Maa-Baapne bhulsho nahi books and stories free download online pdf in Gujarati

મા-બાપને ભૂલશો નહીં.

જીંદગી ક્યારે કયો રંગ દેખાડે તે કહી શકાય નહી. પણ હા કુદરત કરેલા કર્મોનું ફળ ચોક્કસ આપે છે. એ તો તમે અને હું બધાએ જાણીએ છીએ.. છતાં આપણે ગણી વાર સાંભળીએ છીએ અને ક્યારેક પોતાની નજરો સામે પણ ન માની શકાય તેવી બાબતો બનતી જોઇએ છીએ, માણસ આવું શા માટે કરે છે એતો ખબર નથી, પણ હા કરે છે જરૂર. એટલે ભાઇ હું તો કહીશ કે જીવનમાં કમાવા જેવું હોય તો એ છે સત્ય, ભક્તિ, પ્રેમ અને સારા સબંધો.. તમારા કમાયેલા પૈસા-સંપત્તિમાં બધા જ ભાગીદાર થશે –તમારા પતિ-પત્નિ, બાળકો કે તમારો પરિવાર... પણ તમારી ભક્તિ, પ્રેમ, સત્ય અને તમારા કમાયેલા સબંધોમાં કોઇ ભાગીદાર નહીં થઇ શકે... અને એ જ તમારી સાચી કમાણી હશે..

આ શબ્દો હતા સરકારી સીવીલ હોસ્પિટલમાં દાખલ થયેલા એક દાદાના... એ સાંભળીને એક નવી પ્રેક્ટીસ માટે આવેલી નાનકડી નર્સ બોલી ઉઠી ‘દાદા તમે કહો છો કે –કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે.. તો આપણને શું ખબર પડે કે કયા કર્મો સારા અને કયા ખરાબ? અને શું ખબર પડે કે આ કરવા જેવું છે ને આ નહિં’ ?

દાદા ખડખડાટ હસી પડ્યા... આ દીકરીની વાત પર. ‘હા દીકરી, સારુ અને ખરાબ કે સાચુ અને ખોટુ એ આપણે નક્કી કરવાની જરૂર નથી, એતો ઉપરવાળો નક્કી કરશે.. આપણે તો બસ કર્મ કર્યે જાઓ.... પણ હા બેટા, જે કામ કરતાં આપણને ખુશી થાય અને જેનાથી બીજા માણસો પણ ખુશ થાય કે સુખી થાય એ સારુ અને જેનાથી કોઇ દુ:ખી થાય કે જે કામ કરતી વખતે આપણને ખુશી ન થાય, મન દુ:ખ કે સંતાપ અનુંભવે એ કામ ખરાબ.. આપણે એ જ કામ નથી કરવાના... જો બેટા, આમ એક રીતે તો બોલવું એ પણ એક કર્મ છે. તેનું પણ આપણે ભોગવવું પડે છે, જેમ આપણે કોઇને અપશબ્દો બોલીએ તો તેને ખોટુ લાગશે... આમ બોલવાથી કોઇને દુ:ખ થયું એટલે કે એ ખરાબ કર્મ છે અને આપણા બોલવાથી કોઇને ખુશી થાય તો તે સારુ કર્મ છે.

હા.. દાદા... હું તમારી વાતો ચોક્કસ યાદ રાખીશ અને બને ત્યાં સુધી ક્યારેય કોઇને ખોટું કે ખરાબ નઇ બોલુ. આ નાનકડી નર્સને દાદાની વાતો ખુબજ ગમતી. એટલે રોજ સવારે એજ તેમને દવા આપવા આવતી અને મળે એટલો સમય દાદા પાસે કાઢતી....

‘હવે લાવો તમારો હાથ, હું ઇંજેક્શન આપી દઉ.. એમ કહી તેણે દાદાનો હાથ પકડ્યો અને ઇંજેક્શન આપ્યું, દવાની ગોળીઓ કાઢીને આપી.. “આ લો દાદા.. આ ગોળીઓ ગળી લો અને હા, તમે આજે રજા લઇને જાઓ છો પણ પાછા ચોક્કસ આવજો... મને મળવા માટે તો ખાસ.. ઓકે”. કહી ને એ નાનકડી નર્સ આગળ ચાલી ગઇ... બિજા દર્દીઓને દવાઓ આપવા માટે.

