Ghonchu books and stories free download online pdf in Gujarati

ઘોંચું

ઘોંચું

સાતસો દસ ને ઉપર આ પાંચ-સાત રૂપિયાનું ચિલ્લર..

આજ ત્રીજી તારીખ થઇ ગઈ, સાતમી સુધીમાં રૂમનું ભાડું આપવાનું છે, લોજવાળાને એડવાન્સ આપવાના છે.. ક્યાંથી કાઢવા ? ખીસાં, પાકીટ, બેગ બધું ખંખેરીને જેટલા ભેગા થયા હતા એ પૈસા ગણીને નવીને વિચાર્યું..! પગાર હજી આવ્યો નથી, ને આવશે તો પણ ત્રણ હજારથી વધુ નહી આવે, આખા મહિનામાં ઉપાડ જ એટલો થઇ જાય છે. પગાર પણ ક્યાં એટલો છે ! બે ટંક ખાવાના ખર્ચા ને આઠ બાય આઠની ખોલીના ભાડાં ઉપરાંત પરચૂરણ ખર્ચો કરવાથી વિશેષ કાંઈ વધે એમ પણ નથી. ફરી પાછું ઉછીનું-ઉધારીનું ચક્કર શરુ, પાછી આવતા મહીને ઘટ આવીને ઉભી રહેશે... બે છેડા ભેગા કરવા માટે પહેલાં બે’ય છેડા હાથમાં પકડાવા તો જોઈએ ને !

નવીન આજ જમવા પણ ન ગયો, એને ખબર જ હતી કે લોજવાળો એવી રીતે સામે જોશે જાણે કાયમ મફત જ ખાતો હોઉં. કાલ કાંઇક મેળ કરીને પહેલાં લોજવાળાને આપી દઉં. એટલે ભૂખ્યા તો ન રહેવાનું થાય ! પછી મકાનમાલિકને જોઈ લેશું. એમ વિચારતો વિચારતો વેફર્સ ખાઈને સુઈ ગયો.

....

પગારમાંથી ઉપાડ કરીને નવીને લોજનું તો આ મહિનાનું એડવાન્સ ચૂકવી દીધું, ખોલીનું ભાડું આપી દીધું, આ મહિનો નીકળી ગયો પણ કાંઇક કરવું તો પડશે જ. આમ ક્યાં સુધી પીસાવાનું ? પણ કરવું’ય શું એવા વિચારો તો સતત આવે રાખે, નવીનને કાંઈ સૂઝતું નહોતું.

સિવિલ એન્જીનીયરીંગની ડીગ્રી લઈને નવીન બહાર પડ્યો, ત્યારે તો હવામાં જ ઉડતો હતો. બસ, હવે તો કન્સ્ટ્રકશન લાઈનમાં એન્જીનીયરની જોબ હમણા મળી જ જશે. અનુભવ લઇને કન્સ્ટ્રકશનમાં ઝંપલાવીને બિલ્ડર બની ડંકો વગાડી દેવો છે. પણ કામચલાઉ એક ફોર્જિંગ ઇન્ડસ્ટ્રીમાં સુપરવાઈઝરની નોકરી લીધી એ લીધી, એમાં કન્સ્ટ્રકશન લાઈન બાજુએ રહી ગઈ. ભાડાની ખોલીમાં એવો કેદ થયો કે દીવાલને પ્લાસ્ટર મારવાનો તો ઠીક.. ચૂનો પણ લગાવી શકે એવી પરીસ્થિતિ નહોતી રહી.. હાલ પૂરતો તો નવીનની પ્લાસ્ટર વગરની લાઈફ પર બદનસીબીનો ચૂનો લાગી ગયો હતો.

....

નવીન્યા, જા.. તને બોસ બોલાવે છે.. એક સાથી કર્મચારીએ કહ્યું, એટલે કામ સમેટીને નવીન બોસની ચેમ્બરમાં ગયો. આ બોસ એટલે કંપનીનો શેઠ, માલિક.. જે કાંઈ કહો એ. પણ ભારે તુંડમિજાજી, તોછડો. નવીનને ઘણી વાર ગુસ્સો ચડતો કે સાલાને બે ઉંધા હાથની વળગાડી દેવી જોઈએ, પણ પછી નોકરી જવાની બીકે ‘જી સર.. હાં જી સર’ કહીને મન મનાવી લેવું પડતું.

અંદર આવું સર.. !!

જાણે કંપની લખાવી લેવા આવ્યો હોઉં એમ બોસે નવીન સામે જોયું. પછી બોલ્યા, સિવિલ કર્યું છે ને ?

જી સર..

હમમમ.. તો કન્સ્ટ્રકશનનું સુપરવીઝન ફાવશે ?

જી સર.. કેમ નહી !!

તો ચાલ.. એટલું કહીને એ ઉભા થઇને ચાલ્યા, નવીનને કાંઈ સમજાણું તો નહોતું પણ મૂંગા મોઢે બોસની પાછળ દોરવાયો. પાર્કિંગમાં જઈને બોસે કાર કાઢી, નવીનને કહ્યું કે બેસી જા.

બોસ સાથે નવીન્યો કારમાં !! બીજા વર્કર્સ, સુપરવાઈઝર્સ નવીનને આશ્ચર્યથી જોતા હતા, એટલે કારમાં બેસતાં નવીન જરા ફુલાઈ ગયો. એને ખબર ન હતી કે બોસ શું કામ અને ક્યાં લઇ જાય છે. પણ સિવિલ વર્ક રીલેટેડ મેટર છે એટલું નવીનને સમજાઈ ગયું હતું. એને મનમાં થયું, મજૂરી લમણે લખાઈ જ છે, તો હવે પૂછવાનું શું ? બેગર્સ હેવ નો ચોઈસ..!

