Atrupt Ichchhao - 3 in Gujarati Love Stories by Bhavik Radadiya books and stories PDF | અતૃપ્ત ઈચ્છાઓ- 03

Featured Books
Categories
Share

અતૃપ્ત ઈચ્છાઓ- 03

અતૃપ્ત ઈચ્છાઓ - 03

મોનીકા તળાવના કાંઠે બેઠી હતી. ક્યારેક પગથી પાણી ઉડાડતી તો ક્યારેક માટી સાથે રમત માંડતી. એ કોઈ કારણ વગર જ ખુશ રહેતી. આકાશ તેની મર્યાદા કે કમજોરી નહીં પણ તેનું મનોબળ અને તાકાત હતો.

અચાનક તેને ખ્યાલ આવ્યો કે હવે દિવસો ટૂંકા થતા જાય છે. તેની પાસે સમય ઘણો ઓછો છે. એ આકાશ સાથે વાત કરવાનાં કોઈને કોઈ બહાનાં શોધતી રહેતી. આખરે તેને મોકો મળી જ ગયો. લેડીઝ માટેની જીપ્સી ખરાબ થઈ જવાથી તેઓને જેન્ટ્સ સાથે ટ્રકમાં જવાનું હતું. તેણે આકાશ નજીક જવાનો પુરતો પ્રયત્ન કર્યો, જેથી આકાશને પોતાના દિલની વાત કરવાની તક મળે.

"જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફ વધુમાં વધુ ઝડપે જવા માગતા હોવ, ત્યારે એ વ્યક્તિ કે વસ્તુ તમારાથી બમણી ઝડપે દુર જવા લાગે છે." એ હિસાબે આકાશ પણ મોનીકા થી દુર થઈ ગયો. હજું તો ઘરે જવામાં એક અઠવાડિયાની વાર હતી. આ દરમિયાન બધાએ "હેવન પાર્ક" માં રહેવાનું હતું. સખત ટ્રેનીંગ પછી મન હળવું કરવા માટે આ સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારપછી બધાંએ ક્લોઝિંગ સેરેમની પતાવીને છુટા પડવાનું હતું. પણ આકાશ જેનું નામ... એ આવી એન્જોયમેન્ટને બિનજરૂરી ગણીને અગાઉ નીકળી ગયો.

મોનીકા ને લાગ્યું કે આકાશે તેની સાથે અન્યાય કર્યો છે. એટલીસ્ટ કહ્યું તો હોત કે એ અઠવાડિયા પછી નહીં, પણ આજે જ જતો રહેવાનો છે. તે રસ્તામાં જ પોતાનો સામાન લઈ ઉતરી ગયો.

એ વિચારતી હતી કે, "એ પાછો આવશે જ. થોડો સમય એકલો રહેશે એટલે તેને મારી યાદ આવશે, અને તેને મારી પાસે આવવું જ પડશે. હાર્યો થાક્યો માણસ પણ આખરે સાંજે તો ઘરે જ આવી જતો હોય છે ને."

રીયલ લાઈફમાં આપણી સાથે પણ ઘણી વખત આવું બનતું હોય છે. આપણાં મિત્રો, કોઈ વ્યક્તિ કે પ્રિયપાત્ર સાથે કોઈ કારણોસર વાત કરવાનું બંધ થઈ જતું હોય છે, ત્યારે આપણે વિચારીએ છીએ કે એ સામેથી વાત કરશે જ. પણ મોટાભાગના કિસ્સામાં આપણાં ધાર્યા મુજબ થતું હોતું નથી. આખરે આવા સંબંધો સમયના વહેણ સાથે શાંત, સ્થિર અને છેવટે નિષ્ક્રિય બની જતાં હોય છે. આવા સમયે સંબંધો સાચવવાનો એકમાત્ર ઉપાય એ છે કે તમે જ વાત કરવાની શરૂઆત કરો. 'સામેની વ્યક્તિ વાત કરશે, ત્યારે હું વાત કરીશ'- આવું જોખમ લીધાં જેવું નથી.

