Saachi Nivrutti books and stories free download online pdf in Gujarati

સાચી નિવૃત્તિ

*સાચી નિવૃત્તિ*

“કાકા, ચાલો, ટાઇમ પૂરો થઇ ગયો!” બગીચાના ચોકીદારે અનિલરાયને ઢંઢોળીને કહ્યું.

ઝપકી લઇ રહેલ અનિલરાય ઢીલા સાદે બબડ્યા: હા, ભઈ, હવે તો મારો ટાઇમ પણ પૂરો થયો હોય તેવું લાગે છે.

અનિલરાયે આજુબાજુ નજર નાખી તો કલબલાટ કરતાં ભૂલકાંઓ અને ચોવટ કરતા વડીલો તો ક્યારનાય બગીચાની બહાર નીકળી ગયા હતા. એટલે અનિલરાય પણ ચંપલ પહેરી ઘેર જવા નીકળ્યા.

રેલવેના કર્મચારી તરીકે નિવૃત્ત થયાને છ મહિના થઇ ગયા, પરંતુ જાણે કે અનિલરાય હજુ સુધી નિવૃત્તિ માટે તૈયાર નહોતા. વર્ષો સુધી ઝીણવટભરી ચીવટ અને સંપૂર્ણ સમર્પણની ભાવનાથી નોકરી કરતાં કરતાં અનિલરાય તે દોડભાગ અને ધમાલભરી જિંદગી સાથે એટલા ઓતપ્રોત થઇ ગયા હતા કે હવે નિવૃત્તિ પછીની કશું કર્યા વગરની જિંદગી તેમને અકળાવનારી લાગતી હતી.

દરરોજના નિત્યક્રમ મુજબ સવારે વહેલા ઉઠી જાય તો પત્ની નિર્મલાબેન છણકો કરીને કહેતાં: હવે તમારે ક્યાં ઓફીસ જવાનું છે, તે વહેલા ઉઠીને બાથરૂમ રોકીને બેસી જાઓ છો! આ છોકરાંઓને સ્કૂલ જવામાં મોડું થશે અને મુકેશ પણ બિચારો ક્યારે તૈયાર થશે! થોડીવાર શાંતિથી પથારીમાં પડ્યા રહોને!

પરંતુ ઊંઘ ઉડી ગયા પછી અનિલરાયને પથારી ચટકા ભરતી. માંડમાંડ અડધો કલાક પડ્યા રહીને અનિલરાય ઉઠતા. પરંતુ ન્હાઈ-ધોઈને જ્યાં છાપું હાથમાં લે, ત્યાં નિર્મળાબેન પાછાં બબડતાં: “લ્યો, તમારે તો છાપાની ખૂબ ઉતાવળ! હવે થોડીવાર પછી વાંચશો, તો એટલામાં કંઇ દુનિયા ઉંધીચત્તી નહિ થઇ જાય! આ બિચારો મુકેશ વાંચી લે, પછી તમે આખો દિવસ છાપું વાંચજો ને, કોણ ના પાડે છે.” અને મૂંઝાયેલ અનિલરાય છાપું ટીપોય પર ફેંકીને છત પર તાકી રહેતા.

જો કે મુકેશ આ સંવાદ સાંભળે તો તરત જ બોલી ઉઠતો: “શું મમ્મી તું ય ! પપ્પા ભલે આરામથી છાપું વાંચે. હું તો આમેય ઓફિસમાં સમય મળે ત્યારે નજર નાખી લઉં છું.” પરંતુ અનિલરાયને એકવાર ફેંકી દીધેલ છાપું ફરી હાથમાં લેવાનું જાણે ગમતું જ નહીં.

સમય પસાર કરવા અનિલરાય કોઈ સારું પુસ્તક ખોલીને બેસે, પરંતુ માંડ અડધો કલાક વાંચે, તેમાં તો ઊંઘ આવવા માંડે. અને જો બપોરે ઊંઘી જાય તો રાત્રે ઊંઘ ના આવે. એટલે છેવટે પુસ્તક મુકીને રેડિયો ચાલુ કરે. પરંતુ કોઈ દિવસ ના સાંભળ્યાં હોય એવાં નવી ફિલ્મોનાં ગીતોથી કંટાળે, એટલે એ પણ બંધ કરે.