શહેરથી વીસ કિલોમીટર દૂર એક ખુલ્લા વિસ્તારમાં ખેતરો વચ્ચે કાર પાર્ક કરી, નીચે ઉતરી બોસ બોલ્યા... આ ફેન્સીંગ દેખાય છે એ આખો પ્લોટ આપણો છે, ફેક્ટરીનું નવું બિલ્ડીંગ બાંધવું છે. કોન્ટ્રાક્ટ ઓલરેડી અપાઈ ગયો છે, એ બધા કામના કો-ઓર્ડીનેશનમાં તારે લાગી જવું પડશે. કરી શકીશ ?

હવે નવીનને ઝબકારો થયો. આ તો મારું પોતાનું ક્ષેત્ર હાથમાં આવે એમ છે. આમાં હવે એક પણ ડગલું પાછું ન ભરાય. કોઈ જ લાંબો વિચાર કર્યા વગર નવીને બોસને કહી દીધું.. ઓકે સર, આપ મારા પર વિશ્વાસ મુકો છો તો હું આપને શ્રેષ્ઠ પરિણામ આપીશ.

નવીન હવે અસલ સિવિલ એન્જીનીયરના રોલમાં આવી ગયો હતો, એક તો મનગમતું કાર્ય, એમાં અચાનક ખોળામાં આવી પડેલ મોકો. કોઈ વાતે જવા ન દેવાય. બોસના સ્વભાવની પરવા કર્યા વગર નવીને પૂછી લીધું... સર, મારે પ્રોજેક્ટની તમામ ડીટેઈલ્સ જોઇશે, કોન્ટ્રાક્ટર, આર્કીટેક્ટ, સ્ટ્રકચરલ એન્જીનીયર વગેરેના કોન્ટેક્ટ કરવા પડશે. પછી આખા કામનો એક્શન પ્લાન હું આપને બનાવીને આપીશ.

પણ, ધારણાથી વિપરીત, બોસે ગુસ્સો કર્યા વગર કહ્યું.. કાલ સવારે ઓફીસમાં આવી જાજે, ત્યાં બધાને બોલાવ્યા જ છે, મીટીંગ થઇ જશે. પછી તારો એક્શન પ્લાન બનાવીને મને આપ. આખા પ્રોજેક્ટની જવાબદારી તારા પર મુકું છું.. જોજે..

નવીન બોલ્યો.. જી સર.. આપ નિશ્ચિંત રહો..

....

આજના દિવસમાં જે કાંઈ ઘટનાઓ બની, એને રીવાઈન્ડ કરી-કરીને નવીન રાત્રે સુતો સુતો જોતો હતો. એણે મનોમન નિર્ધાર કરી લીધો કે આ એક જ મોકો આવ્યો છે, હવે કોઈ પણ સંજોગોમાં ચૂકાય એમ નથી. બોસ ભલે ગમે તેવું વર્તન કરે. સુપરવાઈઝરના રૂપાળા રેપર નીચે કરું છું એ મજૂરીની નોકરી હવે ન જોઈએ.

સવારે બોસની સૂચના મુજબ ઓફીસમાં પહોંચ્યો. બોસે કોન્ટ્રાક્ટર, આર્કીટેક્ટ સાથે ઓળખાણ કરાવી દીધી. બે દિવસમાં કામ શરુ થવાનું હતું, ત્યાં જ એક મોડ્યુલર ઓફીસ બની જશે, ત્યાં જ એને રહેવાનું થશે. નવીનને થયું કે રાતોરાત કેવું પિક્ચર ફરી ગયું ! જીવનનો ટર્નીંગ પોઈન્ટ આને જ કહેવતો હશે કે શું ?

બે દિવસ તો જાત જાતના વિચારો કરતાં નવીનને મજા આવી જતી હતી. કંપનીમાં પણ બધા પૂછતા હતા કે નવીન્યા, બોલ તો ખરો.. શું થયું ? પણ નવીન હવે જરા રિઝર્વ્ડ થઇ ગયો હતો.. હુઉંહ.. હું કાંઈ આ લોકો જેવો ‘વર્કર’ થોડો છું !!

બે દિવસ પછી સવારે વહેલા ઉઠી કંપનીમાં જઈ, કંપનીનું જ બાઈક લઇને સીધો સાઈટ પર પહોંચી ગયો. બોસ પણ આવ્યા હતા. બપોર સુધીમાં પ્લાન મુજબ પાયાની છાપણી વગેરે શરુ પણ થઇ ગયું, અનેક જાતની સૂચનાઓ આપીને બોસ જતા પણ રહ્યા.

….

ત્રણ મહિના ઉપર સમય થઇ ગયો હતો, કન્સ્ટ્રકશનનું કામ તબક્કાવાર આગળ વધવા લાગ્યું હતું. શરૂઆતમાં બોસ વારંવાર આવતા હતા, પછી અમુક અંતરાલે અને અંતે એવું નક્કી થઇ ગયું હતું કે નવીન ફોનથી વિગતો જણાવી દેતો, કોઈ ચોક્કસ નિર્ણય લેવાનો હોય તો જ બોસ સાઈટ પર આવે.

નવીનની ચોકસાઈ, કામની ચીવટ વગેરે જોઈને બોસ પણ હવે એની સાથે સાલુકાઈથી વર્તવા લાગ્યા હતા. નવીન પાસે સાઈટ પરના પરચૂરણ ખર્ચ માટે નિયત રકમ પણ હાથ પર રહેવા લાગી, જેનો હિસાબ આઠ-દસ દિવસે નવીને આપી દેવાનો રહેતો.

