Termination books and stories free download online pdf in Gujarati

ટર્મિનેશન

ટર્મિનેશન

ઇન્ટરકોમ ઉપાડીને મેં હેલ્લો કહ્યું, સામે સાહેબનો ઘોઘરો અવાજ ઇન્ટરકોમ પર સાંભળીને હું સતર્ક થઇ ગયો.

કમ ટુ માય ચેમ્બર.. એટલું કહીને સાહેબે ફોન મૂકી દીધો..

આ સાહેબ એટલે ગજબનો ખોચરો માણસ, તોછડો પણ એટલો.. સામેના માણસનું અપમાન કરવાનો એકપણ મોકો ન છોડે. એકપણ દિવસ એવો નથી ગયો કે એની સાથે મગજમારી ન થઇ હોય.. હું પેડ-પેપર્સ ઉપાડીને ચાલ્યો. જેટલાં કામ હતાં એ બધાં યાદ કરીને લઇ લીધાં. એટલે જે કાંઈપણ પૂછે, એનો જવાબ આપી શકાય.

...

મે આઈ કમ ઇન સર..!

કેમ વાર લાગી આવતાં ? ક્યાં ટીંગાણા હતા.. હમમમ ?

સર.. ટેબલ પર બધું સરખું કરું એટલી તો વાર લાગે ને !!

ડોન્ટ ગીવ રબ્બીશ એક્સ્ક્યુઝીસ.. કામની વાત કરો..

એક પછી એક કામનું એ પૂછવા લાગ્યા.. હું પૂરતી તૈયારી સાથે ગયો હતો એટલે બધા પેપર્સ ફેંદી નાખ્યા પછી એકપણ જાતનું કારણ એની પાસે ન રહ્યું. વાંક કાઢવાના એના બેઝીક સ્વભાવને એ માફક ન આવ્યું. એટલે નવું કારણ કાઢ્યું.. પી.એફ.ની નોટીસનો જવાબ લખ્યો ? કે રાબેતા મુજબ ભૂલી ગયા ?

કઈ નોટીસ સર !! મને નવાઈ લાગી, આ વળી કઈ નોટીસની વાત કરતો હશે ?

ડફોળ.. પીયુન સાથે મોકલી તો હતી.. ખોઈ નાખી કે નકામો કાગળ સમજીને ફાડી નાખ્યો.. હેં..!! કામના કાગળ અને પસ્તી વચ્ચેનો ડીફરન્સ સમજો છો કે નહી ?

સર.. મને કોઈ જ કાગળ મળ્યો નથી.. પીયુનને બોલાવીને પૂછો.. એણે ક્યારે આપ્યો ?

લૂક.. મને ખોટો પાડવાની કોશિશ ન કરતા.. યુ નો માય પાવર્સ.. એક જ સેકન્ડમાં ફાઈનલ સેટલમેન્ટ થઇ જાશે.. ખબર છે ને !! જાઓ શોધો તમારા ડૂચાઓમાં.. ગેટ લોસ્ટ..

મનમાં બે ત્રણ ‘સંભળાવી’ ને હું ઉભો થયો..

એન્ડ.. લિસન.. પહેલાં રેકર્ડરૂમમાં જઈને ગ્રેચ્યુઈટીની ફાઈલ લાવી આપો.. ઠેકાણે તો રાખી છે ને !!

યેસ સર.. એમ કહીને હું ગાળો ભાંડતો રેકર્ડરૂમમાં ગયો.. ગ્રેચ્યુઈટીની ફાઈલ બહુ શોધી પણ ક્યાંય દેખાણી નહી, એટલે બહાર બેઠેલા પીયુનને પૂછ્યું.. તો એ કહે.. એ ફાઈલ તો હમણા કલાક પહેલાં જ સાહેબે મગાવી હતી.. એના ટેબલે જ છે..!

ઓત્તારી.. ફાઈલ એની પાસે છે ને મને દબડાવે છે.. ડફોળ હું કે એ ? એમ વિચારીને હું ફરી એની ચેમ્બરમાં ગયો.. સર.. ફાઈલ તો પીયુને તમને જ આપી છે.. જુઓ.. આ રહી.. એમ કહી એના ટેબલની પાછળ પડેલી ફાઈલ તરફ મેં આંગળી ચીંધી..

નોનસેન્સ.. યુ આર હિયર ટુ ઓબ્ઝર્વ માય ટેબલ..? ગો એન્ડ ફીનીશ યોર વર્ક.. સ્ટુપીડ.. પી.એફ.ની નોટીસ ઈમ્પોર્ટન્ટ છે. શોધો જાઓ..