આજુબાજુના બધા બીજા દર્દીઓ, નર્સો અને પેલી સફાઇ કરવા આવેલી બાઇ, એ બધાનું ધ્યાન આ દાદાની વાતોમાં હતું. તેમના અનુંભવી અને સરળ શબ્દોની આ વાતો સૌને ગમતી હતી. પણ આજે હવે બધાનું ધ્યાન વિશેષ એ તરફ હતું. કારણ કે આજે દાદાજી રજા લઇને જવાના હતા. જે બધા માટે એક કારણ હતું. જાણે અજાણે જ ત્યાંના બધાએને એમની સાથે હમદર્દી, લાગણી બંધાઇ ગઇ હતી.

એમાં બન્યું એમ હતું કે લગભગ એક મહિના પહેલા જ આ દાદા અહીં સીવીલમાં દાખલ થયા હતા, દાદા-દાદી બન્ને. એમને બે દિકરાઓ છે. તેમાં એક દિકરઓ ખુબજ મહેનત અને મજુરી કરે છે. ખેતી કરે છે, સુખી છે પણ તે ખુબજ ભોળો છે. અને એને પત્નિ એવી છે કે આખો દિવસ કંકાસ કર્યા કરે છે. ભોળો છે એટલે એને જે તે અપશબ્દો બોલ્યા કરે છે. જે કોઇ કમાણી હોય એ ને બધો વહેવાર પોતની પાસે જ રાખે છે. આખા ઘરમાં પોતાનું જ રાજ ચલાવે છે. એટલે ડોસા-ડોસીને કોઇ જરૂર હોય તો એ દિકરા પાસે માગી શકાતી નથી. જે વહુ એના ધણીને આખો દિવસ અપશબ્દો બોલ્યા કરે એ આ ઘરડા સાસુ-સસરાને શું રાખવાની.. ? એટલે તે એમની પાસે નથી રહેતા.

ને બીજો દિકરો એ કલેક્ટર છે. એટલે બન્ને એની પાસે રહેતા હતા. યુવાનીમાં બન્ને ડોસા-ડોસી ખુબ મહેનત કરી, ડોસી ખેતરમાં મજુરી કરવા જતા ને ડોસા પેઢીમાં ખાતાં લખવા જતા. જીવન ભર ઘણી કરકસર કરી, કપડા ફાટે તો સાંધી લેવાના, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલવવાના, જરૂર ના હોય તે વસ્તું ન જ લેવાની, ખાવા-પીવામાં પણ વધારે ખર્ચો ના કરવાનો. એમ, બને એટલા પૈસા બચાવીને એને ભણાવ્યો અને કલેક્ટર બનાવ્યો... એટલે બન્ને ખુબજ ખુશ હતા કે જીવનમાં ખુબજ સારુ કામ કર્યું છે. દિકરો કલેક્ટર છે. પણ કુદરત કરે એ સાચુ... એમ બન્યુ જ એવું કે બન્નેને ખુબજ આઘાત લાગ્યો.. એમને થયું કે આખી જીંદગી વ્યર્થ જતી રહી.. કંઇ જ નથી કમાયા...

એક દિવસ ડોસા-ડોસી દવાખાને દવા લેવા ગયેલા. તે દવા લીધી એના હજાર રૂપિયા થયા. અને પાસે હતા સાતસો રૂપિયા. એટલે ડોસાએ ડોસીને કહ્યું કે તું અહિંયા બેસ હું દિકરા પાસેથી પૈસા લઇ આવું.. એમ એ બેસાડીને રીક્ષા કરી દિકરાની ઓફિસે ગયા.. રીક્ષામંથી ઉતરીને અંદર જવા જતા હતા ત્યાં જ અંદરથી પટાવાળો દોડતો દોડતો બહાર આવ્યો ને તેમને બહાર જ રોક્યા. શું જોઇએ છે એમ પુછવા લાગ્યો. ડોસાએ અંદર જવા કહ્યુ એટલે તે કહે કે સાહેબે તમને આવતાં કેમેરામાં જોયા અને અંદર આવવા દેવાની ના પાડી છે. તમારે જે જોઇતું હોય તે કહો. કહ્યું છે કે પૈસા જોઇતા હોય તો આ લો બસો રૂપિયા, લઇને જતા રહો.

