ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 12

ઉજળી પ્રીતનાં પડછાયા કાળાં

પ્રકરણ-12

સ્વાતીના મોબાઈલની રીંગ વાગી અને એણે ફોન ઉપાડ્યો સાંભળી આશ્વર્ય પામી. એણે કહ્યું ઓકે હું એવી રીતે આવું છું કહી ફોન મૂકયો. સ્વાતીએ આજે

ટ્રેડીશનલ જયપુરી ડ્રેસ પહર્યો અને અસલ રાજપૂતાણી રાણી બની ગઈ. એને જોઈ એની મમ્મીએ પૂછ્યું “અરે કુંવરી આમ અચાનક આપણો પહેરવેશ કેમ પહેર્યો શું છે? આજે કોલેજમા કોઈ ફંક્શન છે? પણ સરસ શોભી ઉઠે છે . સ્વાતિએ કહ્યું હું કે ડ્રેસ? એની મમ્મીએ કહ્યું મારી દીકરી.. મોહીનીબા દીકરીની સામે જોઈ જ રહ્યા એમને થયું મારી દીકરી હવે જુવાન થઈ ગઈ છે. સમાજમાં હવે એનાં સગપણ વિશે વાત કરવી પડશે. મારાં સમયે તો હું બાર વર્ષની પરણીને સાસરે આવી ગઈ હતી અને વિવાહ મારો ચાર વર્ષની હતી અને થઈ ગયો હ્તો. સ્વાતીએ પૂછયુ માં શું વિચારમાં પડી ગયા? મોહીનીબાએ કહ્યું હું તારા જેટલી હતી અને તારો જન્મ થઈ ગયેલો તું જુવાન થઈ ગઈ છે તારું વિચારવું પડશે આપણાં સમાજમાં તો ૨/૩ વર્ષ પહેલાંથી તારાં સગપણ માટે વાતો આવતી રહી છે પણ તારા બાપુ તો નવા વિચારનાં છે. કહે હજી મારી દીકરી નાની છે અને મને બાર વર્ષે પરણીને લઈ આવેલાં.

સ્વાતીએ કહ્યું માં એ જમાના ગયાં બાળ લગ્ન તો હવે કાયદાકીય ગુન્હો છે. પણ તું ક્યાં હવે નાની છે. હવે તો ચારે કોઠે તું મોટી થઈ ગઈ છે હવે તો વાત કરું ને સ્વાતી થોડી શરમાઈ પછી કહે મમ્મી હજી મારે ભણવાનું બાકી છે આવી બધી વાતો નથી કરવાની હમણા તમારે. હજી તમેય ખુબ જુવાન છો અત્યારથી શા માટે મોટા સીરપાવ લેવા છે. કહી હસતી હસતી આવું છું માં કહી ઘરની બહાર નીકળી માં એ પૂછયુ “કયાં જાય છે, તું આમ એ તો કહે?. સ્વાતીએ કહ્યું મારી સહેલીને ત્યાં બધા દિવાળી નું કરીને ભેગા થવાના છે હું આવી જઈશ ચિંતા ના કરીશ માં એ કહ્યું ચિંતાની વાત નથી આપણે પણ તાઉજીને ત્યાં જવાનું છે એ યાદ રાખી જલ્દી આવી જજે.

સ્વાતીએ કહ્યું હાં માં આવી જઈશ અને એણે આજે એક્ટીવા નહી અને ગાડીમાં બેસીને નીકળી ગઈ. માં પાછળ બબડતા હતા. એનાં બાપુએ એને ખૂબ છૂટ આપી છે એકની એક દીકરી છે આમ કોઈ વાર હાથમાંથી નીક્ળી જશે અથવા કંઈ થઈ જશે તો શું કરશું? પણ મારૂ કોઈ સાંભળતું જ નથી અંદર જતા રહ્યાં.

સ્વાતી રામબાગ પેલેસ રોડ થઇને જે હવે તાજ રાજમહેલ પેલેસ પાંચતારક હોટલ થઇ ગઇ છે ત્યાંથી રોડ થઇને ડ્રાઇવ કરતી જતી સવાઇ માનસીંગ રોડ પસાર કરી અજમેરી ગેટ પહોંચી ગઇ ત્યાંથી એ તોપખાના સર્કલ ઉભી રહી. થોડીવારમાં ત્યાં સ્તવન આવી ગયો. અને કહ્યું ઓહો તમે તો આજે ઓળખાતા નથી ને ? સ્વાતીએ કહ્યું શું "તમે ક્યાં ઓળખાવ છો ? તમે અસલ અમારાં રાજસ્થાની જ દેખાવ છો કોઇ કહે નહી તમે જયપુરથી બહારનાં છો. સ્વાતી કહે અસલ દેખાવ છો હાં ફાકડા.... પણ તમારી બાઇક ક્યાં મૂકી છે ? સ્તવન કહે મૈં સામે કોમ્પ્લેક્ષમાં મૂકી છે. પણ તમે ગાડી લઇને કેમ આવ્યા ? આપણે અહીં સામે પાર્લરમાં આઇસ્ક્રીમ ખાઇએ પછી જઇએ.

