Atrupt Ichchhao - 2 in Gujarati Love Stories by Bhavik Radadiya books and stories PDF | અતૃપ્ત ઈચ્છાઓ- 02

Featured Books
Categories
Share

અતૃપ્ત ઈચ્છાઓ- 02

અતૃપ્ત ઈચ્છાઓ - 02

એ મને આમ જ છોડીને ચાલ્યો ગયો. હું ભીંજાતી રહી એમની યાદોમાં, પણ એ કયારેય પાછો ન આવ્યો એટલે ન જ આવ્યો. સૉરી, એમનું નામ કહેવાનું રહી ગયું... "આકાશ મહેતા" હા, આકાશ એમનાં નામ પ્રમાણે જ વિશાળ અર્થ ધરાવતો હતો. ક્યારેક સમજી શકાય, તો ક્યારેક ન સમજી શકાય એવું વ્યકિતત્વ. ફાંકડું અંગ્રેજી બોલી જાણતો, પણ દિલની બાબતમાં હંમેશા ઉણો ઉતરેલો. બુધ્ધુ ઈન્ટેલીજન્ટ હતો એ.

આમ તો બધા માટે એ આગંતુક શહેરી લાલો હતો, પણ અમે બંને આ પહેલાં પણ સુરતમાં એકવાર કોઈ કોમ્પ્યૂટર ક્લાસીસમાં મળેલાં અને ઔપચારિક ઓળખાણ થયેલી. દેખાવમાં સ્માર્ટ સેક્સી પણ સ્વભાવમાં એટલો જ શરમાળ! અરે મેં ફોર્મ સાઈન કરવા એમની પેન લીધેલી એ પણ પાછી ના માંગી શકયો! આખરે કંટાળી ને મેં જ તેને સામેથી પરત આપી દીધી!! એમને બોરિંગ કહેવો કે નહીં, એ પણ એક યક્ષ પ્રશ્ન હતો.

મેં એમને જ્યારે અહીં આર્મી ટ્રેનિંગ એકેડેમીમાં જોયો, ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ. થોડીવાર તો મને વિશ્વાસ જ ન આવ્યો કે એ સુરતી આકાશ જ છે. એમના આવ્યા પછી હું મારી જાણ બહાર જ વધારે ખુશ રહેવા લાગી. એમને જોઈને મારી અંદરની એ લાગણીઓ ફરીથી જીવંત થવા લાગી, જેમને મેં ઘણાં સમયથી સંકેલીને જબરજસ્તી દિલના કોઈ અવાવરું ખૂણામાં બાંધી રાખી હતી. મારી અંદર ફરીથી કુણી કુંપળો ફૂટી નીકળી, જે એમને બે વર્ષ પહેલાં સુરતમાં મળી હતી ત્યારે ઉગીને સુકાઈ ગયેલી.

અમારા ક્લીગ્સ અને ટ્રેનરોને પણ પહેલાં તો એમ જ લાગેલું કે આ આકાશે અહીં આવીને તેની લાઈફની સૌથી મોટી ભૂલ કરી છે. પણ ના, જેટલું મજબુત તેનું મનોબળ હતું તેનાંથી વધારે મજબુત તેનું શરીર નીકળ્યુ. હાફ ટ્રેનીંગ કમ્પલીટ થઈ, ત્યાં સુધીમાં તેને ચાર-પાંચ જેટલા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

બધી ગર્લ્સને એક ચર્ચાનો નવો વિષય મળી ગયો હતો .જ્યારે પણ ફ્રી થતાં અને અલગારી વાતો માંડતા ત્યારે આકાશનો ઉલ્લેખ અચુક થતો. એમનાં વિશે જાતજાતની કમેન્ટો કરવામાં આવતી. એમનાં સ્વભાવથી લઈને સ્વ-ભાવ સુધી બધીજ વાતો શેર થતી. એ મારો ફેવરીટ વિષય બની ગયો હતો. મારા વર્તન પરથી ઘણી ગર્લ્સને તો ખબર પણ પડી ગઈ હતી કે હું એને દિલથી ચાહું છું, પણ કહી શકતી નથી. હું બધાની સિનિયર હોવાથી મારી સાથે એ વાત છેડવાની કોઈ હિંમત ના કરતું.

