેમ તેમ ચારે પાસની સૃષ્ટિમાં અદ્‌ભુત ફેરફાર થઈ જવા લાગ્યા. ઉપરની કાળી છતને સ્થાને સુંદર રંગોથી રંગીન પણ પારદર્શક બિલોરની છત થઈ ગઈ ને વડવાઈઓ પણ બિલોરનાં ઝાડ પેઠે લટકાવી લાગી. એ ઝાડમાં કાચના પ્યારા, કાચના ઘડા, ને કાચની ત્રાસકો ઝૂલવા લાગી, ને તે સર્વમાં અમૂલ્ય સુંદર રત્નો દીવાની ઊભી જ્યોતો પેઠે પ્રકાશી રહ્યાં. ઉપલી છત ને નીચલી ભૂમિકા વચ્ચે કોઈ વિશાળ સુંદર વાડીઓ ખીલી રહી ને તેમાં સ્થાને સ્થાને સ્વર્ગનાં જેવાં વૃક્ષો, કુંડો, ફુવારા, નાના ઝરા, ચિત્રવિચિત્ર રંગોના ફલથી લચી રહેલી વેલીઓ, ને નાના કોમળ છોડવાઓ ઉપર બેઠેલા ફૂલના ફાલ : એમ રમણીય સૃષ્ટિ દૃષ્ટિમાં અનેકધા અમૃત ભરવા લાગી.

કુમુદસુંદરી - ‘પ્રિય હૃદય ! પેલી નાગલોકની ભયંકર સૃષ્ટિ ક્યાં જતી રહી અને આ શું થઈ ગયું ? પ્રદેશ એનો એ છે ને તેમાંની સામગ્રી આટલ પલટાઈ ગઈ એ તે શો ચમત્કાર ?’

સરસ્વતીચંદ્ર - ‘જે નાગલોક વિષજ્વાળાઓને ઉરાડે છે તે જ નાગલોક આ મણિસંગ્રહને ધરે છે. જેની દૃષ્ટિમાં વિષ છે તેનાં દૃષ્ટિવિષની સામે નાગલોક વધારે બળવાન વિષ ઉરાડે છે ને વિષથી વિષનો નાશ કરે છે. જેની દૃષ્ટિમાં રત્નમય પ્રકાશ દીપે છે તેને નાગલોક આવાં મણિદર્શન આપે છે. સાત્ત્વિક દૃષ્ટિને વિષ અને રત્ન ઉભયનાં દર્શન સાથે લાગાં થાય છે. આપણી માનુષ દૃષ્ટિએ પ્રથમ આ વિષનું દર્શન કરાવ્યું ને વિષધરનાં અસહ્ય બળનું સહન કરવામાં આપણાં હૃદય અદ્વૈત પામ્યાં. એ અદ્વૈતને બળે તારા પવિત્ર મંગળસૂત્રમાંના સ્પર્શમણિનો આપણે ગાઢ સ્પર્શ કર્યો. એ સ્પર્શમાં આપણું અદ્વૈત થયું, અને એ મણિને એ અદ્વૈતને પ્રતાપે અત્યારે આ પૂજનીય રત્નરાશિનાં દર્શન કરીએ છીએ.’

કુમુદસુંદરી - ‘આ ઉપરના બિલોરમાંથી નીચેનાં રત્નો ઉપર ને વનસ્પતિઓ ઉપર સુંદર રંગનાં ચિત્ર પડે છે ને તેમની વચ્ચે સપ્તરંગી કિરણોનાં જાળ ગૂંથાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘મારો ચિંતામણિ તને આ દર્શન આપે છે.’

કુમુદસુંદરી - ‘ચારે પાસના પ્રકાશ વધારે વધારે સુંદર થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘પ્રિયદર્શી મહારાજની તેજસ્વિની છાયા સહસ્ત્ર વર્ષ સુધી પહોંચી છે. આપણે દીઠા તે સર્વ નાગલોક આ છાયામાં જ પરિપાક પામેલા છે. ઉપર જો. આ સુંદર છતની ઉપર આ તેજની છાયા જતી નથી ત્યાં નાગલોકના પ્રકાશનાં કિરણ, વૃક્ષની શાખાઓ પેઠે, ઊંચાં ફૂટે છે, અને ઉપરથી જે જે રાફડાઓ ઉપર આપણે દૃષ્ટિ નાખતાં આવ્યાં છીએ તે રાફડાઓના મૂળમાં આ કિરણ સ્ફુરે છે.’

કુમુદસુંદરી - ‘એ મૂળ અસંખ્ય છે, મૂળે મૂળે મહાયજ્ઞોની વેદીઓ દેખું છું. વેદીએ વેદીએ પવિત્ર અગ્નિજ્વાળાઓ છે ને અગ્નિનાં - આ - શું હોમાય છે ?’

સરસ્વતીચંદ્ર - ‘યાજકનાં જ સૂક્ષ્મ શરીરો હોમાયાં છે ને અનેક પુસ્તકોને અનેક વ્યવસ્થાઓને રૂપે તેમ એ યજ્ઞદેવીને પ્રસાદીરૂપે ઉપર ભસ્મ ઊડે છે ને ચારે પાસની પ્રજા તેમાં નહાય છે. અનેક ઋષિજીવનના સૂક્ષ્મ હોમ આ સત્રાયણમાં થયા છે.’

કુમુદ - ‘આ નીચે જે ઉત્તમ શ્વેત પ્રકાશ છે તે ઉપર કેમ નથી જતો ?’

સરસ્વતીચંદ્ર - ‘બુદ્ધ ભગવાનનો પ્રકાશઆ વાડીમાંથી ધીરે ધીરે બહાર આકર્ષાય છે, ને આપણા પ્રદેશની નીચે પિતામહના મંદિરના શિખરના - સુવર્ણકલશ છે તેમાંથી કોઈ નવા પવન ને નવા પ્રકાશ આ શ્વેત પ્રકાશમાં થઈને છત ઉપર ચડે છે. ઉપર જે દેખીએ છીએ તે આ બે પ્રકાશનું મિશ્રણ છે. આ નવા પ્રકાશનાં વેગથી આ શ્વેત પ્રકાશ મિશ્રણરૂપે કેટલોક ઉપર ચડે છે ને બાકીનો ચારે પાસ ઢોળાઈ જાય છે.’

કુમુદસુંદરી - ‘આ આપણી પાસેના રત્નરાશિમાં પણ અનેક પ્રતિબિંબ દેખાય છે.’

કુમુદે એ રાશિમાંથી પોતાના બે હાથ ભરી રત્ન લીધાં અને અંજલિમાં ઝાલી રાખી તેમાં ને ઉપરની છતમાં વારાફરતી જોવા લાગી.

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ ! એમાં જોજે ને જોતી જોતી કહેજે. આજ યુરોપમાં જેવાં સંવનન અને પ્રીતિલગ્ન રચાય છે તેવાં જ આ આસપાસના આપણા દેશમાં થતાં નથી ? ઉપર જે જ્ઞાતિઓના અનેક સ્તંભ ને ચીરા જણાતા હતા તેને સ્થાને અહીં ચારે પાસ માત્ર એક જ પૃથ્વી જણાતી નથી ? ત્યાગ, ઉદારતા, સાધુતા, દયા આદિ રંગની જ વૃષ્ટિ આ એકાકાર થયેલી ધર્મભૂમિમાં થતી નથી ? એ વૃષ્ટિનાં કલ્યાણફળથી લોક સમૃદ્ધ, તેજસ્વી, વીર્યવાન્‌ ને યશસ્વી થતા નથી ? કુમુદ, સૂક્ષ્મ દૃષ્ટિથી રત્નાંજલિ જોઈ લે અને તારા પ્રેમાળ હૃદયના ઉદ્‌ગારથી વર્ણવ.’

