Glamour Word books and stories free download online pdf in Gujarati

ગ્લેમર વર્લ્ડ

મિશા રમેશ વર્માની ઓફિસે સમયસર પહોંચી ગઈ. રમેશ વર્મા જેવા ડિરેક્ટરે મિશાને એપોઇન્ટમેન્ટ આપી હતી એ વાત થી મિશા ખુબ જ ઉત્સાહિત હતી અને સાથે સાથે થોડી ગર્વિત પણ. રમેશ વર્માની સેક્રેટરી મિશાને ઓફિસમાં લઇ ગઈ. મિશાએ રમેશ વર્માનું અભિવાદન કર્યું અને બંને વાતોમાં પડ્યા. આડીઅવળી વાતો પછી મિશાએ પોતાનો પોર્ટફોલિયો આપ્યો અને મોટી ફિલ્મોમાં કામ કરવાની ઉત્સુકતા બતાવી. રમેશ વર્માએ કીધું કે હાલ એની પોતાની ફિલ્મોમાં તો કામ નથી. પણ એના ઘણાં મિત્રો છે જે સારી ફિલ્મો બનાવી રહ્યા છે. પણ આડકતરી રીતે એમણે એમ પણ જણાવ્યું કે ફિલ્મ મેળવવા માટે સામે કંઈક આપવાની પણ તૈયારી રાખવી પડે. મિશા થોડામાં ઘણું સમજી ગઈ. પાછા મળવાનું વચન આપી એ મિટિંગ પતાવી ઘરે જવા નીકળી.

આજે મિશા અને લાવણ્યા બંને સાંજે ઘરે જ હતાં. લાવણ્યા ઓડિશન આપીને ખુશ હતી તો મિશા રમેશ વર્માની વાતોથી મુંઝાયેલ. બંને એ સાંજે બહાર જવાનો કાર્યક્રમ ઘડ્યો પણ ત્યાં જ બંનેનાં ફોનમાં એકસાથે મેસેજ આવ્યો. કોઈકે મિશાને એક વિડિયો મોકલ્યો હતો. અને એ વિડિયો જોતા જ મિશાનાં પગ નીચે થી જમીન ખસી ગઈ. મિશાનાં ફોનમાં આવેલ વિડિયો મિશાએ એક પ્રોડ્યૂસર જેમ્સ સાથે ગાડીમાં માણેલી અંગત પળોનો હતો.

ગઈકાલે રાત્રે મિશા મિટિંગમાંથી એના ડિઝાઇનર મિત્રની પાર્ટીમાં ગઈ હતી. જયારે એ પાર્ટી પતાવીને ઘરે આવવા નીકળી ત્યારે આ પ્રોડ્યૂસર જેમ્સે મિશાને લિફ્ટ આપવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. આમ પણ આખી પાર્ટી દરમ્યાન મિશા અને જેમ્સે આંખ-મિચોલી જ રમી હતી. સમજાતું નહિ હતું કે કોણ કોને આમંત્રણ આપી રહ્યું છે. જેમ્સ યુવાન અને દેખાવડો હોવાથી મિશાને એનામાં રસ પડ્યો હતો. વળી એ પ્રોડ્યૂસર હતો આથી કદાચ એની સાથેનો સંબંધ પોતાને આગળ વધવામાં મદદ કરશે એમ મિશાને લાગ્યું હતું. આથી જેમ્સે મિશાને જયારે લિફ્ટ આપવા માટે પૂછ્યું ત્યારે મિશાએ એનો તરત જ સ્વીકાર કરી લીધો.

ગાડીમાં જેમ્સે એક-બે વાર અજાણતા સ્પર્શ થયો હોવાનું નાટક કરી મિશાને સ્પર્શ કર્યો. મિશાને કશું અજુગતું ન લાગતા એને કોઈ જાતનો વિરોધ ના કર્યો. આથી જેમ્સે એક સુમસામ અંધારા રસ્તાની એક બાજુએ ગાડી ઉભી રાખી દીધી. અને મિશા કંઈ સમજે એ પહેલા એને મિશાને પોતાની તરફ ખેંચી ચુંબન કરી દીધું. મિશા પણ પોતાના પર કાબુ નહિ રાખી શકતા બંનેએ સંબંધ બાંધ્યો. આ જ કારણ હતું કે લાવણ્યાને સવારે મિશાનાં કપડાં અને પર્સમાંથી જેન્ટ્સ પરફયુમની ગંધ આવતી હતી. મિશા મુંબઈમાં ખુબ આધુનિક કહી શકાય એવા માહોલમાં ઉછરી હતી આથી એને શારીરિક સંબંધનો કોઈ છોછ ન હતો. પણ એને ખબર ન હતી કે આ જેમ્સ આટલો નિમ્ન કક્ષાનો વ્યક્તિ નીકળશે.