હું ફક્ત એમની રાહ જોઈને બેઠી હતી. બસ એકવાર એ મને કહી દે' કે એ મને ચાહે છે. ત્યારપછી હું જન્મો સુધી ફક્ત તેની જ બની રહેવા તૈયાર હતી. બધી છોકરીઓની જેમ હું પણ ઈચ્છતી હતી કે હું જેમને ચાહું છું, એ વ્યક્તિ મને સામેથી પ્રપોઝ કરે... પણ મને શું ખબર કે આ જ જીદ્દ મને ભારે પડશે...

એ આટલો શરમાળ કેવી રીતે હોઈ શકે?! આ પ્રશ્ન મને વારંવાર મારી રહ્યો હતો. અંદરથી ભાંગી રહ્યો હતો. કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓને આટલી હદ સુધી કેવી રીતે છુપાવી શકે?! ચાહત છે, તો પછી આટલી અકડ શા માટે??

હા, હું તેને અકડું જ કહીશ. મને તેનાં માટે પ્રેમ છે, સાથે ગુસ્સો પણ છે જ. એ વીર નહીં પણ કાયર છે. દિલથી કાયર! પોતાની લાગણીઓને જબરજસ્તી છુપાવવી એ સૌથી મોટી કાયરતા છે. અથવા કહો કે એક પ્રકારની મૂર્ખામી છે. તમે કોઈને ચાહો છો, તો બસ એમને કહી દો. તમે વ્યક્ત થાવ. તમારી લાગણી તેમની સામે ઢોળી દો, બધો ભાર ખંખેરી નાંખો. પણ હા, આ બધું સમયસર થવું જરૂરી છે.

હું તેમની વધારે રાહ જોઈ શકું તેમ નહોતી. મેં તેમને દિલથી ચાહ્યો હતો. હા, મને એ સ્ટુપીડ, ડીમ લાઈટ સાથે પ્રેમ હતો. હું બસ યોગ્ય તકની રાહ જોઈ રહી હતી.

માઉન્ટીંગ કરતી વખતે સેફટી બેલ્ટ વિના ટ્રેકિંગ કરવાની સખ્ત મનાઇ હતી. મેં એ નિયમનું ઉલ્લંઘન કર્યું અને પનીશમેન્ટ પણ મેળવી. છેલ્લી બે કલાકથી તડકામાં હેવી રેન્જ રાઈફલ સાથે ઉભી હતી. વરસાદ વરસ્યા પછીનો તડકો વધારે આકરો હતો. આકાશને જાણ થતાં જ એ દોડી આવ્યો.

"મોના.... આ બધું શું છે?! વોટ ધી હેલ!"

એ બેબાકળો બની મને જોઈ રહ્યો હતો. એને હજું આ બધું અજુગતું લાગતું હતું. એમના મોઢેથી મારું નામ બોલાયું એટલે મારી બધી પીડા ત્યાં જ શમી ગઈ. અને એ મોનીકા નહીં પણ "મોના" બોલ્યો હતો. હા, મને સાંભળવામાં થોડી પણ ભૂલ નહોતી થઈ, એ "મોના" જ બોલ્યો હતો. એ તેણે જ આપેલું નીકનેઇમ હતું. ઘણું ફની હતું. મારું નામ હું જ મનોમન બોલતી અને હસી પડતી.

મને હતું જ કે એ આવશે, પણ આવી રીતે એ આવી ચડશે એ વિચાર્યું નહોતું. આમ તો એ શાંતિપ્રિય છે, પણ અત્યારે ગુસ્સામાં લાલઘૂમ હતો.

"પ્લીઝ, આકાશ તું જતો રહે..... આમ પણ ગર્લ્સ બટાલિયનમાં તમને આવવાની પરમીશન નથી. કોઈ જોઈ જશે તો તને પણ પનીશમેન્ટ મળશે.... અને... અને પછી હું તને... પાણી પાવા નહીં આવું હો...."- મેં તેને સમજાવતાં હળવી મજાક પણ કરી.

"ઓહ સૉરી.... તને તરસ લાગી હશે એ તો હું ભૂલી જ ગયો.... અને આ રાઈફલને ફેંક એક બાજુ. આ તારી હાલત તો જો કેવી કરી રાખી છે..."- કહેતાં એણે મારા હાથમાંથી રાઈફલ ઉઠાવી ફેંકી દીધી અને મારો હાથ પકડીને વૉટર ડેનેઝ તરફ ખેંચી ગયો.

