At the last moment - 1 books and stories free download online pdf in Gujarati

છેલ્લી ક્ષણે - 1

"છેલ્લી ક્ષણે"

ભાવિક રાદડિયા "પ્રિયભ"

  • ( આ ખરેખર પત્ર નથી. પરંતુ પ્રેમ અને રાબિયાનું ચાલિસ વર્ષનું પ્રણય જીવન છે. છતાં તેઓ એકબીજાના ક્યારેય ના થઈ શક્યા. એવી ઘણી વસ્તુઓ મળશે જેના કોઈ ખુલાસા નથી. અને એ જ તમારી નીંદર ઉડાવી દેશ. તો વાંચો દિલના તળીયેથી ઉલેચીને કાઢેલા શબ્દો.)
  • પ્રિય મિત્ર રાબિયા,

    સૌથી પહેલાં તો જન્મ દિવસની શુભેચ્છાઓ. આ વર્ષ તારા માટે ડાયનેમિક વિઝન અને એમાં તારી ખુશીઓ લઇને આવે એવી પ્રભુ પ્રાર્થના. અને ખાસ, આખું વર્ષ તારા બંને હોઠોનાં છેડા ખેંચાયેલા રહે અને તું હંમેશા હસતી રહે....

    આમ તો હું, "જેનાં લગ્ન હોય, તેનાં જ ગીતો ગવાય." એ વાતમાં માનું છું. પણ આજે આ રુલ્સ 'બ્રેક' કરવાની ઈચ્છા થઈ છે. તો આજે હું તારી નહીં, પણ મારી વાતો કરીશ. ચાલશે ને ?!

    પહેલાં તો એ કહે, 'પ્રિય મિત્ર' -એવું સંબોધન કેવું લાગ્યું ? થોડું જુનવાણી ટાઇપ હે ને...?! આઇ નો. મને તો 'માય ડિયર રાબિયા' લખવાની આદત છે, પણ તને એવું વાંચવું કદાચ નહીં ગમે એટલે. ખેર છોડો આ વાત.... હું મારી વાત કરું.

    હું જ્યારે બોલતાં શીખ્યો ત્યારે મારા અવાજમાં એક ચોકકસ ફ્રિકવન્સી સેટ થઈ, ચાલતા શીખ્યો એટલે એક રીધમ ગોઠવાઈ, બાળકનાં ઉછેર માટે આવશ્યક કહી શકાય એવો માહોલ પણ મળ્યો મને અને ઉંમર સાથે સમજણનું લેવલ પણ કોન્સ્ટન્ટ વધતું ગયું. હું એ બધું જ શીખ્યો, જે મારે એ સમયે શીખવાની જરૂર હતી. ઇન ફેક્ટ કુદરતની કૃપાથી મને પહેલેથી જ બધું જાણી લેવાની જીજ્ઞાસા વૃતિ ભેટમાં મળી છે, એટલે ઉંમર કરતાં વધારે અનુભવો થયેલા હતા. બધું જ 'રેગ્યુલર' ચાલતું હતું. પણ એક દિવસ આ બધું જ અચાનક બદલાવા લાગ્યું. હું કંઈ સમજું એ પહેલાં બધું જ તદ્દન બદલાઈ ચૂક્યું હતું, હું ફક્ત જોતો રહ્યો. જો કે આ બદલાવ પોઝિટીવ હતો. આમ પણ એ પ્રોસીજર અપ્રતિવર્તી હતી. કારણ સમજાય એ પહેલાં બધું જ બદલાઈ ગયું હતું. હું ખુદ પણ.