મારા ટેબલે પહોંચ્યો તો મારી નવાઈ વચ્ચે, પી.એફ. નોટીસ મારા ટેબલ પર ઉપર જ પડી હતી. હું ગયો ત્યારે બધું એરેન્જ કરીને ગયો હતો, આવો કોઈ કાગળ મારા ટેબલે હતો જ નહી.. તો અત્યારે ચોક્કસ કોઈ મૂકી ગયું હોય તો જ આવું બને.. એટલે તરત જ પીયુનને બોલાવ્યો.. ને પૂછ્યું.. આ કાગળ કોણે અહી મુક્યો ?

મેં મુક્યો.. મને હમણાં થોડીવાર પહેલાં જ સાહેબે બોલાવીને આપ્યો ને કહ્યું પણ ખરું.. કે તમારા ટેબલે મૂકી દેવો..

મેં મનોમન ગાળ દીધી.. હરામી.. પોતે જ ભૂલી ગયો હતો ને મારા પર બ્લેઈમ કરતો હતો !! મને ખોટી રીતે રેકોર્ડરૂમમાં મોકલીને પાછળથી નોટીસ મારા ટેબલે મુકાવી દીધી !! આજના દિવસની આ ત્રીજી માથાકૂટ હતી.. હવે આનું કાંઇક કરવું પડશે.. પણ કરવું’ય શું ? એટલો વગવાળો માણસ છે કે આપણું કોઈ સાંભળે નહી.. ઉપરથી પ્રાઈવેટ નોકરી.. કાચી સેકન્ડમાં પાછળ લાત મારીને કાઢી મુકે..

સાંજે બધું પતાવીને ઘેર ગયા પછી મૂડ ઓફ જ રહ્યો.. આનું કાંઇક કરવું પડશે.. એ એક જ વાત મનમાં ઘૂમરાતી હતી, સામો પડઘો એવો પડતો કે.. કરી પણ શું શકાય ?

હું તમામ કામ કરતો હતો.. નામ ફક્ત એનું રહેતું. મને ખાતરી પણ હતી કે જ્યાં સુધી એ ખુરસી પર અડ્ડો જમાવીને બેઠો છે ત્યાં સુધી ન તો મને પ્રમોશન મળવાનું છે કે ન તો કોઈ રેક્ગનીશન..

હું એક જ નહોતો જેને આવી તકલીફ પડતી હોય. ઓફીસનો આખો સ્ટાફ મારા જેવી જ લાગણી મનમાં ભરીને બેઠા હતા. પણ સાહેબને વ્હાલા થવા કોઈ વાત ઉપર પહોંચાડી દે એ બીકે કોઈ એકબીજા સામે પોતાના મનની વાત ઉચ્ચારતા નહોતા. કદાચ મારી જેમ ઘણા એવું વિચરતા હોય કે આનું કાંઇક કરવું પડશે, પણ કોઈ પાસે કોઇપણ પ્રકારનો ઉપાય જ નહોતો..! નોકરીની જરૂર બધાને હોય, નોકરી જવાની બીકે કોઈ બોલી શકતું ન હોય. એ ખોચરાની પહોંચ કંપનીના માલિક સુધી હતી. અને કંપનીનો માલિક પણ આને જ સાંભળતો એ એક મોટો પ્રોબ્લેમ હતો.

દિવસો આમ જ જતા હતા.

....

ઘરમાં બધા ઘણા વખતથી આગ્રહ કરતા હતા કે આપણે ફરવા જઈએ, એ આગ્રહ હવે હઠાગ્રહના લેવલ સુધી પહોંચી ગયો હતો. બધાની વાત પણ સાચી હતી. છેલ્લા ઘણા સમયથી લાંબી રજા લઇને બહાર ફરવા જવાનું થયું જ ન હતું.

મુશ્કેલી મોટી એ જ હતી કે રજા કેમ લેવી ? લીવ સેન્કશન કરાવવા જવાનું તો પેલા પાસે જ.. એ રજા તો પાસ ન કરે, ઉપરથી કેટલું’ય સંભળાવે એ નફામાં.. જોકે, ઘરના લોકો માટે એટલું સાંભળી પણ લેવું પડશે. બાકી જો રજા પાસ ન કરે તો ન છૂટકે મારે કંપનીના માલિક સુધી જવું જ પડશે, કોઇપણ ભોગે વાત રજૂ કરીને કાંઇક કરવું પડશે. એમ વિચારીને લીવ એપ્લીકેશન તૈયાર કરી જ નાખી.