હું કોઈપણ જાતના વિરોધ કર્યા વિના તેની સાથે ચાલી નીકળી.તેનો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેની આછી ઉગેલી મૂછો પર પરસેવાના બિંદુ બાઝી ગયા હતા અને તેના શરીર માંથી માદક ખુશ્બુ રેલાઇ રહી હતી. એ આકર્ષક લાગતો હતો. તેનાં પર એક મર્દાની ગુસ્સો અને જુસ્સો સવાર હતાં. હું ઈચ્છતી હતી કે તે હંમેશ આવો જ રહે. જેથી તેને સમજવામાં વધારે મુશ્કેલી ના પડે.

તેણે મને લાકડાંની બેન્ચ પર બેસાડી અને મારા માટે પાણી ભરી લાવ્યો. તેણે મારી હથેળી જોઈ, પણ કશું બોલ્યો નહીં. અમારી વચ્ચે મૌન સંવાદ થઈ રહ્યો હતો. જેમાં તેણે સ્પષ્ટ રીતે પોતાના પ્રેમનો એકરાર કરી દીધો હતો.

"આર યુ ઓકે...?"- તેણે મારા ગાલ પર તેનો હાથ ફેરવતાં પૂછ્યું. મેં ફક્ત આંખોના પલકારાથી જવાબ આપ્યો અને તેની નેક્સ્ટ મૂવમેન્ટ શું હશે એ વિચારવા લાગી. આમ પણ એ બધું અણધાર્યું જ કરતો.

ફરીથી અમારી વચ્ચે મૌન છવાયું. મને લાગ્યું કે આ જ સૌથી શ્રેષ્ઠ સમય છે તેનાં દિલની વાત બહાર લાવવા માટે અને મેં પૂછી નાંખ્યું....

"આ બધું તું શા માટે કરે છે?"

એ મારી સામે જોઈ હસ્યો અને સિફતથી મારા પ્રશ્નને ઉડાવી દિધો અને સામો પ્રશ્ન પુછી લીધો, "કેમ, ફ્રેન્ડ માટે આટલું પણ ના કરી શકાય?!!"

હું પણ ત્યારે નમતું લેવાના મૂડમાં નહોતી.

"આર યુ શ્યોર...? ખાલી ફ્રેન્ડ માટે જ કે...."

"યેસસ... ખાલી ફ્રેન્ડ જ. વધારે વિચાર નહીં, આપણે આર્મી ટ્રેનિંગમાં છીએ એ ના ભુલીશ...."

એ હસતો હસતો જતો રહ્યો. હું પણ એમનાં પર હસી પડી કે તેને સારી રીતે જુઠ્ઠું બોલતા પણ નથી આવડતું.

અવ્યક્ત પ્રેમની પણ એક અલગ મઝા હોય છે. એ ખરા અર્થમાં અનકંડીશનલ લવ હોય છે. તમે તમને ગમતા પાત્રને તમારી ઈચ્છાથી, તમારી રીતે ચાહી શકો, કોઈ લિમિટેશન વગર. એક લહાવો હોય છે કોઈને દિલ આપવાનો. તેની યાદોમાં ખોવાઈ જઈ એકલાં એકલાં હસવાનો. દરેક વ્યક્તિનાં જીવનમાં આ 'ગોલ્ડન એરા' એક વાર તો ચોક્કસ આવે જ. તમને કોઈ ગમવા લાગે, તેને ચાહવાની, યાદ કરવાની ઈચ્છા થઈ આવે. આપણા બદન માંથી જાણે પાંખો ફુટી નીકળે અને આપણે ઊંચે આકાશ વિહરતા હોઇએ એવી અનુભૂતિ થાય.

બસ આ જ નશો મને લાગ્યો હતો. મેં મનોમન નક્કી કરી લીધું કે હવે એ સામેથી ન આવે ત્યાં સુધી હું તેમની રાહ જોઈશ. પ્રેમની તડપની મજા લેવાનો ચસ્કો લાગ્યો હતો મને. હું એ પણ નહોતી જાણતી કે આ નિર્ણય યોગ્ય છે કે નહીં? હું બસ એનાં પ્રેમમાં હતી, ખુશ હતી.....

- ભાવિક રાદડિયા "પ્રિયભ"