22 Single - 15 books and stories free download online pdf in Gujarati

૨૨ સિંગલ ૧૫

“મમ્મી, આ હર્ષ ક્યાં ગયા? આજે એમની બર્થડે છે અને એમનો ફોન બંધ આવે છે. આવું કેમ? મારે એને વિશ પણ નહી કરવાનું?”

“હા બેટા, એનું એવું જ છે. એ વર્ષો થી એની બર્થડે ના દિવસે એનો ફોન સ્વીચ ઓફ કરીને જ સુઈ જાય છે. એની ઊંઘ એટલે કુંભકરણ જેવી. જગાડે એનું તો આવી જ બન્યું સમજવાનું.”

“હા, પણ મમ્મી ઉઠાડો ને, મારે વિશ કરવું છે!!”

“ના, બેટા. હવે તો એ કાલે સવારે ઉઠે ત્યારે જ. તું પણ સુઈ જા, વહુબેટા.”

આજે હર્ષનો ૩૫ મો જન્મદિવસ છે. ૩૪ પુરા થયા અને ૩૫ મૂ શરુ થયું. હર્ષને કોલેજના સમયથી જ બર્થડે ના દિવસે રાતે ફોન સ્વીચ ઓફ કરીને સુઈ જવાની ટેવ છે. કોઈ ફોન કરીને હેરાન તો ના કર. હોસ્ટેલમાં તો રૂમપાર્ટનર મારીમારીને જગાડે, વિશ કરે અને પોતે સુઈ જાય અને હર્ષ આખી રાત કણસતો બેસી રહે. જયારે હવે તો એકલા રહીયે એટલે એવો કઈ સવાલ જ નથી આવતો. પણ ફોન તો સ્વીચ ઓફ જ રાખવાનો. પોતાની ઊંઘ માં બિલકુલ ખલેલ ના પડવી જોઈએ. એમ પણ ત્યારે પણ કોઈ નહોતી કે રાતે ૧૨ વાગ્યા સુધી વિશ કરવા સ્પેશીયલ કોઈ જાગે.

૩૫ વર્ષનો થયો હોવા છતાં હર્ષ હજી સિંગલ છે. લગ્ન તો નથી જ થયા પણ હજી સુધી એક છોકરી પણ નથી પટી. હર્ષના નાના ભાઈ નું બે વર્ષથી નક્કી છે (ઉપરની વાત હર્ષની મમ્મી અને હર્ષના ‘ભાભી’ વચ્ચેની છે.) બે વર્ષથી એ લોકો હર્ષનું કોઈ જગ્યા એ મેળ પડી જાય એની રાહ જોઈ છે. એ તો માતા રાણી જ જાણે ક્યારે આ કુંવારો પરણશે!!!!!

હર્ષના બર્થેડે ની કેક કાપી સાંજે બધા હોટેલમાં જમવા ગયા. અમુક જુના મિત્રોના ફોન પણ આવ્યા. રાત્રે દસ ની આસપાસ હર્ષ અને અક્ષત-અનુ મળ્યા. હા, અનુ અને અક્ષતના મેરેજ ની આઠમી એનીવર્સરી હમણાં દસ દિવસ પહલા જ ઉજવી. એમની એક ક્યુટ છોકરી છે “તનુ”. અને “તનુ” ના ફેવરીટ અંકલ એટલે “હર્ષઅંકલ”.

અનુ : “ઓ હર્ષ, ક્યાં સુધી બીજાના છોકરા રમાડ્યા કરીશ, તું કૈક કર ને.”

હર્ષ : “બસ ભગવાન , તથાસ્તુ કહે એની જ રાહ જોવ છું.”

અક્ષત : “એમાં ને એમ ૧૦ વર્ષ નીકળી ગયા.”

હર્ષ : “૧૦ નહી પાંત્રીસ.”

અનુ : “કઈ નહિ, આ વર્ષે પાક્કું થઇ જ જશે.”

હર્ષ : “હા, આવું જ છેલ્લા ૧૦ વર્ષ થી સાંભળતો આવ્યો છું. છેલ્લા ૧૦ વર્ષમાં દરેક વર્ષે કંઇક ને કંઇક બાધા મમ્મી રખાવે છે. યાદ છે ને, 4 વર્ષ પહેલા કોઈ ‘બાબા’ ના કહેવાથી જીન્સ ના પેન્ટ પહેરવાનું બંધ કરાવડાવ્યું હતું. ‘બાબા’ કહે કે જીન્સ પહેરવું એ આપણી ‘સંસ્કૃતિ’ નથી. હવે એ ‘બાબા’ ને કોણ સમજાવે કે સંસ્કૃતિ જીન્સ પહેરીને એના પતિ અને બે બચ્ચાઓને લઈને દરરોજ મારી ગલીના નાકેથી નીકળે છે. સાલું, જીન્સ અને લગ્ન વચ્ચે શું સંબંધ? બધી જગ્યાએ જીન્સ ની જગ્યાએ ફોર્મલ પહેરીને જાવ તો ૩૫ ની ઉમરમાં ય ૫૦ નો દેખાતો હતો.”