ખીસાંમાં પૈસાનો ભાર વધવા લાગ્યો તેનાથી નવીનનો માનસિક તાણનો ભાર ઘટવા લાગ્યો હતો. ભલે પૈસા પોતાના નહોતા, પણ એક પ્રકારનો નશો મગજ પર છવાયેલ રહેવા લાગ્યો હતો. ક્યાંય પણ વોલેટ ખોલે ત્યારે અંદર નોટોની થોકડી દેખાય એટલે સામેના વ્યક્તિ પર એક ચોક્કસ પ્રકારની ઇમ્પ્રેશન પડે એ મને હવે નવીનને સમજાઈ ગયું હતું.

ખાસ કરીને, જયારે હિસાબ આપવા કે અન્ય કોઈ કામ માટે કંપનીમાં જાય ત્યારે ભૂતકાળમાં સાથે કામ કરતા અન્ય કર્મચારીઓ સામે નવીન કોઈને કોઈ કારણોસર અચૂક વોલેટ ખોલતો. તેમની આંખોમાં દેખાતી ઈર્ષાની ઝલક નવીનને એક છૂપો આનંદ આપવા લાગી હતી.

....

આજ અમાસને કારણે કન્સ્ટ્રકશનનું કામ બંધ હતું, પણ નવીન સાઈટ પર બેઠો હિસાબ જોઈ રહ્યો હતો. છેલ્લા થોડા સમયથી કંપનીના ફંડમાંથી થોડા પર્સનલ ખર્ચાઓ થઇ ગયા હતા એનું એડજસ્ટમેન્ટ કેમ કરવું એ વિચારતો હતો. એવામાં કોન્ટ્રાક્ટર આવી ગયો. નવીનને હિસાબમાં ગળાડૂબ જોઈને એ બોલ્યો... શું સેટિંગ કરો છો નવીનભાઈ ?

નવીન ચમક્યો.. આને કેમ સમજાઈ ગયું ? ભારે થઇ.. આ ક્યાંક બોસ પાસે બકી ન દે..

કોન્ટ્રાક્ટર બોલ્યો, નવીનભાઈ, એમ જ ચાલતું હોય... તમારા માટે આ પહેલું કામ છે. અમે અનેક પ્રોજેક્ટ્સ કરી નાખ્યા. અને એમાં કાંઈ ખોટું નથી મારા ભાઈ... મને ખબર છે, શેઠિયાઓ કામચલાઉ સાહેબ બનાવીને તમને ચૂસી લે, કામ કરાવી લે.. કામ પત્યું એટલે તું કોણ ને હું કોણ.. આ પ્રોજેક્ટ પતશે એટલે હમણા તમને પાછા ફેક્ટરીમાં લઇ લેશે. અત્યારે સારી સારી વાત કરનારો તમારો શેઠ પાછો એ જ પહેલાંની જેમ વડચકાં ભરતો થઇ જશે. અત્યારે તો તમારું કામ છે એટલે...

નવીનને કોન્ટ્રાક્ટરની વાત પણ સાચી લાગી.. બોસનો ભરોસો ન થાય.. અને આમ પણ અહી કેટલો વખત ? ચાર-છ મહિના..? ફરી પાછા ફેક્ટરીમાં જઈને મજૂરી જ કરવાની છે.. એ તો એ ભૂલી જ ગયો હતો ! આ કામનો સાઈટ પર પ્રેક્ટીકલ અનુભવ તો મળે છે, પણ પોતે કદાચ કન્સ્ટ્રકશનનું કરવા જાય તો પૈસા ક્યાંથી કાઢે ? અજાણ્યાને એમ પૈસા ધીરે પણ કોણ ?

નવીનનું મન વાંચી ગયો હોય એમ કોન્ટ્રાક્ટર બોલ્યો.. સાહેબ તમારી પાસે ડીગ્રી છે, હોંશિયાર પણ છો.. ને મારી પાસે અનુભવ અને પૈસા છે.. બોલો હાથ મિલાવવા છે ? એક વાર તમે હા પાડો.. પછી તમારી અત્યારની નોકરીમાં જેટલો પગાર મળે છે એ તમારી રોજની સરેરાશ આવક થઇ જાય. બોલો..

વિચાર તો મજાનો છે.. નવીને વિચાર્યું અને પછી બોલ્યો... હમમમ.. મને વિચારવા દો..

કાંઈ વાંધો નહી સાહેબ, વિચારી લો.. આપણે બે’ય અહી જ છીએ.. નિરાંતે વાત કરશું.. પણ જોજો.. ગંભીરતાથી વિચારજો.. લક્ષ્મી તિલક કરવા આવી છે એમ સમજજો.. એટલું કહીને કોન્ટ્રાક્ટર જતો રહ્યો અને નવીનના મનમાં ધંધાની ઈમારતના ચણતરના પાયા ખોદતો ગયો.

….

પરમદિવસે તમે વાત કરી એના પર મેં બહુ વિચાર્યું.. મને લાગે છે આપણે આગળ વધીએ..

એમ ને નવીનભાઈ.. તો થઇ જાય.. હવે એક કામ કરો. આજ રાત્રે તમે અહીંથી નીકળીને મને ફોન કરજો.. આપણે બહાર જ ક્યાંક મળીએ. નકામું અહી બેઠા બહુ વાતો કરશું તો બે જણાનું ધ્યાન ખેંચાશે..

....

