Tak books and stories free download online pdf in Gujarati

Tak


“તક”

ચિરાગ વિટ્ઠલાણી




© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

“તક”

રાજસરની ઓફિસમાં એ.સી. ચાલું હતું. પરંતુ આરવ અને રેવાને તો ઠંડકમાં પણ ગરમીનો અનુભવ થવા લાગ્યો.

‘ના સર, એ શક્ય નથી... મારા પપ્પા એ વાતની પરવાનગી મને આપે જ નહી.’

‘સર આ સમસ્યા ફક્ત રેવાની નહિ, મારી પણ છે. પપ્પા માનશે નહી... તમને તો ખબર છે મારા પપ્પાનો સ્વભાવ!’

થોડીવાર માટે શાંતિ છવાઈ ગઈ. ત્રણેય એકબીજાની સામે જોઈને બેસી રહ્યા.

‘તમારા પપ્પાની વાત હમણાં એક બાજુ પર રાખો, પરંતુ તમે બંને શું વિચારો છો? તમારૂં મન માનતું હોય તો પછી હું તમારા બંનેના પપ્પાને સમજાવીશ. મારા માટે તમારી ઈચ્છા જાણવી વધારે અગત્યની છે... બોલો શું છે તમારી ઈચ્છા?’

‘સર દરેક વાતમાં ક્યાં આપણી ઈચ્છા જોવામાં આવે છે! ઘણી વાર આપણી ઈચ્છાનો આધાર ફક્ત આપણાં પર આધારીત નથી હોતો...’ રેવાએ નિઃસાસા નાખતાં કહ્યું.

‘તમે લોકો બે દિવસ વિચારો અને પછી મને શાંતિથી જવાબ આપો... તમારે શું કરવાનું છે એ બધું જ મેં આમાં લખી રાખ્યું છે. તેને ધ્યાનપૂર્વક વાંચીને નિર્ણય કરજો.’ રાજસરે બંનેને હાથમાં એક-એક ફાઈલ આપતાં કહ્યું.

બે દિવસ બાદ ફરી એ જ જગ્યા અને એ જ વ્યક્તિઓ. પરંતુ આજે રેવા અને આરવને ઠંડકમાં, ઠંડકનો જ અનુભવ થયો.

‘તો પછી શું છે તમારો નિર્ણય?’ રાજસરને જવાબ જાણવાની ઊંતાવળ હતી. તે બંનેના ચહેરા પર જવાબ શોધવા લાગ્યા.

‘મારી તો હા છે અને કદાચ રેવાની પણ...’

‘કદાચ નહી, ચોક્કસ હા જ છે. તમે આપેલી સ્ક્રીપ્ટ વાંચ્યા બાદ ના પડવાનો તો પ્રશ્ન જ રહેતો નથી.’

‘રેવાની વાત સાચી છે સર... પપ્પાને મેં પૂછ્‌યું નથી અને પૂછવું પણ નથી.’ આરવે રેવા સામે જોતાં કહ્યું.

‘જો પૂછીશું તો પછી તમારી શોર્ટ ફિલ્મનો હિસ્સો બનવાનું સપનું જ બની જશે. અભિનયની વાત સાંભળીને તો મારા અને આરવના પપ્પા ભડકી જશે.’ રેવાએ સરને સ્પષ્ટતા કરી.

‘બંનેના ઘરે ભૂકંપ આવી જશે.’ આરવે હસતાં હસતાં કહ્યું.

‘તમે બંને અભિનય કરવા તૈયાર થયા એ જ મારા માટે ઘણું છે.’ રાજસરનાં ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી.

‘સર, ક્યારે શરૂઆત કરવાનો વિચાર છે?’ બંનેએ સાથે પૂછ્‌યું.

‘તમે જયારે કહો ત્યારે.’

‘મારી અને આરવની એન્જીનીયરીંગની પરીક્ષા મે મહિનામાં છે. બસ છેલ્લી પરીક્ષા છે, પછી તો એન્જીનીયર બની જઈશું... કહેવાનો મતલબ એમ છે કે શરૂઆત વહેલી થાય તેવું આયોજન કરો તો સારૂં. બાકિ પરીક્ષા નજીક આવી જશે તો તકલીફ થશે.’

‘તો પછી સારા કામમાં આળસ શું કરવાની? કાલથી જ શરૂ... પરંતુ કાલે આવો આવો ત્યારે થોડી તૈયારી સાથે આવજો. પાત્રની લાગણી અનુભવશો તો જ અભિનય સહજ લાગશે. એ માટે શાંતિથી સ્ક્રીપ્ટ વાંચીને, પાત્રને સમજવાનો પ્રયત્ન કરજો. આ ક્ષેત્રમાં મારો પ્રથમ પ્રયાસ છે, જેમાં તમારા બંનેના સાથ-સહકાર વગર સફળતા શક્ય નથી... ચાલો, હવે બાકિનું કામ અને વાતો કાલે. આવતીકાલે સાંજે મળીશું.’