સ્વાતીએ કહ્યું તમે જે રીતે ડ્રેસ પ્હેરવાનો કહેલો એ સ્કુટર પહેરીને આવવુ ના ફાવે એટલે. પણ આજે મને આમ બોલાવી કારણ ? અને આપણે ક્યાં જવાનું છે ? કેટલા વાગે પાછા આવવાનુ છે ? સ્તવન કહે કેટલા પ્રશ્ન પૂછશો ? એમ કહીને ગાડીમાં આગળ આવીને બેઠો પછી કહે તમે બેસો હું સામેથી આઇસ્ક્રીમ લઇને આવું. સ્વાતી કહે હોર્ન મારું છું આવી જશે ઓર્ડર લેવા અને હોર્ન માર્યો પાર્લરમાંથી એક છોકરો દોડતો આવી મેનુ આપ્યુ અને સ્તવને કોફી ચોકલેટ આઇસ્ક્રીમ ઓર્ડર કર્યો. પછી કહ્યું સ્વાતી તમે અહીં આ બાજુ આવી જાવ હું ડ્રાઇવ કરી લઉ છું. સ્વાતી કહે ચોક્કસ. એમ કહી સ્ટીયરીંગ સ્તવનને સોપી નીચે ઉતરી ગઇ સ્તવન ડ્રાઇવીંગ સીટ પર ગોઠવાયો.

સ્વાતી એ કહ્યું બધાં સ્ટીયરીંગ તમને જ સોંપ્યા હવે તમે લઇ જશો ત્યાં આવીશ. પરંતુ તમારી બાઇક બરાબર મૂકી છેને સ્તવન કહે આ બરોબર જ મૂકી છે. મારાં લેન્ડ લોર્ડ દેવધરકાકાની છે. એ મને ખૂબ સાચવે હું બાઇક જીવની જેમ સાચવું છું. અને ભાડાં સાથે બાઇક પેટે પણ પૈસા આપું …પણ લેતાં નથી ખૂબ સાચવે છે મને. મારું ગાડુ ચાલે છે. મારાં પિતાજીએ કહ્યું અહીં બાઇક લઇ આવવા અંગે મેં ના પાડી અહીં અભ્યાસ પુરો થવાનો પછી બીજે ક્યાંય મારો અડીંગો થશે. સ્વાતીએ અધવચ્ચે કહ્યું "હવે બીજે ક્યાંય નહીં જવા દઊં કહી સ્તવનનાં મોં પર હાથ મૂકી દીધો. સ્તવને હળવેથી ચુંબન કરી લીધું. "સાચું કહું સ્વાતી હવે મારું જ મન તને છોડીને ક્યાંય જવા ઇચ્છા નહીં કરે. અને અહીં મને પૂરતી માહિતી અને સામગ્રી મળીજ રહી છે. આઇસ્ક્રીમ આવી ગયો અને આઇસ્ક્રીમને ન્યાય આપી સ્તવને નહારગઢ જવા માટે ગાડી મારી મૂકી. સ્વાતીએ ડ્રાઇવીંગ કરતાં સ્તવનના ગળે હાથ વીંટાળી દીધાં. અને સ્તવનને જોયા કર્યું સ્તવન વારે વારે હળવા ચુંબન કરી લેતો. બંન્ને પંખીડા પ્રેમ કરતાં કરતાં નહારગઢ આવી પહોંચ્યા.