સાંજે સાતે’ક વાગે ફોન કર્યો, કોન્ટ્રાક્ટરે નવીનને એક રેસ્ટોરાંમાં મળવાનું કહી દીધું.

લગભગ દસ સુધી ઘણી વાતો કરી.. કોન્ટ્રાક્ટરના મગજમાં એ વાત હતી કે ગવર્નમેન્ટ કોન્ટ્રાક્ટ લેવા માટે સિવિલ એન્જિનિયર હોવું જરૂરી છે, એમાં એ નવીનનો ઉપયોગ કરી શકે, ઓફિસિયલ પ્રોસીજર્સ નવીને હેન્ડલ કરવાની, બાકી કન્સ્ટ્રકશનનો કોન્ટ્રાક્ટ મળે પછી બધું એ પોતે સંભાળે.

પ્રાઈમરી વાતો થઇ ગઈ પછી સમયાંતરે એ માટે બંને મળતા રહ્યા, તખતો બનતો ગયો. અને આગલા ત્રણ મહિનામાં તો કોન્ટ્રાક્ટરે પોતે ખર્ચો કરીને નવીનના નામે એક પ્રોપરાઈટરી કંપની પણ ખોલાવી નાખી ‘એન્જિનિયર્સ એન્ડ બિલ્ડર્સ’.. ચોક્ખી સમજૂતી કરી લીધી કે ભલે નવીન પ્રોપરાઈટર હોય, પણ એ જે પ્રોજેક્ટ લે એમાં અંદરખાને કોન્ટ્રાક્ટર પણ પચાસ ટકાનો હિસ્સેદાર... કોન્ટ્રાક્ટર કહેતો હતો કે નવીનભાઈ, તમતમારે બે ના બે ગણો, મને તમારા પર ભરોસો છે.

....

કંપનીની નોકરી તો એનું બિલ્ડીંગ બન્યું એ જ સમયે નવીને છોડી દીધી હતી. પણ એ પ્રોજેક્ટ પૂરો થતાં સુધીમાં કોન્ટ્રકટર સાથે સારું સેટિંગ થઇ ગયું હતું એટલે એમાંથી તગડી કહી શકાય એવી ‘બે નંબરી મલાઈ પણ કમાઈ ચૂક્યો હતો.

....

શહેરથી દૂરના વિસ્તારમાં કોન્ટ્રાક્ટરનો એક બેડરૂમ નો ફ્લેટ હતો એમાં રહેવા પણ જતો રહ્યો હતો. આઠ બાય આઠની ખોલીથી શરુ થયેલી સફરમાં કંપનીના એક પ્રોજેક્ટે નવીનની તકદીર ખોલી નાખી હતી.

નવીનનું ભણતર, ઈંગ્લીશની આવડત, બોલવા-ચાલવામાં સ્માર્ટનેસ.. આ બધાના પરિણામે પહેલો જ કોન્ટ્રાક્ટ એક બેંકનું બિલ્ડીંગ બનાવવાનો મળી ગયો. આખો પ્રોજેક્ટ પાર પાડતાં લગભગ વીસે’ક લાખનો પ્રોફિટ થતો હતો. એટલે તકદીરની બદલાયેલી ઈમારત પર સિમેન્ટના પ્લાસ્ટર ઉપરાંત પ્લાસ્ટિક પેઈન્ટ પણ ચડવા લાગ્યો.

....

બે વરસમાં તો દુનિયા ફરી ગઈ. નવીન કાર લઇને ફરતો થઇ ગયો. પોતાની ડીગ્રીમાં કોન્ટ્રાક્ટરની આવડત અને એનો પૈસો ભળ્યો બધાનો સરવાળો એક પછી એક નાના મોટા ગવર્નમેન્ટ પ્રોજેક્ટ્સના રૂપમાં કેલ્ક્યુલેટરની સ્ક્રીન પર દેખાવા લાગ્યો હતો. અને પહેલી નોકરીના જૂના સાથીદારો માટે ‘નવીન્યો’ હવે ‘નવીનભાઈ’ બની ગયો હતો.

....

કંપનીની નોકરી દરમ્યાન આવેલ આ ટર્નીંગ દરમ્યાન કોન્ટ્રાક્ટરે શિખવેલ ‘બે નંબરી મલાઈ’ના હથકંડા નવીને હવે પોતાની જ કંપનીમાં અજમાવવા શરુ કરી દીધા હતા. કોન્ટ્રાક્ટર બિચારો હિસાબમાં શું સમજશે ! એમ માનીને નવીન સારી એવી રકમ કોર્નર કરી લેતો. ગવર્નમેન્ટના કોન્ટ્રાક્ટ માટે આ સાહેબને આટલા આપવાના છે.. ને બીજા સાહેબને જરા રાજી કરવાના છે.. એવું બધું કરી કરીને પ્રોફિટમાંથી અંદાજે પાંચ-સાત ટકા વધારાના પોતાના ખીસામાં સેરવી દેવાની ફાવટ નવીનને આવી ગઈ હતી. ખોટું કર્યાની લાગણી મનમાં ક્યારે’ક ઉગી આવે તો એમ માનીને મન મનાવી લેતો કે આપણે ક્યાં ખબર છે, કોન્ટ્રાક્ટર પણ બાંધકામના મટીરીયલમાં ઘાલમેલ કરતો હોય તો ! આવું તો ચાલે.. અને ભલે પચાસ-પચાસ ટકા નક્કી કર્યા, પણ બુદ્ધિ તો મારી કામ કરે છે ને ! એના તો મને જ વધુ મળવા જોઈએ ને ! અત્યાર સુધી એણે બાંધકામ કર્યાં, પણ આવા કોન્ટ્રાક્ટ ક્યાં મળતા હતા..! એ તો મેં બધું હાથમાં લીધું ત્યારે.. ને આમ પણ જે કાંઈ કોન્ટ્રાક્ટ્સ મળે છે એ અલ્ટીમેટલી તો મારી જ કંપનીના નામે હોય છે.. કંપનીની ગુડવિલના પણ કાંઇક તો બેનિફિટ્સ હોવા જોઈએ ને !