કુમુદસુંદરી - ‘હૃદયવલ્લભ ! સર્વ ભારતવર્ષમાં એક જ - નહીં મંદ, નહીં ઉગ્ર, એવો - રમણીય પ્રકાશ દેખું છું. નાનાં ગામડાંમાં ને મોટાં નગરોમાં આનંદનાં ગીત સાંભળું છું - સર્વત્ર સાંભળું છું. અરણ્યોમાં પર્વતો ઉપર, નદીતીરે ને સમુદ્રતીરે, સાધુજનોની નિર્ભય નિરંકુશ કલ્યાણચર્યા, જ્યાં જોઉં છું ત્યાં, હૃદયને પ્રફુલ્લ કરે છે. મનુષ્યસૃષ્ટિના સ્થૂળ દેહમાં આરોગ્ય, વીર્ય, સુંદરતા ને સુઘડતા જોઉં છું. આજના આપણા જાગૃત લોક તો પ્રમાણમાં વામન, ક્ષીણ ને રોગી છે; બાળક જેવા ઉપરના રાફડાઓમાં દેખાય છે; બુદ્ધિમાં, વિદ્યામાં, સાધુતામાં, પ્રીતિમાં અને સર્વ સદ્વસ્તુમાં પણ આ નીચેના પ્રતિબિંબિત લોકોમાં ને આપણા હાલના લોકમાં એવો જ ફેર છે. સ્વામિનાથ ! ખરી મહાયાત્રાઓ તો આ લોક જ કરે છે. દક્ષિણમાં લંકા, જાવા ને સુમાત્રા; ઉત્તરમાં ત્રિવિષ્ટપ (તિબેટ), ચીન, કંદહાર, તાતાર, ને રોમ; પશ્ચિમમાં મિસર દેશ; પૂર્વમાં બ્રહ્મદેશ ને સિયામ; એ સર્વદેશો સુધી પૃથ્વી ઉપર ને સમુદ્ર ઉપર ભારતવર્ષના પંડિતો ને વ્યાપારીઓ દોડાદોડ કરી રહ્યા છે તે એમના રથ ને એમનાં વહાણ હું અહીંથી સંખ્યાબંધ જતાં-આવતં જોઉં છું. ઓ મારા વહાલા ! આ લોકની છાતીઓ કેવી ચાલે છે ? અને એમને ઘેર તો કંઈક જુદી જ સૃષ્ટિ દેખાય છે. ચાંદીના હિંડોળા ઉપર સંવનનથી પરણેલા દંપતી ગામે ગામ ને દેશેદેશ દેખાય છે. કામદેવના બાણના ટંકાર, કામદેવના જય અને પરાજય, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ભોગ અને ત્યાગ : સર્વ દર્શન આ પ્રદેશમાં મનભર મનહર થાય છે. માતાપિતાની સેવા કરવામાં પરિશીલિત દંપતીઓ સ્થાને સ્થાને અદ્વૈતાભિલાષથી પ્રવૃત્ત થાય છે; ને માતાપિતા એ દંપતીઓની સેવાથી તૃપ્ત થાય છે પણ તૃપ્તિના કરતાં, પુત્રવધૂના અર્થ, કામ ને સ્નેહ જોવામાં ને વધારવામાં ને પોતાનાથી સ્વતંત્ર થતાં જોવામાં વધારે આનંદ માને છે. કોઈ કુટુંબમાં ક્લેશ દેખાતો નથી. સ્થાને સ્થાને અનાથ લોકોની સેવા થાય છે. આ લોક દ્રવ્ય કમાતાં થાકે છે પણ તેનો પરમાર્થમાં વ્યય કરતાં થાકતા નથી. સ્થળે સ્થળે લોકનાં ટોળાં લોકની ચિંતા કરી રાજાને સ્વસ્થ રાખે છે ને રાજાઓ પ્રજાનાં અનુરંજનમાં જ તૃપ્તિ માને છે. ઋષિલોક અનેક વિદ્યાઓ સાધે છે, અનેક શાસ્ત્રોનાં લક્ષ્ય ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે. શાસ્ત્રોની પ્રવૃત્તિ લોકસંઘના ઐહિક ને આમુત્રિક કલ્યાણ ભણી જ થાય છે. બાળક, તરુણ ને વૃદ્ધ સર્વ અહીં પ્રફુલ્લ થાય છે. સ્ત્રી, પુરુષ, કુટુંબ, જનપદ, રાજા અને રાજ્ય - સર્વમાં રસના, જ્ઞાનના, દ્રવ્યના, સાત્ત્વિક દૃષ્ટિના, અને સનાતન તેમ આર્ય ઉભય ધર્મોના, ઉત્કર્ષની જ્વાળાઓના કુંડ સ્થાને સ્થાને દેખું છું. સર્વ સ્થૂળ સૂક્ષ્મ સૃષ્ટિ વીર્યવતી, સુંદર અને વર્ધમાન છે. કાલિદાસ અને ભવભૂતિ વિક્રમ અને શાલિવાહન - અને એવી અનેક તેજસ્વિની છાયાઓને હું અહીં સ્વતંત્ર ચાલતી દેખું છું. ઓ મારા વહાલા ! આ પ્રિય-દર્શનથી જે તૃપ્તિ થાય છે તેથી જ આજની યાત્રા સફળ થાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘તું જુએ છે તે સર્વ હું પણ જોઉં છું ને તારી તૃપ્તિમાં સમભાગી થાઉં છું.’

કુમુદસુંદરી - ‘હવે આ મારા હાથમાંનાં રત્નો ઉપર તમે દૃષ્ટિ કરો મારા સ્પર્શમણિનો સ્પર્શ કરીને જુઓ, ને તમારા ચિંતામણિની ચિંતાનો તેને સમાગમ પમાડો. પૌરુષ અને સ્ત્રૈણ હૃદયના ગાઢ સર્વાંગી આશ્લેષ વિના એ સમાગમ દુર્લભ છે.’

સરસ્વતીચંદ્ર તેમ કરી ઊભો ને કુમુદના કરપલ્લવને પોતાના લોચન સુધી લઈ તેમાંનાં રત્નોને જોવા લાગ્યો.

સરસ્વતીચંદ્ર - ‘કુમુદ ! ઉપર પૃથ્વીના જે અનેક સ્તંભને અનેક ચીરા છે તેને સ્થાને આપણી નીચે સ્વસ્તિકના આકારના ચાર ચીરા છે ને તેમની વચ્ચે પૃથ્વીના ચાર વર્ણવાળા ચાર ભાગ છે. એક ભાગમાં શ્વેત વર્ણ છે, બીજામાં લોહિત વર્ણ છે, ત્રીજામાં સુવર્ણ છે, ને ચોથામાં શ્યામ વર્ણ છે. એ ચાતુર્વર્ણ્યના ચાર પ્રદેશ વચ્ચે ચીરા પડવા માંડ્યા છે; પણ તે વચ્ચે સ્થળે સ્થળે, ઝૂલતા સુવર્ણરંગી પુલ બંધાતા જાય છે ને એ ચીરા પર કૂદી જાય તેને તે પણ અનુકૂળ છે. આ પૂર્વ ભણીના પ્રદેશથી બુદ્ધ ભગવાનનો પ્રકાશ આવવા લાગે છે ને ચારે વર્ણની ધાતુઓને હિમની પેઠે ઓગાળવા લાગે છે. આસપાસની ભેખડો ચીરાઓમાં ધસી પડતી દેખું છું. અને અંતે આપણી નીચે એ પૃથ્વી એકાકાર થઈ ગઈ દેખાય છે.

કુમુદસુંદરી - ‘તો ઉપર આપણે પાછા ચીરા ને કટકા શાથી દીઠા ?’