સ્તવને કહ્યું અહીંના જોવા લાયક આ બધાંજ કિલ્લા મહેલો, બાગ, બગીચાં, સંગ્રહાલય, ઝૂ, જે કંઇ છે એમાં મને સૌથી વધુ અહીં ગમે છે. અરવલ્લીનાં પહાડોની ટોચે આવેલો આ નહારગઢ ખૂબ જ નયનરમ્ય છે. અહીં કંઇક આગવી જ લાગણી અનુભવું છું અહીંના કિલ્લાની બાંધણી એનો ઇતિહાસ બધા અભ્યાસ કર્યા છે. પરંતુ એની સૌથી વધુ વિશેષ મારી પસંદીદા જગ્યા ઉપર છે. ચાલ ત્યાં જઇએ. સ્તવને ગાડીને કિલ્લાનાં પ્રવેશી બહાર પાર્કીંગમાં પાર્ક કરી પછી બંન્ને જણાં હાથ પકડી અંદરના જતાં બહારની બાજુથી કિલ્લા પર જવા પગથીયાં ચઢવાં લાગ્યાં. મહેલનો ભાગ પાછળ છૂટી ગયો અને કિલ્લા પરથી કેડી પરથી ઊંચાઇ તરફ જવા લાગ્યાં.

સ્વાતી સ્તવનનો હાથ પકડીને પાછળ પાછળ ચઢી રહી હતી 15-20 મીનીટનાં ચઢાણા પછી સ્તવન એક ટેકરી જેવી જગ્યાએ અટકી ગયો. ત્યાં પાછળ કિલ્લાનો ખૂલ્લો ભાગ દેખાતો હતો એકદમ સ્વચ્છ સપાટ જગ્યા હતી. ઊંચાઇથી.. દૂર બીજા અરવલ્લીનાં માળાનાં મણકાની જેમાં ડુંગર-પહાડ પથરાયેલાં હતાં અને એ જગ્યાથી થોડેક જ આગળ એકદમ ખાઇ જેવું દેખાતું હતું ત્યાં ઉભા રહીએ ચક્કર આવી જાય એવી ઊડી ખીણ દેખાતી હતી. ચારે બાજુ વૃક્ષોની લીલોતરી હતી થોડે દૂર વાંસનાં જંગલ દેખાતાં હતાં. ખૂબ સુંદર દશ્ય હતું. મીઠો ઠંડો પવન વાઇ રહેલો.

સ્વાતીતો ઉપર આવીને ચીસ પાડી ઉઠી આનંદની કીકીયારીઓ કરવાં લાગી એણે ક્યું અહીં નહારગઢતો હું આવી ગઇ છું પણ આ જગ્યા કઇક અલગ જ છે. તમે ક્યાંથી શોધી નાંખી આ જગ્યા ? પાછળ કિલ્લાનું ટોપ અને ખૂલ્લો ભાગ ત્યાંથી અંદરની તરફ ઉતરી શકાય બહાર આ સપાટ મેદાન જેવી ખુલી જગ્યાં. ચારેકોર વૃક્ષો લીલોતરી અને કેટલા પક્ષીઓ છતાં કાળા માથાનો માનવી દેખાય નહી એવી એકાંત જગ્યા. સ્વાતીતો કૂદતી કૂદતી સ્તવનને આવીને વીટડાઇ ગઇ. સ્તવને સ્વાતીને બાહોમાં લઇને ભીંસી દીધી અને હોઠ પર હોઠ મૂકીને રસપાન કરવા લાગ્યો. કુદરત પણ બંન્નેને જોઇને જાણે ખુશ થઇ ગઇ હોય એમ ઠંડો પવન વહી રહ્યો અને અવકાશમાં વાદળ ખેંચાઇ આવ્યા વાતાવરણ એકદમ ઠંડુ થઇ ગયું.

સ્તવને ચુંબન લેતાં કહ્યું “આજે દિવાળીનો અવસર ઉત્સવ છે. અહીનાં પરીધાનમાં મારે તારી સાથે મળવું હતું અને ફોટાં લેવાં હતાં. એક કાયમી આ સમયની યાદી બની રહે એટલે વિચારી રાખેલું. પેલા દિવસે આપણે ના આવી શક્યાં. પછી હું થોડાં દિવસ માટે ઘરે જઇશ. એ પહેલાં અહીં તારી સાથે યાદગાર દીવાળી મનાવી લઊં પછી .... સ્વાતીએ એકદમ જ સ્તવન ઉભા થઇને કહ્યું "ઘરે જઇશ એટલે ? તમે ઘરે મને છોડીને જવાનાં ? સ્તવને કહ્યું " તહેવાર છે એટલે જવું પડશે તમારી જેમ હું પણ એકનો એક દીકરો છું મારાં માંબાપનો એ લોકો તો ક્યારની રાહ જુએ છે. રોજ ફોન આવે છે. આજે દિવાળી એ મને ઘરે જ ઇચ્છતા હતાં મેં બહાના કાઢીને ટાળ્યું છે આજ રાતની ટ્રેનમાં મારે જવું જ પડશે.