સવારથી એવા મોકાની તલાશમાં બેઠો હતો કે સાહેબ કામ માટે બોલાવે એટલે જતો આવું અને જો ઓછી માથાકૂટે કામ પતી જાય તો હળવેથી લીવ એપ્લીકેશન પણ મૂકી દઉં.. પણ લંચ સુધીમાં કોઇપણ કામ માટે મને બોલાવ્યો જ નહી. હું પણ કામમાં ગળાડૂબ હતો, લંચ પછી અચાનક યાદ આવ્યું. આવું કેમ બને ! સવારથી એકપણ વખત મને બોલાવ્યો નથી !

પીયુનને બોલાવીને પૂછ્યું.. સાહેબ કામમાં છે બહુ ?

લે.. એ તો ક્યાં આવ્યા જ છે ?

શું વાત કરે છે !! હમમમ.. મને થયું જ કે અત્યાર સુધીમાં મને બોલાવ્યો કેમ નહી !

કેમ.. તમને સાહેબ વગર સોરવતું નથી ? એમ કહી પીયુન હસ્યો..

જવા દે ને.. રોજ એ હોય તો આપણે ટેન્શન, આજ વળી મારે જ એમનું કામ છે તો એ નથી.. એનીવે.. મનમાં બે પ્રકારની લાગણી થઇ, એક તો આજનો દિવસ શાંતિથી પસાર થવાનો, ને બીજું.. લીવ એપ્લીકેશન આજ સાઈન કરાવવી હતી પણ હવે કાલ રજા છે, એટલે પરમદિવસ પર વાત ગઈ. એમ વિચારીને કામે લાગી ગયો.

....

રજા મળી જ જવાની હોય એમ ધારીને ઘરમાં તો બધા જાતજાતના પ્લાન્સ વિચારવા લાગ્યા હતા. ઇન્ટરનેટ ખોલીને છોકરાંઓ એવું સ્થળ તપાસ કરી રહ્યાં હતાં, જે કોઈએ જોયું ન હોય.. ફરીને આવ્યા પછી કોલેજમાં રોબ ઝાડી શકાય ને !

પત્નીને બધી ખબર હતી તો પણ એ બધાની સાથે લાગી પડી હતી.. અને કહેતી પણ હતી.. તમારી તકલીફ હું સમજું છું, પણ છોકરાંઓ માટે થોડું સહન કરી લેજો.. ને આ વખતે તો ફ્લાઈટમાં જ જશું હો..! દિવસ પણ બચે.. વધુ ફરવા મળે, આપણે ક્યાં રોજેરોજ ફ્લાઈટમાં ફરવું છે !

હું હા-હા કર્યા કરતો હતો.. મનમાં વિચાર આવતો હતો કે પત્ની ની વાત આમ સાચી તો છે.. ને છોકરાંઓને બીચારાંને ક્યાં ખબર છે કે રજા પાસ કરાવતાં મારા પર કેવી કેવી વિતવાની છે ? બધાનો ઉત્સાહ જોઇને મને પણ થતું હતું કે એકવાર તો લડી-ઝઘડીને, અપમાન સહન કરીને પણ રજા તો મેળવવી જ પડશે..

રવિવારે સાંજ સુધીમાં તો છોકરાંઓએ સાઉથનું એક સ્થળ પણ નક્કી કરી લીધું.. અને ઇન્ટરનેટ પર મને બધું બતાવી પણ દીધું.. પપ્પા, આ પ્લેસ.. ત્યાં કાંઈ બીજું ફન નથી.. નેચરલ એટમોસ્ફીયર છે. અહીંથી અમદાવાદ, ત્યાંથી કોચીનની ફ્લાઈટ.. ને પછી ટેક્સી. મજા આવશે. અમે ટીકીટની અવેલીબીલીટીઝ પણ જોઈ લીધી છે.. આજ બુક કરી દઈએ તો ટીકીટ બહુ સસ્તી પડશે.. ઓકે ને ? આપણો પ્લાન ફાઈનલ ને?

....

સોમવારે સવારે મારું રૂટીન પતાવી સામેથી જ સાહેબ પાસે ઉપડી ગયો. માનસિક તૈયારી હતી જ કે એ ખોચરો લીવ પાસ કરશે જ નહી.. ને કદાચ પણ કરશે તો કેટલું’ય સંભળાવશે.