‘આરવ, આ બધું હું શું સાંભળી રહ્યો છું? તારે સાયન્સ નથી રાખવું!’

‘પપ્પા, તમે બિલકુલ સાચું જ સાભળ્યું છે.’

‘તો પછી એન્જીનીયરીંગમાં તને એડમીશન કઈ કોલેજવાળા આપશે? છે એવી કોલેજ તારા ધ્યાનમાં... સાયન્સ નથી રાખવું...’

‘આમ પણ મારે ક્યાં એન્જીનીયર બનવું છે. મારૂં સપનું તો...’

‘તારૂં સપનું શું છે એ હું જાણું છું અને એ સપનું છે, હકિકત નથી. આપણે સપનાની દુનિયામાં નથી જીવવાનું. તારે થોડું વ્યવહારૂં થવાની જરૂર છે. એટલે જ હવે તું મારૂં કહ્યું માનીને રાજસર અને તેનાં ડાન્સ ક્લાસને છોડી, ખોટાં સપનાં જોવાનું બંધ કર. તારા ભવિષ્યનો સવાલ છે, પછી પસ્તાવાનો વારો આવશે. ડાન્સ પાછળ તારે તારી જિંદગી બગાડવી છે?’

‘પણ પપ્પા મારે સાયન્સ નથી રાખવું... મારી જરા પણ ઈચ્છા નથી. ખોટું સાયન્સ રાખીને સમય બગાડવાનો કોઈ અર્થ નથી.’

‘ખોટી દલીલો કરીને સમય બગાડવાનો કોઈ અર્થ નથી. સાયન્સ જ રાખવાનું છે. તારામાં હજી પણ બાળક બુદ્‌ધિ જ છે. પણ મારામાં બુદ્‌ધિ છે, કાલથી ડાન્સ અને ડાન્સ ક્લાસ બિલકુલ બંધ. આજે સાંજે તૈયાર રહેજે, તારા અગ્િાયારમાં ધોરણનાં ક્લાસીસનું નક્કી કરવા જવાનું છે.’

‘પણ, પપ્પા હમણાંથી ડાન્સ ક્લાસ બંધ કરવાની જરૂર શું છે?’

‘આ કામ મારે બહુ પહેલા કરવાની જરૂર હતી... રાજસરે જ તને બગાડયો છે. બસ આખો દિવસ ડાન્સ, ડાન્સ ને ડાન્સ. પણ હવે એ બધું નહિ ચાલે.’

‘પણ પપ્પા...’

‘બસ, મારે આગળ કઈ નથી સંભાળવું. મારી પાસે તારી નકામી વાતો સાંભળવાનો વધારે સમય નથી.’

‘પપ્પા એક મિનીટ ઊંભા રહો. હું સાયન્સ રાખવા તૈયાર છું પણ મારી એક શરત છે...’

‘શું...!’

‘હું સાયન્સ તો જ રાખીશ જો મારાં ડાન્સ ક્લાસ ચાલુ રહેશે અને તો જ હું તમારી ઈચ્છા પ્રમાણે એન્જીનીયર બનીશ. બોલો છે મંજૂર?’

‘વાહ! બેટા વાહ! તો તું હવે એટલો બધો મોટો થઈ ગયો કે મારે તારી શરતો પણ માનવાની! તો સાંભળી લે એ માટે મારી પણ શરત.’

‘બોલો શું છે...’

‘જો બારમા ધોરણમાં સારૂં પરિણામ નહિ આવે તો આજીવન તારાં માટે ડાન્સ બંધ... ડાન્સ અને રાજસરને ભૂલી જવાનું... સપનામાં પણ ડાન્સનો વિચાર નહિ કરવાનો, બોલ છે મંજૂર?’

‘એવું નહિ થાય પપ્પા. હું ડાન્સ માટે ભણીશ. મારાં માટે ડાન્સ શું છે એ કદાચ તમને નહિ સમજાય. એના માટે તો હું એન્જીનીયર બનવા પણ તૈયાર છું, પણ કોઈપણ કિંમતે ડાન્સને છોડવા તૈયાર નથી.’

સ્ક્રીપ્ટ વાંચતા-વાંચતા આરવ સમક્ષ તેનો ભૂતકાળ સજીવન થઈ ગયો. તેને એક જ ચિંતા હતી કે ભણવાનું પુરૂં થયા બાદ શું? નોકરી કે ડાન્સ? બીજી બાજું રેવાને પણ એ જ ચિંતા હતી કે ભણવાનું પુરૂં થયા બાદ શું? કારકિર્દી કે લગ્ન?

‘પપ્પા, મારે સાયન્સ રાખવું છે.’