સ્વાતી એકદમ જોરથી વળગી પડી અને એનાંથી ડૂસકું નંખાઇ ગયું. સ્તવન તમે ના જાઓને પ્લીઝ હું શું કરીશ અહીં ? હવે મારાથી તામારા વિના એક પળ નહી જીવાય. સ્તવને કહ્યું હું ફક્ત એક વીક માટે જ જઊં છું. પછી પાછો જ આવી જવાનો છું હું અહીંથી ફક્ત બે જોડ કપડા લઇને જ જવાનો. એય સ્વાતી તમે આમ ઢીલા થશો તો હું શું કરીશ ?મારાથી જવાશેજ નહીં ? હું ઘણાં સમયથી ગયો નથી અને તમારી મુલાકાત પછી તમારી સાથેનાં પ્રેમ પછીતો હું ફક્ત તમારોજ થઇ ગયો છું. સ્વાતી કહે તમે મને તમે તમે કેમ કરો છો ? હું તમારી દાસી છું તું કહો સ્તવન કહે તમારે ત્યાં અહીં બધાં માન વાચકથીજ બોલવે છે એ રીતે અનુસરવું મને ગમે છે. સ્વાતી કહે ભલે બીજા લોકો બોલાવે પણ આપણે એકાંતમાં તુંજ કહીશું એમાં જે નીકટતા છે એ તમે માં નથી અનુભવાતી સ્તવન કહે તો તું પણ મને તું જ કહી બોલાવ મને ગમશે. સ્વાતી કહે ના મારાથી ના બોલાય તમે તો… સ્તવન કહે તોજ હું તું કહીને બોલાવીશ. સ્વાતીએ દીર્ધ ચુંબન લેતાં કહ્યું તું ખૂબજ જબરો છે. અને બંન્ને ખડખડાટ હસીને એકબીજામાં પરોવાઇ ગયાં બંન્ને જીવનાં તન એકમેકમાં પરોવાઇને એક થઇ ગયાં. સ્વાતી અને સ્તવન આમ એકમેકમાં ક્યાંય સુધી ખોવાયેલાં રહ્યાં. સ્તવનની છાતી ભીંજાવા લાગી એણે સ્વાતીને ઊંચી કરીને ફરી ચૂમી લીધી. સ્વાતીનાં આંખોમાં આંસુ રોકાતાં નહોતાં સ્તવનની આખી છાતી ભીંજાઇ ગઇ એણે પહેરુંલ રજવાડી પહેરણ આખું ભીંજાઇ ગયું સ્વાતી કહે "મારાથી આમ એકલા નહીં રહેવાય. સ્તવને કહ્યું " એય મારી સ્વાતી તહેવારો છે સમય પસાર થઇ જશે હું જઇને તરત પાછો આવી જઇશ અને તારાં માટે આનંદનાં સમાચાર લેતો આવીશ. સ્વાતી કહે એટલે ? હું આપણાં ફોટા પાડીને લઇ જઇશ અને મારાં પેરેન્ટસને બતાવીશ કે મેં મારી પત્ની પસંદ કરી લીધી છે. યોગ્ય સમયે તારાં પેરેન્ટસ પાસે આવીને તારો હાથ માંગી લઇશ. સ્વાતી એકદમ લપાઇ ગઇ પછી થોડી ગંભીર થઇ ગઇ એણે કહ્યું "સ્તવન મારાં માંબાપ માની તો જશેને ? હું મારાં પાપાને તો મનાવી શકીશ પણ માં થોડાં જૂનવાણી છે સમાજના રીતરીવાજમાં ખૂબ માને છે નાતમાં ખૂબ સામાજીક રીતે ભળેલા છે. પણ ચોક્કસ વિશ્વાસ છે તમને જોયા પછી ચોક્કસ પસંદ કરી જ લેશે. જ્ઞાતિમાં તમે બ્રાહ્મણ છો એટલે ઉચ્ચકુળ છે તો ના નહીંજ પાડે તમે મારાં સર્વસ્વ છો નહીંતો હું તમારાં માટે થઇને તમને મેળવવા કંઇ પણ કરીશ મારાં મહાદેવ કહીને સ્વાતી પાછી વળગી ગઇ.

ક્યાંય સુધી બંન્ને એકબીજાને પ્રેમ કરતાં રહ્યાં પછી સ્તવને કહ્યું ચાલ આપણે ફોટા લઇ લઇએ. પછી અહી બેસીને ચારે તરફનો નજારો સાથે જોઇએ માણીએ. સ્વતને પોતાનો ડ્રેસ વિગેરે સરખો કર્યો બંન્ને સ્વસ્થ થયાં અને સ્તવને એકબીજાનાં ફોટાં લીધાં પછી ટાઇમીંગ સેટ કરીને બંન્નેનાં યુગ્મ ફોટા જુદા જુદા એંગલથી લીધા ત્યાંની આસપાસની જગ્યાઓ પહાડ, ખીણ, ખળચળ વહેતાં ઝરણાં, કિલ્લાનો એમ ઘણાં બ્ધાં ફોટાં લીધાં."