રોજીંદા ક્રમ મુજબ મેં બધાં કામ એક પછી એક તેની સામે ધરીને સાઈન તો કરાવી લીધાં.. આજ એ કોઈ માથાકૂટ નહોતો કરતો એ મને નવાઈ લાગતી હતી. જો કે, ચાલુ કામે એનું ધ્યાન મારા કાગળો કરતાં પોતાના લેપટોપ પર વધુ હતું.. તમામ કામના અંતે મેં હળવેથી મારો લીવ રીપોર્ટ કાઢીને એની સામે મુક્યો... સર.. આ મારી લીવ.. મન્થ એન્ડમાં દસ દિવસ...

ત્યાં તો એ તતડ્યો.. ક્યાં ઉપડ્યા ? પૂછ્યા કાછ્યા વગર હેં.. !

સર.. પૂછ્યા વગર ક્યાં જાઉં છું.. આ લીવ તો અપ્લાઈ કરું છું..

તો પણ.. જવું કે નહી.. એ તો પૂછો પહેલાં ? અને દસ દિવસ ? ક્યાં રખડવું છે ? કામની કોઈ જવાબદારીનું ભાન-બાન રાખતાં શીખ્યા જ નથી.. લો.. હાલ્યા.. દસ દિવસની રજા..

સર.. છેલ્લા અઢી વર્ષથી એકપણ રજા ભોગવી નથી.. ઇવન રજાઓના દિવસે પણ કામ માટે આવ્યો છું.. ફેમીલી પ્રત્યે પણ મારી કાંઇક જવાબદારી બને ને ? હું હવે જરા અકળાવા લાગ્યો હતો.. તડને ફડ જ કરવું હતું એ નક્કી હતું..

કઈ તારીખ છે ?

સર.. એકવીસથી એકત્રીસ..

સારો ખેલ કર્યો.. પહેલીથી દિવાળી છે.. એટલે પાંચ દિવસ એના પણ સાથે ભોગવી લેવાના.. એમ ? ક્યાં જવાના છો ?

એના જવાબમાં હું કાંઈક બોલવા જતો હતો પણ મેં જોયું કે એણે એપ્લીકેશન પર સાઈન કરી નાખી હતી.. એટલે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. બહાર નીકળીને તો જાણે લોટરી લાગી હોય એટલો આનંદ થઇ ગયો.. જેટલું ધાર્યું હતું એટલું અઘરું ન પડ્યું.. જે હોય એ.. રજા પાસ થઇ ગઈ ને ! ઘેર ફોન કરીને કહી દઉં ? પણ પછી વિચાર્યું કે ના ના.. ઘરના ને સરપ્રાઈઝ જ આપું.

....

દિવાળી પહેલાં ઘરમાં દિવાળી આવી ગઈ હતી.. બેગ્ઝ તૈયાર થવા લાગી હતી, લીસ્ટ બનવા લાગ્યાં હતાં... બધા ખુશખુશાલ.. હું પણ.. કારણ રજા ઓછી માથાકૂટે પાસ થઇ હતી.. પણ રહી રહીને વિચાર એ જ આવતો હતો.. આ ખોચરો આટલી ઓછી માથાકૂટે રજા પાસ કરે નહી.. કેમ થયો આવો ચમત્કાર ?

જે હોય એ.. એમ વિચારીને બાકીના દિવસો રૂટીનમાં કાઢી નાખ્યા.

....

વીસમી તારીખે બધું કામ સમેટીને ટેબલ ક્લીન કરીને નીકળવાની તૈયારી જ કરતાં જોઈ રહ્યો હતો કે કોઈ પેન્ડીંગ ઈશ્યુ રહી જતા નથી ને ! વળી ઓલાના હાથમાં એકાદું પણ કારણ આવ્યું તો રજામાં પણ ફોન કરી કરીને મૂડ બગાડશે...

સાહેબ બોલાવે છે તમને.. જાઓ.. પિયુને કહ્યું એટલે અનેક વિચારો સાથે પાછો સાહેબની ચેમ્બરમાં ઉપડ્યો.. શું હશે ? હવે આજ તો કાંઈ કામ પણ બાકી નથી..!! નક્કી એણે કાંઇક વિચારી રાખ્યું હશે.. છેલ્લી મીનીટે નવું કાંઇક કાઢશે.. જોઈએ.. જે થાય એ.

....

મારી પેન્ડીગની ફાઈલ પણ જોઈ લેજો.. સરખી રીતે.. ઉલાળિયો નથી કરવાનો.. હું કંપનીના કામ માટે થોડા દિવસ દિલ્હી જાઉં છું.. તમે પણ પાછા રખડવા જાઓ છો.. પાછળથી કોઈ કામ અટકવું ન જોઈએ..