નવીને મન મનાવી લીધું.. અને પછી એ પ્રવૃત્તિ પણ ધમધોકાર ચાલવા લાગી. જે દિવસે કોન્ટ્રાક્ટરને ખબર પડશે તે દિવસે જોયું જશે..

....

એક ટેન્ડર બહાર પડ્યું હતું, સ્ટેટ ગવર્ન્મેન્ટના ત્રણ-ત્રણ માળીયાં ક્વાર્ટર્સની આખી ટાઉનશીપ બનાવવાની છે. જો આ કોન્ટ્રાક્ટ મળી જાય તો જમાવટ થઇ જાય. કોન્ટ્રાક્ટર સાથે બેસીને આડા-ઉભા.. જાહેર-છાના.. એક નંબરી-બે નંબરી.. બધા જ આંકડાઓ માંડી લીધા. અને ખૂબ જ ચીવટથી એ ટેન્ડર ભર્યું.

જે તે ખાતામાં નવીને સારા એવા દાણા પણ વેરેલા હતા, ‘સબંધો’ પણ કેળવી રાખ્યા હતા. અનેક પ્રકારના હથકંડા અજમાવીને આ ટેન્ડર પાસ કરાવી લેવું એવું નક્કી જ કરીને નવીને ‘લક્ષ્મીદેવી’ નું નામ લઈને (કે દઈને) ટેન્ડર સબમિટ કરી દીધું.

ત્રીસ દિવસ પછી નવીનની ઓફિસે ફટાકડા ફૂટ્યા.. ટેન્ડર નવીનના ખોળામાં આવી પડ્યું હતું. જબરદસ્ત પાર્ટીનું આયોજન થઇ ગયું. ગવર્ન્મેન્ટ ડીપાર્ટમેન્ટના અમુક ‘ચોક્કસ’ ઓફિસરો, કોન્ટ્રાક્ટર અને નવીન પોતે, નજીકના કેન્દ્રશાસિત પ્રદેશમાં બે દિવસ ‘ઉજવણી’ પણ કરી આવ્યા.

....

કામ ધમધોકાર શરુ થઇ ગયું હતું. કોન્ટ્રાક્ટર વારંવાર વિગતે ફોન કરે, એકાંતરે-બે દિવસે ઓફીસ આવીને બધા મૌખિક રિપોર્ટ્સ આપી જાય. નવીન એ બધી માહિતીઓ પરથી પેપરવર્ક કરીને સમયે સમયે ગવર્નમેન્ટ ડીપાર્ટમેન્ટને સબમિટ કરતો જાય.

ઓફિસરો પણ એવા સેટ થયેલા હતા કે સાઈટ પર રૂબરૂ આવવાને બદલે નવીનની ઓફિસે જ બેસીને બધા રિપોર્ટ્સ ઓકે કરતા જાય. તબક્કાવાર જેમ જેમ ડીપાર્ટમેન્ટમાંથી પેમેન્ટ છૂટતું જાય એમ એમ ખર્ચા બાદ કરી નવીન કોન્ટ્રાક્ટરને પૈસા આપતો જાય. ખર્ચાઓમાં ‘ઓફીશીયલ’ ખર્ચાઓ સાથે ઓફિસરોનો ભાગ પણ બાજુએ નીકળતો જાય, જેમાં રાબેતા મુજબ નવીનનો પોતાનો છૂપો ભાગ તો હોય જ.

નવીને બ્લેકના પૈસામાંથી કાંઈ મિલકત ખરીદી ન હતી, મનોમન હિસાબ માંડી બેસતો, ત્યારે વિચારતો કે એકાદા સી.એ.ને કન્સલ્ટ કરીને હવે કાંઇક સેટિંગ કરવું પડશે. આમ કેશ ઘરમાં ને ઘરમાં ક્યાં સુધી છૂપાવીને રાખી મુકવી ! મનોમન હિસાબ માંડતા લગભગ બે-અઢી કરોડને આંકડો આંબી ગયો હતો.

....

નિર્ધારિત સમયગાળામાં આખો પ્રોજેક્ટ પૂરો થઇ ચૂક્યો હતો. ડીપાર્ટમેન્ટને હેન્ડઓવર કરવાની જ વાર હતી. કદાચ નેક્સ્ટ વિકમાં બધી પ્રોસેસ થઇ જશે. પછી પેમેન્ટ આવી જાય એટલે બ્લેક-વ્હાઈટ બધું થઈને... વાહ.. સાડા ચાર કરોડ ઉપર આંકડો પહોંચી જવાનો.

નવીને પ્લાન ઘડવા માંડ્યા કે કેમ ઇન્વેસ્ટ કરવું. એક તો હવે મારો પોતાનો ફ્લેટ લેવો છે, એકાદી સારી કાર.. ઘણું કરવું છે.. પ્લાનિંગ કરી રાખવું જોઈએ. પાસપોર્ટ તો કઢાવ્યો જ છે, થોડો બ્રેક લઈને એકાદી ફોરેન ટૂર પણ મારી લઉં. પૈસા કમાણો છું તો જાત માટે પણ વાપરીએ ને, બાકી ભેગા કર્યા કર્યે શું ફાયદો ? પણ પહેલાં કોઈ સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને કાલે જ મળી લઉં.

