Glamour Word books and stories free download online pdf in Gujarati

ગ્લેમર વર્લ્ડ

મિશા શર્મા અને લાવણ્યા શેઠ. બન્ને મોડેલિંગની દુનિયાનાં નવા ચહેરા. પાછાં બંને પાક્કાં દોસ્ત પણ ખરાં. મિશા અને લાવણ્યા પહેલીવાર એક એડ એજન્સીનાં ઓડિશનમાં મળ્યા અને એકબીજા સાથે વાતવાતમાં દોસ્ત બની ગયાં. એમાં વળી મિશાને રહેવા માટે કોઈક ઘરની તલાશ હતી અને લાવણ્યાને રૂમ શેર કરનાર પાર્ટનરની. આથી બંને રહેવા પણ સાથે માંડ્યા. મિશા દિલ્હીમાં ઉછરેલી મોર્ડન યુવતી હતી તો લાવણ્યા એક નાના શહેરમાંથી આવતી યુવતી. છતાં બંનેને એકબીજા સાથે ખુબ ફાવતું.

"લાવી, આજે મને આવતા મોડું થઈ જશે. એક એડ માટે મારી મિટિંગ છે." મિશા એ લાવણ્યા માટે મેસેજ મુક્યો.

લાવણ્યા એ ઑટોમાં જ આ મેસેજ વાંચી લીધો. અને એકલાં-એકલાં શું કરીશ એ વિચારે એણે આરવને ફોન જોડ્યો. થોડી વાતો પછી સાંજે ડિનર માટે મળવાનું નક્કી કરી એણે ફોન મુક્યો.

આરવ ખન્ના પોતાના નવા બિઝનેસને સેટ કરવા મથતો યુવાન હતો. દેખાવે સ્માર્ટ અને સુંદર હતો. એને લાવણ્યા ખુબ જ ગમતી. એ ઘણી વાર લાવણ્યા સામે પોતાની લાગણી વ્યક્ત કરી ચુક્યો હતો.પણ લાવણ્યા હંમેશા એની વાતને મજાકમાં ઉડાવી દેતી. લાવણ્યા ફક્ત એને પોતાનો એક સારો મિત્ર માનતી. લાવણ્યા અને આરવ બન્ને એક જ શહેરનાં રહેવાસી હતાં. મુંબઈમાં એક ફ્રેન્ડની પાર્ટીમાં બન્ને પહેલીવાર મળ્યા હતાં. અને પછી વાત કરતાં, કોફી માટે મળતાં મળતાં બન્ને એકબીજાનાં સારા મિત્ર બની ગયાં હતાં.

રૂમ પર પહોંચતા જ લાવણ્યા બેડ પર આડી પડી. કેટલું થકવી નાખનારું છે એનું જીવન? એમ વિચારતા વિચારતા શૂન્યમનસ્ક થઈ એ છતને તાકી રહી. અચાનક એને આરવ સાથે ડિનરનું યાદ આવતા એ ફટાફટ તૈયાર થવા ગઈ. થાકી ગઈ હોવા છતાં એ તૈયાર થવા માંગતી હતી. એને આરવની સામે લઘર-વગર ન'હોતું દેખાવું. એને અંદરખાને ગમતું હતું કે આરવ એને પસંદ કરે છે. એને પોતાને પણ આરવ ગમતો. મુંબઈ શહેરની આ થકવી નાખતી જિંદગીમાં આરવની સાથે વિતાવેલ સમય એને શાંતિની અનુભૂતિ આપતો. પણ આ સમયે એના માટે પોતાની કારકિર્દી વધારે મહત્વની હતી. એને સુપરસ્ટાર બનવું હતું. એક સફળ અભિનેત્રી બનવું હતું. અને એવામાં લગ્ન કરીને એ પોતાની કારકિર્દી બગાડવા ન હતી માંગતી. પોતાના વિચારો પર પૂર્ણવિરામ મૂકીને એ ફટાફટ તૈયાર થઈ નક્કી કરેલ જગ્યાએ પહોંચી ગઈ. આરવ પહેલેથી ત્યાં પહોંચીને લાવણ્યાની રાહ જોતો હતો.

