Janmdivasni bhet books and stories free download online pdf in Gujarati

જન્મદિવસની ભેટ

આજે શ્વેતા ખુબ જ ગુસ્સામાં હતી. એના માનવામાં નહિ આવતું હતું કે રાજ એની સાથે આવું કરી શકે. ૭ વરસ થી બંને સાથે સંબંધમાં હતાં. બધાં મિત્રોને એમ થતું કે સંબંધ હોય તો રાજ અને શ્વેતા જેવો. એકબીજાનાં સાથી તો ખરા જ પણ બંને એકબીજાનાં ખાસ મિત્રો પણ. બંનેનો એકબીજા પરનો વિશ્વાસ પણ અતૂટ. અરે, ૨ વરસ પહેલાં રાજ જયારે આગળ અભ્યાસ માટે યુ.એસ.એ. ગયો ત્યારે પણ શ્વેતાએ એને હસતે મોઢે વિદાય આપી હતી કેમકે એને વિશ્વાસ હતો કે રાજ ફક્ત એનો જ છે. રાજ એને લેવા માટે ચોક્કસ આવશે જ. પણ આજે શ્વેતાની એક સહેલીએ એને સમાચાર આપ્યા કે રાજ તો લગ્ન કરી રહ્યો છે. એણે રાજને ફોન કર્યો પણ વ્યસ્ત આવ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં શ્વેતાએ રાજનું સ્ટેટ્સ જોયું તો ત્યાં પણ એણે લખ્યું હતું "ગેટિંગ મેરિડ સૂન..". શ્વેતા ને હજુ વિશ્વાસ ન હતો આવતો કે એનો રાજ એની સાથે આવું કરી શકે છે. બધાં શ્વેતાને કહેતાં કે વિદેશની હવા ઘણાં માણસોને સંપૂર્ણ બદલી કાઢે છે. આજે શ્વેતાને એ બધી વાતો સાચી લાગવા માંડી.

એને રાજ સાથે વિતાવેલી તમામ પળો યાદ આવવા માંડી. રાજને શ્વેતા સાથે પહેલી નજરનો પ્રેમ થયો હતો જયારે એણે શ્વેતાને ક્લાસરૂમની બહાર જોઈ હતી. શ્વેતા તો આ વાતથી તદ્દન અજાણ હતી. રાજએ બહાર આવી એને શોધી પણ એટલામાં તો શ્વેતા ત્યાંથી જઈ ચુકી હતી. છતાં રાજ હાર માને એમ ના હતો. એણે તો બસ ગમે ત્યાંથી એ સ્વપન-પરીની ભાળ કાઢવી હતી. કોણ હતી એ? શું નામ હતું એનું? અને ક્યાં રહેતી હતી?

રાજે ગમે તેમ કરીને જાણી જ લીધું કે એ સુંદરીનું નામ શ્વેતા હતું. અને એ પણ રાજના જ સમાજની છોકરી હતી. આટલું જાણીને રાજ ખુબ જ ખુશ થઈ ગયો હતો. એણે પાક્કો નિર્ધાર કરી લીધો હતો કે લગ્ન કરીશ તો આ શ્વેતા સાથે જ. એના અમુક મિત્રોએ એને ઉશ્કેર્યો પણ ખરો કે "શ્વેતા બહુ સારી છોકરી નથી." (બધાને જ બીજાનું સારું થાય એ થોડું પચે?) પણ રાજ જેનું નામ. એણે એના મિત્રોને પણ કહી દીધું કે જેવી હશે એવી મને ફક્ત એ જ જોઈએ છે. જો એ એવી હશે તો પણ હું સુધારીશ એને. અને સાચે એવું જ થયું હતું. શ્વેતા આમ તો ભલી છોકરી હતી. પણ રાજે પોતાના પ્રેમથી શ્વેતાને આખી બદલી કાઢી હતી. એક સમયની જિદ્દી, બિન્દાસ અને ઉદ્ધત છોકરી હવે શાંત, ઠરેલ અને સમજુ થઈ ગઈ હતી ફક્ત ને ફક્ત રાજની સંગતને લીધે.