‘રેવા, આપણે ક્યાં મોટા એન્જીનીયર કે ડોક્ટર બનવાનું છે કે સાયન્સ રાખવું પડે.’

‘કેમ! મારે એન્જીનીયર બનવું છે. સોફ્ટવેરની દુનિયામાં નામ કમાવવું છે.’

‘મારે તને પરણાવી છે... આજીવન ઘરે નથી બેસાડવાની. ભણવાની બહુ ઈચ્છા હોય તો બી.એ. કે બી.કોમ. કરવાની કોણ તને ના કહે છે. તારી બે મોટી બહેનો બહુ નથી ભણી તો પણ તેને સારૂં ઘર, વર અને કુટુંબ મળ્યું જ છે ને. સાસરીમાં સુખી છે. એનાથી વધારે બીજું શું જોઈએ?’

‘પપ્પા, મારે બીજું વધારે જોઈએ છે. ફક્ત લગ્ન એ જ એકમાત્ર મારાં જીવનનું ધ્યેય નથી. અત્યારે મારૂં લક્ષ્ય બીજું છે.’

‘એટલા માટે તો હું ના કહી રહ્યો છું. અત્યારથી જ તારી જીભ આટલી બધી ચાલે છે, પછી તો કોણ જાણે શું થશે! કાલે સવારે ઊંઠીને તું એમ કહીશ કે મારે તો લગ્ન પણ નથી કરવા, તો શું તારી બધી વાતો માની લેવાની?’

‘પણ એવું શું કામ વિચારો છો?’

‘મને તારા પર બિલકુલ ભરોસો નથી. તારી બહેનોની વાત અલગ હતી. તેથી જ હું પાણી પહેલાં પાળ બાંધવા માંગું છું.’

‘પણ પપ્પા...’

‘મારે હવે તારી એક પણ વાત નથી સાંભળવી. એક વાત સ્પષ્ટ રીતે સમજી લે, સાયન્સ વગર ભણવું હોય તો ભણો... બાકી ભણવાની જરૂર નથી. નિર્યણ હવે તારે કરવાનો છે.’

‘પપ્પા એક મિનીટ ઊંભા રહો. હું પણ તમારી મરજી પ્રમાણે ચાલવા તૈયાર છું, મારી બંને દીદીની જેમ લગ્ન કરી લઈશ તમે કહેશો ત્યાં. પણ એ માટે મારી એક શરત છે.’

‘શરત! શું છે?’

‘તમારે મને મારી ઈચ્છા પ્રમાણે ભણવાની પરવાનગી આપવી પડશે. બાકી...’

‘બાકી શું?’

‘હું તમારી ઈચ્છાને માન નહિ આપું. પછી કહેતા નહિ કે હું તમારી વાત માનતી નથી.’

રેવાને સ્ક્રીપ્ટ વાંચતા-વાંચતા આરવની જેમ ભૂતકાળની વાતો યાદ આવી જતાં બીક લાગી કે જો પપ્પાને શોર્ટ ફિલ્મની ખબર પડશે તો એન્જીનીયરીંગની છેલ્લી પરીક્ષા પણ અધૂરી રહેશે...’

બીજે દિવસે આરવ અને રેવા સમયસર રાજસરની નટરાજ એકેડમીમાં પહોંચી ગયા.

‘આવો... ધ્યાનથી સ્ક્રીપ્ટ વાંચીને આવ્યા છો ને?’

‘હા, સર.’ બંનેનો જવાબ હકારાત્મક હતો.

‘તો હવે તમને એટલી તો ખબર પડી જ ગઈ હશે કે હું શું અભિવ્યક્ત કરવા માંગુ છું.’

‘બિલકુલ સર.’

‘આજે સૌપ્રથમ વાત કરીશું કે તમારે સંવાદ કઈ રીતે બોલવાના છે, અભિનય કેવી રીતે કરવાનો છે.’

‘હા સર, એનાથી અમારો આત્મવિશ્વાસ વધશે.’ રેવાએ જવાબ આપ્યો.

‘સર તમારી પાસેથી ડાન્સ તો બહુ શીખ્યોછું, આજે કંઈક નવું શીખવા મળશે.’ આરવે ખુશ થતાં કહ્યું.

‘’આરવ, શરૂઆત તારાથી થશે આપણી શોર્ટ-ફિલ્મની... તું ડાન્સ કરી રહ્યો છે મુક્તપણે, તલ્લીન થઈને, સુંદર સંગીતનાં તાલે. વાતાવરણ પણ ખુશનુમા છે. ડાન્સથી મળતો આનંદ, એની ખુશી તારા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. આનો અનુભવ તો તને છે જ... એકાએક પરિસ્થિતી બદલાઈ જાય છે. તારા હાથ-પગ લોખંડની સાંકળથી બંધાઈ જાય છે. ચારેબાજુથી અલગ અલગ અવાજ આવવા લાગે છે - એન્જીનીયર, ડોક્ટર, એ ગ્રુપ, બી ગ્રુપ, દસમું ધોરણ, બારમું ધોરણ, એડમીશન, નેવું ટકા, ભણવામાં ધ્યાન રાખ, મહેનત કર, પાછળ રહી જઈશ, સારી નોકરી, સારો પગાર...