લે.. આ તો પોતે પણ છટક્યો.. ને મને આ પસ્તી જેવી ફાઈલ વળગાડતો ગયો.. પણ સારું છે.. એ પોતે ટૂર પર હશે તો મને ફોન નહી કરે.. એમ વિચારીને સાંજે મોડે સુધી રોકાઈને એની પેન્ડીંગ ફાઈલ પર આખી ચેક કરી, કલીગને બધું સમજાવીને ઘેર ગયો.

મીડનાઈટ જ નીકળવાનું હતું.. ટેક્સીમાં સીધા અમદાવાદ. સવારે વહેલી ફ્લાઈટ હતી. હું પણ એકદમ રીલેક્સ મૂડમાં હતો.. બહાર ફરવા જવાનું તો મુખ્ય કારણ હતું જ, પણ એથી વિશેષ એ હતું કે સાહેબ પણ પોતે ટૂર પર નીકળી ગયો હતો. પાછળથી કોઈ ફોન આવ્યા કરે ને મૂડ બગાડે એવી કોઈ શક્યતા રહી ન હતી.

પત્ની, છોકરાંઓ પણ આનંદમાં હતાં... ટૂંકમાં બધું સરખું જ થઇ રહ્યું હતું.

....

સાંજે છ આસપાસ અમે કોચીન પહોંચી ગયાં હતાં. એરપોર્ટ પર જ ટેક્સી પીકઅપ કરવા આવી ગઈ હતી. આટલા દિવસની મહેનત પછી છોકરાંઓએ એરેન્જમેન્ટ સારી કરી હતી.. સ્થળ પણ જેવું કહ્યું હતું એવું જ હતું. એકદમ જંગલ જેવું, એમાં જ રિસોર્ટ. એકદમ કુદરતી વાતાવરણ.. સારા એવા અંતરે એક એક હટ બનાવેલ હતા. કુદરતી તળાવને જ સ્વીમીંગપૂલ બનાવી દીધો હતો..

રિસોર્ટવાળાને રાત્રે પૂછપરછ કરી. એમના કહેવા મુજબ આ સ્થળ હજી અનએક્સપ્લોર્ડ હતું. ધીમેધીમે લોકો અહી વધુ આવતા થશે. અત્યારે તો બહુ જૂજ જ ટુરિસ્ટ આવે છે.

વાહ.. ખરેખર સુપર્બ પ્લેસ હતી. જલસો થઇ ગયો.

....

રાત્રે તો થાક્યા પાક્યા સુઈ ગયા બધા. મારી ઉઘ સવારે વહેલી ઉડી ગઈ હતી. એટલે પત્નીને કહીને હું કુદરતી વાતાવરણમાં વોક લેવા નીકળી ગયો.

ઠંડા કુદરતી વાતાવરણમાં ચાલતો-ચાલતો રિસોર્ટના રિસેપ્શન સુધી પહોંચી ગયો હતો. ફ્રન્ટડેસ્કવાળા સાથે તો કાલે જ ઓળખાણ કરી લીધી હતી, એટલે એણે મને ચા પીવા બોલાવી લીધો. ઈંગ્લીશ ન્યુઝપેપર પણ આપ્યું અને એ પોતે જ જાત જાતની વાતો કરવા લાગ્યો. સર.. કલ રાત એક ઔર કપલ આયા.. પરહેપ્સ ગુજરાતી.. ડુ યુ વોન્ટ મી યુ ટુ ઇન્ટ્રોડ્યૂસ.. સર..! ધે આર ઇન ઓપોઝીટ સાઈડ હટ..

નો નો.. મિલ જાએંગે તો ખુદ ઇન્ટ્રોડક્શન કર લુંગા.. યુ સેન્ડ ટી-બ્રેકફાસ્ટ ટુ માય રૂમ.. એમ કહીને હું પણ પાછો રૂમ તરફ ચાલ્યો. જતાં જતાં સામેની સાઈડની હટ તરફ નજર પડી ગઈ.. કોણ છે જોઈએ તો ખરા.. પણ કોઈ દેખાયું નહી.. કદાચ રાત્રે લેટ આવ્યા હશે એટલે સુતા હશે..

....

