Bandhay chhe dharnao padvarma books and stories free download online pdf in Gujarati

બંધાય છે ધારણાઓ પળવારમાં (National Story Competition-Jan)

બંધાય જાય છે ધારણાઓ પળવારમાં,

નજરોના કાયદાઓ ચૂકાદા આપે છે જ્યારે

Sandipa Thesiya

મુંબઇની મારી ઑફીસ ની સાંકડી ગલીમાંથી ટેક્સીમાં બેસતાં જ મેં ડ્રાઇવર પર નજર નાંખી. એક તરફ કાંડા પર પહેરેલી ફાસ્ટ્રેક ની વૉચ રાતના 9:45 નો સમય બતાવી રહી હતી અને બીજી તરફ મારી નજર મિરરમાંથી દેખાતા ડ્રાઇવરના ચહેરાને માપી રહી હતી જે સમય મળ્યે મારી સામે નજર નાંખવાનું ચૂકતો નહીં હતો. એમ તો ટેક્સી નંબર નૉટ કરવાની આદત પહેલેથી જ કારણ કે ઑફીસમાં ઑવરટાઇમના ચક્કરમાં ઘરે જવામાં ઘણી વાર મોડું થઇ જતું અને આમ પણ આ શહેરની નાઇટલાઇફ જેટલી જલ્દી શરૂ થઇ જાય છે એટલું જલ્દી એકલી છોકરી માટે ઘરે પહોંચવું જરૂરી થઇ જતું હોય છે. મુંબઇ જેવા શહેરમાં 5 વરસ કાઢ્યાના અનુભવે એમ તો આવી પરિસ્થિતિઓને મારા માટે સામાન્ય બનાવી દીધી હતી પણ આજે પણ જૂની ઘટનાઓની અમુક યાદોં જૂની થયા વગર મનમાં અકબંધ રહેલી છે. બારીમાંથી આવતી ઠંડી પવનની લહેરખીઓ મને ભૂતકાળની એ ઘટનામાં લઇ ગઇ જેણે મને નજરોથી મપાતાં ચહેરાઓની વાસ્તવિકતા સમજાવી હતી.

મુંબઇમાં નવી નવી ગ્રૅજ્યુએશન કરવા આવી ત્યારનો સમય. એકલા પડવાથી ડરતી મારી જાત મને આ શહેર સાથે જોડાવા નહોતી દેતી. મોટા શહેરમાં મુંઝવણો પણ મોટી, એમાંય અમુક મિત્રો સિવાય જાણીતું કહેવાય એવું કોઇ નહી. હર કોઇ ને શંકાની નજરે જોવાની આદત આ શહેરમાં આવતા જ જાણે ભેટમાં મળી ગઇ. એમાં પણ એક દિવસ સાંજના સુમારે પપ્પાનો મમ્મીની તબિયત ખરાબ હોવાનો ફોન મને એમની “સવારે આવજે” ની સલાહને અવગણવા પર લઇ આવ્યો અને હું મારું કામ પતાવી બૅગ ઉઠાવી 9:45 જેવું રેલ્વે સ્ટેશન પહોંચી. સ્ટેશન પર ભીડ હોવા છતાં રાતના મુસાફરી ન કરી હોવાના અનુભવે મને ડરાવેલી હતી પણ મમ્મીની યાદ આવતા જ મેં મન મક્કમ બનાવી ટિકીટબારી તરફ જવા માંડયુ. ટિકીટબારી પર જઇ મેં સુરતની ટિકીટનું પૂછ્યું અને એ સાંભળતા જ બાજુમાં ઉભેલા રોમિયો જેવા લાગતા યુવાને મારી સામે જોયું. તેને અવગણી આગળ વધતા પાછળથી અવાજ સંભળાયો- “એક્સક્યુઝમી, તમે સુરત જવાના કે?”. પાછળ ફરી જોતા એ જ યુવાન પૂછી રહૃયો હતો. “તમને મતલબ??” નો ઉધ્ધત જવાબ આપી એના રિએક્શનની પરવા કર્યા વગર હું આગળ વધી ગઈ.

ટ્રેનને આવવામાં હજુ 30 મિનિટ્સ બાકી હોવાથી સ્ટેશનનાં એક ખૂણામાં ભગવાનનું નામ લેતી અને “અજાણ્યા જોડે વાત નહી કરવાની અને એમાંય છોકરાઓ જોડે તો બિલકુલ નહી” ની મમ્મીની શિખામણને મનમાં ગણગણતી ઉભી રહી. પેલો રોમિયો ટાઇપ છોકરો હજુ પણ મારો પીછો કરતો હોય એવું લાગ્યું. થોડે દૂરના સ્ટોર પર ઉભા રહી એ અને એના મિત્રો મારી સ્થિતિ પર અથવા તો મેં આપેલા જવાબ પર હસી રહ્યા હતા કદાચ. “કેવા છે આ છોકરાઓ, એકલી છોકરી જોઇ નથી ને આવી ગયા હેરાન કરવા. મમ્મી સાચું કહેતી હતી જુવાન છોકરાઓથી દૂર રહેવાનું, વંઠેલ જ હોય બધા.” મનમાં એકસાથે આવા સેંકડો વિચારો રમી રહ્યા હતા.