આ દરમિયાન તારે ચક્કર આવતાં હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય એવો અભિનય કરવાનો છે. અવાજની તીવ્રતા વધતી જશે અને શ્વાસ રૂંધાવાની હાલતમાં જ તું બોલીશ,

‘મારે જીવવું છે... સફળ ડાન્સર બનવું છે... મારે ડાન્સમાં જ કારકિર્દી બનાવવી છે... એન્જીનીયર- ડોક્ટર નથી બનવું... હું મરી રહ્યો છું... મને બચાવો... કોઈ તો મને બચાવો... હે ભગવાન! પ્લીઝ હેલ્પ મી...’

રાજસરે રેવાની સામે જોઈને કહ્યું,

‘રેવા હવે તારી એન્ટ્રી થશે. તારે શરૂઆતમાં જ સંવાદ બોલવાનો આવશે. જેમાં તું બોલીશ,

‘મમ્મી મારે આ પૃથ્વી પર આવવું છે... મારે તારો જલ્દીથી ખોળો ખૂંદવો છે... પપ્પા તમે સાંભળો છો? માટે તમારી આંગળી પકડીને ચાલતાં શીખવું છે... કેમ કોઈ સાંભળતું નથી?... મને જવાબ આપો... અરે! મને મારશો નહિ... મારે જીવવું છે... હજી તો મારો જન્મ પણ થયો નથી ત્યાં મૃત્યુની આવી આકરી સજા... મારો વાંક શું છે?... ડોક્ટર સાહેબ તમે સમજાવોને... લાગે છે કે તમે પણ બહેરા બની ગયા છો... તમે પણ ષડયંત્રમાં ભળી ગયા છો કે શું?... કોઈ તો મને બચાવો... મારો અવાજ કોઈ તો સાંભળો... હે ભગવાન! આવી છે તારી દુનિયા?’

રાજસરે થોડું પાણી પીધાં બાદ ફરી સમજાવાનું આગળ વધારતાં કહ્યું,

‘રેવા તારે અભિનય નથી કરવાનો પણ નહી જન્મી શકવાની એક બાળકીની વેદનાને આબેહૂબ વ્યક્ત કરવાની છે. તારા સંવાદ બાદ એક કારમી ચીસ સાથે જ અંધકાર છવાઈ જશે. થોડીવાર પછી આરવ સ્ક્રીન પર દેખાશે અને બોલશે,

‘શું અમને અમારી ઈચ્છા પ્રમાણે જીવવાનો અધિકાર પણ નથી?’

ત્યારબાદ રેવા બોલશે,

‘જીવન પછી મૃત્યુ હોય છે પરંતુ અહી તો જીવન પહેલાં જ મૃત્યુ?’

આવી રીતે તમારાં બંનેના એક પછી એક ડાયલોગ આવશે.

‘શું સંતાન એ માતા-પિતાની ઈચ્છાપૂર્ત્િાનું સાધન છે?’

‘સ્ત્રીને દેવી તરીકે પૂજતાં સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા ક્યારે બંધ થશે?’

‘અમને અપેક્ષાઓનાં બોજ નીચે કચડવાનું ક્યારે બંધ થશે?’

‘દીકરો-દીકરી એકસમાન, આ વાક્ય ખરેખર ક્યારે સાચું પડશે?’

તમારે બંનેએ આ સંવાદો ખૂબ જ જૂસ્સાપૂર્વક ને વેધક રીતે રજૂ કરવાનાં છે. આ સંવાદો બાદ એક વાક્ય લખાઈને આવશે,

મેરા ભારત મહાન... અને સાથે જ બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવશે,

‘આ વાક્ય ત્યારે જ સંપૂર્ણ યથાર્થ કહેવાશે જયારે...’ આ સાથે જ આરવ તારે ફરી ડાન્સ કરવાનો આવશે, તું ખુશખુશાલ થઈને ડાન્સ કરીશ અને બોલીશ,

‘અમારે શું બનવું છે એ અમે નક્કી કરીશું ત્યારે...’ ત્યારબાદ તરત જ રેવા ખુશીથી કૂદતી-ઊંછળતી બોલશે, ‘દીકરી જન્મ પણ ઉત્સવ બની રહેશે ત્યારે... અને આ સાથે જ આપણી શોર્ટ-ફિલ્મ સમાપ્ત થશે.’

રેવા અને આરવે સરને તાળીઓથી વધાવી લીધાં. બંનેએ રાજસરને વચન આપતાં કહ્યું કે તેઓ સ્ક્રિપ્ટને પૂરેપૂરો ન્યાય આપશે. અભિનય કરવામાં જરા પણ કચાશ નહિ રાખે.