સાઈટસીઈંગ માટે ટેક્સી આવી ગઈ હતી. કેમેરા, બાયનોક્યૂલર લઈને અમે નીકળી ગયાં. એક જૂઓ ને એક ભૂલો એવાં સ્થળો, બીચીઝ, પોઈન્ટ્સ.. ટૂર જામી રહી હતી. રાત્રે અંધારું થતાં ફરી પાછા રિસોર્ટ પર આવ્યાં. બધા હટમાં ગયાં, મને ચાની તલબ લાગી હતી એટલે હું ફરી રિસેપ્શન પર ગયો. ચા પી ને પાછો આવતો હતો ને સામેની હટમાં અંધારામાં પણ મને અચાનક એક ઓળો દેખાણો.. ને હું ચમક્યો. હેં.. ના..ના.. એ તો ન હોય.. મારી કાંઇક ભૂલ હશે.. પણ મનમાં એક વિચિત્ર ગડમથલ ઉત્પન થઇ ગઈ.. હું ખોટો તો નથી જ.. લાગ્યું તો એવું જ કે એ જ છે.

રાત્રે સુતા પછી પણ મનમાં એ જ વિચાર ચાલુ હતા. એ વ્યક્તિ અહી સામેની હટમાં.. !! મારી ભૂલ ન થાય.. સતત આવતા આ વિચારે મારી ઊંઘ ઉડાડી મૂકી હતી. ત્યાં અચાનક કોઈ પાણીમાં પડ્યું હોય એવો અવાજ મને સંભળાયો.. એટલે હું પણ કુતૂહલવશ જોવા બહાર નીકળ્યો. હળવેથી અમારા હટનો દરવાજો ખોલી અંધારામાં સ્વીમીંગપૂલ તરફ નજર કરી અંધારામાં જોવા કોશિશ કરવા લાગ્યો.

સરખું દેખાતું ન હતું.. પણ નક્કી.. કોઈ બે વ્યક્તિ છે.. કપલ જ.. અત્યારે અડધી રાત્રે શું પાણીમાં પડ્યાં હશે ! થોડીવાર નજર રાખીને હું ઉભો હતો, ને અચાનક એ બે માંથી એક પુરુષ પાણીની બહાર નીકળ્યો.. અને હવે એ આકાર પરથી મને લાગ્યું કે મારો ડાઉટ ખોટો નથી લાગતો..

રિસોર્ટમાં વૃક્ષો ઘણા હતાં, એટલે હળવેથી એક વૃક્ષથી બીજા.. એમ જરા છૂપાતો છૂપાતો સ્વીમીંગપૂલથી વધુ નજીક જવા લાગ્યો. થોડી મીનીટો હું સંતાઈને ઉભો રહ્યો ત્યાં સ્વીમીંગપૂલમાંથી એક પુરુષ અને એક સ્ત્રી બહાર નીકળ્યાં અને એકબીજાને આલિંગન આપી, થોડીવાર ઉભા રહ્યાં.. પછી પોતાની હટ તરફ ચાલવા લાગ્યાં. હજી અંધારામાં હું સો ટકા મારી જાત પર શ્યોર ન હતો.. પણ એમની હટ અને મારી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછુ હતું..

હટ પાસે એક નાનકડી લાઈટ પણ ચાલુ હતી, નજીક આવીને જેવા એ કપલે હટની દિશામાં વળાંક લીધો અને ... યેસ્સસ્સ્સ્સ.. આ તો એ જ .. શું સા... ચાલબાજ.. કંપનીના કામે જાઉં છું એમ્મ્મમ્મ્મ !! પણ સાથે ફટાકડી કોણ છે ? ઘરવાળી તો નથી જ.. હું બરોબર ઓળખું છું એની વાઈફને. કંપનીના કામના બહાના હેઠળ એ તો કોઈ બીજી જ કંપની ને સાથે લઈને આવ્યો છે.. પણ છે કોણ..! ઓળખાતી નથી. મન વિચારે ચડી ગયું હતું, એમાં જ કાયમ ઓફીસમાં આવતા વિચારો.. ‘કરી પણ શું શકાય’ નો ઉપાય મને દેખાવા લાગ્યો હતો.

....

અમારી હટમાં જઈ, પત્નીને ઊંઘમાંથી ઉઠાડી બધી વાત સમજાવી દીધી.. સવારે વહેલા જ રિસેપ્શન પર જઈ, ફ્રન્ટડેસ્ક પર દોસ્ત બનાવી રાખેલ માણસને જરા ફોસલાવીને પેલાની આવવાની-જવાની, રહેવાની.. રિસોર્ટમાં નોંધાવેલ નામ-ઠામના ફોટા, આઈ.ડી. પ્રૂફ્સની કોપીઝ.. બધી ડીટેઈલ્સ લઇ લીધી.. બે’ક હજાર રૂપિયાનો ખર્ચો થયો.. પણ એ સામે દેખાઈ રહેલ પ્રમોશન અને આવનારા શાંતિભર્યા સમય માટેનું ઇન્વેસ્ટમેન્ટ સમજીને જતા કર્યા.