શ્વેતાએ પહેલા તો રાજની અવગણના જ કરી હતી. કેમકે એને લાગતું કે રાજ પણ બીજા છોકરાની જેમ આવારા હશે અને એટલે જ પોતાનો પીછો કરતો હશે. પણ રાજ આવારા નહિ હતો. એ તો આ જમાનામાં પણ અસલ સાચા પ્રેમમાં માનનાર હતો. રાજે ક્યાંકથી શ્વેતાનો ફોન-નંબર મેળવી લીધો હતો. અને શ્વેતા સાથે ફોન અને મેસેજીસમાં વાત કરતાં કરતાં એણે પોતાના સાચા પ્રેમ નો અહેસાસ કરાવ્યો હતો. અંતે શ્વેતાએ રાજના પ્રસ્તાવનો સ્વીકાર કરવો જ પડ્યો હતો. એ રાજ આટલા વર્ષોનાં સંબંધ પછી આવું છળ કરી શકે? કોઈ માણસ આટલો બધો કઈ રીતે બદલાય જઈ શકે? શ્વેતા માથું પકડીને સોફા પર બેસી ગઈ. એને પોતાનું સર્વસ્વ લૂંટાય જતું લાગ્યું.

આ ૭ વરસમાં ઘણી મુશ્કેલીઓ આવી હતી પણ એ બંનેને અલગ ન હતી કરી શકી. એને યાદ આવ્યું કે જયારે રાજ ના ઘરે બંનેનાં સંબંધ વિશે ખબર પડી ત્યારે કેવો ભૂકંપ સર્જાયો હતો. પણ રાજે એના પપ્પાને ચોખ્ખાં શબ્દોમાં જણાવી દીધું હતું કે જો એ લગ્ન કરશે તો ફક્ત શ્વેતા સાથે. ઘણાં વાદ-વિવાદને અંતે રાજનાં પપ્પા-મમ્મીએ માનવું જ પડ્યું. આ તરફ શ્વેતાનાં પપ્પા-મમ્મીને એમના સંબંધ વિશે જાણ તો હતી. પણ એમને આ સંબંધ સ્વીકાર્ય નહિ હતો. શ્વેતાનાં પિતાએ દીકરીને ભણવામાં ધ્યાન આપવાં માટે કહ્યું હતું. એમને ક્યાંક ખટક્યું હતું કે એમની વ્હાલી દીકરીએ પિતાની સંમતિ વગર જ છોકરો પસંદ કરી લીધો. રાજ અને શ્વેતાએ નક્કી કર્યું હતું કે એક વાર રાજ ભણી ને આવે પછી બંને ભેગાં મળી શ્વેતાનાં મમ્મી-પપ્પાને મનાવશે. પણ જયારે રાજે જ એની સાથે આવું કર્યું ત્યારે એ બધાં સપનાંનો શો અર્થ? જયારે રાજ યુ-એસ-એ. ગયો ત્યારે બધાં રાજને કહેતા "હવે કોઈ એન-આર-આઈ છોકરી શોધી ને ત્યાં સેટ થઈ જજે.", અરે કોઈક કોઈક તો શ્વેતાને પણ કહેતું કે હવે રાજ પાછો નહિ આવે. પણ શ્વેતાને એના રાજ પર ભરોસો હતો. આજે એ જ ભરોસાનાં ટુકડે-ટુકડાં શ્વેતાનાં હૃદયને લોહી-લુહાણ કરતાં હતાં. શ્વેતાની આંખો રડી રડી ને લાલ થઈ ગઈ હતી.