એક મહિનાની મહેનતનાં અંતે ફિલ્મ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ. શોર્ટ-ફિલ્મને નામ આપવામાં આપ્યું ‘બેટી-બેટા બચાવો’. ફિલ્મને વિવેચકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. જેના ફળ સ્વરૂપે ‘બેસ્ટ શોર્ટ ફિલ્મ ઓફ ગુજરાત-૨૦૧૨’ નો એવોર્ડ પણ મળ્યો. થોડા મહિના બાદ બીજો એક એવોર્ડ મળ્યો ‘બેસ્ટ શોર્ટ ફિલ્મ ઓફ ઈન્ડિયા-૨૦૧૨’. ફિલ્મનું ડબીંગ હિન્દી, અંગ્રેજી તેમજ બીજી ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ કરવામાં આવ્યું.

રેવા અને આરવ માટે તો આ બધી જીવનની યાદગાર પળો હતી. ખુશીની ઊંજવણી પણ એટલી જ ધામધૂમથી કરવામાં આવી. આટલું બધું બની ગયું છતાં પણ આરવ અને રેવાનું ઘર આ બધી જ ઘટનાઓથી સાવ અજાણ હતું. આ દરમિયાન બંનેની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ. એન્જીનીયર પણ બની ગયાં. પરંતુ ફરી પાછો એ જ પ્રશ્ન અને ચિંતા ‘હવે શું આગળ...?’

‘આરવ, મને તારી કોલેજમાંથી જાણવા મળ્યું કે તે કોલેજ કેમ્પસ ઈન્ટરવ્યુમાં બેસવાની અનિચ્છા દર્શાવી હતી! આટલી બધી સારી કંપનીઓ આવવા છતાં હું જાણી શકું કે તે આવો મૂર્ખામીભર્‌યો નિર્ણય કેમ લીધો? આવો નિર્ણય કરતાં પહેલાં મને પૂછવાનું પણ તને યોગ્ય ન લાગ્યું?’

આરવે તેનાં પપ્પાને જવાબ આપવાને બદલે ચૂપચાપ જ ઊંભો રહ્યો.

‘આરવ, મેં તને કંઈક પૂછ્‌યું, જવાબ આપ મને...’

‘પપ્પા, હું તમારી ઈચ્છા પ્રમાણે એન્જીનીયર તો બની ગયો, પરંતુ મારી ઈચ્છા હવે નોકરી કરવાની નથી.’

‘તો પછી તારે શું કરવું છે?’

‘મારે જે કરવું છે તે જણાવીશ તો તમે નાહકનાં મારા પર ગુસ્સે થશો.’

‘આરવ, હું તારો દુશ્મન નથી. મને યોગ્ય લાગશે તો હું તને ચોક્કસ મદદ કરીશ.’

‘પપ્પા, તમારી મદદ કરતાં તમારી મંજૂરી મળશે તો પણ મારા માટે ઘણું છે.’

‘બેટા! કોયડા ઉકેલવામાં મને જરા પણ રસ નથી, એનાં કરતાં તું જે હોય તે સ્પષ્ટ જણાવીશ તો મને વધારે ગમશે.’

‘તો સંભાળો પપ્પા... મેં રાજસરની નટરાજ ડાન્સ એકેડમીમાં કામ કરવાનું નક્કી કર્યું છે.’ આરવે એકદમ શાંતિથી કહ્યું. પરંતુ સામેની બાજુ મોટો વિસ્ફોટ થયો.

‘તને ભાન છે કે તું શું બોલી રહ્યો છો? તારી તબિયત તો ઠીક છે ને! હજી સુધી ડાન્સનું ભૂત મગજમાંથી નથી નીકળ્યું?’

‘પપ્પા, મેં સમજી વિચારીને જ નિર્યણ કર્યો છે.’ આરવે વિસ્ફોટથી બચવા કવચ આગળ ધરતાં કહ્યું.

‘આને બેવકૂફી કહેવાય... સમજદારી નહિ. મને લાગે છે કે જીવનમાં ઠોકર ખાધાં વગર તને અક્કલ નહિ આવે. ડાન્સથી પેટ નહિ ભરાય સમજ્યો. પૈસા કમાવવા એટલાં સહેલાં નથી, એટલે જ તો તને મેં એન્જીનીયર બનાવ્યો કે જેથી સારા પગારવાળી અને માન-મોભાવાળી નોકરી મળે. પણ તને હમણાં નહિ સમજાય.’

‘પપ્પા, મને સારા પગારવાળી નોકરી મળશે, સારા રૂપિયા પણ મળશે, પરંતુ હું ક્યારેય સારો એન્જીનીયર નહિ બની શકું... મને આત્મસંતોષ નહિ મળે તેનું શું?’