સરસ્વતીચંદ્ર - ‘આ છતની ઉપર થોડે સુધી જેવું સુંદર દર્શન છે તેવું જ બીભત્સ ચિત્ર તેથી ઉપર છે. પ્રીતિયજ્ઞને નામે ભ્રષ્ટ દંપતીઓ પિતૃયજ્ઞની વેદીઓને તોડી પાડે છે. ને સ્થૂળ શરીરની તામસી વૃત્તિઓમાં લીન થઈ જાય છે તે - ઓ - પેલા મેં પ્રથમ બતાવેલા સત્રાયણના ભસ્મના ગોટાની પાછળ આ સ્થૂળ પ્રીતિવાળાં પશુઓનાં ટોળાં મસ્ત કરી રહ્યાં છે. જેવાં તે તેવાં માતાપિતા થતાં દેખાય છે ને આ સર્વ ભ્રષ્ટાચારને અટકાવવા નાગલોક ચારે પાસે દોડાદોડી કરી રહ્યા છે. શૂદ્ર મનુષ્યની વાસનાઓને શાંત કરવા ને શાંત ન થાય તો નષ્ટ કરવા સુધીની ધારણા કરી, નાગલોક મનુષ્યોની દૃષ્ટિઓ અને વાસનાઓ ભણી પોતાની વિષની વૃષ્ટિ કરી રહ્યા છે ! આહા ! એ વૃષ્ટિબલ ભયંકર થાય છે. રસમાત્ર અને સ્ત્રીમાત્રનાં મનોરાજ્યના પાયા આ વિષની તીવ્રતાથી ઢળી પડે છે ને તેમની પ્રીતિની સૃષ્ટિ વરાળ જેવી થઈ કંઈક ઊડી જતી હું દેખું છું. સાટે પ્રીતિનાં અનભિજ્ઞ બાળકોને પરણાવવા માતાપિતાઓનાં હૃદય કુદકારાં મારે છે. અહો ! વિષ અનેકધા લીલુંછમ જેવું થાય છે ને સંસારના શરીરને આટલી હાનિ પહોંચાડે છે અને તે જ વિષ પેલા સ્થૂળ લઈ જતા સંસારના દેહની ભ્રષ્ટ થઈ જતી પ્રીતિની અનાચારભરેલી નસોમાં વ્યાપી જાય છે ને એ શરીરનો સમૂળો નાશ કરે છે. આહા ! ધૈર્ય, સ્થૈર્ય, ચાતુર્ય અને વીર્યવાળા વૈદ્યોનું કામ કરવા મંડી જતા નાગલોક ચારે પાસના સંસારને ઝાપટે છે, જેને તેને દંશ દે છે, અને એ સંસારની નસોમાં વહેતું, માંસરુધિરમાં ભરાયેલું, અને વાત-પિત્ત-કફને દુષ્ટ કરનારું સર્વ રોગ-વિષ પોતાના લીલા વિષ વડે નષ્ટ કરી દે છે ને આ રોગી દેશના રોગી લોકમાં નવી જાતનું આરોગ્ય ને નવું બળ આપે છે. કુમુદ ! તારા સ્પર્શમણિની શક્તિથી નાગલોકના વિષયમાં પણ આવું સુંદર ફળ દેખાય છે.’

કુમુદસુંદરી - ‘સ્વામિનાથ ! આપણામાં પણ કંઈક એવો જ રોગ દેખીને જ નાગલોકે આ વિષવૃષ્ટિ આપણી ભણી કરી દેખાય છે.’

સરસ્વતીચંદ્ર - ‘એમ જ.’

બે જણના હૃદયમાં આ ઉદ્‌ગાર થતા તેની સાથે જ રત્નરાશિમાંથી મધુર અને ગંભીર સ્વર નીકળવા લાગ્યો, અને કુમુદના હાથમાંના રત્ન પણ દિવ્ય વાણી વડે તેમાં ભળવા લાગ્યાં.

‘સાત્ત્વિક દૃષ્ટિનાં અધિકારી માનવીઓ ! જે માનવી પારકા ગુણ અને પોતાના દોષ દેખી શકે છે તે આવી દૃષ્ટિનાં અધિકારી છે. તમે એવો અધિકાર પ્રાપ્ત કરેલો છે તો અમ રત્નલોકની દીન વાણી સુણો. ઉપરના યજ્ઞોના ભસ્મરાશિ ને ધુમાડાના ગોટા ઉપર નાગલોકના વિષથી સર્વત્ર આરોગ્ય થતું તમે દીઠું - એ આરોગ્ય વિષ અને રત્નના, એક શિરમાં, સમાગમથી થયલું છે. એ આરોગ્યકાળનો પ્રકાશ પેલી ભસ્મથી અને ધુમાડાથી પણ ઊંચે બંધાયેલો છે. અમારાં કિરણથી એ પ્રકાશ વીર્યવાન્‌ હતો અને મણિધર વિષધરોના વિષની કૃપાથી એ પ્રકાશના શત્રુ ધ્વસ્ત હતા. એ પ્રકાશના કાળ ઉપર તમે બીજાં મલિન મૃત્તિકાનાં પડ જોશો. એ પડ તમોગુણના ઉજ્જાૃંભણથી બંધાયાં છે ને ભરેલાં છે. આ સ્થાનના વિષધરોનું વિ એટલે દૂર સંપૂર્ણતાથી પહોંચી શકતું નથી અને અમારો પ્રકાશ પણ ત્યાં પૂર્ણ શક્તિથી જઈ શકતો નથી. વિષજ્વાળાઓ જે અંધકારને અને તમોગુણને ભસ્મસાત્‌ કરતી હતી તે અંધકાર અને તમોગુણ આ પડમાં નિરંકુશપણે નિષ્કંટક વધ્યાં જાય છે ને તેના રાફડા બંધાયેલા તે જ તમે ઉપર પ્રત્યક્ષ કર્યા છે. આ તમોગુણના ઘસારાથી પ્રાચીન ચાર ખડકોની વચ્ચેના ઝૂલતા પુલ તૂટી જાય છે, ખડકો કંપે છે, એકબીજા સાથે અથડાય છે ને પછડાઈ તે સર્વના કટકા પડે છે. જ્ઞાતિઓના કટકા ને તેમની વચ્ચેના ચીરા આમ એ જ તામસી શક્તિથી થયા છે ને વધ્યા ગયા છે. આ વિષધર-મણિધર-લોકની દૃષ્ટિ તો છેક ઉપર આકાશ સુધી પહોંચે છે અને આ યુગના લોક અમારો તિરસ્કાર કરે છે, વિડંબના કરે છે ને અમને ગાળો દે છે તે સર્વ અમે આ સ્થાનથી જોઈ શકીએ છીએ. પણ તેમનો પ્રતિકાર આટલે દૂરથી કરવા અમે સમર્થ નથી. જો તમે તે લોકનાં માનવી હો ને એ લોકમાં પાછાં જાવ તો અમારાં વિષનું અને રત્નનું સમર્થન કરજો. જો કોઈ યુક્તિઓથી અમારી બાંધેલી રંગીન પ્રકાશવાળી પ્રણાલિકાઓના રંગ દેખો તો તેમને તમારા મણિપ્રકાશનો સમાગમ કરાવજો. જો એ પ્રણાલિકાઓમાં ફરતાં અમારા વંશના પણ અધોગતિ પામેલાં અળસિયાં દેખો તો તેમને અમારા મણિનું અને વિષનું પ્રતિભાન આપજો ને અમારી પ્રણાલિકાઓનું સત્ત્વ કાઢતાં શીખવજો. એ તામસી દૃષ્ટિના દેશના અન્ય જીવો એ રાફડાઓની માટીમાં દબાઈ ચંપાઈને અને એ માટી ખાઈને અંતે નષ્ટ થઈ જાતે માટી થાય છે; તે જંતુઓને અમારી પ્રણાલિકામાંથી અમારા પ્રકાશનું ને અમારા વિષનું સત્ત્વ ધીમે ધીમે થોડું થોડું કે ટીપે ટીપે પાજો. જ્યાં સુધી આ સર્વ સ્થાનમાં અમારી દૃષ્ટિ પહોંચે છે ને અમારાં નામની કીર્તિ સમજી કે અણસમજી થાય છે ત્યાં સુધી અમારા સામર્થ્યનાં અંકુર સફળ કરવાની અમે કંઈક આશા રાખીએ છીએ અને જ્યાં સુધી એવી એવી આશા રાખીએ છીએ ત્યાં સુધી આ વડવાઈઓને અમે નાગલોક વળગી રહીશું ને ઊર્ધ્વદૃષ્ટિ રહી અમારાં વિષની ને પ્રકાશની જ્વાળાઓ ઊર્ધ્વગામિની કરી રાખીને ફુવારાની પેઠે ઊઆંચી ફેંક્યાં કરીશું. સહસ્ત્ર વર્ષોથી અમે માત્ર પવનનું - સંસારને જીવન આપનાર અદૃશ્ય વિદ્યાપવનનું ભક્ષણ કરી આ વડવાઈઓને બાઝી રહ્યા છીએ તે આરંભેલા કામનો ત્યાગ ભયથી કે અસમ્યગ્‌ દૃષ્ટિથી કરવાના નથી. ગમે તો રાફડાઓની માટીના કાચા પથરા થઈ જશે એટલે તે પરહસ્તથી ભાંગશે પછી અમારી દૃષ્ટિ બંધ થઈ જશે, અને ગમે તો એ રાફડાઓને કોઈ નવા યુગનાં મનુષ્ય ઓગાળશે ને અમારી પ્રણાલિકાઓ કરતાં વધારે વીર્યવતી પ્રણાલિકાઓને બાંધશે ત્યાં સુધી અમે નાગલોક આવું જ તપ કર્યાં કરીશું ને તે પછી જે મહાન વડમાંથી આ વડવાઈઓ નીકળી છે તેના ઉપર થઈને એ વડના થડ ઉપર જઈશું ને ત્યાંથી તેના મૂળમાં આ નીચેની ભૂમિકામાં અમારા પિતૃલોકના અધિષ્ઠાતા શેષનાગમાં લીન થઈ જઈશું; ત્યાં સુધી અમે અમારા તપનું અને મહાયજ્ઞનું સમાવર્તન નહીં કરીએ. માનવીઓ ! આ ઉપરની તામસી સૃષ્ટિના મળથી તે વિષયી લિપ્ત થવાનો ભય તમને ન હોય તો પિતામહનાં દર્શન કરવા પહેલાં એ સૃષ્ટિમાં પણ તમે જઈ આવો, ને જો એ ભય તમને હોય તો આ મણિરાશિ ઉપર છતમાં અમારા પ્રકાશનો સ્તંભ ઊંચે ચડે છે તેમાં દૃષ્ટિ કરશો તોપણ થોડુંઘણું જોઈ શકશો.’