૩ દિવસ પછી શ્વેતાની બર્થ-ડે આવતી હતી. એને યાદ આવ્યું કે કેવી રીતે રાજ એની દરેક બર્થ-ડે સ્પેશ્યલ બનાવી દેતો. હંમેશા કંઈક અલગ ભેટ આપતો. અરે દર વર્ષે શ્વેતાનાં જન્મદિવસ ની ઉજવણી ૧ અઠવાડિયા પહેલાં શરુ થઈ જતી ને જન્મદિવસનાં ૧ અઠવાડિયા સુધી ચાલતી. ક્યારેક કેન્ડલ-લાઈટ ડીનર તો ક્યારેક લોન્ગ-ડ્રાઈવ. શ્વેતાને હંમેશા લાગતું કે રાજ જેટલો પ્રેમ એને કોઈ જ ક્યારેય નહિ કરી શકે. પણ અત્યારે જન્મદિવસનાં ૩ દિવસ પહેલાં શ્વેતાની આંખમાં આંસુ છે. એને સમજાતું નથી કે રાજ ખરેખર એની બર્થ-ડે ભૂલી ગયો છે કે પછી હવે એ રાજ નાં જીવનમાં મહત્વની નથી રહી?

અને શ્વેતાનો જન્મદિવસ આવી જ ગયો. એના મમ્મી-પપ્પાએ એને સવારે વિશ કર્યું પણ શ્વેતાને આજે કોઈ જ ઉત્સાહ ના હતો. એના માટે આજ નો દિવસ પણ એક સામાન્ય દિવસ જ હતો. રાજનો ફોન નહિ જ આવ્યો. શ્વેતાથી આ સહન નહિ થયું. એ એના રૂમમાં દોડી ગઈ અને ખુબ રડી. ત્યાં જ એને અવાજ આવ્યો

"મારી શ્વેતુને કોણ રડાવે છે?". એણે પાછળ જોયું તો રાજ અને રાજનાં મમ્મી-પપ્પા ઉભા હતાં.

એ ચોંકી ગઈ. "રાજ તું અહીંયા? પણ તું તો લગ્ન કરી રહ્યો છે ને?".

સામે રાજે કીધું "હા હું લગ્ન તો કરી રહ્યો છું અને એનું જ આમંત્રણ આપવા આવ્યો છું."

શ્વેતા ગુસ્સે થઈ ગઈ.

"મને શ્વેતુ કહેવાનો અધિકાર તું ગુમાવી ચુક્યો છે રાજ. તેં કઈ રીતે ધારી લીધું કે હું તારા લગ્નમાં આવીશ. હું નહિ આવું."

રાજે પ્રેમથી કહ્યું "તું નહિ આવે તો હું લગ્ન કોની સાથે કરીશ શ્વેતુ?"

"એટલે?" શ્વેતા ગુંચવાઈ.

"એટલે એમ શ્વેતા કે હું લગ્ન તો કરી રહ્યો છું પણ ફક્ત તારી સાથે. બોલ કરીશ મારી સાથે લગ્ન?"

શ્વેતા ખુશી થી ઉછળી પડી. એને બધું એક સપનાં સમાન લાગી રહ્યું હતું.

"હા રાજ હા. હું લગ્ન કરીશ તારી સાથે. પણ...."

"પણ શું શ્વેતા?"

"મારા મમ્મી-પપ્પા?"

"અરે એ લોકોને પણ મેં મનાવી લીધા છે. ફક્ત તારી જ હા બાકી છે. બોલ ક્યારે કરીશ લગ્ન?"

"તું કહે ત્યારે રાજ. હું તો હંમેશથી ફક્ત ને ફક્ત તારી જ છું."

"આ અઠવાડિયે જ આપણે લગ્ન કરીશું શ્વેતુ. આજે જ બધાંને ફોન પર આમંત્રણ આપી દઈએ. તને કેવી લાગી તારા જન્મદિવસની ભેટ?"

શ્વેતા ની આંખમાં ફરી આંસુ આવી ગયાં. પણ હવે એ આંસુ ખુશીનાં હતા. એ રાજને વળગી પડી.

અને ૩ દિવસ પછી શ્વેતા-રાજ નાં લગ્ન લેવાયા. આમ આ વખતે પણ શ્વેતાનાં જન્મદિવસ ની ઉજવણી ૧ અઠવાડિયું ચાલી અને શ્વેતાને રાજે આ વખતે પણ અનોખી ભેટ આપી ને ખુશ કરી દીધી.

***

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. લેખનનો નવો પ્રયાસ હોવાથી કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com

Blog: https://shivayshaktiblog.wordpress.com/