અનુ : “સાચી વાત છે. આજકાલ છોકરીઓ પણ જીન્સ તો પહેરે જ છે એમાં શું નવી વાત છે. પણ તું મને એ કહે કે તું આ ‘બાબા’ માં પડ્યો જ ક્યાંથી?”

હર્ષ : “જય શ્રી કૃષ્ણ. આ વાત તો મારે કરવી જ નથી. ‘માં તે માં, બીજા બધા વગડાના વા”. “માં ને વંદન”. એમને સમજાવી જ ના શકાય. જે માણસ “નાસા” માં મંગળના ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ એ સંશોધન કરતો હોય એની માં પણ એને ‘મંગળ’ની વીંટી પહેરાવે.”

અક્ષત : “સારું એ છોડ, અત્યારે કોઈ છોકરી જોઈ કે નહિ?”

હર્ષ : “પહેલા તું મને પેલી છોકરી વિષે કહેવાનો હતો એનું શું થયું એ તો કહે.”

અક્ષત : “એણે ના પાડી.”

હર્ષ : “હા તો એમ સીધુ કઈ દે ને, કઈ નવું થોડું છે. છેલ્લી ૧૧ ને મેં હા જ પાડી છે અને એમાંની બે ને તો જોયા વગર જ. પેલી એ ના પડી એનું કારણ કઈ આપ્યું ક નહિ?”

અક્ષત : “એ છોકરી બેકાર છે. પોતાને બોલીવુડની બહુ મોટી હિરોઈન સમજે છે. ૩૨ ની થઇ તો પણ હજી ૧૮ ની છું એવું જ કહે છે. પછી એવું કહે આ થોડી લગ્નની ઉંમર છે!!!”

અનુ : “એ છોકરીએ પહેલા તો હા પડી જ દીધી હતી પણ...”

હર્ષ : “મારું મોઢું જોઈને ના પડી????”

અક્ષત : “ના લા. એને એમ કે કોઈ નાટકમાં કામ કરવાનું છે અને એના પાત્રમાં એણે તારી સાથે લગ્ન કરવાના છે. પણ જયારે ખરેખર મેરેજ ની વાત કરી ત્યારે ચોખ્ખી ના પાડી દીધી.”

હર્ષ : “અનુ, મારામાં કંઇક ખામી છે?”

અનુ ‘: “એ રહેવા દે ને હર્ષ. છોડ એ બધું.અત્યારે એના વિષે વાત કરવાનો કોઈ મતલબ નથી.”

હર્ષ : “મારી પાસે શું નથી? ગાડી છે, બંગલો છે, પૈસા છે અરે ‘માં’ પણ છે. હજી શું જોઈએ એને?”

અનુ : “ખબર નહી, આજકાલ ની છોકરીઓના તોબા.”

હર્ષ : “બસ હવે ‘દીક્ષા’ જ લઇ લેવી છે.”

અક્ષત : “ઓહો, 4 ઘર છોડીને જ રહે છે પેલી નાજુક-નમણી એ?? મસ્ત લાગે છે હાં બાકી.”

અનુ (અક્ષત ને ચીમટો ભરતા) : “માપ માં રહે.”

હર્ષ : “‘દીક્ષા’ એટલે ‘સન્યાસ’.”

અનુ : “રહેવા દે તારાથી એ પણ નહી થાય. એમાં ભૂખ્યા રહેવું પડે.”

હર્ષ : “ચાલશે એ પણ ચાલશે. મમ્મીએ એમ પણ કઈ કેટલા ઉપવાસ કરાવ્યા જ છે. ચોથ, મંગળવાર, ગુરુવાર, શનિવાર, અગિયારસ બધું જ તો કરી લીધું છે.”

અક્ષત : “આ બધું તે ખાઈ ખાઈને કર્યું છે. આ ‘’દીક્ષા’ માં માત્ર પાણી ઉપર જીવવાનું હોય.”

હર્ષ : “રહેવા દે તો તો. જીવતો જ નહી રહું તો આ ‘દીક્ષા’ નું ફળ ક્યારે ચાખીશ!!”

(અક્ષતે ઘડિયાળમાં સમય જોયો. બહુ લેટ થઇ ગયું એટલે એણે અનુ ને ઉઠવા નું કીધું. એટલે હર્ષ તરત બોલ્યો.)