સ્વાતી સ્તવન પછી છેક ટોચની ડુંગરની ઉચાઇ પર પગ લટકાવી બેસી ગયાં. સ્વાતીને ખૂબ ડર લાગી રહેલો એતો સ્તવનનો જોરથી હાથ પકડીને બેસી રહી હતી આટલી ઊંચાઈ ઉપરથી તો એની નીચે જોવાની હિંમત જ નહોતી થતી. સ્તવને કહ્યું આ મારી ખુબ ગમતી જગ્યા છે એનું કારણ સમજાવું. હું અહીં આવીને બેસું છું તો જો સામે બે પહાડ દેખાય છે એમાં હું એક માં અને બીજામાં બાબાને આમ માંબાબા જોઉં છું. બીજું કે આ જગ્યાએ થી હું જાણે આખી શ્રુષ્ટિ જોતો હોઉં એવું ફીલ કરું છું અહીં બેસીને હું જાણે જીવન અને મૃત્યુ બંનેને જોતો હોઉં એવું લાગે છે નીચે નજર કરું તો મૃત્યુ જે નીચે પાડો તો ઉપર લઇ જાય અને ઉપર નજર કરું તો જીવન જણાય કે જે ઈશ્વરે મને જીવ આપી અહીં મોકલ્યો અને હું અને હું અહીં એકલોજ ચારેકોર પ્રકૃતિ માં અને પુરુષ પરમાત્મા અને બીજું કોઈજ નહિ. સ્વાતિ સ્તવનની આંખોમાં તેજોમય આસ્થા જોઈ રહી એની આંખો ભરાઈ આવી સ્તવનની આંખોમાં અશ્રુધારા વહી રહી હતી આજે બન્ને પ્રેમી જીવ એકબીજાને પ્રેમ નીતરતી આંખે પ્રેમ કરી રહેલાં અને અમૃત વરસાવી રહેલાં આજે પ્રકૃતિની સાક્ષીમાં બન્ને જીવ એકમેકમાં પોરોવાયાં હતાં ક્યારેય જુદા ના થવાના વચન આપ્યા હતાં સ્વાતિ અને સ્તવન એ પર્વતની ટોચની અણીપર ઊભાં હતાં છતાં એક કણ જમીનનો છૂટો ના પડ્યો અને એક પ્રેમ પ્રતિમા જીવતીજ સર્જાય ગઈ.

ક્યાંય સુધી પ્રેમ સમાધીમાંથી વિચલીત થયાં વિનાં સ્વાતી સ્તવન એકમેકનું સાંનિધ્ય અને હૂંફ માણી રહ્યાં સ્તવને કહ્યું આ જગ્યાની મુલાકાત અહીંના આશિષે એની યાદગીરી જન્મોજન્મ માટે આપણાં જીવનમાં કોતરાઇ ગઇ છે કોઇ એને દૂર નહીં કરી શકે નેવર ક્યારેય નહીં. વળી પાછા બંન્નેએ ભીંસ દઇને આલીંગનમાં જકડાઇ ગયાં.

સ્તવને કહ્યું આજે મારું ઇચ્છેલુ પુરુ થયું આપણે માંબાબાની સાક્ષીમાં એક થઇ ગયાં ત્યાં મ્હેલનાં બગીચામાં માબાબા સામે પણ વચનથી એક થયેલાં અહીં પ્રકૃતિ અને પુરુષ પરમાત્માની સાક્ષીમાં એક જીવઓરા થઇ ગયો એનો મને ખૂબ આનંદ છે. હું તને ક્યારેય મારાથી જુદી નહીં કરું સ્વાતી જન્મો બદલાશે. ખોળીયા, નામ, સ્થળ, સ્થિતિ બદલાશે પણ તારો સ્તવનનો જીવ ફક્ત તારી સાથે જ જોડાયેલો રહેશે જેમ ગીતામાં ભગવાને સમજાવ્યું છે એમ મારું આ તન ખોળિયું મરશે, સ્થળ સ્થિતિ, કાળ, જન્મ બદલાશે પણ મારો જીવ અને મારા જીવનો તારાં માટેનો પ્રેમ અમર જ રહેશે ક્યારેય નહીં બદલાય નહીં ક્યારેય તારાથી મુક્ત થાય એ મારું વચન છે.