....

ટૂર સુખરૂપ પૂરી થઇ ગઈ હતી. દિવાળી પછી ઓફીસ ઓપન થઇ અને હું રાબેતા મુજબ ઓફિસે પહોંચ્યો.

આજે હું અધીરાઈથી બેઠો હતો કે એકવાર ખોચરો સાહેબ ઓફીસમાં આવે, ને મને બોલાવે.. એ મારા પર ગુસ્સો કરે.. ને હું મોબાઈલમાંથી એને ફોટા બતાવું. પછી જે સિચ્યુએશન ક્રિએટ થવાની છે એની કલ્પના કરતો બેઠો જ હતો.. ત્યાં પીયુન આવીને મને કહી ગયો.. ડીરેક્ટર સાહેબ બોલાવે છે.

મને નવાઈ તો લાગી.. ડીરેક્ટર કોઈ દિવસ બોલાવે નહી.. શું હશે ?

....

મે આઈ કમ સર..

યેસ.. કમ.. સીટ.. મને નવાઈ લાગી, એક તો ડીરેક્ટર કોઈ દિવસ બોલાવે નહી, એમાં વળી આજ બોલાવ્યો તો ખરો.. ઉપરથી બેસવાનું પણ કહે છે.. કાંઇક મેટર તો છે જ..

સી ધીસ..એમ કહીને મને એક મોટું ખાખી એન્વલપ આપ્યું.. સી ઈટ થરલી..

સર.. શુડ આઈ ગો ટુ માય પ્લેસ એન્ડ સી ?

નો.. સીટ હિઅર.. એન્ડ સી..

એન્વલપ હાથમાં લઈને જોયું તો એના પર મોટા અક્ષરે લખ્યું હતું.. CONFIDENTIAL’… મેં ડીરેક્ટરની સામે જોયું, એમના ચહેરા પર વંચાતું હતું કે મારે અત્યારે જ એન્વલપ ખોલીને જોવાનું છે..

એન્વલપ ખોલતાં એમાંથી જાત જાતના ડોક્યુમેન્ટ્સ નીકળવા લાગ્યા.. એક સીડી પણ નીકળી.. સીડી ડીરેક્ટરના જ લેપટોપમાં ચડાવી. પોણી કલાક પછી મનમાં તો ઉમંગના ઉછાળા આવવા લાગ્યા હતા.. પણ તો’યે ઠાવકું મોઢું રાખીને બોલ્યો.. સર.. ધીસ ઇસ સમથીંગ વેરી સીરીયસ..!

હમમમ.. ધીઝ આર ઓલ પ્રૂફ્સ.. પ્રૂવિંગ ધેટ હી ઇઝ ઇન્વોલ્વ્ડ ઇન ઓલ ધીઝ બ્રાઈબ્ઝ.. બે હિસાબ કટકી કરી છે.

રાઈટ સર..

તમે ખૂબ જૂના માણસ છો.. એટલે તમને આમાં સાથે લીધા છે.. વ્હોટ શુડ વી ડુ નાઉ... આ પ્રૂફ્સ પરથી એણે ક્લચમાં કેમ લેવો ?

અચાનક જ મારા હાથમાં હુકમનું પત્તું આવી ગયું હતું.. હવે બાજી કેમ ખેલવી એ જ ધ્યાન રાખવાનું હતું.. એટલે ઠાવકા થઈને પૂછ્યું.. સર.. જી.એમ. સર અત્યારે ક્યાં છે ?

આમ તો મારી જ ભૂલ છે, મેં બહુ ઢીલ આપી રાખી હતી અત્યાર સુધી, ફક્ત ભરોસા પર.. એનો એ રાસ્કલે ખોટો લાભ ઉઠાવ્યો.. હી વોઝ ટેલીંગ મી કે કોઈ ડેવલપમેન્ટ છે, એટલે કોઈ પાર્ટીને મળવા દિલ્હી ગયા છે... યુ નો.. હું ક્યારેય એમને પૂછતો પણ ન હતો, કે વ્હોટ હી ઇઝ ડુઈંગ.. આઈ થીંક એક-બે દિવસમાં આવવા જોઈએ..