હર્ષ : “ક્યાં ચાલ્યા યાર. બેસો હજી થોડી વાર.”

અક્ષત : “ના દોસ્ત, તનુ એકલી છે. સવારે એને સ્કૂલ એ પણ મોકલવાની છે. તારે તો ટેન્શન નથી અમારે તો છે જ.”

હર્ષ : “હા ભાઈ, જાવ જાવ.”

અનુ અને અક્ષત નીકળ્યા ત્યાં જ ઈન્ટરનેશનલ નંબર પરથી ફોન આવ્યો. હર્ષ નો કોલેજ નો મિત્ર સામે છેડે હતો.

ફ્રેન્ડ : “હેપ્પી બર્થડે હર્ષ...ક્યાં છે દોસ્ત? કેવું છે બોલ?”

હર્ષ : “શું વાત છે ભાઈ બહુ વર્ષો એ!!! થેંક્યું.”

ફ્રેન્ડ : “હા બસ એમ જ. બોલ ભાભી કેમ છે? યાર એક વાત થી હું નારાજ છું. તે મેરેજ માં બોલાવ્યા પણ નહી!!”

હર્ષ : “તારે કેવું છે? ઘરે બધા મઝામાં?”

ફ્રેન્ડ : “વાણીયો છે તું તો પક્કો. નક્કી મંદિર માં જ લગ્ન કરીને ખર્ચો બચાવ્યો હશે. કઈ નહિ તો એકાદ ફેમિલી ફોટો તો મોકલ. જોઈએ તો ખરા, તારું પરિવાર કેવું છે.”

હર્ષ : “દોસ્ત, થોડું કામ છે. પછી ફોન કરું?”

ફ્રેન્ડ : “અરે યાર, તારી બર્થડે ના દિવસે સ્પેશીયલ ફોન કર્યો છે. અને તું ફોન કટ કરવાની વાત કરે છે!!! સારું ચલ, તું એક કામ કર, ભાભી ને ફોન આપ, એમની ખબર-અંતર પૂછી લઉં.”

હર્ષ : “તારા લગ્ન થઇ ગયા?”

ફ્રેન્ડ : “હા, બે થયા. પહેલા છૂટાછેડા થયા અને એક વર્ષ પહેલા જ બીજા કર્યા.”

હર્ષ (મનમાં ને મનમાં) : “બોલો, ભગવાને આને એક પર એક ફ્રી ની સ્કીમ આપી છે અને મને તો ખાલી ૧૦ વર્ષથી લીંબુ જ પકડાવે છે.”

ફ્રેન્ડ : “આપને ફોન ભાભીને.”

હર્ષ (ગુસ્સામાં) : “શું ભાભી ભાભી કરે છે?? નથી તારી ભાભી કોઈ.”

ફ્રેન્ડ : “કશેક બહાર ગયા છે? એવું હોય તો હું પછી ફોન કરું.”

હર્ષ : “બે તું જા ને યાર. કીધું ને કે બિઝી છું. પછી ફોન કરીશ.”

ફ્રેન્ડ : “તને તો દોસ્ત ખોટું લાગી ગયું એવું લાગે છે.”

હર્ષ : “ખોટા ની ક્યાં કરે છે. તે તો મગજ ની.........”

ફ્રેન્ડ : “સારું ચલ, છોકરાઓ તો મઝામાં ને? કયા ધોરણમાં ભણે છે?”

બસ અવે પત્યું. હર્ષની લિમીટ આવી ગઈ.

હર્ષ : “શું છે તને? કેમ ભાભી ભાભી, છોકરાઓ વિષે પૂછ્યા કરે છે??? નથી થયા મારા લગ્ન. હજી કુંવારો છું. હવે એક સવાલ ના પૂછીશ!!”

ફ્રેન્ડ : “ઓહોઓ, હજી નથી થયા? કઈ પ્રોબ્લેમ છે???”

હર્ષ : “પ્રોબ્લેમ હોય મારા દુશ્મન માં . હું તો ૭૫ કિલોનો હટ્ટો-કટ્ટો છું.”

ફ્રેન્ડ : “તારે જો કરવું હોય ને તો મારી એક્ષ-વાઈફ નો નંબર આપું. એ હમણાં ફ્રી જ છે. એની સાથે કરી લે.”

હર્ષ : “ઓ મારા ભાઈ, મારે કઈ એની સાથે ઘર-ઘર નથી રમવાનું કે એ ફ્રી છે તો રમી લઇયે. લગ્ન કરવાના છે એની સાથે. કઈ ખાવાના ખેલ થોડા છે.”