સ્વાતીતો સ્તવનનાં ચરણોમાં પડી ગઇ. એ બોલી હું તમને પ્રેમ કરીને મારી જાતને ભાગ્યશાળી માનું છું મને તમારા જેવો પ્રિયતમ મળ્યો તમને જ હું વરી ચુકી તમારીજ હું થઇ ચૂકી. મારાં માટે હવે સુષ્ટિનાં બીજાં પુરુષો પુત્ર, ભાઇ, પિતા અને ગુરુ જ હશે પણ પ્રિયતમા પત્નિ ફક્તને ફક્ત તમારીજ રહીશ એ મારું વચન છે.

સ્વાતી અને સ્તવને બંન્નેએ વચન આપ્યાં સ્તવને ત્યાંની ધરતીની માટી લઇને ચપટીમાં ભરીને સ્વાતીની સેંથીમાં પુરી દીધી. અહીં આ જગ્યા અને માંબાબાની સાક્ષીમાં હું તારો અને તું મારી થઇ ગઇ મેં તારો સ્વીકાર કરી લીધો હવેથી તારોજ રહીશ, તારું લાલન પાલન અને ફક્ત તને જ પ્રેમ કરવાની મારી જવાબદારી મારો પ્રેમ રહેશે. હવેથી આપણને કોઇ ક્યારેય જુદા નહીં કરી શકે.

સ્વાતી અને સ્તવન એકમેકમાં પરોવાઇને હોઠથી હોઠ મેળવીને રસપાન કરતાં રહ્યાં. કોયલ મોરનાં ટહુકા અત્યારે જાણે કંઇક વધુજ મીઠા ટહુકી રહ્યાં હતાં.

સ્તવને સ્વાતીને ચૂમતાં કહ્યું "મીઠી હું રાત્રે આજે નીકળી જઇશ અને જેમ બને એમ વહેલો પાછો આવી જઇશ. તારે પણ અત્યારે ઘરેથી ક્યાંય બહાર જવાનું છેને હું ઘરે પ્હોંચીને બેગ તૈયાર કરીશ દેવધરકાકાને ચાવી સોંપીને નીકળી જઇશ એમની બાઇક પાછી આપીશ હું સતત તારાં સંપર્કમાં રહીશ, પળપળ તને લખ્યા કરીશ અ ને તારા વિહરની કવિતાઓ લખ્યા કરીશ.

સ્વાતીએ કહ્યું " આપણાં ગાંધર્વ વિવાહ પછી મારી આંખમાં આજે આંસુ નહીં લાવું કોઇ આ અપશુકન થાય એવું હું કંઇજ નહીં કરું બસ તમારાં આવવાની રાહ જોઇશ ખૂબજ વિશ્વાસ છે મને મારાં સ્તવન પર તારાં કરતાં તારાં પ્રેમ પર ખૂબ જ વિશ્વાસ છે મારાં માટે તો તુંજ મારો ઇશ્વર છે તમારાથી જ હું પામું છું બધુ જ સુખ આનંદ બસ તું જ મારો માણીગર અને પછી સ્તવનનાં હોઠ પર દીર્ઘ ચુંબન લીધુ સ્તવન મને તમારા માટે આજે વધુ માન ઉપજ્યું છે આવી એકાંત નિશ્ચિત અને સલામત જગ્યાએ તમે મારાં જીવને પ્રેમ કર્યો આલીંગન અને મીઠા ચુંબન લીધાં અને કર્યા. તમે મારાં શીયળને અકબંધ રાખ્યું એની મર્યાદા જાળવી. કોઇ બીજુ હોયતો... મારાં મહાદેવ હું તમારી પાસે સંપૂર્ણ સુરક્ષિત છું અને અનુભવું છું. ખૂબ પ્રેમ કરું છું. અત્યારે તો હું તમને તન, મન, ધન, જે કાંઇ હોય એવાં મારાં જીવ ઓરાથી તમને સમર્પિત થઇ ગઇ છું. હવે મને મારાં ઘરે આવીને માંગીને લઇ જશો પછીજ હું તમને.... સ્તવને એને ચુંબન કરી રોકી લીધી અને કહ્યું " મર્યાદાની મને જાણ છે અને કદાચ તું મને વશ થાય પણ હું મારાં જીવને મારાં અંતરઆત્માને શું જવાબ આપું? હજી મારો એવો અધિકારનો સમય નથી અને આવશે ત્યારે વાત અને એવો છીછરો મારો પ્રેમ પણ નથી.