નિર્મળાબેન બપોરનો સમય મનગમતી સીરીયલો જોઇને આનંદથી પસાર કરતાં, એટલે અનિલરાય પણ એક દિવસ ટીવી જોવા બેઠા. પણ થોડીવારમાં તો તે બધી જ સીરીયલોમાં રસોડામાં કામ કરતી વખતે પણ ભારે મેકઅપ સાથે અપટુડેટ વસ્ત્રો પહેરેલાં હોય તેવાં સ્ત્રી પાત્રો અને કાવાદાવાભરી અવાસ્તવિક વાર્તાઓથી એવા કંટાળ્યા કે થોડીવારમાં તો પાછા પોતાની રૂમમાં ભરાઈ ગયા.

એક દિવસ છોકરાંઓને હોમવર્કમાં મદદ કરીને સમય પસાર કરવાનો પ્રયત્ન પણ કરી જોયો. પરંતુ પિન્ટુ અને ચિંકીની ટેક્સ્ટબુકો જોઈ ત્યારે ખ્યાલ આવ્યો કે પોતે જે ભણી ગયા, એમાંનું કશું જ તેમાં નહોતું. ભણતર એટલું બધું બદલાઈ ગયેલું હતું કે તેમાં પોતાને સમજણ જ ના પડે એવું જ બધું હતું. છતાં અનિલરાય કંઇક સમજાવવા ગયા, તો પિન્ટુ બોલી ઉઠ્યો: “દાદા, એવું ના હોય. અમારા સર તો જૂદું જ કહે છે. તમે રહેવા દો, તમને આ બધું નહીં ફાવે.” એટલે અનિલરાય છોભીલા પડીને પાછા પોતાની રૂમમાં ભરાઈ ગયા.

જો કે સવારે અને સાંજે થોડો સમય બગીચામાં સરખે સરખા વડીલો સાથે સારી રીતે પસાર થતો. પરંતુ પોતે હવે કશા કામના નથી, એવો ખ્યાલ અનિલરાયને ચૂભતો રહેતો, એટલે તેઓ ઉદાસીન રહેવા લાગ્યા હતા.

મુકેશ ઘણો સમજદાર દીકરો હતો, એટલે પપ્પાની ઉદાસીનતા તેના ધ્યાનમાં તરત જ આવી ગઈ. પપ્પાએ કુટુંબની સુખાકારી માટે આખી જિંદગી રાતદિવસ જોયા વગર તનતોડ મહેનત કરી હતી. સંતાનોને સારામાં સારું શિક્ષણ અને ઊંચા હોદ્દાવાળી નોકરી મળે તે માટે પપ્પાએ પોતાની જિંદગીનો ભોગ આપ્યો હતો, તે મુકેશને બરાબર યાદ હતું. એટલે હવે પાછલી જિંદગીમાં પપ્પા ખુશ રહે તેવી તેની અંતરેચ્છા હતી.

એટલા માટે તે પપ્પાનો સમય સારી રીતે પસાર કરવા તેમને ફિલ્મ, નાટક અને સંગીતના પ્રોગ્રામ જોવા લઇ જતો, સારાં સારાં પુસ્તકો લાવી આપતો, રવિવારે સહકુટુંબ પીકનીક પર જવાનું ગોઠવતો અને દરરોજ સાંજે પપ્પા સાથે બેસીને તેમને એકલું ના લાગે માટે બરાબર કંપની આપતો. પરંતુ તેની પોતાની પણ પૂર્ણ સમયની નોકરી હોવાથી તે આખો દિવસ તો પપ્પા સાથે રહી ના શકે ને! એટલે મુકેશના પ્રયત્નોનું કંઇ ખાસ પરિણામ ના આવ્યું.

છેવટે મુકેશે પોતાની પત્ની નીલિમા સાથે ચર્ચા આ અંગે કરી, તો નીલિમાએ પણ કબુલ કર્યું કે તે પોતે દરરોજ પપ્પાને મનગમતી રસોઈ બનાવે છે અને તેમની વધારે કાળજી પણ રાખે છે, છતાં પપ્પ્પા હવે પહેલાં જેટલા ખુશ દેખાતા નથી.