‘બસ...બસ, આ બધાં તારા ફિલ્મી ડાયલોગ બંધ કર. તે ફિલ્મોમાં જ શોભે. હકિકતમાં તેનું પાલન કરો તો પછી ભૂખે મરવાનો જ વારો આવે. પણ આ બધું તારા મગજમાં ઉતરે તો ને?’

‘પપ્પા, તમને કેમ એ વાત નથી સમજાતી કે મારી પણ એક સ્વતંત્ર દુનિયા છે. આજ સુધી તમે કહ્યું એમ મેં કર્યું, તમારી ઈચ્છાને મારી ઈચ્છા બનાવી. મને વિશ્વાસ હતો કે એકદિવસ તો એવો આવશે કે તમે મારી પીઠ થાબડીને કહેશો કે, ‘બેટા તારૂ ગમતું કામ કર અને તેમાં જ તારી કારકિર્દી બનાવ. આરવ મને તારા પર ગર્વ છે.’ પણ ના! હું તો તમારો દીકરો છું ને મારે તેનું ઋણ તો ચૂકવવું પડે ને! ભલે પછી મારો આત્મા મરી જાય. આજ્જ્ઞાંકિત દીકરો હોવું તે શું ગુન્હો છે? પપ્પા ક્યારેક તો મારી આંખોથી મારા સપનાંને જોવાનો પ્રયત્ન કરો. પાંખો બાંધીને પક્ષીને મુક્ત ગગનમાં ઊંડવા મૂકશો તો એ જમીન પર જ પટકાશે... કદાચ! એ ક્યારેય ઊંડી નહિ શકે. પપ્પા, હું તમારો અંશ છું, પડછાયો નથી. મને મહેરબાની કરીને સમજવાનો પ્રયત્ન કરો. હું તમને દુઃખી કરવા નથી માંગતો.’ આરવની આંખોમાં પાણી ધસી આવ્યાં.

રાજસર માટે આરવ તેનાં દીકરા સમાન હતો. તેઓ એકલાં જ હતાં. એટલે તો તેમની પણ ઈચ્છા હતી કે આરવ જ તેની ડાન્સ એકેડમી સંભાળે. લગભગ છેલ્લા બારેક વરસથી આરવ નટરાજ ડાન્સ એકેડમી સાથે જોડાયેલો હતો. પહેલાં રાજસરનો વિદ્યાર્થી હતો, પછી તેનો સહાયક બન્યો અને હવે ડાન્સ ટીચર. આરવના જીવનમાં ડાન્સનું શું મહત્વ છે તે રાજસર બહુ સારી રીતે જાણતાં હતાં. તેને વિશ્વાસ હતો કે આરવ એક દિવસ ડાન્સની દુનિયામાં જરૂરથી નામ કમાશે. આ વિશ્વાસ જ આરવ માટે પ્રેરકબળ હતું.

‘મમ્મી,પપ્પા... અહિં આવો. મારે તમને એક ખુશખબર આપવા છે.’ રેવાએ મોટેથી બૂમ પાડતાં કહ્યું.

‘શું ખુશખબર છે?’ મમ્મીએ રસોડામાંથી બહાર આવતાં પૂછ્‌યું.

‘મને નોકરી મળી ગઈ... બહુ જ સરસ કંપની છે. મને શીખવાનું પણ ઘણું મળશે.’

‘અહિં વડોદરામાં જ...?’ મમ્મીએ ફરી પ્રશ્ન કર્યો.

‘ના, પૂનામાં છે. એક મહિના પછી હાજર થવાનું છે.’

અત્યાર સુધી રેવાના પપ્પા ચૂપચાપ ઊંભા હતાં. પરંતુ તેનાથી વધારે ચૂપ ના રહેવાયું,

‘તને નોકરી કરવાની પરવાનગી કોણે આપી?’

‘કેમ! એન્જીનીયર બની ગયા પછી અનુભવ તો લેવો પડે ને પપ્પા...! થોડો અનુભવ થઈ ગયા પછી તો હું મારી પોતાની કન્સલ્ટન્સી શરૂ કરવાનું વિચારૂં છું... અહિં વડોદરામાં જ.’

‘બંધ કર તારી બકવાસ વાતો. નોકરી-બોકરી કરવાની કંઈ જરૂર નથી. જરૂર છે મમ્મીની સાથે રહીને ઘરકામ અને રસોઈ શીખવાની. આ બધું શીખેલું હશે તો આગળ જતાં કામ લાગશે. આમ પણ ઘણાં બધાં છોકરાંઓની વિગતો આવી છે. તું થોડી તૈયાર થઈ જા પછી વાત આગળ ચલાવીએ...’

‘પપ્પા, પ્લીઝ મારે હમણાં લગ્ન નથી કરવાં... હું નોકરી કરવા જઈશ એ ફાઈનલ છે.’