રત્નરાશિની વાણી શાંત થઈ ને બે જણની પાસે રત્નરાશિમાંથી ચડતો પ્રકાશસ્તંભ રહ્યો. સમુદ્રમાંથી વાદળીઓ પાણી પીતી કહેવાય છે ને પાણી ઊંચું ચડે છે તેના જળસ્તંભ થાય છે તેવા આ પ્રકાશસ્તંભમાં થઈને રત્નકર જેવા રત્નનિધિનો પ્રકાશ ઊંચે ચડતો હતો. તેની વચ્ચે બે જણ ઊંચું જોતાં જોતાં ઊભાં રહ્યાં ને તેની સાથે જ એ પ્રકાશના ઊર્ધ્વ વેગથી ધકેલાઈ ઉપર ઊડ્યાં ને પાંખો કામ લાગી.

રાફડાઓને મથાળે જે સ્થાનથી પોતે પ્રથમ અંતર્ભાગમાં આવ્યાં હતાં તે સ્થાન ઉપર આ તેજના ધક્કાથી બે જણ આવીને ઊભાં ને ઉઘાડા આકાશના પ્રકાશ અને પવનથી સ્વસ્થ થયાં. રાફડાના દ્વીપની આસપાસ પિતામહના તેજોનિધિનાં મોજાં ઊછળતાં હતાં ને તેની લહેરોથી નવીન શાંતિ વળવા લાગી. બે જણ સાથે સાથે બોલ્યાચાલ્યા વિના લહેરો ભોગવતાં બેઠાં. થોડીક વાર પછી સરસ્વતીચંદ્રે કુમુદને ખભે હાથ મૂકી કહ્યું,

કુમુદ, આ આપણી પાસેની માટી હાલે છે ?’

‘હા.’

બે જણ ઊભાં થયાં. થોડી વારમાં હાલતી માટીમાં પાવડો હાલતો જણાયો, ને એક મોટા કોતર જેવું છિદ્ર પડ્યું. તેમાં કેટલાંક જંતુઓ દેખાયાં. તેમની આસપાસના નાગલોકવાળા પ્રકાશસ્તંભનો અંબાર ઝળહળી રહ્યો ને જંતુઓમાંથી કેટલાકની છબીઓ તો કેટલાકનાં સ્વરૂપ સરસ્વતીચંદ્રને ઓળખીતાં લાગ્યાં.

‘કુમુદ ! કુમુદ ! આ તો આપણા સુધારાવાળા મિત્રોનું પ્રતિબિંબ છે. જો ! જો! આ માટીને શુદ્ધ કરવાને, આ માટીમાંના કૃમિગણને સચેતન કરવાને, આ ચેતન જંતુઓ કેવો સુંદર પ્રયત્ન કરે છે ? - અરે, પણ માટી તો છે ત્યાંની ત્યાં ને તેવી ને તેવી જ રહે છે... આ જંતુઓનો પ્રયત્ન નિષ્ફળ થાય છે, તમોગુણનો વિકાસ ઘટતો નથી, ને કંઈક વિચિત્ર કોલાહલ કાને આવે છે.’

કુમુદસુંદરી - ‘જુઓ, જુઓ, તેમનાં આયુષ્ય પાણીના રેલા પેઠે માટીમાં લીન થાય છે ને માટીથી અચેતન રત્નો લીંપાઈ જાય તેવી આમની દશા થાય છે. આપણે એમને માટે શું કરીએ ?’

સરસ્વતીચંદ્ર - ‘આ તો આપણે માત્ર પ્રતિબિંબ જોઈએ છીએ. પ્રતિબિંબ ઉપર દયા નિરર્થક છે. પણ પેલો કોલાહલ વધે છે, આ રત્ન જેવા જંતુઓની આસપાસ કોઈક સ્થાને માટી તો કોઈક સ્થાને વિષજ્વાળાઓ ફરી વળે છે.’

કુમુદસુંદરી - ‘એ તો સમજાયું. આ જંતુઓને જરાક સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ. તેમને મુખ ને જિહ્વા પૂર્ણ છે પણ કાગદૃષ્ટિ પેઠે બે આંખો વચ્ચે કીકી એક જ છે. આ રાફડા ઉપરના આકાશમાં કપિલોક દિવ્ય ઔષધિઓ લઈ વાદળાં પેઠે આવજા કરે છે તેમાંથી સરી આવતા પરાગ એ કીકીઓમાં ભરાય છે ને તે પરાગનાં પડ આ જંતુઓની એકની એક કીકીઓ ઉપર બંધાય છે એટલે એમને દૃષ્ટિવિકાર થાય છે. ઓ મારા વ્હાલા ! આ રત્ન જેવાં જંતુઓની આંખોનાં પડ દૂર કરો ને એમને બીજી કીકીઓ પણ પ્રાપ્ત કરાવો.’