એક-બે દિવસ નહી.. સર.. આજ સાતમી છે.. નવમીએ રાત્રે દસની ફ્લાઈટમાં આવી જશે..

વ્હોટ ? રાત્રે દસ વાગે દિલ્હીની કઈ ફ્લાઈટ આવે છે ? એન્ડ હાઉ કુડ યુ નો અબાઉટ હીઝ શેડ્યુલ્સ..?

સર અચાનક મારી સામે શંકાની નજરે જોવા લાગ્યા..

સર.. સર.. ડોન્ટ ટેઈક ઈટ અધરવાઈઝ.. પણ રાત્રે દસ વાગે દિલ્હીથી ફ્લાઈટ નથી આવતી.. પણ કોચીનથી તો આવે છે ને ?

કોચીન ? વ્હાય.. હાઉ.. ઇન્સ્ટેડ ઓફ દિલ્હી.. વ્હાય કોચીન.. સર હવે મૂંઝવણમાં મારી સામે જોવા લાગ્યા...

હવે મેં મારા પત્તાં ખોલ્યાં.. ફોટોગ્રાફ્સ, પ્રૂફ્સ.. બધી વિગતો કહી.. અને એ ધડાકો થયો મોટો.. ડીરેક્ટરે મારી પાસેથી તમામ વસ્તુઓ લઇ લીધી, મોબાઈલમાંથી ફોટા પણ પોતાના લેપટોપમાં લઇ લીધા.

....

દસમીએ સવારથી ડીરેક્ટરની ચેમ્બરમાં કાંઇક ગંભીર ચર્ચાઓ ચાલતી હતી.. પેલો ખોચરો સાહેબ તો નક્કી પૂંછડી દબાવીને બેસી ગયો હશે.. લગભગ ચાર કલાક મેરેથોન મગજમારી ચાલી હશે.

ડીરેક્ટર ભારે ગુસ્સામાં હતા, હોય જ ને ! પણ મને મનમાં સધિયારો હતો, કે જે થયું છે એમાં પૂરતું પેટ્રોલ મેં નાખ્યું છે.. જે ખાક થઇ જવાનું હતું એ થઇ ગયું છે.. હવે આપણા માટે મોકળું મેદાન છે. એક-બે દિવસમાં ડીરેક્ટરનો ગુસ્સો શાંત થઇ જશે, એટલે એની મેળે જ મને બોલાવશે.. આમ પણ, મારા સિવાય હવે કોઈ નથી એ જગ્યા પર બેસી શકે તેવો જૂનો... અનુભવી..

....

અગિયારમી સવારે જ ડીરેક્ટરનો ફોન આવી ગયો.. કમ.. ક્વિક ટુ માય ચેમ્બર..

યેસ.. સર.. હું મારો ઉમંગ કલીગ્ઝથી મહામુસીબતે છૂપાવી રહ્યો હતો..

....

મે આઈ કમ ઇન સર.. ચેમ્બરમાં અંદર જતાં જ મારા પગ થીજી ગયા. ડીરેક્ટરની બાજુમાં જ પેલો ખોચરો સાહેબ પણ બેઠો હતો... લે.. આને તો કાઢી મુકવાના હતા.. ને એના બદલે આ તો ડીરેક્ટરની સાથે બેઠો છે ! હું જબરા ઝાટકાઓ અનુભવવા લાગ્યો હતો.

કમ.. એટલું કહીને ડીરેક્ટરે કેરમમાં સ્ટ્રાઈકર મારતા હોય એમ મારી સામે એક કવર આંગળીથી ધકેલ્યું...

વિચિત્ર એકસાઈટમેન્ટ સાથે મેં કવર ખોલ્યું.. અને એમાંના લેટરનો સબ્જેક્ટ વાંચ્યો..ટર્મિનેશન.. બસ.. પછીનું બધું મને ધૂંધળું દેખાતું હતું.. ડીરેક્ટરની સામે જોયું તો એનો ચહેરો પણ ધૂંધળો દેખાવા લાગ્યો.. ફક્ત એના શબ્દો મારા કાને પડતા હતા..

કંપનીના સીનીયરમોસ્ટ પર્સન પર વોચ રાખો, એના વિષે જેવીતેવી વાતો ફેલાવો... ધીઝ ટાઈપ ઓફ મેન્ટાલીટી ઇઝ એબ્સોલ્યુટલી ડેન્જરસ ફોર એની ઓર્ગેનાઈઝેશન.. વી કેન નોટ ટોલરેટ.. યુ આર ફાયર્ડ..

***