‘રેવા, પપ્પાની સામે બોલવામાં ધ્યાન રાખ થોડું.’ રેવાની મમ્મીએ ઠપકો આપતાં કહ્યું.

‘એને કહેવાનો કોઈ ફાયદો નથી. તેને આમ પણ માન-મર્યાદાનું કયાં ભાન છે!’ પપ્પાએ ગુસ્સે થતાં કહ્યું.

‘પપ્પા મારી બદલે જો તમારો દીકરાએ પૂના જવાની અને નોકરીની વાત કરી હોત તો? તમે આમ જ ગુસ્સે થયાં હોત?’

‘દીકરા-દીકરીની વાત અલગ છે. મારાં નસીબમાં દીકરાનું સુખ છે જ નહિ પછી સરખામણીની વાત જ અસ્થાને છે.’

‘પપ્પા... તમને એ વાતનો જ અફસોસ છે ને કે તમારે દીકરો નથી! ખરૂં કારણ તો હું જ છું ને... બરોબરને પપ્પા?’

‘મારે તારી સાથે ખોટી ચર્ચા કરીને સમય નથી બગાડવો.’

‘કેમ! હું સાચું બોલી એટલે?’

‘તું કહેવા શું માંગે છે...! હું દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખું છું?’

‘હા, એમ જ...’

‘તો પછી એ તારા મનનો વહેમ છે.’

‘ના પપ્પા વહેમ નથી, સત્ય છે. બાકી બે દીદી પછી તમે... મને તો બોલતાં પણ શરમ આવે છે.’

‘બોલ ને, આમ પણ હવે તે બાકી રાખ્યું જ છે શું?’

‘પપ્પા, તમને બે-બે જીવની હત્યા કરાવતાં ભગવાનનો પણ ડર ના લાગ્યો? એનો એટલો જ વાંક હતો કે ભગવાને એમને દીકરી બનાવી.’

‘બસ કર, રેવા! તને ભાન છે તું શું બોલી રહી છો?’ મમ્મીએ તમાચો મારવા હાથ ઉપડતાં કહ્યું.

‘માર મને... અટકી કેમ ગઈ મમ્મી! તું તો માં છો, તું પણ પાપની ભાગીદાર બની. આટલો બધો દીકરાનો મોહ કે એ જીવની આ દુનિયામાં આવતાં પહેલાં જ તમે લોકો એ...’ રેવાના ગળે ડૂમો ભરાઈ ગયો. ફરી સ્વસ્થ થતાં બોલી,

‘હું બચી ગઈ કારણ કે આ દુનિયામાં આવવા માટે મારી સાથે મારો ભાઈ હતો. બાકી તો મારા પણ એ જ હાલ થયાં હોત... પણ જન્મ પછી તરત જ એ મને બચાવી, ભગવાન પાસે પાછો પહોંચી ગયો. પણ પપ્પા તમને તો એવું લાગ્યું કે મતિ તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારૂં હોવાને લીધે એ જીવિત ના રહ્યો. એમાં તમે જ કહો કે મારો શું વાંક? પપ્પા દીકરી એ ઊંનાળાની બળબળતી બપોર નથી, એ તો દઝાડતી ગરમીમાં મીઠો છાંયડો છે... જરૂર છે દ્રષ્ટિકોણ બદલવાની.’

રેવા અને આરવનાં ઘરે સન્નાટો છવાઈ ગયો. ઘરનું વાતાવરણ તંગ બની ગયું. બંનેના પપ્પા વિચારતાં થઈ ગયાં. પણ સંતાનોનાં નિર્ણયને સ્વીકૃતિ આપવાનો પ્રશ્ન તો હજી પણ ગૂંચવાયેલો જ હતો. રેવા અને આરવ પણ દ્‌વિધામાં જ હતાં કે હવે શું કરવું. જિંદગી એક એવાં વળાંક પર આવીને ઊંભી હતી કે જેમાં કોઈ એક તો દુઃખી થવાનું જ હતું. એમાં એક નવી સમસ્યા આવી...

આ સમય દરિમયાન જ ટી.વી. અને ઈન્ટરનેટ પર પ્રસારણ થયું એવોર્ડ વિનીંગ શોર્ટ-ફિલ્મ ‘બેટી-બેટા બચાવો’. લાખો લોકોની સાથે બંનેના ઘરમાં પણ એ પ્રસારણ જોવામાં આવ્યું. ઘરે સગાં-સબંધી, મિત્રો તથા પરિચિતોનાં ફોન આવવાં લાગ્યાં. અભિનંદન તથા શુભેચ્છાઓનો વરસાદ વરસ્યો. આરવ અને રેવાને લાગ્યું કે આ તો બળતામાં ઘી હોમાયું. કંકાસ માટેનું નવું અને સચોટ કારણ મળી ગયું.