ફ્રેન્ડ : “યાર હર્ષ તું એકવાર હા તો કર પછી ના ફાવે તો બીજી તૈયાર જ હોય.”

હર્ષ : “તે એવું જ કર્યું લાગે છે. સાલા 3 વર્ષ ભારત બહાર શું રહ્યા બધા સંસ્કારો ભૂલી ગયા.”

ફ્રેન્ડ : “અમારામાં તો મારું જ બહાર લફડું હતું એ એને ખબર પડી ગઈ એટલે લડાઈ થઇ અને પછી ડિવોર્સ જ.”

“સાલા ઘરમાં બૈરી હોય તો પણ બહાર બીજીઓ ઉપર નજર મારે. તમને તો છે ને ફાંસી થવી જોઈએ.” હર્ષે એનો બધો બળાપો કાઢ્યો.

ફ્રેન્ડ : “છોકરાઓ કયા ધોરણમાં ભણે એ તો કહે!!!”

હર્ષ : “લા, ગાંડો છે કે શું? સ્કૂલમાં સાયન્સ જેવું કઈ ભણ્યો છે કે નહિ? કહું છું કે હજી મેરેજ નથી થયા ત્યાં તું સાલું છોકરાઓં વિષે પૂછે છે.”

ફ્રેન્ડ : “તારો ગુસ્સા વાળો અવાજ સાંભળીને લાગે છે કે છોકરાઓ પણ નથી જ. પણ મને એમ કે કદાચ ‘સિંગલ પેરેન્ટ’ તું બન્યો હોય. જો ને હમણાં જ ‘તુષાર કપુર’ અને ‘કરણ જોહર’ ‘સિંગલ પેરેન્ટ’ બન્યા જ ને.”

હર્ષ : “હા, તો એ લોકોમાં પ્રોબ્લેમ હશે એટલે.”

ફ્રેન્ડ : ‘શું પ્રોબ્લેમ?”

હર્ષ : “બે યાર તું જા ને, મગજ ની પથારી ના ફેરવ. હવે કોઈ દિવસ ફોન ના કરતો નહી તો જ્યાં હશે ત્યાં આવીને મારીશ.”

ફ્રેન્ડ : “યાર, થોડું પ્રેક્ટીકલ વિચાર. હવે આ ઉઅરે તું ક્યાં ઘોડે બેસીસ. તારી પાસે જે પૈસા છે એનું કોઈ ક તો વર્સીહ હોવું જોઈએ ને.”

હર્ષ : “તું મારું ટેન્શન ના લે. તારું જો, તારા કેટલા છોકરા છે?”

ફ્રેન્ડ : “એક હતો.”

હર્ષ : “હતો એટલે?”

ફ્રેન્ડ : “છૂટાછેડામાં પેલી લઇ ગઈ.”

હર્ષ : “તો હવે ફરીથી કૈક વિચાર. મારું ટેન્શન ના લે, બરાબર. ચલ મળીયે પછી.”

ફ્રેન્ડ : “મારી પાસે એક મસ્ત આઈડિયા છે તારા માટે.”

હર્ષ : “મારે નથી જોઈતો.”ફ્રેન્ડ : “સાંભળ ને. જો તું મારી એક્ષ-વાઈફ સાથે મેરેજ કરી લે તો તને વાઈફ પણ મળી જાય અને છોકરો પણ. મારો છોકરો 4 વર્ષનો છે. ચાલશે ને?”

હર્ષ : “બે સાલા તે મને બર્થડે વિશ કરવા ફોન કર્યો છે કે તારી એક્ષ-વાઈફ ને મારી સાથે સેટ કરાવવા?”

ફ્રેન્ડ : “ બે તારા સારા માટે જ કહું છું. બોલ વિચાર હોય તો મને કહે.”

હર્ષ : “નહીહીહીહી.........”

અને ધબાક દઈને હર્ષ પલંગ પરથી નીચે પડ્યો. જોયું તો ચારે બાજુ એકદમ ઘોર અંધારું. પોતાની ઉંમર ખરેખર ૩૫ તો નથી થઇ ગઈ ને એ વિચારે જ આખા શરીરે પરસેવો થઇ ગયો. લાઈટ ચાલુ કરીને કેલેન્ડર જોયું. મોબાઈલમાં ટાઇમ અને કેલેન્ડર જોયું. બે-ચાર વાર અરીસામાં પોતાનો ચેહરો જોઈ આવ્યો ત્યારે ખાતરી થઇ કે ના હજી ૨૦૧૮ જ ચાલે છે અને પેલું ખાલી સપનું જ હતું. ત્યારે થોડી હાશ થઇ અને હર્ષ ફરી સુવા પથારીમાં પડ્યો.

(ક્રમશ:)