સાંભળીને આઘાત લાગ્યો. ‘જતા રહો’ આવા શબ્દો..! ‘અંદર આવવા દેવાની ના પાડી છે’..! નથી જોઇતા મારે પૈસા.. જા તારા સાહેબને આપી દેજે પાછા... કહીને તે રીક્ષામાં બેસી પાછા દવાખાને આવી ગયા. હજાર રૂપિયાની દવાઓ થઇ હતી તેમાંથી અડધી પાછી આપી દીધી ને અડધી દવાઓ લઇને ઘેર આવી ગયા.

સાંજે કલેક્ટર દિકરો ઘેર આવ્યો ત્યારે ડોસા કંઇ પુછે-કરે એ પહેલા જ તો દિકરો ભડકી ઉઠ્યો.. કહેવા લાગ્યો કે- ‘ખબર નથી પડતી તમને.? આવા થઇને ઓફિસમાં આવો છો.. આ ધોતી ને પહેરણ પહેરીને અને એ પણ ફાટેલા, મેલાઘેલા.. આખા સ્ટાફમાં ને બધાની સામે મારી ઇજ્જત-આબરુ કાઢવા માટે, અરે એક પટાવાળો પણ મારી ઓફિસમાં સુટ પહેરે છે. અને તમે આવી હાલતમાં આવો છો તો મારી ઇજ્જત શું રહે... સાંભળો કહી દઉ છું તમને કે હવે ફરીથી ક્યારેય મારી ઓફિસે ન આવતા... મહેરબાની કરીને...

સાંભળીને ડોસાની આંખમાં આંસુ આવી ગયા. જીવનમાં ક્યારેય ના રડેલો માણસ, ગમે તેવી પરીસ્થિતિને સહન કરનાર આજે પહેલી વાર રડી પડ્યો.

‘દિકરા તને આ સુટ મેં પહેરાવ્યો અને તને મારી આ ધોતીની શરમ આવે છે..! હું તારી ઓફિસે આવ્યો એટલે બધાની સામે તારી ઇજ્જત-આબરુ જાય છે..! પણ દિકરા તે એકવાર પણ એ પુછ્યું કે હું શું કામ આવ્યો હતો..? ત્યારે ડોસાને પહેલી જ વાર લાગ્યું હતું કે હું જીવનમાં કંઇ જ નથી કમાયો. .. બસ મજુરી કરી ને દિવસો કાઢ્યા.. ને જીંદગી પુરી કરી.. બિજુ કંઇ નહીં.. અને બીજા દિવસે જ સવારે ડોસા-ડોસી પોતાના બે-બે જોડી કપડાનું પોટલુ વાળી ને સીવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા.

એક મહિનો તે અહિંયા રહ્યા, એમાં સીવીલની નર્સ, ડોક્ટરો અને બીજા દર્દીઓ બધાએને તેમની સાથે લાગણી બંધાઇ ગયેલી.. એટલા સુધી કે બહાર પેલો ચાવાળો અને પેપર વાળો ને દાતણ વાળાને પણ.

તે ડોસા-ડોસી રજા લઇને ગયા ત્યારે કોઇએ પુછ્યું – ક્યાં જશો ?... ત્યારે.. “હવે તો જીંદગી અને ઉપરવાળો જ્યાં લઇ જાય ત્યાં.. હવે ક્યાં કોઇ આશાઓ કે અપેક્ષાઓ છે કે ત્યાં રહેવું પડે”.. આટલું કહી ને તે એક ખભે અનુભવનો ભારો ને બીજા ખભે આઘાત,દુ:ખોનું પોટકુ લઇને ડોસો ચાલતો થયો... એક હાથે ડોશીનો હાથ પકડી ને તેને દોરવતો... દોરવતો...

પાછળ કેટલીએ નજરો મંડાયેલી હતી... તે આજ સુધી ફરીથી ક્યારેય એ ડોસા-ડોસી દેખાયા નહિં.. ને છતાંય પેલી નાનકડી નર્સની આખો આજેય એ દાદાને શોધ્યા કરે છે... કદાચ.. ક્યાંય દેખાઇ જાય તો…

***