ટ્રેન આવતાં જ General ડબ્બામાં ચઢતા લોકોની ભીડને વીંધતી હું અંદર પહોંચી. સ્ત્રીઓની પાંખી હાજરી અને અંદર બેઠેલા પુરુષોની એકસામટી નજરોએ મારી મુશ્કેલી વધારી. ઉપરથી મને સુરતનું પૂછનાર એ યુવાન પોતાના બીજા 2 દોસ્તો સાથે મારી પાછળ જ આવી ચઢ્યો. એમાંથી એકની ટક્કર વાગતાં મારું બેલેન્સ ખોરવાયું. જેમ તેમ કરીને જાતને સંભાળી એમને મનમાં ગાળો આપતી હું વિન્ડો સાઇડની સીટ ખાલી જોતા ત્યાં ખસી. મારો પીછો કરતી નજરો તરફના ગુસ્સા સાથે હું ચૂપચાપ બેગને ખોળામાં દબોચી બારી બહાર જોતી બેસી રહી એ હાશકારા સાથે કે બાજુમાં એક “અંકલ” જેવા પ્રૌઢ બેઠેલા છે પોતાની આંખો મીંચીને. એ ટોળકી હજુ ત્યાં જ ઉભેલી હતી કદાચ મને હેરાન કરવાના વિચારથી જ. મારી બાજુવાળા અંકલે થોડી વાર પછી મને પાણી માટે પૂછ્યુ અને મેં એક હળવી સ્માઇલ સાથે નકાર્યું. કલાક મારી રાહતનો વીત્યો એમાં જ બાજુમાં બેઠેલા એ અંકલે મારી બાજુ ખસવાનું ચાલુ કર્યુ. મને નવાઇ લાગી અને કદાચ ભૂલમાં ખસ્યા હોવાનું માની મેં અવગણ્યું. એ વધારે ખસ્યા ને હું અકળાવા લાગી પણ મોટી ઉંમરની શરમે મેં કાબુ રાખ્યો. પછી તો હદ થઈ ને એમણે અડપલા ચાલુ કર્યા. આઘાતના માર્યા હું કંઇ બોલુ એ પહેલા જ મારાથી થોડા ક્રોસમાં ઊભેલા અને નોટીસ કરી રહેલા પેલા રોમિયોછાપ યુવાને ટકોર કરી- “અંકલ, છોકરીને જોઇને પેટની સાઇઝ વધી ગઇ કે હજુ વધુ જગ્યા જોઇએ છે? સાંઠે બુધ્ધિ નાઠી લાગે છે. એકલી છોકરીને જોઇને લાળ ટપકાવતા શરમ નહી આવતી?” આ સાંભળી આજુબાજુના લોકો પણ મારી મદદે આવ્યા ને શરમના માર્યા એ અંકલ ઉભા થઇને જતા રહ્યા. પીછો કરતી નજરો એ પછી બીજે ગોઠવાઇ અને મને હાશકારો થયો. મનમાં ને મનમાં પેલા યુવાનને Thank you કહેવાનું નક્કી કર્યું. હજુ તો સુરત સ્ટેશન પર ઉતરી ત્યાં બાજુ પરથી આવી ચઢતા એ યુવાને ભીડ વચ્ચે ઝડપથી મારી બાજુ ફેંકેલા એ શબ્દો મેં આજેય વીણી રાખ્યા છે – “નજરોથી મપાતાં વ્યક્તિત્વ સાચાં નથી હોતા. ક્યારે મૂકેલો વિશ્વાસ અવિશ્વાસમાં અને અવિશ્વાસ વિશ્વાસમાં પલટાઇ જાય તે નક્કી નહી. માટે ધ્યાન રાખજો. ઉંમર ગમે તે હોય પોતાના માટે વિરોધ કરતા શીખવું જોઇએ અને હા, બધા સરખા નથી હોતા, Please“.

આટલા વર્ષોમાં આ મેગાસીટીએ આમ તો મને ઘણું બધું શીખવી દીધું છે, પણ લોકોને પોતાની નજરથી નહી સમજણથી માપવાની અને વિરોધ કરવાની શરુઆત મેં એ પ્રસંગ પછી કરી દીધી હતી. ઘણી બધી વાર જીવનમાં બનતા આવા નાના પ્રસંગો સ્મૃતિમાં કાયમ માટે છપાઇ જતા હોય છે જેને યાદ કરતાં જ ચહેરા પર એક હાસ્ય રેલાઇ આવે છે ખબર નહી કેમ. કદાચ આ ટેક્સી ડ્રાઇવર પણ મને એકલા હસતા જોઇને એજ મૂંઝવણમાં હશે હમણાં.

***