Naitik-Anaitik books and stories free download online pdf in Gujarati

નૈતિક-અનૈતિક

"અંદર આવું સર?" કેશા ટહુકી ઉઠી.

"હા કેશા આવ ને! બેસ." માલવે પૂછવું હતું કે પરમ આવ્યો ત્યારે પોતાની ગેરહાજરીમાં ત્યાં શું થયું હતું? પણ કઈ રીતે પૂછવું એ એને નહિ સમજાયું. માલવની આ અવઢવને કેશાએ પારખી લીધી. આમ પણ માલવને ક્યાં પોતાની લાગણીઓ છુપાવતા આવડતું હતું? એનો ચહેરો હંમેશા એના મનનાં ભાવ સ્પષ્ટ વ્યક્ત કરી દેતો.

"સર તમે પરમ વિશે જ વિચારો છો ને? એણે મારી સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી છે પણ હમણાં હું આ સંબંધ માટે તૈયાર નથી."

"કેમ?" માલવથી અચાનક બોલી જવાયું પછી પોતાની ભૂલ સમજાતાં એણે પોતાનું વાક્ય સુધાર્યું. "તને વાંધો નહિ હોય તો હું કારણ પૂછી શકું? તને કોઈ અન્ય ગમે છે?"

"હા સર. હું એક એવા પુરુષનાં પ્રેમમાં છું કે જેને મારી લાગણીની ખબર પણ નથી."

"તારે તારી લાગણીઓ કહી દેવી જોઈએ એ પુરુષને કેશા."

"હા સર. ચોક્કસ વિચારીશ એ વિષે."

આ તરફ મહેકને થોડા દિવસોથી માલવનું વર્તન કંઈક બદલાયેલું લાગતું હતું. વારે વારે માલવ પોતાના જ વિચારોમાં ક્યાંક ખોવાય જતો હતો. વળી હવે માલવ રોજ સવારે તૈયાર થવામાં વધુ સમય લેતો અને ક્યારેક ક્યારેક તો અરીસામાં પોતાની જાતને નિહાળી રહેતો. મહેકને તેનું આ વર્તન અજુગતું લાગતું પણ મહેક સમજદાર પત્ની હતી. એને પોતાના પતિ પર વિશ્વાસ હતો. પણ આજે મહેકને પરમ મળી ગયો. પરમે તો જોયું-નજોયું કરી દીધું પણ મહેકે તરત એને બૂમ પાડી.. પરમને મહેકની વાતો પરથી લાગ્યું કે મહેકને કંઈ ખબર જ નથી આથી એણે મહેકને માલવ વિશે ચેતવી. મહેકે પરમને તો હસીને એવું કંઈ હોય જ ન શકે અને એને એના માલવ પર પૂરો ભરોસો છે એમ કહી દીધું. પણ પછી એ પોતે વિચારમાં પડી. શું સાચે માલવ એની સાથે છળ કરી શકે?

એણે નક્કી કર્યું કે માલવ આવે પછી શાંતિથી એ આ વિશે વાત કરશે. પણ કોણ જાણે કેમ એનું હૈયું ચૂપ રહેતું ના હતું. એનો પતિ એના સિવાય કોઈ અન્યને ચાહી શકે એ એના માટે સ્વીકારવું ઘણું કપરું હતું. એ ઘરે આવી અને મન શાંત કરવાનાં પ્રયાસ કરવા લાગી. છતાં એના વર્તનમાં એની બેચેની સ્પષ્ટ જણાઈ આવતી હતી.

માલવ ઘરે આવ્યો. મહેક મગજ શાંત કરી જમવાનું પીરસવામાં લાગી. ત્યાં જ માલવે કહ્યું કે એ આજે બહાર જમીને આવ્યો છે. આથી મહેક મન પરનું સંતુલન ગુમાવી ઉઠી. અને એનાથી બોલાઈ જવાયું, "એમ? તારી નવી પ્રેમિકા સાથે?"

"શું બકવાસ કરે છે મહેક? મારી ગર્લફ્રેન્ડ?" માલવને ગુસ્સો બહુ જલ્દી આવી જતો. અને ગુસ્સામાં એ ના કરવાનું કરી બેસતો.

"હા તારી ગર્લફ્રેન્ડ કેશા. જેની સાથે આજકાલ તું બહુ સમય વ્યતીત કરે છે એ કેશા."

"તારી બકવાસ બંધ કર મહેક. આખો દિવસ કામ કરીને આવ્યો છું. મારી પાસે સમય નથી તારી આવી બકવાસ સાંભળવા. આનાં કરતા તો ઘરે જ ના આવતે તો ચાલત."

અને માલવ દરવાજો અફાળી ઘરની બહાર નીકળી ગયો. આ તરફ મહેક ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એ ના હતી ઇચ્છતી કે માલવ સાથે આ રીતે વાત થાય અને એનું આ પરિણામ આવે. પણ એ ગુસ્સાના આવેગમાં માલવ સાથે દલીલ કરી ઉઠી. માલવને સમજાતું ના હતું કે એ ક્યાં જાય? પરમ સાથે તો હવે મિત્રતા રહી ના હતી. પરમ તો માલવનું મોઢું સુધ્ધાં જોવા તૈયાર ન હતો. પણ આ અણબનાવનું કારણ માલવને હજી સુધી ખબર ન હતી. પરમ એની સાથે વાત જ ન હતો કરતો. એણે ફોન કર્યા પણ પરમે જવાબ આપ્યા વિના કાપી દીધા. ત્યાં સુધી કે સોશ્યિલ સાઇટ્સ પર થી પણ પરમે માલવને બ્લોક કરી દીધો હતો.