સ્વાતી એ કહ્યું ચાલો સ્તવન મોડું થશે આપણે હવે અહીંથી નીકળીએ આપણને તો સમયનું ભાન જ નથી રહેતું અને આપણાં મળ્યા પછી સમય ક્યાં સરી જાય છે ખબર પણ નથી પડતી ખૂબ ઓછો જ પડે. સ્તવને કહ્યું હાં સાચી વાત છે. ચાલ આપણે અહીથી ધીમે ધીમે નીચે ઉતરીને પાછા પ્રયાણ કરીએ બંન્ને જણાં હાથમાં હાથ પરોવીને ધીમે ધીમે ગઢના પગથિયા ઉતરી રહ્યાં. કુદરત પણ જાણે આજે એમનાં સાથમાં સાથ પરોવી રહી.....

***

સ્તવન ટ્રેઇનમાં બેસી ગયો એની બારી પાસેની સીટ હતી એણે મેગેઝીન હાથમાં લીધું. અને ટ્રેઇન ઉપડવાની રાહ જોવા લાગ્યો. એનું મેગેઝીનમાં ચિત્તજ નહોતું ચોટી રહ્યું એને વારે વારે સ્વાતીનો જ ચહેરો નજર સામે આવી રહેલો. એને એવું થતું હતું કે એનો જીવ અહીં રહ્યો છે સ્વાતી પાસે અને શરીર ઘરે જઇ રહ્યું છે. આટલો બધો વિષાદ એણે ક્યારેય અનુભવ્યો નહોતો. એ મનોમન નક્કી કરી રહેલો હવે કંઇ પણ થાય સ્વાતીનો સાથ ક્યારેય નહીં છોડે એનાથી જીવાશેજ નહીં. એ મનોમન એનાં માતા-પિતાનું વિચારી રહ્યો એ લોકો એનાં માટે જીવન આપી દે એવાં હતાં. એનાં પિતા સુરેશચંદ્ર બરોડા મ્યુનિસીપલ કોર્પોરેશનમાં ચીફ એજીન્યર તરીકે કામ કરતાં હતાં અને માં શીલાબેન હાઉસવાઇફ હતાં શરૂઆતનાં વર્ષોમાં એમણે શિક્ષિકા તરીકે શાળામાં નોકરી કરી પણ પછી સ્તવનનાં ઉછેરમાં કોઇ કચાશ ના રહે એટલે છોડી દીધી. એલોકોનું એકનું એક સંતાન હતું એટલો લાડથી ઉછેરેલો પરંતુ ક્યારેય સ્વચ્છંદતા નહોતી આવી.

શાળામાં વેકેશન પડતું ત્યારે પિતા સાથે ઘણીવાર એ એમની સાઇટ પર સાથે ગયેલો. ફક્ત રવિવારે તેઓ એને આવવા માટે હા પાડતાં. રવિવારે વધારાનું કામ જોતાં એમની કાયદેસર રજા રહેતી ત્યારે ગાયકવાડ પ્રોપર્ટી જોવા મળતી એમના મહેલ બગીચા વિગેરે જોવા જતાં. એને નાનપણથી આવા રાજઘરાનાનાં મહેલ-સ્થાપતો કળાકારી, કાર્વીગ વર્ક અને બધાનાં ઇતિહાસ જાણવાની તાલાવેલી રહેતી એ લોકો કેવી રીતે રહેતા હશે. એમનાં મહેલો રાચરચીલુ બધું જોવા જાણવા માંગતો. મોટો થયાં પછી એણે આનાં અંગેના વિષયમાં અભ્યાસ કરવાનું જ પસંદ કર્યું. એણે એનાં પિતાજીને વાત કરી તો એમણે પણ સહર્ષ હા પાડી કે આ અલગજ લાઇન છે જરૂર ભણજે દીકરા ખૂબ જાણવાં મળશે. એણે પછી વડોદરાનીજ આર્કિઓલોજીની કોલેજમાં એડમીશન લીધું અને એમાં ભણવાનું ચાલુ કર્યું. અભ્યાસ કાળ દરમ્યાન એણે ઘણી જગ્યાઓની મુલાકાત લીધી ખૂબ જાણવા મળ્યું એનાં વિચાર વર્તન બધાં જાણે પુરત્વ અને સ્થાપ્તય કળા સાથે જ જોડાઇ ગયાં હતાં. આમને આમ એનો અભ્યાસ કાળ ચાલી રહેલો છેલ્લો એકજ કન્સેપટમાં જ્યારે સ્પેશીયલાઇઝેસન કરવાનું આવ્યું એણે આજ વિષય પસંદ કર્યો. પુરાત્વવિભાગમાં સ્થાપત્ય અને કળા ભારતીય સંસ્કૃતિની ખોજ. એ એમાં રચ્યો પચ્યો રહેવાં લાગ્યો પછી અભ્યાસ અર્થે પ્રથમ ઉદેપુર પછી જયપુર આવ્યો અને પછી જેસલમેર જવાનો હતો. ટ્રેઇનમાં બેઠાં પછી સ્તવન વિચારોમાં અને વિચારોમાં આખી એની જીવનની સફર ખેડી રહ્યો. બહુ વિચારતાં વિચારતાં એને ક્યારે નીંદર આવી ગઇ ખબર જ ના પડી.