લાંબી ચર્ચાને અંતે તે બંને જણ એ વાતે સહમત થયા કે પપ્પા પ્રવૃત્તિ વગર કંટાળે છે, એટલે ઉદાસીન રહે છે. જો તેમને કોઈ મનગમતી પ્રવૃત્તિ મળી જાય, તો તેમનો દિવસ સારી રીતે પસાર થાય અને તેઓ ખુશ રહી શકે. પરંતુ સરકારી નોકરી કરી ચુકેલાને હવે બીજી કોઈ ખાનગી નોકરી ફાવે નહિ, વળી પપ્પાને પૂરતું પેન્શન આવતું હોવાથી હવે કમાવા માટેની કોઈ નોકરી કરવાની જરૂર નહોતી. તો હવે કરવું શું? છેવટે નીલિમા એ જ સૂચવ્યું: “તમે એક કામ કરો. પપ્પાના બાળપણના મિત્ર વિનોદકાકા નરોડા રહે છે, તેમને મળો, તો કદાચ તેઓ કંઇક ઉપાય બતાવશે.”

મુકેશને પણ આ સુચન પસંદ પડ્યું, એટલે પછીના રવિવારે તે વિનોદભાઈના ઘેર ગયો અને તેમને બધી વાત સમજાવીને પપ્પાની ઉદાસીનતા દૂર કરવાનો કંઇક રસ્તો કાઢવા વિનંતી કરી. વિનોદભાઈએ થોડો વિચાર કરીને કહ્યું: “ જો મૂકા, અનિલને નાનપણમાં સંગીતનો ખૂબ શોખ હતો. અમારી નિશાળમાં પ્રાર્થના અને ભજનો તો અનિલ જ ગાતો. સાથે સાથે હારમોનિયમ અને તબલાં પણ વગાડતો. સ્કુલનું બેન્ડ હતું, તેમાં ય વિનોદ ભાગ લેતો. વળી મારા જેવા ઘણા મિત્રોને તેણે હારમોનિયમ અને તબલાં વગાડતાં પણ શીખવ્યું હતું. મેં તો એને ઘણીવાર સંગીતની પ્રવૃત્તિ ચાલુ રાખવા આગ્રહ પણ કર્યો હતો, પરંતુ લગ્ન પછી કુટુંબની જવાબદારી તથા જંજાળ અને નોકરીની ભાગદોડમાં અનિલને સંગીતને યાદ કરવાનો પણ સમય હતો નહિ, એટલે તે બધું છૂટી ગયું. પરંતુ હવે જો તેને આ મનગમતી પ્રવૃત્તિ કરવા મળે તો ચોક્કસ તે ખુશ રહેશે, એવું મને લાગે છે.”

મુકેશને વિનોદભાઈની વાત તરત જ ગળે ઉતરી ગઈ. પપ્પાને તેણે ઘણીવાર ગીતો ગણગણતા સાંભળ્યા હતા, પરંતુ તેઓ બચપણમાં સંગીતના રસિયા હશે, એવો તેને ખ્યાલ નહોતો. વિનોદભાઈનો આભાર માની તે ઘેર આવ્યો અને નીલિમાને બધી હકીકત જણાવી. છેવટે બંને જણાએ ચર્ચા કરીને વિચાર્યું કે સંગીતની મનગમતી પ્રવૃત્તિનો સાથ મળે તે માટે પપ્પા સંગીત ક્લાસ શરુ કરે અને સંગીત શીખવા ઉત્સુક બાળકોને કોઈ પણ જાતની ફી લીધા સિવાય સંગીત શીખવે, તો પપ્પાને મનગમતી પ્રવૃત્તિ મળવાથી તેઓ ખુશ રહે અને સાથે સાથે સમાજસેવાનું કાર્ય પણ થાય.

તે બંને જણાએ એવું પણ નક્કી કર્યું કે પંદર દિવસ પછી પપ્પાનો જન્મદિવસ આવે છે, એટલે તે દિવસ સુધીમાં બધી તૈયારી પૂરી કરી, પપ્પાને જન્મદિવસે સંગીત ક્લાસની સરપ્રાઈઝ ભેટ આપવી.

મુકેશના એક મિત્રનો બે રૂમનો ફ્લેટ બાજુની સોસાયટીમાં ખાલી પડ્યો હતો, જે મુકેશે ભાડે રાખી લીધો. સેકંડહેંડ પણ સારી કંડીશનવાળાં ત્રણ હારમોનિયમ અને ત્રણ તબલાંની જોડ ખરીદી લીધી. નીલિમાએ નજીકની સ્કુલમાં જઈને ફ્રી સંગીત ક્લાસની જાહેરાત કરી, તો આજુબાજુના વિસ્તારનાં વીસ-પચીસ બાળકોનાં નામ પણ આવી ગયાં.