    હું એ જ રસ્તા પર ચાલતો હતો જ્યાં બધાં જ ચાલતા હોય છે. હું, "ઇટ્સ ડિફરન્ટ"ન્હોતો, બધા જેવો જ "કોમન"હતો. હું સ્કુલમાં દાખલ થયો. પહેલાં જ દિવસે મેડમને બચકું ભરીને ઘરે આવી ગયો. માર ખાવો પડ્યો. ફરીથી સ્કુલે ધકેલ્યો. હું કોઈની વાત માની લઉં કે ડરીને તેમના કંન્ટ્રોલમાં રહું એવો પહેલેથી નથી. એટલે નાછૂટકે તેમણે મને ચોકલેટની લાલચથી ત્યાં રોકી રાખ્યો. મને પહેલેથી નવું નવું શીખવું ગમે છે, એટલે 1લાં ધોરણમાં આવ્યો એ પહેલાં જ એકડા અને કક્કો શીખી ગયો હતો. શિક્ષકોની નજરમાં હું "હોશિયાર" સાબિત થયો. ચોકલેટની સાથે પ્રેમ પણ મળ્યો. અને એટલે જ હું હંમેશા સારા માર્ક્સ સાથે પાસ થયો. જે મેં છેક સુધી જાળવી રાખ્યું. બારમા ધોરણ સુધીમાં હું ટોટલ ત્રણ સ્કૂલમાં ભણ્યો. દરેક જગ્યાએ મેં મારી સ્ટ્રોંગ ઇમેજ છોડી છે. મને હતું કે મને બધું જ મળ્યું છે. ઘરમાં પણ બધાંનો લાડકો છું, એટલે મારે ક્યારેય કોઈ વસ્તુ જોઇતી હોય અને ના મળી હોય એવું ક્યારેય બન્યું નથી. બધું આરામથી મળી જતું. પણ આજે સમજાય છે કે હું હોશિયાર નહોતો, ખાલી યાદશક્તિ જ બીજા બધા કરતાં થોડી સારી હતી. હું જે ઈચ્છું છું એ ક્યારેય મળ્યું જ નથી. એ સમયે મારે શું કરવું જોઈએ અને શું નહીં એ હું જાતે જ નક્કી કરતો. હું સાચો હતો કે ખોટો એ તો હજી નથી સમજી શક્યો.

    સાચું કહું તો મને "પ્રેમ" શબ્દ લગભગ છઠ્ઠા કે સાતમા ધોરણથી જ સમજાઈ ગયો હતો. પણ એ વિશે ક્યારેય વિચાર્યું નહોતું. મને પહેલેથી જ છોકરીઓ સાથે વાત કરવામાં શરમ આવે છે. થોડોઘણો હજું એવો જ છું. છતાં એવી ટ્રાય કરું કે સામેની વ્યક્તિને લાગે નહીં કે હું શરમાળ છું. મને હંમેશા એવું જ લાગતું કે એક છોકરો અને છોકરી બીજા બધાંથી છુપાઈ ને એકબીજાને મળતા હોય એ પ્રેમ. અને હું તો કોઈ છોકરીને મળવાનું તો દુર, પણ સરખી વાત કરવામાં પણ નહોતો માનતો. હું હંમેશા છોકરીઓની વિરુદ્ધ જ બોલતો. હું દુર જ રહેતો આવી બધી બલાઓથી.

    પણ એ પછી તું આવી મારી લાઈફમાં. તને જોતાં જ હું તારા પ્રેમમાં પડી ગયો હોવ, એવું કશું નહોતું થયું. સાચું કહું તો મને તો ત્રીજા સેમેસ્ટરની એક્ઝામમાં એક મહિનાની વાર હતી ત્યારે છેક તારો ફેસ નામ સાથે યાદ રહ્યો. ત્યાં સુધી ફક્ત એટલું જ યાદ હતું કે મારા ક્લાસમાં એક રાબિયા નામની છોકરી છે. નામ તો પહેલાં દિવસથી જ યાદ રહી ગયું હતું. ફેસ ભૂલાઈ જતો ત્યારે હું મારા ફ્રેન્ડને પૂછતો કે, "રાબિયા કોણ?"

    એ મને તારી વાતો કરતો. એ મને કહેતો કે તું પહેલાં બોવ સીધી હતી. ક્લાસમાં ક્યારેય બોલતી નહીં. અને હવે કેવી સિક્સરો મારે છે. બધી છોકરીઓ સાથે રહીને તું એવી બની ગઇ છે એવું એ કહેતો. હું વિચારતો કે અત્યારે તું આટલી સરસ લાગે છે, તો એક વર્ષ પહેલાં કેવી લાગતી હશે? ધીમેધીમે તારી વાતો સાંભળવી ગમવા લાગી. હું તને નોટિસ કરતો થઈ ગયો. તું ક્યારેય મારી સામે જોતી જ નહીં અને જોવે તો પણ ન જોયો હોય એવી રીતે ફરી જતી. એવી તો કઈ વાત બની કે હું તારી તરફ આકર્ષાયો એ યાદ નથી. પણ હા, મને તારી બધી જ વસ્તુઓ ગમવા લાગી હતી. તારી એક એક વાતને હું ધ્યાનથી સાંભળવા લાગ્યો. અમુક વાત ના સમજી શકું તો અકળાઈ જતો. હું રાતે સુતી વખતે નક્કી કરતો કે આવતીકાલે તને જ પૂછી લઈશ એ વાત. પણ હું એવું ક્યારેય ના કરી શક્યો. હું જ્યારે પણ વાત કરવાની શરૂઆત કરતો ત્યારે તું જવાબ આપતા પહેલાં તો હસી પડતી. ગુડ મોર્નિંગ કહ્યું હશે ત્યારે પણ તું પહેલાં હસતી અને પછી ગુડ મોર્નિંગ કહેતી. હું આજે પણ નથી સમજી શક્યો કે તું હસતી શા માટે? કદાચ મને વાત કરતાં નથી આવડતી એટલે યા તો મને ડ્રેસિંગ સેન્સ નથી એટલે. અથવા તો એમજ. એ જે હોય તે પણ મને તું હસતી હોય ત્યારે બોવજ ગમતી. પણ તારી સામે આવું એટલે હું બધું જ ભૂલી જતો. એટલે જ હું બરાબર પ્રેક્ટિસ કરીને આવતો કે તારી સાથે શું વાત કરવાની છે અને પછી ફટાફટ બોલી નાંખતો. તેમ છતાં હું ઘણુંબધું તને નથી કહી શક્યો. આજે મારે તને એ બધું જ કહેવું છે જે હું તને ક્યારેય નથી કહી શક્યો અને હવે પછી પણ નહીં કહી શકું. મારે તને એ કહેવું છે કે હું તારા માટે શું ફીલ કરું છું.