ક્યાં જવું એ માલવને સમજાયું નહિ. અંતે તેણે કેશાનાં ઘર તરફ ગાડી વાળી. કેશા પણ આ સમયે માલવને એના ઘરે જોઈને ચોંકી ઉઠી. "સર, તમે આ સમયે અહીંયા?"

"હા, કેશા તે દિવસે ચા બાકી હતી ને?"

"ઓહ હા સર, લાવું ચા?"

"ચાનાં બદલે અન્ય કંઈ મળશે? વહીસ્કી કે રમ?"

કેશા ચોંકી ઉઠી પણ વાત સંભાળતા બોલી "હા સર, લાવું છું."

"અરે કેશા તારી મમ્મી ક્યાં છે?"

"સર એ તો મારા કાકા-કાકી સાથે જાત્રાએ ગયા છે. આવતા અઠવાડિયે આવશે."

અને તે દિવસે માલવે ચિક્કાર પીધું. ત્યાં સુધી કે એ પોતાની જાતને સંભાળવા પણ સક્ષમ નહિ હતો. એને ડંખ હતો મનમાં કે મહેકે આવું કીધું કેમ? શું હક છે એને આવા આરોપો લગાવવાનો? હમણાં સુધી પોતે મૂર્ખ હતો કે તે દિવસે રાતે આવેલ એક વિચાર માટે આટલું પશ્ચાતાપ કરતો હતો?

આ તરફ કેશા તો મનમાં ખુબ ખુશ હતી. એને તો મોકો જ જોઈતો હતો માલવની નજીક આવવાનો. તેણે માલવને ખુબ ડ્રિંક્સ કરવા દીધું અને પછી જયારે માલવને પોતાના પર કોઈ જાતનો કાબુ ન રહ્યો ત્યારે એ માલવને પોતાના રૂમમાં લઇ ગઈ.

માલવ સવારે જાગ્યો ત્યારે એ કેશાનાં રૂમમાં કેશાની બાજુમાં હતો. આગલી રાત્રે શું થયું એ એને બિલકુલ પણ યાદ ન હતું. કેશા પણ જાગી ગઈ અને એણે માલવને પોતાની વાતોમાં ફસાવવાનું શરુ કર્યું. એણે માલવનાં મનમાં ઠસાવી દીધું કે એ લોકો બંને જે પણ કરી રહ્યા હતા એ ખોટું નહિ હતું. બે યુવાન વ્યક્તિને હક છે એકબીજાને પ્રેમ કરવાનો. અને એણે મહેકે કરેલી આક્ષેપબાજી યાદ કરાવી. જે પત્ની પોતાના પતિને સુખ ના આપી શકે એનો પતિ અન્ય કોઈ યુવતીને પ્રેમ કરે તો એમાં ખોટું શું છે? અને માલવ પણ કેશાની વાતોમાં આવી ગયો.

આ તરફ મહેક આખી રાત રડી હતી. એને ખુબ પસ્તાવો થતો હતો માલવ સાથે આ રીતે વાત કર્યાનો. એણે તો માલવને ફોન પણ લગાડ્યા હતાં એક વાર નહિ, અનેક વાર. પણ માલવ જવાબ આપે તો ને? આખી રાત એણે પશ્ચાતાપમાં અને માલવની ચિંતામાં પસાર કરી હતી. માલવ સવારે આવ્યો ત્યારે એ તરત માલવને વળગી પડી.

"આઈ એમ સોરી માલવ. મને માફ કરી દે. મારે તારી સાથે આ રીતે વાત કરવી ન હતી જોઈતી."

"ઇટ્સ ઓકે મહેક, મેં તને માફ કરી. ચાલ હવે મને મોડું થાય છે ઓફિસે જવાનું."

મહેકે પૂછવું હતું માલવને કે આખી રાત એ ક્યાં હતો? પણ વાત વધુ બગડવાના ડરથી એ પૂછી ન શકી. મહેક જયારે માલવને ભેટી ત્યારે એને કશુંક ખૂટતું લાગ્યું. પણ એને લાગ્યું કે કદાચ માલવ નારાજ છે એટલે હશે. અને એણે એ વિચારો પર પૂર્ણવિરામ મૂકી દીધું.

કેશાનાં ઘરે મળવાનો તો હવે જાણે નિત્યક્રમ થઈ ગયો માલવ અને કેશાનો. ક્યારેક જમવાની રીસેસમાં તો ક્યારેક સાંજે ઓફિસ થી વહેલા નીકળી જઈને. મહેકને માલવનું વર્તન બદલાયેલું લાગતું પણ એ માલવની ભાવતી વાનગીઓ બનાવીને તો વળી માલવને સામેથી સંબંધ માટે તૈયાર કરીને પોતાની તરફ ખેંચવાનો અને પોતાની ભૂલ સુધારવાના પ્રયત્ન કર્યા કરતી. માલવને આ વર્તન એનું ગમતું પણ. એને પસ્તાવો થતો મહેકને છેતરવાનો. પરંતુ હવે કેશાનાં મોહજાળમાંથી છૂટવું પણ એનાં માટે સરળ ન હતું.

શું થશે માલવ-મહેક અને કેશાનાં આ સંબંધજાળ નું?

***

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com

Blog: https://shivayshaktiblog.wordpress.com/