પંદર દિવસ પછી અનિલરાયનો જન્મદિવસ આવ્યો. સવારે મુકેશ, નીલિમા અને બંને બાળકો અનિલરાયને જન્મદિવસની શુભેચ્છા પાઠવતાં પગે લાગ્યાં. તે સાથે જ બટકબોલો પિન્ટુ બોલી ઉઠ્યો: “દાદા, પપ્પા તમને આજે સરપ્રાઈઝ ગીફ્ટ આપવાના છે.”

આ સાંભળી અનિલરાયને આશ્ચર્ય થયું અને તેઓ બોલ્યા: “બેટા, ગીફ્ટ તો દાદા જ બધાને આપે ને!

હવે બોલવાનો વારો અનિલનો હતો: “પપ્પા, આખી જિંદગી તમે અમને બધાને ઘણી ગીફ્ટ આપી છે. હવે આજે અમારો વારો છે તમને ગીફ્ટ આપવાનો. ચાલો મારી સાથે, આપણે બહાર જવાનું છે.”

અનિલરાય થોડા આશ્ચર્ય અને થોડા આનંદ સાથે બધાની સાથે બાજુની સોસાયટીમાં ગયા. ત્યાં પહેલા માળે એક ફ્લેટની બહાર “સરસ્વતી સંગીત ક્લાસ, સંચાલક: અનિલરાય”નું બોર્ડ લાગેલ હતું. ખુલ્લા દરવાજા પર રંગીન રીબીન બાંધેલ હતી. નીલિમાએ અનિલરાયના હાથમાં કાતર આપી કહ્યું:” પપ્પા, હવે તમારા સંગીત ક્લાસનું શુભ ઉદઘાટન તમે જ કરો!”

અનિલરાયનું આશ્ચર્ય બેવડાઈ ગયું કે આ બધું શું હતું! રીબીન કાપીને રૂમમાં ગયા તો બાળપણના ગોઠીયા વિનોદે અને આઠ-દસ બાળકોએ તેમને ફૂલ આપીને “હેપી બર્થડે” વિશ કરીને સ્વાગત કર્યું.

હવે મુકેશે અનીલરાયને સમજાવ્યું: “પપ્પા, તમારો બચપણનો સંગીત પ્રત્યેનો પ્રેમ જીવંત રહે, આખો દિવસ તમે મનગમતી પ્રવૃત્તિમાં એન્જોય કરો અને સાથે સાથે આ બધાં ભૂલકાઓને સંગીતના જ્ઞાન સાથે મનોરંજન મળે, એટલા માટે મેં વિનોદકાકાના સુચન મુજબ આ ફ્રી સંગીત ક્લાસનું આયોજન કર્યું છે.”

વિનોદભાઈએ ઉમેર્યું: “જો અનિલ, માણસ પોતાના માટે અને પોતાના પરિવાર માટે જે કંઇ કાર્ય કરે છે, તેને પ્રવૃત્તિ કહેવાય છે, પરંતુ જયારે તે નિ:સ્વાર્થ ભાવે કોઈ કાર્ય કરે છે તો તેને નિવૃત્તિ કહેવાય છે. એટલે તું હવે આ ફ્રી ક્લાસ ચલાવીને સાચી નિવૃત્તિનો આનંદ માણ.”

ભાવવિભોર થઇ ગયેલ અનિલરાય ગળગળા થઈને વિનોદભાઈ અને મુકેશને બાથમાં લઈને ભેટી પડ્યા અને બોલ્યા: તમે બંને જણાએ તો મને જન્મદિવસ પર જિંદગીની સૌથી મોટી ભેટ આપી છે.

તે પછી કલાસનાં બાળકો સમક્ષ હાર્મોનિયમ પર સરળતાથી આંગળીઓ ફેરવતા અનિલરાયના ચહેરા પરના અપાર ખુશીના ભાવ જોઇને મુકેશ પણ એટલો આનંદિત દેખાતો હતો કે વિનોદભાઈ માટે એ નક્કી કરવું મુશ્કેલ હતું કે તે બંનેમાંથી કોણ વધારે ખુશ હતું!