મોનીકા અને આકાશ નાં કિસ્સામાં પણ આવું જ બન્યું. બંને એકબીજાની રાહ જોતાં રહ્યા, પણ પહેલ કરવાની હિંમત કોઈએ ના કરી. આવા સમયે "મરીઝ" લખે છે કે....

"ફક્ત એક જ ટકો કાફી ને પૂરતો છે

મુહોબ્બતમાં,

બાકીના નવ્વાણું ટકા તું ખર્ચી નાંખ

હિંમતમાં..."

આખરે પરીણામ શું આવ્યું? બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયાં. એકબીજા વગર જ!! શરુઆતમાં એકબીજાની યાદ આવી જતાં રડી લેતાં, આખરે આંસુઓએ પણ સાથ આપવાનું / વહેવાનું છોડી દીધું. બંને રેગ્યુલર લાઈફ જીવવા લાગ્યા. પણ પ્રેમ એ એવાં નશાનું નામ છે, જે એક વાર ચડ્યા પછી જીવન પર્યંત ટકી રહે છે. તેનો પીછો છોડાવવો એટલો સહેલો નથી.

બાર વર્ષ પછી....

"હલ્લો, મોના.... મેં આજે આકાશને સુરતમાં જ 'ડાયમન્ડ મૉલમાં' જોયો...." - મિતાલી ઝડપથી બોલી ગઈ. એ આનંદથી ઉછળી રહી હતી એવું તેનાં અવાજ પરથી સ્પષ્ટ લાગતું હતું.

"શું? કોણ??!" - મોનીકા ને થોડો આઘાત લાગ્યો.

"અરે એ જ... સુરતી લાલો, આકાશ મહેતા...!! જેને યાદ કરીને તું મારી પાસે આવીને રડી લેતી.... તારે હવે કોઈ જાતનું ટેન્શન લેવાની જરુર નથી. મેં તેનો મોબાઇલ નંબર અને એડ્રેસ બંને લઈ લીધું છે. વધારામાં મેં તેને આજે સાંજે છ વાગ્યે "ટર્બી કાફે" પર કૉફી માટે બોલાવ્યો છે. આકાશ શું હેન્ડસમ લાગે છે યાર.... હું તો તેના પર ફીદા થઈ ગઈ...." - એક શ્વાસે મિતાલી બધું બોલી ગઈ અને મોટે મોટેથી હસવા લાગી. મોનીકા કંઈ બોલે એ પહેલા મિતાલી એ ઓર્ડર વહેતો મૂક્યો....

"તો તૈયાર થઈને સમયસર પહોંચી જજો મેડમ...!! આ ફિલ્ડમાં બહાનાં બાઝી ચલાવવામાં આવતી નથી ઓકે... બાય... સી યુ એટ સિક્સ ઑ'ક્લોક."

ટેલીફોનનું રીસીવર હજું તેનાં કાને જ હતું. તેણે જે સાંભળ્યું હતું એ તદ્દન અણધાર્યું હતું. એ ત્યાં સોફા પર જ બેસી ગઈ અને વધારે કંઈ વિચાર્યા વિના જ નક્કી કરી લીધું કે હું ત્યાં જઈશ... "ભાગ્ય અને સંજોગો જ્યારે આપણી તરફેણમાં હોય ત્યારે એ તક નો લાભ ઉઠાવી જ લેવો જોઈએ. આપણે તેને એટલીસ્ટ એટલી મદદ તો કરવી જ જોઇએ, જેટલી તે આપણને કરે છે." - તેણે આ સૌભાગ્ય નો સિધ્ધાંત યાદ કર્યો.

મોનીકા સાડા પાંચ વાગ્યાથી ટર્બી કાફે પહોંચી ગઈ હતી. મિતાલી અને આકાશ આવ્યાં ત્યાં સુધીની અડધી કલાક તેનાં માટે વર્ષો જેટલી લાંબી હતી. તે મનમાં જ વ્યૂહરચના બનાવવાનાં વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી કે, આકાશ આવશે તો તેની સાથે વાતની શરુઆત કેવી રીતે કરીશ? શું પુછીશ? એ શું કહેશે? વગેરે....