....

વહેલી સવારે ચાર વાગે ફોનની રીંગ વાગી. સાડા ચાર કરોડના મસાલેદાર સપનામાં વિહરતા નવીનને લાગ્યું કે સવારના સપનાં સાચાં પડતાં હોય છે એ સાચું હશે ? એમ વિચારતાં ફોન ઉપાડીને બોલ્યો... હલો.. ગૂડ મોર્નિંગ...

ગવર્ન્મેન્ટના પ્રોજેક્ટ ઇન-ચાર્જ ઓફિસરનો જ ગભરાટભર્યા અવાજે ફોન હતો..

નવીનભાઈ.. ગૂડની ક્યાં માંડો છો..? ફટાફટ નીચે આવો, તમારા ફલેટ નીચે જ ઉભો છું...

નવીન ચમક્યો.. ફોન મુકીને ફટાફટ નીચે ગયો. કાળા ગ્લાસવાળી કારમાં પેલો ઓફિસર બેઠો હતો. કારમાં અંદર બેસીને નવીન બોલ્યો... શું વાત છે સાહેબ..?

નવીનભાઈ, લોચો થયો છે... કોલોનીની ત્રણ વિંગ બેસી ગઈ છે.. થોડું નબળું કામ કરીને સેટિંગ કરવાનું હતું એ સાચું, પણ યાર આવું નબળું ? તમે ફસાઈ ગયા યાર..!

નવીનની બુદ્ધિ બહેર મારી ગઈ.. બે મિનીટ તો વાચા હણાઈ ગઈ હોય એવો શૂન્યમનસ્ક થઇ ગયો હતો.. જરા કળ વળી એટલે એને દલીલ સૂઝી.. એ સાહેબ.. હું ? હું એકલો શેનો મારા સાહેબ ? કોન્ટ્રાક્ટર પણ છે જ ને એણે જ કન્સ્ટ્રકશન કર્યું છે ! તમે પણ છો.. તમે જ ટેસ્ટીંગ રિપોર્ટ્સ સાઈન કર્યા છે.. તો હું એકલો કેમ ?

અરે.. નવીનભાઈ, તમે જરા અક્કલ વાપરો.. કોન્ટ્રાક્ટ તમારી કંપનીના નામનો છે.. કોન્ટ્રાક્ટર ક્યાંય પિક્ચરમાં નથી. ને અમે રહ્યા ગવર્ન્મેન્ટ અધિકારીઓ.. એકબીજાનું ઢાંકવામાં પાછુ વળીને નહિ જોઈએ.. તમે તમારી ચિંતા કરો.

... હવે નવીન ભારે ચકરાવે ચડ્યો..

પણ.. આ ક્યારે બન્યું ?

ક્યારે.. ક્યાં.. કેમ.. શું કામ.. એ બધી લપ મુકો નવીનભાઈ, મને બે કલાક પહેલાં જ ફોન આવ્યો. હજી અમે બે-ત્રણ જણા જ જાણીએ છીએ. સવાર પડી નથી એટલે મેટર પબ્લિક નથી થઇ. પણ જેવું આ ચેપ્ટર ફેલાશે, એટલે શું થઇ શકે એની કલ્પના તો કરો નવીનભાઈ !! કેમ સમજતા નથી ? સરકાર સાથે છેતરપિંડીનો કેસ થશે. તમે તો જશો.. કેટલા વર્ષ માટે એ કોણ જાણે !

નવીનને હવે ગંભીરતા સમજાવા લાગી. આ તો ભારે ફસાણો.. હવે શું કરવું ? કોઈ જ રસ્તા સમજાતા ન હતા. જેમ જેમ વિચાર આવે એમ એમ રસ્તા દેખાવા જ બંધ થવા લાગ્યા. પંદર જ મીનીટમાં જાણે દસ વર્ષ ઉમર વધી ગઈ હોય એવું ચહેરા પર દેખાવા લાગ્યું.

નવીનભાઈ.. નવીનભાઈ..

ઓફિસરે નવીનને ઝંઝોડ્યો.. પોલીસવાળા ઇન્ટરોગેશન કરતા હોય જાણે.. એમ જ નવીન ઝબક્યો.. કાલ સુધી ઓફિસરોને પૈસા આપતી વખતે કુતરાને બટકું નાખતો હોય એવો મનોમન ગર્વ અનુભવતો નવીન અત્યારે એ જ ઓફિસર સામે શેરીના ગરીબડા કુતરા જેવો બની ગયો હતો. એણે સામેથી જ પૂછ્યું, હું શું કરું સાહેબ ? મને કાંઈ સમજાતું જ નથી. તમે કાંઇક રસ્તો બતાવો ને ! પ્લીઝ.. મને આમાંથી કાઢજો હો !

કેસ દાબવા માટે કાંઇક કરવું પડશે નવીનભાઈ...

શું કરું ? તમે કહો એમ.. કોન્ટ્રાક્ટરને પણ જાણ..