મિશાને થયું કે શું લાવણ્યાને પણ આ જ મેસેજ આવ્યો? જેમ્સે બીજા બધાને પણ આ વિડિયો મોકલ્યો હશે? એણે બધું બરાબર હોવાનો ડોળ કરતાં લાવણ્યાને આવેલા મેસેજ વિશે પૂછ્યું. અને લાવણ્યાને આવેલો મેસેજ આરવનો હોવાનું જાણીને મિશાએ રાહતનો શ્વાસ લીધો. એવામાં જ મિશાનાં મોબાઈલમાં ફરી મેસેજ આવ્યો. "હાય ડાર્લિંગ, કેવી લાગી તને આપણી શોર્ટ ફિલ્મ? તું તૈયાર થાય તો આ શોર્ટ ફિલ્મને આપણે એક આખી ફિલ્મ બનાવી શકીએ એમ છે." અને મિશા ગુસ્સાથી તમતમી ઉઠી. મિશાને બિલકુલ અંદાજો પણ નહિ હતો કે બંનેની અંગત કહી શકાય એવી પળો કશેક કૅમેરામાં કેદ થઈ રહી છે. મનમાં તો થયું કે જેમ્સનું ખૂન કરી નાંખે. પણ પછી એને થયું કે ગુસ્સો કરવાથી વાત વધારે બગડી શકે એમ છે. આથી એણે બુદ્ધિથી કામ લેવાનું નક્કી કર્યું.

એ ઉઠીને એ પોતાનો ચહેરો ધોઈ આવી. કંઈક વિચાર્યા પછી એણે મેસેજ કર્યો, "સાચે જ મારા જીવનની અદભુત પળો. થૅન્ક્સ આ પળોને કૅમેરામાં કેદ કરવા માટે." આ મેસેજ વાંચીને જેમ્સ ચોંકી ગયો. એણે તો વિચાર્યું હતું કે મિશા ઘભરાઈ જશે અને પછી પોતે એને બ્લેકમેઇલ કરી કાયમ એનો ઉપયોગ કરશે. પણ એનો દાવ ઊંધો પડ્યો. હજુ એ કંઈ વિચારે એ પહેલા મિશાનો બીજો મેસેજ આવ્યો, "ચાલ ડાર્લિંગ આપણે તારી પત્નીને જણાવી દઈએ કે આપણે બંને એકબીજાની સાથે આવી અનેક ફિલ્મો બનાવવા માંગીએ છે માટે પ્લીઝ વચ્ચેથી ખસી જા. પછી બસ તું અને હું જ હોઇશુ. અને હશે આપણી આવી અનેક રંગીન ફિલ્મો." આ વાંચીને જેમ્સ છક્ક થઈ ગયો. એ નહિ ઈચ્છતો હતો કે આવી કોઈ પણ વાત કદી એની પત્ની સુધી પહોંચે. શું જવાબ આપવો એ જેમ્સને સમજાયું નહિ.

આ તરફ મિશા આગળનું વિચારવા માંડી. એણે જેમ્સને મળવા માટે બોલાવ્યો અને નહિ આવે તો એ વિડિયો એની પત્નીને મોકલવાની ધમકી આપી. આથી જેમ્સ એને મળવા માટે તૈયાર થઈ ગયો. શિકાર પોતે જ પોતાની જાળમાં ફસાઈ ગયો. જેમ્સને કદાચ અંદાજો નહિ હતો કે મિશા એક પાક્કી શિકારી છે. જેમ્સે મિશાને સોરી કહ્યું, અને મિશાની નજર સમક્ષ એ વિડિયો ડીલીટ કરવાની ખાતરી આપી. પણ એમ માને તો મિશા થોડી? એણે જેમ્સની સામે શરત મૂકી કે જેમ્સ પોતાની એક ફિલ્મમાં મિશાને લીડ રોલ અપાવે, નહિ તો એ જેમ્સની પત્નીને વિડિયો મોકલી દેશે. જેમ્સે મને-કમને પણ મિશાની શરત માનવી પડી. સાથે સાથે મિશાએ એ પણ જાણી લીધું કે જેમ્સે આ વિડિઓ બીજા કોઈને મોકલ્યો તો નથી ને? પણ સદનસીબે હજુ સુધી જેમ્સે એ વિડિઓ બીજા કોઈને મોકલ્યો ન હતો. મિશાએ એ વિડિઓ જેમ્સનાં ફોનમાંથી ડિલિટ કરી નાખ્યો.