સરસ્વતીચંદ્ર - ‘જેવી રીતે કપિલોકની પાસેથી પડેલો પરાગ તેમની આંખોમાં પડે છે તેવી જ રીતે અને પરાગની સાથે જ નાગલોકનો મણિપ્રકાશ તેમની આંખોમાં પડશે ત્યારે આમની એકેકી કીકીની દૃષ્ટિ શુદ્ધ થશે ને એથી વધારે દુર્લભ સાત્ત્વિક પ્રકાશની પ્રાપ્તિ વિના બીજી કીકીઓ આવવી તો અશક્ય છે.’

કુમુદસુંદરી - ‘આ કોલાહલ શો છે ?’

સરસ્વતીચંદ્ર - ‘આ જ જંતુઓને અકેકી આંખ છે ને બીજાં જંતુઓ તો કેવળ અંધ જ છે ને થોડાંક જંતુઓની કીકીઓ ઊંધી પૂતળીની અવળી છે; તે સૌની ભીડાભીડમાં એકબીજા સાથે અથડાય છે, લડી મરે છે ને કોલાહલ કરે છે.’

કુમુદસુંદરી - ‘અવળી કીકીઓવાળાં કોણ છે ને અંધ કોણ છે ?’

સરસ્વતીચંદ્ર - ‘નાગલોકની રચેલી રંગીન પ્રણાલિકાઓમાં જતાં આવતાં જંતુઓની કીકીઓ વસ્તુઓની સ્થિતિના વ્યુત્ક્રમ દેખે છે અને સાંકડી પ્રણાલિકાઓનાં પ્રતિબિંબ વિનાનાં અન્ય સત્ત્વનું એમની કીકીઓમાં પ્રતિફલન થતું નથી. બાકીનાં જંતુઓ તો તામસી વૃત્તિના રચેલા અજ્ઞાનથી જ અંધ છે. તેમની ગતિથી માટીમાં ચીલા જેવી રેખાઓ પડે છે ને તેમાં થઈ અન્ય જેવાં જંતુઓ, કીડીઓ પાછળ કીડીઓ જાય તેમ ચાલે છે. તેમને તો માટીનું જ ભક્ષણ છે ને માટીમાં જ જીવન છે. તેના કોઈક જીવો આ અવળી કીકીવાળા જીવને સૂંઘીસૂંઘી તેમની પાછળ પાછળ જાય છે, અને કોઈક જીવો પેલા એક કીકીવાળા જીવોની પાછળ જાય છે ને નાગલોકનું વિષ આમનાથી જીરવાતું નથી ને જીભ ઉપર પણ લેવાતું નથી એટલે એ સર્વ જીવો ગમે તો આયુષ્ય ખૂટતાં સુધી વિષદંશથી દુઃખી રોગી થાય છે ને ગમે તો એ વિષની દુઃસહતાથી એમનાં સ્થૂળ સૂક્ષ્મ શરીર આ માટીને પણ ભ્રષ્ટા કરનાર સ્વરૂપમાં પરિણત થાય છે.’

કુમુદસુંદરી - ‘આ દેખાવ અતિકરુણ છે.’

સરસ્વતીચંદ્ર - ‘તો પણ તેમાં એ સાત્ત્વિક તેજની પ્રણાલિકાઓ જણાય છે ને ભાગ્યબળે તેમાં આવી જતા જંતુ એટલી વાર સુખી અને શાંત થાય છે.’

કુમુદસુંદરી - ‘પેલી પ્રણાલિકા સામે ચળકે છે તે શ્વેત છે.’

સરસ્વતીચંદ્ર - ‘હા, પણ એની ચારે પાસ પેલી માટીનો ધસારો થાય છે.’

કુમુદસુંદરી - ‘અરે ! એ શ્વેત પ્રકાશ ચંપાઈ જશે. સ્વામિનાથ ! એ ભયમાંથી એને ઉગારો.’

સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યો : ‘શ્વેત પ્રકાશ એમ ચંપાતા નથી એ પ્રકાશ તો આ માટી નીચેથી ઊપસીને ઉપર આવે છે ને એ પ્રકાશને માર્ગે આપવા તેના ઉપરથી ખસી જઈ માટી આસપાસ વેરાઈ જાય છે. જો, જો, કુમુદ ! બે સ્થાનેથી આ પ્રકાશનું અંકુર ફૂટે છે - જો - જો !’

કુમુદ એકદમ ચમકી ઊભી થઈ.

‘ઓ મારા વહાલા! એ તો મારી ગુણિયલની અને મારા પિતાની છાયાઓ ! એ અહીં ક્યાંથી ?’

કુમુદ એકદમ ચમકી ઊભી થઈ.

‘ઓ મારા વહાલા ! એ તો મારી ગુણિયલની અને મારા પિતાની છાયાઓ ! એ અહીં ક્યાંથી ?’

સરસ્વતીચંદ્ર - ‘ને તેની પાછળના કોતરમાંથી બુદ્ધિધનભાઈની છાયા ઊંચી આવે છે ! એ સૌ પેલા પાવડાની શક્તિથી પ્રત્યક્ષ થાય છે. આ પવિત્ર પૂજ્ય મૂર્તિઓને પ્રણામ કરી ઊભી રહે - એ છાયાઓ આપણા ભણી આવે છે.’

પ્રથમ છાયા ગુણસુંદરી અને વિદ્યાચતુરના હાથમાં એક મોટો ગોળ હતો. તેમાં રત્નનગરીનું રાજ્યતંત્ર નકશાના ચિત્ર પેઠે ઊપસેલું હતું અને તેના ભણી અચૂક દૃષ્ટિ રાખી એ ચાલતો હતો. ગુણસુંદરી ઘડીક એની પાછળ ચાલતી હતી, ઘડીક જોડે ચાલતી હતી, ને ઘડીક આગળ ચાલતી હતી. પણ એની દૃષ્ટિ વિદ્યાચતુર ઉપર જ રહેતી ને એનાહાથમાંનો ગોળો પડી જાય નહીં અથવાએ પોતે એના ભારથી કે શ્રમથી પડી જાય નહીં એટલી એની - એ સ્વામીની -વ્યવસ્થા રાખતી હતી. એ બે જણની આગળ એમની બીજી નાની છાયા, વૃક્ષની છાયા પેઠે લંબાતી હતી એન તેમાં એક સુંદર ચિત્ર ચાલતું હતું એ ચિત્રમાં ગુણસુંદરીનું કુટુંબજાળ રાફડાના જંતુઓ પેઠે તરવરતું હતું. ને સર્વની વચ્ચે એક વેદી ઉપર ગુણસુંદરી બેસીને સતીની પેઠે બળતી હતી. એના બળતા શરીરમાંથી ઊકળતી અમૃતધારાઓ ઊડતી હતી ને પેલાં કૃમિગણના મુખમાં તે જાય એવો પ્રયત્ન ગુણસુંદરી કરતી હતી. તે ધારાના અમૃતધાવણના અતિલોભથી એ ધારાને ન સ્વીકારી ગુણસુંદરીના શરીરને જ એ કૃમિગણ વળગી જતા હતા ને અમૃત ચૂસવા ચટકા ભરતા હતા. એ સર્વ તપની તપસ્વિની ઉપર અગ્નિની જ્વાળાઓ ઊંચી અને લાલ થઈ સળગતી હતી ને આકાશ સુધી એ પ્રતિબિંબનું પ્રતિબિંબ પડતું હતું. આવી છાયાને આગળ ચલાવતી વિદ્યાચતુર અને ગુણસુંદરીની છાયાઓ કુમુદની પાસે આવી. કુમુદ તેમને હાથ જોડી શિરવડે પ્રણામ કરી ઊભી રહીને છાયાઓ ચાલી ગઈ. તેમની પાછળ માત્ર ગુણસુંદરીના સ્વરના ભણકારા રહી ગયા તેમાં ‘કુમુદ ! મારી કુમુદ !’ એટલા અક્ષર લંબાતા હતા. આ ચિત્ર જોઈને અને સ્વર સાંભળીને કુમુદ ગળગળી થઈ ગઈ. સરસ્વતીચંદ્રને કંઈક કહેવા જાય છે એટલામં બુદ્ધિધનની છાયા આવી. પ્રથમ તો મોટા નાના કૃમિઓનું જાળ બાઝ્‌યું હતું. તેમાં જડસિંહના દરબારનું, શઠરાયનું, ભૂપસિંહનું અને બુદ્ધિધનનું પોતાનું મંડળ -સર્વ કૃમિરૂપે, તીડોના વાદળારૂપે તરવરતા લાગ્યું અને તેની વચ્ચેથી સર્વનાશિર પર ચડી બુદ્ધિધનની છાયા, કોડિયામાંના દીવાની જ્યત પેઠે ઊભી થઈ પ્રકાશવા લાગી. એના એક હાથમાં એક જંતુ હતો તે સ્પષ્ટ જોતાં પ્રમાદધન દેખાતો હતો. બુદ્ધિધને પોતાના હાથમાં લઈ દૂર - તેજની નીચેના અંધકારમાં - તેને ફેંકી દીધો ને પોતે પોતાના મુખથી માત્ર ‘કુમુદસુંદરી ! તમારા શત્રુને આ શિક્ષા !’ એવો ઉચ્ચાર કરતો હતો. એની પાછળ સૌભાગ્યદેવી સિદ્ધાંગનારૂપે આકર્ષાતી ખેંચાતી ચાલતી હતી અને બેની વચ્ચેના તેજના પટમાં હાથ વડે કંઈક દિવ્ય ચિત્ર વણતી હતી.