    મને 18/10/1994 નો દિવસ ક્યારેય નહીં ભૂલાય. મને એ દિવસે પહેલી વાર ખબર પડી કે હું તારા પ્રેમમાં છું. આપણું ત્રીજાં સેમેસ્ટરનું લાસ્ટ પેપર હતું. આપણે બંને અને મોહિની, સાથે ચાલીને આવ્યા હતા. યાદ છે ને એ દિવસ?? યાદ જ હશે. મને પણ ક્યારેય નહીં ભૂલાય. હું કેટલો ખુશ હતો એ દિવસે. મને થતું હતું કે આ રસ્તો ક્યારેય પુરો જ ના થાય. મારે તને ત્યારે જ કહી દેવું હતું કે રાબિયા તારી વાતો મને ગમે છે. તું સાથે હોય તો સારું લાગે છે. તારી સાથે થોડો વધારે સમય બેસવું છે મારે અને એ પણ કહેવું હતું કે તું મને બોવજ ગમે છે. પણ ત્યારે આવું કશું કહેવાની હિંમત નહોતી મારામાં. આમ પણ ત્યારે હું મારી જ ફિલિંગ્સ સાથે શ્યૉર નહોતો. હદ તો ત્યારે થઈ જ્યારે તું એરપોર્ટ પર મારાથી અલગ થઈ. મને ત્યારે પણ ખબર નહોતી અને આજે પણ ખબર નથી કે મને ત્યારે એક્ઝેટ્લી શું થતું હતું. મને બસ એવું લાગતું કે હું કશુંક ગુમાવી રહ્યો છું. મારા જ શરીરનો કોઈ ભાગ મારાથી અલગ થતો હોય એવું લાગ્યું. હું તને જોવા માટે ઉભો રહ્યો હતો. મને થતું હતું કે તું એકવાર પાછળ ફરે. પણ એવું ના બન્યું. તું જતી રહી અને હું ત્યાં જ ઉભો રહ્યો. જાણે ત્યાં કશું બન્યું જ નહોતું. પણ ત્યાં ઘણુંબધું બન્યું હતું. હજું પણ જ્યારે હું ત્યાંથી નીકળું છું, ત્યારે લાગે છે કે તું મારી સામે જ ઉભી છે. એ જ દિવસે હું પહેલીવાર તારા ઘરે આવ્યો હતો હે ને. તે શું પૂછ્યું હતું મને?

    "પાણી પીવું છે?"

    રાઈટ? હું તો તારા ઘરની બહાર ઉભો હતો, તો પણ પૂછ્યું હતું તે. હવે તો હું આખેઆખો તારી પાસે આવી જવા તૈયાર છું. મેં કેટલીયવાર કહ્યું છે કે રાબિયા હું 'તને' પ્રેમ છું. હું તારા વગર ક્યારેય જીવતા નહીં શીખી શકું. તો હવે કેમ નથી પૂછતી કે "પ્રેમ ચોપડા" તને શું થાય છે? તું ખુશ કેમ નથી રહી શકતો? તું શા માટે રડે? તું શું ઈચ્છે છે?

    મને ખબર છે કે હું ઈચ્છું છું એવું ક્યારેય નથી થવાનું. તો તારે પૂછવાનું પણ નહીં?! હું તને પ્રેમ કર્યે રાખું અને તને ખબર પણ ના હોય એવું થોડું ચાલે યાર...

    ( ક્રમશઃ 1 of 3 )

    - ભાવિક રાદડિયા "પ્રિયભ"