એનું વાક્ય અડધેથી કાપીને ઓફિસર બોલ્યો.. કોન્ટ્રાક્ટરની ચિંતા મુકો, એક તો એ ક્યાંય ડાયરેક્ટ પિક્ચરમાં નથી, નાની મોટી તકલીફ એને થશે તો પણ એ આબાદ નીકળી જાશે.. કારણ ગવર્નમેન્ટના રેકોર્ડ્ઝ પર કોન્ટ્રાક્ટર તમે છો.. તમે સમજો છો ને નવીનભાઈ ? ને આમ પણ આ ઘટનાની જાણ કરવા બીજા સાહેબ ઓલરેડી કોન્ટ્રાક્ટર પાસે પહોંચી ગયા જ છે.. અત્યારે મારી જેમ એ સાહેબ પણ ત્યાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરતા જ હશે.. પણ તમે તમારું ફોડો.. બીજાની ચિંતા મુકો.. મારા સાહેબ.. તમે આપણા માણસ છો.. એટલે આમાંથી કાઢવા આવ્યો છું.. યાર.. ને તમે બીજાની લપ લઇને બેઠા ?

....

એક કલાકની ચર્ચા પછી નવીન હિપ્નોટાઇઝ્ડ થયેલા માનવીની જેમ ગવર્નમેન્ટ ઓફિસરની તમામ સૂચનાઓને અનુસરવા લાગ્યો હતો.

સાહેબે સમજાવ્યું એમ, નવીનને ડર એક જ વાતનો હતો કે ક્યાંક પોલીસના ઝપાટે ચડી ગયા તો ઝીંદગી બદ્તર થઇ જશે.. કોઈ કાયદાકીય ગૂંચવાડો થયો તો બહાર જ નીકળી નહી શકાય. એટલે પોતાની પાસે જે કાંઈ કેશ પડી હતી એ બધી ઓફિસરને આપી. બીજું તો કાંઈ હતું નહી.. ફ્લેટ કોન્ટ્રાક્ટરનો હતો. ઓફિસરે ફ્લેટમાં આવીને સામાન પેક કરવામાં મદદ કરી.. ને કલાકમાં તો નવીનને એરપોર્ટ પર પહોંચાડી દીધો.

જે પહેલી ફ્લાઈટ અવેલેબલ હતી એ હતી દિલ્હીની. કોઈ દિશા નિશ્ચિત ન હતી.. એટલે એ ફ્લાઈટની ટીકીટ લઇને નવીન ચડી ગયો. ચડતા પહેલાં નવીનનો મોબાઈલ પણ ઓફિસરે લઇ લીધો.. એમ કહીને કે નવીનભાઈ.. તમારો ફોન હું ડીસ્ટ્રોય કરી નાખીશ.. એટલે તમે ટ્રેસ ન થઇ શકો.

નવીને એ ઓફિસરની મદદ બદલ આભાર માનવા કોશિશ કરી, પણ એ ઓફિસરે કહ્યું.. હોતું હશે નવીનભાઈ.. આભાર માનીને દોસ્તીનું અપમાન ન કરો. અમે પણ તમારામાંથી લાભ લીધો જ છે ને.. આવા વખતે આપણે એકબીજાને કામે નહી લાગીએ તો દોસ્તી શું કામની ? તમે અહીની ચિંતા છોડો.. જાઓ.. પંદરે’ક દિવસ પછી ઓફીસના લેન્ડલાઇન પર ફોન કરજો.. ખોટું નામ આપજો. ત્યારે જેવી સિચ્યુએશન. પછી નક્કી કરશું કે આગળ શું કરવું.. અને જોજો.. ફોન પર વાત કરવામાં આ મેટરનો કોઈ જ ઉલ્લેખ ન કરતા.. સાચવીને વાત કરજો.. નાનકડો સરખો ઉલ્લેખ પણ થયો ને તમે ટ્રેસ થઇ ગયા તો પછી કાંઈ નહી થઇ શકે.. તમે હવે જલ્દી ભાગો.

નવીનને એકવાર તો ઓફિસરને ભેટી પડવાનું મન થયું.. પણ લાગણીને રોકીને એ ભાગ્યો.. બસ.. એકવાર દિલ્હી પહોંચી જાઉં.. પછી આ સાહેબે કહ્યું એમ પંદરે’ક દિવસ પછી જોશું. અત્યારે તો હું બચી ગયો એમ લાગે છે.

પૈસા પણ ઠીક-ઠીક લઇ લીધા છે, પાસપોર્ટ પણ છે.. એમ લાગશે તો દુબઈ-ફુબઈ જતો રહીશ.

પ્લેન હવામાં ઉડ્યું સાથે નવીનના આગલી રાતના સપનાં પણ હવામાં ઉડી રહ્યાં હોય એવી લાગણી એને થઇ આવી.. પણ બચી ગયો એમ માનીને મન મનાવ્યું. એરહોસ્ટેસ સેન્ડવીચ આપી ગઈ.. પણ એ કડવી લાગતી હતી.

....

દિલ્હીની હોટેલમાં બેસીને બે દિવસ સુધી નવીને સતત ટેલિવિઝનની નેશનલ ન્યુઝ ચેનલો જ મચડે રાખી હતી.. ક્યાંક તો ન્યુઝ આવતા હશે એ ઘટનાના.. ખબર તો પડે કે શું થયું ? પણ બે દિવસમાં કોઈ ન્યુઝ ન દેખાતાં નવીન અકળાયો.

એવું બને કે ગુજરાતી ન્યુઝપેપર્સમાં આવ્યું હોય ? અહી દિલ્હીમાં તો ગુજરાતી ન્યુઝપેપર ક્યાં મળે ? બહુ વિચારતાં યાદ આવ્યું કે ગુજરાતી સમાજ... યેસ.. આ એક જગ્યા એવી છે જ્યાં ગુજરાતી ન્યુઝપેપરો મળી જાશે..

ત્યાં જઈને પણ પેપરો ઉથલાવ્યાં.. સમાજની ઓફીસમાં જઈને વિનંતી કરીને પાછલાં બે-ત્રણ દિવસના પેપરો પણ કઢાવ્યાં.. પણ કોઈ ન્યુઝ દેખાણા નહી.