લાવણ્યા નજીક પહોંચતા જ આરવ લાવણ્યા સાંભળે એ રીતે ગણગણવા માંડ્યો, "મેં અગર કહું તુમસા હસીન, કાયનાતમેં નહિ હે કોઈ..." અને લાવણ્યાનાં ગાલ શરમથી લાલ થઈ ગયા. બન્નેએ વાતો કરતાં-કરતાં ડિનર પતાવ્યું. અને આરવે કહ્યું, "લાવી, હું તને ઘરે મૂકી દઉં?" લાવણ્યાએ ના પાડી પણ આરવનાં આગ્રહથી વશ થઈ એ માની ગઈ.

ઘર પાસે પહોંચતા આરવે કહ્યું, "લાવી, તને ખબર છે ને હું તને કેટલો પ્રેમ કરું છું? ચાલ ને આ બધી ઝાકઝમાળ છોડ ને. હું તને આખી ઝીંદગી ખુબ ખુશ રાખીશ સાચ્ચે. તને કોઈ વાતની કમી નહિ પડવા દઉં." પણ લાવણ્યાએ "શું આરવ તું પણ. તને ખબર તો છે કે હું મોટી સુપરસ્ટાર બનવા માંગુ છું. હમણાં આ બધામાં પડી હું મારી કરિયર ખરાબ કરવા નથી માંગતી." અને “ઓકે મેડમ. સોરી” કહી આરવ લાવણ્યાને ઘરે મૂકી જતો રહ્યો. આરવને લાવણ્યાની “હા” ની ઈચ્છા તો હતી પણ સાથે સાથે એને લાવણ્યાની આકાંક્ષા અને એની મહેનત માટે માન પણ હતું.

લાવણ્યાએ ફ્લેટની ચાવીથી દરવાજો ખોલ્યો. હજુ મિશા આવી ન હતી. લાવણ્યા ખુબ જ થાકી ગઈ હતી આથી કપડાં બદલીને એ આડી પડી. જોતજોતામાં એની આંખો મળી ગઈ અને મિશા ક્યારે આવી એનું પણ એને ભાન ના રહ્યું. સવારે ઉઠીને એણે જોયું તો મિશા એની જગ્યાએ સૂતી હતી. લાવણ્યા ફટાફટ કોફી અને આમલેટ બનાવવા રસોડામાં ગઈ. આજે એણે સવારમાં એક ફિલ્મ માટે ઓડિશન આપવા જવાનું હતું. ફટાફટ એ તૈયાર થઈ ગઈ અને કોફી પીતાં-પીતાં પોતાનું પર્સ અને પોર્ટફોલિયો તૈયાર કરવા માંડી.

અચાનક કશું યાદ આવતા એ પોતાની ઘડિયાળ શોધવા માંડી જે એને એનાં પપ્પાએ એ મુંબઈ આવી ત્યારે આપી હતી. લાવણ્યા આ ઘડિયાળને પોતાનો લકી-ચાર્મ માનતી હતી અને જયારે જયારે ઓડિશન આપવા જાય ત્યારે ત્યારે સાથે લઇ જતી. પણ આજે એને એ ઘડિયાળ મળી જ નહિ. ખબર નહિ પોતે ક્યાં મૂકી દીધી હશે? અચાનક એને યાદ આવ્યું કે ગઈ કાલે મિશાએ એ ઘડિયાળ પહેરવા માંગી હતી. પણ મિશા તો હજુ ભરઊંઘ માં હતી.

એ મિશાનાં રૂમમાં ગઈ. મિશાએ રાત્રે કપડાં બદલવાની પણ તસ્દી નહોતી લીધી. સેન્ડલ પણ એનાં બેડ પાસે જ પડ્યા હતાં. લાવણ્યા ઉતાવળમાં હોવાથી મિશાનું પર્સ લઇ એમાં એની ઘડિયાળ શોધવા માંડી. ખબર નહિ કેમ પણ લાવણ્યાને મિશાનાં કપડાંમાંથી અને પર્સમાંથી જેન્ટ્સ પરફયુમની તીવ્ર સુગંધ આવી. મિશા તો ક્યારેય આવું પરફયુમ વાપરતી ન હતી. તો આ સુગંધ કોના પરફયુમની હતી? લાવણ્યાને મોડું થતું હોવાથી એણે ફટાફટ પોતાની ઘડિયાળ લઇ ચાલવા માંડ્યું.