આ છાયાઓ આમ ચાલતી ચાલતી સરસ્વતીચંદ્ર અને કુમુદની પાસે થઈને ગઈ અને પિતામહકુંડની વચ્ચેના તેજનાં મોજાં ઉપર ચાલવા લાગી. થોડી વારે રાફડામાંથી ઊંચી ચડી બીજી પણ એવી અનેક છાયાઓ આવી ચાલી ગઈ. મેનારાણીની છાયા કાળાં વસ્ત્ર પહેરી શોકભરી આકાશમાર્ગે ચાલતી તેની પાછળ પાછળ સિદ્ધસ્વરૂપે મલ્લરાજ મહારાજ એક કમળ હાથમાં રાખી એને મેનાના હૃદયકમળમાં અડકાડતા હતા અને કમળના અગ્રભાગમાંથી ગાન નીકળતું હતું કે

‘શંખ ધરે રિપુ-હૃદય-વિદારણ જે ત્રિભુવનનો નાથ

ભક્તહૃદયના સાન્ત્વન કાજે પદ્મ ધરે તે હાથ !’

મેના ! તારી પ્રીતિ છે જ સનાથ !’

વળી થોડે છેટે ચંદ્રલક્ષ્મીની સિદ્ધ મૂર્તિ પોતાના હાથમાં લક્ષ્મીનંદનની શીર્ણ છાયાને સૂતેલી લઈને ચાલતી હતી અને પોતાના મુખમાંનો જૈવાતૃક ઉચ્છ્‌વાસ એ છાયાને જીવ આપવા તેના મુખમાં ધીમેધીમે ફૂંકતી હતી. આ વિના પણ બીજી અનેક છાયાઓ રાફડામાંથી નીકળવા લાગી અને તેમની પાછળ રાફડામાંની નલિકાઓમાં થઈને ભેરીનાદ નીકળ્યો હતો કે

‘રાફડાઓને તોડી પાડવા ઇચ્છનારાં મનુષ્યો ! આવી આવી સાત્ત્વિક છાયાની રત્નમૂર્તિઓ નાગલોકના મણિપ્રકાશથી અમારાહૃદયમાં ભરેલી છે ને રાફડાઓને કે અમને તોડી પાડતાં તે પણ ચગદાઈ ચંપાઈ જશે ! માટે જે કરો તે વિચારજો ! આવી મૂર્તિઓ તમે જાતે ઊભી કરો તે પછી જ અમારો ધ્વંસ ધારજો ! રાફડાઓ છે તો અમે છીએ ને એમનો નાશ કરવામાં પણ સાત્ત્વિક દૃષ્ટિ નહીં રાખો તો હાથે ખોયેલાં રત્ન તમો ફરી પામવાના નથી ને નાગલોકની શક્તિ તમારામાં આવવાની નથી.

આ સ્વર બંધ થયો ત્યાં રાફડાઓ ખડખડ હસી પડતા હોય તેવો નાદ થયો ને તેની સાથે તેમાંથી રેતી ને પથરા ઊછળવા લાગ્યા ને અંતે સ્વર થયો કે

‘રત્નનલિકાઓ ! તમે સ્ત્રીજાતિ છો તેથી આ મિથ્યા ભયથી કંપો છો ! તમને ને એમને તોડનારની શક્તિ જોવી હોય તો જુઓ આ કાણા કૃમિલોકની દશા !’

આ સ્વર પણ બંધ પડ્યો ને તેની સાથે અનેક મનુષ્યો લોહના કુહાડા લઈ રાફડાઓ ઉપર તીવ્ર પ્રહાર કરતાં જણાયાં. પણ જ્યાં તેઓ કુહાડાથી ખાડો પાડે ત્યાં તેની સાથે ચારપાસથી માટી ધસી પડતી હતી, એ માટી ખાડામાં પુરાઈ જતી હતી, અને ખોદનાર મૂર્તિઓ પણ એ માટીમાં ખસી કળી જતી, અને માટી બહાર તો માત્ર કોઈક કુહાડાની ધાર તો કોઈક કુહાડાનો હાથો, કોઈક મનુષ્યના વાળ તો કોઈના હાથ ને કોઈના પગ, એવો હૃદયવેધમ દેખાવ દેખાતો હતો. આ જંતુઓની પાછળ આકાશવાણી થતી હતી :