આકાશ અને મિતાલીને જોઈને મોનીકા ઉભી થઈ ગઈ. આકાશ ફોર્મલ કપડાંમાં જેન્ટલમેન લાગતો હતો. હાઈટ બોડી સિવાય લગભગ તેનામાં કોઈ ફેરફાર નહોતો દેખાતો.

આકાશે સામે ઊભા રહીને હેન્ડ શેક માટે હાથ લંબાવ્યો ત્યારે છેક મોનીકાની વિચારતંદ્રા તુટી. ઔપચારિક હાલચાલ પૂછીને ત્રણેય ટર્બી કાફેનાં ઓપન સાઈડ ટેબલમાં ગોઠવાયા.

આકાશને થોડું આશ્ચર્ય થયું મોનીકાને અહીં જોઈને. થોડો નર્વસ પણ થયો. જે વાતને, જે વ્યક્તિને એ વર્ષોથી ભૂલવા મથતો હતો, એ આજે તેની સામે બેઠી હતી... તેણે નોંધ્યું કે મોનીકા ઘણી બદલાઈ ગઈ છે. તેની ચંચળતા ક્યાંક ગાયબ થઈ ગઈ છે. નદીના નીર જેવું તેનું ખળખળતું હાસ્ય કશીક વેદના તળે સૂકાઈ ગયું છે. એ બધું જ જાણતો હતો છતાં તેનાં માટે કશું કરી શકે તેમ નથી.

ઉંમરની સાથે સાથે મોનીકાનું રુપ પણ સોળે કળાએ ખીલતું જાય છે. તેણે મિલિટરી પ્રિંન્ટ વાળું ઓફ શોલ્ડર ટોપ અને લાઈટ બ્લ્યુ કલરનું હાઈ વેસ્ટ પેન્ટ પહેર્યું હતું. આકાશની ફેવરીટ જોડી....

ઓગસ્ટ મહિનાની ઢળતી સંધ્યાએ ત્રણેય આછા વરસાદી માહોલમાં બેઠા હતાં, ચુપચાપ!! કોઈ કશું બોલતું નહોતું. ત્રણેય માટે કોફી આવી ગઈ એટલે આકાશે કોફીનો કપ મોનીકા સામે ધર્યો. તેણે સામેની બાજુથી કપ પકડતાં, કપ ગરમ હોવાને લીધે કોફી ઢોળાઈ ગઈ. આકાશે રુમાલથી મોનીકાનો હાથ સાફ કર્યો અને કહ્યું....

"જીવનમાં પણ આવું જ બનતું હોય છે મોનીકા... લાઈફને સાચાં એંગલથી ના જોવામાં આવે, સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય ના લેવામાં આવે તો લાઈફ પણ બરબાદ થઈ જાય છે.... બિલકુલ આ કોફીની જેમ."

"ઓહ કમ ઓન યાર.... અત્યારે પણ આવી વાતો કરીશ?? એ બિચારી દાઝી ગઈ છે અને તું ભાષણ આપવા બેસી ગયો?!!" -મિતાલીએ પોતાની નારાજગી વ્યક્તિ કરી.

"ઓહ સોરી... હું તો જસ્ટ...."

"અરે કંઈ વાંધો નહીં આકાશ. મને કંઈ નથી થયું. મારી સામે જો....." -મોનીકાએ આકાશનો હાથ પોતાના હાથમાં લઈ તેને બોલતો અટકાવ્યો.

***

શું મોનીકા પોતાના દિલની વાત આકાશને જણાવશે?? કે પછી તેની ઇચ્છાઓ હંમેશ માટે અતૃપ્ત જ રહેશે?

શું આકાશ તેના પ્રેમનો સ્વિકાર કરશે?

જીવનમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ લેવો જોઈએ. તેવી શીખ આપતો મોટીવેશનલ પ્રસંગ અને આ વાર્તાનો છેલ્લો ભાગ વાંચો આવતા અઠવાડિયે.

- ભાવિક રાદડિયા "પ્રિયભ"