નવીન પણ વિચારે તો ચડ્યો.. આટલા મોટા ન્યુઝ.. પણ ન ટીવીમાં આવે કે ન ન્યુઝપેપરમાં આવે !! આવું કેમ બને ? પૂછવું પણ કોને ? નથી ફોન કરી શકાય એમ !

ભારે મૂંઝવણ અનુભવતા નવીને સાંજે હોટેલમાં બેઠા એક નિર્ણય લીધો... બેટર ટુ ગો ટુ દુબઈ. આવીને ફોન કરી જોઇશ. કામકાજ વગરનો હોટેલમાં પડ્યો રહીશ તો નકામી કોઈને શંકા જશે.

અને બીજા દિવસે સાંજે નવીને કોઈ ટ્રાવેલ એજન્ટ થ્રુ દુબઈ જવાની વ્યવસ્થા કરી લીધી. ત્રીજા દિવસે ફ્લાઈટમાં બેઠાબેઠા નવીન વિચારતો હતો કે ફોરેન ટૂર કરવી જ હતી.. પણ આમ નહોતી વિચારી. પરીસ્થિતિએ પણ કેવો વળાંક લઇ લીધો ? એટલા પૈસા પણ નથી કે બહુ લાંબો સમય દુબઈમાં રહી શકાય... તો પણ અત્યારે તો જોઈએ.. જે થાય એ.

અફસોસ.. અફસોસ.. પણ.. હશે.. સર સલામત, તો પઘડિયાં બહોત.. એમ વિચારતો નવીન શારજાહ એરપોર્ટ ઉતર્યો.

....

મુંબઈની ફાઈવસ્ટાર હોટેલમાં ગવર્નમેન્ટ ડીપાર્ટમેન્ટના ત્રણ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સાંજે ‘સુંવાળી સોબત’ના પ્લાન કરતા અને હસતાંહસતાં વાતો કરતા બેઠા હતા.

સાહેબ.. મને શરૂઆતથી જ ઘોંચું લાગતો હતો. એટલે જ તો એને લપેટ્યો મેં.. કોન્ટ્રાક્ટ લેવા માટે ક્વોલીફાઈડ એન્જીનીયરની જરૂર પડે એટલે આવા જ નમૂના કામ લાગે. હવે મારો પોતાનો છોકરો પણ સિવિલ એન્જીનીયર થઇ ગયો.. એટલે એની આમ પણ કાંઈ જરૂર નહોતી. આપણું તો કામ થઇ ગયું ને ! નવીનભાઈ ઝિંદાબાદ..

હા.. ડોબો તો હતો જ.. મેં વહેલી સવારે હજી કહ્યું કે આવું બની ગયું છે, ત્યાં તો એનો અંદરનો ગભરાટ મોંઢા પર આવી ગયો.. મારે બહુ મહેનત કરવી જ ન પડી.. એને એમ પણ ન થયું કે જાતે જઈને ચેક કરીએ....

...આપણે નક્કી કર્યું હતું કે એને અહીથી ભગાડી મુકવો.. ને ભગાડતા પહેલાં એને ખાલી કરી નાખવો.. પણ એ જ સામેથી બોલી પડ્યો કે સાહેબ.. આમાં કેસ દબાવવા કેટલું આપવું પડશે ? ને સામે ચાલીને બધું આપણી ગાડીની ડીક્કીમાં મૂકી પણ ગયો.. આપણા માટે તો એ બધું બહુ આસાનીથી પતી ગયું. હું જ એને એરપોર્ટ પર ડીસ્પેચ કરીને આવ્યો.. હવે અહી પાછો દેખાય એ વાતમાં માલ નથી... એનો મોબાઈલ પણ મેં લઇ લીધો.

વાહ.. વાહ.. સાહેબ, પણ હવે... આપણે આપણી રીતે જ આગળના કામ કરતા રહેશું. ફક્ત કંપની બદલાશે.. ‘કામકાજ’ એ નું એ જ રહેશે.. લ્યો.. લગાવો.. ચીયર્સ.. જલ્દી પતાવો.. આપણે બીજા ‘પ્રોજેક્ટ’ માટે પણ જવાનું છે ને ... કહીને કોન્ટ્રાક્ટરે આંખ મીંચકારી..

બધા એકબીજાને તાલી પાડી હસી પડ્યા..

....

ગવર્ન્મેન્ટ ઓફિસરના મોબાઈલમાં રીંગ વાગી.. સામે મુખ્ય ઉપરી અધિકારી હતા.. એકદમ ગુસ્સામાં..

ક્યાં છો ? સાલાઓ.. ઓલી નવી બનેલી કોલોનીની ત્રણ વિંગ ક્રેશ થઇ ગઈ છે. કેટલાક મજૂરો પણ દબાણા છે એમાં.. જલ્દી આવો.. તમારા માટે ફૂલહાર લઈને સામૈયું કરવા ગવર્ન્મેન્ટ વિજીલન્સ ટીમ સાથે પોલીસ પણ ઉભી છે.. અને સાંભળો.. કેસને ડાયલ્યૂટ કરવા એમાં કાંઇક ઉમેરવું પડશે.. જે કાંઈ ભેગું કર્યું હોય એ બધું લોઈલાસીને લેતા આવજો.. નીટે નીટની કિક બહુ અઘરી લાગતી હોય છે.. સમજજો.. જલ્દી.. ફટાફટ હાજર થાઓ.. એક કામ ઠીકથી નથી કરી શકતા...!

***