‘આરવ, તારી પાસે થોડો સમય છે, મારે તારી સાથે થોડી વાત કરવી છે.’

‘હા, બોલો પપ્પા...’ આરવને જવાબ આપતાં થયું કે હમણાં ફરી પાછું યુદ્ધ ચાલું થઈ જશે. પરંતુ એ ખોટો સાબિત થયો.

‘બેટા તારી શોર્ટ ફિલ્મ જોઈ... ખરેખર બહુ જ સરસ હતી. મારા જેવાં કેટલાંય વાલીઓને સમજવા જેવી હતી. જીવનમાં ઊંતારવા જેવી વાત હતી કે રૂઢિગત, બીબાંઢાળ કારકિર્દી એ જ માત્ર વિકલ્પ નથી. માતા-પિતા સંતાનને મોટા થઈને શું બનાવવા માંગે છે એ કરતાં સંતાનને શું બનવું છે એ વધારે મહત્વનું છે. જો આપણે આંબા પાસેથી નાળીયેરની અપેક્ષા રાખીએ તો એમાં વાંક આપણો છે, નહિ કે આંબાના વૃક્ષનો. બેટા, વાંક મારો હતો. હું જ તને સમજી શક્યો નહિ. પરંતુ હવે તું આઝાદ છો ઉડવા માટે. આજે હું તારી બંધાયેલી પાંખોને મારા બંધનમાંથી મુક્ત કરી રહ્યો છું. જા સમાવી લે આખાં ગગનને તારી પાંખોમાં. મન ભરીને જીવી લે તારી ડાન્સની દુનિયા... મને ગર્વ છે તારા પર...’

‘પપ્પા, મને મારૂં ગમતું કામ કરવા માટે રાજીખુશીથી રજા આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર... મને જીવનદાન આપવા બદલ...’ આરવથી વધારે આગળ ન બોલાયું. તે દોડીને તેના પપ્પાને ભેટી પડયો. બંનેની આંખોમાં આંસુ આવી ગયાં.

રેવાએ કબાટ ખોલતાં જ સામે એક પત્ર દેખાયો. આશ્ચર્ય સાથે તેણે વાંચવાની શરૂઆત કરી.

‘રેવા, તારા મમ્મી-પપ્પાની એટલી હિંમત નથી કે તારી સામે નજર મેળવીને વાત કરે. એટલે જ શબ્દોના સહારે તારી સમક્ષ હાજર છીએ. તારી શોર્ટ-ફિલ્મ જોયા બાદ અમને અમારી ભૂતકાળની કરણી પર ખૂબ જ પસ્તાવો થયો. થોડા દિવસ પહેલાં તે જે કંઈ પણ કહ્યું તે બિલકુલ સાચું હતું. દીકરાના મોહમાં અમે જન્મદાતાને બદલે જલ્લાદ બની ગયાં હતાં. તે માટે અમે માફીપાત્ર તો નથી પરંતુ અમારાં એ પાપનાં પ્રાયશ્ચિતરૂપે તને અમારાં સંકુચિત બંધનોમાંથી આજે આઝાદ કરીએ છીએ.તારી બહેનપણી પાસેથી જાણવા મળ્યું કે તે પૂનાની કંપનીમાં હાજર ન થવા માટે લેટર મોકલ્યો છે. ફક્ત અમારી ખુશી માટે તે તારા સપનાનું બલિદાન આપી દીધું! પણ તારે હવે વધારે બલિદાન આપવાની જરૂર નથી... તારે તારૂં સપનું સાકાર કરવાનું છે. અમારાં આશીર્વાદ તારી સાથે છે. અમે પણ લોકોને ગર્વથી કહીશું કે રેવા અમારૂં સંતાન છે. ભગવાનને પ્રાર્થના કરીશું કે તને અમારી નહિ. પરંતુ અમને તારી ઓળખાણ મળે. શક્ય હોય તો અમને માફ કરજે.’

રેવા તો પત્ર વાંચીને દોડીને તેનાં મમ્મી-પપ્પા પાસે પહોંચી ગઈ. રેવાના ઘરે આજે ખુશી હતી, ઉત્સવ હતો દીકરી જન્મનો. રેવાને લાગ્યું કે જાણે તેનો સાચો જન્મદિવસ આજે જ છે.

ચાર વરસ બાદ,

રેવા અને આરવ પોતાનાં ક્ષેત્રમાં ઘણું નામ અને દામ મેળવી ચૂક્યાં. આ સમયગાળા દરમિયાન બંનેએ એક સંસ્થાની સ્થાપના કરી. જેનું મુખ્ય કાર્ય હતું કાઉન્સલીંગ - ‘બેટી-બેટા બચાવો’. સંસ્થાની ઓફીસની બહાર મોટા અક્ષ્રરે લખેલું હતું ‘મેરા ભારત મહાન...’