‘સ્ટ્ઠિંઅજિર્ ક ્‌િેંર, ઇૈખ્તરર્ીંેજહીજજ ટ્ઠહઙ્ઘ ઁેિૈંઅ ! ૈંં ૈજ િીજેઙ્મંઙ્મીજજ ટ્ઠહઙ્ઘ હીીઙ્ઘઙ્મીજજઙ્મઅ ઙ્ઘટ્ઠહખ્તીર્િેજ ર્ં ઙ્ઘીઙ્મદૃી ંરીજી ર્રર્ઙ્મુ ષ્ઠિેદ્બહ્વઙ્મૈહખ્ત ટ્ઠઙ્મઙ્મ-ટ્ઠહ્વર્જહ્વિૈહખ્ત રૈઙ્મર્ઙ્મષ્ઠાજ. ર્હ્લઙ્મર્ઙ્મુ ટ્ઠિંરીિ ંરી ઙ્મૈખ્તરંજ ંરટ્ઠં રટ્ઠદૃી ષ્ઠિીટ્ઠીંઙ્ઘ ંરીદ્બ; ટ્ઠહઙ્ઘ ંરી રટ્ઠહઙ્ઘજ, ંરટ્ઠં રટ્ઠદૃી ીર્દૃઙ્મદૃીઙ્ઘ ંરટ્ઠદ્બ હ્વઅ ર્જદ્બી જીંહિ ઙ્ઘીષ્ઠિીીર્ ક કટ્ઠીં, ુૈઙ્મઙ્મ રીઙ્મ ર્એ િૈખ્તરં ર્ઙ્મઅટ્ઠઙ્મઙ્મઅ ૈહ ંટ્ઠિહજર્કદ્બિૈહખ્ત ંરીદ્બ ૈહર્ં જેષ્ઠર ેિીિ, ર્જેહઙ્ઘીિ, ટ્ઠહઙ્ઘ હ્વીહીકૈષ્ઠીહં જરટ્ઠીજ ટ્ઠજ ટ્ઠઙ્મઙ્મ ુૈઙ્મઙ્મ રટ્ઠૈઙ્મ. મ્િૈહખ્ત હ્વેં ંરી િૈષ્ઠર ષ્ઠરીદ્બૈષ્ઠટ્ઠઙ્મજ ંરટ્ઠં ુૈઙ્મઙ્મ દ્બીઙ્મં ટ્ઠહઙ્ઘ ર્હં ઙ્ઘીજંર્િઅ ંરીજી જટ્ઠહઙ્ઘઅ ૈઙ્મીજ, મ્િૈહખ્ત હ્વેં ંરી ટ્ઠૈંીહષ્ઠી, ંરી ીજિીદૃીટ્ઠિહષ્ઠી, ંરી જૌઙ્મઙ્મ, ંરી ટ્ઠિં, ટ્ઠહઙ્ઘ ંરી જષ્ઠૈીહષ્ઠી, ંરટ્ઠં ુૈઙ્મઙ્મ દ્બીઙ્મં ંરીજી ટ્ઠહષ્ઠૈીહં જટ્ઠહઙ્ઘજ ટ્ઠહઙ્ઘ ીટ્ઠિંર્રુિાજ ુરૈષ્ઠર ટ્ઠ જીીદ્બૈહખ્ત દ્બટ્ઠહૈટ્ઠષ્ઠ રટ્ઠજ ઙ્મટ્ઠર્હ્વેિીઙ્ઘ ર્ં હ્વેૈઙ્મઙ્ઘ ે ર્કિ ટ્ઠખ્તીજ, ટ્ઠહઙ્ઘર્ ેંર્ ક ંરીદ્બ ંરૈજ હટ્ઠર્ૈંહ ુૈઙ્મઙ્મ કૈહઙ્ઘ ટ્ઠ દૃટ્ઠજં ટ્ઠેિૈકીર્િેજ ઐીઙ્મઙ્ઘ, ટ્ઠહઙ્ઘ ંરી જટ્ઠહઙ્ઘઅ ટ્ઠઙ્મર્ઙ્મઅ ુૈઙ્મઙ્મ ીદૃટ્ઠર્ટ્ઠિીં.’

આ સ્વર સરસ્વતીચંદ્રે સાંભળ્યો તેની સાથે સાથે એનું હૃદય ધડકવા લાગ્યું ને ત્યાં હાથ મૂકતી કુમુદનું હૃદય પણ ધડકવા લાગ્યું. બે જણ ઊઠ્યાં ત્યાં સર્વ સ્વર શાંત થઈ ગયા અને છાયાઓ એક પછી એક અદૃશ્ય થઈ જવા લાગી. સર્વને અંતે લક્ષ્મીનંદનની છાયા, તેની પાછળ બુદ્ધિધનની છાયા, ને તેની પાછળ વિદ્યાચતુરની અને ગુણસુંદરીની છાયાઓ એકલી પોતપોતાની સિદ્ય્ધ સહચારિણીઓની સાથે તેમના કુંડ ઉપર અટકી થભી. અટકતં અટકતાં વિદ્યાચતુર છાયા, ગુણસુંદરીની છાયાને ઉઠાડી ગાવા લાગી. સરસ્વતીચંદ્રને કુમુદ હાથ જોડી પ્રણામ કરી સાંભળતાં ઊભાં.

‘તપ્યાં તપ તો ય હરિ ક્યાંથી ?

જપ્યા જપ તો ય હરિ ક્યાંથી ?

ન પૂજાથી, ન તીર્થોથી

, મળે એ ! વહાલી, લે શોધી.

ખમી તેં કષ્ટ, દીધ સુખો !

હણ્યાં સર્વે તણાં દુઃખો !

ન યશ એમાં જરી લીધો,

હૃદયનો ઘા ખમી લીધો.

મૂક્યો સૌ સ્વાર્થને આઘો,

જુવાનીનો ત્યજ્યો લહાવો.

લડાવી ન રંક પુત્રીને,

ન સંભારી જ જનનીને.

તપ્યું તપ એ અહોનિશ,

જપ્યો જપ કર્મ-જગદીશ.

મનસ્વિની ! યોગિની ! બાલા !

મને તુજ યોગ આ વહાલા !

હરિ ! તારા હૃદયમાં એ !

સદા તું પૂજ્જ એને !

બીજાંનો ઈશ છે બહાર,

ગુણિયલ ઈશમાં માય.

ખમી દુઃખ, સુખ દેવાની,

સદા જો હોંસ રહેવાની,

પ્રભુ તુજથી નહીં ન્યારો

કદી યે વહાલી રહેવાનો.

નથી એથી બીજો ધર્મ.

પ્રભુનો નહીં બીજો મર્મ,

બીજો ના મોક્ષ આથી કો,

મને યે તું વહાલી આથી હોં !

ભવોભવ આપણે એક;

ગુણિયલ ! જાળવે ટેક !

વસો તુજ કાળજે નાથ,

હું યે ત્યાં ને તું યે ત્યાં જ.’

આ ગાન આરંભાયું તે કાળે ગુણસુંદરી ઘરનાં વાસણ સાજતી ને ઝાડુ કાઢતી દેખાઈ ને તેનાં પુસ્તક દૂર પડી ફાટી થતાં જણાયાં. વિદ્યાચતુરની છાયા બેસી પડી ને એ પુસ્તક એકઠાં કરી હાથમાં લઈ, ગુણસુંદરીની છાયાની દાસી પેઠે ઊભી. ત્યાં ધર્મલક્ષ્મીની સિદ્ધમૂર્તિ દેખાઈ. એના દૃષ્ટિપાતથી ગુણસુંદરીની પાસેનાં વાસણ સુવર્ણમય થઈ ગયાં, ઝાડુ પુસ્તકમય થઈ ગયું, વાસણને ચોપડેલી રાખ રત્નમય થઈ ગઈ, ને ઝાડુ તળેનો કચરો અક્ષરમય થઈ ગયો. વિદ્યાચતુરના હાથમાંનાં પુસ્તક ત્યાંથી ઊડી ગુણસુંદરીના હૃદય ઉપર મોતીની માળા થઈ ગયાં. ધર્મલક્ષ્મી અંતે સ્વસ્થ થઈ કુમુદને કહેવા લાગી :