આ બધું પતાવી મિશા ઘરે આવી. અને રમેશ વર્માના પ્રસ્તાવ વિશે વિચારવા માંડી. પણ હમણાં જેમ્સ તરફ થી ફિલ્મ મળતી હોવાથી હાલના તબક્કે કંઈ જવાબ આપવાનું ઉચિત ન લાગ્યું. આથી વિચારો પર પૂર્ણવિરામ મૂકતાં એણે બેડ પર લંબાવ્યું. ત્યાં જ લાવણ્યા દોડતી આવી.

"ઓહ મિશા, મને સંદીપ ભટ્ટની ફિલ્મ ઓફર થઈ છે. હમણાં જ પ્રોડકશન-હાઉસ તરફથી ફોન હતો. મને કાલે પેપર્સ તૈયાર કરવા માટે બોલાવી છે."

મિશા પણ ખુશ થઇ, "કોન્ગ્રેચ્યુલેશન લાવણ્યા. હું તારા માટે ખુબ જ ખુશ છું. હું પણ જેમ્સ સાથે એક ફિલ્મ માટે વાત કરી રહી છું. પણ હાલ હજુ કંઈ નક્કી નથી થયું."

"થઈ જ જશે મિશા. મને તારા ટેલેન્ટ પર ભરોસો છે."

ટેલેન્ટ.. મિશા મનમાં ખંધુ હસી. અને મનમાં જ વિચાર્યું કે તને કેવી રીતે સમજાવું લાવણ્યા કે આ ઇન્ડસ્ટ્રીમાં ટેલેન્ટ કરતાં ચતુરાઈ અને મોકા નો ફાયદો ઉઠાવવાની કળા જ તમને સાચે મદદ કરી શકે એમ છે. એણે પોતાની જાત પર છૂપો ગર્વ અનુભવ્યો.

લાવણ્યા ઉતાવળ હોવાથી ત્યાંથી જતી રહી. અને પોતાના રૂમમાં જઈ એણે આરવને ફોન કરી આ ખુશ ખબર આપ્યાં. આરવ પણ ખુબ જ ખુશ થયો. લાવણ્યાનાં સપના પુરા થતા જોઈને એને અનેરો આનંદ થયો. પછી ફોન મૂકી લાવણ્યા બીજા દિવસની તૈયારીમાં લાગી કેમકે એણે સવારે પેપર્સ તૈયાર કરવા વહેલા જવાનું હતું અને એ ન હતી ઇચ્છતી કે પહેલા જ દિવસે એ મોડી પડે અને એની ખરાબ છાપ પડે. એણે વિચાર્યું કે કાલે એકવાર બધું નક્કી થઈ જાય પછી એ એનાં મમ્મી-પપ્પાને ફોન કરશે.

શું હશે આગળ મિશા અને લાવણ્યાનું ભવિષ્ય? બંનેનાં વિચાર અલગ છે, રસ્તા અલગ છે. આ બંનેમાંથી કોનું ભવિષ્ય ક્યાં હશે? કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બે નવી સુપરસ્ટાર્સ મળશે?

***

મારી આ વાર્તા વાંચવા માટે ઘણો ઘણો આભાર. કંઈ અભિપ્રાય, વિચારો કે સૂચન હોય તો મને ચોક્કસ લખી મોકલજો. અને સમય હોય તો મારા બ્લોગની પણ મુલાકાત લેજો અને તમારા અમૂલ્ય અભિપ્રાય કે સૂચન આપજો.

Mail: shivshaktiblog@gmail.com ;

Blog: https://shivayshaktiblog.wordpress.com/