ટેક્સીમાં લાવણ્યા બેઠી ત્યાં જ આરવનો મેસેજ આવ્યો, "ગુડ મોર્નિંગ બ્યુટીફૂલ. ઓલ ધ બેસ્ટ." અને લાવણ્યા મલકાઈ ઉઠી. આજે એ સંદીપ ભટ્ટની ફિલ્મ માટે ઓડિશન આપવા જઈ રહી હતી. સંદીપ ભટ્ટે કંઈ કેટલાય સ્ટાર્સને લોન્ચ કર્યા હતાં. લાવણ્યાને લાગતું કે જો આ ફિલ્મ એને મળી જાય તો એનાં સપના પૂરાં થતા વાર નહિ લાગે.

આ તરફ મિશા ઉઠી અને લાવણ્યાએ બનાવેલી કોફી અને આમલેટ લઇ એ બારી પાસે બેઠી. આજે એણે ક્યાંય જવાનું નહિ હતું. આથી એ થોડું રિલેક્સ અનુભવતી હતી. લાવણ્યાએ મિશાને પણ કહ્યું હતું સંદીપ ભટ્ટની ફિલ્મનાં ઓડિશન વિશે પણ મિશાને ફક્ત મોટા મોટા ડિરેક્ટર સાથે જ ફિલ્મ કરવામાં રસ હતો. એને સંદીપ ભટ્ટની ફિલ્મો ખાસ ગમતી નહિ. આથી એણે ઓડિશન માટે ના જવાનો નિર્ણય કર્યો.

તૈયાર થઈ ગયા બાદ મિશાએ ટેલેન્ટ એજન્સીમાં ફોન કર્યો અને પોતાના માટે પ્રોજેક્ટસ વિશે ચર્ચા કરી ફોન મુક્યો. અચાનક એને યાદ આવ્યું કે કાલે એને કોઈકે રમેશ વર્માનો નંબર આપ્યો હતો. રમેશ વર્મા આમ તો બી-ગ્રેડ ફિલ્મો બનાવતો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એનાં કોન્ટેકટ્સ ઘણાં હતાં. ઘણી મોડેલને એણે સારી ફિલ્મોમાં કામ અપાવ્યું હતું. આથી મિશાએ વિચાર કર્યો કે મારે પણ આ રમેશ વર્માને મળવું જોઈએ. કદાચ કોઈક સારી ફિલ્મ મળી જાય. આથી એણે રમેશ વર્માને ફોન કરી મળવા માટે સમય માંગ્યો. અને સાંજનાં સમયે એ રમેશ વર્માની ઓફિસે પહોંચી.

આ તરફ લાવણ્યાનું ઓડિશન ખુબ જ સરસ ગયું. આમ તો સ્પર્ધા ખુબ હતી પણ છતાં એને આશા હતી કે કદાચ એને આ ફિલ્મ મળી જાય. લાવણ્યાને બે દિવસમાં ફોન કરીને જણાવશું એમ કહેવામાં આવ્યું. લાવણ્યા ઉત્સાહ અને આશામાં ઘરે જવા નીકળી. એનાં ઉત્સાહમાં વધારો કરવા એની મમ્મીનો ફોન આવ્યો કે લાવણ્યાનાં પપ્પાનું પ્રમોશન થયું છે અને તેમને ઉત્તમ કામગીરી બદલ એવોર્ડ પણ મળવાનો છે. લાવણ્યા ખુબ જ ખુશ હતી. એને ભગવાનને પ્રાર્થના કરી કે એને સંદીપ ભટ્ટની આ ફિલ્મ મળી જાય.

શું લાવણ્યાને સંદીપ ભટ્ટની ફિલ્મ મળશે? રમેશ વર્મા મિશા ને કંઈ મદદ કરી શકશે? શું હશે મિશા અને લાવણ્યાનું ભાવિ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં?

***

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/