‘બેટા ! મારા કરતાં તારી માતાનું તપ વધારે ઉગ્ર છે ને મેં જે દેવોની પૂજા કરી છે તેના કરતાં તારી માતાએ કરેલી પૂજાનો ઈશ્વરે અનેકધા વધારે સૂક્ષ્મ ને શાશ્વત સત્કાર કરેલો છે તેનો પ્રભાવ તું જુએ છે. એણે માત્ર મારા જેવાના આશીર્વાદ - કૃપણ ચિત્તોને તૃપ્ત કરવાના અને પતિનાં માતાપિતાની મૂર્ખ વાસનાઓને પતિની પેઠે જ તૃપ્ત કરવાના, કર્મમાં ઈશ્વરને પ્રત્યક્ષ કરેલો છે અને ઈશ્વરની પૂજા ગણી છે. તે મહાપૂજાનું કલ્યાણફળ તે આજ ભોગવે છે ને ભોગવશે,. મારા પુત્રે આરંભેલા પિતૃયજ્ઞમાંતારી માતા અદ્વૈતરસથી જોડાઈને પતિનો ભાર પોતાને માથે લીધો, પોતાની નિન્દા કરનારના ઉપર ક્રોધે ભરાઈ નથી, સ્તુતિથી પ્રફુલ્લ થઈ નથી, દુઃખકાળે શોકમાં કળી ગઈ નથી, વિદ્યાથી કે સંપત્તિથી ગર્વિત થઈ નથી, ને જે સાત્ત્વિક પ્રકાશમાં તમે બે જણે સહચાર કર્યો તેગો જ સાત્ત્વિક પ્રકાશ એ મહાપતિવ્રતાના નિષ્કામ પ્રીતિયજ્ઞ ઉપર સળગ્યો છે ને સળગે છે. બેટા, આ પવિત્ર દર્શનથી તું બોધ ને શાન્તિ પામજે. હું સિદ્ધસ્વરૂપે પણ તારી માતાના છાયાની દાસી થવાને જ યોગ્ય છું. તારા દાદા એ વાત પ્રથમથી સમજ્યા હતા. ને એ સમજણથી જ એમણે તારી માતાની ભક્તિ કરેલી છે અને તેના પુણ્યથી એમનાં સર્વ પાપ પૃથ્વી ઉપર જ ધોવાઈ ગયાં છે. એ પુણ્ય થયેલો જીવ આ ભક્તિથી સિદ્ધ થઈ અહીં આવશે. એ પ્રથમથી સમજ્યા તે વાત હું સિદ્ધ થયા પછી સમજી. તારી માતા જેવી મહાતપસ્વિની સાત્ત્વિક મહાપતિવ્રતની પાસે હું એના ચરણની રજ જેવી છું, અને તારા પિતાને પણ એની સેવા કરવા પામવાનો પ્રસંગથી જ પુણ્યશાળી થયો સમજ્જે.’

આ સ્વર બંધ થયો ત્યાં એ સ્વર પાસેની છાયાઓ કંઈક ઝાંખી થવા લાગી ને છેટે બુદ્ધિધનની છાયા વધારે ચળકવા લાગી. થોડી વારમાં એ છાયાને શરીરે સંન્યાસીનાં ભગવાં વસ્ત્ર દેખાયાં ને તેની પાસે ઊભી ઊભી અલકકિશોરી, ‘ભાભી ! આવો ! ભાભી! આવો ! દેવી ગઈ, પણ તમે આવો ! મરી મોટેથી હૈયાફાટ આક્રંદ કરતી દેખાઈ.

આની સાથે જ ચંદ્રલક્ષ્મીના હાથમાંથી લક્ષ્મીનંદનની છાયાના આખા મુખ ઉપર આંસુ રેલાતાં દેખાયાં ને પર્વત ઉપર રાત્રે તારા ચળકે તેના જેવો પ્રકાશ ધારણ રીને ચકળવા લાગ્યાં ને ત્યાં આગળથી અનેક ખરતા તારાઓના તેજસ્વી લંબાતા તાર પેઠે એના શરીર પરથી નીચેના કુંડમાં ટપકવા ને પ્રતિબિંબ નાંખવા લાગ્યાં. એટલામાં એના હૃદયમાંથી ઊછળતા હોય એવા સ્વર એના મુખમાંથી આકાશ ભણી જવા લાગ્યા : ‘ભાઈ! ભાઈ ! મહિનામાં નહિ આવો તો હું જીવવાનો નથી હોં !’

થોડી વારમાં સર્વ સ્વર બંધ થઈ ગયા અને મોજાંના ખળભળાટ ને પવનના વધતા સુસવાટા વિના બીજું કાંઈ સંભળાવું બંધ થઈ ગયું. આકાશમાં વીજળી ચમકારા કરવા લાગી ને પિતામહકુંડમાં ભયંકર પ્રતિબિંબ નાખવા લાગી. ચંદ્રમા અસ્ત થયો ને એની પાછળના પ્રકાશની પીઠ ઉપર બેસી અંધરારે ચંદ્રને અને ચંદ્રપ્રકાશને ચંગદી ચાંપી ભોંયભેગા કરી નાખ્યા. વીજળીના ચમકારા થતાં જગત જેટલું ભયંકર થતું તેથી વધારે ભયંકર, ચમકારો શાંત થતાં, થતું અને, વળી ચમકારો થતાં, વધારે ભયંકર થતું. પવનના સુસવાટા વધ્યા ને ઉપર આકાશમાં પછડાવા લાગ્યા તેમ કુંડનાં મોજાંને પણ ઉછાળવા ને ગજાવવા લાગ્યા. અંધકાર અને ગર્જનાઓ દશે દિશાએ વ્યાપી ગયાં ને સરસ્વતીચંદ્ર અને કુમુદ એકબીજાનાં શરીર દેખાતાં બંધ થઈ ગયાં. માત્ર દિવ્ય હૃદયબંધથી સ્વામીને ઓળખી ભયભીત કુમુદ એને ગાઢ આલિંગન દઈ ઊભી ત્યાં પ્રથમ વીજળીનો કડાકો, હજાર તોપો સાથે લાગી ફૂટે તેના જેવો, થયો ને તે સાથે, આંખ ઊઘાડી-મીંચાય એટલા પલકારા જેટલી પળમાં એનો ચમકારો થઈ શાંત થઈ ગયો ને અંધકાર એના ઉપર ચડી બેઠો. એ પ્રકાશની પળમાં આ બે જણે પોતાના સર્વ વડીલવર્ગને તેજકુંડનાં મોજામાં ડૂબી જતાં દીઠાં ને ચારે પાસની ગર્જના વચ્ચે

‘કુમુદ ! કુમુદ !’, ‘ભાઈ ! ભાઈ !’, ‘ભાભી !, ઓ ભાભી !’ એવી દુઃખભરી કારમી ચીસો સંભળાઈ.

વીજળીનો બીજો ચમકારો થતાં આ સ્વપ્નના સરસ્વતીચંદ્રે સ્વપ્નની કુમુદને છળેલી આંસુભરી અને પોતાને વળગી પડેલી જોઈ લીધી, ને ચમકારો બંધ પડે તે પહેલાં તો તેમની પાંખોએ તેમને ઊંચક્યાં અને જે દિશામાંથી સ્નેહીજનોના દુઃખની ચીસો સંભળાતી હતી તે દિશામાં વીજળીના કરતાં વધારે વેગથી લીધાં. પળવારમાં એ બે શરીર આ કુંડમાં આ અંધકાર, ગર્જનાઓ, મોજાં અને ચીસો વચ્ચે ઊડી પડ્યાં; પડી કુંડને તળિયે ડૂબ્યાં; ને ડૂબ્યાં તેની સાથે તેમનું આ મહાસ્વપ્ન વિરામ પામ્યું, ને સૌમનસ્યગુફાના ઓટલા ઉપર સરસ્વતીચંદ્રના ચરણને પોતાના ખોળામાં લઈ છાતી સાથે ચાંપી રાખી, બેઠી બેઠી, અંચળાને ઉશીકે ઊંઘથી કુમુદસુંદરીના સ્થૂળ શરીરને જ જોવાનું બાકી રહ્યું. પણ એવામાં જ આકાશનો ચંદ્ર અસ્તાચળથી પાછળ કૂદી પડ્યો ને એ શરીરનું દર્શન કરાવનાર ચંદ્રપ્રકાશના ઉપર પણ અંધકારનો પડદો પડી ગયો. હવે તો આ બે જીવ જાગે ત્યારે તેમનો પોતાનો અંતઃપ્રકાશ કેવી દૃષ્ટિ રચે છે તે જોવાના કાળની વાટ જોવી બાકી રહી.