સ્વાતી ઘરે પહોચી પાર્કીગમાં કાર પાર્ક કરીને ઘરમાં આવી અને એના પાપા મંમી એની રાહજ જોઇ રહેલાં પૃથ્વીરાજસિંહ કહ્યું અરે મારી કુવરસાહેબા અસલ લાગી રહી છે. દીકરાં અમે તૈયાર છીએ તું આજ કપડામાં ચાલ તાઉજીનાં ઘરે જવાનું છે. સ્વાતીએ નરમ સ્વરે કહ્યું "ઓકે ચાલો અને બધાં તાઉજીનાં ઘરે જવા નીકળ્યા મોહીનીબાની નજરોથી છાનું ના રહ્યું એમણે સ્વાતીને પૂછ્યું દીકરા તમે ગયાં ત્યારે તો ખૂબ ખુશમિજાજમાં હતાં અને પાછાં આવી તમારો ચેહરો સાવ ઉતરેલો છે કેમ શું કારણ છે ? કંઇ થયું ?"

સ્વાતીએ કહ્યું ના માં કંઇ નથી થયું પણ આખો દિવસ ફરી ફરીને થાકી ગઇ છું. પૃથ્વીરાજસિંહે કહ્યું "અરે દીકરા દીવાળીમાં તો હરવા ફરવાનું મજા કરવાની જુઓ કેટલી રોશની છે ચારો તરફ આમ વાતો કરતાં કરતા તાઉજીની કોઠીએ પહોંચી ગયાં.

વિશાળ સુંદર કોઠી હતી. આખી કોઠી પર શણગાર અને રોશની કરેલી હતી. જાહોજલાલી સ્પષ્ટ નજરે પડી રહી હતી. પૃથ્વીરાજસિંહ અને મોહીનીબા સાથે સ્વાતી કોઠીમાં ગયાં અને વિશાળ બેઠકખંડમાં તાઉજી કાશમીરી કાર્વીગના સોફા પર બેઠેલાં હતાં એમણે સ્વાતીને જોઇ ખૂબ વ્હાલથી બોલાવી. સ્વાતી દોડીને એમને પગે લાગી તાઉજીએ ગળે વળગાડી વ્હાલ કરી લીધું અને ગાલ પર ચૂમી ભરી લીધી. તાઉજીને કોઇ સંતાન ન્હોતું એમને સ્વાતી ખૂબ વ્હાલી હતી દરેક તહેવાર પ્રસંગ ઉત્સવ સ્વાતી જ કેન્દ્ર સ્થાને રહેતી એની મોટી કાકી માણેકબા પણ સ્વાતી પર ખૂબ વ્હાલ વરસાવતાં આમ કુટુંબમાં બધાની ખૂબ વ્હાલી અને લાડકી હતી. બધાંના કેન્દ્ર સ્થાને સ્વાતી હતી અને સ્વાતીનાં કેન્દ્ર સ્થાને સ્તવન..."

પ્રકરણ-12 સમાપ્ત

સરયુની અગોચર વિશ્વની વાતો એકધારી ચાલી રહેલી એને કોઇ વિક્ષેપ કર્યા વિનાં રસપૂર્વક સાંભળી રહેલાં હવે આગળ શું શું સરયુ કહેશે એજ સાંભળવા તલપાપડ હતાં. સરયું ઉર્ફે સ્વાતીની જીંદગીમાં શું થયું વાંચો "ઉજળી પ્રીતનાં પડછાયાં કાળાનાં" આવતા અંકોમાં...

***

Rate & Review

Verified icon

bhakti thanki 4 weeks ago

Verified icon

Solanki Mamta 1 month ago

Verified icon

Swati Kothari 2 months ago

Verified icon

Vasu Patel 4 months ago

Verified icon

Vaishali 4 months ago